anger books and stories free download online pdf in Gujarati

ગુસ્સો

ગુસ્સો એના નાક ના ટેરવા પર જ રહેતો.આંખોમા તો જાણે ગુસ્સાનું કાજળ આજેલું, કોઈવાર કંઈ પણ કારણ હોય ને ક્યારેક વગર કારણે પણ કોઈ કારણ ઉપજાવી ને પણ એ મનાલી પર ત્રાટકતો ત્યારે જ જાણે એને રોજનું ભોજન પચતું હશે કદાચ!!!
મનોજ અને મનાલી બંને લગ્ન ના માતા પિતા ની મરજી થી જ થયેલા.મનાલી તો હજુ લગ્ન ની બાબતે સજાગ થાય એ પહેલાં તો એના ઘડિયા લગ્ન લેવાય ગયેલા.વાત બીજી કંઈ ન હતી પરંતુ દાદાની નાદુરસ્ત તબિયત અને તેની આખરી ઈચ્છા મનાલીના લગ્ન જોવાની... પપ્પા એ તેની આખરી ઈચ્છાને માન આપતા છોકરાઓ જોવાનું ચાલુ કરેલું એકવડિયા બાંધાની, રૂપાળી નાજુક મનાલી પહેલી જ નજરે મનોજના પપ્પા ની આંખમાં વસી ગયેલી મનોજ ના તોરી સ્વભાવથી પરિચિત અંતુભાઈએ ઠરેલ, શાંત અને દિકરાના ગુસ્સા ને સહી શકે એવી આ મનાલી ગમી જ ગયેલી.મનોજ ને આ બાબતે ઈચ્છા હતી કે નહિ એ વાત તો ખબર નહિ પણ બન્ને ના લગ્ન ટૂંક સમયમાં ગોઠવાય ગયેલા એટલે બંને વચ્ચે બહુ પરિચય કેળવાયો નહિ.
ધામધુમથી લગ્ન કરીને જાન ઘરે પાછી આવી ત્યારે બાકીની વિધિ માટે જ્યારે કોડીએ રમાડવાની રસમ કરવામાં આવી ત્યારે જ પહેલીવાર મનાલીને મનોજના ગુસ્સાનો પરચો મળી ગયેલો.આ વિધિ ચાલુ થાય એ પહેલાં જ તે બરાડી ઉઠેલો,મારે કોઈ આવા નખરા નહિ જોઈએ, ઘરમાં ચાલવાનું તો મારું જ છે પછી કોઈ વિધિની શું જરૂર છે.હવે તમારી આ વિધિઓ સંકેલો મને આરામ કરવો છે.... મનાલી તો હેબતાઈ ગયેલી.

પછી તો રોજનું થયેલું મનોજ ની નાની નાની વાતમાં ઉતારી પાડવાની આદત,બરાડા પાડવાની ટેવ,સતત ચહેરા પર ગુસ્સો તેને ખુબ પીડા આપતા.પહેલીવાર પિયર ગયેલી ત્યારે દાદાની ગંભીર બિમારીનુ વાતાવરણ ઘરમાં ના હોત તો તે સાસરે ફરી જવાનું જ માંડી વાળત, પરંતુ આ પરિસ્થિતિ માં પિયરમાં પોતાના દુઃખ ગાવા તેને યોગ્ય ના લાગ્યું એ અંદરને અંદર સમસમી જતી પણ ક્યારેક તેણે મનોજ સામે પ્રત્યુતર વાળ્યો જ નહિ.આમને આમ દિવસો ને વર્ષો વિતતા ગયા.મનોજ પણ તેને ગરીબડી ગણી મુંગી રહેનાર મનાલી પર વધુ ને વધુ બરાડા પાડતો.બન્ને વચ્ચે અંતર વધતું રહ્યું મનાલી પણ જરૂર પુરતી જ તેની સાથે વાત કરતી.ઘરમાં સાસુનો સ્વભાવ સારો તે મનાલી ને દિકરી થી વિશેષ સાચવતા પરંતુ મનોજના ગુસ્સાની વાતમાં એનું પણ કંઈ ઉપજતું નહિ.મનોજ ધંધામાં બહુ હોંશિયાર પરંતુ તેના સ્વભાવ ને લીધે કર્મચારીઓ ડરતા તેનાથી, કોઈ વધુ સમય ટકતું નહિ.સસરાને દિકરાની હોંશિયારી નું ભારે ગુમાન એટલે એ પણ કંઇ બહુ કહેતા નહિ.
મનાલી એ સાસુની મદદથી આગળનો અભ્યાસ ચાલુ કર્યો.ભણવામાં બહુ હોંશિયાર મનાલી એ GPSCની પરીક્ષા આપી અને ખુબ જ સારા ગુણ સાથે પરીક્ષા પાસ પણ કરી.

આજે સવારે જ પોસ્ટમાં તેના પોસ્ટીંગનો કોલ લેટર આવ્યો.તેને તેના સાસુ ના આશીર્વાદ લેતા તેને આ વાત ની જાણ કરી ત્યારે તે ખૂબ ખુશ થયા અને તેને આ જોબ કરવા માટે પોતાની પરવાનગી આપતા એટલું જ કહ્યું સ્વમાન થી વધુ કંઈ જ નથી બેટા તું સફળ થઈને બતાવ.મને ગવૅ છે તારા પર કે તું મારી દિકરી છે.

સાંજે જ્યારે મનોજ અને તેના સસરા ઘરે આવ્યા ત્યારે મનાલીએ પોતાનો કોલ લેટર તેના હાથમાં મુક્યો ત્યારે મનોજ ખુબ જ ગુસ્સે થયો,કોને પૂછીને તે પરીક્ષા આપી? કોઈ જરૂર નથી નોકરી કરવાની?મારી ઈચ્છા મુજબ જ થશે... આ ઘરમાં રહેવું હોય તો હું કહું એમ જ થશે....વગેરે..વગેરે.
મનાલી એકપણ શબ્દ બોલ્યા વગર રૂમમાં જતી રહી.તેને ઉંઘ ના આવી શું કરવું એ જ સમજાતું ન હતું.એક તરફ તેનું લગ્ન જીવન અને બીજી તરફ તેનું ઉજ્જવળ ભવિષ્ય...
સવારે પાંચ વાગ્યે તે ઉઠી ત્યારે તેના સાસુએ જરૂરીયાત ની વસ્તુ સાથે બેગ તેના હાથમાં આપતાં કહ્યું બેટા એક ઉજ્જવળ ભવિષ્ય તારી રાહ જોઈ રહ્યું છે.સહનશકિત ની પણ હદ હોય છે.બસ હવે બહું થયું...મેં ત્યાં તારા રહેવાની વ્યવસ્થા કરી દીધી છે,આ પૈસા રાખ તને કામ આવશે એટલું કહી બહાર ઉભેલી ટેક્સી માં તેને બેસાડી દીધી.
મનોજના ગુસ્સાને સહન કરતા એને તેમાં જ તેની સફળતા ની સીડી બનાવી એક ઉચ્ચ અધિકારી બનીને સફળતા મેળવી.સ્વમાન સાથે જીવન જીવવાની શરૂઆત કરી.મનોજ ને પણ લાંબા સમયે તેની ભુલ સમજાણી તેણે મનાલી ને પોતે કરેલા અન્યાય નો વસવસો થવા લાગ્યો
વર્ષ ...બે વર્ષ...આમ સમયનાં વહેણ આગળ તેનો પસ્તાવો વધતો રહ્યો હવે મનોજ એના ગુસ્સા સાથે સાવ એકલો પડી ગયો ત્યારે આજે ખુબ જ પસ્તાવો અને ગ્લાનિ અનુભવી રહ્યો છે.જયારે મનાલીએ ગુસ્સો સામે પડકાર ફેંકી ઝઘડો કરવાને બદલે સફળતા ની સીડી બનાવી એક ઉચ્ચ અધિકારી બનીને સમાજ ને શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડયું.તેને મનોજને પણ માફ કરી દીધો અને બધું ભૂલીને પોતાના સુખી લગ્નજીવન ની શરૂઆત કરી.