Love you yaar - 45 books and stories free download online pdf in Gujarati

લવ યુ યાર - ભાગ 45

સાંવરીની વાત સાંભળીને દિવાકરભાઈના છક્કા છૂટી ગયા છેલ્લા પાંચ વર્ષની આવક જાવકનો હિસાબ પોતાના લેપટોપમાં કઈરીતે બતાવવો તેમ તે વિચારમાં પડી ગયા એટલે તેમણે સાંવરીને એમ કહી દીધું કે મેડમ આજે હું મારું લેપટોપ જ નથી લાવ્યો.

સાંવરી દિવાકરભાઈને બરાબર ઓળખી ગઈ હતી અને તે મનમાં ને મનમાં વિચારી રહી હતી કે, 'હોઠ સાજા તો ઉત્તર ઝાઝા' એવું છે આ માણસ થોડો વધારે પડતો જ સ્માર્ટ બની રહ્યો છે અને ચોર પણ તે જ છે અને સાબિતી વગર મીત તો તેને ચોર માનવા માટે જરા પણ તૈયાર જ નહીં થાય. તેને ખુલ્લો પાડવા માટે મારે કંઈક કીમીયો ઘડવો પડશે... અને હિસાબ બતાવવા તૈયાર નહીં થનાર દિવાકરભાઈને પોતાની ભૂલ કબુલાવતાં સાંવરીને ખૂબ સારી રીતે આવડતું હતું.

ગોડાઉનમાં પોતાને વેચવા માટેનો અલગ કાઢેલો માલ દિવાકરભાઈને ખસેડવાનો સમય મળ્યો નહોતો તેથી તે ખસેડી શક્યા નહોતા અને તેમને તો તેવી કલ્પના શુધ્ધા નહોતી કે સાંવરી મેમ આ રીતે એકદમથી ગોડાઉનમાં વીઝીટ કરવા માટે જવાનું કહેશે. પોતાને બચાવવા માટે દિવાકરભાઈએ આડા અવળા ખૂબ જવાબો આપ્યા પરંતુ સાંવરી તેમનાથી એક સ્ટેપ આગળ ચાલી રહી હતી તેની તેમને ખબર નહોતી. દિવાકરભાઈને ખબર નહોતી કે, સાંવરીને ચેસનો ઘોડો દોડાવતાં પણ આવડે છે, રાણીને વચ્ચે લાવતા પણ આવડે છે અને રાજા બનીને સામેના માણસને હરાવતા પણ આવડે છે અને હુકમનો એક્કો તો સાંવરી પાસે જ હતો તેની દિવાકરભાઈને ક્યાં ખબર હતી ? તે તો સાંવરીને સીધી સાદી ભોળી ભાળી ઉંમરમાં નાની હતી એટલે નાદાન છોકરી સમજતા હતા પરંતુ તેનું દિમાગ ક્યાં ચાલે છે તેની તેમને ક્યાં ખબર હતી ? કે સામે વાળાની ગેમ પણ તે રમે છે અને પોતાની ગેમ પણ તે જ રમે છે તેવી તે બિઝનેસમાં પાવરધી છે અને બિઝનેસની ખાં પણ છે તેને માણસના બોલવા ઉપરથી તેની વફાદારીની ખૂશ્બુ આવી જતી હતી.

દિવાકરભાઈ મનોમન ઈશ્વરને યાદ કરવા લાગ્યા અને પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા કે, "હે ભગવાન, મેડમને કશીજ ખબર ન પડે અને હું બચી જવું ભગવાન મેં ચોરી કરી છે મને માફ કરજે ભગવાન..." પરંતુ ખોટું કરે તેને ઈશ્વર પણ સાથ આપતો નથી કે તેનો સગો થતો નથી અને પાપ તો છાપરે ચઢીને જ પોકારે તેવી વાત છે... સાંવરી દિવાકરભાઈનો ભાંડો ફોડવા જતી હતી પણ તેને થયું કે, હું મીતની રાહ જોઉં અને આ બધું મીતની હાજરીમાં જ થાય તે વધુ સારું એટલે તેણે મીતને ફોન કર્યો કે તે કેટલી વારમાં ઓફિસ પહોંચી રહ્યો છે ?

આ બાજુ જેનીના ઘરે મીતે હાયર કરેલી જાસૂસી ટીમની તપાસ ચાલી રહી હતી અને તેમણે મીતને જેનીના ઘરે થોડી વાતચીત કરવા માટે બોલાવ્યો તેથી મીત ઓફિસે આવતા પહેલા જેનીના ઘરે ગયો. જાસૂસી ટીમે મીતને જણાવ્યું કે, સુજોય કોઈ ગુંડો કે ખરાબ માણસ નહોતો પરંતુ તે તો ઇન્ટેલિજન્સ બ્યુરોનો ખૂબજ વિશ્વાસુ માણસ હતો અને પોતાના દેશ માટે તે કામ કરી રહ્યો હતો અને તેથીજ તે થોડા થોડા દિવસે બહારગામ જવાનું કહી પોતાના કામે જતો હતો અને માટે જ તેણે આ બાબતે જેનીને કશું જ જણાવ્યું નહોતું. આ વખતે તેણે પોતાની એક એવી હદ પાર કરી દીધી હતી કે તે છૂપી રીતે બીજા દેશમાં ઘૂસી ગયો હતો અને પોતાની સાથે બ્યુરોમાં કામ કરતાં માણસ સાથે ફોન ઉપર વાત કરતાં અને બધી માહિતી આપતાં તે પકડાઈ ગયો હતો ત્યાંની છૂપી પોલીસને આ વાતની જાણ થતાં તેને પકડવા માટે તેની પાછળ પડી હતી પરંતુ તે ત્યાંથી ભાગી છૂટયો હતો પરંતુ ત્યાંથી અહીં પોતાના ઘર સુધી તો તે આવી ગયો પણ ત્યાંના માણસોએ તેને અહીં આવીને પતાવી દીધો અને આ માણસો કોણ હતા કઈરીતે અહીં આવ્યા હતા ? કંઈજ ખબર પડે તેમ નથી માટે ખૂની હવે પકડાય તેમ નથી અને આ બધીજ માહિતી અમે આ કેસ સંભાળનાર પી. આઈ. સાહબને આપી દીધી છે માટે આ કેસને અહીંયા જ વાઈન્ડઅપ કરી દેવામાં મજા છે. હવે લાવો અમારી ફી અને અમને છૂટા કરો.

મીતે જાસૂસી "એન્જલ" ટીમનો ખૂબ ખૂબ આભાર માન્યો તેમની ફી ચૂકવી અને જેની સાથે શાંતિથી વાત કરી જેનીને પણ સમજાવી દીધી કે હવે આ કેસમાં બહુ પડવા જેવું નથી જે થઈ ગયું તે થઈ ગયું હવે સુજોય પાછો આવવાનો નથી માટે તારે શાંતિથી હિંમત રાખીને જીવન જીવવાનું છે અને જેની ખૂબ ઢીલી પડી ગઈ હતી તે મીતને વળગી પડી અને રડવા લાગી... તે મીત સાથે ઘણીબધી વાતો કરવા માંગતી હતી પરંતુ મીતના મોબાઈલમાં સાંવરીના ફોન ઉપર ફોન આવી રહ્યા હતા તેથી મીત ઓફિસે જવા માટે નીકળ્યો અને નીકળતાં નીકળતાં તે જેનીને પ્રોમિસ આપીને ગયો કે તે ફરીથી સમય લઈને તેની સાથે શાંતિથી બેસવા માટે આવશે.

મીત ઓફિસે પહોંચી ગયો એટલે સાંવરીને થોડી હાંશ થઈ. મીત આવ્યો ત્યારે લંચ ટાઈમ થઈ ગયો હતો અને ઓફિસમાં પણ લંચ બ્રેક હતો તેમજ મીતને થોડી ભૂખ પણ લાગી હતી એટલે આવીને તરત જ તેણે સાંવરીને પૂછ્યું કે, " આપણે જમવાનું શું કરવાનું છે ? "
સાંવરી: કેમ તને ભૂખ લાગી છે ?
મીત: હા યાર.
સાંવરી: હા તો ચાલો જમી લઈએ.
મીત: એટલે તું આજે પણ ઘરેથી લંચ બનાવીને લઈને આવી છે ?
સાંવરી: અફકોર્સ યાર, મારા હબીનું ફેવરિટ સેવ ટામેટાનું શાક કોબીજ ડુંગળીનું કચુંબર અને બાજરીનો રોટલો બનાવીને લાવી છું.
મીત: ઓહો, તો તો ખૂબ મજા આવી જશે ચાલ જલ્દીથી જમવાનું પીરસ...
અને જેવું ટિફિન ખૂલ્યું તેવું જ મીત ફરીથી બોલવા લાગ્યો કે, " શું સ્મેલ આવી રહી છે યાર... તુશી ગ્રેટ હો માય ડિયર " અને પોતાની બાજુમાં બેઠેલી સાંવરીને તેણે એક કીસ કરી લીધી અને સાંવરીએ પહેલો કોળિયો કરીને મીતના મોંમાં મૂક્યો એટલે મીત સાંવરીની રસોઈના વખાણ કરતાં કહેવા લાગ્યો કે, " તારા હાથમાં જાદુ છે જાદુ યાર..., શું સબ્જી બનાવી છે જોરદાર..." (ક્યારેક પત્નીના આ રીતે વખાણ પણ કરતાં રહેવું જોઈએ તેવું મીત માનતો હતો તેથી તેને હરરોજ નવું નવું જમવાનું બનાવવાનું મન થાય) અને સાંવરીને પણ તેની મોમે શીખવ્યું હતું કે, "પતિ કે દિલ કા રાસ્તા ઉસકે પેટ સે ગુજરતા હૈ.." એટલે તે પણ પોતાના પતિદેવને માટે તેને ભાવતું જમવાનું બનાવીને તેને ખુશ કરી લેતી હતી...
મીત અને સાંવરી બંને જમવામાં અને એકબીજાને જમાડવામાં મશગુલ બની ગયા.

મીત અને સાંવરીનું જમવાનું પૂરું થયું એટલે મીત પોતાની ચેર ઉપર ગોઠવાઈ ગયો અને પોતાનું લેપટોપ ખોલીને પોતાનું કામ કરવા લાગ્યો ત્યારે સાંવરીએ ફરીથી દિવાકરભાઈને પોતાની કેબિનમાં બોલાવ્યા. આજે તે ડરી રહ્યા હતા તેમને એવું લાગતું હતું કે, સાંવરી મેમને પોતાની ચોરીની ખબર પડી ગઈ લાગે છે માટે જ તે ક્રોશ વેરીફીકેશન કરી રહ્યા છે પરંતુ પોતે બધીજ વાતોથી અજાણ બનીને ઓફિસમાં આવીને મીત સર પાસે ઉભા રહ્યા એટલે મીતે કહ્યું કે, "મેં નહીં તમને મેડમે બોલાવ્યા છે."

દિવાકરભાઈ "જી મેડમ" કહીને ચૂપચાપ સાંવરીની સામે ઉભા રહ્યા એટલે પહેલા તો સાંવરીએ તેમને પૂછ્યું કે, " તમે જમી લીધું ? "દિવાકરભાઈએ ટૂંકમાં જ જવાબ આપ્યો કે, "જી મેડમ" પછીથી સાંવરીએ તેમના જુઠ્ઠાણાંનો પહેલો ભાંડો ફોડતાં તેમને પૂછ્યું કે, "તમે એમ કહેતા હતા ને કે આપણાં ગોડાઉનની ચાવી વોચમેન પાસે રહે છે અને તે આજે આવ્યો જ નથી"
દિવાકરભાઈ: જી મેડમ.

અને સાંવરીએ તરત જ ગોડાઉનના વોચમેનને ફોન લગાવ્યો અને વોચમેને તરતજ ફોન ઉઠાવ્યો. સાંવરી તેમને પૂછી રહી હતી કે, તેઓ અત્યારે ક્યાં છે ? વોચમેને જવાબ આપ્યો કે, તે ગોડાઉન ઉપર જ છે.

આ બધીજ વાતો મીત સાંભળી રહ્યો હતો. ડૂબતો માણસ તણખલું પકડવા જાય તેમ દિવાકરભાઈ હજુ પણ પોતાનો બચાવ કરતાં કહેવા લાગ્યા કે, "મેડમ એ તો હમણાં જ ગોડાઉન ઉપર આવ્યો છે. સવારે નહોતો આવ્યો" તેમને ક્યાં ખબર હતી કે, મેડમ ફરીથી ઈમીડીએટ વોચમેનને ફોન લગાવશે અને તે તો સવારના પહોરમાં જ ગોડાઉનની વીઝીટ કરી આવ્યા છે.

સાંવરીએ ફરીથી વોચમેનને ફોન લગાવ્યો અને પૂછ્યું કે, "તમે આજે કેટલા વાગ્યાના ગોડાઉન ઉપર હાજર છો ?"

વોચમેનને એવી ખબર નહોતી કે મેડમનો ફોન સ્પીકર ઉપર છે અને આ બધું શું ચાલી રહ્યું છે એટલે તેણે તો નિર્દોષભાવે જવાબ આપ્યો કે, "મેડમ તમે સવારે ગોડાઉન ઉપર આવ્યા તો હતા ત્યારનો હું અહીંયા ગોડાઉન ઉપર જ છું. કેમ શું થયું મેડમ ?"

સાંવરી: ના ના કંઈ નહીં એ તો તમે અત્યારે લંચ કરવા માટે ગોડાઉન છોડીને ક્યાંય બહાર નથી ગયા ને ? એમ હું પૂછતી હતી ?
વોચમેન: જી મેડમ હું તો અહીંયા અંદર બેસીને જ લંચ કરી લઉં છું અને મારે રજા લેવી હોય ને તો દિવાકરસરને પૂછીને જ હું રજા લઉં છું.
સાંવરી: ઓકે થેન્ક યુ.

હવે દિવાકરભાઈના પગ નીચેથી ધરતી ખસી રહી હતી તેમનાં હોશકોશ ઉડી રહ્યા હતા. ધરતી માર્ગ આપે તો હું સમાઈ જવું તેવું તે વિચારી રહ્યા હતા પરંતુ પાપી માણસોને ધરતી પણ માર્ગ નથી આપતી. તેમણે તો એવું સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે, સવારે વહેલા મેડમ જાતે એકલા ગોડાઉન ઉપર જઈને ગોડાઉનની વીઝીટ કરી આવ્યા હશે.

દિવાકરભાઈ મનમાં ને મનમાં બબડી રહ્યા હતા કે..." ઓહ માય ગોડ આ બધું શું થઈ રહ્યું છે?? "

હવે ધીમે ધીમે સાંવરી દિવાકરભાઈનું એક પછી એક જૂઠ અને એક પછી એક ચોરી પકડી રહી હતી....
જોઈએ આગળ દિવાકરભાઈનું બીજું કયું જૂઠ પકડાય છે તે...??
વધુ આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
31/3/24