પ્રકરણ ૨ - દીપશિખાનું વર્ણન - ભાગ ૧
પોતાની પત્નીના સ્વર્ગ સિધાવ્યા બાદ ચિરૂપાક્ષજી માત્ર પોતાની એકની એક દીકરી દીપશિખા માટે જ શ્વાસ લઈ રહ્યા હતા. એનું ભરણપોષણ કરવું અને તેને હસતી-ખેલતી રાખવી, એ એકમાત્ર એમનું લક્ષ્ય બની ગયેલું. જન્મતાની સાથે માતાને ખોયા બાદ પણ દીપશિખા આજે જે હતી, તેનું કારણ તે જ હતા. ચિરૂપાક્ષજીએ એક માની જેમ તેનું વર્ધન કર્યું હતું.
સાંજનો સમય થવા આવ્યો હતો. દિવસની અંતિમ પહર ચાલી રહી હતી. એવા સમયે ચિરૂપાક્ષજીએ પોતાની પડસાળમાં પ્રવેશ કર્યો. કોઈ કામથી ગયા હશે અને ઘણું ચાલીને આવ્યા હોય, એવો ચાલવાનો થાક એમના ચહેરા પર દેખાતો હતો. તેમણે ખભામાં જોળી ટાંગેલી હતી. અંદર પ્રવેશી, એ જોળીને તેમણે દીવાલની એક ખીલી પર ટાંગી. બેઠકખંડમાં બેસવા માટે બનાવેલા બેઠક પાટલા પર તે આસીન થયા.
બંને હોઠને ખોલી તેઓ હાંફ ઉતારી રહ્યા હતા. એવામાં તેમની પાછળ પાછળ એક કુમારિકાએ પ્રવેશ કર્યો. અત્યંત રૂપવાન અને નમણા મુખવાળી એ કુમારિકા હતી. આવેલી વસંતની જેમ તેનું યૌવન પણ વાસંતી થયું હોય એવું હતું. અઢાર કે ઓગણીસ વર્ષની મનમોહક કાયા હતી. તેણે આવતાની સાથે ચિરૂપાક્ષજી પર નજર કરી. તેને સમજાય ગયું કે ચિરૂપાક્ષજી બહારથી આવ્યા છે. તે ઝટ દઈને ગઈ અને પાણીનો પ્યાલો ભરી પરત ફરી.
તેની સામે ધરતા એ બોલી, "પ્રણામ કાકા, લ્યો... આ પાણી પીઓ! તમને રાહત થશે."
થાકને લીધે તેમણે આંખ બંધ કરી હતી. તેમણે આંખ ખોલી, સામે પ્યાલો ભરેલો કોઈનો હાથ હતો. ઉપર જોયા વગર જ તેમણે એ હાથથી અંદાજો લગાવ્યો. પ્યાલો પોતાના હાથમાં લેતા એ કહેવા લાગ્યા, "સુગંધા, તું ક્યારે આવી?"
"સુગંધા નહિ કાકા, વસુંધરા. સુગંધા તો હજુ કાલે આવવાની છે." વસુંધરાએ થોડું હસીને તેમની ભ્રમણા ભાંગતા કહ્યું. એ પછી તેણે ઊંચે તેમના ચહેરા તરફ જોયું. પોતાની ભૂલ સુધારતા એ કહેવા લાગ્યા, "વસુંધરા... હા હા... તું છે. મેં પહેલા જોયું નહિ. મને થયું કે સુગંધા આવી છે."
"તમે થાકીને આવ્યા છોને. એટલે આવી ગેરસમજ થાય. રહી વાત સુગંધાની, એ તો હજુ એના ફોઈના ઘેર જ છે. કાલે સવારે નીકળવાનો સંદેશ મળ્યો હતો. એટલે કાલે સાંજ સુધીમાં આવશે એવી વાટ રાખવાની."
"હમ્મ..." ચિરૂપાક્ષજીએ એ પછી પાણી પીધું અને પ્યાલો તેને પરત આપ્યો. એ જઈને પ્યાલો પાણીયારા પર રાખી આવી. પૂછવા લાગી, "કશેક દૂર ગયા હતા તમે કાકા?"
"હા. જરા કામ હતું. શું છે કે... ચૈત્રક આવે છે. એટલે બાજુના ગામના એક શ્રીમંત પરિવારે મને કહેવરાવ્યું હતું કે તેને યજ્ઞ કરવાનો છે. તો એની પાસે ગયો હતો. થયું અત્યારે જ એને મળતો આવું અને બધું કહેતો આવું. સામગ્રીની યાદી આપું અને યજ્ઞની તિથિ આપી દઉં. એટલે એ લોકો પણ તૈયારીમાં રહે."
"હા... તમે આ રીતે બધાનું કામ કરો છોને. એટલે જ બધાના મનમાં તમારા માટે આટલો સત્કાર છે."
એની વાત પર ચિરૂપાક્ષજી હળવું હસ્યા. તે પૂછવા લાગ્યા, "તું દીપશિખાને મળવા માટે આવી છે?"
"હા વળી કાકા. આજે અમાસનો દિવસ ખરોને! એટલે."
"ઠીક ઠીક. મને બધું સમજાય ગયું. મને લાગે છે એ ઉપર હશે. પોતાના કોઈ કામમાં પરોવાયેલી હશે. તેને જઈને મળી લે."
"હા કાકા. તમને કંઈ બીજું જોઈએ છે?" વસુંધરાએ પૂછ્યું. તેમણે નકારમાં માથું ધુણાવ્યું એટલે તેમની રજા લઈને તે ઉપર દીપશિખાના કક્ષ તરફ ચાલી.
મંદિરના રસોઈ વિભાગમાં ચૂલો સળગી રહ્યો હતો. તેના પર રાખેલા પાત્રમાં ચમચો હલાવતા મણિરાજ ચૂલા સામે પાટલા પર બેઠો હતો. ચામવકે હાથમાં પાણીથી ભરેલા ઘડા સાથે ત્યાં પ્રવેશ કર્યો. પ્રવેશતા તે બોલતો હતો, "હમણાંથી તો ઘડો બહુ જલ્દી ખાલી થઈ જાય છે. હવે એક ઘડાથી કામ નહિ ચાલે. બીજો પણ રાખવો જોઈશે." તેણે ઘડાને તેના સ્થાને રાખ્યો અને પોતાના વસ્ત્રથી જ હાથ લૂછતાં આગળ બોલ્યો, "ગરમીની આ ઉષ્ણ ઋતુમાં પીવા માટે અને રાંધવા માટે, એમ બધી રીતે તો પાણીની ઘટ જ થવાની છે."
તેણે મણિરાજ તરફ નજર કરી. એ કોઈ વિચારમાં ખોવાયેલો હતો. તેણે બંને હાથ કમર પર રાખી તેની પાછળ ઊભા-ઊભા તેને નિહાળ્યો. જોકે તેને માત્ર તેની પીઠ દેખાતી હતી. પરંતુ એ ગુમસુમ છે એનો ખ્યાલ તેને આવી ગયો. મણિરાજનું તેના આગમન પર ધ્યાન જ નહોતું, એટલે ચામવકે જોરથી ખોંખારો દીધો. મણિરાજ સભાન થયો. ચામવક કહેવા લાગ્યો, "કહેવાય છે કે શરીર, મન અને ધનને હાનિ કરી શકે એવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. એ શત્રુ સમાન ગણાય છે."
"ચામવક! તું ક્યારે આવ્યો?" ચકિત થઈ તેણે પૂછ્યું અને ત્રાંસી આંખ કરતા તેની તરફ એક દૃષ્ટિ નાખી.
"હું તો હમણાં જ આવ્યો. પરંતુ.... તું આટલા સમયથી ક્યાં ગયો છે?" ત્યાં આવી સહેજ નીચે નમતા એ મણિરાજને તાકી રહ્યો.
અસમંજસતાથી એ તેને જોઈ રહ્યો. તે ફરી બોલ્યો, "મેં આવીને તને કેટલુંય કહ્યું. પરંતુ સાંભળે કોણ! તું ભાનમાં જ નહોતો. એટલે જ કહું છું. વધારે મોડું થાય એ પહેલા તારી જાતને સંભાળી લે."
સામે ચૂલા પર રહેલ પાત્રમાંથી એક ચમચો ભરી તેણે ખીર તપાસી અને પછી એક કપડા વડે તે પાત્રને પકડી નીચે રાખ્યું. "લે... ખીર પાકી ગઈ છે." અને પોતે ઉભો થયો.
"ખીર તો પાકી ગઈ છે. પણ હવે તું ક્યારે પાકે છે?" ચામવકે ભ્રુકુટિ ભેગી કરતા કહ્યું.
"એટલે?" એ બીજી તરફ ફરી ગયો. ચામવક તેની સામે આવ્યો. બોલ્યો, "મારો કહેવાનો અર્થ શું છે એ તું સારી રીતે જાણે છે. કહેવાયું છે:
अजरामरवत् प्राज्ञो विद्यामर्थं च चिन्तयेत् |
गृहीत इव केशेषु मृत्युना धर्ममाचरेत् ||
એથી જ કહું છું કે પોતાના ધર્મનું આચરણ કર. એની પાછળ તારો સમય ના વેડફી માર."
મણિરાજ મૌન રહ્યો. પોતાના હાથમાં રહેલા કપડાને તેણે નીચે ફેંક્યું. તે બહાર તરફ જવા લાગ્યો. ચામવકે તેને આ રીતે કંઈ કહ્યા વગર જતાં જોયો, એટલે તેની પાછળ આવ્યો.
"ક્યાં જાય છે?"
"મંદિર તરફ."
"કેમ?"
"તું જાતે જ સમજી જા." એમ કહી હળવા સ્મિત સાથે તે બારણાં બહાર નીકળી ગયો. બારણામાં ઊભા-ઊભા થોડું વિચાર્યા બાદ ચામવક સ્વગત બોલ્યો, "અચ્છા... તો એમ વાત છે."
તે ચાલતા મણિરાજની પાછળ ગયો. ચાલતા ચાલતા એ પૂછવા લાગ્યો, "તને પાક્કી ખબર છે કે દીપશિખા અત્યારે મંદિરમાં આવશે?"
"હા."
"અને ના આવી તો?"
મણિરાજ ઊભો રહ્યો. "એ જરૂર આવશે. આજે તો આવશે જ."
ચામવક થોડો ગંભીર થતાં બોલ્યો, "મણિરાજ. જો કદાચ એ તારા પ્રેમનો સ્વીકાર કરશે તો હું એમા ખુશી અનુભવીશ. મારાથી વધારે ખુશ બીજું કોઈ નહિ હોય! પણ તારો મિત્ર હોવાને નાતે મને તારી ચિંતા છે. એટલે વારંવાર તને સમજાવું છું. માન્યું કે એ અત્યંત રૂપવાન છે. શ્વેત હંસીની જેવી કાયા છે. પ્રફુલ્લિત મનવાળી. એ નારી જાણે સ્વભાગ્યની જ સમજી શકાય. પણ એના મનમાં તું નથી મિત્ર, આ નરું સત્ય છે. છતાં તું એને કેમ નથી ભૂલતો? શું દેખાય છે તને એનામાં?"
"તું પણ મારી જેમ સાહિત્યનો પૂજારી છે ચામવક. સુંદરતા કે શ્રુંગારને, પ્રીત કે તે પ્રીતના અભયને શું તું નથી જાણતો?" તેની સામે જોતાં એણે પૂછ્યું.
"જાણું છું. પણ જે સ્નેહ તારા મનમાં છે એ એના માનસમાં નથી! પછી તને જેવો પ્રીતનો અભય છે એવો અભય એનામાં ક્યાંથી આવવાનો?"
"મારા પ્રેમમાં થોડી પણ યથાર્થતા હશે, મારો સ્નેહ એના પ્રતિ સાચો હશે, તો મહાદેવ દયા કરશે. એને ક્યારેક તો મારો પ્રેમ સમજાશે." તે જઈને મંદિરમાં તુલસીના ક્યારા પાસે ઊભો રહ્યો. ચામવક પણ તેની સાથે ઊભો રહ્યો. દિવસ ધીરે ધીરે ઢળી રહ્યો હતો. બંને ક્યાંય સુધી એની રાહ જોતા ત્યાં ઊભા હતા. ચામવક અધીરો બની રહ્યો હતો. કિન્તુ મણિરાજ અણનમ દીપશિખાના ઘર તરફ મીટ માંડીને એક જ સ્થિતિમાં ઊભો હતો.
ચામવકની ધીરતા તૂટવા લાગી હતી. ઘડીભર આમ-તેમ થતો અને ઘડીક શિવાલયના દાદર પર બેસી પાછો ઊભો થતો. પોતાના અંગ વસ્ત્રને હાથમાં કેદ કરી આમથી તેમ ફેરવતો, મરડતો. વળી ક્યારેક શરમાતી સ્ત્રીની જેમ એમાં આંગળી છુપાવી એ મણિરાજ સાથે રાહ જોતો હતો. સમયનું ભાન કરાવતા તે મણિરાજ પાસે જઈને કહેવા લાગ્યો, "મણિરાજ! સંધ્યા થવા આવી છે. તારી સ્વપ્ન સુંદરી તો હજુ નથી આવી. પણ મને લાગે છે કે એના પહેલા એના પિતા સંધ્યા આરતી માટે આવી જવાના છે. ને, જો એવું થયું... પછી તો રામ ભજો."
સ્મિત ભરેલા તેના ચહેરા પર આછું ગાંભીર્ય આવી ગયું. બંને એકબીજા સામે જોવા લાગ્યા. મણિરાજે તેની વાતને બેધ્યાન કરી અને ફરી પાછો તેના ઘર તરફ જોતો ઉભો રહ્યો.
( શ્લોકાર્થ )
अजरामरवत् प्राज्ञो विद्यामर्थं च चिन्तयेत् |
गृहीत इव केशेषु मृत्युना धर्ममाचरेत् ||
અર્થ - બુદ્ધિમાન માણસે ક્યારેય ન મરવાનો હોય અને ક્યારેય વૃદ્ધ ન થવાનો હોય તેમ જ્ઞાન અને ધનનો વિચાર કરવો જોઈએ. પરંતુ મૃત્યુએ માથાના વાળ પકડી લીધા હોય તેમ ધર્મનું આચરણ કરવું જોઈએ.