Love you yaar - 38 books and stories free download online pdf in Gujarati

લવ યુ યાર - ભાગ 38

મીત સાંવરીની બાજુમાં જઈને સૂઈ ગયો પરંતુ આજે તેનું મગજ આમ વિચારે જ ચઢી ગયું હતું અને એટલામાં સાંવરીએ પડખું ફેરવ્યું અને તે જાગી ગઈ મીતને જાગતો જોઈને તેણે તરતજ મીતને પૂછ્યું કે, " કેમ હજી સૂતો નથી, ઉંઘ નથી આવતી તને ? " અને મીત જાણે વિચારોમાંથી બહાર આવ્યો અને તેણે જેનીની બધીજ વાતો અને ચિંતા બાજુ પર મૂકી દીધી અને " આઈ જા મારી ડાર્લિંગ " તેમ બોલીને પોતાની સાંવરીને પોતાની બાહુપાશમાં જકડી લીધી અને બંને એકબીજામાં ખોવાઈ ગયા જાણે તે બે નહીં પણ એક જ હોય તેમ....

બીજે દિવસે સવારે મીત ઓફિસે જવા માટે નીકળ્યો એટલે સાંવરીએ તેને તરતજ રોક્યો અને પોતે પણ સાથે જ આવે છે તેમ કહ્યું પરંતુ મીતે તેને કહ્યું કે, " તું ઘરનું થોડું કામ પતાવીને તૈયાર થઈને રહેજે હું લન્ચ બ્રેકમાં ઘરે આવું છું પછી તને સાથે લઈ જઈશ. " સાંવરીને પણ મીતની આ વાત યોગ્ય લાગી એટલે તેણે કહ્યું કે, " ઓકે હા, આમેય ઘણાં સમય પછી આ ઘર ખોલ્યું છે તો હું જરા ઘરમાં શું જોઈએ છે અને કિચનમાં પણ શું જોઈએ છે તેનું ગ્રોસરી વગેરેનું લિસ્ટ બનાવી દઉં પછી આપણે સાથે મોલમાં જઈને બધું લઈ આવીશું. "
મીત: ઓકે, બરાબર છે તારી વાત. ચાલ તો હું નીકળું તું તૈયાર થઈને રહેજે હું આવું છું પછી આજે આપણે બહાર જ લન્ચ લઈ લઈશું અને ત્યાંથી સીધા ઓફિસે જઈશું.
સાંવરી: હા બાબા હા, ઓકે તું જાને હવે.

અને મીત ઘરેથી નીકળ્યો એટલે તેણે તરત જ જેનીને ફોન કર્યો અને તેનું એડ્રેસ મંગાવી લીધું. જી.પી.એસ. ચાલુ કરીને મીત જેનીના ઘરે પહોંચી ગયો.

જેવો મીત જેનીના ઘરે પહોંચ્યો કે તરત જ જેની તેને વળગીને રડવા લાગી...જેનીનું રડવાનું બંધ થતું નહોતું. મીત સતત તેને પંપાળતો રહ્યો અને તેને શાંત પાડવા માટે સમજાવતો રહ્યો પરંતુ જેની નાના બાળકની માફક આજે છૂટ્ટા મોંએ રડી રહી હતી. થોડા સમય બાદ જ્યારે જેનીનો બધોજ ઉભરો ઠલવાઈ ગયો ત્યારે જેની શાંત પડી અને મીતને કહેવા લાગી કે, " તને ખબર છે ને કે, મારું આ દુનિયામાં પોતાનું કહી શકાય તેવું કોઈ નથી મિત્ર ગણો કે સગા સંબંધીમાં કોઈ ગણો જે ગણો તે ફક્ત તું જ છે. આજથી પાંચ વર્ષ પહેલાં પણ તે જ મને સહારો આપ્યો હતો અને મને નોકરી આપી હતી અને આજે પણ તારે જ મને સહારો આપવાનો છે."
મીત: પહેલાં તો તું એકદમ શાંત થઈ જા અને મારી વાત સાંભળ, તારે જે પણ સહારાની, મદદની જરૂર હશે તે બધુંજ હું તને આપવા માટે તૈયાર છું પણ એક વાત સમજી લે આજથી પાંચ વર્ષ પહેલાંની વાત કંઈક અલગ હતી અને અત્યારની વાત કંઈક અલગ છે પહેલા મને કોઈ તકલીફ હોય કે તને કોઈ તકલીફ હોય તો તું મારા ઘરે આવીને રહી શકતી હતી પરંતુ હવે તે શક્ય નથી કારણ કે હવે હું મેરીડ છું અને મારી સાંવરી મારી સાથે જ અહીંયા આવી છે ઓકે..? હવે તું મને માંડીને વાત કરે કે તે લગ્ન ક્યારે કર્યા, કોની સાથે કર્યા અને એકદમ આ બધું શું બની ગયું તેમ કહે તો મને ખબર પડે.
જેની: તને યાદ છે તે દિવસે તે ઓવરડ્રિન્ક કરી લીધું હતું અને પછી ત્યાં પાર્ટીમાં ને પાર્ટીમાં જ તું લથડીયા ખાતો હતો અને હું કાર ડ્રાઈવ કરીને તને તારા ઘર સુધી લઈ આવી હતી પરંતુ ઘરે લાવ્યા પછી તો તારી તબિયત વધારે બગડી ગઈ હતી અને તને ખૂબ વોમિટીંગ થતું હતું આખી રાત તે માથે કરી હતી...
અને મીત વચ્ચે જ બોલ્યો, " અને તે રાત્રે આખી રાત તે મારી સેવા કરી હતી અને મને વોમિટીંગ થઈ તેની સફાઈ પણ બધી તે જ કરી હતી અને તે પછી તો અવારનવાર તું પાર્ટીમાંથી તો ક્યારેક ઓફિસેથી બારોબાર મારા ઘરે આવતી અને આપણે સાથે જ ડિનર કરતાં ડ્રીન્ક કરતાં અને પછી તું મારી સાથે જ રોકાઈ જતી. "
જેની: હા બસ, મારું આ દુનિયામાં કોઈ નહોતું હું નાની હતી ત્યારે જ મમ્મી પપ્પા એક ખતરનાક એક્સિડન્ટમાઅં મૃત્યુ પામી ચૂક્યા હતા દાદી એકલા હતા તેમની સાથે રહીને મોટી થઈ અને ભણી અને એક દિવસ મારી ફ્રેન્ડ પ્રીન્સીની બર્થડે પાર્ટીમાં આપણી મુલાકાત થઈ અને વાત વાતમાં મેં તને મારે કંઈ કામ કરવું છે મારે કામની જરૂર છે તેમ મેં જણાવ્યું અને તે મને જોબ ઓફર કરી.. કીડીને તણખલું મળે અને કેવો સહારો મળે તેમ મને પણ તણખલું મળ્યું હોય તેમ તારો સુંદર સહારો મળ્યો હતો (અને જેની મીતને વધુ વળગીને બેઠી..) અને બસ પછી તો સતત તારો સહેવાસ મને તારી તરફ ખૂબજ ખેંચતો ગયો અને હું તને ખૂબજ ચાહવા લાગી હતી. તે દિવસે તારી તબિયત બગડી અને મેં તારી સેવા કરી ત્યારે તે મને વચન આપ્યું હતું કે, હું જે માંગીશ તે તું આપવા માટે બંધાયેલો છે. મેં તારી સાથે લગ્ન કરવા માટે તને પ્રપોઝ કર્યું પરંતુ આઉટકાસ્ટને લીધે તારા મમ્મી પપ્પા આ લગ્ન ક્યારેય નહીં સ્વીકારે અને તું તારા મમ્મી પપ્પાનો એકનો એક દિકરો છે તેથી તેમને દુઃખ થાય તેવું તું ક્યારેય નહીં કરે તેમ તે કહ્યું અને આમ તે મારી સાથે લગ્ન કરવા માટે સાફ ઈન્કાર કર્યો ત્યારે મને ખૂબજ દુઃખ થયું હતું અને મને તારી ઉપર ખૂબજ ગુસ્સો આવ્યો હતો અને મને તારાથી ખૂબજ ખોટું પણ લાગ્યું હતું પછી ગુસ્સામાં ને ગુસ્સામાં મેં તારી કંપનીમાં રેઝીગ્નેશન આપી દીધું હતું અને પછી મને સુજોયની કંપનીમાં જોબ મળી ગઈ હતી. મારી જોબના પહેલા જ દિવસે સુજોય સાથે મારી મુલાકાત થઈ. તદ્દન નિખાલસ, છ ફૂટની ઊંચાઈ અને સ્ટાઉટ બોડી ધરાવતા એકદમ રૂપાળા અને બોલકણા સુજોયને પહેલી જ નજરે હું ખૂબજ ગમી ગઈ હતી થોડા દિવસ પછી તેણે મને પ્રપોઝ કર્યું અમે બંને થોડો વધારે સમય સાથે રહેવા લાગ્યા અને પછી તેણે મારી સાથે લગ્ન કરવા માટે મને પૂછ્યું તે વખતે મારી સામે બીજું કોઈ ઓપ્શન પણ નહોતું અને મેં તેને લગ્ન માટે હા પાડી દીધી અમારા બંનેના લગ્ન થઈ ગયા અમારી ઓફિસમાંથી જ તેને મહિનાના થોડા દિવસ ઓફિસના કામથી જ બહારગામ જવાનું થતું હતું તો તે ક્યારેક પંદર વીસ દિવસે એક જ વખત ઘરે આવી શકતો હતો મને તેનો કોઈ વાંધો નહોતો સુજોય ખૂબજ સારો છોકરો હતો તે મને ખૂબજ પ્રેમ કરતો હતો અને મને ખૂબ સારું રાખતો હતો બહારગામ હોય તો પણ તે દિવસમાં બે ત્રણ વખત તો મને ફોન કરતો જ હતો પણ આ વખતે તેણે મને ચારેક દિવસથી બિલકુલ ફોન જ કર્યો નહોતો હું સતત તેને ફોન કરતી રહી પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ જ આવતો હતો અમારી સાથે જે જોબ કરતા હતા તે બધાયને હું દિવસમાં બે ત્રણવાર ફોન કરીને પૂછ્યા કરતી હતી કે, સુજોયનો ફોન આવ્યો, તમારી સુજોય સાથે વાત થઈ પરંતુ મને સતત નિરાશા જ મળતી રહી. હું હારી ગઈ હતી થાકી ગઈ હતી મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું શું કરવું તે મને સમજાતું નહોતું મારી આશા પણ ખૂટી ગઈ હતી અને અચાનક એક દિવસ હું જોબ ઉપરથી ઘરે આવી અને કમ્પાઉન્ડમાં સુજોયની લાશ જોઈને હું ચીસ પાડી ઉઠી હું બેભાન થઈ ગઈ આજુબાજુવાળા બધા ભેગા થઈ ગયા અને તેમણે પોલીસને પણ જાણ કરી દીધી હતી પરંતુ કઈરીતે મારા સુજોયનું ખૂન થયું, કોણે કર્યું અને શા માટે કર્યું ? તે રહસ્ય હજી સુધી અકબંધ છે. પોલીસ ઈન્કવાયરી ચાલુ છે પોલીસ મારી ઉપર પણ ડાઉટ કરી રહી છે પરંતુ હું શું કામ મારા સુજોયનું ખૂન કરું ? મને તો મારો સુજોય મારા જીવથી પણ વધુ વ્હાલો હતો મેં જ્યારે તેની સાથે લગ્ન કર્યા ત્યારે મને તે એટલો વ્હાલો નહોતો પણ તેની સાથે રહ્યા પછી હું તેને સમજી શકી હતી અને સાદા સીધા સુજોયના પ્રેમમાં પડી હતી. અમે લગ્ન કર્યા ત્યારે તેનાં મમ્મી જીવીત હતા પણ સુજોય તેમને ગામમાં એકલા છોડીને જ પોતાની જોબ માટે અહીં લંડનમાં એકલો જ રહેતો હતો અને અમારા લગ્નના બે મહિના પછી તેમનું સીવીયર હાર્ટએટેકમાં મૃત્યુ થયું હતું. મને યાદ છે સુજોય તે દિવસે ખૂબ રડ્યો હતો અને કહેતો હતો કે, પપ્પા મને નાનો મૂકીને જ મૃત્યુ પામ્યા હતા મમ્મીએ જ મને ભણાવીગણાવીને મોટો કર્યો છે અને મારી મોમ અને તું બંને મને ખૂબ વ્હાલા છો મોમ તો મને મૂકીને ચાલી ગઈ પણ તું મને મૂકીને કદી ક્યાંય ન જતી અને આજે જોને મીત એ મને છોડીને ચાલ્યો ગયો અને જેની ફરીથી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.

એક પછી એક રહસ્ય ઘૂંટાતું જાય છે. સુજોયનું ખૂન કોણે કર્યું હશે અને શા માટે કર્યું હશે ? પોતાના પતિના મૃત્યુના બહાના હેઠળ જેની મીતને પોતાની તરફ ખેંચી તો નથી રહીને ? મીત જેનીને મદદ કરશે અને કરશે તો સાંવરીને તેની જાણ થઈ જશે અને જાણ થશે તો સાંવરી શું રિએક્ટ કરશે ? જોઈએ આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
30/1/24