ધારાવાહિક:- આપણાં મહાનુભાવો
ભાગ:- 38
મહાનુભાવ:- નીરજા ભનોટ(ભનોત) - હિરોઈન ઑફ હાઈજેક
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
પ્રસ્તાવના:-
નીરજા ભનોટ (7 સપ્ટેમ્બર 1963– 5 સપ્ટેમ્બર 1986) એક ભારતીય વિમાન પરિચારિકા અને મુખ્ય પર્સન હતા. 5 સપ્ટેમ્બર, 1986નાં રોજ પાકિસ્તાનનાં કરાચીમાં વિમાન રોકાણ દરમિયાન આતંકવાદી સંગઠન દ્વારા અપહરણ કરવામાં આવેલ Pan Am Flight 73માં મુસાફરોને બચાવતી વખતે તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમના આ સાહસ બદલ તેમને ભારતના શાંતિકાળનો સર્વોચ્ચ બહાદુરી પુરસ્કાર અશોક ચક્ર (મરણોપરાંત) એનાયત કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન અને અમેરિકાની સરકારો તરફથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આપાતકાલીન બારીમાંથી મુસાફરોને ભાગી છૂટવામાં મદદ કરતી વખતે તેમને ગોળી મારવામાં આવી હતી. તેમનાં જીવન અને વીરતાથી પ્રેરિત થઈને દિગ્દર્શક રામ માધવાનીએ 2016માં 'નીરજા' નામની એક ફિલ્મનું નિર્માણ કર્યું હતું, જેમાં નીરજાની ભૂમિકા અભિનેત્રી સોનમ કપૂર દ્વારા ભજવવામાં આવી હતી. ફિલ્મ રિલીઝ થયા બાદ નીરજા ભનોટને લંડનના હાઉસ ઓફ કોમન્સ (House of commons)માં એક સમારોહમાં 'ભારત ગૌરવ એવોર્ડ'થી મરણોપરાંત સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ એવોર્ડને નીરજાના ભાઈઓ અખિલ અને અનીષ ભનોટે લંડનની ‘વેસ્ટમિંસ્ટર પાર્લામેન્ટ’માં ગ્રહણ કર્યો હતો.
મારા લેખમાં આ બહાદુર એર હોસ્ટેસ વિશેની માહિતિ રજુ કરી છે, જે બધી મેં ઈન્ટરનેટનાં વિવિધ વેબપેજ ઉપરથી મેળવી છે. વાક્યરચનામાં બદલાવ કર્યો છે. ઘટનાઓ અને પ્રસંગો વેબપેજ પર જે છે એ જ છે. ઉપરાંત કેટલીક બાબતો બે ત્રણ વાર વાંચવામાં આવશે.
જન્મ અને પ્રારંભિક જીવન:-
નીરજાનો જન્મ 7 સપ્ટેમ્બર 1963નાં રોજ ચંદીગઢ ખાતે પંજાબી હિંદુ પરિવારમાં થયો હતો. તેમનો ઉછેર મુંબઈ ખાતે થયો હતો. તેઓ બોમ્બે સ્થિત પત્રકાર હરીશ ભનોટ અને રમા ભનોટની પુત્રી હતા. તેમને અખિલ અને અનીશ નામનાં બે ભાઈઓ હતા. તેમણે ચંદીગઢની સેક્રેડ હાર્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી પ્રારંભિક શાળાનું શિક્ષણ મેળવ્યું હતું. જ્યારે તેમનો પરિવાર બોમ્બે સ્થળાંતર થયો ત્યારે તેમણે બોમ્બે સ્કોટિશ સ્કૂલમાં અભ્યાસ ચાલુ રાખ્યો અને બાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજ, બોમ્બેમાંથી સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
મુંબઈ વસવાટ દરમિયાન જ તેમને પહેલો મોડેલિંગ કરાર મળ્યો હતો અને તેમની મોડેલિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ અભિનેતા રાજેશ ખન્નાના ચાહક હતા અને જીવનભર તેમની ફિલ્મોના સંવાદોનો ઉલ્લેખ કરતાં રહ્યાં હતાં.
બે મહિનાના ટૂંકા ગાળામાંજ લગ્નવિચ્છેદ થતાં તેઓ તેમનાં પિતાના ઘરે પરત ફર્યા હતાં. તેમનાં પિતા હરીશ ભનોટ 30 વર્ષથી વધુ સમય સુધી હિન્દુસ્તાન ટાઇમ્સમાં પત્રકાર તરીકે રહ્યા હતા અને ઈ. સ. 2008માં ચંદીગઢ ખાતે 86 વર્ષની ઉંમરે નવા વર્ષના દિવસે તેમનું અવસાન થયું હતું. તેમની માતાનું 5 ડિસેમ્બર 2015નાં રોજ 86 વર્ષની વયે અવસાન થયું હતું.
કારકિર્દી:-
પેન અમેરિકન એરવેઝ કંપનીએ 1985માં ફ્રેન્કફર્ટથી ભારતના હવાઈ માર્ગ માટે તમામ કેબિન ક્રૂ ભારતીય રાખવાનું નક્કી કર્યું ત્યારે નીરજાએ પણ તે એરવેઝ કંપનીમાં વિમાન પરિચારિકાની નોકરી માટે અરજી કરી હતી. પસંદગી બાદ તે વિમાન પરિચારિકા એટલે કે ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે તાલીમ લેવા ફ્લોરિડાના મિયામી ગયા હતા. આ ઉપરાંત તેમની મોડેલિંગ કારકિર્દી પણ સફળ રહી હતી.
એરહોસ્ટેલ બનતાં પહેલા નીરજાએ અનેક મોડલિંગ અસાઇમેન્ટ પણ કર્યા હતા. તેમણે કુલ 22 વિજ્ઞાપનોમાં કામ કર્યું હતું. ઈ. સ. 1985માં તેમના લગ્ન થયા હતા પરંતુ બે મહિના બાદ સાસરિયાની વધતી ડિમાન્ડોને કારણે તેઓ પરત પિયર આવી ગયા હતા. 1985માં નીરજા ભનોટે Pan AM Airlines માટે અરજી કરી અને પસંદગી થયા બાદ તેમને ફ્લાઇટ અટેન્ડન્ટ તરીકે ટ્રેનિંગ માટે મિયામી અને ફ્લોરિડા મોકલવામાં આવ્યા. ત્યારબાદ તેમની નિયુક્તિ કરવામાં આવી હતી.
વિમાન અપહરણ ઘટનાક્રમ:-
કરાચી અને ફ્રેન્કફર્ટ થઈને મુંબઈથી અમેરિકા જતી Pan Am Flight 73માં નીરજા મુખ્ય પર્સર તરીકે ફરજ પર હતા. 5 સપ્ટેમ્બર, 1986નાં રોજ પાકિસ્તાનનાં કરાચી એરપોર્ટ પર વિમાન રોકાણ દરમિયાન ચાર સશસ્ત્ર શખ્સો દ્વારા વિમાનનું અપહરણ કરવામાં આવ્યું હતું. વિમાનમાં 380(કોંઈક વેબપેજ પર 360) મુસાફરો અને 13 ક્રૂ સભ્યો સવાર હતા. આતંકવાદીઓ સાયપ્રસમાં પેલેસ્ટાઈની કેદીઓને મુક્ત કરાવવાના લક્ષ્ય સાથે સાયપ્રસ જવા માંગતા હતા. અપહરણકારો વિમાનમાં સવાર થતાં જ નીરજાએ કોકપિટ ક્રૂને ચેતવણી આપતા વિમાન પાઇલટ, કો-પાઇલટ અને ફ્લાઇટ એન્જિનિયર વિમાનમાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. સૌથી વરિષ્ઠ કેબિન ક્રૂ સભ્ય તરીકે નીરજાએ વિમાનની અંદરની પરિસ્થિતિનો હવાલો સંભાળ્યો હતો.
અપહરણકારો લીબિયા દ્વારા સમર્થિત પેલેસ્ટાઇન આતંકવાદી સંગઠન અબુ નિદાલ સંગઠનનો ભાગ હતા. તેઓ અમેરિકનો અને અમેરિકન સંપત્તિને નિશાન બનાવી રહ્યા હતા. અપહરણની શરૂઆતની મિનિટોમાં, તેઓએ એક ભારતીય-અમેરિકન નાગરિકની ઓળખ કરી, તેને બહાર કાઢવા માટે ખેંચી લીધો અને ગોળી મારીને તેના મૃતદેહને વિમાનમાંથી બહાર ફેંકી દીધો. ત્યારબાદ આતંકવાદીઓએ ભનોટને સૂચના આપી હતી કે તેઓ તમામ મુસાફરોના પાસપોર્ટ એકત્રિત કરે જેથી તેઓ વિમાનમાં સવાર અન્ય અમેરિકનોની ઓળખ કરી શકે. નીરજા અને તેની હેઠળનાં અન્ય પરિચારકોએ વિમાનમાં સવાર બાકીના 43 અમેરિકનોના પાસપોર્ટ પૈકી કેટલાક સીટ નીચે અને બાકીનાં કચરાપેટીમાં છુપાવી દીધા હતા, જેથી અપહરણકારો અમેરિકન અને બિન-અમેરિકન મુસાફરો વચ્ચે તફાવત ન કરી શકે.
આતંકવાદીઓનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકન નાગરિકોને મારીને પાકિસ્તાન પર દબાણ ઊભું કરવાનું હતું. તેથી તેમણે તમામ પેસેન્જરોના પાસપોર્ટ જમા કરવા માટે નીરજા ભનોટને આદેશ આપ્યો. નીરજાએ ખૂબ જ ચાલાકીથી અમેરિકન નાગરિકોના પાસપોર્ટ છુપાવીને બાકી પાસપોર્ટ આતંકવાદીઓને સોંપી દીધા હતા. નીરજાએ તક જોઈને પ્લેનનો દરવાજો ખોલી દીધો અને પેસેન્જરોએ નીચે કૂદવાનું શરૂ કરી દીધું. પરંતુ આ દરમિયાન એક આતંકવાદીઓ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. આ અફરાતફરીમાં 20 લોકોનાં મોત થયા હતા. આ દરમિયાન નીરજા ભનોટનું પણ નિધન થયું હતું.
17 કલાક બાદ અપહરણકારોએ ગોળીબાર શરૂ કર્યો હતો. ભનોટે વિમાનનો એક દરવાજો ખોલી નાખ્યો, અને તે વિમાનમાંથી કૂદકો લગાવી ભાગી શકે તેમ હોવા છતાં, તેમણે અન્ય મુસાફરોને ભાગી છૂટવામાં મદદ કરવાનું શરૂ કર્યું. એક જીવિત મુસાફરના જણાવ્યા અનુસાર, "તેઓ મુસાફરોને આપાતકાલીન છટકબારી (ઇમરજન્સી એક્ઝિટ) માટે માર્ગદર્શન આપી રહી હતી ત્યારે જ આતંકવાદીઓ કમાન્ડો હુમલાના ડરથી સતત ફાયરિંગ કરી રહ્યા હતા. તેઓએ નીરજાને ત્રણ અનાથ બાળકો તથા અન્ય લોકોને બહાર નીકળવામાં મદદ કરવાનો પ્રયાસ કરતા જોયા ત્યારે તેઓએ નીરજાને ચોટલાથી પકડી લીધી અને ગોળી મારી હતી." અપહરણ દરમિયાન કુલ 44 અમેરિકન મુસાફરોમાંથી બેનાં મોત થયા હતા. તે સમયે સાત વર્ષનો એક બાળક જે હવે એક મોટી એરલાઇનનો કેપ્ટન છે, તેણે જણાવ્યું છે કે, '"ભનોટ તેની પ્રેરણા રહી છે, અને તે તેના જીવનના દરેક દિવસ માટે તેમનો ઋણી છે."
નીરજાને આંતરરાષ્ટ્રીય સ્તરે "અપહરણની નાયિકા" તરીકે ઓળખ આપવામાં આવી હતી અને શાંતિકાળ દરમિયાન બહાદુરી માટેનો ભારતનો સૌથી પ્રતિષ્ઠિત વીરતા પુરસ્કાર 'અશોક ચક્ર' એવોર્ડ એમનાં મૃત્યુ પછી આપવામાં આવ્યો. આ એવૉર્ડ મેળવનારની યાદીમાં તેઓ સૌથી નાની ઉંમરની વ્યક્તિ હતી.
ઘણા બંધકોનો જીવ બચાવવા ઉપરાંત ભનોટે વિમાનને જમીન પરથી ઉતરતા અટકાવવામાં પણ મદદ કરી હતી. તેમને યુનાઇટેડ સ્ટેટ્સ સરકાર તરફથી તેમની હિંમત માટે તથા પાકિસ્તાન સરકાર દ્વારા મહાન માનવદયા દર્શાવવા બદલ મરણોપરાંત 'તમ્ઘા-એ-પાકિસ્તાન' પુરસ્કારો આપવામાં આવ્યા હતા.
ભારત, પાકિસ્તાન અને બ્રિટન ઉપરાંત અમેરિકન સરકાર તરફથી તેમનાં નિધન બાદ ‘જસ્ટિસ ફોર ક્રાઇમ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઘણા ઓછા લોકો જાણતા હશે કે નીરજાએ એન્ટી-હાઇજેકિંગ કોર્સ પણ કર્યો હતો. જેની તાલીમ તેમને હાઇજેકિંગ પ્રકરણ દરમિયાન ખૂબ કામમાં આવી.
નીરજાના બલિદાનના કારણે તેમને માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ યાદ કરવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન બંનેની સરકારોએ તેમને સર્વોચ્ચ સન્માન એનાયત કર્યું હતું. હાઇજેકિંગની આ ઘટનામાં બચી જનારા પેસેન્જર થેક્સટને એક પુસ્તક લખ્યું હતું. પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેમને હાઇજેકર્સને વાત કરતા સાંભળ્યા હતા કે તેઓ પ્લેનને 9/11 હુમલાની જેમ ઇઝરાયલમાં કોઈ નિર્ધારિત નિશાના પર ક્રેશ કરવા માંગતા હતા.
વારસો:-
મુશ્કેલીમાં મુકાયેલા વિમાનના મુસાફરો પ્રત્યેની તેમની વફાદારી માનવ ભાવનાના શ્રેષ્ઠ ગુણોને કાયમ માટે શ્રદ્ધાંજલિ હશે.– અશોક ચક્ર પ્રશસ્તિપત્ર.
તેમની બહાદુરી માટે ભારત સરકારે મરણોપરાંત શાંતિકાળ દરમિયાન દુશ્મનની સામે બહાદુરી માટેનો ભારતનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર એનાયત કર્યો હતો. તેઓ આ પુરસ્કાર પ્રાપ્ત કરનારા પ્રથમ મહિલા અને સૌથી નાની ઉંમરના વ્યક્તિ છે.
ઈ. સ. 2004માં ભારતીય ટપાલ ખાતાએ તેની યાદમાં એક સ્મારક ટિકિટ બહાર પાડી હતી.
નીરજાના મૃત્યુ બાદ, તેમના પરિવારે વીમાના પૈસાથી નીરજા ભનોટ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટ દર વર્ષે બે પુરસ્કારો પ્રસ્તુત કરે છે, એક પુરસ્કાર વિશ્વભરના ફ્લાઇટ ક્રૂ મેમ્બર માટે છે, જે ફરજના આહ્વાનથી આગળ વધીને કામ કરે છે અને બીજો, નીરજા ભનોટ પુરસ્કાર, ભારતીય મહિલાને આપવામાં આવે છે જેણે સામાજિક અન્યાયનો સામનો કરવો પડ્યો ત્યારે બહાદુરીપૂર્વક પરિસ્થિતિનો સામનો કર્યો, અને આવી જ સામાજિક મુશ્કેલીમાં અન્ય મહિલાઓને મદદ કરી. આ પુરસ્કારમાં 1,50,000 રૂપિયા (આશરે 2000 અમેરિકન ડોલર) ટ્રોફી અને પ્રશસ્તિપત્રનો સમાવેશ થાય છે.
નીરજાના ભાઈ અનીશ ઈ. સ. 2005માં વોશિંગ્ટન ડી.સી.માં ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા માટે યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસમાં યોજાયેલા સમારોહમાં વાર્ષિક ગુના અધિકાર સપ્તાહના ભાગરૂપે મરણોપરાંત તેમને આપવામાં આવેલો "ન્યાય અપરાધ પુરસ્કાર" મેળવવા ગયા હતા.
ઈ. સ. 2006માં, નીરજા અને અન્ય Pan Am Flight 73 પરિચારકોને અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા વિશેષ હિંમત પુરસ્કાર (સ્પેશ્યલ કરેજ એવોર્ડ) એનાયત કરવામાં આવ્યો હતો.
ભારતીય ઉડ્ડયન મંત્રાલયે ભારતીય ઉડ્ડયનની શતાબ્દીની ઉજવણીના પ્રસંગે 18 ફેબ્રુઆરી, 2010નાં રોજ નવી દિલ્હીમાં ભનોટને મરણોપરાંત સન્માન આપ્યું હતું.
2 જુલાઈ, 2016નાં રોજ લંડન, ઈંગ્લેન્ડમાં યુકેની સંસદના હાઉસ ઓફ કોમન્સમાં આયોજિત સમારોહમાં તેમને 'ભારત ગૌરવ પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો હતો.
30 મે, 2018નાં રોજ પંજાબ યુનિવર્સિટીએ ચંદીગઢની યુનિવર્સિટી પરિસરમાં નીરજા ભનોટ હોસ્ટેલનું ઉદઘાટન કર્યું હતું.
ધ નીરજા આઇ ન્યૂ - એક કોફી ટેબલ પુસ્તક જેની કલ્પના તેમના ભાઈ અનીશ ભનોટ દ્વારા કરવામાં આવી હતી અને ભનોટને શ્રદ્ધાંજલિ તરીકે પ્રકાશિત કરવામાં આવી હતી, જેમાં નીરજાને ઓળખતા લોકો દ્વારા લખાયેલા ઘણાં પ્રકરણોનો સમાવેશ થાય છે.
ધ સ્માઇલ ઓફ કરેજ – તેમના ભાઈ અનીશ ભનોત દ્વારા લખાયેલું અન્ય એક પુસ્તક છે.
સન્માન અને પુરસ્કાર:-
અશોક ચક્ર, 1987, ભારત.
તમ્ઘા-એ-પાકિસ્તાન, પાકિસ્તાન સરકાર દ્વારા મહાન માનવદયા દર્શાવવા બદલ, મરણોપરાંત.
ફ્લાઇટ સેફ્ટી ફાઉન્ડેશન વીરતા પુરસ્કાર 1987, યુનાઇટેડ સ્ટેટ્સ.
જસ્ટીસ ફોર ક્રાઈમ્સ એવોર્ડ 2005 ("ન્યાય અપરાધ પુરસ્કાર"), યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસ ફોર ધ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા, યુનાઇટેડ સ્ટેટ્સ.
અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા વિશેષ હિંમત પુરસ્કાર (સ્પેશ્યલ કરેજ એવોર્ડ).
નાગરિક ઉડ્ડયન મંત્રાલય પુરસ્કાર 2011, ભારત.
ભારત ગૌરવ પુરસ્કાર: 2 જુલાઈ, 2016નાં રોજ યુકેની સંસદના હાઉસ ઓફ કોમન્સ દ્વારા એનાયત.
નીચેની સંપૂર્ણ માહિતિ ફેસબુકનાં એક પેજ પરથી લીધી છે અને કોઈ પણ ફેરફાર કર્યા વગર રજુ કરી છે.
દેશ નું ગૌરવ 👌 તેમનું નામ હતું નીરજા ભનોટ.
1963માં ચંડીગઢમાં જન્મ થયો. તેઓ મુંબઈમાં ઉછર્યાં, જાહેરાતોમાં મોડેલિંગ કર્યું, અને 1985માં પેન એમ (Pan Am)માં ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે જોડાયાં. તેઓ માત્ર 23 વર્ષનાં હતાં.
એક વખત તેમનાં માતાએ તેમને કહ્યું હતું કે જો ક્યારેય વિમાનનું હાઈજેક થાય, તો ભાગીને પોતાનો જીવ બચાવી લેજે.
નીરજાએ જવાબ આપ્યો"મમ્મી, મરી જઈશ પણ ભાગીશ નહીં."
5 સપ્ટેમ્બર 1986ના રોજ તેઓ Pen Am Flight 73ની હાઈજેક દરમિયાન સીનિયર પર્સર હતાં. આ ફ્લાઈટ મુંબઈથી ન્યૂયોર્ક જતી હતી, કરાચીમાં સ્ટોપઓવર સાથે. વિમાનમાં 380 મુસાફરો અને 13 ક્રૂ સભ્યો હતા.
સવારે 6 વાગ્યે, કરાચીમાં સ્ટોપઓવર દરમિયાન, ચાર હથિયારબંધ ફિલિસ્તીની આતંકવાદીઓ એરપોર્ટ સુરક્ષાના વેશમાં વિમાનમાં ચડ્યા.
નીરજાએ તરત જ તેમને ઓળખી લીધા અને ઈન્ટરકોમ પર હાઈજેક કોડ બબડાટથી કહી દીધો. ત્રણેય પાયલોટ ઉપરના હેચમાંથી નીકળીને ભાગી ગયા. વિમાન જમીન પર જ રોકાઈ ગયું. આતંકવાદીઓ તેને ક્યાંય ઉડાડી શકતા ન હતા.
ગુસ્સે ભરાયેલા આતંકવાદીઓએ નીરજાને એરલાઈન સાથે વાટાઘાટોની જવાબદારી સોંપી દીધી. બાકીના બધા ફ્લાઈટ એટેન્ડન્ટને દોરડાથી બાંધી દેવામાં આવ્યા. તેઓ એકલાં હતાં.
17 કલાક સુધી તેમણે 380 લોકોને શાંત રાખ્યા. તેમને સેન્ડવીચ અને પાણી આપ્યું. તેમની સાથે વાત કરી. આતંકવાદીઓને સંભાળ્યા.
જ્યારે આતંકવાદીઓએ પાસપોર્ટ ભેગા કરવાનો હુકમ કર્યો, ત્યારે નીરજા સમજી ગઈ કે તેઓ અમેરિકનોને નિશાન બનાવી રહ્યા છે. તેમણે અને તેમની ટીમે ચૂપચાપ અમેરિકન પાસપોર્ટ સીટોની નીચે છુપાવી દીધા અને બાકીના કચરાના પાઈપમાં ફેંકી દીધા. વિમાનમાં હાજર 44 અમેરિકનોમાંથી 42 બચી ગયા.
17 કલાક પછી, આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો અને કેબિનમાં ગ્રેનેડ ફેંક્યા. નીરજાએ ઈમરજન્સી એગ્ઝિટ ખોલી. તેઓ સૌથી પહેલાં બહાર નીકળી શકતાં હતાં. પણ તેઓ એક બાજુ ખસી ગયાં અને મુસાફરોને બહાર ધકેલવા લાગ્યાં.
જ્યારે આતંકવાદીઓએ જોયું કે તેઓ ત્રણ અસહાય બાળકોને બચાવવામાં મદદ કરી રહ્યાં છે, ત્યારે તેમણે તેમને વાળથી પકડી લીધાં અને નજીકથી ગોળી મારી દીધી.
તેઓ કરાચીના રનવે પર શહીદ થઈ ગયાં. તેમના 24મા જન્મદિવસથી માત્ર બે દિવસ પહેલા.
તેમને મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યું – આ પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ મહિલા અને સૌથી યુવાન વ્યક્તિ બન્યાં.
પાકિસ્તાને તેમને તમઘા-એ-પાકિસ્તાન આપ્યો. અમેરિકાના ન્યાય વિભાગે તેમને સ્પેશિયલ કરેજ એવોર્ડથી સન્માનિત કર્યા.
તેમનું નામ હતું નીરજા ભનોટ.
તેઓ ઈચ્છત તો પોતાનો જીવ બચાવી શકતાં.
તેમણે તેમ ન કર્યું.
આભાર.
સ્નેહલ જાની