Meghna - 1 books and stories free download online pdf in Gujarati

મેઘના - 1

સૌરાષ્ટ્ર ની ધરતી ને સરખી રીતે ધમરોળ્યા બાદ મેઘરાજાએ ઘડીક વિરામ લીધો હતો પણ વરસાદના અમુક છાંટાઓ એકંદરે હજુ પણ ધરતી ને ભીંજવી રહ્યા હતા જેથી ધરતીની સુગંધ અને ભીની માટીની ઠંડક ચારો તરફ પ્રસરી ગઈ હતી. એવામાં સુરેન્દ્રનગર શહેરના મિલન સિનેમાનો છેલ્લો શો પૂરો થયા બાદ લોકો ધીરે-ધીરે થિયેટર ની બહાર નીકળી રહ્યા હતા.સાલ ૧૯૯૪......એ સમયમાં ટેલિવિઝન,રેડિયો અને સિનેમા મનોરંજન ના મુખ્ય સાધન હતાં અને આમ પણ એ સમયમાં બોલિવૂડ ફિલ્મો એ સિનેમાક્ષેત્રે લોકો ઉપર સારો એવો પ્રભાવ પાડ્યો હતો.બધા લોકોની સાથે નિલેશ,સંજય,કૌશલ અને રાઘવ નામના ચારેય મિત્રો થિયેટર ની બહાર નીકળી રહ્યા હતા.આમ,પણ રાતનો છેલ્લો શો હોવાના લીધે ભીડ વધુ નહોતી.ફિલ્મ પૂરી થતાની સાથે બધા લોકો પોત-પોતાના ઘર તરફ જવા નીકળી રહ્યા હતા.


સંજય અને કૌશળનું ઘર થોડી દૂરના અંતરે હોવાના કારણે બંને સાઇકલ લઈને આવ્યા હતા જ્યારે નિલેશ અને રાઘવ નજીકના વિસ્તારમાં રહેતા હોવાથી બંને ચાલીને જઈ રહ્યા હતા "અરે યાર....માધુરી શું લાગે છે યાર....એને ગમે એ પિક્ચરમાં જોવો દિલ ધક ધક કરવા લાગે છે" રાઘવ પોતાના એ જ ફિલ્મી અંદાજમાં બોલ્યો જેને સાંભળીને ત્રણેય મિત્રો હસવા લાગ્યાં "પણ ખરેખર માધુરીની એક્ટિંગ અને રાજેશ્રીવાળાનું પિક્ચર હોય એટલે તો પૂછવાનું જ ના હોય એમાં પણ સાથે સલમાન ખાન એટલે તો વાત જ ક્યાં થઇ...." ફિલ્મ વિશે વાતો કરતા ચારેય મિત્રો રાજ હોટલનાં ચોક સુધી પહોંચી ગયા.વાતાવરણમાં ચારેય તરફ શાંતિ છવાયેલી હતી.ગામના રસ્તાઓ ઉપર માણસની હાજરી અત્યારે રણમાં પાણી સમાન લાગતી હતી,જાણે બધા લોકો વર્ષાની ઠંડકનો આનંદ લઇ પોતાના ઘરોમાં મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે ગામની વચ્ચે આવેલા અજરામર ટાવરમાં રાતના ૧ ના ટકોરા પડ્યા અને આ અવાજ રાતની શાંતિમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો.


ઘડિયાળના ટકોરાનો અવાજ સાંભળી સંજયે નિલેશ અને રાઘવને કહ્યું "ચાલો અમે બંને નીકળીએ નકર પછી ખબર નઈ ઘરે બા વાત જોતી ક્યાં સુધી જાગતી રે'સે." એમ કહીને એ બંને પોતાના ઘર તરફ જવા નીકળી પડ્યા.આકાશમાં કાળા વાદળો હજુ પણ છવાયેલા હતા અને આ કાળા વાદળો રાતના અંધકારમાં સફેદ રૂના ઢગ જેવા ભાસતા હતા.અમુક સમયાંતરે વીજળીના સથવારે વાદળો ગર્જના કરી ચેતવણી આપતા હોય એવું લાગતું હતું.નિલેશ અને રાઘવ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.થાંભલાના પ્રકાશમાં વરસાદની ઝીણી છાંટ સ્પષ્ટ દેખાઈ આવતી હતી.અચાનક રાઘવે નિલેશ સામે જોતા કહ્યું "અલ્યા નિલા ચાલને આજે બાર નીકળ્યા જ છીએ તો કિશનને પણ મળતા જઈએ આમ પણ એને મળે કેટલાય દિવસ થયા." બંનેનું ઘર રેલવે સ્ટેશન પાસે જ હતું પણ અચાનક ત્યાં જવાની વાત સાંભળીને નિલેશ એ આશ્ચર્ય સાથે પૂછ્યું "અત્યારે!!...જો તો ખરા યાર રાતનો ૧ વાગી ગયો છે અને ખબર નઈ એ જાગતો હશે કે નઈ?"
"લ્યા તું કેવી વાતો કરે છે રાતે પણ ટ્રેનની અવર-જવર ચાલુ જ હોય છે એટલે તને લાગે છે કે એ સૂઈ ગયો હશે?"


રાઘવ ની વાત સાંભળીને નિલેશ થોડી વાર કઈ બોલ્યો નઈ,નીલેશ ની આંખોમાં ઊંઘ સ્પષ્ટ દેખાતી હતી એટલે તેણે વધુ કહેતા કહ્યું "અરે યાર આમ પણ કાલે રજા છે એટલે કાલે સૂવું હોય એટલું સુજે ને.... સારું ચાલ આપણે એને જલ્દી મળીને આવતા રહીશું." રાઘવની વાત સાંભળીને નિલેશ એ હા માં માથું ધુણાવ્યું અને બંને સ્ટેશન તરફ આગળ વધી ગયા.


અમે લોકો રેલ્વે સ્ટેશને પહોંચ્યા.પ્લેટફોર્મ પર આવીને જોયું તો અહી ચારો તરફ સન્નાટો વ્યાપ્ત હતો,અમુક સમયાંતરે દૂરથી થોડા કૂતરા નાં ભસવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો.આમ,તો પ્લેટફોર્મ લાઇટની સગવડ હતી પરંતુ વધારે વરસાદ ને લીધે મોટા ભાગની લાઈટ બંધ હતી,જૂની-પુરાણી જેવી લાઈટ પોતાનો હળવો પ્રકાશ ફેંકતી હતી.સ્ટેશન ની આસપાસ સારા પ્રમાણ માં વૃક્ષો હોવાને કારણે અહી ગામ ના અન્ય ભાગ કરતા વધુ ઠંકડ હતી,ઠંડો પવન નિલેશ નાં શરીરને સ્પર્શતા તેની આંખો વધુ ઘેરાવા લાગી. તેણે બગાસું ખાતા કહ્યું,"અરે યાર,રાઘવ ચાલને ઘરે જઈએ કારણકે કિશન અહી દેખાતો નથી એ સૂઈ ગયો હશે અને હવે જો હું પણ ૧૦ મિનિટ અહી ઊભો રહ્યો તો અહી જ પોઢી જઈશ."


નિલેશની વાત સાંભળી રાઘવે પોતાની નજર આમ-તેમ ફેરવી અને તેની નજર એક બાકડા ઉપર જઈ થંભી ગઈ,"ચાલ મારી સાથે." એમ કહીને રાધવે નિલેશને પોતાની સાથે આવવા કહ્યું,"બંને બાકડા સુધી પહોંચીને થંભી ગયા,ત્યાં બાકડા ઉપર એક માણસ ચાદર ઓઢીને તેમની તરફ પીઠ કરીને સૂતો હતો.રાઘવે તેને ખભે થી પકડીને બે-ત્રણ વાર જગાડ્યો પણ તે ઊભો નાં થયો, રાઘવે કિશને ઓઢેલી ચાદર પણ ખેંચી લીધી છતાં તે આંખો બંધ કરીને સૂતો રહ્યો.કિશનને સૂતો જોઈ ને નિલેશે રાઘવને કહ્યું,"રહેવા દે ને યાર,શું કામ તેની ઊંઘ ખરાબ કરેશ.ચાલ આપણે કાલે આવીશું."નીલેશની વાત સાંભળીને રાઘવે તેની પાસે પડેલી પાણીની બોટલ ઉપાડતા કહ્યું,"અરે યાર તું ઘડીક જો'ને આવો મોકો ક્યારેક જ હાથ આવે." આટલું કહી તેણે પાણીની બોટલમાંથી કિશન ઉપર પાણી છાંટ્યું તો કિશન તરત બેબાકળો ઊભો થઈ ગયો,"કોણ....કોણ છે?"


કિશનની આવી હાલત જોઇને નિલેશ અને રાઘવ જોર-જોર થી હસવા લાગ્યા બંનેને હસતા જોઈને કિશને કહ્યું,"અડધી રાતે શું તમને બે'ય ને મામો વળગ્યો છે,જો બીજાની પણ ઊંઘ ખરાબ કરવા હાલી નીકળ્યા."કિશનને આમ ગુસ્સે થતો જોઈને રાઘવ વધુ જોરથી હસવા લાગ્યો,"ડફોળ હસવાનું બંધ કર અને બોલો અત્યારે અહીંયા શું કરો છો?" આખરે રાઘવે શાંત થતા કહ્યું,"અરે યાર તને મળ્યે કેટલા દિવસ થઈ ગયા હતા અને અમે પિક્ચર જોઈને ઘરે જતા હતા તો વિચાર્યું કે તને મળતા જઈએ, અહીં આવીને જોયું તો તું ભોર ઊંઘમાં સૂતો હતો,હવે આવો મોકો થોડી મુકાય." એમ કહીને રાઘવ ફરી હસવા લાગ્યો,નિલેશે પોતાની નજર આસપાસ ફેરવીને કહ્યું,"અરે યાર રાજુકાકા,કિશોરભાઈ કે ગજુભા ક્યાં છે? કેમ કોઈ દેખાતું નથી?"


નિલેશ ની વાત સાંભળીને કિશને આંખ ચોળતા કહ્યું,"હા યાર કિશોર ભાઈ અને રાજુકાકા કાલે રવિવાર હોવાને લીધે પોતાના ગામ ગયા છે અને ગજુભા આજે વરસાદને લીધે આવ્યા નથી, ન'કર તને તો ખબર જ છે કે એ બધાની બેઠક અહીં જ હોય અને આ'યા જ જેમનો ડાયરો જામેલો હોય." હજુ એ લોકો વાત જ કરી રહ્યા હતા ત્યાં સ્ટેશન પરની ચાલુ લાઈટ પણ એક બે વાર ઝબૂકીને બંધ થઈ ગઈ, આ જોઈને રાઘવ બોલ્યો,"હદ છે યાર, વરસાદના બે ટીપા પડ્યા નથી કે રસ્તા ની લાઈટ ખરાબ થઈ જાય કે પછી તરત પાવર કટ થઈ જાય." હવે ચારો તરફ અંધારું છવાઈ ગયું હતું, ગામની સ્ટ્રીટ લાઇટ દૂરથી પોતાનો હળવો પ્રકાશ ફેકતી હતી અને થોડી વારે વીજળી ચમકીને પણ એ જગ્યાને ઉજાગર કરતી હતી. આ જોઈ કિશન એક રૂમમાં ગયો અને ફાનસ લઈને બહાર આવ્યો તેણે બહાર આવીને ફાનસ બાંકડા ની સાઇડ પર મૂકી દીધો જેથી દીવાના પ્રકાશને કારણે ત્યાં થોડું અજવાળું થઈ ગયું.


કિશને રાઘવની સામે જોતા કહ્યું,"હવે મારી ઊંઘ ખરાબ કરી છે તો આજની ચા તારા તરફથી." આ સાંભળી રાઘવ એ ઊભા થતાં કહ્યું,"એ બધી વાત તો બરોબર પણ આટલી રાતે ચા લાવશું ક્યાંથી?કેમકે સ્ટેશનની બહાર ખેતલાઆપા ટી સ્ટોલ પણ વરસાદને લીધે બંધ છે."

"એની ચિંતા તું ના કર મારી પાસે બાઈક છે એ મૂળ તું ગમે ત્યાંથી લાવીને મને ચા પીવડાવ."

"ના હો અડધી રાતે હું એકલો ક્યાંય નથી જવાનો તારે ચા પીવી હોય તો ચાલ મારી સાથે."

"સારું ચાલ હું સાથે આવીશ પણ તમે ખબર છે અત્યારે કઈ હોટલ ખુલ્લી હશે?"

"હમણાં અમે આવ્યા ત્યારે રાજ હોટલ ખુલ્લી હતી. કદાચ ત્યાંથી તારી ચા નો મેળ પડી જાય." આ સાંભળી કિશને નિલેશને કહ્યું,"નિલ્યા તારે નથી આવું અમારી સાથે?"

"ના યાર તમે જઈ આવો મને ઊંઘ આવે છે, તમે આવો ત્યાં સુધી હું અહીં જ આડો પડું છું." આ સાંભળીને રાઘવે બે-ત્રણ વાર તેમની સાથે આવવા કહ્યું પણ નિલેશ માન્યો નહિ તેથી કહ્યું,"સારું અમે જલ્દી આવી જઈશું ત્યાં સુધી તું આરામ કર." એમ કહી કે તેણે એના ખિસ્સામાંથી નાની ટોર્ચ કાઢી અને એ બંને સ્ટેશનની બહાર નીકળી ગયા.


એ લોકોના ગયા પછી ફરીથી શાંતિ છવાઈ ગઈ હતી, નિલેશે બાંકડા ઉપર સુતા-સૂતા ચારો તરફ પોતાની નજર ફેરવી તો ધુમ્મસના કારણે દૂર સુધી દેખાતું ન હતું, ઉપરથી વરસાદના છાંટા પણ ફરી શરૂ થઈ ચૂક્યા હતા. જેના લીધે ત્યાં પડતા પાણીના ટીપાં સિવાય ત્યાં બીજો કોઈ અવાજ થતો ન હતો. એકાદ-બે પવનની લહેરથી આવતા તેની આંખો ક્યારે નીચાઈ ગઈ તેને ખબર જ ના પડી,શરીર પર ચાદર ઓઢવાના કારણે તેનું શરીર ગરમ થઈ ગયું હતું જેને લીધે તેના શરીરમાં સારી હૂંફ વળી હતી. ચાદરને લીધે ઠંડક જાણે બાંકડા ની ફરતે ચક્કર લગાવી દૂર જતી રહેતી હોય તેવું લાગતું હતું,હજુ થોડી વાર જ થઈ હશે ત્યાં એક સ્ત્રીની દર્દનાક ચીસ સાથે નિલેશ ની ઊંઘ તૂટી ગઈ.આ ચીસ સાંભળી નિલેશ સફાળો બેઠો થઈ ગયો.ચીસ રેલવે ટ્રેકની તરફ અંધકારમય ભાગ માંથી સંભળાઈ હતી,અવાજ સાંભળીને લાગતું હતુ કે તે સ્ત્રી બહું પીડામાં હશે એટલે વધારે સમય ના વેડફતા તેણે પોતાની પાસે પડેલું ફાનસ ઉઠાવ્યું અને અવાજની દિશામાં ચાલી નીકળ્યો.


રેલવેના ટ્રેક ઉપર ચાલતા નિલેશ અવાજની દિશામાં આગળ વધી રહ્યો હતો,ઝડપથી ચાલતા ધબકારા અને શ્વાસ સાથે તેના મગજમાં બીજા કેટલાય સવાલો દોડી રહ્યાં હતાં,"તે સ્ત્રી કોણ હશે?શું થયું હશે?આટલી અંધારી રાતે એકલી શું લેવા આવી હશે?" આ બધાં વિચારો સાથે તે અંધકાર ભણી પાટા ઉપર આગળ વધી રહ્યો હતો,તેના હાથમાં ફાનસ હતું છતાં તેના પ્રકાશમાં દૂર સુધી જોવું શક્ય નહોતું.આ સાથે ગામમાં દૂરથી કૂતરાઓના રડવાનો અવાજ તેના ડરમાં વધારો કરતો હતો. નિલેશ હજુ થોડેક આગળ વધ્યો હશે ત્યાં તેને દૂર રેલ્વે ટ્રેક પર કઈક હલચલ થતી દેખાઈ,આ જોઈ તે ધીમા પગલે તે તરફ આગળ વધ્યો અને તેની સામેનું દ્રશ્ય જોઈ તેના હાથમાંથી ફાનસ છૂટી નીચે પડી ગયું અને આ સાથે તે પણ કાળા અંધકારમાં ઘેરાઈ ગયો.


રાત્રિની આ ઠંડકમાં પણ નીલેશનાં કપાળે પરસેવો ઉપસી આવ્યો હતો કેમકે તેની સામે માનવ શરીરના કપાયેલા ટુકડા પડ્યા હતા,તેને જોઈને લાગતું હતું કે કોઈ માણસ ટ્રેન નીચે કપાઈને મૃત્યુ પામ્યો હશે ત્યાં પડેલા હાથ,પગ,આંતરડા અને માંસમાંથી નીકળતા લોહીને કારણે ત્યાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હોય તેવું લાગતું હતું,હજુ તે આ બધા વિચારોમાંથી બહાર આવ્યો નહોતો ત્યાં તેને દૂરથી આવતી ટ્રેનની વ્હિસલ સંભળાઈ,તેને દૂર જોયું તો રાત્રે ૧:૪૫ એ આવનારી બાંદ્રા પેસેન્જર એક્સપ્રેસ ધુમ્મસને ચીરતી પૂરઝડપે નિલેશ તરફ આગળ વધી રહી હતી. નિલેશે ત્યાંથી ખસવા માટે પોતાનો પગ આગળ વધાર્યો પણ આ સાથે તેને એક મોટો આંચકો લાગ્યો. તેણે જોયું તો તેનો ડાબો પગ રેલવેના બંને ટ્રેક વચ્ચે ફસાઈ ગયો હતો.


To be Continued......