Rufnote in Gujarati Fiction Stories by I AM ER U.D.SUTHAR books and stories PDF | બાળપણની એ રફનોટ - 5

Featured Books
Categories
Share

બાળપણની એ રફનોટ - 5

પ્રકરણ ૫: શનિવારની સાંજ અને સપનાની વિકેટ

​શનિવારે બપોરે બાર વાગ્યાનો છેલ્લો બેલ વાગતાં જ આર્યન જાણે હવામાં ઊડતો હોય તેમ ઘરે પહોંચ્યો હતો. ઘરમાં પગ મૂકતાની સાથે જ તેણે દફતર એક તરફ મૂક્યું અને સીધો ખૂણામાં પડેલા જૂના બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી તરફ દોડ્યો. પિતાજી હજુ કામ પરથી  આવ્યા નહોતા અને મમ્મી રસોડામાં લોટ બાંધી રહી હતી. આર્યને ટીવીનું મોટું ખટકિયું ફેરવીને ચાલુ કર્યું. થોડી ક્ષણો સુધી પડદા પર સફેદ-કાળા ટપકાં અને 'સરરર...' જેવો અવાજ આવ્યો, પણ જેવો એન્ટેનાનો સૂર બરાબર પકડાયો કે સ્ક્રીન પર દૂરદર્શનનો લોગો ચમક્યો.......

​બરાબર બપોરના સાડા બાર વાગ્યા હતા અને એ જ સમયે શરૂ થઈ આર્યનની સૌથી મનગમતી સીરિયલ—'જૂનિયર-જી'.

​ મમ્મીએ રસોડામાંથી બૂમ પાડી, "આર્યન! બેટા, હાથ-પગ ધોઈને જમવા બેસી જા. ગરમાગરમ રોટલી ઉતારું છું. તું ગરમાગરમ ખાઈ લે એટલે મારું એક કામ પતે અને પછી માત્ર તારા પપ્પા માટે જ રોટલી કરવાની બાકી રહે; વળી, વધારાની રોટલી પડી રહે એવો બગાડ પણ ના થાય!"

​"હા મમ્મી, બસ થાળી અહીં જ આપી દે ને ટીવી પાસે. આજે ગૌરવ પેલી જાદુઈ વીંટીનો ઉપયોગ કરીને ફ્યુમાનચોના ગુંડાઓને પાઠ ભણાવવાનો છે!" આર્યનની આંખો ટીવીના પડદા પર ચોંટેલી હતી.

​મમ્મીએ હસતાં હસતાં થાળી પીરસી આપી. આર્યન જમતો જતો હતો અને ટીવીમાં સુપરહીરો જૂનિયર-જીને સ્પેસ-સૂટ જેવા ચમકતા કપડાં પહેરીને આકાશમાં ઊડતો જોઈને મંત્રમુગ્ધ થતો હતો. તેનો પેલો જાદુઈ કમ્પ્યુટર જેવો સેટ જોઈને આર્યનની આંખોમાં અદભુત ચમક આવી જતી. એક હાથમાં રોટલીનો બટકું અને આંખોમાં જાદુઈ શક્તિઓના સપના... આ શનિવારની બપોર આર્યન માટે કોઈ ઉત્સવથી કમ નહોતી. સીરિયલ પૂરી થઈ અને આર્યને ઘડિયાળ તરફ નજર કરી. જમતાં જમતાં જ બપોરનો એક વાગી ગયો હતો!

​ટીવી બંધ કરીને આર્યન પલંગ પર બેઠો અને મનમાં જ આજના દિવસની ગણતરી કરવા લાગ્યો: 'અત્યારે એક વાગ્યો છે. સાંજે બરાબર ચાર વાગ્યે સોસાયટીના કોમન પ્લોટમાં ક્રિકેટ રમવા જવાનું નક્કી કર્યું છે. મારી પાસે બરાબર ત્રણ કલાકનો સમય છે.'

​ પણ મુશ્કેલી એ હતી કે શનિવારની અડધી રજા અને રવિવારની આખા દિવસની રજા હોવાને કારણે શાળામાં દરેક વિષયના શિક્ષકોએ રોજ કરતાં બમણું ગૃહકાર્ય (હોમવર્ક) આપ્યું હતું; જેમાં ગણિતના પાંચ પાનાના દાખલા, વિજ્ઞાનની પ્રશ્નોત્તરી અને ગુજરાતીનો નિબંધ સામેલ હતો! જો અત્યારે જ આ હોમવર્ક પૂરું ન થાય, તો શનિવારની આખી સાંજ અથવા તો રવિવારનો અડધો દિવસ ઘરમાં જ મમ્મી-પપ્પાની નજર સામે ચોપડા લઈને બેસવું પડે. આમ તો આર્યનના ઘરમાં એવું કોઈ બંધિયાર કે કડક વાતાવરણ નહોતું કે તેણે આવું નકારાત્મક વિચારવું પડે, પરંતુ શાળામાંથી 'ગૃહકાર્ય બાકી છે' તેવી ફરિયાદ ઘરે આવે તે તેને ખુદને જરાય પસંદ નહોતું. તે ક્યારેય એવું ઈચ્છતો નહોતો કે પોતાના કારણે ઘરમાં કોઈને ઠપકો સાંભળવો પડે કે વાતાવરણ બગડે. વળી, જો હોમવર્ક અધૂરું રહે તો સાંજે ક્રિકેટ રમવાનો આખો પ્લાન ચોપટ થઈ જાય; કારણ કે જો ગૃહકાર્ય બાકી હોય તો પછી ઘરમાંથી પણ રમવા જવા પર પાબંદી (પ્રતિબંધ) લાગી જાય તો નવાઈ નહીં! બાકી, જો શાળામાંથી કોઈ ફરિયાદ ન આવે તો ઘરમાં રમવા જવા બાબતે કોઈ પ્રશ્ન જ નહોતો.

​આર્યને ઘડીભર વિચાર કર્યો, 'જો હું અત્યારે જ કામ પર લાગી જાઉં અને એક મિનિટ પણ બગાડ્યા વગર આયોજનપૂર્વક લખું, તો ચાર વાગ્યા પહેલાં બધું જ ગૃહકાર્ય પૂરું થઈ શકે છે. ચાર વાગ્યા પછી કોઈ જ પ્રકારનું ડિસ્ટર્બન્સ કે રમવામાં ખલેલ ન જોઈએ!'

​તેણે પોતાની એ સીવેલી રફનોટ અને લખોટીના દાવથી જીતેલી નવી નટરાજ પેન્સિલ કાઢી. ટેબલ પર ગોઠવાઈને તેણે એક ચોક્કસ સમયપત્રક બનાવ્યું—પહેલો એક કલાક ગણિત માટે, પછીની ૪૫ મિનિટ વિજ્ઞાન માટે અને છેલ્લો સમય ગુજરાતી માટે ફાળવ્યો. તે પૂરી એકાગ્રતાથી લખવા લાગ્યો. ઘરની બહાર વાહનોની અવરજવર અને લોકોની ચહલપહલના આછા અવાજો આવી રહ્યા હતા, પણ આર્યનનું ધ્યાન માત્ર પોતાની નોટબુકમાં જ કેન્દ્રિત હતું. તેની પેન્સિલ કાગળ પર ઝડપથી સરકતી હતી અને તેના મગજમાં બસ ચાર વાગ્યાનો ટકોરો ગુંજતો હતો.

​જેમ-તેમ કરીને ઘડિયાળમાં સાડા ત્રણ અને પછી પોણા ચાર થયા. આર્યને છેલ્લો પ્રશ્ન પૂરો કરીને પેન નીચે મૂકી. તેણે એક ઊંડો શ્વાસ લીધો. તેનું આયોજન સો ટકા સફળ રહ્યું હતું. બધું જ ગૃહકાર્ય સુવ્યવસ્થિત અને સુતરૂં પાર પડ્યું હતું. બરાબર ચાર વાગ્યાનો કાંટો થયો અને આર્યને ફટાફટ પોતાની તમામ નોટબુક અને ચોપડીઓ થેલામાં ભરીને યથા યોગ્ય સ્થાને, કબાટમાં વ્યવસ્થિત ગોઠવી દીધી.

​પોતાના વાળ સરખા કરીને આર્યન જેવો રૂમની બહાર નીકળીને ઘરના મુખ્ય દરવાજા તરફ જવા લાગ્યો, ત્યાં જ પાછળથી મમ્મીનો પરિચિત અવાજ સંભળાયો, "બેટા આર્યન! ક્યાં ભાગ્યો? ઊભો રહે, ચા બની ગઈ છે, જરા પીતો જા."

​આર્યને દરવાજાના હેન્ડલ પરથી હાથ હટાવ્યા વગર જ પાછળ જોયું અને અધીરાઈથી કહ્યું, "ના મમ્મી, મારે ચા નથી પીવી. ચાર વાગી ગયા છે, બધા મેદાન પર મારી રાહ જોતા હશે. હું જાઉં છું!"

​મમ્મી રસોડામાંથી ચાની કીટલી અને કપ લઈને બહાર આવી. તેણે આર્યનની ઉતાવળ જોઈને ગંભીર અવાજે કહ્યું, "એવું ના હોય ભાઈ! તારું નામ લઈને જ ચા બનાવી છે, તો હવે પીતો જા. તું અત્યારે નહીં પીવે તો આ ચા ઠરી જશે અને હું પછી ફરીથી ગરમ કરવા કે નવી બનાવવા નહીં બેસું, હોં!"

​"પણ મમ્મી, મોડું થાય છે..." આર્યને કરગરતા અવાજે કહ્યું.

​"મને ખબર છે તને રમવા જવાની કેટલી ઉતાવળ છે," મમ્મીએ કપ ટેબલ પર મૂકતાં હસીને કહ્યું, "પણ પાંચ-દસ મિનિટમાં કંઈ ખાટું-મોળું નહીં થઈ જાય. શાંતિથી બેસ અને આ ચા પૂરી કર."

​નાછૂટકે આર્યને પગ પછાડતાં પાછા વળવું પડ્યું. તે પલંગ પર બેઠો પણ તેનું મન તો નીચે સોસાયટીના મેદાનમાં દોડતું હતું. મમ્મીએ આપેલો ચાનો કપ એકદમ ગરમ હતો, તેમાંથી વરાળ નીકળી રહી હતી. ચાર વાગીને પાંચ મિનિટ થઈ ગઈ હતી. આર્યનને લાગ્યું કે જો તે શાંતિથી ચા પીવા બેસશે તો પાંચ વાગી જશે. એટલે તેણે કપ હાથમાં લીધો અને ચારે બાજુથી ફટાફટ જોરજોરથી ફૂંકો મારવા લાગ્યો—શૂઉૂ... શૂઉૂ...

​તે કપના કિનારેથી નાની નાની ઘૂંટ ભરીને ચાને જલ્દી ઠારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેની આંખો ઘડિયાળના સેકન્ડ કાંટા પર હતી અને હોઠ ચા ફૂંકવામાં વ્યસ્ત હતા. આર્યનની આ હડબડાટ, અધીરાઈ અને રમવા જવા માટેની બાળસહજ વ્યાકુળતા જોઈને રસોડાના દરવાજે ઉભેલી મમ્મી પોતાનું હસવું રોકી ન શકી.

​"ધીમો પડ ભાઈ! જીભ બળી જશે તો સાંજે કંઈ ખવાશે પણ નહીં," મમ્મીએ હસતાં હસતાં ટોક્યો.

​પણ આર્યન ક્યાં સાંભળે તેમ હતો? જેવી ચા થોડી નવશેકી થઈ કે તેણે કપ મોઢે માંડ્યો અને એક જ શ્વાસે આખો કપ 'ગટગટાવી' ગયો.

​"લે મમ્મી, પી લીધી ચા!" આર્યને ખાલી કપ રસોડાના પ્લેટફોર્મ પર ધડાક દઈને મૂક્યો અને વળતી જ સેકન્ડે ઘરની બહાર ભાગ્યો. પાછળથી મમ્મી બૂમ પાડતી રહી, "સાંજે વહેલો ઘરે આવજે..." પણ આર્યન તો દાદરના બે-બે પગથિયાં એકસાથે કૂદીને નીચે ઉતરી ચૂક્યો હતો.

​જ્યારે આર્યન દોડતો, હાંફતો સોસાયટીના કમ્પાઉન્ડમાં એટલે કે કોમન પ્લોટમાં પહોંચ્યો, ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને તે સ્તબ્ધ થઈ ગયો. આખું મેદાન એકદમ સૂમસામ હતું. ત્યાં કોઈ જ હાજર નહોતું. ન તો નિખિલ, ન બિશન, ન જુગલ. હવામાં માત્ર શાંતિ ઉડી રહી હતી.

​આર્યન વચોવચ ઉભો રહીને ચારેય તરફ જોવા લાગ્યો. તેના મનમાં વિચારોનું વાવાઝોડું શરૂ થયું: 'ક્યાં ગયા બધા? ચાર વાગ્યાનો પાકો સમય નક્કી કર્યો હતો, તો અત્યાર સુધી કોઈ કેમ ન આવ્યું? શું એ લોકો મારી રાહ જોઈને જતા રહ્યા હશે? પણ હું તો માંડ પાંચ-દસ મિનિટ જ લેટ પડ્યો છું. શું મને મૂકીને એ લોકો એકલા જ ક્યાંક દૂર રમવા જતા રહ્યા હશે? કે પછી કોઈ હજુ ઘરની બહાર જ નથી નીકળ્યું?'

​તેણે વિચાર્યું કે આમ મેદાનમાં ઉભા રહીને સમય બગાડવા કરતાં લાવ ને, હું જાતે જ બધાના ઘરે જઈને ચેક કરી આવું.

​તેણે સૌથી પહેલા જુગલના ઘરે જવાનું નક્કી કર્યું. જુગલનું ઘર સોસાયટીમાં સાવ છેવાડે, એક ખૂણામાં આવેલું હતું. આમ તો તેને 'ઘર' ન કહી શકાય. સોસાયટીના એ ખાલી પ્લોટ પર જમીનના માલિકની દયા અને કુણાવર્તનને કારણે જુગલના પરિવારને ત્યાં રહેવાની અનુમતિ મળી હતી. તેમણે ત્યાં ઈંટો અને પતરાં નાખીને એક નાનકડું પાકું ઝુંપડું જેવું મકાન બનાવ્યું હતું, જેમાં તેમનો ગરીબ પરિવાર આશરો લેતો હતો.

​આર્યન દોડતો જુગલના ઝુંપડા પાસે પહોંચ્યો. દરવાજો અડધો ખુલ્લો હતો. આર્યને બહાર ઉભા રહીને જ મોટેથી બૂમ પાડી, "અરે ઓ જુગલ! ક્યાં ગયો? રમવા નથી આવવું? ચાર વાગ્યાનો સમય નક્કી કર્યો હતો ને! હું મેદાન પર જઈ આવ્યો, ત્યાં કોઈ નથી આવ્યું. ચલ જલ્દી બહાર નીકળ!"

​આર્યનનો અવાજ સાંભળીને જુગલ અંદરથી દોડતો દરવાજા પાસે આવ્યો. તેના ચહેરા પર ગભરાટ હતો. તેણે બહાર આવીને પહેલાં અંદર ઘર તરફ નજર કરી અને પછી આર્યન સામે જોઈને અચાનક જોરજોરથી બોલવા લાગ્યો, "અરે આર્યન, તું જા ભાઈ! મારે હજુ ઘણું બધું ગૃહકાર્ય કરવાનું બાકી છે. શાળામાંથી એટલું બધું લેસન આપ્યું છે કે આજે તો મારાથી બિલકુલ રમવા અવાય તેમ જ નથી. તું જા, હું આજે રમવા નથી આવવાનો!"

​આર્યન તો જુગલ સામે આશ્ચર્યથી જોતો જ રહી ગયો. તે વિચારવા લાગ્યો કે જે જુગલ શાળામાં પી.ટી. ના પીરિયડમાં કસરત ચોરતો હતો અને રમવા માટે કાયમ આતુર રહેતો હતો, તે આજે ભણવા વિશે આટલી મોટી-મોટી વાતો કેમ કરે છે?

​પણ આર્યન કંઈ બોલે તે પહેલાં જુગલે બોલવાની સાથે જ પોતાની આંખો પટપટાવી અને આર્યનને અંદર ન આવવાનો ઇશારો કર્યો. તેણે મોં મચકોડીને સાયલન્ટ હાવભાવ કર્યા, જાણે તે કહી રહ્યો હોય કે 'અત્યારે તું અહીંથી ભાગ!'

​બીજી જ ક્ષણે અંદરથી જુગલના પપ્પાનો ભારે અને કડક અવાજ સંભળાયો, "શાબાશ જુગલ! આજે ખબર પડી કે તને ભણવાની ચિંતા છે. હોમવર્ક પૂરું કર્યા વગર બહાર પગ મૂક્યો છે તો તંગડી ભાંગી નાખીશ!"

​જુગલની આ બેતર્ફી વાત—એક બાજુ મોઢેથી રમવાની ના પાડવી અને બીજી બાજુ આંખથી ઈશારો કરવો—સાંભળીને આર્યન પહેલાં તો મૂંઝવણમાં પડ્યો. પણ જેવો તેના પપ્પાનો અવાજ આવ્યો કે આર્યનને આખી 'કારીગરી' સમજાઈ ગઈ. આર્યન મનોમન હસવા લાગ્યો.

​વાત એમ હતી કે જુગલના પપ્પા હજુ કામ પર ગયા નહોતા. ફેક્ટરીમાં બપોરે જમ્યા પછી બે કલાકની રિસેસ જેવો સમય મળતો, જેમાં તેઓ ઘરે આવીને જમીને થોડો આરામ કરતા અને પછી ચાર વાગ્યે પાછા કામ પર નીકળતા. આજે નીકળતા મોડું થયું હોઈ તેઓ ઘરે જ હતા, એટલે જુગલ તેમના ડરના કારણે મોટેથી ભણવાનો ઢોંગ કરી રહ્યો હતો જેથી પપ્પા ખુશ થાય, પણ આંખના ઈશારે આર્યનને કહી રહ્યો હતો કે—'પપ્પા હમણાં પાંચ મિનિટમાં કામ પર જશે, એટલે હું પાછળથી મેદાન પર આવું છું!'

​આર્યન જુગલની આ ચબરાકી પર મનમાં મલકાતો મલકાતો ત્યાંથી આગળ વધ્યો.

​હવે આર્યનનો બીજો પડાવ હતો બિશનનું ઘર. બિશનનો પરિવાર આ સોસાયટીમાં રહેતો હતો ખરો, પણ તેમનું પોતાનું કોઈ મકાન નહોતું. તેઓ વર્ષોથી અહીં ભાડે રહેતા હતા. સોસાયટીની એક ઈમારતમાં બીજા માળે આવેલું એક રૂમ અને રસોડાનું નાનકડું મકાન એ જ બિશનની આખી દુનિયા હતી. તેના પરિવારમાં મુખ્ય ચાર સભ્યો હતા—બિશન પોતે, તેના માતા-પિતા અને એક નાની બહેન.

​તેના ઘરે જવા માટે નીચે ઘરના કમ્પાઉન્ડમાંથી અંદર એન્ટર થઈને, બહારની તરફ બનેલી સિમેન્ટની સાંકડી સીડીઓ ચડીને ઉપર જવું પડતું હતું. આર્યન કમ્પાઉન્ડમાં પહોંચ્યો. તેણે ઉપર સીડીઓ ચડવાનો આળસ થઇ અને વિચાર્યું કે નીચેથી જ બૂમ પાડીને બોલાવી લઉં.

​તેણે ગળું ફાડીને જોરથી બૂમ મારી, "અરે ઓ ભાઈ બિશનિયાાા! ક્યાં રહી ગયો? રમવા નથી આવવું? ચાર વાગી ગયા અને એના ઉપર પંદર મિનિટ થઈ ગઈ છે! જો મોડો આવીશ તો વધારે સમય રમવા નહીં મળે, અત્યારે શિયાળા જેવા દિવસો છે એટલે જલ્દી અંધારું થઈ જશે!"

​આર્યનનો મોટો અવાજ આખી ગલીમાં ગુંજ્યો. સીડીના ઉપરના દરવાજેથી બિશનનો ચહેરો બહાર દેખાયો. તેના મોઢામાં હજુ કંઈક ચવાઈ રહ્યું હતું.

​બિશને ઉપરથી જ હાથ હલાવીને બૂમ પાડી, "એ આવ્યો આર્યન! બસ પાંચ જ મિનિટ, હું મસ્ત નાસ્તો કરું છું. નાસ્તો પતાવીને તરત નીચે આવું છું!"

​આર્યને નીચેથી જવાબ આપ્યો, "સારું, જલ્દી મરજે પાછો!"

​બિશન અંદર ગયો એટલે આર્યને મનમાં જ હસીને કીધું, 'સાલો અસલી ભૂખડ છે! ગમે તે થાય, આને ખાધા વગર બિલકુલ ચાલે તેમ નથી. શાળામાં પણ રિસેસ પડે એટલે સીધો ડબ્બા પર તૂટી પડે અને અત્યારે રમવાનો સમય થયો તોય પેટ પૂજા ચાલુ છે!' આર્યન એકલો એકલો હસતો હસતો નિખિલના ઘર તરફ વળ્યો.

​નિખિલનું ઘર આમ તો બાજુની સોસાયટીમાં હતું, પણ તેના ઘરની પાછળની દીવાલ આર્યનની સોસાયટીના કમ્પાઉન્ડ સાથે બરાબર જોડાયેલી હતી. વળી, ત્યાંની કમ્પાઉન્ડ વોલ (દીવાલ) ઘણી નીચી હતી, એટલે સોસાયટીના છોકરાઓ માટે એ કોઈ મોટી દીવાલ નહોતી. આર્યને લાંબો રસ્તો પકડવાને બદલે એક જ ઠેકડો મારીને એ નીચી દીવાલ કૂદી લીધી અને સીધો નિખિલના ઘરના પાછળના વરંડામાં ઉતરી ગયો.

​વરંડામાંથી તે ઘરની આગળ તરફ ચાલવા લાગ્યો. વચ્ચે નિખિલના ઘરનું મોટું અને આધુનિક કિચન (રસોડું) આવતું હતું, જેનો એક નાનો દરવાજો બહાર કમ્પાઉન્ડમાં ખુલતો હતો. આર્યન જેવો ત્યાંથી પસાર થયો કે કિચનમાં કામ કરી રહેલા નિખિલના મમ્મીની નજર તેના પર પડી.

​તેમણે હસીને પ્રેમથી આવકાર આપ્યો, "આવ આર્યન બેટા! કેમ આજે પાછળથી આ બાજુ આવ્યો?"

​આર્યને થોડા અદબથી તેમનો જવાબ આપવાને બદલે સામે પૂછ્યું, "નમસ્તે માસી! મારો દોસ્તાર નિખિલ ક્યાં છે? મેદાન પર હજું સુધી રમવા નથી આવ્યો."

​નિખિલની મમ્મીએ એક ઊંડો નિસાસો નાખ્યો અને વેલણ એકબાજુ મૂકતાં કહ્યું, "અરે બેટા, એની વાત જ ના કર! એ તો બપોરે સ્કૂલેથી આવીને જમ્યો અને એવો સુતો છે કે ક્યારનોય જાગવાનું નામ જ નથી લેતો. હું ક્યારનીય એને ઉઠાડવાની કોશિશ કરું છું, પણ સાહેબ આંખ જ નથી ખોલતા. તું જ અંદર જા, અને એને જેમ-તેમ કરીને જગાડ, તારું કામ સો ટકા થઈ જશે!"

​"હા માસી, કેમ ના થાય? આજે એને જગાડવો જ પડશે," આર્યને મક્કમતાથી કહ્યું, "અમે સાંજે ચાર વાગ્યે રમવાનો સમય નક્કી કર્યો હતો અને આ સાહેબ અહીં સુતા છે! હું હમણાં જ એને લાઈન પર લાવું છું."

​આર્યન દબાયેલા પગલે નિખિલના એસી વાળા રૂમમાં પ્રવેશ્યો. રૂમમાં હજુ અંધારું હતું અને નિખિલ મસ્ત મજાની નરમ પથારીમાં ચાદર ઓઢીને ઘોંટી રહ્યો હતો. આર્યન તેની બેડ પાસે ગયો. તેણે કોઈ પણ દયા વગર પોતાના હાથની એક 'હળવી પણ સચોટ ટપલી' નિખિલના માથા પાછળ મારી.

​ટપલી વાગતાં જ નિખિલ ઊંઘમાંથી ચમકીને, ઝબકીને જાગી ગયો. તે આંખો ચોળતો બેઠો થયો તો સામે આર્યનને ઉભેલો જોયો. આર્યનના ચહેરા પર એક લુચ્ચું સ્મિત હતું. નિખિલ તરત જ સમજી ગયો કે તેની ઊંઘ બગાડનાર મુખ્ય સૂત્રધાર આ જ વ્યક્તિ છે.

​નિખિલે ગુસ્સામાં અને આળસ મરડતા ચાદર ખેંચી, "અરે યાર આર્યન! સુવા દે ને કેમ હેરાન કરે છે?"

​"શું સુવા દે?" આર્યને તેનો હાથ પકડીને બેઠો કરતાં ચીડાઈને કહ્યું, "અલ્યા, ચાર વાગ્યે મેદાન પર મળવાનું નક્કી કર્યું હતું અને અત્યારે સાડા ચાર થવા આવ્યા! તમે લોકો સમયના કોઈ પાક્કા છો જ નહીં. તમને લોકોને સમયની કોઈ કિંમત જ નથી! હું એકલો પાગલની જેમ મેદાન પર આવીને ઉભો હતો. મને એમ કે હું ચા પીવામાં લેટ પડ્યો એટલે હું દોડતો આવ્યો, પણ તમારામાંથી કોઈ સાલો હાજર જ નહોતો!"

​નિખિલે આંખો ચોળતાં જવાબ આપ્યો, "હા તો ભાઈ, આખા અઠવાડિયામાં માંડ આ એક જ શનિવાર અને રવિવાર ની બપોર એવી મળે છે જ્યારે શાંતિથી ઊંઘી શકાય. બાકીના દિવસોમાં શાળા, પછી સાંજે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસીસ, પાછું આવીને હોમવર્કની દોડધામ... થાકી જવાય છે યાર!"

​"અલ્યા ડોબા!" આર્યને નિખિલના ખભે ધક્કો મારતાં કહ્યું, "શાળામાં અડધા દિવસની રજા ઊંઘવા માટે થોડી મળે છે? એ તો રમવા માટે મળે છે! એકવાર રમવાનો આ કિંમતી સમય જતો રહેશે પછી શું રાત્રે રમીશ? ઊંઘવું હોય તો રાત્રે વહેલા સુઈ જજે, પણ અત્યારે ચલ રમવા!"

​"હા ભાઈ હા, તૈયાર થાઉં છું, તું બહાર વરંડામાં બેસ," નિખિલે આળસ ખંખેરતાં કહ્યું.

​"ના ભાઈ ના, હું બહાર નથી જવાનો," આર્યન ત્યાં જ ખુરશી પર ગોઠવાઈ ગયો, "તું તૈયાર થવામાં ભારે આળસુ છે. જો હું બહાર જઈશ તો તું પાછો ચાદર ઓઢીને સુઈ જઈશ અને આમ ને આમ પાંચ વગાડી દઈશ. હું તને મારી સામે જ તૈયાર કરીને જોડે લઈને જ નીકળીશ!"

​આર્યને નિખિલને ધક્કો મારીને બાથરૂમ તરફ મોકલ્યો. નિખિલ તૈયાર થવા ગયો ત્યાં સુધી આર્યન રૂમમાં બેઠો બેઠો મનમાં જ સપના જોવા લાગ્યો—આજે પોતે પેલી નવી પેન્સિલથી જે સ્ટ્રેટેજી વિચારી છે એ મુજબ ક્રિકેટમાં કેટલી સિક્સરો મારશે, કોની બોલિંગમાં કેટલી વિકેટો લેશે... તે રમતની કલ્પનાઓમાં ખોવાઈ ગયો.

​દસ મિનિટ પછી નિખિલ તૈયાર થઈને બહાર આવ્યો. રૂમની બહાર નીકળીને તેઓ રસોડા તરફ ગયા. નિખિલે ફ્રીજ ખોલ્યું અને તેમાંથી ઠંડા પાણીની બોટલ કાઢીને ગટગટાવી ગયો. હજુ તેનું પેટ ભરાયું ન હોય તેમ, તેણે ફ્રીજમાંથી 'થમ્સ અપ' (Thums Up) ની મોટી કાચની બોટલ કાઢી. તેણે એક કાચના પ્યાલામાં કાળી ફીણવાળી કોલ્ડ્રિંક ભરી.

​પછી આર્યન તરફ ફરીને પૂછ્યું, "લે આર્યન, તું પીઈશ થોડી?"

​આર્યને ના પાડી, "ના ભાઈ, હું હમણાં જ ઘરેથી ગરમ ગરમ ચા એક શ્વાસે ગટગટાવીને આવ્યો છું. અત્યારે આ ઠંડું નહીં પીવું."

​નિખિલે બોટલ પાછી ફ્રીજમાં મૂકી અને પ્યાલો હાથમાં લઈને આરામથી સોફા પર બેસી ગયો. તે કોલ્ડ્રિંકની એક-એક 'શીપ' (ઘૂંટડો) ખૂબ જ ધીમે ધીમે અને માણીને પીવા લાગ્યો.

​આ જોઈને આર્યનનો પિત્તો ગયો. તેને ભારે ચીડ ચડી. તે ઘડિયાળ તરફ જોઈને બોલ્યો, "અલ્યા ઓ ધીમા નંગ! કેટલું ધીમે પીવે છે? જરા ઝડપ રાખ ને ભાઈ! ત્યાં મેદાન પર પેલો બિશનિયો અને જુગલ આપણી રાહ જોતા હશે. મોડું થાય છે, જલ્દી કર!"

​આર્યનનો ગુસ્સો જોઈને નિખિલે પ્યાલો ફટાફટ ખાલી કર્યો. પણ તેની મધ્યમવર્ગીય અને અમીર ઘરની આદતો મુજબ, તેણે ખાલી પ્યાલો ધોવાને બદલે એમ ને એમ રસોડાના પ્લેટફોર્મ પર મૂકી દીધો અને ઘરની બહાર નીકળ્યો. આર્યન પણ સંતોષનો શ્વાસ લઈને તેની પાછળ બહાર નીકળ્યો.

​બંને મિત્રો જ્યારે સોસાયટીના મેદાન પર પહોંચ્યા, ત્યારે જુગલ અને બિશન પણ ત્યાં આવી પહોંચ્યા હતા. જુગલના પપ્પા કામ પર નીકળી ગયા હોવાથી તે હવે મુક્ત હતો, અને બિશન પણ પોતાનો નાસ્તો પતાવીને આવી ગયો હતો. ચારેય મિત્રો ભેગા થતાં જ મેદાન પર ઉત્સાહનો માહોલ બની ગયો.

​પણ જેવો રમત શરૂ કરવાનો સમય આવ્યો, નિખિલે અચાનક પોતાના કપાળ પર હાથ માર્યો, "અરે યાર! ભારે થઈ..."

​"શું થયું?" બિશને પૂછ્યું.

​"હું ઉતાવળમાં ઘરની બહાર તો નીકળી ગયો, પણ મારું નવું બેટ રૂમમાં જ ભૂલી આવ્યો!" નિખિલે શરમજનક હસતાં કહ્યું.

​"સાલા ઊંઘણશી!" આર્યને માથું પકડ્યું, "જા, દોડ ફટાફટ અને બેટ લઈને આવ."

નિખિલ ઝડપથી પાછો પોતાના ઘર તરફ દોડ્યો અને બરાબર દસ મિનિટમાં લાકડાનું ચળકતું નવું બેટ લઈને પાછો આવ્યો.

​હવે ક્રિકેટ રમવા માટે ચારેય ખેલાડીઓ હાજર હતા, અને રમવા માટેનું મુખ્ય સાધન એટલે કે બેટ પણ હાજર હતું. પણ હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો કે—બોલ ક્યાં છે? બોલ વગર ક્રિકેટ કેવી રીતે રમાય?

​આર્યને ચારેયને નજીક બોલાવ્યા અને ગંભીર અવાજે મીટિંગ શરૂ કરી, "ચાલો ભાઈઓ, બેટ તો આવી ગયું. હવે બોલ માટે આપણે સવારે શાળાના દરવાજે નક્કી કર્યું હતું ને કે કોઈ એક વ્યક્તિ બોલ નહીં લાવે, પણ આપણે બધા બે-બે રૂપિયા કાઢીશું. આઠ રૂપિયાનો નવો ટેનિસ બોલ દુકાનેથી ખરીદીશું. લાવ બિશન, તારા બે રૂપિયા કાઢ."

​બિશને ગર્વથી પોતાના ખિસ્સામાંથી બે રૂપિયાનો સિક્કો કાઢીને આર્યનના હાથમાં મૂક્યો, "આ રહ્યા મારા બે રૂપિયા."

​નિખિલે પોતાના ખિસ્સા તપાસ્યા અને તેનાથી એક રૂપિયો વધારે નીકળ્યો, "લે આર્યન, મારી પાસે ત્રણ રૂપિયા છે, આ રાખ."

​હવે વારો હતો જુગલનો. બધાની નજર જુગલના ચહેરા પર કેન્દ્રિત થઈ ગઈ. જુગલ ઊભો હતો, તેના બંને હાથ પાછળ હતા અને તે ગભરાયેલી નજરે જમીન તરફ જોઈ રહ્યો હતો. તેનો ચહેરો ફફડી રહ્યો હતો.

​"જુગલ, તારા બે રૂપિયા કાઢ એટલે આપણે દુકાને જઈએ," આર્યને કહ્યું.

​જુગલે ધ્રુજતા અવાજે અને ફફડતા ફફડતા કહ્યું, "મિત્રો... હું પૈસા લાવી શક્યો નથી. મારી પાસે પૈસા નથી. હું પપ્પા પાસે માંગવાની હિંમત જ ના કરી શક્યો. જો મેં એમની પાસે રમત માટે બે રૂપિયા માગ્યા હોત તો એ મને આજે ઘરની બહાર જ ના નીકળવા દેત. અને સાચું કહું તો હું રમવા પણ આવવાનો નહોતો, પણ પપ્પા હમણાં જ કામથી બહાર ગયા એટલે એટલા સમય પૂરતો જ હું ચોરીછૂપીથી અહીં આવ્યો છું. મારી પાસે એક પણ રૂપિયો નથી..."

​જુગલની આ લાચારી સાંભળીને બધાએ એક ઊંડો નિસાસો નાખ્યો. મેદાન પર એક ક્ષણ માટે શાંતિ પથરાઈ ગઈ.

​આર્યને પોતાના હાથમાં રહેલા સિક્કાઓની ગણતરી કરી અને હિસાબ માંડ્યો, "જો ભાઈઓ, આમ જોવા જઈએ તો નવો ટેનિસ બોલ ખરીદવા માટે કુલ ૮ રૂપિયાની જરૂર છે. નિખિલના ૩ રૂપિયા અને બિશનના ૨ રૂપિયા મળીને ૫ રૂપિયા થયા. અને જો ૨ રૂપિયા હું મારા ઉમેરું..."

​આર્યન અહીં બોલતાં બોલતાં અટકી ગયો. તેણે ગણતરી આગળ વધારી, "તો કુલ મળીને ૭ રૂપિયા થાય છે. હજુ પણ બોલ ખરીદવામાં બરાબર એક રૂપિયો ખૂટે છે! અને પેલા સોસાયટીના નાકે દુકાનવાળા કરસન કાકા આપણો  એક રૂપિયો પણ ઓછો લેવાના નથી, કે ન તો ઉછીનો બોલ આપવાના છે. એટલે નવો બોલ તો આવી શકે તેમ નથી. હવે ક્રિકેટ કેવી રીતે રમવું? બોલ ક્યાંથી લાવવો? કંઈક તો વિચારવું પડશે ને!"

​જ્યારે બધા મિત્રો ચિંતામાં ડૂબેલા હતા, ત્યારે આર્યનના મનમાં એક તદ્દન અલગ જ વાવાઝોડું ચાલી રહ્યું હતું. તે મનોમન એક ભારે સંઘર્ષ અનુભવી રહ્યો હતો.

​હકીકત એ હતી કે આર્યન પોતે પણ ઘરેથી કોઈ બે રૂપિયા લાવ્યો નહોતો! તેની પાસે પણ એક પણ રૂપિયો નહોતો. તેના ઘરની આર્થિક પરિસ્થિતિ એવી નહોતી કે તે મમ્મી પાસે જઈને રમત માટે બે રૂપિયા માંગી શકે. જેને પોતાની નોટબુકનાં બાકી વધેલા પાના ભેગા કરીને રફનોટ બનાવી ને એક નોટ નો બચાવ કરવાનો હોય, ત્યાં પોતાના મોજશોખ માટે પૈસા માંગવા એ આર્યનનો અંતરાત્મા સ્વીકારી શકે તેમ નહોતો. અને જો તેણે ભૂલથી પણ માંગ્યા હોત, તો કદાચ મમ્મી માંડ માંડ એક રૂપિયો આપત, તો પણ પરિસ્થિતિ તો અત્યારના જેવી જ રહેવાની હતી—રૂપિયા તો ખૂટવાના જ હતા.

​પણ મિત્રોની વચ્ચે પોતાનો વટ, પોતાની આબરૂ અને આગેવાની જાળવી રાખવા માટે આર્યને જૂઠું બોલવું પડ્યું હતું કે 'હું બે રૂપિયા લાવ્યો છું'. હવે તે મનમાં ને મનમાં વિચારતો હતો, 'સારું થયું મેં કહી દીધું કે હું બે રૂપિયા લાવ્યો છું! જો મેં ના પાડી હોત તો બધાને લાગત કે આર્યન પાસે પણ પૈસા નથી. વટ તો રહી ગયો, પણ હવે સાચો પ્રશ્ન એ છે કે બોલ ક્યાંથી આવશે? મારી પાસે પણ પૈસા નથી અને જુગલ પાસે પણ નથી. કુલ પાંચ જ રૂપિયા છે આપણી પાસે.'

​શનિવારની એ સોનેરી સાંજ ધીમે ધીમે સરકી રહી હતી. સૂર્ય નારાયણ પશ્ચિમ તરફ ઢળી રહ્યા હતા અને આકાશમાં હળવો કેસરી રંગ પથરાઈ રહ્યો હતો. ચારેય મિત્રો સોસાયટીના કોમન પ્લોટની ધૂળિયી જમીન પર ગોળ કુંડાળું વળીને બેસી ગયા. તેમની વચ્ચે નવું લાકડાનું બેટ પડ્યું હતું, પણ એ બેટ અત્યારે સાવ નકામું લાગતું હતું કારણ કે બોલ ગાયબ હતો.

​"હવે શું કરીશું આર્યન?" બિશને નિરાશાથી પૂછ્યું, "બોલ વગર તો ક્રિકેટ રમાય નહીં. સાત રૂપિયામાં તો કોઈ નવો બોલ આપશે નહીં."

​"કોઈની પાસે જૂનો બોલ પડ્યો છે ઘરે?" નિખિલે આશાભરી નજરે જોયું.

​જુગલે માથું ધુણાવ્યું, "ના ભાઈ, મારો છેલ્લો બોલ ગયા અઠવાડિયે જ પેલા ધાબા પર ગયો પછી ખોવાઈ ગયો."

​આર્યને ઘૂંટણ પર હાથ મૂક્યા અને ઊંડા વિચારમાં ઉતરી ગયો. તેની નજર સોસાયટીના બંધ મકાનો, ગટરની જાળીઓ અને આજુબાજુના ઝાડ-પાન પર ફરવા લાગી. તેનું મગજ એક સુપરહીરો જૂનિયર-જીની જેમ કોઈ જાદુઈ રસ્તો શોધવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. શનિવારની આ અડધી રજાનો આટલો સુંદર સમય તેઓ આમ જ બેસીને બગાડી શકે તેમ નહોતા. બોલ ક્યાંથી લાવવો, કોઈ જૂનો દડો શોધવો કે પછી કોઈ નવી યુક્તિ કરવી—તે બાબતે ચારેય મિત્રો ઊંડા અને ગંભીર વિચારમાં ડૂબી ગયા.


પ્રકરણ ૫ નો અંત. (ક્રમશ: )