Prem Samaadhi - 53 books and stories free download online pdf in Gujarati

પ્રેમ સમાધિ - પ્રકરણ-53

પ્રેમ સમાધિ
પ્રકરણ-53

વિજય વેઈટરની વાતો એક ધ્યાનથી અને ગંભીરતાથી સાંભળી રહ્યો હતો. શંકરનાથ અહીં આવીને ગયા ? એમણે બીજા કોઈનો સંપર્ક કેમ ના કર્યો ? એમણે વેઈટર સામે ધ્યાનથી જોયું પછી નારણની સામે જોઈને કહ્યું “આ બધું શું છે ? આતો ચક્રભ્રમી કોઈ ચાલ છે મને નથી સમજાતું કશુંજ. પછી એણે પેલાં વેઈટરને પૂછ્યું હાં આગળ બોલ શું થયું ?”
પેલાએ કહ્યું "સર એ ખુબજ ઉતાવળમાં હોય એમ લાગ્યું હતું વારે વારે બોલતાં પાછળ જોયાં કરતાં હતાં તેઓએ મને બાબુભાઇ વિશે પૂછ્યું હું જવાબ આપું ત્યાં પાછળથી કોઈ એમને બૂમ પડતું હોય એમ તેઓ જ્યાંથી આવેલાં ત્યાંજ પાછળ તરફ દોડી ગયાં. મને કંઈ સમજ ના પડી”.
વિજયે થોડીવાર વિચાર કરીને કહ્યું “સારું જા... સારું થયું તે અમને જાણ કરી... નારણ આને 1000 રૂપિયા આપ... લે આ તારી બક્ષિસ.” પછી વિજય ત્યાંથી ઉઠીને હોટલનાં મુખ્ય દરવાજાથી બહાર નીકળી ગયો અને નારણને બૂમ પાડી.

******

ભુપત ગાર્ડનમાં બોટલ લઈને ગયો જ્યાં ભાઉ બેઠેલાં. ભાઉની નજર ભુપત તરફ હતી પણ ધ્યાન ફોનમાં હતું... ભુપતે પેગ બનાવી પૂછ્યું “ભાઉ તમારું ધ્યાન ક્યાં છે ? ફોનમાં ? કોનો ફોન છે ? ચાલુ છે ? શું વાત છે ? શીપ પર તો બધું..”. ભાઉએ એક સામટા ભુપતનાં પ્રશ્ન સાંભળી થોડાં અકળાયાં બોલ્યાં "તું પેગ બનાવવામાં ધ્યાન આપ. બોસ હાજર ના હોય તો મારી જવાબદારી વધી જાય છે... લાવ મારો ગ્લાસ.” એમ કહી થોડી સોડા ઉમેરી એક સાથે આખો ગ્લાસ ગટગટાવીને ગ્લાસ જોરથી ટેબલ પર મુક્યો.

ભુપત એમને જોઈને ચુપજ થઇ ગયો. એણે કંઈ બોલ્યાચાલ્યા વિનાં બીજો ગ્લાસ બનાવી દીધો. ભાઉએ ફોન પરથી ધ્યાન હટાવી નાસ્તા પર હાથ અજમાવ્યો. ભાઉ ઊંડા વિચારોમાં હોય એવું ભૂપતને લાગ્યું પણ એણે કોઈ પ્રશ્ન ના કર્યો.
રેખા પોતાનો આઈસક્રીમ લઈને રૂમમાં આવી એણે ટીવી ચાલુ કર્યું અને આઈસ્ક્રીમ ખાવા લાગી એની નજર આઈસ્ક્રીમ ખાતાં ખાતાં બારીની બહાર કાચમાંથી ભુપત અને ભાઉ તરફ હતી ટીવી તો એણે શોભાનું ચાલુ કરેલું થોડીવાર આઈસ્ક્રીમ ખાઈ એણે બાઉલ ટીપોય પર મુક્યો. એણે ઉભા થઇ રૂમનાં કબાટમાંથી એનું પર્સ કાઢ્યું અને ફોન બહાર કાઢ્યો. ફોન સ્વીચઑફ હતો એણે પર્સમાંથી કોઈ કાગળમાં રાખેલું સીમ કાઢી મોબાઈલમાં નાંખ્યું... અંદરનું સીમ કાગળમાં મૂકી સાચવીને પર્સમાં મૂકી દીધું એટલામાં ફોન ચાલુ થયો. એણે ફરી બારીની બહાર નજર કરી ભાઉ અને ભુપત ડ્રીંકમાં મસ્ત હતાં છોકરાઓ ઉપર એમની ધૂનમાં અને ચાકરો સુવાની તૈયારી કરતાં હતાં એ નિશ્ચિંન્ત થઇ ગઈ એણે ફોનથી નંબર ડાયલ કર્યો... થોડીવારમાં સામે રીંગ ગઈ રીંગ વાગતી રહી અને ફોન ઊંચકાયો.
રેખાએ કહ્યું "વિજય ડુમ્મસ ગયો છે સુરતનું કહ્યું છે એટલે ત્યાંજ હશે. શીપ પર ભાઉ નથી અહીં દમણનાં બંગલે છે... વિજયની છોકરી અહીં આવી ગઈ છે સાથે એનો ભાણો પણ આવ્યો છે... હાં પેલાં બામણનો છોકરો અહીંજ છે. મારે હજી અહીં ક્યાં સુધી રહેવાનું છે ? હું તો કોઈ પાંજરામાં કેદ હોઉં એવું લાગે છે આવાં વૈતરાં કરવાં હું ટેવાયેલી નથી બહું સાચવીને રહેવું પડે છે વિજય હોયતો ડ્રીંક અને... હવે એનું પડખું સેવીને થાકી છું એને મારામાં એટલો રસ નથી રહ્યો... કામવાળીની જેમ કામજ કરવાનું હોય છે મારે હવે નથી રહેવું. કંઈક રસ્તો કાઢ... “
રેખા એક શ્વાસ બોલી ગઈ સામેથી કોઈ શાંતિથી સાંભળી રહેલું. પછી એકદમ કરડા અવાજે પેલાએ કહ્યું “થોડી ધીરજ રાખ પેલો નારણ પાછો આવીને પછી જે ખેલ પાડે એ જોયાં રાખ... તને હું પાછી બોલાવી લઈશ. તારે ત્યાં ના રહેવું હોયતો કંઈ નહીં તને પોરબંદર બોલાવી લઉં છું વિજય ઉપર ઘાં થયેલો 6 મહીનાં થયા છે હજી તાજો છે એની છોકરી ઘણી ચંચળ છે અને નારણ... બધું પાકવા ઉપર છે ધીરજ રાખ... ફોન મૂક પછી વાત કરીશ..”.
રેખાનો ફોન કપાયો. એ વિચારમાં પડી ગઈ... આ બધું શું ચક્કર ચાલે છે નારણ હવે શું કરવાનો છે ? ભાઉએ કોની સાથે વાત કરી છે ? મારે હજી અહીં રહેવું પડશે ? આ વિજયનો ખેલ ક્યારે પડશે ? થોડા દિવસ હું રાહ જોઉં નહીંતર... પછી પોતેજ વિચારોમાં ઉતરી ગઈ ગૂંચવાઈ ગઈ એને બરાબર ડ્રીંકની તડપ લાગી હતી એ ઉભી થઇ ફોન બંધ કરી પર્સમાં મૂકી પર્સ પાછું કબાટમાં મૂકી દીધું... એણે દરવાજો ખોલ્યો અને ગાર્ડનમાં જવા પગ ઉપાડ્યા...
કાવ્યાએ કહ્યું “આઈસ્ક્રીમ ઝાપટવાની મજા આવી ગઈ પણ ઓછો પડ્યો”. કલરવે કહ્યું “તીખા ઉપર મીઠું ખાવાની મજા આવી ગઈ.” સુમને કહ્યું “યાર એ.સી. ચાલુ કરું મને તો બાફ લાગે છે.”
કાવ્યાએ હસતાં હસતાં કહયું ”સુમન તારાં પેટમાં પાઉંભાજી ગયા ઉપરથી આઈસ્ક્રીમ બે બાઉલ ભરીને ગયો હવે તું લંબાવી દઈશ મને ખબર છે. પણ તારે સુવાનું નથી આપણે વાતો કરવાની છે.”
સુમને કહ્યું "અરે હું તો થોડો આડોજ પડું છું આપણે વાતોજ કરીશું ને... મને ઊંઘ નથી આવતી”. કલરવે કાવ્યા સામે જોયું અને બોલ્યો "સુમન અને હું ઘણાં સમયે મળ્યાં છીએ તું તારાં મામા આવશે શીપ પર જતો રહીશ... મારું તો મને ખબર નથી શું થશે પણ હવે જે થશે એ ફાઇનલ હશે”.
કાવ્યાએ કહ્યું “તમે લોકો તો તમારું વિચારવા માંડ્યા... હવે તો મારે અહીંજ રહેવાનું છે ખબર નથી મારાં માટે પાપાએ શું વિચાર્યું છે... પણ હું પાપાને કહીશ તને અહીંજ રાખે મને કંપની રહેશે સુમનતો ટ્રેનીંગમાં શીપ પર જ જતો રહેશે”.
સુમને એ.સી.ચાલુ કર્યું અને સોફા પર આડો પડ્યો. કાવ્યા સામે ચેર પર બેઠી હતી અને કલરવ સીંગલ સોફા ઉપર એણે સુમન તરફ જોયું. અને બોલ્યો “તારી આંખમાં તો ઘેન જણાય છે” સુમને હસતાં કહ્યું “હાં ભાઈ અને તારી આંખમાં....”

વધુ આવતા અંકે ---- પ્રકરણ-54