ભાગ ૨: એક નવી શરૂઆત
દિલ્હી કેન્ટોનમેન્ટ વિસ્તારનો ઓફિસર્સ ક્વાર્ટર.
રૂમની વચ્ચોવચ એક ખુલ્લી બેગ પડી હતી. કેપ્ટન આરવ સિંહ પોતાના આર્મીના ઓલિવ ગ્રીન યુનિફોર્મને અત્યંત સન્માનપૂર્વક ગડી વાળીને કબાટમાં મૂકી રહ્યો હતો. યુનિફોર્મ પર લાગેલી મેડલ્સની ચમક એની વીરતાની સાથે સાથે અસંખ્ય સફળ ઓપરેશન્સની સાક્ષી પૂરતી હતી. પણ અત્યારે આરવની આંખોમાં કોઈ ગર્વ નહોતો. ત્યાં હતો માત્ર એક શૂન્યાવકાશ.
કબાટના એક છેવાડાના ખૂણામાં એક નાનકડું લાકડાનું બોક્સ પડ્યું હતું. આરવે ધીમેથી ધ્રૂજતા હાથે એ બોક્સ બહાર કાઢ્યું અને ખોલ્યું. અંદર એક રંગ ઉડી ગયેલું, સૂકાયેલું ગુલાબ અને એક જૂનું સ્ટેથોસ્કોપ અત્યંત જતનથી સાચવીને મૂકેલું હતું. ગ્રીષ્માનું સ્ટેથોસ્કોપ.
એ સ્ટેથોસ્કોપ જોતાં જ આરવના કાનમાં ફરી એ જ ખળખળ વહેતું હાસ્ય ગુંજી ઉઠ્યું.
"આરવ... જોજે, હું તારા કરતાં પણ મોટી અને ફેમસ ડૉક્ટર બનીશ!" ગ્રીષ્મા હંમેશા પોતાના નાક પર ખોટો ગુસ્સો રાખીને મજાકમાં કહેતી. એની એ નખરાળી અદા પર આરવ હંમેશા ઓવારી જતો.
અને પછી... એ ગોઝારી રાત. હાઇવે પર થયેલો એ ભયાનક કાર અકસ્માત. આરવના ખોળામાં લોહીથી લથપથ ગ્રીષ્મા.
"આરવ... પ્લીઝ... રડતો નહીં... દુઃખી ના થઈશ, હું હંમેશા તારી સાથે જ છું...મારો પ્રેમ તારો સતત પડછાયો બનીને સાથે જ રહેશે, આ જન્મ માં ભલે આપણે મળી ના શક્યાં પણ આવતાં જન્મ માં હું આરવ ની ગ્રીષ્મા બની ને જ આવીશ" એના છેલ્લા શબ્દો. એના ધ્રૂજતા હાથ આરવના ગાલ પરથી સરકીને નીચે પડી ગયા હતા અને એની આંખો કાયમ માટે મીંચાઈ ગઈ હતી.
આરવે આંખો મીંચી લીધી. આજે વર્ષો પછી પણ એ લોહીની ગંધ અને ગ્રીષ્માની અંતિમ ચીસ એના શ્વાસમાં અકબંધ હતી. દેશ માટે શહીદ થવું સહેલું છે, પણ કોઈની યાદ સાથે રોજ અંદરથી મરવું બહુ અઘરું છે. એણે ધીમેથી એ બોક્સ બંધ કર્યું અને એક ઊંડો શ્વાસ લીધો. હવે એનાથી નવા સંબંધો માટે કોઈ અવકાશ નહોતો. એના માટે પ્રેમ, લાગણી, અને ભવિષ્યના સુંદર સપના... એ બધું જ એ હાઇવે પર ગ્રીષ્માની સાથે જ દફન થઈ ચૂક્યું હતું. બસ, હવે આ જિંદગી માત્ર માતૃભૂમિના નામે હતી.
બેગમાં થોડા સાદા શર્ટ, જીન્સ અને અમુક મેડિકલના પુસ્તકો મૂક્યા. છેલ્લે, એક છૂપો માઇક્રો-કેમેરા, 9 mm ની પિસ્તોલ ( ગ્લોક 17 મોડેલ) અને તેની કારતૂસ નું એક પેકેટ કાળજીપૂર્વક બેગના ગુપ્ત ખાનામાં છુપાવી દીધું. RAW તરફથી મળેલા નવા આઇડેન્ટિટી કાર્ડ પર આરવ ની નજર એક ક્ષણ માટે સ્થિર થઈ ગઈ.
હવેથી એ કેપ્ટન આરવ સિંહ નહોતો.
એ હતો આરવ શર્મા. સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજનો સેકંડ યર MBBS નો સામાન્ય વિદ્યાર્થી.
અમદાવાદ શહેરનો ટ્રાફિક અને સતત ધબકતું જીવન.
સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજનો વિશાળ મેઇન ગેટ. ગેટ પર મોટા અક્ષરોમાં લખેલું હતું: "વૈદ્યો નારાયણો હરિ:"
આરવ ખભા પર એક બેગ લટકાવીને ધીમે ધીમે કોલેજ કેમ્પસમાં દાખલ થયો. કેમ્પસની હવા... એ જ જૂની, જાણીતી દવાઓની અને એનાટોમી હોલમાંથી આવતી ફોર્મેલિનની આછી ગંધ. આસપાસ સફેદ એપ્રોન પહેરીને પસાર થતાં વિદ્યાર્થીઓની ભીડ. કોઈના ગળામાં સ્ટેથોસ્કોપ, તો કોઈના હાથમાં ફાર્માકોલોજી અને પેથોલોજીની મોટી મોટી ટેક્સ્ટબુક. કેન્ટીનમાંથી આવતો ચાના કપનો અવાજ અને હિલોળા લેતું યૌવન.
4 વર્ષ પહેલાંની યાદો આરવ ના મન માં જીવંત થઈ ગઈ. એની આંખો સામે પોતાના કોલેજકાળના જૂના દ્રશ્યો તરવરી ઉઠ્યા. પણ તરત જ એણે પોતાની જાતને સંભાળી લીધી. અહીં એને કોઈ યાદો તાજી કરવા નહોતો આવ્યો. એ અહીં એક અદ્રશ્ય શિકારી બનીને આવ્યો હતો. એક એવો શિકારી, જે આ નિર્દોષ હાસ્યની પાછળ છુપાયેલા ડ્રગ્સના કાળા કારોબારને ખતમ કરવાનો હતો. ડૉ. નૈના જોશીની મોતનો બદલો લેવાનો હતો અને સ્કોર્પિયો સિન્ડિકેટની કમર તોડવાની હતી.
કોલેજની મુખ્ય ઇમારતને પાછળ છોડીને આરવ બોય્ઝ હોસ્ટેલ તરફ આગળ વધ્યો.
"બ્લોક B. થર્ડ ફ્લોર. રૂમ નંબર 404." આરવે મનમાં પોતાનું નવું સરનામું યાદ કર્યું.
હોસ્ટેલની દીવાલો પર લાગેલા જૂના પોસ્ટર્સ, કોરિડોરમાં ગુંજતું ગિટાર, એફએમ રેડિયો પર મોટા અવાજે વાગતાં ગીતો અને અને મ્યુઝિક, અને એક અલગ જ પ્રકારની અસ્તવ્યસ્ત ઉર્જા.
આરવ 404 નંબરના રૂમ પાસે પહોંચ્યો. દરવાજો અડધો ખુલ્લો હતો.
અંદરનો નજારો જોઈને આરવના હોઠ પર એક આછું સ્મિત આવી ગયું.
રૂમની અંદર ખાટલા પર એક જાડો, ગોળમટોળ છોકરો ઊંધો સૂઈને કુરકુરે ખાઈ રહ્યો હતો અને સાથે સાથે લેપટોપમાં કોઈ વેબ સિરીઝ જોઈ રહ્યો હતો. એની બાજુના ટેબલ પર એક પાતળો, ચશ્માંવાળો છોકરો માથા પર હાથ દઈને 'પેથોલોજી' ની જાડી ચોપડીમાં માથું ઘાલીને બેઠો હતો. જાણે દુનિયાનો બધો જ બોજ એના માથા પર હોય!
આરવે ધીમેથી દરવાજો ખખડાવ્યો. "મે આઈ કમ ઇન?"
બંનેએ ચોંકીને દરવાજા તરફ જોયું.
"ભાઈ, તું કોણ?" ચશ્માંવાળાએ પુસ્તકમાંથી નજર ઊંચી કર્યા વગર જ પૂછ્યું.
"હું આરવ... આરવ શર્મા. ટ્રાન્સફર સ્ટુડન્ટ. આજથી આ રૂમમાં તમારી સાથે રહીશ..." આરવે એકદમ સામાન્ય, થોડો ગભરાયેલો હોય એવો અને સાલસ દેખાવ કરતાં કહ્યું.
"ઓહ!" ગોળમટોળ છોકરો તરત ખાટલા પરથી કૂદીને ઊભો થયો. એના શર્ટ પર કુરકુરેનો ભૂકો ચોંટેલો હતો. "વેલકમ ભાઈ વેલકમ! મારું નામ કેતન... પણ આખા કેમ્પસમાં મને બધા પ્રેમથી 'કેતિયો' કહે છે. અને આ પડખે પેથોલોજીના પ્રેમમાં પાગલ થયેલો આપણો હોસ્ટેલનો મજનુ છે... જિગ્નેશ. શોર્ટમાં જીગો."
જીગાએ ચશ્માં સરખા કરતાં ગંભીરતાથી કહ્યું, "જો ભાઈ આરવ... રૂમમાં બે જ નિયમ છે. પહેલું, કોઈની ઊંઘ ખરાબ નહીં કરવાની. અને બીજું, મારી ચોપડીઓને ક્યારેય અડવાનું નહીં. બાકી તારું સ્વાગત છે."
આરવ ધીમેથી પોતાનો સામાન મૂકીને એમના જ રંગમાં ભળવાનો પ્રયાસ કરવા લાગ્યો. વર્ષો પછી આર્મીની કડક શિસ્ત અને RAW ની ગુપ્ત દુનિયામાંથી બહાર આવીને આ બેફિકર, નિર્દોષ દુનિયામાં એણે પોતાને ઢાળવાનો હતો. એક ખતરનાક અન્ડરકવર એજન્ટ હવે એક સામાન્ય મેડિકલ સ્ટુડન્ટ બનવાની એક્ટિંગ કરી રહ્યો હતો.
કેતને હજુ તો આરવ સાથે વાતો હજુ ચાલુ જ કરી હતી કે ત્યાં અચાનક દરવાજો જોરથી ખૂલ્યો.
દરવાજા પર ત્રણ સિનિયર વિદ્યાર્થીઓ ઊભા હતા. એમના ચહેરા પર એક અહંકાર અને મસ્તીનો ભાવ હતો. એમની નજરમાં એક શિકારી જેવી ચમક હતી.
" ઓય તારી જોડે નાસ્તો છે? ઘરે થી શું લાવ્યો છે ? લાવ બધો નાસ્તો આપી દે અને આ કોણ છે ? ફ્રેશર! નવો પીસ, નવો મુરઘો આવ્યો છે માર્કેટમાં?" વચ્ચે ઊભેલા એક કદાવર સિનિયરે આરવ તરફ કઠોર નજરે જોતાં કહ્યું.
આ અવાજ સાંભળતા જ કેતન અને જિગ્નેશ બંનેના ચહેરા પરનો રંગ ઉડી ગયો. બંને ડરના માર્યા નાસ્તાનો ડબ્બો સિનિયર વિદ્યાર્થીઓ ને ધરી દીધો.
આરવ ધીમેથી ઊભો થયો. એની આંખોમાં રહેલો પેલો સામાન્ય અને ગભરાયેલો વિદ્યાર્થીનો ભાવ અચાનક અદ્રશ્ય થઈ ગયો. એની જગ્યાએ એક યુદ્ધના શરૂઆત પહેલાંની ભયાનક શાંતિ છવાઈ ગઈ.
કેમ્પસમાં આરવનું પ્રથમ સ્વાગત... રેગિંગના રૂપમાં થવા જઈ રહ્યું હતું. અને સિનિયર્સને અંદાજો પણ નહોતો કે તેઓ કોની સાથે ટકરાવા જઈ રહ્યા છે.
(ક્રમશ:)
“નીલ”
ડૉ. નિલેષ ઠાકોર