Rajashri Kumarpal - 17 books and stories free download online pdf in Gujarati

રાજર્ષિ કુમારપાલ - 17

૧૭

સોરઠ-જુદ્ધના લડવૈયા

ઉદયન મહારાજ પાસે ગયો. સોરઠ જતાં પહેલાં એને એક વસ્તુ ચોક્કસ કરી લેવાની હતી. આંતરિક ઘર્ષણ જાગવાનો હરેક સંભવ ટાળવાનો હતો. અજયપાલ તો હવે દેથળીમાં બેસી ગયો હતો. એના ઉપર સતત જાગ્રત ચોકી પણ ત્રિલોચને ગોઠવી દીધી હતી, એટલે મહારાજ પાસે આ વાત અટય્રે ન કરવામાં એણે સાર જોયો. તેણે સોરઠની રણતૈયારીની વાત મૂકી.

‘મહારાજ! સોરઠના સૈન્યને હવે મહારાજ વિદાય આપે. બધું તૈયાર છે!’

‘પણ કોને મોકલવો છે, મહેતા, એ નક્કી કર્યું છે? કાક તો ત્યાં વર્ધમાનપુર પહોંચી ગયો છે. બીજું કોઈન જાય છે?’

‘કાક ત્યાં વર્ધમાનપુર છે. આ સૈન્ય ત્યાં એને મળીને આગળ વધશે. સમરસને ભિડાવવા બે માર્ગે વહેંચાઇ જાશે. એક ભાગને કાક દોરશે. બીજાને હું પોતે સંભાળીશ.’

‘તમે પોતે?’

‘કેમ મહારાજ? વાત તો એ નક્કી થઇ જ ગઈ છે. મારે વિમલાચલની જાત્રા ક્યારે થવાની હતી?’

‘જુઓ, મહેતા! મારું માનો તો તમે હવે આ ઉપાધિ ઉપાડો મા. વાગ્ભટ્ટને જ જાવા દ્યો. સાથે પ્રતાપમલ્લ જાય. પલોટાશે બે બેય વાત!’

ઉદયન વિચારમાં પડી ગયો. પ્રતાપમલ્લ આંહીંથી ખસે એ એને ઠીક ન લાગ્યું. અજયપાલ સામે એ જબરજસ્ત પ્રતિસ્પર્ધી હતો. એનું આખું વલણ મહારાજની જ રાજનીતિને આગળ ધપાવનારું અત્યારથી દેખાતું હતું. એક વખત અમારિનો ધર્મધ્વજ એ ફરકાવવાનો! એ ધર્મધ્વજને આંહીંથી ખસેડવો એ તો સ્વપ્ન ટાળવા જેવું હતું. ઉદયને બે હાથ જોડ્યા: ‘મહારાજ! આ સોર્થીઓના જુદ્ધમાં કાંઈ શીખવાનું નથી. એ જુદ્ધ હોતું જ નથી. એમની તો મારવા-ભાગવાની રમત હોય છે. મારવું ને ભાગી જાવું. મારે જાત્રાની જાત્રા ને જુદ્ધનું જુદ્ધ થશે. બેય હાથમાં લાડુ. એટલે થાય છે કે મારે જ જાવું. એ જુદ્ધ લાંબુ ચાલવાનું પણ નથી. સાથે કોઈ આવે તો પ્રતાપમલ્લજી કરતાં કેલ્હણજી આવતા હોય તો વધુ સારું. ચૌહાણ અમસ્તા આંહીં પડ્યા, નડૂલને ઝંખ્યા કરે છે. એમનું મન પણ કામે લાગશે. આપણે ત્યાંથી દંડનાયકને બોલાવી તો લેવો છે વહેલામોડા; આમને નાણી તો જોઈએ. આ જુદ્ધમાં જેવીક કસોટી પાર કરે છે એ ખબર પડશે. ભલે પછી નડૂલ જાતા. યોજના તો એ બંનેને ઉપાડવાની મેં ધારી છે. મહારાજની આજ્ઞા જોઈએ. 

‘પણ ડોસો આલ્હણ આહીંથી નડૂલ હાથમાં લીધા પહેલાં ખસે, એમ? વળી એ તો એમ પણ માનતો લાગે છે કે આંહીં હવે બધુંય ઓસરવા માંડ્યું છે!’

‘ઓસરવા માંડ્યું છે? શું ઓસરવા માંડ્યું છે?’

‘રજપૂતીનું શૂરાતન!’

‘હાં-હાં, એ બરાબર. સૌ-સૌ એ પણ ધારતા હશે. એટલે તો કદાચ એ આશા રાખીને બેઠા હશે કે ક્યાંક જરાક બોદું બોલે તો આંહીંથી રાતોરાત નડૂલ! આપણા હાથમાં છે ત્યાં સુધી તો એ વિશ્વાસુ છે જ. ને ડોસો કેલ્હણજીને રેઢા મૂકે નથી, એટલે બંને બાપદીકરો ત્યાં!’

કુમારપાલને વાત રુચિ ગઈ. પણ એ વિચારી રહ્યો: આલ્હણજી ઝટ માની જાય તેવો ન હતો. એને ખાતરી થાય કે આંહીં પાટણમાં જૂની શૂરવીરતા તો રહેવાની જ છે – ભલે રાજનીતિ સંસ્કારી રીત અપનાવે – તો ડોસો સમજે. થોડી વાર પછી મહારાજ ગોત્રદેવી કંટેશ્વરીના માંગલિક ઉત્સવમાં જવા ઊપડ્યા, ત્યારે એ નક્કી થઇ ગયું કે આલ્હણ-કેલ્હણને સોરઠ-જુદ્ધમાં સાથે લેવા. ઉદયન વિચાર કરી રહ્યો. મહારાજ ત્યાં કંટેશ્વરી મંદિર પાસે જ આલ્હણ-કેલ્હણને આજ્ઞા આપી દેવાના હોય તેમ જણાય છે. કુમારપાલની રીત એને જાણીતી હતી. છેલ્લી ઘડીએ એ નિશ્ચયને આત્મશ્રદ્ધાથી પાર ઉતારી દેતો. એમાં વચ્ચે કોઈ આવે તો એને ઉડવાનું હતું. 

એને થયું કે આમારિઘોષણાનો પણ અર્ધઆનંદ લઈને જ સોરઠ જવું. 

અને ત્યાં તો એક સૈનિકે ખબર પણ આપ્યા કે મહારાજ અમારિઘોષણા ફેલાવે તો અમારું શું – એ વિચાર રજૂ કરવા શહેરના તમામ ખાટકીઓએ ત્યાં કંટેશ્વરીમાં આવવાનું નક્કી કર્યું છે. એમના ધંધા ઉપર આફત છે એ ટાળવી હોય તો આજ ટળશે, પછી થઇ રહ્યું!

સૈનિકે વાત કરી તે પ્રમાણે માંસના વેપારીઓ પણ ત્યાં દોડ્યા હતા!

મહારાજ કુમારપાલ કંટેશ્વરી મંદિર બહાર નીકળી દ્વાર પાસે ઊભા રહી વિનમ્રતાથી દેવીને નમી રહ્યા હતા. એટલામાં ત્યાં કેટલાક લોકને જોઇને આશ્ચર્ય થયું. તેમણે ઉદયનની આંખ શોધી: ‘મહેતા! કોણ છે આ? શું છે એમને?’

ઉદયને એક માણસને મોકલ્યો: ‘અલ્યા, એમને આ બાજુ આવવાનું કહે. કોણ છે તેઓ બધા? આંહીં કેમ આવ્યા છે?’

ત્યાં દ્વાર પાસે જ તમામ સ્થિર થઇ ગયા. આલ્હણજીને પણ ઉદયને ત્યાં જોયા. મહારાજની દ્રષ્ટિ ત્યાંથી આઘેઆઘે દેખાતા એક કીર્તિસ્તંભ જેવા સ્તંભ ઉપર હતી. ત્યાં લોહના સાત તવા લટકી રહ્યા હતા. 

અચાનક જ મહારાજે ચારે તરફ જોયું. ધારાવર્ષદેવે માથું ધુણાવ્યું. શી વાત હતી તે કોઈને સમજાયું નહિ. એટલામાં તો પેલાં વેપારીઓ આવી પહોંચ્યા લાગ્યા. 

‘મહેતા! પૂછો તો એમને, શું છે?’

ઉદયન તો જાણતો હતો, આ બધા આંહીં શું કરવા દોડ્યા હતા તે. તેણે તેમના તરફ દ્રષ્ટિ કરી: ‘શું છે તમારે?’

‘પ્રભુ! અમારી રોજી ટળે છે!’

‘રોજી ટળે છે? શી રીતે? કોણ ટાળે છે?’

‘અમે સાંભળ્યું છે કે મહારાજ મદ્ય-માંસ નહિ વાપરવાનો પડો વજડાવવાના છે!’

‘એ તો મહારાજને...’ પણ ઉદયનનું વાક્ય અધૂરું રહી ગયું.

મહારાજે પોતે જ પૂછ્યું: ‘કોણે કહ્યું તમને?’

વેપારીઓએ બે હાથ જોડ્યા: ‘કહે કોણ, મહારાજ? સૌ કહે છે!’

‘સૌ એટલે?’

‘બધા વાતો કરે છે. સામંતો બોલે છે કે હવે મદ્ય-માંસ જવાનાં છે. આ દુકાનો બંધ કરો, નહિતર મરી રહેશો. સૈનિકો વાતો કરે છે કે હવે તો મદ્ય પીશે એ મરશે ને માંસ વાપરનારો હાથીને પગે જાશે!’

‘પણ એમાં તમારે શું?’

‘અમે, મહારાજ! વંશપરંપરાથી આ ધંધા ઉપર નભતા આવ્યા છીએ આજ હવે ક્યો ધંધો શોધવો? અમારાં છોકરાંને તો કુંભાર પણ નહિ રાખે!’

‘ત્યારે બીજો ધંધો શોધી લ્યો. મદ્ય-માંસ ગુજરાતભરમાંથી બંધ થવાનાં છે, માત્ર પાટણમાંથી નહિ. મહેતા! ત્રિલોચનપાલજી ક્યાં છે?’

ત્રિલોચન તરત દેખાયો. 

‘મહારાજ!’ વેપારીઓને લાગ્યું કે આ તો હાથે કરીને કૂવામાં પડવા આવ્યા. બે દિવસ મોડી થાત તે ઘોષણા અત્યારે જ કાં તો થઇ જાશે! તેમણે હાથ જોડ્યા: ‘મહારાજની રાજનીતિ સામે અમારે વાંધો નથી. અમને તો અમારા

પેટની પડી છે!

‘ધંધો બીજો શોધી લો, મહાજનને મળો.’

‘પણ એ બીજો ધંધો, કાંઈ આવતી કાલે જામી જાય? એકદમ નવો ધંધો મહારાજ! ફાવે પણ શી રીતે? પ્રશ્ન અમારા પેટનો છે, પ્રભુ! એમાં તો વખત જાય. ત્યાં સુધી ખાવું શું?’

કુમારપાલને વાત મનમાં ઊતરી ગઈ.

એણે ત્રિલોચન સામે જોયું: ‘ભાંડારિકજીને કહો આમને – કેટલું, એક વરસ લાગે તમારું રાગે પડતાં? તેમણે વેપારીને પૂછ્યું.

‘હા, મહારાજ!’ કેટલાક બોલ્યા.

‘અરે! બેસો-બેસો! તમે પણ, વખતાજી! બે વરસ તો વાત કરતાં નીકળી જાશે!’ બીજાઓએ વિરોધ કર્યો.

‘બે? મને લાગે છે, તમને મરુભૂમિમાંથી મજીઠના ગાડાં આવવાના હશે! ને કાં વાગડમાંથી મગ મળવાના હશે. બાફી ખાજો. અરે! ભાઈ ધૂળાજી! આ ત્રણ વરસતો હું બીતાંબીતાં કહું છું. તમારો ધંધો જાશે ને નવો આવશે ક્યાંથી? ત્રણ વરસ તો માખો મારવાની!’

‘મારવાની? બોલતો નહિ, અલ્યા!...’ કેલ્હણજી ઉતાવળો થઇ ગયો હતો. સૌ તેના તરફ જોઈ રહ્યા. મહારાજે પણ એક તીવ્ર દ્રષ્ટિ તેના તરફ કરીને તરત વાળી લીધી. આલ્હણજીને લાગ્યું કે છોકરો હાથે કરીને નડૂલ ખોવાનો થયો છે! ઉદયન તરત આલ્હણજીને પડખે ચડી ગયો. તેણે તેના કાનમાં કહ્યું: ‘આલ્હણજી! ધીરા થાજો. ઘા વાળી લેવાશે, પણ હમણાં બોલતા નહિ!’

‘આ છોકરો – એને બોલવાનું ભાન...’ આલ્હણજી બોલ્યો. પણ એટલામાં તો મહારાજ કુમારપાલનો મક્કમ નિશ્ચયાત્મક અવાજ સંભળાયો: ‘જેને જે કહેવું હોય તે ભલે કહે, પણ આજે જ ત્રિલોચનપાલજી! પાટણ-આખામાં આજે જ ઘોષ કરાવો. મદ્ય-માંસ બંધ થવાના છે! અને ભાંડારિકજીને કયો, આ વેપારીઓને તમામને ત્રણ વરસની એમની આવક ગણીને આપી દે!’

‘મહારાજ!’ ઉદયને બે હાથ જોડ્યા: ‘કેલ્હણજીની વાત બરાબર લાગે છે. આપણે હમણાં માત્ર જાણ કરાવો!’

‘પશુ પણ ઘાસ ખાય છે, મહેતા! માંસ તો રાક્ષસો ખાય. ચૌલુક્યરાજમાં એ વસ્તુ હવે નથી રહેવાની!’

‘તો-તો..’ કેલ્હણજીથી બોલી જવાયું.

‘શું તો-તો? કેલ્હણજી!’

ડોસો આલ્હણજી તરત છોકરાની પડખે ચડી ગયો. તેણે તેને એક ધીમો ઠોંસો લગાવ્યો: ‘કેલ્હણ! કોઈ બોલે છે?’ તેણે બહુ જ ધીમેથી કહ્યું: ‘પછી કોઈ લડાયક બળ નહિ રહે તો નહિ રહે. ગાંડાભાઈ! તેનું તારે શું?’

‘તુરુષ્કોના હાથે આ ગુજરાતીઓના બૈરાછોકરાં ગર્જનકની બજારમાં વેંચશે!’ કેલ્હણજીને રોમરોમ અગ્નિ પ્રગટી ગયો હતો: ‘અને એની સથે આપણા પણ!’ તેણે ડોસાને ધીમેથી ઉતાવળે કહી દીધું, પણ તે પછી તે એકદમ શાંત થઇ ગયો. મહારાજની આ ઉતાવળ કોઈને રુચિ  હતી. આંખઈશારતી વાત એમની વચ્ચે ચાલી રહી હતી. કેલ્હણજીના મનનો ભાવ જ એમાં પણ પ્રગટ થઇ રહ્યો હતો! પણ ઉદયનને એક સંતોષ થયો: ગમે તેમ, રાજાએ એક પગલું ભરી કાઢ્યું. ઉપેક્ષાવૃત્તિથી સામંતોએ એની સામે અત્યારે વિરોધ કર્યો ન હતો. પછી ની વાત પછી થઇ રહેશે. પણ કેલ્હણજીએ જે ઉતાવળી વાણી કાઢી હતી તે હજી મહારાજના દિલમાં રહી ગઈ હોય તેમ લાગતું હતું. કંટેશ્વરીથી સૌ વિદાય થાય. બધા ગંભીર હતા. કાંઈક બની ગયું હોય તેમ જણાતું હતું, પણ શું એ હતું તે કોઈ કળી શકતું ન હતું. 

એટલામાં રસ્તામાં જવાનાં માર્ગે પેલો કીર્તિસ્તંભ જેવો સ્તંભ દેખાયો. તેના આધારે લોહના સાત તવા લટકી રહ્યા હતા. કુમારપાલે એક દ્રષ્ટિ ચારે તરફ કરી. ‘ધારાવર્ષજી! તમે તો ધનુર્વિધ્યાના અર્જુન સમા છો. આ સાત તવાને વીંધવાવાળા કોઈ દિવસ થયાં હશે કે આ અમસ્ત જ લટકાવ્યા હશે? જાણકારો તો કહે છે કે મહારાજ ભીમદેવના સમયથી એ લટકે છે. મહારાજ એ ભેદી શકતા. ત્યાર પછી કોઈ જ ભેદી શક્યું નથી, મહેતા! વાત સાચી કે ગપ?’ 

‘પ્રભુ! વાત તો સાચી છે. મેં પણ સાંભળી છે!’

‘આલ્હણજીને ખબર હશે!’

‘એક વખત ભીમદેવ મહારાજે વિંધ્યા હતા. અમે પણ સાંભળ્યું હતું!’ આલ્હણજી બોલ્યો.

અચાનક મહારાજ ઊભા રહી ગયા. તેમણે દ્રષ્ટિ કરી. સૈનિક પાસે ધનુષબાણ મંગાવ્યા. ‘પરમાર! લ્યો ત્યારે, આજ આપણે પારખું કરીએ!’

ઉદયન આશ્ચર્યચકિત થઇ ગયો. મહારાજ કુમારપાલની છેલ્લી ઘડીના આત્મનિશ્ચયની પ્રથા પણ બદલાઈ ગઈ જણાઈ. કૃષ્ણદેવને જનોઈવઢ ઘા કરનારી ઉદ્વેકપૂર્ણ ઘૃષ્ટતાને સ્થાને શાંત વીરત્વ આવી ગયું હતું. અત્યારે કેલ્હણજીને આ જવાબ અપાઈ રહ્યો હતો, પણ મહારાજે પહેલાં એ જુદી જ રીતે આપ્યો હોત. 

‘આવો! કોણ આવે છે? એક લક્ષ સુવર્ણ દ્રમ્મ આપવાના, જે સાતે તવા એક બાણે વીંધે તેને!’

‘ચોક્કસ?’

‘ત્યાં શું રમત માંડી છે, કેલ્હણજી? આવો, તમે આવો!’

કેલ્હણજી તવા સામે જોઈ રહ્યો. એને વાત અશક્ય લાગી. તે બે ડગલાં પાછાં હઠ્યો.

‘કેમ પાછા હઠ્યા, ભા?’ આલ્હણે મીઠો ઉપાલંભ આપ્યો: ‘આવો ને! આ તો મહારાજે ક્ષત્રીવટની પરીક્ષા માંડી છે!’

‘મહેતા, તમે?’ 

ઉદયને બે હાથ જોડ્યા: ‘વિમલમંત્રીનો જમાનો ગયો, પ્રભુ!’

પરમાર ધારાવર્ષદેવ આગળ આવ્યો. તવા સમે જોઈ રહ્યો. અંતરનો ખ્યાલ લીધો. પછી એણે પણ જરાક પાછો પગ માંડ્યો: ‘અરે! ધારાવર્ષદેવજી! તમે પણ? ત્યારે હવે થઇ રહ્યું!’

‘પ્રભુ! ત્રણ તવા હોય તો વિંધાય. આં સાત  કોઈ વીંધી શકે કે કોઈ દિવસ કોઈ વીંધતું હશે, એ માન્યામાં આવતું નથી!’

‘મનેય માન્યામાં આવતું નથી!’ મહારાજે કહ્યું: ‘આ તો એક આદર્શ કોઈએ મૂક્યો લાગે છે!’

‘હું પણ એમ જ જાણું છું!’ કેલ્હણે કહ્યું.

‘એ તો એમ જ, ભા! સાત વીંધવાવાળા ગયા!’

‘સાત ન વિંધાય!’

કુમારપાલે પોતે ધનુષબાણ લીધાં, સૌ જોઈ રહ્યા. હમણાં મહારાજ પણ પ્રયત્ન છોડી દેશે એ વિશે કોઈને શંકા ન હતી. 

પણ એટલામાં મહારાજે તો ખરેખર વીરાસન વાળ્યું. ચારે તરફ અંત માપ્યું. નિશાન લીધું. એકદ્રષ્ટિ થઇ ગયા. ઔ જોઈ જ રહ્યા. અમસ્તું નિશાન લે છે એમ સૌએ માન્યું. એકદ્રષ્ટિ કરી.

પણ કોઈ કાંઈ સમજે તે પહેલાં તો આકાશમાં જેમ કોઈ મહાન ગરુડ પંખી સનસનાટી બોલાવતું જાય તેમ મહારાજનું બાણ ગયું હતું. 

સાતે તવા વીંધાઈ ગયા હતા!

આશ્ચર્યમુગ્ધ થઈને સૌ જોઈ જ રહ્યા! એમની દ્રષ્ટિ પૃથ્વી ઉપર જઈ રહી હતી! મહારાજે જાણે એમને એક આહ્વાન આપી દીધું હતું.

ઉદયને આલ્હણજીના કાનમાં કહ્યું: ‘આલ્હણજી! આ તમારા કેલ્હણજીને પ્રત્યુત્તર છે હો!’

એટલામાં મહારાજે કહ્યું: ‘કેલ્હણજી! મહાઅમાત્ય એંશી વર્ષે સોરઠ-જુદ્ધ કરવા ચડે છે એકલા, ત્યારે આ તો તમે સૌ સાથે છો!’

કોઈ કાંઈ બોલ્યું નહિ. બોલી શક્યું નહિ. કૃષ્ણદેવને હણી નાખનારું બળ ત્યાં હતું. શૈલી ફરી ગઈ હતી.

આલ્હણ કાંઈક વિચાર કરી રહ્યો હતો, તે આગળ આવ્યો. એણે બે હાથ જોડ્યા: ‘મહારાજ! મહાઅમાત્યજી સાથે હું જાઉં. અમે જૂના જમાનાની વાતો સંભારશું ને રણક્ષેત્ર સંભાળશું!’

‘પણ તમે બેય વૃદ્ધ અનુભવી ત્યાં હો, પછી આંહીં કોણ?’

‘મહારાજ! આ સોરઠ-જુદ્ધ લાંબુ નહિ ચાલે. બાબરું ભાગી જાશે. બીજું કોઈ તો છે નહિ!’

‘ભલે તો – રજપૂતને રણમાં જવાની ના કોઈનાથી પડાય? કોક જુવાનડો ભેગો લેતા જાઓ. પ્રતાપમલ્લ આવે?’

‘ના, મહારાજ! આવશે મારો કેલ્હણ!’

કેલ્હણજીને આ તક ઝડપી લેવા જેવી લાગી. એટલામાં ઉદયને પણ તેને કાનમાં જ કહ્યું: ‘કેલ્હણજી! ધોઈ નાખવું હોય દેથળીદરબારવાળું તો આ તક છે. આ પળ પછી નહિ આવે હો!’

કેલ્હણજી વાત સમજી ગયો લાગ્યો. તેના મનમાં પણ મહારાજના અપ્રતિમ બળ પાસે હજી તો સૌ પાણી ભરે છે એ વિચાર ઘોળાતા હતા. તે પણ સાચવી લેવા માગતો હતો. તે આગળ આવ્યો:

‘કેલ્હણે બે હાથ જોડ્યા, તેણે તરત મહારાજને કહ્યું: ‘પ્રભુ! સોરઠ-જુદ્ધમાં હું પણ ભેગો જઈશ. બે વૃદ્ધોને એક જુવાનડો સાથે જોઈએ, કેમ મહાઅમાત્યજી?’

‘ભૈ! હું તો ઘણો એ ઈચ્છું, પણ તમને રુચે એ મારે પહેલું જોવાનું!’

કુમારપાલ સમજી ગયો. તે મનમાં હસી રહ્યો. આ તમામ બળના ઉપાસકો છે. બળની જ ભાષા સમજે તેવાં છે. આમનું નાક દાબ્યું તો મોં ઊઘડ્યું છે! પણ એમના મનનું સમાધાન એ જુદ્ધના માર્ગને વધુ સફળ કરે તેમ હતું, ‘મહેતા! મહારાજે કહ્યું: ‘તો-તો કેલ્હણજી આવશે. ત્યાં આંહીં આપણે વિગ્રહરાજનું મન પણ કળાઈ ગયું હશે. એ નડૂલ ઉપર મોટો ભા થઈને આવવા માગતો જ હોય, તો આપણો દંડનાયક ત્યાં છે, એટલે આપણને જુદ્ધમાં નોતરું એણે આપ્યું, એમ સમજવાનું. આ સમજણથી જ, કેલ્હણદેવજી! દંડનાયક બીજલદેવ ત્યાં રહ્યા છે. વાદળાં વેરાઈ જાય, વિગ્રહરાજ વિગ્રહનો પંથ માંડી વાલે, પછી અમારા દંડનાયકને ત્યાં કાંઈ કામ નથી. તમે સોરઠથી આવશો ત્યાં એ વાતનો ક્યાસ પણ મળી રહેશે. મનમાં વસવસો બાપ-દીકરા કોઈના મનમાં ન રહે, એવી આ ચોખ્ખી વાત મેં તો કરી નાખી છે. મારું વેણ છે. જુઓ, પછી તો જેમ તમારું મન તમને કહે તેમ કરો. નડૂલ જાવું હોય તોય ભલે! તમારો કપાળગરાસ છે!’

‘મહારાજ! અમે તો ત્રણ-ત્રણ પેઢીથી આંહીં જોડાણા છીએ. અમારા મનમાં વસવસો કેવી?’ આલ્હણદેવ બોલ્યો: ‘અમે તો સોરઠ-જુદ્ધના જયસમાચાર આપવા હવે આવીશું.’

‘વાહ ભા! વાહ! નડૂલરાજના મોંમાં આ જ શોભે!’ ઉદયન બોલ્યો. તે મનમાં ને મનમાં સંતોષ અનુભવી રહ્યો હતો. ‘આટલી વાર લાગે!’ એ મહારાજનું બળ-આહ્વાન જ છેવટે કામ આપી ગયું હતું. પણ મહારાજની રીતમાં જે જબરજસ્ત ફેરફાર હતો તેણે બાપ-દીકરા બંનેનાં મનમાંથી નડૂલનો વસવસો કાઢી નાખ્યો હતો. તે વિચારી રહ્યો:

‘ક્યાં કૃષ્ણદેવને જનોઈવઢ કાપી નાખવા ધસતું એ ભયંક કૃપાણધારી સ્વરૂપ અને ક્યાં આજનું શાંત પણ અપ્રતિમ વીરત્વ! મહારાજ વિચાર ચતુર્મુખ થયા છે એની હવે કોણ ના પાડે તેમ છે?’

મહારાજના જીવનઘડતરની ગુરુકથા એ સંભારી રહ્યો.

હવે પોતે ગુરુને મળી લે અને દેથળીદરબારની સ્પષ્ટ વાત તો નહિ પણ સૂચન દ્વારા સાવધાન રહેવા જેવી વસ્તુસ્થિતિ ગુરુને કહી દે, પછી એને સોરઠને માર્ગે પ્રયાણ કરવાનું હતું.