પ્રકરણ ૨ - દીપશિખાનું વર્ણન - ભાગ ૨
ચામવકની ચિંતા યોગ્ય હતી. તેણે કરેલો પ્રશ્ન ચિંતા કરાવનારો હતો. ઘડીભર મણિરાજને પણ ચિંતા થઈ. સ્મિત ભરેલા એના ચહેરા પર આછું ગાંભીર્ય આવી ગયું. બંને એકબીજા સામે જોવા લાગ્યા, પરંતુ મણિરાજને પોતાના કરેલા અંદાજ પર અતૂટ વિશ્વાસ હતો. એ તેની વાતને બેધ્યાન કરી ફરી તેના ઘર તરફ મીટ માંડીને ઊભો રહ્યો.
ચામવક ફરી બોલ્યો, "તને થાક નથી લાગતો? એની આટલી આટલી રાહ જુએ છે!"
"પોતાના મનપસંદ માટે ક્યારેય કોઈને થાક લાગ્યો છે કે જે મને લાગે! જ્યારે તને પ્રેમ થશેને... ત્યારે સમજાશે કે પ્રીતમની રાહ જોવામાં પણ હૃદયને આનંદ મળે છે, એવો આનંદ જેને કલ્પી ન શકાય."
તેણે સ્મિત આપતા કહ્યું, "એ વાત તો મણિરાજ તારી સાચી. હું માનું છું... ત્યાં સુધીમાં એટલું તો પાક્કું છે કે તું આખી જિંદગી એની રાહ જોઈશ. અપિતુ અત્યારે મને જણાવીશ કે કેટલો સમય આ રીતે ઊભા રહેવાનું છે?"
તેના તરફ જોતા મણિરાજ હસી રહ્યો. ચામવક અસમંજસતામાં હતો. મણિરાજ બોલ્યો, "વધારે નહિ. ત્યાં જો." કહેતા તેણે દીપશિખાના ગવાક્ષ તરફ આંખથી ઈશારો કર્યો. ચામવકે ત્યાં નજર કરી. તેના ગવાક્ષની સમીપે રહેલા તેના ઓરડાની બારી બંધ થઈ રહી હતી.
"આનો અર્થ છે કે દીપશિખા પોતાના કક્ષમાંથી બહાર નીકળી રહી છે, પણ એ અહીં જ આવશે એની શું ખાતરી?" ચામવકે ફરી શંકા કરી. એક ઊંડો શ્વાસ લઈ તે બોલ્યો, "એ આવશે એમાં શંકાને કોઈ સ્થાન છે જ નહિ. મારું મન કહે છે કે એ અત્યારે જરૂર આવશે."
"અહો આશ્ચર્ય મિત્ર. તને આટલો બધો વિશ્વાસ છે તારા પ્રેમ ઉપર, કે પ્રીતમ આવશે એનો અંદેશો એ તને પહેલા આપી દે છે. અથવા તો તને અગાઉ જાણ કરી દે છે કે તારા હૃદયનો ધબકારો આવી રહ્યો છે. એના પ્રત્યેનો તારો અનુરાગ તને ભવિષ્ય ભાખતો કરી દે છે!"
"એની તો મને જાણ નથી, પણ હું જે અનુભવું છું એને શબ્દો નથી આપી શકતો. મારું કવિ હોવું વ્યર્થ નીવડે છે. મને નથી સૂઝતું કે હું મારા અને એના સંબંધને શું નામ આપું? હું એને ક્યા શબ્દોમાં વર્ણવું? પણ એને હું પ્રતિપળ મારી આંખો સામે રાખવા માંગુ છું. મને માત્ર એટલી જાણ છે કે એ મારા તન-મન પર, મારા હૃદય પર રાજ કરે છે."
ચામવક હળવું હસતા બોલ્યો, "એનું નામ જ તો પ્રેમ છે." બંનેએ એકબીજા સામે જોયું. પછી તુલસી ક્યારાની પાળી પર પોતાના બંને હાથ ટેકવી મણિરાજ દ્વાર તરફ જોઈ રહ્યો.
ચિરૂપાક્ષજીને બેસવાથી થોડી રાહત થઈ હતી. વસુંધરા અને દીપશિખા હજુ તેના ઓરડામાં જ હતી. એથી માહિતગાર તેઓ ઊભા થયા અને ઉપર મેડી તરફ જોતા બોલ્યા, "દીપશિખા... બેટા, સંધ્યા થવા આવી છે."
એ થોડીવાર તેની રાહ જોઈ રહ્યા. ન કોઈ નીચે આવ્યું કે ના તેની વાતનો કોઈ જવાબ આવ્યો. તેમણે ફરી બૂમ લગાવી, "દીકરી... વસુંધરા... શું કરો છો તમે બંને? સંધ્યા થવા આવી છે." કોઈ ઉત્તર નહિ.
ચિરૂપાક્ષજીએ ઉપર જવાનો નિર્ણય કર્યો. એ આગળ ચાલ્યા, એટલામાં વસુંધરા ઉતાવળા પગલે નીચે ઊતરી. તેને જોતા એ બોલ્યા, "વસુ બેટા, સંધ્યા ઢળી જશે. શું કરતા હતા તમે બંને? પછી મોડું થઈ જશે."
વસુંધરાએ ઉત્તર દેતા કહ્યું, "કાકા, દીપશિખા એક લેખ વાંચી રહી હતી. એટલે થોડું મોડું થઈ ગયું. એ પોતાની બારી વાસી રહી છે. આવે એટલે અમે જઈએ."
"હા.. ભલે." કહેતા એ ઉપરના બેઠકખંડ તરફ ગયા.
ચામવક ચિંતામાં બોલ્યો, "મિત્ર, બારી વાસ્યા એને તો ભવ થયો. આ હજુ કેમ નહિ આવી હોય?" "ધીરજ રાખ મિત્ર. એમ પ્રેમ પણ સહેલાઈથી નથી મળતો. લાંબી વાટે એ સમીપ આવે છે. બાકી સહેલાઈથી મળી જાય તો પ્રેમ શેનો!"
જ્યારથી બારી વસાઈ હતી, ત્યારથી એના આગમનના આનંદમાં મણિરાજના કપોલ હર્ષમાં હતા. હોઠો પર હાસ્ય રમી રહ્યું હતું. આંખોમાં એના દર્શનની અધીરતા હતી. ચામવક બોલ્યો, "બહુ રાહ જોવરાવી છે સખા તારી સખીએ..." પછી એ મનમાં બોલ્યો, "કેમની સખી? એ તો આને સખા માનતી પણ નથી. હૂહ."
"વધારે નહિ મિત્ર. ત્યાં જો... મારી સખી આવે છે." મણિરાજના ધબકારા વધી રહ્યા હતા. ચામવકે દ્વાર તરફ નજર કરી. એક હાથ આવ્યો, વસુંધરાનો હાથ અને આરપાર દેખાતા એ ફાટકના ભોગળને એક બાજુ કરી, ફાટકને ધક્કો માર્યો. વસુંધરાએ અંદર પ્રવેશ કર્યો.
"વસુંધરાની સાથે આવી છે!" ચામવકે ઉચ્ચાર્યું. મણિરાજ તેને કહેવા લાગ્યો, "તું મને પૂછતો હતો ને, કે શું દેખાય છે દીપશિખામાં મને? તું નથી જાણતો કે કેવી છે એ દીપશિખા! ચાલ... હું તને બતાવું."
"ક્યાં?" તેણે પૂછ્યું.
મણિરાજ કહે, "ફૂલોના એ છોડવા પાસે. પારિજાત અને ચંપાના ફૂલો પાસે."
"તો એ પણ તું જાણે છે કે એ ચંપાના અને પારિજાતના ફૂલો જ લાવશે?"
એક બાજુથી વસુંધરાએ પ્રવેશ કર્યો અને તેની પાછળ દીપશિખા પ્રવેશી રહી હતી. સામેથી તુલસીના ક્યારાને છોડી મણિરાજ અને ચામવક તેના તરફ આગળ ડગ ભરી રહ્યા હતા. દીપશિખાએ પ્રથમ પગ અંદર મૂક્યો અને મણિરાજ તેનું વર્ણન કરતા કહેવા લાગ્યો, "સ્વર્ગલોકની અપ્સરા નહિ, અપ્સરાની રાણીએ પ્રવેશ કર્યો છે, અથવા તો એના પણ તેજને પાછું ઠાલવે એવી તેજસ્વીની."
વસુંધરા અને દીપશિખા બંનેનું ધ્યાન તે બંને પર ગયું. એ પ્રવેશી મંદિરને ડાબે ભાગે રહેલા બગીચામાં ફૂલોના છોડવાઓ તરફ આગળ વધી. મણિરાજે ઉમેર્યું, "યૌવનની ખીલેલી કળી. કોઈ લાયક બનેલી હરણીને શરમાવે એવી ચાલ છે. કાયા કંચન જેવી. કોમળતા ફૂલોની પાંખડી જેવી."
તેઓ તેની એટલી નજીક પહોંચી ગયા હતા કે મણિરાજનું કથન બંનેને સંભળાઈ રહ્યું હતું. તેને જોતા બંને ક્ષણિક થંભી ગઈ. દીપશિખાની આંખો મણિરાજની આંખોમાં અટવાય. તે આગળ બોલ્યો, "ઝરમર વરસતા મેઘ જેવી, ઝરમરતી પાણીદાર અને અણિયાળી આંખો. સુઘડ કાયા... ઈશ્વરે પોતાના હાથે ઘડી હશે એમાં કોઈ સંદેહ નહિ. ભલભલાને પોતાના દાસ બનાવવા સમર્થ એ સુંદરી. ચંદ્રમાની ઉપમા પણ હીન બની જાય, છતાં કહું તો પૂર્ણિમાનો ઊગેલો લાલ ચંદ્ર."
મણિરાજ તેની નિકટ આવી ઊભો રહ્યો. દીપશિખા કોઈ જાતની પ્રતિક્રિયા આપ્યા વિના ઊભી હતી. તેના એક હાથમાં ફૂલો માટે નાની ટોપલી હતી, જેને તેણે બંને હાથ વડે પકડી હતી. વસુંધરાએ તેનો હાથ પકડ્યો અને તેને બગીચામાં લઈ ગઈ. ચામવક તેની બાજુમાં આવ્યો અને કહ્યું, "બીજું કંઈક કહીશ?"
તેણે ચાલતી દીપશિખાના પગ નિહાળ્યા. તે બોલ્યો, "તેના પગની એક એક આંગળી અલગ છે, જે કંકર-પથ્થરને સ્પર્શે છે, તેના જેવો આકાર લઈ લે છે. જમીન પર ચાલે છે તો લાગે છે પવનથી કોઈ સુકાઈ પડેલું પર્ણ ઊડી રહ્યું હોય. મૃગલી જેવી ચાલ. સ્વયં કામદેવને પણ કામવશ કરી દે એવા નિતંબવાળી. તેનું વક્ષસ્થળ કમળની કળી જેવું કોમળ અને પૂર્ણતાથી ભરપૂર છે, જાણે સંગેમરમર પર કોતરેલી કોઈ દિવ્ય મૂર્તિ."
બાજુમાં ઊભેલા ચામવકે થોડો સંકોચ અનુભવ્યો અને ગળું સાફ કરતા તેણે પોતાની હયાતી બતાવી. પરંતુ મણિરાજ તો જાણે દીપશિખાના વિચારોમાં તરબતર થઈ ગયો હતો. એ બોલતો જ રહ્યો, "શ્વેત હંસી જેવી રૂપાળી. એ કોકિલકંઠીના સુમધુર સ્વરને સાંભળવા મારા કર્ણપટલ આઠેય પહર તરસે છે. તે ગજગામિનીને પોતાની બનાવ એવી આ હૈયાની માંગ છે. હૃદય એના વિયોગમાં દ્રવિત થઈ જાય છે. કોઈ ઉપાય કર મિત્ર, જેથી એ મને અપનાવે."
ચામવકે જોયું કે મણિરાજ લાગણીના પ્રવાહમાં વહી રહ્યો હતો. એ વ્યાકુળ થઈ રહ્યો હતો. એના અંગ-અંગમાં પ્રેમ-અગ્નિ સળગી રહી હતી. દૂર પારિજાતના ફૂલો તોડતી દીપશિખામાં એ ખોવાઈ ગયો હતો. તેણે કહ્યું, "ઉપાય તો એક છે."
"શું? જલ્દી કહે મને."
"દૂર ઊભા રહેવાથી નહિ ચાલે. એની નજીક જા. તેની સાથે વાત કર. બની શકે એનું હૃદય તારા માટે પીગળે." ચામવકે કહ્યું. મણિરાજ તેની તરફ જોઈ વિચારમાં ડૂબ્યો. તે ફરી બોલ્યો, "શું વિચાર કરે છે? જા અને તેની સાથે વાત કર."