પ્રકરણ ૨ - દીપશિખાનું વર્ણન - ભાગ ૩
સૂર્યના કિરણો હવે થોડી ક્ષણોના જ બચ્યા હતા. દિવસનો અંતિમ પ્રકાશ, જેને ખીલેલી સંધ્યા કહેવાય છે, એ ચોમેર પ્રકાશ પાથરી રહ્યો હતો. સંધ્યાના એ પ્રકાશમાં દરેક વસ્તુ સોનેરી રંગે રંગાઈ હોય એવી લાગી રહી હતી. એ બગીચો પણ જાણે ચીતરેલું ચિત્ર હોય એવો શોભી રહ્યો હતો. એ ચિત્રનું સૌથી મનમોહક રૂપ હતું એ બગીચામાં ઊભેલી દીપશિખા. જે કેસરિયા પ્રકાશ અને લીલીછમ ઝાડીઓ વચ્ચે, સફેદ વસ્ત્રોમાં અલગ તરી આવતી હતી. તેના એક હાથમાં ટોપલી હતી અને એક હાથે એ પારિજાતના ફૂલોને તોડી એ ટોપલીમાં ભરી રહી હતી. તેની બાજુમાં લાગેલા ચંપાના વૃક્ષમાંથી વસુંધરા ચંપાના ફૂલો તોડી ટોપલીમાં નાખી રહી હતી.
મણિરાજ તેની પાસે આવ્યો. તેને આવેલો જોઈ દીપશિખા થોડી દૂર ગઈ અને મોગરાના કમર સમાન ઊંચા છોડવામાંથી ફૂલ લેવા લાગી. વસુંધરા એ જોઈ રહી. તે બંને વચ્ચે ચાલી રહેલા પ્રેમ ઘર્ષણથી અજાણ હતી. મણિરાજનું આ રીતે તેની સમીપે જવું તેને ચકિત કરી ગયું. તે દીપશિખા પાસે જવાના વિચારથી ચાલવા ગઈ, કે પાછળથી આવી ચામવકે હસમુખા થતા તેને રોકી, "વસુંધરા... ક્યાં જાય છે?"
"દીપશિખા પાસે." કહી એ જવા લાગી. તેનો હાથ પકડી તેને થોભાવતાં એ બોલ્યો, "અરે... એટલી શું ઉતાવળ છે! અ... માફ કરજે મેં તારો હાથ પકડ્યો, કિંતુ એ બંને એકાંતમાં વાતો કરે છે, કરવા દે. તું અહીં જ ફૂલ વીણ."
વસુંધરા ક્ષણિક ચામવકને તાકી રહી. પછી તેણે ફૂલ વીણતી દીપશિખા તરફ નજર કરી. એકબાજુ તે ફૂલોને તોડી પોતાની ટોપલીમાં સમાવી રહી હતી અને છોડની સામેથી મણિરાજ તેની સામે આવી ઊભો રહ્યો હતો. વસુંધરાએ તુરંત પરિસ્થિતિને પામી લીધી. તેણે ચામવક સામે પ્રશ્નાર્થ ભાવે જોયું. ચામવકે હસતા મુખે હકારમાં માથું હલાવ્યું, "હા... હવે તને સમજાય ગયું ને!" તે આમથી તેમ ડોકું ધુણાવતા બોલી, "હમ્મ."
મણિરાજે છોડ પરથી ફૂલ તોડતા દીપશિખાના હાથ સામે જોયું. દીપશિખા ત્રાંસી નજરે તેને નિહાળી રહી હતી. મણિરાજ કહેવા લાગ્યો, "ફૂલો પર એટલો ઝુલમ ના કર કે તેને પોતાના અસ્તિત્વ પર પસ્તાવો થાય. છતાં એ તો કહી જ રહ્યા હશે કે તે ભાગ્યશાળી છે જે દીપશિખાના હસ્તે તૂટી રહ્યા છે."
દીપશિખાએ જે ફૂલ તોડવા જતી હતી, તેને તોડ્યા વિના જ રહેવા દીધું. મણિરાજ ફરી બોલ્યો, "ભાગ્યની વાત છે એ મોગરાના માસૂમ ફૂલ... તારા અને મારા ભાગ્યમાં હજુ દીપશિખાના કોમળ હસ્તે તૂટવાનું નથી લખાયું."
"તમારા આવવાનું પ્રયોજન?" તેણીએ પૂછ્યું. તે ઉત્તર આપતા બોલ્યો, "બસ, અમાસ સિવાય સાંજના દર્શન કોઈ દિવસ નથી થતા. આજે અમાસના દિવસે તમે સંધ્યા સમયે દર્શન દીધા. એનો લ્હાવો લેવાનું કેમ ચૂકાય? એટલે આવ્યો છું."
દીપશિખા સહેજ સંકોચાઈ. તે મણિરાજનો પ્રેમ અસ્વીકાર કરી રહી હતી, પણ મહદઅંશે એ તેને પોતાનાથી દૂર જવા કે ધુત્કારવા તૈયાર પણ નહોતી. આ એવો ભાવ હતો જેનો મણિરાજને ગમ નહોતો પડતો. એટલે જ ચામવકના વારંવાર કહેવા છતાં એ પોતાની જાતને દીપશિખા સુધી જવામાં રોકી નહોતો શકતો. તેણે ચહેરા પર ગંભીરતા લાવતા કહ્યું, "તમે મંદિરના પરિસરમાં ઊભા છો. વિદ્યાના પૂજકને અને ધર્મના આચરણ કરનારને આવા પવિત્ર સ્થળે આસક્ત થવું એ શોભા નથી દેતું આર્ય."
"આ મારી આસક્તિ નથી. મારો પ્રેમ છે દીપશિખા. પ્રેમ અને આસક્તિનો દેખાવ ભલે એક સમાન હોય છે, પણ એમાં ઘણો તફાવત છે."
એક ઊંડો શ્વાસ છોડતા તે ત્યાંથી ચાલતી થઈ. મણિરાજ તેની પાછળ ચાલ્યો. વસુંધરા પાસે આવી એ બોલી, "ચાલ વસુંધરા. આટલા ફૂલો તો બહુ થઈ ગયા. હવે જો વધારે ફૂલો લઈશું તો ફૂલો ખરાબ નીકળશે."
એવી ટીખળી કરતા સાંભળી ચામવક બોલ્યો, "એમ તો સાંજના સમયે ફૂલો જ ના તોડવા જોઈએ. સંધ્યા ટાણે તો કરમાયેલા ફૂલો જ હોય છે, તાજગીવાળા નહિ."
દીપશિખા મોં મચકોડતા બોલી, "ધતૂરાને વળી સુગંધની શું જાણ હોય!" વસુંધરા હસી અને બંને મંદિરના ગર્ભગૃહ તરફ જતી રહી.
ચામવક બોલ્યો, "જોયું! જો આ તારી પ્રેમિકા ના હોતને તો અહીં જ જવાબ આપી દેત. આ તો ભાભી છે એટલે જવા દઉં છું." મણિરાજ સહેજ હસ્યો. તે પણ મંદિરના ગર્ભગૃહ તરફ ચાલ્યો. ચામવક સ્વગત બોલ્યો, "આ માણસ નહિ સુધરે. દીપશિખા આને ભાવ નથી દેતી અને આ ભાવ ખાતો બંધ નથી થતો. જ્યાં સુધી ઊંડા ખાડામાં નહિ ઊતરે ત્યાં સુધી નહિ સમજે." બોલતો એ પણ તેની પાછળ જવા લાગ્યો.
ગર્ભગૃહમાં પ્રવેશતા દીપશિખાએ અને વસુંધરાએ પોતાના ખભા પર લટકતા છેડાને પોતાની ફરતે વીંટાળ્યું. મણિરાજ આવ્યો અને મંદિરના એક સ્તંભ પાસે ઊભો રહ્યો. તે ત્યાંથી તે બંનેને જોઈ રહ્યો હતો. વસુંધરાએ પાછળ મોં કરી તેના તરફ એક નજર નાખી. "મણિરાજ આપણને જ જોઈ રહ્યો છે," તેણે ધીમેથી દીપશિખાના કાનમાં કહ્યું.
તેણે નાક પર આંગળી રાખતા તેને ચૂપ કરાવી, "શ્શ્શ... તું તે બંનેને જોવાનું બંધ કર. આપણે ભગવાન શિવના દર્શન કરવા માટે આવ્યા છીએ, તે બંનેના નહિ."
મણિરાજને એ શાંત વાતાવરણમાં એ બંનેની વાતો સ્પષ્ટ સંભળાઈ રહી હતી. એક હાથ કમર પર રાખી અને એક હાથનો એ સ્તંભને ટેકો રાખી તે બંનેને પૂજા કરતા જોવા લાગ્યો. ચામવક આવ્યો અને તેની પાસે ઊભો રહ્યો. સામે ગર્ભગૃહમાં બંને સહેલીઓએ આરાધના શરૂ કરી.
ॐ नमः शिवाय... ॐ नमः शिवाय...
શિવલિંગ પર જલધારા કરી, તેનો અભિષેક કર્યો. વીણી લાવેલા ફૂલો અર્પણ કર્યા. આંખો બંધ કરી અને બંને હાથ જોડી પ્રાર્થના કરી.
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ।
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् ।।
हे गौरि ! शंकरार्धांगि ! यथा त्वं शंकरप्रिया ।
तथा मां कुरु कल्याणि कान्तकान्तां सुदुर्लभाम्।।
દીપશિખાના મુખેથી આ શ્લોકનું ઉચ્ચારણ થતા જ મણિરાજ ધ્રુજી ઊઠ્યો. બાજુમાં ઊભેલો ચામવક પણ અવાક બની ગયો. વસુંધરા આંખો ખોલી દીપશિખા સામે તાકી રહી. દીપશિખાએ આંખો ખોલી અને ભગવાનને નમન કર્યા કે વસુંધરા તેને ધીમા અવાજે પૂછવા લાગી, "આ તું શું બોલી દીપશિખા?"
"જે મારા મનમાં હતું. મેં માતા ભવાની પાસે એ માગ્યું જેની મને ઈચ્છા થઈ."
વસુંધરા વિમાસણમાં હતી. તેણે ફરી સવાલ કર્યો, "દીપશિખા, શું મણિરાજ તને પ્રેમ કરે છે?"
"તને શું લાગે છે?"
"અત્યારે બાગમાં જે મેં જોયું, એ જોઈને તો મને લાગ્યું કે એ તારા પ્રેમમાં તરબતર થઈ ગયો છે."
"મને એ વ્યક્તિના મિલનમાં કોઈ રસ નથી."
"દીપશિખા, આ તું બોલે છે? શું ખોટ છે એનામાં? તારી જેમ સાહિત્યમાં રસ ધરાવે છે. વેદાંગ ગાન કરે છે. ઉપરથી તું એનાથી સુપેરે માહિતગાર છે. એનામાં ગુણો તો છે, સાથે દેખાવે પણ કંઈ નબળો નથી. સુઘડ અને કણસાયેલી કાયા છે. વિશાળ વક્ષ અને કદાવર. જોતા ગમી જાય એવો યુવાન છે. પછી બીજું શું જોઈએ? વધારેનો મોહ રાખવો યોગ્ય નથી સખી."
"મને વધારેનો મોહ નથી વસુંધરા, પણ મને મનગમતાનો મોહ જરૂર છે. હકીકત એ છે કે મને મણિરાજમાં મોહ નથી. એ ખરાબ વ્યક્તિ નથી, કે ના હું એમ કહું છું કે દેખાવે મોળો હોય. તે તેના જે વખાણ કર્યા છે, એ ઉત્તમ અને તેને યોગ્ય છે, પણ હું એને નથી ઈચ્છતી."
"તો?" વસુંધરાએ પૂછ્યું. દીપશિખા હળવું હસી અને ગર્ભગૃહમાંથી તેને લઈને બહાર નીકળી.
(શ્લોકાર્થ)
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ।
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् ।।
અર્થ - અમે ત્રિનેત્રધારી, સુગંધિત અને પુષ્ટિ આપનારા દેવની પૂજા કરીએ છીએ. જેમ પાકેલી કાકડી સહેલાઈથી તેના વેલા પરથી અલગ થઈ જાય છે, તેમ અમે મૃત્યુ અને તેના બંધનોમાંથી મુક્ત થઈએ, પરંતુ મોક્ષથી નહીં.
हे गौरि ! शंकरार्धांगि ! यथा त्वं शंकरप्रिया ।
तथा मां कुरु कल्याणि कान्तकान्तां सुदुर्लभाम्।।
અર્થ - હે ગૌરી! હે શંકરના અર્ધા અંગવાળા! જેમ તમે શંકરને પ્રિય છો, તેમ જ મને પણ એવી સૌભાગ્યવંતી બનાવો કે હું મારા પતિને અતિ પ્રિય થાઉં અને તે સુખ અત્યંત દુર્લભ હોય. - અહીં પાર્વતીજીના શુદ્ધ અને સુંદર સ્વરૂપને યાદ કરવામાં આવ્યું છે. આ મંત્રનો મુખ્ય હેતુ એ છે કે સ્ત્રીઓ આ મંત્રનો જાપ કરીને પતિના પ્રેમ અને સુખની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. આ પ્રાર્થનામાં માત્ર પ્રેમ જ નહીં, પરંતુ એક દંપતી તરીકેના બંધનની દિવ્યતા અને ગાઢતા પણ દર્શાવવામાં આવી છે.