Meghna - 4 books and stories free download online pdf in Gujarati

મેઘના - 4

સ્ટેશન પર પહોંચતા રાઘવે જોયું તો સાડા નવ થઈ રહ્યા હતા,વરસાદને લીધે આજે વેહલી સવારથી જ બધી ટ્રેન અને બસ ઉપરથી બંધ કરી દેવામાં આવી હતી,માત્ર ૩૦ Km ની અંદર ચાલતી એકાદ બે local train સિવાય કોઈ ટ્રેન ચાલતી ન હતી તેથી સ્ટેશન પર લોકોની અવજવર ઓછી હતી.રાઘવે દૂર નજર ફેરવી તો કિશન એક બાંકડા ઉપર ગજુભા સાથે બેઠો હતો ગજુભા નું આખું નામ ગજેન્દ્રસિંહ હતું તેમની ઉંમર ૭૦ વર્ષ હતી પણ આ ઉંમરે સારી કદ કાઠી અને શરીર ધરાવતા હોવાથી બધા તેમને ગજુભા કહેતા હતા ગજુભા મોટેભાગે રાત્રે અહીં જ બેસતા હોવાથી રાઘવની પણ એમની સાથે સારી એવી ઓળખાણ થઈ ગઈ હતી કિશનને ત્યાં બેઠેલો જોઈ રાઘવ ઝડપથી તેમની પાસે પહોંચ્યો,રાઘવ ને જોઈ કિશન કંઈ પણ બોલે એ પહેલા ગજુભા બોલી ઉઠ્યા,"એલા રઘુ કેટલા દિવસે દેખાણો પણ અચાનક આમ કેમ અને આટલો બધો કેમ હાંફે છે?"
"કાકા એ બધી વાત પછી" રાઘવે કિશન સામે જોતાં કહ્યું,"યાર કાલે રાતનો નિલેશ ઘરે પહોંચ્યો નથી" આ સાંભળી કિશન પોતાની જગ્યા પર ઉભો થઈ ગયો,"શું વાત કરે છે?"
"હા આજે સવારે જ કાકી મારા ઘરે આવ્યા હતા તેમણે મને કહ્યું, મેં સવારથી બધી જ જગ્યાએ તપાસ કરી લીધી પણ તે ક્યાંય મળ્યો નહીં એટલે મને થયું તને વાત કરું કદાચ કંઈક મદદ મળે."

હજુ એ બંને વાત કરી રહ્યા હતા ત્યાં કિશનનો સહ કર્મચારી મનીષ ઓફિસમાંથી દોડતો દોડતો આવ્યો અને કહ્યું,"યાર કિશન ગડબડ થઈ ગઈ,ધાંગધ્રા બાજુની ફાટક પાસે કંઈક અકસ્માત થયો લાગે છે અત્યારે જ ત્યાંથી ટેલીફોન આવ્યો હતો આપણે તાત્કાલિક એ તરફ જવું પડશે."
"શું મુસીબત છે,આજે કિશોરભાઈ પણ હાજર નથી ત્યારે જ આ બધી મુસીબત ને ત્રાટકવું હતું, રાઘવ તું અહીં બેસ હું થોડીવારમાં પાછો આવું છું પછી આપણે નિલેશ ને શોધવા જઈએ." આટલું કહી કિશન મનીષ સાથે જતો રહ્યો અને રાઘવ ગજુભા ની પાસે બાકડા પર બેસી ગયો,"રઘુ ચિંતા ના કર નિલેશ મળી જશે અહીંયા જ ક્યાંક ગયો હશે" પણ રાઘવનું ધ્યાન ગજુભા ની વાત પણ નહોતું તે પોતાના જ વિચારોમાં ખોવાયેલો હતો.
રાઘવ ને અંદરથી ચેન પડતું નહોતું એટલે તે ઉભો થઈ પ્લેટફોર્મ પર ચક્કર લગાવવા નીકળી પડ્યો ચાલતા-ચાલતા તે પ્લેટફોર્મના એક ખૂણા સુધી પહોંચીને અટકી ગયો,ઉપર ચાલુ પ્લેટફોર્મની લાઈટ પર જીવડાં ચક્કર લગાવી રહ્યા હતા, દૂરથી આવતા દેડકાઓનાં બોલવાનો અવાજ તેના કાને પડતો હતો ત્યાં અચાનક તેની નજર દૂર એક રેલવે ટ્રેક પાસે અટકી ગઈ કેમકે તેની નજર સામે નિલેશ ઝડપથી ચાલતો સામેના અંધકારમય વિસ્તાર તરફ આગળ વધી રહ્યો હતો. રાધવે પોતાનો શ્વાસ એકઠો કરી જોરથી રાડ પાડી,'નિલેશ....' પણ જાણે નિલેશ સાંભળતો જ ન હોય એ રીતે આગળ ચાલવા લાગ્યો,આથી જ વધારે સમય ના બગાડતા રાઘવે સીધી તેના તરફ દોટ મૂકી.

ઠંડા પવનના ચાલતા વેગ સાથે રાઘવ જાળીઓ વચ્ચેથી પસાર થઈ નિલેશ તરફ આગળ વધી રહ્યો હતો પણ રાઘવ જેટલો ઝડપથી આગળ વધતો તેમ-તેમ નિલેશ તેનાથી દૂર જતો હોય એવું લાગતું હતું.આકાશમાં ફરી એકવાર વાદળ અથડાવવાના શરૂ થઈ ગયા હતા અને હવામાંનો ભેજ જોઈને લાગતું હતું કે આ વાદળો હજુ એકવાર આ ધરતીને ભીની કરશે. રાઘવ તેજ શ્વાસ સાથે આગળ વધી રહ્યો હતો પણ બંને બાજુ છવાયેલા વૃક્ષોની વચ્ચેથી કોઈ તેની સાથે આગળ વધી રહ્યું હોય તેવું તેને લાગતું હતું કેમકે વીજળીના પ્રકાશથી તેની કાળી આકૃતિ ઊજાયમાન થતી હતી.આખરે નિલેશનો પીછો કરતા રાઘવ છે ઘર પાસે પહોંચી ગયો, તેને દૂરથી જોયું કે નિલેશ ઘરનો દરવાજો ખોલીને અંદર પ્રવેશી ગયો.

રાધવે ઘરની બહારની હાલત જોઈ તો ફૂલો કરમાઈને ઢળી પડેલા હતા,તેની ફરતે કરેલી લાકડાની વાડ બે-ત્રણ જગ્યાએથી તૂટેલી હતી, ઘરની જમીન કાળી પડી ગઈ હતી,છત ઉપરની તરફથી તૂટેલી હતી,આ સિવાય ઘરમાં કેટલીય જ્ગ્યાએ તિરાડો પડેલી હતી. ઘરને બહારથી જોઈને લાગતું હતું કે તે કેટલાય વર્ષોથી બંધ હશે પણ ઘરના નીચે અને ઉપરના એક રૂમમાંથી હલકો પ્રકાશ બહાર આવતો હતો. આ જોઈ રાઘવ મનમાં વિચારવા લાગ્યો કે નિલેશ અહીં શું લેવા આવ્યો હશે? જેમ-જેમ તે આગળ વધતો હતો તેમ તેને એક તેજ દુર્ગંધ આવવા લાગી. રાઘવ તેના મોઢા ઉપર હાથ દઈ હળવેથી ઘરનો દરવાજાને ધક્કો મારતા 'કર્રરર્....' એક વિચિત્ર અવાજ સાથે દરવાજો ખુલી જાય છે.

રાઘવ અંદર પહોંચીને જુએ છે તો ઘરની અંદરની હાલત બહાર કરતાં પણ વધુ ખરાબ હતી ઘરમાં અનેક જગ્યાએ કરોળિયાના જાળા બાંધેલા હતા,ફર્નિચર તૂટેલું પડેલું હતું,અંદર પડેલા ફૂલો ના કૂંડા તૂટેલા હતા જેની માટી જમીન પર વિખરેલી હતી.ઘરમાં ચારો તરફ એક ભેંકાર સન્નાટો છવાયેલો હતો,ઘરને જોતા રાઘવ પાછળ ફર્યો ત્યાં ગુલાબી રંગની સાડીમાં એક સ્ત્રી તેની પાછળ ઉભેલી હતી, તેના વાળ થોડા સફેદ હતા,આંખો ફરતે બનેલા કાળા રંગના ઘેરા,કાળા પડેલા હોઠ અને આ સાથે તેનો આખો ચહેરો નિસ્તેજ જણાતો હતો, જાણે તેને કેટલાય દિવસથી આ ઘરમાં કેદ કરીને રાખી હોય.સ્ત્રીને અચાનક પાછળ ઉભેલી જોઈ રાઘવ પાછળ પડેલા એક ટેબલ સાથે અથડાયો અને નીચે પડી ગયો, તેણે પોતાની જાતને સંભાળતા કહ્યું,"માફ....માફ કરજો બેન મારો મિત્ર અહીં આવ્યો છે તેથી હું તેને શોધો અહીં આવી પહોંચ્યો તમને ખબર છે કે ક્યાં ગયો?" આ સાંભળી મેઘના કશું બોલી નહીં બસ રાઘવની જોતી રહી,આખરે રાઘવે બીજી વાર પોતાની વાત કહી તેથી મેઘનાએ ઉપર તરફ ઈશારો કર્યો અને કહ્યું,"મારા બાળકની તબિયત ખરાબ હતી એટલે એ તેમની માટે દવાઓ લેવા ગયા હતા."

મેઘના ની વાત સાંભળી રાઘવ ને સમજાયું નહિ કે આ સ્ત્રી આવી રીતે કેમ વાત કરે છે? એટલે તેણે ઉપરની તરફ જોયું જ્યાંથી હળવો પ્રકાશ આવતો હતો, તે ઝડપથી ઉપરના માળે પહોંચી ગયો, તેની અંદરના રૂમમાં જોયું તો પલંગ ઉપર ચાદર ઢાંકીને કોઈક સુતેલું હતું અને રૂમનાં ખૂણામાં રાખેલો એક ફાનસ રૂમને અજવાળું આપતો હતો,રાઘવ ને રૂમમાં પ્રવેશતાં ફરી એ જ દુર્ગંધ આવવા લાગી જેથી તેને ખબર પડી ગઈ કે આ રૂમમાંથી જ તે વાસ આવતી હશે પણ અહી એવું તે શું પડેલું છે?તે ધીમે-ધીમે આગળ વધ્યો અને ચાદર ખોલીને જોયું તો તેની આંખો પહોળી થઈ ગઈ,શરીર ઠંડુ પડવા લાગ્યું અને પરસેવાનું ટીપું માથેથી સરકતું જમીન પર પડ્યું,સામે નિલેશના શરીરના ટુકડા પડ્યા હતા, તેનું માથું ઓશીકા તરફ રાખેલું હતું તેના મોઢા પર કેટલાય નિશાન બનેલા હતા અને આંખો ગાયબ હતી તેના આંતરડા,હાથ-પગ બધાનો એક જગ્યાએ ઢગલો કરીને મુકેલો હતો અને તેનું સુકાઈ ગયેલું કાળુ લોઈ જમીન પર જામેલું હતું ,રાઘવ નું મગજ આ જોઈ કંઈ પ્રતિક્રિયા નહોતું આપી રહ્યું ત્યાં તેણે પાછળથી અવાજ આવ્યો,"કેમ છે મારા બાબાને?" આ અવાજ સાથે તેણે પાછળ જોયું તો મેઘના એક આંખે રૂમની બહાર ઊભી રાઘવ સામે જોઈ રહી હતી,સાથે પલંગની બીજી તરફ જોયું તો એક નાનો બાળક જાણે પલંગ નીચેથી જોતો હોય તેવી આકૃતિ તેને દેખાઈ,જેની એક પણ આંખ નહોતી અને આખો ચહેરો લાલ પડી ગયેલો હતો. રાઘવ કંઈક બોલે ત્યાં પાછળથી ફરી મેઘના નો અવાજ આવ્યો,"બોલોને કેમ છે હવે તેને? દવા આપી એટલે સારું થઈ જશે ને?" જેમ-જેમ મેઘના પાછળથી એ વાત બોલતી કેમ તેનો અવાજ ભારી થતો જતો હતો.
પોતાના મિત્રની હાલત જોઈ રાઘવ ની આંખ માંથી આંસુ નીકળવા લાગ્યા હતા પણ વધારે સમય અહીં ઉભું રહેવું તેને ઠીક લાગ્યું નહિ તેથી તેની નજર સામેની બારી ઉપર ગઈ જે અડધી તૂટેલી હતી.આથી તેણે મોકો જઈ ઝડપથી તે તરફ ભાગ્યો અને પોતાના મિત્રની અનાવૃત લાશને મૂકી, ઘરની બારી તોડીને ઉપરના માહિતી નીચે પૂરી પડ્યો. બારી તૂટવાનો અવાજ તે વિરાન જગ્યામાં ફેલાઈ ગયો અને તે ઝડપથી દૂર ભાગવા લાગ્યો. તેને કશું સમજાતું નહોતું કે અચાનક નિલેશ સાથે આ બધું કઈ રીતે ઘટી ગયું અને આખરે એ સ્ત્રી અને બાળક કોણ હતું?તેનું હૃદય એટલું ઝડપથી ચાલતું હતું કે તેના હૃદયના ધબકવાનો અવાજ તેના કાન સુધી પડતો હતો,તે જેમ બને એમ જલ્દીથી આ જગ્યા માંથી બહાર નીકળવા માંગતો હતો પણ ફરીને એક જ જગ્યાએ પાછો પહોંચી જતો હતો,જાણે બહાર નીકળવાનો કોઈ રસ્તો જ ના બચ્યો હોય.હવે તેને ચારે તરફ ભૂલ-ભુલામણી જેવું લાગી રહ્યું હતું આખરે રાઘવ થાકીને એક જગ્યાએ ઉભો રહી ગયો.

તે પોતાના શ્વાસ પર કાબુ મેળવતો હતો ત્યાં સામે જોઈને તેને એક બીજો મોટો ઝાટકો લાગ્યો તેની સામે નજર ગઈ તો નિલેશ સામેથી દોડતો-દોડતો તેના તરફ આવી રહ્યો હતો,પહેલા તેને ડર લાગ્યો કે,'કદાચ તે સ્ત્રી ની આત્મા તો નહીં હોય ને?' પણ નિલેશે તેને પાસે આવીને કહ્યું,"રાઘવ તું અહીંયા શું કરે છે? ગજુભા એ મને કહ્યું કે તું આ તરફ આવ્યો છે એટલે હું તને ગોતવા આ તરફ આવી ગયો."
"નિલેશ....નિલેશ આ સાચે તું જ છે ને?" એમ કહી રાઘવ નિલેશ ને ભેટી પડ્યો.
"હા યાર હું જ છું પણ તું અચાનક કેમ આવા સવાલો કરે છે?" આ સાંભળી રાઘવે નિલેશ ને બધી હકીકત જણાવી દીધી રાઘવની વાત સાંભળી નિલેશે કહ્યું,"પહેલા તો આપણે અહીંથી જલ્દી નીકળવું પડશે કેમ કે હવે અહીં વધુ રોકાવું સુરક્ષિત નથી." એમ કહી બંને ઝડપથી બહારની તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં નિલેશે રાઘવ ને તે ઘર વિશે જણાવતા કહ્યું,"દસ વર્ષ પહેલાં આનંદકુમાર ચાવડા નામના વ્યક્તિ તેમની પત્ની મેઘના અને એક ચાર વર્ષના બાળક સાથે અહીં રહેતા હતા પણ એક અકસ્માતમાં તેમનું મૃત્યુ થઈ ગયું, જેથી મેઘના અને તેમનો છોકરો આયુષ એકલા પડી ગયા. એક રાતે આયુષની તબિયત બગડતા મેઘના દવા લેવા ગઈ અને દવા લઈને પાછી વળતી વખતે ઉતાવળ ને કારણે તેનો પગ રેલવે ટ્રેકમાં ફસાઈ ગયો,તેને બહુ મહેનત કરી પણ નીકળી શકી નહીં,આથી તે ટ્રેન નીચે કપાઈને મૃત્યુ પામી, બીજી તરફ ઘરમાં બારી પાસે મૂકેલું એક ફાનસ હવાને લીધે નીચે પડી ગયુ અને તેની આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ તેથી તે આગને લીધે તેના બાળકનું પણ મૃત્યુ થઈ ગયું,ત્યારથી બંનેની અતૃપ્ત આત્મા વસ્તીમાં રહેતા કેટલા લોકોનો ભોગ લઈ ચૂકી છે,જેથી સમય સાથે બધા લોકો ગામ તરફ રહેવા જતા રહ્યા અને આ જગ્યા વિરાન પડી ગઈ. નિલેશ ની વાત સાંભળી રાઘવ કઈ બોલતો ન હતો. ચાલતા ચાલતા બંને એ વસ્તી સુધી પહોંચી ગયા અચાનક રાઘવ નિલેશ ને પૂછ્યું,"નિલેશ કાલે રાત્રે તું ક્યાં જતો રહ્યો હતો?"
"અરે હા હું તો કહેવાનું જ ભૂલી ગયો. કાલે ઘરે પહોંચતા મને ખબર પડી છે મારા દાદાના છોકરાની તબિયત ખરાબ હતી એટલે મારે આજે વહેલી સવારે તાત્કાલિક બહારગામ જવું પડ્યું અને ઘરે પહોંચ્યો ત્યારે ખબર પડી કે તું મને શોધતો આ બાજુ આવી ચડ્યો છે."
"મને ખબર છે ત્યાં સુધી વરસાદને લીધે આ સવારથી બધી બસ અને ટ્રેન ઉપરથી રદ કરી દેવામાં આવી છે અને રહી વાત તબિયત ખરાબ થવાની તો તેની વાત તારા ઘરે કોઈને પણ ખબર નથી એવું કેમ?" એટલું કહેતા એક મોટો વીજળીનો ચમકારો થયો અને એની રોશનીમાં નિલેશ નો પડછાયો જોયો હતો સ્તબ્ધ રહી ગયો કેમકે નિલેશના પડછાયામાં એક સ્ત્રીની આકૃતિ દેખાતી હતી.આ સાથે રાઘવને નિલેશના હસવાનો અવાજ સંભળાયો જેને સાંભળીને લાગતું હતું કે તે ઘરની ચારેય તરફથી આવતો હોય.
"તું બવ સવાલો કરે છે પણ કેટલાંય સમય પછી આયુષ ને તેના પિતા મળ્યા છે હવે હું તેને કોઈ સંજોગોમાં તેનાથી દૂર નહી થવા દઉં."

બીજી તરફ કિશન દોડતો દોડતો એ વસ્તી સુધી આવી પહોંચ્યો,"ખબર નહીં કે રાઘવ આ તરફ શું લેવા આવ્યો હશે?" મન ના કેટલા એ વિચારો સાથે તે આમતેમ જોતો હતો ત્યાં તેને રાઘવ ની ચીસ સંભળાય છે,આ સાંભળી કિશન ને ખબર પડે છે કે તે ચીસ આસપાસ થી જ આવી હતી અને તે દિશામાં જઈને જુએ છે તો તેના પગ નીચેથી જાણે જમીન ખસી જાય છે નિલેશે રાઘવના ગળાના ભાગને પોતાના નખની મદદથી ચીરી નાખ્યો હતો અને આ સાથે એક મોટો લાકડાનો ટુકડો તેના છાતીની આરપાર કરી દીધો હતો, જેમાંથી નીકળતું હોય નીચેની જમીન શોષી રહી હતી અને જ્યારે નિલેશ કિશન તરફ ફરે છે તો તેનો ભયાનક ચહેરો જોઈ કિશન થોડાક ડગલા પાછળ ખસી જાય છે. કાળી આંખો,તેમાંથી નીકળતું લોહી,સફેદ પડેલો ચહેરો અને એ ચહેરા પર એક વિચિત્ર હાસ્ય છવાયેલું હતું.

વરસતા નીર સાથે વરસાદે ફરી પોતાની રમેલ શરૂ કરી દીધી હતી અને આ વચ્ચે કિશન પોતાની પુરી તાકાત સાથે ત્યાંથી ભાગી રહ્યો હતો ત્યાં જોયેલું દ્રશ્ય હજુ તેની આંખો સામે હતું, તેનો ડર ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો,તે ઝડપથી દોડીને વસ્તી માંથી નીકળી રેલવે ટ્રેક સુધી આવી પહોંચે છે પણ ઉતાવળે દોડતા તેને ઠેસ લાગે છે અને તેનું સંતુલન બગડતા તે રેલ્વે ટ્રેક પર ઢસડાઈ પડે છે,નીચે પડવાથી તેનો પગ પથ્થર સાથે ભટકાતા ભાંગી જાય છે અને તેની પીડાથી ભરેલો અવાજ રેલ્વે સ્ટેશન સુધી ગુંજી ઊઠે છે.આ સાથે તે જોવે છે કે તેનો એક પગની વચ્ચે ફસાઈ ગયેલો હોય છે.એક માછલી પાણી વગર તરફડીયા મારે તેમ તે બધી મહેનત કરે છે પણ સફળ થતો નથી. ઉપરથી પડતા પાણીનાં ટીપાં સાથે તેની નજર ડાબી તરફ જાય છે તો નિલેશ આયુષને તેડી મેઘના સાથે ઉભો કિશનની સામે જોતો હોય છે અને ત્રણેય માં ચેહરા ઉપર એ જ હાસ્ય છવાયેલું હોય છે,ત્યાં તેને દૂરથી ટ્રેનની વ્હિસલ સંભળાય છે અને મોતના ડરના લીધે તેનું શરીર ધ્રુજવા લાગે છે,આંખોમાંથી નીકળતા આંસુ સાથે તે બહુ પ્રયાસો કરે છે પણ એક ચીસ સાથે તેનું શરીર ટ્રેન નીચે કચડાઈ જાય છે.

બીજા દિવસે રેલવેના કેટલાક ઓફિસરો અને સ્ટેશન માસ્તર કિશોરભાઈ પાસે પડેલી કિશનના મૃતદેહ પાસે આવે છે તેમની સાથે ગજુભા પણ ઊભા હોય છે.ઓફિસર મૃતકનો report બનાવી રહ્યો હતો,ઓફિસરે તે તરફ જોતા કહ્યું,"આ બધું કેવી રીતે બની ગયું?"તેમની વાત સાંભળી ગજુભા કહે છે,"કાલે રાતે અચાનક કિશનની ચીસ સાંભળી તે તરફ ગયો અને જોયું તો તેનો પગ રેલવે ટ્રેક વચ્ચે ફસાઈ ગયો હતો,હું તેની મદદ પાસે પહોંચું એ પહેલા ટ્રેન આવી અને આ ઘટના બની ગઈ."
"તેનો મતલબ દુર્ઘટના ને લીધે આ થયું છે અને એ ઘટના તમે તમારી આંખો સામે જોઈ છે?"
"હા સાહેબ મારી આંખો સામે જ ઘટ્યું છે" આમ મૃત્યુના કારણમાં ટ્રેન દુર્ઘટના લખીને કિશનના મૃતદેહને ઢાંકી દેવામાં આવ્યું.


Share

NEW REALESED