Dayri - 2 books and stories free download online pdf in Gujarati

ડાયરી - સીઝન ૨ - પાઠ - Lession

શીર્ષક : પાઠ
©લેખક : કમલેશ જોષી

તમે કદી કોઈને જિંદગી ભર યાદ રહી જાય એવો ‘પાઠ’ ભણાવ્યો છે ખરો? અમે જયારે પ્રાથમિકમાં ભણતા ત્યારે ગુજરાતીમાં કેટલાય પાઠ ભણવાના આવતા. પેલો આનંદીના બાલારામ પ્રવાસ વાળો પાઠ 'બે રૂપિયા', પેલો જુમા ભીસ્તીના પાડા વેણુ વાળો પાઠ, અમરતકાકી અને ગાંડી મંગુ વાળો ‘લોહીની સગાઈ’ પાઠ વગેરે જેવા અનેક પાઠ ભણાવતા પ્રાથમિક શિક્ષકો આજે પણ અમારા માનસપટ પર છવાયેલા છે. ત્રીસ-ચાલીસ મિનિટના પિરીયડમાં શિક્ષક કેટલું બધું ભણાવી જતા નહિ!

તમને એક ખાનગી વાત કહી દઉં. પ્રાયમરીમાં અમે સૌ ઠોઠ નિશાળિયાઓ હંમેશા ‘ડ’ ક્લાસમાં જ ભણ્યા છીએ. એમાંય અમારી લાસ્ટ બેંચ તો ‘ડ’ ક્લાસમાં ભણતા ટોપ લેવલના ‘ઢ’ વિદ્યાર્થીઓ તરીકે ફેમસ હતી. એક વખત નવું એડમિશન લઈ એક ચશ્મીશ અમારા ક્લાસમાં ફર્સ્ટ બેંચ પર આવીને બેઠો. અઠવાડિયામાં અમારે એની સાથે ટસલ થઈ ગઈ. અમે એને ‘પાઠ’ ભણાવવાનું નક્કી કર્યું. બીજા દિવસે એ બિચારાની સાયકલની હવા નીકળી ગઈ, તો બે'ક દિવસ પછી એની પાકી નોટ ગાયબ થઈ ગઈ. એક દિવસ તો એના ચશ્માં જ ગાયબ થઈ ગયા. પણ તે દિવસે પ્રિન્સીપાલે અમને સૌને એવા તતડાવ્યા કે અમારો તો ‘ઈગો’ સાતમા આસમાને પહોંચી ગયો. હવે તો અમે પેલા ચશ્મીશને ‘સુધારવા’નું રીતસર અભિયાન છેડ્યું. પંદર જ દિવસમાં એ તંગ આવી ગયો. પ્રિન્સીપાલ સાહેબે એને ‘ડ’ ક્લાસમાંથી ‘અ’ ક્લાસમાં શિફ્ટ કર્યો ત્યારે અમે સૌ ‘ઢ’ મિત્રોએ જોરદાર સેલિબ્રેશન કર્યું હતું. ત્રણ જ મહિનામાં રીઝલ્ટ આવી ગયું. અમે સૌ ત્રણ-ત્રણ વિષયમાં ‘નાપાસ’ થયા અને પેલો ચશ્મીશ ‘સ્કૂલ ફર્સ્ટ’ આવ્યો હતો. ગીતાજીમાં કહ્યું છે ને ‘કર્મણ્યેવાધિકારસ્તે...મા ફલેષુ કદાચન’. એ દિવસે એટલું તો અમને ચોક્કસ સમજાઈ ગયું કે ‘પાઠ’ ભણાવવાનું કામ આપણું નથી. પેલા સમજુ લોકો કહે છે ને કે ‘આપણે સૌ લાઈફ ટાઈમ માટે વિદ્યાર્થી જ છીએ’. પણ કોણ જાણે કેમ ઘણાં લોકો મોટી ઉંમરે પણ, પોતે શિક્ષક ન હોવા છતાં, બીજાને પાઠ ભણાવવાની લ્હાયમાં ને લ્હાયમાં પોતાની આખી જિંદગી ‘ફેલ’ જવા દેતા હોય છે - એવું મારા એક સોશિયલ ઓબ્ઝર્વર મિત્રનું માનવું છે. તમે શું માનો છો?

અમારા એક વડીલે એવો જ બળાપો કાઢ્યો “સાલું ખબર નથી પડતી કે કોણ પાઠ ભણાવે છે અને કોણ પાઠ ભણી રહ્યું છે? એક સફળ કપલના સક્સેસફુલ લગ્ન જીવનનું રાઝ એમના મધર-ફાધરની ‘એકબીજાને પાઠ’ ભણાવવા પાછળ વેસ્ટ ગયેલી આખી જિંદગી હતી બોલો! માતા-પિતાના જીવનનો આવો અંજામ જોઈ બાળકોએ “પાઠ” ભણી લીધો, નક્કી કર્યું, બીજી કોઈ પણ રીતે જિંદગી જીવીશું પણ આપણા મમ્મી પપ્પાએ જીવી એમ તો નહિ જ”. વડીલની વાતમાં ઊંડાણ હતું. એ આગળ બોલ્યા, “હમણાં એક જૂનો મિત્ર મને બહુ યાદ આવ્યો. ગામડે નાનપણથી યુવાની સુધી અમે રામ-લખનની જોડી કહેવાતા. કોઈ વાતે અમારી વચ્ચે તિરાડ પડી. એકબીજાને પાઠ ભણાવવા એકબીજાથી દૂર જતા રહ્યા હતા. ત્રીસેક વર્ષે હમણાં મને એ યાદ આવ્યો અને મને એની સાથેની કેટલીક મીઠી ઘટનાઓ પણ યાદ આવી ગઈ. ગામડે જઈ એની તપાસ કરી તો ખબર પડી કે એ તો દસેક વર્ષ પહેલા જ સ્વર્ગે સિધાવી ગયો હતો. મારા તો પગ નીચેથી જમીન સરકી ગઈ." વડીલનો અવાજ ગળગળો થઈ ગયો. અમે પણ સહેજ ગમગીન થઈ ગયા. આજેય કેટલાય સંતાનો પોતાના મમ્મી-પપ્પાને, વહુ સાસુને અને સાસુ વહુને, વાઇફ હસબંડને અને હસબંડ વાઇફને, તો કોઈ પોતાના સંતાનને, મિત્રને, કલીગને, આડોશી-પાડોશીને, ભાઈ-ભાંડુંને, જ્ઞાતિબંધુને કે ધંધાભાયુંને પાઠ ભણાવવા થનગની રહ્યા છે એનો સહેજ અમથો વિચાર પણ છેક ભીતર સુધી ધ્રુજાવી ગયો.

“તો શું આપણી સાથે કોઈ અંગત વ્યક્તિ ગેર વર્તણુંક કરી જાય તો આપણે એને ‘પાઠ’ શીખવવાનો જ નહિ?” અમારા ટીખળી મિત્રે પ્રશ્ન ઉઠાવ્યો.
“કૃષ્ણએ પણ દુર્યોધન અને શકુનિને તેઓ સાત જનમ સુધી ભૂલી ન શકે એવો પાઠ નહોતો ભણાવ્યો?” અમે સૌ વડીલ સામે તાકી રહ્યા.
"નો.. યુ આર રોંગ.." વડીલ બોલ્યા. "પહેલી વાત તો એ કે હું કે તું કૃષ્ણ નથી અને બીજી વાત એ કે કૃષ્ણએ કદી દુર્યોધનને કે શકુનિને લાફો નથી માર્યો કે પાઠ નથી ભણાવ્યો. હા, એણે અર્જુનને ચોક્કસ ગીતાપાઠ ભણાવેલો. પણ એ માટે અર્જુને ખુદે જ ‘શિષ્યસ્તેહં...’ કહી કૃષ્ણને પોતાના શિક્ષક બનવા, ગુરુ થવા વિનંતી કરી હતી." યેસ, વડીલની વાતમાં પોઈન્ટ હતો.

મિત્રો, પ્રાયમરીના ‘ઢ’ ગ્રુપ સાથે બેસીને હું એટલું ચોક્કસ સમજ્યો કે કોઈને પાઠ ભણાવવાનું કામ આપણું નથી. એ કામ તો શિક્ષકનું, સમયનું અને ઈશ્વરનું છે. જગત આખાનો ગ્રેટ શિક્ષક આપણે જેને માનીએ છીએ એ કૃષ્ણ કાનુડાએ મારા-તમારા જેવા અર્જુનોને બેસ્ટ લાઇફના ‘પાઠ’ જેવી ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ કહી એ દિવસ એટલે માગશર, સુદ, અગિયારસ. મીન્સ કે હમણાં જ ‘ગીતાજી’નો બર્થડે હતો. લગભગ અર્ધી લાઈફ વીતાવી ચૂકેલા આપણામાંથી કેટલાએ ‘ગીતા પાઠ’ ખરેખર પ્રેક્ટીકલી લાઇફમાં ઉતારવાની કોશિશ કરી છે? લાઇફની ફાઈનલ એક્ઝામ ડિસ્ટીંક્શન સાથે પાસ કરાવી આપનાર મોસ્ટ આઇ.એમ.પી ટેક્સ્ટ બુકનું એક પણ પાનું લાઇફમાં ઉતારવાની તસ્દી ન લેનાર આપણે બીજાને ‘પાઠ’ ભણાવવા નીકળીએ એ કેવું વિચિત્ર કહેવાય નહિ? મિત્રો, આજના રવિવારથી, જિંદગીના સાચા સિલેબસની ટેક્સ્ટ બુક ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ના એકાદ અધ્યાયનો ‘પાઠ’ કરવા, સમજવા, લાઇફમાં ઉતારવાની કોશિશ કરીએ તો કેવું? બાય ધી વે, ગીતાજીમાંથી તમને સૌથી વધુ ગમી ગયેલો એકાદ શ્લોક, તમે તારવેલા એના શોર્ટ એન્ડ સ્વીટ અર્થ સાથે જો કમેન્ટમાં અમને જણાવશો તો અમને ગમશે. કંઈક જાણવા મળશે.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)