Unstoppable in Gujarati Short Stories by Dipkunvarba Solanki books and stories PDF | અણનમ

Featured Books
Categories
Share

અણનમ

અચાનક એક દિવસ દ્વિધા ને સોશિયલ મીડિયામાં અજાણ્યો મેસેજ આવ્યો.દ્વિધા પહેલા તો તે ધ્યાનમાં લેતી નથી, પરંતુ તેને કોઈ પોસ્ટના કૉમેન્ટ માં લખેલી શાયરીના સંદર્ભે હતો, તેથી અચાનક જાણે તેને જાણવાની ઉત્કંઠા જાગી ઊઠે છે,...કોણ છે...?શું કહે છે..?.તેના લેખન વિશે શું મંતવ્ય છે ..??? આવા બધા સવાલો દ્વિધા ને પ્રત્યુતર આપવા મજબૂર કરી દે છે.

રાત્રીના નવરાશના સમયમાં દ્વિધાએ જેવો મસેજ નો જવાબ આપ્યો કે તરત જ સામે થી પણ મેસેજ આવ્યો અને લગભગ અડધી રાત સુધી બંને એકબીજા સાથે વાતો કરતા રહ્યાં. તે વ્યક્તિનું નામ સૂરજ છે અને તે પોતાના વ્યવસાય ને આગળ વધારવા માંગે છે. આમ તેમ ,નામ અને થોડી ઘણી ઓળખાણ સાથે ઘણી બધી વાતો થઈ.

દ્વિધા ને જાણે તે વ્યક્તિ વર્ષો થી જાણતો હોય અને દ્વિધા પણ તેને જાણતી હોય તેમ બંને એકબીજા સાથે ખબર નહીં શું ની શું વાત કરતા જ જાય છે. એક લખાણ થી પ્રભાવિત થયેલો મેસેજ આટલી મોટી લાંબી વાત માં પરિણમશે તેના થી બંને અજાણ હતા.બંને ને વાત કરવા દરમિયાન લાગ્યું જ નહીં કે તે એકબીજા માટે અજાણ્યા છે.નસીબ નું કરવું કે વાત વાત માં ખબર પડે છે કે તે બંને એક જ શહેર માં રહે છે. થોડા કિલોમીટર ની દૂરી પર જ તેમના ઘર હતા.

ધીરે ધીરે આ તેમનો નિત્યક્રમ બની ગયો .રોજ રાત્રે એકબીજા સાથે વાત કરે અને આખો દિવસ એ રાતના સમય ની રાહ જોવામાં વીતાવે.ઘણા સમય બાદ , વાત હવે મુલાકાત સુધી આવી. મળવાનું સ્થળ નક્કી થયું.બંને ના ઘર થી નજીક અને બરાબર બંને ના ઘર ની વચ્ચે એક કાફે.

કાફે દરિયાકિનારે એક રમણીય અને શાંત જગ્યા એ હતો. તેની બહાર મોટી મોટી નારિયેળીના છાંયડે બાંકડા મૂકેલા હતા. તેની ઉપર શાંતિ થી બેસીને જ્યારે દરિયા સમક્ષ નજર કરીએ તો દૂર ક્ષિતિજ સુધી બસ શાંત સ્થિર તો ક્યારેક તોફાન કરતો દરિયો દેખાય, તેમ છતાં તે મનને શાંતિ અને સ્થિરતા આપતો જાણે, ત્યાંનાં વાતાવરણ નું વર્ણન કરીએ તો,પવનમાં ખારાશ હતી, પણ એમાં એક હળવાશ ની એક મીઠાશ પણ હતી જાણે દરિયો પોતાનાં રહસ્યો ધીમી લહેરોમાં કહી રહ્યો હોય.સૂરજ ધીમે ધીમે આકાશનાં કાંઠે ઉતરી રહ્યો હતો,અને તેના કિરણો દરિયાની સપાટી પર સોનાની જેમ ચમકી રહ્યાં હતા .જાણે સમય સાથે બધું ભૂલાવી દે તેવો તે સાંજમાં કોઈ ખાસ અનુભવ થતો હતો. દરિયો, પવન, અને મનની શાંતિ.અને એ જ પૂરતું હતું.કાફે ની બહાર બેસો કે અંદર અપાર શાંતિ ની અનુભૂતિ થતી. 

સમય સાથે તેમનો સંબંધ આગળ વધવા લાગ્યો. વાતો ,વાતો થી મુલાકાતો,દરેક મુલાકાત માં તેઓ એકબીજા ને વધુ ને વધુ સમજવા લાગ્યા અને આ મૈત્રી ધીરે ધીરે સમય સાથે પ્રેમ માં પરિણમવા લાગી. ક્યારે તેઓ એક બીજા ને ખૂબ જ ચાહવા લાગ્યા તેની ખબર તેમણે પણ ન પડી, જોતા જોતામાં બે વર્ષ જેટલો સમય વીતી ગયો.

આ સમય દરમિયાન દ્વિધા સૂરજ ની આદત બની ગઈ હતી, તેના શ્વાસનો એક ભાગ અને સૂરજ પણ દ્વિધા ની આદત બની ગયો હતો. સૂરજ પોતાના શરૂ કરેલા નવા વ્યવસાય માં સફળ થવા ઇચ્છતો હતો કેમ કે તેના પિતાનું સપનું સાકર કરવું હતું.જે સ્થાને તેના પિતાની સાથે દગો થયો અને માતા પિતા આઘાત માં મૃત્યુ પામ્યા ત્યાં તેમનું નામ ઊંચું અને પ્રતિષ્ઠ કરવા માંગતો હતો.
અને દ્વિધા પોતાના સપનાઓ સાકાર કરવા માંગતી હતી.દ્વિધા ને વ્યવસાય માં કોઈ ખાસ રુચિ ન હતી તે તો સૂરજ માટે જ થોડો ઘણો રસ લેતી.પણ તે તેની સાથે સાથે મેહનત કરતી. દ્વિધા ના સપના ઘણા અલગ હતા.જેની સૂરજ ને પહેલે થી જ જાણ હતી. એટલા માટે બંને સાથે મળી યોજનાઓ બનાવતા વ્યવસ્થા ગોઠવતા અને નવા નવા અવસર શોધતા.

સૂરજની દુનિયા માત્ર બે જ વસ્તુઓથી બનેલી હતી – એક તેનો નવો શરૂઆત કરેલો વ્યવસાય અને બીજી દ્વિધા. બંને શાંત, ઊંડા અને તેના માટે અનમોલ હતા. સમય બપોરના ઢળતા સૂર્ય જેવો હતો – મીઠો, પણ ધીમે ધીમે આગળ સરકતો.દ્વિધા માત્ર સૂરજનો પ્રેમ નહોતી, તે તેના સપનાઓની પણ માલિક હતી. પણ લેખન દ્વિધા ની દુનિયા હતી, અને મોટા શહેરમાં જઈને એક સફળ લેખિકા બનવાનું તેનો વર્ષોથી જોયેલું સપનું હતું. સૂરજ એ વાત સારી રીતે સમજતો હતો. તે હંમેશા કહેતો, “તારા સપનાઓને ક્યારેય મારી માટે રોકતી નહીં.

”એક દિવસ એ ક્ષણ આવી ગઈ, જેને દ્વિધા લાંબા સમયથી રાહ જોઈ રહી હતી. તેને દિલ્હીમાં એક પ્રતિષ્ઠિત સંસ્થામાં એડમિશન મળી ગયું. તેની આંખોમાં ખુશી હતી, પણ દિલમાં એક ભય – શું સૂરજ તેની સાથે આવશે?
(એવું નહતું કે દ્વિધા પાસે કોઈ અન્ય પસંદગીઓ ન હતી પરંતુ તે તેના સપનાઓ ને લઈને પહેલે થી ઘણી મહત્વકાંક્ષી રહી હતી.)

“સૂરજ… મને દિલ્હીમાં એડમિશન મળી ગયું છે,” દ્વિધાએ ધીમા અવાજે કહ્યું, “આ મારા માટે ખૂબ મોટો મોકો છે… હું ઈચ્છું છું કે તું પણ મારી સાથે આવ.”

આ શબ્દો સાંભળતા જ સૂરજની અંદર કંઈક તૂટી ગયું. દિલ્હી માત્ર એક શહેર નહોતું, તે એક નિર્ણય હતો – પોતાના શહેર, પરિવારની યાદો અને પોતાના ઉભા થતા વ્યવસાયને પાછળ છોડવાનો.થોડા પળો સુધી શાંતિ છવાઈ ગઈ.

સૂરજની આંખોમાં સંઘર્ષ દેખાતો હતો. એક તરફ પ્રેમ, બીજી તરફ ઓળખ.અંતે તેણે મીઠું સ્મિત આપ્યું અને કહ્યું, “દ્વિધા, તું જા. તારા સપનાઓ માટે આ જ યોગ્ય સમય છે. હું નથી ઈચ્છતો કે તું મારા માટે તારો રસ્તો બદલે.”

“પણ તું?” દ્વિધાનો અવાજ કંપી ગયો.“હું અહીં જ રહીશ… પણ એનો અર્થ એ નથી કે હું તારી સાથે નથી. 
ક્યારેક સાથે હોવું એટલે એકબીજાને પોતાની જગ્યાએથી આગળ વધવા દેવું.”દ્વિધાની આંખોમાં આંસુ આવી ગયા. તે સમજી રહી હતી – આ પ્રેમમાં કોઈ ખોટ નહોતી, પણ રસ્તાઓ અલગ હતા.

સૂરજ ન ઘણા સમજાવ્યા બાદ અને દ્વિધાના પરિવાર ના કહેવાથી આખરે નિર્ણય લેવાયો દ્વિધા તેનો અભ્યાસ આગળ ત્યાં જ પૂર્ણ કરશે.

જવાના દિવસે દ્વિધા એ સૂરજ ને ગળે લગાવીને કહ્યું ગળગળા સ્વરે કહ્યું, "સૂરજ , હું જાણું છું મારી લેખન કારકિર્દી માટે આ એક મોટો મોકો છે. મારે જવું પડશે મારા અભ્યાસ માટે પણ મારો જીવ અહીં જ રહી જાય છે,મન કરવા ચાહે છે પણ હૃદય નથી ઈચ્છતું....."
દ્વિધા આ દિવસ ની કેટલા સમય થી રાહ જોઈ રહી હતી તેની સૂરજ ને જાણ હતી.આ વાત સાથે સૂરજ ને દરેક સપના તૂટવાનો અવાજ સંભળાયો છતાં તેના ચહેરા પર એક મીઠું સ્મિત ફરક્યું. તેણે દ્વિધા ના ગાલ પર હાથ મૂક્યો, "અવશ્ય જા. તારું સપનું મારું સપનું છે. હું હંમેશા તારી સાથે છું." આ કહેતી વખતે, 'સાથે' શબ્દનો અર્થ માત્ર ભાવનાત્મક જ રહેશે, તે વાસ્તવિકતા તેણે મનમાં ધરબી દીધી.
છેલ્લાં બે અઠવાડિયાં, જાણે તેઓ એકબીજાને છેલ્લીવાર જીવી રહ્યાં હતાં. દરેક કોફી, દરેક વાતચીત, દરેક સ્પર્શ એક વિદાયગીત જેવો હતો.વિદાયના દિવસે, રેલ્વે સ્ટેશન પર ભારે ભીડ હતી. દ્વિધા ની આંખોમાં પાણી આંસુ હતા પણ સાથે આગળ વધવાની રોશની પણ હતી. 
સૂરજે તેના હાથમાં એક ડાયરી મૂકી, જેના પહેલા પાના પર લખ્યું હતું: "કોઈ દિલ તૂટ્યું નથી, બસ એક સફર પૂરી થઈ છે, બીજી શરૂ થઈ રહી છે."દ્વિધા ટ્રેનમાં બેઠી. જેમ જેમ ટ્રેન આગળ વધી, તેમ તેમ સૂરજ ને લાગ્યું કે તેના શરીરનો એક ભાગ તેની સાથે જઈ રહ્યો છે. તે દિવસે, તે સ્ટેશન પર ઊભો રહ્યો, ટ્રેનના છેલ્લા ડબ્બાને જોતો રહ્યો, જ્યાં સુધી તે એક નાનું બિંદુ ન બની ગયું. સૂરજ ની આંખોમાંથી આંસુ નહોતા વહ્યાં, કારણ કે તેને લાગતું હતું કે જો તે રડશે, તો તેના આંસુ દ્વિધા ની નવી સફર માટે 'શુકન' નહીં ગણાય. આ જ સૂરજ નો પ્રેમ હતો – પોતાનું દુઃખ ગળીને પણ બીજાની ખુશી ચાહવી.

પાંચ વર્ષ પછી...
સૂરજ આજે પોતાના શહેરમાં એક સફળ વ્યક્તિ છે. તેના કામમાં, તેના વિચારોની શાંતિ દેખાય છે, જે તેણે એકલતામાં શોધી હતી. દ્વિધા સાથે ક્યારેય વાત નથી થઈ. તેણે ક્યારેય ફોન કે મેસેજ કર્યો નહીં, કારણ કે તે જાણતો હતો કે ક્યારેક અંતર જ સન્માન બની જાય છે.
એક સાંજે, સૂરજ તેના શહેરના એ જ જૂના કાફે બહારના બાંકડા પર બેઠો હતો, જ્યાં તેઓ પહેલીવાર મળ્યા હતા.તે દર વર્ષે આ દિવસે એ કાફે ની મુલાકાત અચૂક લેતો .આ જ સમયે, એક કાર ત્યાં આવીને ઊભી રહી. તેમાંથી એક પરિચિત ચહેરો બહાર આવ્યો – દ્વિધા .તેણી હવે એક પ્રતિષ્ઠિત લેખિકા હતી. તેણે સૂરજ ને જોયો. બંનેની નજર મળી. પાંચ વર્ષની શાંતિ બે પળમાં તૂટી ગઈ.દ્વિધા સૂરજ તરફ ચાલી, તેના ચહેરા પર એક ક્ષણનો સંકોચ હતો, પણ પછી એક ખુલ્લું સ્મિત આવ્યું. "સૂરજ ," તેણીએ કહ્યું, તેનો અવાજ થોડો ભીનો હતો."દ્વિધા ," સૂરજે જવાબ આપ્યો. તેના અવાજમાં હવે કોઈ ફરિયાદ નહોતી, માત્ર સ્વીકૃતિ હતી."તારી ડાયરી... તે મારી સાથે છે. મેં તને ક્યારેય ફોન ન કર્યો કારણ કે... હું ડરી ગઈ હતી કે હું પાછી આવી જઈશ." દ્વિધા એ શાંતિથી કહ્યું.
સૂરજ ધીમેથી ઊભો થયો. તેણે દૂર દરિયા તરફ જોયું. "તે સફર તારા માટે જરૂરી હતી, દ્વિધા . અને તારી ગેરહાજરી મારા માટે જરૂરી હતી."તેણે પોતાના ખિસ્સામાંથી એક નાનકડી ચાવી કાઢી. "આ એ લોકરની ચાવી છે, જેમાં મેં તારા માટે એક છેલ્લો પત્ર મૂક્યો હતો. પાંચ વર્ષ પહેલાં. જ્યારે પણ તને મારી યાદ આવે, ત્યારે ખોલજે."દ્વિધા એ ચાવી લીધી, તેની આંખોમાં હવે આંસુ આવી ગયા હતા. તે જાણતી હતી કે આ ચાવી માત્ર એક લોકરની નથી, પણ એક ભૂલાઈ ગયેલા ભૂતકાળની છે જેને સૂરજે તાળામાં કેદ કર્યો હતો.સૂરજે તેને છેલ્લીવાર હસીને કહ્યું, "તારી સફળતા જોવી, એ પણ એક પ્રેમ છે, દ્વિધા . ખુશ રહેજે." અને તે કોઈ જવાબની રાહ જોયા વિના શાંતિથી દરિયા તરફ ચાલ્યો ગયો. સૂરજ રેત પર પગલાં છોડતો હતો,પણ તરંગો દરેક નિશાનીને ધોઈને લઈ જતા હતા.દ્વિધા એ તે ચાવીને પોતાના પર્સમાં મૂકી. તે ત્યાં ઊભી રહી, તેના જીવનના બે સૌથી મહત્વપૂર્ણ સ્થળો વચ્ચે –કાફે ની શાંતિ અને સૂરજ નો સ્વીકાર. તે સમજી ગઈ કે અમુક પ્રેમ સંબંધો મિલન માટે નહીં, પણ જીવનની દિશા બદલવા માટે જ સર્જાયા હોય છે.
(સૂરજે આ વાત નો  સ્વીકાર ઘણા સમય પહેલા જ કરી લીધો હતો.)

દ્વિધા એ દિલ્હી જવાની ટિકિટ પરત કરાવી નહોતી, પણ સૂરજે તેને જવા દીધી હતી. પાંચ વર્ષ પહેલા તે દિવસે સૂરજનું દિલ તૂટ્યું હતું, પણ આજે તે દિલ સ્વીકારની લાગણીથી ફરીથી જોડાયું હતું.દ્વિધા કારમાં બેસીને રવાના થઈ ગઈ. 
સૂરજ પાછો ફરી આવ્યો અને ખાલી બાંકડા તરફ જોયું. તેણે ખિસ્સામાંથી એક નાનો કાગળ કાઢ્યો અને તેને પવનમાં છોડી દીધો. તે કાગળ પર માત્ર એક જ વાક્ય લખેલું હતું:"તારી હાજરીએ મારા જીવનમાં સૂરજ ઉગાડ્યો હતો. તારી ગેરહાજરીએ મને ચંદ્ર બનવાનું શીખવ્યું."