love માં લોચો in Gujarati Love Stories by Rupen Patel books and stories PDF | લવમાં લોચો

Featured Books
  • ક્રિસ્ટોફર કોલમ્બસ

    ઇતિહાસના પાનાઓમાં જેને આપણે 'મહાન સાગરખેડુ' તરીકે ઓળ...

  • જયપુર

    *જયપુર* રાજસ્થાનની રાજધાની જયપુરની ઓળખાણ એવો હવામહલ પહેલાં જ...

  • તારા વિનાના શહેરમાં

    સાંજ નમવા આવી હતી અને સાબરમતી રિવરફ્રન્ટ પર ઠંડો પવન ફૂંકાઈ...

  • બ્રહ્માંડ ભ્રમ

                  પ્રકરણ ૧: શાંત સવારનું તોફાનઆકાશ હજી પૂરેપૂરું...

  • લવમાં લોચો

    અમદાવાદની ભાગોળે આવેલા એ ફાર્મહાઉસમાં શનિવારની રાત ફૂલ ઓન હા...

Categories
Share

લવમાં લોચો

અમદાવાદની ભાગોળે આવેલા એ ફાર્મહાઉસમાં શનિવારની રાત ફૂલ ઓન હાઈ એનર્જીમાં હતી. સ્પીકર્સમાંથી જોરદાર લો-ફાઈ મ્યુઝિક વાગી રહ્યું હતું, બાર્બેક્યુની સુગંધ હવામાં ભળેલી હતી અને ટેબલ પર ખાલી બોટલોનો ઢગલો હતો. પાંચ-છ મિત્રો ગોળ કુંડાળું વળીને બેઠા હતા. બંટી પહેલેથી જ પૂરેપૂરો ટલ્લી થઈ ગયો હતો. એ અચાનક ગ્લાસ હવામાં ઊંચો કરીને બોલ્યો, "આજનો જામ... એ બધી ક્રશના નામ... જેમણે આપણને ભાવ ના આપ્યો પણ શાયર બનાવી દીધા!"

​જયે તરત જ ટાપસી પુરાવી, "અને જેમણે આપણા ખિસ્સા ખાલી કરાવ્યા!" હાર્દિકે ઉમેર્યું, "અને છેલ્લે ઇન્સ્ટા પર બ્લોક પણ કર્યા!"

​બધા જોરથી હસી પડ્યા. પણ આ બધાની વચ્ચે ખૂણામાં બેઠેલા કબીર ના ચહેરા પર એક રહસ્યમય સ્મિત હતું. તેની આંખો ક્યાંક દૂર, જૂની મેમરીઝમાં ખોવાયેલી હતી. 

બંટી લથડતા પગલે એની બાજુમાં આવીને બેસી ગયો અને પૂછ્યું, "ભાઈ... આજે સાચું બોલી નાખ. તારા દિલમાં કેટલા ભાડૂતો રહી ગયા છે?"

​જયે મજાક ઉડાવતા કહ્યું, "હા યાર... અમે તો જીવનમાં ફક્ત એક-બે બ્રેકઅપ જોયા છે. તારી લાઈફ તો આખી વેબ સિરીઝ લાગે છે."

​કબીરે સહેજ હસીને ગ્લાસનો એક ઊંડો ઘૂંટડો ભર્યો અને એકદમ શાંત અવાજે બોલ્યો, "લાઈફમાં ત્રણ ચાર વાર સીરિયસ વાળો પ્રેમ થયો હતો."

​આ સાંભળતા જ ફાર્મહાઉસમાં સન્નાટો છવાઈ ગયો. હાર્દિકે પૂછ્યું, "ત્રણ વાર?" 

બંટીએ હસાવતા કહ્યું, "આને પ્રેમ નહોતો થતો... આ તો જાણે નો-કોસ્ટ EMI પર દિલ આપતો હતો!"

પરંતુ કબીર આ વાતથી બિલકુલ અજાણ હતો કે 'હર એક ફ્રેન્ડ કમીના હોતા હૈ' એ લાઇન બંટીએ આજે સાચી સાબિત કરી દીધી હતી. બંટીએ કબીરના આ જૂના કાંડ અને લવરી લાઈવ સાંભળવા માટે, કબીરની મંગેતર નિયતિને ખાનગીમાં ફોન કરીને આ જ ફાર્મહાઉસ પર બોલાવી લીધી હતી!

​નિયતિ હજી હમણાં જ ફાર્મહાઉસના પાછળના દરવાજેથી એન્ટ્રી મારી ચૂકી હતી. બંટીએ તેને ઈશારાથી અંધારા ખૂણામાં સોફા પાછળ ઊભા રહીને બધું સાંભળવા કહ્યું. નિયતિ હાથ ક્રોસ કરીને, ચહેરા પર એક મજેદાર અને ગુસ્સાવાળું સ્મિત લાવીને કબીરની વાતો સાંભળવા ગોઠવાઈ ગઈ.

​કબીરે આકાશ તરફ જોતા ભૂતકાળનો દરવાજો ખોલ્યો, "પહેલી વાર જ્યારે પ્રેમ થયો હતો ને... ત્યારે તો મોં પર મૂછનો દોરો પણ નહોતો ફૂટ્યો. વર્ષ 2009માં, હું દસમા ધોરણમાં હતો અને ક્લાસમાં એક નવી છોકરી આવી—કાયરા."

​બંટીએ નિયતિ તરફ જોઈને આંખ મારી અને મોટેથી બોલ્યો, "કાયરા! જેના માટે આ મહાશય ત્રણ મહિના સુધી રોજ એક જ કલરની હૂડી પહેરીને સ્કૂલ જતા હતા. આ ભાઈને એવું હતું કે કાયરાને એ કલર બહુ ગમે છે!" 

બધા પેટ પકડીને હસવા લાગ્યા. પાછળ ઊભેલી નિયતિએ મનમાં જ કહ્યું, 'અચ્છા! તો હૂડીનો આ ઈતિહાસ છે!'

​બંટીએ કબીરને વધારે ઉખેડવા પૂછ્યું, "અને સૌથી ખરાબ વસ્તુ શું છે લાઈફમાં?"

કબીરના અવાજમાં સહેજ ભીનાશ આવી, "એ જ વ્યક્તિ... જે તમને આખો બદલ્યા પછી પોતે જ મૂવ-ઓન કરી લે." કબીરે વાત આગળ વધારી, "એક હતી કાયરા... પછી કોલેજમાં આવી શનાયા... અને છેલ્લે મળી નિયતિ."

​બંટીએ બૂમ પાડી, "ચાલ હવે મોડું ન કર, નેટફ્લિક્સ ચાલુ કર ભાઈ, આખી સ્ટોરી બોલ!"

કબીરે આંખો બંધ કરી અને ફ્લેશબેક શરૂ થયો, "યાર, સ્કૂલનો પ્રેમ તો બચપના જેવો હતો, પણ અસલી રોમાન્સ તો વર્ષ 2015માં અમદાવાદની કોલેજ લાઈફમાં શરૂ થયો. જ્યારે મારી લાઈફમાં શનાયાની એન્ટ્રી થઈ. એકદમ વાઇબ્રન્ટ, બિન્દાસ્ત, કેટીએમ બાઇક ચલાવતી અને કાનમાં એરપોડ્સ ભરાવીને ફરતી કૂલ ગર્લ!"

​"એક દિવસ કોલેજના એમ્ફીથિયેટર પાસે શનાયાની બાઇક મારી સાથે અથડાઈ. એણે ચશ્મા ઉતારીને એટીટ્યુડમાં કહ્યું, 'આંખો છે કે ડેકોરેશન માટે રાખી છે?' મેં એના ચહેરા સામે જોઈને ઇન્સ્ટન્ટ વન-લાઇનર માર્યું, 'હતી તો રસ્તા માટે... પણ હવે તમારા માટે રીડાયરેક્ટ થઈ ગઈ છે.' એ સાંભળીને એ હસી પડી."

​કબીરના ચહેરા પર કોલેજના દિવસોની ચમક આવી ગઈ, "પછી તો ભાઈ, અમારો રોમાન્સ નેક્સ્ટ લેવલ પર પહોંચ્યો. સાબરમતી રિવરફ્રન્ટ પર મોડી રાત સુધી લોન્ગ વોક, સીજી રોડ પર મસાલા ચાની કિટલીઓ પર એક જ કપમાંથી ચા પીવાની એ પળો... એ ચોમાસામાં જ્યારે જોરદાર વરસાદ પડતો, ત્યારે અમે બાઇક સાઇડમાં મૂકીને રસ્તા પર જ વાઇલ્ડ મ્યુઝિક પર ડાન્સ કરતા. મેં એના માટે કોલેજના ફેસ્ટમાં સ્ટેજ પર ગિટાર વગાડીને ગીત ગાયું હતું. આખી કોલેજ અમને 'કુલ કપલ' કહેતી."

પાછળ સોફા પાછળ ઊભેલી નિયતિ આ સાંભળીને મોં બગાડી રહી હતી અને ગુસ્સામાં મનમાં બોલી, 'બહુ રોમેન્ટિક હોં! રિવરફ્રન્ટ અને વરસાદમાં ડાન્સ!'

​કબીરે નિસાસો નાખ્યો, "પણ કોલેજ પૂરી થતાં જ શનાયાને યુએસની મોટી યુનિવર્સિટીમાં સ્કોલરશિપ મળી ગઈ. એરપોર્ટ પર એણે મારો હાથ પકડીને પૂછ્યું, 'મારી રાહ જોઈશ?' મેં કહ્યું, 'પ્રેમનું બીજું નામ જ વેઇટિંગ લિસ્ટ છે.' એ યુએસ જતી રહી અને મારી કોલેજનો એ ગ્લેમરસ રોમાન્સ ત્યાં જ અધૂરો રહી ગયો."

કબીરે વાત આગળ વધારી, "પછી વર્ષ 2022માં હું એક એડ એજન્સીમાં ક્રિએટિવ હેડ બન્યો. લાઈફ એકદમ કંટાળાજનક હતી, ત્યાં જ ઓફિસમાં એન્ટ્રી થઈ નિયતિની. એકદમ સોબર, ઇન્ટેલિજન્ટ અને મેચ્યોર. એક દિવસ કોફી મશીન પાસે નિયતિએ મને પૂછ્યું, 'તું હંમેશા આટલો શાંત કેમ રહે છે?' મેં હસીને કહ્યું, 'ભૂતકાળની કેટલીક મેમરીઝ હજુ દિલ ખાલી નથી કરતી.' 

નિયતિએ મારો હાથ પકડીને બહુ પ્યોર સ્મિત સાથે કહ્યું હતું, 'તો કંઈ નહીં, આપણે નવું ઘર ખરીદી લઈશું!'"

​કબીર ભાવુક થઈ ગયો, "યાર, નિયતિએ મને ક્યારેય બદલવાનો ટ્રાય નથી કર્યો. એણે મને હું જેવો છું એવો સ્વીકાર્યો છે. આઈ સ્વેર યાર, હું એને બહુ પ્રેમ કરું છું."

કબીરે આગળ કહ્યું, 

"પણ કાંડ તો હમણાં થયો. બે અઠવાડિયા પહેલાં કાયરા મને મોલમાં મળી અને ગયા અઠવાડિયે શનાયા પણ યુએસથી પાછી આવી ગઈ! 

બંટી કહે છે કે ભગવાને મારી લાઈફમાં એક સાથે ત્રણ સિઝન રીલીઝ કરી દીધી છે. પણ સાચું કહું દોસ્તો... મને કાયરાની માત્ર યાદ ગમે છે, શનાયાનો માત્ર એ કોલેજનો રોમાંચ ગમે છે... પણ મારે મારી આખી લાઈફ નિયતિ સાથે જ જીવવી છે. જો નિયતિ આજે મને છોડીને જતી રહે ને, તો હું બરબાદ થઈ જઈશ."

કબીરે જેવું કહ્યું કે, "નિયતિ આજે મને છોડીને જતી રહે ને, તો હું બરબાદ થઈ જઈશ..." એટલે સોફા પાછળ છુપાયેલી નિયતિનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. એણે લાલ આંખે બંટી તરફ જોયું. બંટીને લાગ્યું કે હવે અહીં જ લાઈવ મહાભારત શરૂ થશે, પણ નિયતિ એકદમ સ્માર્ટ હતી. એણે કશું જ બોલ્યા વગર, બંટીને ઈશારાથી શાંત રહેવા કહ્યું અને ત્યાંથી ગુસ્સામાં સડસડાટ પગલે ફાર્મહાઉસની બહાર નીકળી ગઈ.

કારમાં બેઠા પછી નિયતિને પહેલાં તો જોરદાર ગુસ્સો આવ્યો. પણ ગાડી જેમ જેમ અમદાવાદ તરફ આગળ વધી, તેમ તેમ એણે નિરાંતે ઠંડા મગજે વિચાર કર્યો. એણે મનમાં જ હસીને વિચાર્યું, ‘ઓકે, બેચલર લાઈફમાં તો છોકરાઓ આવા કાંડ કરે જ ને! અને જો મને પણ કોલેજમાં આવું મસ્ત વાતાવરણ અને તક મળી હોત, તો મેં ક્યાં ઓછા કાંડ કર્યા હોત!’ નિયતિના દિલમાં કબીર માટે પ્રેમ તો હતો જ, એટલે એણે મનોમન કબીરને માફ તો કરી દીધો, પણ એને આસાનીથી છોડવા નહોતી માગતી. કબીરને લાઈફટાઈમ યાદ રહે તેવી સજા આપવા માટે એના મગજમાં એક ખતરનાક અને સુપર કોમેડી પ્લાન આકાર લઈ ચૂક્યો હતો.

નિયતિ એ કબીરની વાતમાંથી "કાંડ થઈ ગયો" પર એક પ્લાન બનાવી લીધો.

બીજે જ દિવસે નિયતિએ કબીરના પરમ મિત્ર અને કમીના દોસ્ત બંટીને કોન્ફિડન્સમાં લીધો. સોશિયલ મીડિયાના જમાનામાં જૂના લોકોને શોધવા રમત વાત હતી. નિયતિ અને બંટીએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પરથી કાયરા અને શનાયાને શહેર માં હાલ ક્યાં છે તે શોધી કાઢી. નિયતિએ પ્રોફેશનલ મેચ્યોરિટી વાપરીને એ બંને સાથે વાત કરી, કબીર સાથે કાંડ કરવા આખો પ્લાન સમજાવ્યો અને એ બંનેને કબીરના લગ્નમાં સરપ્રાઈઝ આપવા માટે રેડી કરી લીધી! કાયરા અને શનાયા પણ આ ક્રેઝી પ્લાનમાં જોડાવા માટે ફૂલ એક્સાઈટેડ થઈ ગઈ.

જોતજોતામાં લગ્નનો દિવસ આવી ગયો. એસ.જી. હાઈવે પર આવેલો આખો પાર્ટી પ્લોટ રોશનીથી ઝળહળી રહ્યો હતો. લગ્ન આડે માંડ એક કલાકની વાર હતી. કબીર શેરવાની પહેરીને, માથે સાફો બાંધીને વરરાજાના ગ્રીન રૂમમાં છેલ્લી વાર અરીસા સામે ઊભો રહીને પોતાની જાતને સેટ કરી રહ્યો હતો. એ બહુ ખુશ હતો કે આજે એ નિયતિનો થવા જઈ રહ્યો છે.

​ત્યાં જ રૂમનો દરવાજો ખુલ્યો. કબીરે અરીસામાંથી પાછળ જોયું તો એના પગ નીચેથી જમીન સરકી ગઈ!

​રૂમમાં કોઈ એક નહીં, પણ બે છોકરીઓ એકસાથે પ્રવેશી હતી—એક તરફ સ્કૂલ ક્રશ કાયરા હતી અને બીજી તરફ કોલેજનો રોમાન્સ શનાયા હતી! કબીર આખો ચકરાઈ ગયો. એની આંખો ફાટી ગઈ, કપાળે પરસેવો વળી ગયો. એને લાગ્યું કે કદાચ દારૂ ઉતર્યો નથી અને આ કોઈ ભયાનક સપનું છે. એને પોતાનો કોઈ જ પ્લાન યાદ નહોતો આવી રહ્યો. એ કંઈ બોલવા જાય, ત્યાં જ રૂમનો દરવાજો ફરી ખુલ્યો અને લાઈટ ગ્રીન કલરના લહેંગામાં સજ્જ દુલ્હન નિયતિએ રોકિંગ એન્ટ્રી લીધી!

​હવે કબીરનો ચહેરો સાચે જ રોવા જેવો થઈ ગયો હતો. એક રૂમ, એક વરરાજા અને ભૂતકાળથી લઈને વર્તમાન સુધીની ત્રણેય ગર્લફ્રેન્ડ્સ એકસાથે હાજર!

બરાબર એ જ સમયે બંટી, જય અને હાર્દિક પણ 'શું થયું? શું થયું?' કરતા રૂમમાં ઘૂસી આવ્યા, જાણે એમને તો કશી ખબર જ ન હોય!

​શનાયાએ એટીટ્યુડમાં કબીરની શેરવાનીનો દોરો ખેંચતા કહ્યું, "કેમ કબીર? કોલેજમાં તો વરસાદમાં બહુ ડાન્સ કરતા હતા, આજે અચાનક પરસેવો કેમ વળી ગયો?"

કાયરાએ માસૂમિયતથી ઉમેર્યું, "અને પેલી એક જ કલરની હૂડી ક્યાં ગઈ કબીર? આજે તો બહુ વટમાં શેરવાની પહેરી છે!"

​નિયતિ હાથ ક્રોસ કરીને કબીરની સાવ નજીક ગઈ અને કડક અવાજે બોલ્યો, "કેમ મિસ્ટર કબીર? એડ એજન્સીના ક્રિએટિવ હેડ! વેબ સિરીઝના અનલિમિટેડ એપિસોડ્સ જોવાતા હતા ને? લો, તમારી જૂની સિઝનના પાત્રો પણ લાઈવ આવી ગયા છે. બોલો, હવે મંડપમાં કોની સાથે બેસવું છે?"

​કબીરની હાલત એવી થઈ ગઈ હતી કે એને ત્યાંથી શેરવાની પહેરીને જ ભાગી જવાનું મન થતું હતું. એ ક્યારેક બંટી સામે જુએ તો ક્યારેક નિયતિ સામે. કબીરના કમીના મિત્રો, નિયતિ અને પેલી બંને ગર્લફ્રેન્ડ્સ કબીરના ઉડી ગયેલા હોશ જોઈને અંદરથી આ આખી પરિસ્થિતિની જોરદાર મજા લઈ રહ્યા હતા.

​કબીરે ધ્રૂજતા અને રડમસ અવાજે નિયતિના હાથ પકડી લીધા, "નિયતિ... પ્લીઝ આઈ એમ સોરી! હું કસમ ખાઉં છું, મેં ફાર્મહાઉસ પર જે કહ્યું એ બધું સાચું હતું. કાયરા અને શનાયા, પ્લીઝ મને માફ કરી દો, મારી કોઈ ખોટી ગણતરી નહોતી. નિયતિ, મને મંડપમાંથી ભગાડતી ના, પ્લીઝ!"

​કબીરને સાચે જ રડતો જોઈને આખરે નિયતિથી પોતાનું હસવું રોકાયું નહીં. એ ખડખડાટ હસી પડી! એની સાથે કાયરા અને શનાયા પણ હસવા લાગી. બંટીએ કબીરની પીઠ પર ધબ્બો માર્યો, "અલ્યા પપ્પુ, રડ મા હવે! તારી ટાંગ ખેંચતા હતા બધા!"

​નિયતિએ હસતા હસતા કબીરના આંસુ લૂછ્યા અને આખો પ્લાન જણાવ્યો, "બકા, તું જે રાત્રે ફાર્મહાઉસ પર તારી લવરી કરતો હતો ને, ત્યારે હું સોફા પાછળ જ ઊભી હતી! આ બંટીએ જ મને બોલાવેલી. તારી એ વાતો સાંભળીને મને ગુસ્સો તો આવ્યો, પણ પછી મેં જ આ કાયરા અને શનાયાને શોધીને આપણી વેડિંગમાં બોલાવ્યા છે, તારી અસલી સરપ્રાઈઝ ટેસ્ટ લેવા માટે!"

​કાયરાએ હસીને કહ્યું, "હા કબીર, નિયતિ બહુ સ્માર્ટ છે. એણે અમને બોલાવીને અમારા ત્રણેયના કન્ફ્યુઝન દૂર કરી દીધા." શનાયા બોલી, "અને હા, અમે તો અહીં મસ્ત પનીર ટીક્કા ખાવા અને તમારા લગ્નમાં ડાન્સ કરવા આવ્યા છીએ, વરરાજા કિડનેપ કરવા નથી આવ્યા!"

​બધાનો આ પ્લાન સાંભળીને આખરે કબીરના જીવમાં જીવ આવ્યો. એણે ઊંડો શ્વાસ લીધો અને પોતાના કાન પકડી લીધા. ગ્રીન રૂમ કબીરના મિત્રો અને એની ત્રણેય લાઈફ-લાઈન્સના જોરદાર હાસ્યથી ગુંજી ઉઠ્યો.

​અંતે, કબીર બધી જ ચિંતાઓ મુક્ત થઈને, હસતા ચહેરે નિયતિનો હાથ પકડીને મંડપ તરફ આગળ વધ્યો. કાયરા અને શનાયાએ વરરાજાની એન્ટ્રી પર જોરદાર ઠુમકા લગાવ્યા અને કબીર-નિયતિના લગ્ન ધામધૂમથી અને લાઈફ ટાઈમની જોરદાર મેમરી સાથે પૂરા થયા.