રાત્રિના ઘેરા અંધકારમાં 'નીલવન'નું જંગલ બિહામણું લાગતું હતું. વાદળોની પાછળ છુપાયેલા ચંદ્રનો આછો પ્રકાશ જ્યારે જમીન પર પડતો, ત્યારે ભેજવાળી માટીમાંથી એક અજીબ ગંધ આવતી. તમરાંનો અવાજ કાટોડી ઝાડીઓમાં ગુંજી રહ્યો હતો.
બીટ ઓફિસર વિક્રમ હાથમાં ટોર્ચ લઈ ધબકતા હૈયે આગળ વધી રહ્યા હતા. અચાનક, તેમની નજર જમીન પર પડી. કાદવવાળી માટી પર મિલિટ્રી બૂટની તાજી છાપ હતી, પણ એ છાપ સામાન્ય નહોતી... એ પગલાં કોઈ ભારે વજનદાર વસ્તુ ઢસડીને લઈ જવાયા હોય તેવાં હતાં.
વિક્રમ સ્વગત બગડ્યા, "આ સામાન્ય ગામલોકોના પગલાં નથી... આ જંગલ કંઈક છુપાવી રહ્યું છે."
વિક્રમે તરત જ તેના સિનિયર ફોરેસ્ટ ઓફિસર રાણા સાહેબની કેબિનનો દરવાજો ખખડાવ્યો.
ટેબલ પર જંગલનો નકશો ફેલાયેલો હતો. રાણા સાહેબ ચિંતાતુર થઈને બેઠા હતા.
"સાહેબ," વિક્રમે ઉત્તેજિત અવાજે કહ્યું, "જંગલમાં કોઈ તસ્કરી નથી થઈ, પણ રાત્રે કોઈ અંદર ફરે છે. અને વન્યજીવો—ખાસ કરીને વાનરો—રાત્રે ઝાડ પર રહેવાને બદલે જમીન પર આવીને કોઈ ચોક્કસ વિસ્તારમાં વર્તુળ બનાવીને બેસી રહે છે, જાણે કોઈની ચોકી કરતા હોય!"
રાણા સાહેબના ચહેરા પર પરસેવો વળી ગયો. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, "વિક્રમ, વાત માત્ર વાનરોની નથી. મારા પિતા, જેઓ આ જ જંગલમાં વર્ષો પહેલાં સિનિયર ઓફિસર હતા અને હવે અલ્ઝાઈમર (યાદશક્તિ ગુમાવવાની બીમારી)થી પીડાય છે... તેમની 'ઓફિશિયલ સિક્રેટ લોગબુક' (ડાયરી) ઘરમાંથી ગાયબ થઈ ગઈ છે! એ ડાયરીમાં આ જંગલના એવા નકશા અને રહસ્યો હતા જે ક્યારેય ઓનલાઈન મુકાયા નથી. પિતાજી અડધી રાત્રે ઊઠીને જંગલ તરફ જોઈને બગડે છે—‘તેઓ બધું ખોદી નાખશે... તેઓ વાનરોનો ઉપયોગ કરશે...’ મને કંઈ સમજાતું નથી!"
રાણા સાહેબે પરસેવો લુછતા ગંભીરતાથી કહ્યું, "વિક્રમ, વાત માત્ર આટલી જ નથી. સરકાર તરફથી જંગલમાં વન્યજીવોના લોકેશન ટ્રેક કરવા માટે જે હાઈ-ટેક સેટેલાઈટ કોલર્સ (Satellite Collars) વાનરો અને દીપડાના ગળામાં બાંધવામાં આવ્યા છે, તેનો મેઈન સર્વર ડેટા છેલ્લા થોડા દિવસોથી ખોટો બતાવે છે! ટ્રેકિંગ સિસ્ટમમાં પ્રાણીઓ એક જ જગ્યાએ સ્થિર દેખાય છે, પણ જ્યારે આપણી ટીમ ત્યાં જાય છે ત્યારે ત્યાં કોઈ પ્રાણી હોતું નથી. કોઈ આપણી સિસ્ટમ હેક કરી રહ્યું છે."
વિક્રમે ઉતાવળા સ્વરે કહ્યું , "પણ સર , જો કોઈ શિકારી કે તસ્કર હોત, તો ચંદનનાં લાકડાં કપાત અથવા કોઈ પ્રાણીનો મૃતદેહ મળત. અત્યાર સુધી એવું કંઈ બહાર નથી આવ્યું. લોકલ ખબરીઓ અને ગ્રામજનો પણ કહે છે કે બધું શાંત છે."
"એ જ તો સસ્પેન્સ છે વિક્રમ ! તસ્કરી નથી, શિકાર નથી, તો આ મધરાતે જંગલના પેટાળમાં કોણ ફરે છે?"
રાણા સાહેબ ઊભા થયા, "આપણે જોખમ ન લઈ શકીએ. એક લોકલ ટીમ બનાવો અને સર્ચ ઓપરેશન શરૂ કરો. પણ યાદ રહે, કોઈ અવાજ ન થવો જોઈએ, કોઈને જાણ ન થવી જોઈએ ."
બે દિવસ સુધી જંગલનો ખૂણેખૂણો ફેંદી માર્યો, પણ કંઈ હાથ ન લાગ્યું. રહસ્ય વધુ ઘેરૂં બનતું ગયું. આખરે, રાણા સાહેબે ફોન ઉપાડ્યો. તેમણે તેમના એક ખાસ મિત્ર સિદ્ધાર્થને ફોન કર્યો, જે માત્ર વાઇલ્ડલાઇફ લવર જ નહોતો, પણ IB (ઇન્ટેલિજન્સ બ્યુરો)નો સિનિયર ઓફિસર હતો.
બીજા જ દિવસે સિદ્ધાર્થ અને તેની સ્પેશિયલ ટીમ અને આઈબીના સૌથી ચતુર લેબ્રાડોર સ્નિફર ડોગ 'રોકી' સાથે આવી પહોંચ્યો.
સિદ્ધાર્થે જંગલમાં આવીને હાઈ-ટેક ડિવાઈસ ચાલુ કર્યું. અચાનક એ ડિવાઈસમાં 'બીપ... બીપ...' અવાજ થવા લાગ્યો.
"રાણા, આ ગીચ જંગલમાં એન્ક્રિપ્ટેડ રેડિયો સિગ્નલ મળી રહ્યા છે! કોઈ વોકી-ટોકી પર કોડવર્ડમાં વાત કરી રહ્યું છે," સિદ્ધાર્થે આશ્ચર્યથી કહ્યું.
અચાનક એ ડિવાઈસમાં 'બીપ... બીપ...' અવાજ સાથે ગ્રાફ ઊંચો ગયો.
"રાણા, આ જંગલના પેટાળમાંથી અલ્ટ્રા-લો ફ્રિકવન્સી સાઉન્ડ સિગ્નલ છોડવામાં આવી રહ્યા છે. આ એવા અવાજો છે જે માણસો નથી સાંભળી શકતા, પણ વન્યજીવો સાંભળી શકે છે. એટલે જ વાનરો પાગલની જેમ એક જ તરફ ખેંચાઈ રહ્યા છે!" સિદ્ધાર્થે ખુલાસો કર્યો.
એટલામાં જ ફોરેસ્ટની મેડિકલ ટીમના ડૉક્ટર હાથમાં એક સીલબંધ કવર લઈને દોડતા આવ્યા.
"સર, આ ચોંકાવનારો રિપોર્ટ છે," ડૉક્ટરે હાંફતા હાંફતા કહ્યું. "આ વિસ્તારના વાનરો વિચિત્ર હરકતો કરી રહ્યા હતા, ઝાડ પરથી નીચે પડી જતા હતા. અમે તેમના સ્ટૂલ (પોટી) અને લાળના સેમ્પલ ટેસ્ટ કર્યા. આ તમામ વાનરોના શરીરમાંથી હાઈ-ડોઝ લિક્વિડ મેથામ્ફેટામાઈન (એક અત્યંત ઘાતક સિન્થેટિક ડ્રગ) ના અંશો મળ્યા છે!"
"શું?!" રાણા અને સિદ્ધાર્થ સ્તબ્ધ થઈ ગયા.
હવે સ્નિફર ડોગ 'રોકી'ને કામે લગાડવામાં આવ્યો. રોકી જમીન સુંઘતો સુંઘતો જંગલના સૌથી દલદલવાળા અને ગીચ 'ભૂતિયા ઝરણા' તરફ દોડ્યો. ત્યાં વાતાવરણમાં કેમિકલની તીવ્ર ગંધ આવતી હતી.
ત્યાં કાંટાડી ઝાડીઓની પાછળ જે દ્રશ્ય સામે આવ્યું તે હોલીવુડની સસ્પેન્સ મૂવી જેવું હતું!
ત્યાં કોઈ ખુલ્લી ખેતી નહોતી, પણ બ્રિટિશ જમાનાની એક જૂની અંડરગ્રાઉન્ડ સિક્રેટ ટનલ (ભોંયરૂં) હતી, જેનો નકશો માત્ર રાણાના પિતાની એ ગાયબ થયેલી ડાયરીમાં જ હતો. ડ્રગ માફિયાઓએ એ ડાયરી ચોરીને આ ગુપ્ત ભોંયરાનો પતો મેળવ્યો હતો.
તેમણે જંગલના પ્રતિબંધિત વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ 'મોડર્ન ડ્રગ રિફાઇનરી' ઊભી કરી દીધી હતી, જ્યાં હજારો કિલો ચરસ અને અફીણનો સ્ટોક આખા દેશમાં સપ્લાય કરવા માટે તૈયાર કરાતો હતો. વન્યજીવો એ ટનલની આસપાસ ન ભટકે અને ફોરેસ્ટ ગાર્ડ્સને એલર્ટ ન કરે, એટલા માટે માફિયાઓ અલ્ટ્રાસોનિક સાઉન્ડ અને કેમિકલ યુક્ત ખોરાક આપીને વાનરોને ટનલની બહાર પોતાના 'મૂક રક્ષકો' (Silent Guards) તરીકે વાપરતા હતા!
"કોઈ પોતાની જગ્યા પરથી હલશે નહીં! આઈબી અને ફોરેસ્ટ ટીમે તમને ચારેય તરફથી લોક કરી દીધા છે!" સિદ્ધાર્થનો અવાજ ભોંયરાની દિવાલો સાથે અથડાઈને ગુંજ્યો.
"શૂટ ધેમ! કોઈ બચવું ના જોઈએ!" અંદરથી આંતરરાષ્ટ્રીય ડ્રગ લોર્ડ 'સંજના'નો અવાજ આવ્યો.
ભોંયરાની અંદર જ અંધાધૂંધ ગોળીબાર શરૂ થઈ ગયો. કેમિકલના ડ્રમ્સ પર ગોળીઓ વાગતાં આખી લેબમાં ધુમાડો છવાઈ ગયો. એક માફિયાએ રાણા પર હુમલો કર્યો, પણ બીટ ઓફિસર વિક્રમે વચ્ચે આવીને તેને હવામાં જ દબોચી લીધો.
બીજી તરફ, સંજના ડ્રગ્સની છેલ્લી મોટી બેગ અને રાણાના પિતાની એ ગુપ્ત ડાયરી લઈને ટનલના પાછળના ગુપ્ત રસ્તેથી ભાગવા ગઈ.
"રોકી, સ્ટોપ હર!" સિદ્ધાર્થે બૂમ પાડી.
રોકીએ છલાંગ લગાવી સંજનાનો હાથ પકડી લીધો. સંજનાના હાથમાંથી ડાયરી નીચે પડી ગઈ. સિદ્ધાર્થે તરત જ આગળ વધીને તેને હથકડી પહેરાવી દીધી.
રાણાએ જમીન પરથી પોતાના પિતાની એ ડાયરી ઉપાડી, જેના પાના પર વર્ષો પહેલાં તેના પિતાએ લખ્યું હતું—"આ જંગલના પેટાળમાં એક રહસ્ય છુપાયેલું છે, જેની રક્ષા માત્ર નીલવનના વાનરો જ કરી શકે છે."
સવારનો પહેલો સૂરજ જ્યારે નીલવન પર ઉગ્યો, ત્યારે માફિયાઓની આખી ગેંગને લાઈનમાં ઊભી રાખી બહાર લાવવામાં આવી રહી હતી. કરોડોનું ડ્રગ રેકેટ ધ્વસ્ત થઈ ચૂક્યું હતું.
રાણા સાહેબે વિક્રમ અને સિદ્ધાર્થનો આભાર માન્યો. જંગલના વાનરો હવે ડ્રગ્સ અને અલ્ટ્રાસોનિક અવાજોની અસરમાંથી મુક્ત થઈને મુક્ત આકાશમાં કલરવ કરી રહ્યા હતા. રાણાના પિતાની ડાયરી સુરક્ષિત હતી અને જંગલનું એ વર્ષો જૂનું રહસ્ય ફરી એકવાર કુદરતના ખોળામાં શાંત થઈ ગયું હતું.