Verayel Moti in Gujarati Poems by Trupti Gajjar books and stories PDF | વેરાયેલા મોતી

Featured Books
Categories
Share

વેરાયેલા મોતી

-: તારા પડઘા :-

વર્ષો પછી જો ને આ હૃદય કેેવું ખેેંચી લાવ્યુ છે અહીં!!
એ જ ભેેેખડ ને દરિયો ને એ જ હવા વહે છે અહીં...
પણ નથી તારો સ્પર્શ કે નથી તારા એ મીઠા શબ્દો-
પણ તારા એ પ્રેમના પડઘા હજુ ગુંજયા કરે છે અહીં...






-: જિંદગી :-


ક્યારેક રણ શી ગરમ તો ક્યારેક બરફ શી ઠંડાગાર છે જિંદગી,
ફૂલ જેમ કોમળ; પવન જેવી શીતળ તો કદી અંગાર છે જિંદગી...
માનવને જ ભય જ્યાં માનવનો ને થયો પોતાના જ
પિંજરમાં કેદ,
આવી આ મહામારીના નેજા નીચે જાણે કે ઓથાર છે જિંદગી...




-: સમર્પણ સ્ત્રીનું :-


અવતરી માનાં પેટે તો પણ તેેની અંતિમ ક્રિયામાં કેેેમ કોઈ હક્ક નહિ??
સદા પિતા કે પતિનાં નામ સાથે જ જીવવાનુંં પોતાની
કોઈ ઓળખ નહિ!!
કચડી પોતાની ઈચ્છા ને સપનાઓને સ્ત્રી કરે સદા સમર્પણ જીવનભર,
તોય ' તે શું કર્યું અમારા ખાતર?' અપમાનિત કરે સમાજ એવું કહી...



-: અનંત ઈચ્છા :-


આ ઈચ્છાઓ પણ કેવી નિરાલી છે -
કે એવી એક મટી કે એક નવી જાગી...
ઈશ્વર પાસે 'છેલ્લી આ માંગણી'
કહીને દરેક વખતે અમે નવી જ માંગી...




-: વૃદ્ધ અને અખબાર :-

જોઈ અખબાર પણ રડી પડ્યું વૃદ્ધની એ વ્યથા,
શું સરખી રહે છે અમારા બંનેની અહીં વ્યવસ્થા !!
હોઈ નિત નવા તો જ થાય છે કદર અમારી અહીં-
પછી તો ખૂણાની પસ્તી સમી જ વીતે છે અવસ્થા...




-: ફરી પાછા આજે :-

ચાલો બાળક બનીએ ફરી પાછા આજે,
બાળપણ માણી લઈએ ફરી પાછા આજે,
હ્ર્દયમાં ધરબાયેલ છે જુના એ સંસ્મરણો-
એ યાદો તાજી કરીએ ફરી પાછા આજે...




-: પડછાયા :-

દૂર રહે સદા એ ભૂતકાળના ઓછાયા;
જે બનીને રહે છે સદા મારા પડછાયા,
શ્રદ્ધાનું જળ સીંચવું છે ફરી એ ફૂલો પર-
જે વર્ષો પહેલાં ખીલતા જ જો કરમાયા...



-: રહેવા દે :-

મારી લાગણીઓને આમ છંદમાં ન બાંધ, એને વહેવા દે,
મારાં હૃદયમાં છુપાયેલ વાતો બસ આંખોથી જ કહેવા દે.
જીવનમાં તારા રહેવાનો નથી મારો કોઈ હક કે અધિકાર;
પણ બસ તારી યાદો અને સપનાઓમાં તો મને રહેવા દે.




-: લાગે છે :-

આમ જુઓ તો એકાંત પણ કદી એક અવસર લાગે છે,
પણ ક્યારેક કોઈ વાર વળી એકલતાથી પણ ડર લાગે છે.
હાસ્યનો જ મુખવટો પહેરીને ફરીએ છીએ હવે અમે-
કે આંસુઓને પણ આંખોમાંથી નીકળવા જાણે કર લાગે છે.




-: અણસાર હોય :-

હોય જ્યાં પ્રેમ ત્યાં થોડા ઘણાં પડકાર હોય,
જરૂરી તો નથી દરેક પ્રસ્તાવનો ઉત્તર હકાર હોય,
સાચો પ્રેમ તો ત્યારે જ ગણાય તમારો કે જ્યારે-
નજરથી દૂર છતાં સઘળે એનો જ અણસાર હોય.




-: મજા છે :-

આ વ્યર્થ જંજાળ કરતા મસ્ત ફકીરીમાં મજા છે;
પૈસાની મોહજાળ કરતા ફક્ક્ડ ગરીબીમાં મજા છે,
શું શોધે છે તું માનવ! મંદિર ને મસ્જિદમાં જઈને -
ઈશ્વરને તો તારા હૃદયની નિર્મળ કરીબીમાં મજા છે.



-: યાદ છે :-

એકાંત ભરેલ આભ તળેની એ રાત છે,
વિરહથી ભીંજાયેલ આંખોની એ વાત છે.
તમે તો કબૂલ કરો કે ન કરો, પણ હૃદયમાં-
તમારા નામનું એક ફૂલ ખીલ્યાનું યાદ છે.



-: યાદોના શૂળ :-

હૃદયમાં ઉગ્યા યાદોના કંઈક ફૂલ,
શું કરું પણ એની સાથે હતા શૂળ!!
પ્રયત્નો વ્યર્થ રહ્યા ભૂલવાના એને,
બહું જ ઊંડે સુધી હતા એના મૂળ....


 
-: ખામોશી :-

ન રાખો દેખરેખ તો ખીલેલા પુષ્પો પણ ખરી જાય છે,
લાગણીનાં પ્રવાહમાં - ડૂબતું કો' તણખલુંય તરી જાય છે.
એ કબૂલ કે બોલવાથી બગડી શકે કદી સુધરેલી બાજી ;
પણ ખામોશીથી તો સંબંધો સદાય માટે મરી જાય છે.




-: રમત :-

બાળકોની એ રમતો પણ કેવી ન્યારી હોય છે!
જેમાં હાર ને જીતની સાથે દિલદારી હોય છે.
મોટા થયાને ભળ્યા એમાં કપટ ને કાવાદાવા-
એટલે જ બાળપણની રમત સારી હોય છે.....