Rags - Part 7 in Gujarati Motivational Stories by Mansi Desai Shastri books and stories PDF | ચીથરા - ભાગ 7

Featured Books
Categories
Share

ચીથરા - ભાગ 7

ભાગ - ૭: વિશ્વાસઘાતનો દસ્તાવેજ અને સત્તાનો સાપ
ઘડિયાળમાં રાતના સાડા નવના ટકોરા પડ્યા હતા. વિદેહિતા જ્યારે ફ્લેટના મુખ્ય દરવાજા પાસે પહોંચી ત્યારે બહાર પેસેજમાં અજીબ પ્રકારનો સન્નાટો હતો. સામાન્ય રીતે આ સમયે પાડોશીઓના ઘરમાંથી ટીવીના કે વાસણોના અવાજો આવતા હોય છે, પણ આજે બધું જ ગૂંગળાયેલું લાગતું હતું. તેણે હેન્ડલૂમ સિલ્ક સાડીનો છેડો જે સવારથી તેના ખભા પર અડગ હતો, તેને સહેજ સરખો કર્યો. દરવાજા પર કી-ચેઈન ફેરવતા જ તેનો અવાજ પણ કોઈ ધાતુના ઘસરકા જેવો તીક્ષ્ણ લાગ્યો.
તેણે દરવાજો ખોલ્યો અને પગ અંદર મૂક્યો. ડ્રોઈંગ રૂમની તમામ લાઈટો ચાલુ હતી—ઝગમગતી વ્હાઇટ એલઇડી રોશની જે આંખોને ખૂંચે તેવી હતી. સોફા પર માત્ર સુમિત એકલો નહોતો બેઠો. તેની ડાબી બાજુએ બ્લેક કોટ પહેરેલો એક આધેડ વયનો પુરુષ હતો, જેના હાથમાં કાનૂની ફાઇલોના થોથાં હતાં. અને સુમિતની બરાબર સામે, સત્તાના નશાથી છલોછલ ચહેરો લઈને બેઠો હતો વિવેક વર્મા—જે જયવર્ધન રાણાનો પર્સનલ સેક્રેટરી અને રાણાના તમામ કાળા કામોનો વહીવટદાર હતો.
રૂમમાં મોંઘી સિગારેટનો ધુમાડો હવામાં તરતો હતો. વિદેહિતાના પ્રવેશતા જ સુમિત ઉભો થઈ ગયો. તેના ચહેરા પર ગુસ્સા કરતાં વધુ એક પ્રકારની અપરાધભાવથી ખદબદતી આક્રમકતા હતી.
"આવી ગઈ, વિદેહિતા? અમે તારી જ રાહ જોતા હતા," સુમિતનો અવાજ ધ્રૂજતો હતો, પણ તે પોતાની જાતને મજબૂત દેખાડવાનો નાટક કરી રહ્યો હતો.
વિદેહિતાએ પર્સ ટેબલ પર મૂક્યું. તેણે વિવેક વર્મા તરફ જોયું, જે સોફા પર પગ પર પગ ચડાવીને બેઠો હતો અને તેના હોઠ પર એક હીન હાસ્ય હતું. વિદેહિતાએ સોફાની સામે ઉભા રહીને સીધો સવાલ કર્યો, "સુમિત, આ લોકો કોણ છે અને મારા ઘરમાં આ અજાણ્યા વરુઓ શું કરી રહ્યા છે?"
"વરુઓ?" વિવેક વર્મા ધીમેથી હસ્યો. તેનો અવાજ સાપના સરસરાટ જેવો ઝેરીલો હતો. "મેડમ, શબ્દો જરા સંભાળીને વાપરો. હું અહીં જયવર્ધન રાણા સાહેબનો પેગામ લઈને આવ્યો છું. અને આ ભાઈ સાહેબ, જે બ્લેક કોર્ટમાં છે, એ હાઈકોર્ટના જાણીતા ક્રિમિનલ લોયર મિસ્ટર પાઠક છે. અમે અહીં કોઈ ઝઘડો કરવા નથી આવ્યા, અમે તો બસ તમને કાયદાનો આરીસો બતાવવા આવ્યા છીએ."
"કાયદો?" વિદેહિતાએ કટાક્ષમાં કહ્યું. "જે કાયદો જયવર્ધન રાણાના પગરખાં નીચે કચડાય છે, એ કાયદાની વાત તમે મારી સામે કરો છો?"
"ચૂપ કર, વિદેહિતા!" સુમિતે રાડ પાડી. તે આગળ આવ્યો અને ટેબલ પર રહેલી એક ફાઇલ તેની સામે ફેંકી. "આ દસ્તાવેજો જો. આમાં વિક્રમ સેહગલની કંપનીમાંથી ડેટા ચોરી કરવાનો, બ્લેકમેલિંગ કરવાનો અને આઈટી એક્ટ હેઠળ કંપનીના સિક્રેટ્સ લીક કરવાનો ગુનો નોંધાયેલો છે. આ વકીલ સાહેબે બધી તૈયારી કરી લીધી છે. જો તું હજુ પણ હઠ પર અડી રહીશ, તો આવતીકાલની સવાર તારી પોલીસ સ્ટેશનમાં પડશે."
વિદેહિતાએ ટેબલ પર પડેલી ફાઇલ તરફ નજર પણ ન કરી. તેની નજર સુમિતની આંખોમાં ખૂંપી ગઈ. "તો તેં સોદો કરી લીધો, સુમિત? જે પુરુષ સાથે મેં સાત ફેરા ફર્યા હતા, જેણે અગ્નિની સાક્ષીએ મારી રક્ષા કરવાનું વચન આપ્યું હતું, તે આજે પચાસ કરોડના લોભમાં પોતાની પત્નીને જેલમાં મોકલવા તૈયાર થઈ ગયો? વાહ!"
"મારી પાસે બીજો કોઈ રસ્તો નથી!" સુમિતે રડમસ અવાજે ચીસ પાડી. "તેં મારા પચાસ કરોડ ડુબાડ્યા છે. રાણા સાહેબે મને વચન આપ્યું છે કે જો તું આ બધી પેનડ્રાઈવ અને ઓરિજિનલ પુરાવા વિવેકજીને સોંપી દે અને મીડિયામાં આપેલી વિગતો પાછી ખેંચી લે, તો મારું બધું જ ફંડ અનફ્રીઝ થઈ જશે. મને મારું આખું સામ્રાજ્ય પાછું મળશે. તારા અહંકાર માટે હું રસ્તા પર ન આવી શકું."
વિવેક વર્મા સોફા પરથી ઊભો થયો અને વિદેહિતાની નજીક આવ્યો. તેના શરીરમાંથી મોંઘા અત્તર અને સત્તાની ગંદી વાસ આવતી હતી. "મેડમ, સ્ત્રી હોવાની મર્યાદા સમજો. ગઈકાલે રાત્રે વિક્રમે જે કર્યું એ એની અંગત ભૂલ હોઈ શકે, પણ સાહેબના ૨૦૦ કરોડના પ્રોજેક્ટ્સને નુકસાન પહોંચાડવાની તાકાત તમારામાં નથી. આ કાગળો પર સહી કરો, પુરાવા અમને સોંપો અને ચૂપચાપ ઘરમાં બેસો. સ્ત્રીના સન્માનના 'ચીથરા' તો ક્યારેક સંધાઈ પણ જાય, પણ જો જયવર્ધન રાણા ધારે ને... તો આખા અસ્તિત્વના એવા ચીથરા ઉડશે કે શોધવા છતાંય કોઈ સગડ નહીં મળે."
રૂમમાં એક ભયાનક સન્નાટો છવાઈ ગયો. સુમિત આશાભરી નજરે વિદેહિતા સામે જોઈ રહ્યો હતો કે કદાચ પોલીસ અને રાણાના નામથી તે ડરી જશે અને સહી કરી દેશે. પણ વિદેહિતા ડરવા માટે આ રસ્તા પર નહોતી આવી. તેની આંખો લાલચોળ થઈ ગઈ, પણ એ આંસુઓની લાલચોળ નહોતી, એ તો બદલાની જ્વાળા હતી જે હવે આખા શહેરને ગળી જવા તૈયાર હતી.
તે ધીમેથી હસી. એ હાસ્ય એટલું ગંભીર અને બિહામણું હતું કે વકીલ પાઠક પણ અસ્વસ્થ થઈને પોતાની ખુરશીમાં સરખો બેઠો.
"વિવેક વર્મા," વિદેહિતાનો અવાજ હિમ જેવો ઠંડો અને પથ્થર જેવો અડગ હતો. "તમે તમારા સાહેબને જઈને કહેજો કે વિદેહિતા એ સ્ત્રી નથી જે પુરુષોના ડરથી પોતાના પાલવમાં મોઢું છુપાવી લે. તમે જે કાગળો લઈને આવ્યા છો ને, એ માત્ર કચરાના ટુકડા છે. તમે માનો છો કે અર્ણવ પાસે જે પેનડ્રાઈવ છે એ જ એકમાત્ર પુરાવો છે? ના... મારી પાસે જયવર્ધન રાણાના એવા 'બેનામી' કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સના અસલી દસ્તાવેજો છે જે તેમણે વિધવાઓની જમીનો હડપીને બનાવ્યા છે."
વિવેક વર્માના ચહેરા પરથી લુચ્ચું હાસ્ય ગાયબ થઈ ગયું.
વિદેહિતા હવે સુમિત તરફ ફરી. "અને સુમિત... તેં આજે આ કાગળો પર નહીં, પણ આપણા સંબંધોના ડેથ સર્ટિફિકેટ પર સહી કરી દીધી છે. તેં જે પચાસ કરોડ માટે મને વેચવાનો પ્રયત્ન કર્યો છે ને, એ પચાસ કરોડ તો શું, હવે તને આ અમદાવાદમાં કોઈ પટાવાળાની નોકરી પણ નહીં આપે. મેં સાંજે જ તારી બેંકના હાયર ઓથોરિટીઝને તારા અને વિક્રમના શેલ કંપનીઓના ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશોટ્સ મોકલી દીધા છે. કાલે સવારે ઈડી (ED) ની ટીમ માત્ર વિક્રમની ઓફિસે નહીં, પણ આ ઘરમાં પણ આવશે."
"શું?" સુમિતના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે સોફા પર ઢળી પડ્યો.
"આ ગંદી રમત તમે લોકોએ શરૂ કરી હતી," વિદેહિતાએ દરવાજો ખોલ્યો અને બહાર ઉભેલા રાણાના ગુંડાઓ તરફ ઈશારો કરતા વિવેક વર્માને કહ્યું, "હવે આ રમત પૂરી હું કરીશ. મારી ઓફિસના અને મારા સન્માનના ચીથરા ઉડાડવાનો બદલો હવે આખા અમદાવાદના પાવર કોરિડોરમાં ગુંજશે. ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ!"
વિવેક વર્માએ ગુસ્સામાં દાંત કચકચાવ્યા. તેણે ફાઇલ ઉપાડી અને વિદેહિતા તરફ આંગળી ચીંધીને કહ્યું, "તેં સિંહના મોઢામાં હાથ નાખ્યો છે, વિદેહિતા. આની કિંમત બહુ ભયાનક હશે."
"હું કિંમત ચૂકવવા તૈયાર છું, વર્માજી. પણ જોજો, તમારા સાહેબનું આખું સામ્રાજ્ય લિલામ ન થઈ જાય," વિદેહિતાએ ગર્વથી કહ્યું.
વિવેક વર્મા અને વકીલ ત્યાંથી ઝડપથી નીકળી ગયા. સુમિત ડ્રોઈંગ રૂમના ફ્લોર પર માથું પકડીને બેસી રહ્યો. વિદેહિતાએ દરવાજો બંધ કર્યો. લાઈટોની એ તીક્ષ્ણ રોશનીમાં તે હવે સાવ એકલી હતી, પણ તેના ચહેરા પર જીતનો એ 'ગ્રે શેડ' સ્પષ્ટ દેખાતો હતો. તેણે પોતાનો નવો ફોન કાઢ્યો અને અર્ણવને મેસેજ કર્યો: 'બીજો મોહરો પણ તૂટી ગયો છે. હવે સીધો વારો રાણાનો છે.'
રાતના અંધકારમાં, અમદાવાદની ગગનચુંબી ઇમારતોની પાછળ, એક ભયાનક તોફાન આકાર લઈ રહ્યું હતું, જેની કેન્દ્રબિંદુ વિદેહિતા હતી.