Mukti - 7 books and stories free download online pdf in Gujarati

મુક્તિ - ભાગ 7

પ્રોફેસરની મુલાકાત

 

ઉપરોક્ત બનાવને એક મહિનો વીતી ગયો.

મધરાત વીતી ગઈ હોવા છતાંય મિનાક્ષીની આંખોમાં ઊંઘ નહોતી.

એની મમ્મી તથા બંને નાના ભાઈઓ એ રાત્રે ઘેર નહોતા. તેઓ પાડોશીના ત્યાં જાગરણ હોવાથી ગયા હતા અને બે-ત્રણ વાગ્યા પહેલા પાછા નહોતા ફરવાના.

મિનાક્ષી પલંગ પર પડીને પડખાં ફેરવતી હતી.

સહસા બારી પર ટકોરા પડ્યા અને સાથે જ સળગતી ચામડીની પૂર્વ પરિચિત દુર્ગંધ એણે અનુભવી.

મિનાક્ષી ચમકીને પલંગ પર બેઠી થઇ ગઈ.

મોહનનો આત્મા આવી પહોંચ્યો હતો.

એણે ઝડપથી નીચે ઉતરી, આગળ વધીને બારી  ઉઘાડી.

ગરમ હવાનો સપાટો અંદર આવ્યો.

‘કેમ છે મીનુ?’ વળતી જ પળે મોહનનો ભારે અવાજ ગુંજી ઊઠ્યો.

‘મજામાં છું.’ કહીને નીચું જોઈ ગઈ.

‘ના, તું મજામાં નથી લાગતી મીનુ!’ મોહનના આત્માનો પૂર્વવત અવાજ ગુંજ્યો. ‘તું ખૂબ જ નિરાશ, ઉદાસ અને થાકેલી લાગે છે.’

‘મોહન, તારા ખૂનીઓને ઇન્સ્પેક્ટર વામનરાવે પકડી લીધા હતા પણ...’

‘પણ શું?’

‘એ ત્રણેય કોર્ટમાંથી નિર્દોષ છૂટી ગયા....’

‘શું?’

‘હા, મોહન! તેઓ અજયગઢ ખાતે સાગર હોટલના માલિક બની બેઠા છે.  વામનરાવ સાહેબ ત્યાંથી જ તેમને પકડી લાવ્યા હતા, પરંતુ કોર્ટે તેમને માનભેર નિર્દોષ ઠરાવીને છોડી મૂક્યા.’

‘આ તું શું કહે છે મીનુ? મારા ખૂનીઓને કોર્ટે છોડી મૂક્યા?’

‘હા...’

‘કેમ?’

‘પોલીસ કોર્ટમાં તેમની વિરુદ્ધ કોઈ પુરાવો રજૂ નહોતી કરી શકી. તને કદાચ ખબર નહીં હોય મોહન, કે શો રૂમમાંથી લૂંટેલી રકમને તેમણે લોટરીમાં મળેલી ઇનામની રકમમાં ફેરવી નાખી હતી. તેમણે ખૂબ જ ચાલબાજી વાપરી હતી.’

‘ચાલબાજ તો એ નાલાયકો હતા જ મીનુ. ચાલબાજીથી જ તો એ કમજાતોએ મને ફસાવ્યો હતો. સળગાવીને મને મારી નાખ્યો હતો. ખેર, તો તેઓ  કોર્ટમાંથી નિર્દોષ ઠરીને છૂટી ગયા એમ ને?’

‘હા.’

‘વાંધો નહીં. તેઓ કોર્ટના ન્યાયથી ભલે બચી ગયા.’ સહસા મોહનનો અવાજ એકદમ કઠોર બની ગયો. ‘તેઓ કોર્ટમાંથી છૂટી ગયા એ તેમનું સદનસીબ નહીં પણ કમનસીબ જ કહેવાય.’

‘એટલે?’

‘કોર્ટ તો તેમને બહુ ઓછી સજા કરત અને આ સંજોગોમાં તે મારા વેરની આગથી  બચી જાત.’

‘તું શું કહેવા માગે છે મોહન?’

‘હું એમ કહેવા માગુ છું કે હવે તેઓ મારા વેરની આગથી નહીં બચી શકે.’ મોહનના આત્માનો પૂર્વવત અવાજ ગુંજી ઊઠ્યો, ‘અને મારું વેર  હશે એ ત્રણેય શયતાનોનું મોત. મારા વેરની આગ એ કમજાતોને હંમેશને માટે આ સંસારમાંથી વિદાય કરી દેશે. સળગાવીને રાખ કરી નાંખશે.’

‘મ... મોહન!’ મિનાક્ષીનો અવાજ ધ્રૂજી ઊઠ્યો.

‘હા મીનુ! હવે હું મારું વેર લઈશ અને વેર પૂરું થયાં પછી તને છેલ્લી વાર મળવા માટે આવીશ.’

‘પણ મોહન...’

એ જ વખતે દરવાજા પર ટકોરા પડ્યા.

હવાનો ગરમ સપાટો બારી મારફત બહાર નીકળી ગયો સાથે જ દુર્ગંધ પણ દૂર થઇ ગઈ.

મોહનનો આત્મા ચાલ્યો ગયો હતો.

મિનાક્ષીએ એક ઊંડો શ્વાસ લીધો અને પછી આગળ વધીને દરવાજો ઉઘાડ્યો.

બહાર એની મા તથા બંને નાના ભાઈઓ ઊભા હતા.

તેમને જોઇને મિનાક્ષી એક તરફ ખસી ગઈ.

ત્રણેય અંદર પ્રવેશ્યા.

મિનાક્ષીએ પુનઃ દરવાજો બંધ કરી દીધો.

***

વામનરાવ ગાઢ ઊંઘમાં સૂતો હતો.

સહસા દરવાજા પર ટકોરાનો વાજ સાંભળીને એની ઊંઘ ઊડી ગઈ.

એણે બેડ લેમ્પની સ્વીચ ચાલુ કરી અને દિવાલ પર લટકતી ઘડિયાળમાં સમય જોયો.

રાતના બે વાગીને ઉપર પાંચ મિનીટ થઇ હતી.

આટલી મોડી રાત્રે કોણ આવ્યું હશે એનો વિચાર કરતો એ પલંગ પરથી નીચે ઉતર્યો અને સ્લીપર પહેરીને દરવાજા તરફ આગળ વધ્યો.

ઊંઘમાંથી ઉઠાડવામાં આવ્યો હોવા છતાંય એ નહોતો ધૂંધવાયો કારણકે એની નોકરી જ એવી હતી.

આ રીતે તો અવારનવાર તેને ઉઠાડવામાં આવતો હતો. એને એક જ વાતનો ધૂંધવાટ હતો કે આગંતુક ડોરબેલ દબાવવાને બદલે જોરજોરથી દરવાજો ખટખટાવતો હતો.

‘આવું છું ભાઈ!’ એય ધૂંધવાતા અવાજે બોલ્યો, ‘દરવાજો તોડી નાખવો છે કે શું?’

ટકોરાનો અવાજ તરત બંધ થઇ ગયો.

વામનરાવે દરવાજો ઉઘાડ્યો.

વળતી જ પળે વિચિત્ર દુર્ગંધ અનુભવીને તે એકદમ ચમકી ગયો. સળગેલા માંસની ગંધ આજે તે બીજી વાર અનુભવતો હતો.

પછી જાણે ગરમ હવાનો સપાટો પોતાની બાજુમાંથી પસાર થઈને રૂમમાં પ્રવેશ્યો છે એવો ભાસ એને થયો.

મોહનનો આત્મા રૂમમાં આવી ચૂક્યો છે એ વાતની વામનરાવને ખાતરી થઇ ગઈ હતી.

એણે દરવાજો બંધ કરીને પીઠ ફેરવી.

‘મોહન, તું જ છો ને?’ એણે પૂછ્યું.

‘હા, ઇન્સ્પેક્ટર સાહેબ, હું જ છું!’ ખુરશી તરફથી મોહનનો ફરિયાદભર્યો અવાજ ગૂંજ્યો, ‘આપે મારી દુર્ગંધ પરથી મને ઓળખ્યો છે ને?’

‘હા... પરંતુ શું આ દુર્ગંધ સાથે લાવવાનું તને જરૂરી લાગે છે?’

‘ના...’

‘તો એને દૂર કર, મારો જીવ ગૂંગળાય છે.’ વામનરાવે નાક ઉપર રૂમાલ રાખતા કહ્યું. 

‘આપનો જીવ તો માત્ર આ દુર્ગંધથી જ ગૂંગળાય છે ઇન્સ્પેક્ટર સાહેબ, જ્યારે મેં તો આ સળગવાની પીડા પણ ભોગવી છે!’ મોહનનો પીડાભર્યો અવાજ ગુંજી ઉઠ્યો, ‘આ દુર્ગંધને જાણીજોઈને જ સાચવી રાખી છે, જેથી મારે મારા ખૂનીઓ સાથે વેર લેવાનું છે એ વાત મને યાદ રહે. આ દુર્ગંધ મારા આગમનની નિશાની છે.’

‘આ નિશાની મને મળી ચૂકી છે મોહન...’

‘ઠીક છે, હું આ દુર્ગંધને દૂર કરી નાખું છું બસ ને?’ 

વળતી જ પળે અચાનક વાતાવરણમાંથી દુર્ગંધ દૂર થઇ ગઈ અને દિલોદિમાગને જકડી રાખતી મીઠી ખુશ્બુ છવાઈ ગઈ.

‘મોહન...’ વામનરાવે ધીમેથી બૂમ પડી.

કદાચ મોહનનો આત્મા ચાલ્યો ગયો છે એમ એ માનતો હતો.

‘હું અહીં છું ઇન્સ્પેક્ટર સાહેબ! મેં માત્ર મારા આત્માથી જ તેને દૂર કરી છે. હું આપની સાથે વાત કરવા માટે જ આવ્યો છું અને વાત પૂરી કર્યા વગર નહીં જ જાઉં.’

‘મોહન હું તારા ખૂનીઓને પકડ્યા પછી પણ તેમને સજા નથી કરાવી શક્યો એ વાતનો મને ખૂબ જ અફસોસ છે.’ વામનરાવ દિલગીરીભર્યા અવાજે બોલ્યો.

‘મને ખબર છે ઇન્સ્પેક્ટર સાહેબ!’ મોહનના આત્માનો ધીમો અવાજ ગૂંજ્યો.

‘તને ખબર છે?’ વામનરાવે ચમકીને પૂછ્યું, ‘તને આ વાતની કેવી રીતે ખબર પડી?’

‘મિનાક્ષી પાસેથી, હું તેને મળીને જ આપની પાસે આવ્યો છું.’

‘ઓહ! વામનરાવ બબડ્યો, પછી એક ઊંડો શ્વાસ લેતાં પલંગ પર  બેસતા એ બોલ્યો, ‘મિનાક્ષીએ બધું કહ્યું જ હશે.’

‘હા... એણે મને બધું જ જણાવી દીધું છે.’ મોહનના અવાજમાં કડવાશ આવી ગઈ, ‘કાયદાનો પાયો સાક્ષીઓ અને પૂરાવાઓ છે. આ બંને વસ્તુઓ તેને જેટલી હદ બતાવવામાં આવે એટલી હદ સુધી જ તે સચ્ચાઈને બતાવી શકે છે. પછી ભલે ને એ સાક્ષીઓ અને પુરાવાઓ ખોટા હોય, તે એને સાચા જ માને છે. અને હવે આપના કાયદાની તરફેણ કરીને મને એમ સમજાવવાનો પ્રયાસ કરશો નહીં કે ભલે સો ગુનેગારો છૂટી જાય પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. ઇન્સ્પેક્ટર સાહેબ આજના જમાનામાં આ નીતિ એકદમ બદલાઈ ગઈ છે. આ જે નિર્દોષને જ સજા થાય છે. ત્રિલોક, ગજાનન, દિલાવર ખૂનીઓ છે એ વાત પર આપનો ભરોસો નથી? ઉત્તમચંદ જ્વેલર્સમાંથી એક કરોડ રૂપિયાની લૂંટ તેમણે જ ચલાવી અને મારો ઉપયોગ બલિના બકરા તરીકે કર્યો હતો.’

‘મને આ વાતની પૂરી ખાતરી છે મોહન!’

‘વેરી ગૂડ! પણ આ વાતની ખાતરી કોર્ટને ન કરાવી શક્યા ખરું ને?’ આ વખતે મોહનના આત્માના અવાજમાં કટાક્ષનો સૂર હતો.

‘ના... અને એમાં મારો કંઈ વાંક નથી. મને તારી પર પૂરેપૂરો ભરોસો છે મોહન. મેં એ ત્રણેયને પકડીને કોર્ટમાં રજૂ કર્યા હતા. મેં કોર્ટને બતાવ્યું હતું કે આજની તારીખમાં તેઓ એક મોટી હોટલના માલિક છે. મેં કોર્ટને બધી જ હકીકતો જણાવી હતી. પરંતુ ત્યારે મને ખબર નહોતી કે એ લોકોએ  લોટરીના ઇનામવાળી યુક્તિ વિચારી રાખી છે. જો એ વાતની ખબર હોત તો હું આટલી જલદી એમની ગરદન પર પંજો ન ઉગામત. પહેલાં તેમની વિરુદ્ધ જડબેસલાક પૂરાવાઓ એકઠા કરત. હું જેને મજબૂત પૂરાવો માનતો હતો એને કોર્ટમાં કમજોર પૂરવાર કરી દેવામાં આવ્યો અને આ વાત માટે હું કોર્ટને પણ દોષિત નથી માનતો.’

‘કંઈ વાંધો નહીં ઇન્સ્પેક્ટર સાહેબ! આપણી અદાલતે તો એ ત્રણેય ગુનેગારોને, તેઓ ગુનેગારો હોવા છતાંય નિર્દોષ માનીને છોડી મૂક્યા. પરંતુ આપની દુનિયાની અદાલત સિવાય એક બીજી અદાલત પણ છે.’

‘ભગવાનની અદાલત?’

‘ના...’

‘તો?’

‘મારી અદાલત, મારી પોતાની અદાલત. એક આત્માની અદાલત. અને મારી અદાલત એ ત્રણેયને આપની અદાલતની ત્રણસો બે નંબરની કલમ મુજબ મોતની સજા ફરમાવી ચૂકી છે!’

‘શું?’

‘આશ્ચર્ય પામવાની જરૂર નથી ઇન્સ્પેક્ટર સાહેબ!’ મોહનના આત્માનો મક્કમ અવાજ ગુંજી ઊઠ્યો, ‘હું તમને એ જ વાત જણાવવા માટે આવ્યો હતો કે મારી અદાલત એ ત્રણેયને મોતની સજા ફરમાવી ચૂકી છે અને એક જલ્લાદની હેસિયતથી હવે હું વારાફરતી તેમને મોતને ઘાટ ઉતારી દઈશ!’

‘ના ના...’

‘હું એમ જ કરીશ ઇન્સ્પેક્ટર સાહેબ!’

વળતી જ પળે એક ભયંકર અટ્ટહાસ્ય ગુંજી ઉઠ્યું.

આ અટ્ટહાસ્ય સાંભળીને વામનરાવ જેવા દિલેર પોલીસ ઓફિસરના રુંવાડા પણ ઊભા થઇ ગયા.

આવું અટ્ટહાસ્ય કોઈ શયતાનનું જ હોઈ શકતું હતું. 

‘મોહન!’ વામનરાવ પોતાની જાત પર કાબૂ મેળવતાં બોલ્યો, ‘તારે આવું કશુંય નથી કરવાનું. આવું કરવાનો તને કોઈજ હક્ક નથી.’

‘હક્ક? મોહનનો કટાક્ષભર્યો અવાજ ગુંજ્યો, ‘હક્કની વાત જવા દો સાહેબ! પૈસા ખાતર મને સળગાવી નાખવાનો હક્ક તો એ ત્રણેયને પણ નહોતો સાહેબ! મારા ભાગની રકમ પચાવી પાડવા માટે મને હોળીનું નાળિયેર બનાવવાનો હક્ક પણ તેમણે નહોતો! હું ડંકાની ચોટ પર આપને કહીને જાઉં છું ઇન્સ્પેક્ટર સાહેબ! હું તેમને નહીં છોડું. વીણીવીણીને એમને મોતને ઘાટ ઉતારી દઈશ. જે પૈસા ખાતર તેમણે મારું ખૂન કર્યું હતું, એ પૈસાનું સુખ હું તેઓને નહીં ભોગવવા દઉં,’

‘ગાંડપણ રહેવા દે મોહન! તું આવું  કોઈ પગલું ભરીશ નહીં!’

‘કેમ સાહેબ? શા માટે ન ભરું? મને મારું વેર લેતા કોણ અટકાવશે?’

‘હું!’ વામનરાવ આવેશભર્યા અવાજે બોલ્યો.

મોહનનું પ્રેત હસ્યું. એનું હાસ્ય કટાક્ષ ભર્યું હતું.

‘આપ મને અટકાવશો સાહેબ? એક પ્રેતને? જે હવે આપની દુનિયાનો રહેવાસી નથી રહ્યો, જેને આપની દુનિયા ક્યારનીયે બે ઠોકર મારી ચૂકી છે, જેની સાથે આપની દુનિયાને હવે કોઈ નિસ્બત નથી રહી એને અટકાવવાની આપ વાત કરો છો?’

‘હું પણ એ જ કહું છું. આ દુનિયા સાથે તારે કંઈ નિસ્બત નથી રહી તો અહીંના કામમાં દરમિયાનગીરી કરવાનો તને હક્ક છે? અહીંની દુનિયાના લોકો સાથે તારી શી નિસ્બત છે?’

‘દુનિયાના લોકો સાથે નહીં, પણ મારા ત્રણ ખૂનીઓ સાથે જરૂર છે...’

‘તેઓ પણ આ દુનિયાના જ લોકો છે.’ 

‘બરાબર છે... પરંતુ એ કમજાતો મારા દુશ્મન છે. મારા ખૂન માટે જવાબદાર છે એ શયતાનો. ઇન્સ્પેક્ટર સાહેબ, આપની એક પણ દલીલ મને વેર લેતા નહીં અટકાવી શકે. હા, આપને મને અટકાવવાનો પ્રયાસ કરવાની પૂરેપૂરી છૂટ છે. એ કમજાતો ક્યાં ને શું કરે છે તે હું મિનાક્ષી પાસેથી જાણી ચૂક્યો છું. એ ત્રણેયના સુખાકારી જીવનને રાખમાં ફેરવવા માટે હું અહિંથી સીધો અજયગઢ જાઉં છું. આપ તેમને બચાવવાનો પ્રયાસ કરી શકો છો સાહેબ! આપ જરૂર પ્રયાસ કરજો. એક પ્રેતાત્મા વેર લેવા જમીન પર ઉતરી આવ્યો છે અને એક જીવતો-જાગતો માણસ એ જ પ્રેતાત્માને વેર લેતો અટકાવવાનો પ્રયાસ કરશે! વાહ! ખરેખર મજા આવશે. અને હા, સાહેબ... એક વાત સાંભળી લો. આપે મારા ખૂનીઓને સજા આપવાનો પ્રયાસ કરીને મારા પર ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે. આપનો આ ઉપકાર હું નહીં  ભૂલું સાહેબ! સારું, હવે મને રજા આપો. ગૂડ બાય!’

‘સાંભળ... સાંભળ...’ વામનરાવ વ્યાકુળ અવાજે બોલ્યો.

પરંતુ કંઈ જવાબ ન મળ્યો.

માત્ર પળભર માટે એણે પૂર્વ પરિચિત માંસ સળગવાની દુર્ગંધ અનુભવી. 

ત્યારબાદ એ દુર્ગંધ દૂર થઇ ગઈ.

વામનરાવના ચહેરા ઉપર ચિંતાના હાવભાવ છવાઈ ગયા.

મોહનના આત્માના અણસાર તેને સારાં નહોતાં લાગ્યાં.

***

વામનરાવે મહારાજા રોડ પર આવેલી એક તેર માળની આલિશાન ઈમારતના પાર્કિંગમાં પહોંચીને પોતાની જીપ પાર્ક કરી.

પછી નીચે ઉતરીને તે લીફ્ટ મારફત આઠમા માળે આવેલા એક ફ્લેટ સામે પહોંચ્યો.

ફ્લેટના દરવાજા પર પ્રોફેસર શિવનાથ શાસ્ત્રીના નામની તકતી ચોંટાડેલી હતી.

પ્રોફેસર શિવનાથ શાસ્ત્રી વિશાળગઢ યુનિવર્સીટીના માનસશાસ્ત્ર વિભાગના હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ હતા. પરંતુ માનસશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ હોવા છતાં તેઓ ભૂત-પ્રેતના અસ્તિત્વમાં પણ માનતા હતા. આ એક કારણસર જ તેમણે બે વર્ષ પહેલાં પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું અને હવે તેઓ સ્વતંત્ર રીતે પોતાનું સંશોધન કરતા હતા.

એક જમાનામાં વામનરાવ શિવનાથ શાસ્ત્રીનો શિષ્ય રહી ચૂક્યો હતો અને શિવનાથ શાસ્ત્રીને પણ તેના પ્રત્યે ખૂબ જ લાગણી હતી. અભ્યાસ પૂરો થયા પછી પણ તેમના મધુર સંબંધો જળવાઈ રહ્યા હતા.

વામનરાવે વગાડેલી ડોરબેલના જવાબમાં એક નોકરે દરવાજો ઉઘાડ્યો. એણે વામનરાવને ડ્રોઈંગરૂમમાં બેસાડ્યો અને શિવનાથને એના આગમનની જાણ કરવા માટે સ્ટડીરૂમમાં ચાલ્યો ગયો.

દસેક મિનીટ પછી શિવનાથ ડ્રોઈંગરૂમ પ્રવેશ્યો એની ઉંમર આશરે બાસઠ વર્ષની હતી. એના માથાના વાળ સફેદ થઇ ગયા હતા. એના ચહેરા પર બુદ્ધિમત્તાની ચમક પથરાયેલી હતી. 

વામનરાવે એના ચરણસ્પર્શ કર્યા અને શિવનાથના બેસી ગયા પછી પોતે પણ એની સામે બેઠો.

‘ઘણા દિવસે આવ્યો દિકરા?’ શિવનાથે આત્મિયતાભર્યા અવાજે પૂછ્યું. 

‘સર! પોલીસની નોકરીમાંથી ફૂરસદ નથી મળતી એ તો આપ જાણો જ છો!’ વામનરાવે કહ્યું.

‘તારી વાત સાચી છે!’ શિવનાથ સ્મિત ફરકાવતા બોલ્યો, ‘અને અત્યારે તું અમસ્તો જ મારી પાસે નથી આવ્યો તેની મને ખબર છે!’

‘જી...’ વામનરાવ ચમક્યો.

‘હા...’ શિવનાથના હોઠ પર ફરકતું સ્મિત વધુ ગાઢ બની ગયું. ‘તું એ કેસના અનુસંધાનમાં જ આવ્યો છે ને કે જેમાં તાજેતરમાં જ જે ત્રણેય આરોપીઓ પર લૂંટ તથા ખૂનનો આરોપ હતો અને જેમને કોર્ટે નિર્દોષ ઠરાવીને છોડી મૂક્યા હતા?’

‘હા... પણ સર... આપ આ બધું...’

‘આ બધું મેં ટેલીપથી વિદ્યાને કારણે જાણી લીધું છે!” શિવનાથ પૂર્વવત અવાજે બોલ્યો, ‘અત્યારે હું  ભૂતપ્રેત ઉપરાંત આ જાતની વિદ્યાઓમાં પણ સફળતા મેળવવાનો પ્રયાસ કરું છું. ટેલીપથીનો અર્થ છે – કોઈ બનાવ કે વસ્તુ વિશે પ્રત્યક્ષ માધ્યમ વગર જાણી લેવું! આ વિદ્યાથી સામા માણસના મગજમાં શું છે એ પણ અમે જાણી લઈએ છીએ!’

‘ઓહ!’ વામનરાવ આશ્ચર્ય સહ બબડ્યો.

‘તું ચમકી શા માટે ગયો?’ આમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી દિકરા!’

‘તો તો પછી આપ મારા આગમનનો હેતુ પણ જાણતાં જ હશો?’

‘ના... હજુ સુધી હું આ વિદ્યામાં એટલી સફળતા નથી મેળવી શક્યો. સાચી વાત એ છે કે મને ભૂતપ્રેતના સંશોધનમાંથી જ એટલી ફુરસદ નથી મળતી કે ટેલીપથી તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકાય.’

‘આપ ભૂતપ્રેતના અસ્તિત્વમાં માનો છો સર?’

‘હા...’

‘પણ સર, વિજ્ઞાન તો આ વાત નથી માનતું!’

‘વિજ્ઞાન ભલે ભૂતપ્રેત અને આત્માના અસ્તિત્વમાં ન માનતું હોય પરંતુ હું માનું છું. વિજ્ઞાને જે રીતે અગ્નિને સ્વીકારી લીધું છે એ જ રીતે એક દિવસ ભૂતપ્રેતના અસ્તિત્વને પણ સ્વીકારશે.’

‘એટલે?’ વામનરાવે મૂંઝવણ મિશ્રિત પ્રશ્નાર્થ નજરે શિવનાથ સામે તાકી રહેતા પૂછ્યું.

‘હા...અગ્નિ! આગ ન તો કોઈ તત્વ છે કે ન તો ગતિનો નિયમ છે. નથી એ જીવિત પ્રાણી કે નથી એ કોઈ બીમારી, પરંતુ તેમ છતાંય એ અનુભવી શકાય છે કે નહીં?’

‘જરૂર અનુભવી શકાય છે!’ વામનરાવ સહમતીસૂચક રીતે માથું હલાવતા બોલ્યો, ‘આગના અસ્તિત્વને તો કોઈ નકારી શકે તેમ નથી!’

‘કોઈની વાત જવા દે! હું વિજ્ઞાનની વાત કરું છું. વિજ્ઞાન આજ સુધી એને તત્વના રૂપમાં સ્થાપિત નથી કરી શક્યું  તેમ એની અનુભૂતિ પર પણ શંકા નથી કરી શક્યું! પરંતુ ભૂતપ્રેતોના અસ્તિત્વની વાત થાય છે તો એ તરત જ પોતાની શંકા વ્યક્ત કરે છે. બાકી ભૂતપ્રેતના અસ્તિત્વને પૂરવાર કરે એવા કેટલાય પૂરાવાઓ મળી ચૂક્યા છે. અરે... એક કેસમાં તો એવું બન્યું હતું કે એમાં એક આત્માએ જ પોતાના ખૂનીનું નામ તથા પોતાનું ખૂન કઈ વસ્તુથી કરવામાં આવ્યું હતું, એ જણાવ્યું હતું.’   

‘મારા આ કેસમાં પણ એમ જ બન્યુ છે સર!’ વામનરાવ ચમકીને બોલ્યો, ‘મોહન ચૌહાણના આત્માએ આવીને મારી સાથે વાતચીત કરી હતી. એણે પોતાની પ્રેમિકા સાથે પણ વાત કરી છે. આવું બને ખરું સર?’

‘જરૂર બની શકે છે!’

‘પણ સર માણસનું શરીર જ નથી રહેતું તો પછી એનો આત્મા કેવી રીતે બોલી શકે? શરીર પોતાની જીભ, અક્કલ, આકાર ગુમાવી ચૂક્યું હોય તો તે બીજી વાર એ જ આકારને ગુમાવી ચૂક્યું હોય તો તે બીજી વાર એ જ આકારને કેવી રીતે દર્શાવી શકે?’

‘તારી વાત સાચી પણ છે અને ખોટી પણ!’ વાસ્તવમાં માનવ શરીરના બે રૂપો હોય છે. એક તો પ્રાકૃતિક શરીર કે જે નજરે ચડતું હોય છે અને બીજું સુક્ષ્મ શરીર જે આપણી દ્રષ્ટિની મર્યાદાની બહાર હોય છે. સુક્ષ્મ શરીરની બધી વિશેષતાઓ પ્રાકૃતિક શરીર જેવી જ હોય છે. તીવ્ર ઇચ્છાશક્તિને જોરથી આ સુક્ષ્મ શરીરનું હલનચલન શક્ય બને છે. માણસ પોતાની દ્રઢ ઈચ્છાશક્તિના જોરે આ સુક્ષ્મ શરીરને બહાર પણ કાઢી શકે છે. ધર્મના ગ્રંથોમાં લખ્યા મુજબ શરીર નશ્વર છે પરંતુ આત્મા અમર છે. આત્મા ક્યારેય મૃત્યુ નથી પામતો. શરીરને એના આત્મા દ્વારા જ શાંતિ મળે છે. આ કારણસર આત્મા વાત નથી કરી શકતો એવી તારી માન્યતા બિલકુલ ખોટી છે.’

‘ઓહ... તો તો મોહનના આત્માએ આવીને મારી સાથે વાતચીત કરી હતી, એ આપ કબૂલ કરો છો ખરું ને?’

‘હા.’ શિવનાથ મક્કમ અવાજે બોલ્યો.

‘પણ સર, આ આત્માના આગમનની જાણ એક દુર્ગંધથી શા માટે થાય છે?’

‘કેવી દુર્ગંધ?’

‘જાણે કોઈ માણસનું શરીર કેરોસીનથી સળગતું હોય એવી દુર્ગંધ!’ વામનરાવ બોલ્યો.

‘મોહનનું મોત કેવી રીતે નીપજ્યું હતું?’ શિવનાથે ઊંચા અવાજે પૂછ્યું.’

‘એને કેરોસીન છાંટીને સળગાવી નાખવામાં આવ્યો હતો.’ વામનરાવે જવાબ આપ્યો.

‘તો આમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? શિવનાથ શાસ્ત્રીએ સ્મિત ફરકાવતા કહ્યું, ‘જે ઢબે એનું મોત થયું હતું એ ઢબને એણે પોતાનું ઓળખ ચિહ્ન બનાવી લીધું છે.’

‘પરંતુ આ દુર્ગંધ કોઈ ખાસ માણસ જ અનુભવે છે. દાખલા તરીકે એ વખતે જો મારી આજુબાજુમાં દસ માણસો હોય તો પણ એ દુર્ગંધ મારા સિવાય બીજું કોઈ નથી અનુભવતું. આવું શા માટે?’

‘આને જ તો આત્માની પરમ શક્તિ કહેવાય છે દીકરા. માણસનું શરીર શક્તિશાળી હોય છે, એ તારો વહેમ છે. માણસને શક્તિ તો આત્માથી મળતી હોય છે. આત્મા અમર છે એટલે શરીરનો નાશ થયા પછી પણ એની શક્તિ ઓછી થતી નથી. આત્મા જેને પોતાનો પરિચય આપવા માગતો હોય એને જ પોતાનો પરિચય આપે છે. આત્મા મરજી પડે ત્યારે એ દુર્ગંધ જાહેર કરી શકે છે અને મરજી પડે ત્યારે એને દૂર કરી શકે છે.’

‘શું આત્મા પોતાનું વેર પણ લઇ શકે છે?’ વામનરાવે ગંભીર અવાજે પૂછ્યું.

‘ચોક્કસ.’ શિવનાથ મક્કમ અવાજે  બોલ્યો, ‘સામાન્ય રીતે જ્યારે કોઈ માનવીનું ખૂન કરી નાખવામાં આવે છે અથવા તો કોઈ કારણસર મરનારની ઈચ્છાઓ અધૂરી રહે છે તો મર્યા પછી એનો આત્મા પ્રેતયોનિમાં ચાલ્યો જાય છે. આત્માઓની દુનિયાને અમે સૂક્ષ્મ સંસાર તરીકે ઓળખીએ છીએ. અને વેરની ભાવના તો આત્માને વધારે ખૂંખાર અને ભયંકર બનાવી દે છે. વારુ મારી એક વાતનો જવાબ આપ.’

વામનરાવે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

‘મોહનના આત્માએ તને આ વાત જણાવી હતી?’

‘કઈ વાત?’

‘વેર લેવાની વાત?’

‘હા.’

‘તો એ જરૂર વેર લેશે!’

‘પણ સર એક વાત મને નથી સમજાતી!’

‘કઈ વાત?’

‘કોઈ પ્રેતાત્મા, કોઈ જીવતા માણસ સાથે કેવી રીતે વેર લઇ શકે?’

‘એની વેર લેવાની ઘણીબધી રીતો હોય છે.’

‘એટલે?’

‘સામાન્ય રીતે આત્મા જે પદ્ધતિથી એનું ખૂન કરવામાં આવ્યું હોય, એ જ પદ્ધતિનો વેર લેવા માટે વધુ ઉપયોગ કરે છે.’

‘મોહનને સળગાવીને મારી નાખવામાં આવ્યો હતો. તો શું એનો આત્મા પણ પોતાના દુશ્મનોને સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કરશે?’

‘હા... એવી શક્યતા વધુ છે. પરંતુ એમ જ બનશે એવું માની લેવાની જરૂરી નથી. મોહનનો આત્મા કોઈ પણ રીતે તેમને મારીને વેર લેવાનો પ્રયાસ કરી શકે છે. આવું અગાઉ બની ચૂક્યું છે કે વેર લેવા માટે આત્માઓએ લાંબા સમય સુધી રાહ જોઈ હોવાના ઉદાહરણો પણ મોઝુદ છે. હવે અહીં એક બીજી વાત ઉભી થાય છે. જે રીતે આપણા આ મૃત્યુલોકમાં નાતજાતનો ભેદભાવ છે એવો જ ભેદભાવ આત્માઓના સુક્ષ્મ સંસારમાં પણ છે. જ્યારે કોઈ બ્રાહ્મણનું ખૂન કરવામાં આવે છે ત્યારે એ મર્યા પછી બ્રહ્મ પિશાચ અથવા તો બ્રહ્મ રાક્ષસ બની જાય છે. બ્રહ્મ પિશાચને સહુથી વધુ ખતરનાક પ્રેત માનવામાં આવે છે. આવી જ કેટલીય જાતો સુક્ષ્મ સંસારમાં છે. ભૂતપ્રેત, પિશાચ, ચુડેલ, ડાકણ વિગેરે. પરંતુ દરેક આત્મ ખરાબ અને દુર્જન નથી હોતો. અમુક આત્માઓ નેક હોય છે અને તે જીવતા માણસોનું ભલું પણ કરે છે. પરંતુ વેર લેવા માટે ભટકતા આત્માને અટકાવવાનું કામ ખૂબ જ મુશ્કેલ હોય છે.’

‘સર, મોહનના આત્માને વેર લેતો અટકાવી શકાય તેમ નથી?’

‘આ કામ મારું નથી દીકરા... હું  ભૂતપ્રેતના અસ્તિત્વને વૈજ્ઞાનિક પદ્ધતિથી પૂરવાર કરવાના સંશોધનમાં રોકાયેલો છું. પરંતુ અમુક પીર-ફકીર અને સાધુ-સંતો આવા કામોમાં નિષ્ણાત અને શક્તિમાન હોય છે. પરંતુ આજના જમાનામાં સાધુ સંતોને નામે મોટે ભાગે લેભાગુઓ જ જોવા મળે છે. તેઓ ભૂતપ્રેત કે આત્મા પર કબજો મેળવવાનો દાવો તો જરૂર કરે છે પરંતુ વાસ્તવમાં કશું જ નથી કરી શકતા.’ શિવનાથ એક ઊંડો શ્વાસ લેતાં બોલ્યો, ‘આ વિષય પર લગભગ દોઢસો વર્ષથી ઘણા લોકો વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરે છે. આ વિષય પર અત્યાર સુધીમાં ઘણા લેખો લખાઈ ચૂક્યા છે. આવા લેખો લખનારમાં હેરી પ્રાઈસનું નામ ઉલ્લેખનીય છે. એણે ચાલીસ વર્ષ સુધી આ સંશોધન પર કામ કર્યું છે. એણે સ્પ્લીટ ફોટોગ્રાફીના ઉપયોગથી અમુક પ્રેતના ફોટા પાડવામાં પણ સફળતા મેળવી છે. પરંતુ તેમ છતાંય અમુક ટીકાકારોએ એના પર ઉપજાવી કાઢેલા તથ્યને સામે લાવવાનો આરોપ મૂક્યો હતો. જ્યાં સુધી વૈજ્ઞાનિક ઢબે આ વાતને સમર્થન નહીં અપાવી શકીએ ત્યાં સુધી અમારે આવા આક્ષેપો સહન કરવા પડશે. અને આ માટેના પ્રયાસો ચાલુ છે. એક દિવસ તો આ બાબતમાં અમને સફળતા મળશે જ.’

‘સર, જો મારી સાથે આવું ન બન્યું હોત તો હું પોતે આ વાત કબૂલ ન કરત.’ વામનરાવ બોલ્યો, ‘સર, મોહનના આત્માએ મારી સાથે પહેલી વાત કરી, ત્યારે મેં એના કેસની ફાઈલ મંગાવી હતી. એ ફાઈલમાં મેં લોહીના ત્રણ ટીપાં જોયા હતા.’

‘લોહીના ત્રણ ટીપાં?’ શિવનાથે ચમકીને પૂછ્યું.

‘હા.’

‘મોહનનું ખૂન ત્રણ માણસોએ કર્યું હતું?’

‘હા.’

‘તો તો પછી એ લોહીના એક એક ટીપાં જરૂર એ ત્રણેય ખૂનીઓના જ હશે.’

‘બનવાજોગ છે! બાકી રેકોર્ડરૂમમાંથી મંગાવેલી એ ફાઈલમાં તાજા લોહીના ત્રણ ટીપાં જોઇને મારું દિમાગ એકદમ ચકરાવે ચડી ગયું હતું.’

‘પ્રેતલીલા તો ભલભલાના દિમાગને ચકરાવે ચડાવી દે છે, દીકરા!’

‘આપની વાત સાચી છે.’ વામનરાવ ધીમેથી માથું હલાવતા બોલ્યો.

ત્યારબાદ થોડી વાર સુધી વાતચીત કરી, ચા પીને વામનરાવ શિવનાથ શાસ્ત્રીના ફલેટમાંથી બહાર નીકળ્યો ત્યારે એના ચહેરા ઉપર ચિંતામિશ્રિત મૂંઝવણના હાવભાવ છવાયેલા હતા.