Captain Aarav - The Raw Agent - 3 in Gujarati Thriller by Dr. Nilesh Thakor books and stories PDF | કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 3

Featured Books
Categories
Share

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 3

ભાગ ૩: રેગિંગ અને એક ભયાનક ખામોશી

હોસ્ટેલના રૂમ નંબર 404 માં હવાનો પ્રવાહ જાણે અચાનક થંભી ગયો હતો.

દરવાજા પર ઊભેલા ત્રણ સિનિયર્સમાંથી જે સૌથી કદાવર અને રૂઆબદાર લાગતો હતો, એનું નામ વિક્રમ હતું. ફાઇનલ યરનો સ્ટુડન્ટ અને હોસ્ટેલનો સ્વઘોષિત દાદા. એની પાછળ ઊભેલા બે સાગરીતોના ચહેરા પર એક વિકૃત મજાકનો ભાવ હતો. રેગિંગ... મેડિકલ હોસ્ટેલની એ કાળી પરંપરા જેણે અનેક નિર્દોષ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસને તોડીને ભુક્કો કરી નાખ્યો હતો.

કેતન (કેતિયો) ડરના માર્યા દીવાલ સાથે ચોંટી ગયો હતો. એના હાથમાંથી કુરકુરેનું પેકેટ ક્યારે નીચે પડી ગયું એની એને ખુદને ખબર નહોતી. જિગ્નેશે પોતાની 'રોબિન્સ પેથોલોજી' ની જાડી ચોપડી છાતી સરસી ચાંપી દીધી હતી, જાણે એ ચોપડી એને આ સિનિયર્સના ત્રાસમાંથી બચાવી લેવાની હોય!

પણ રૂમની વચ્ચોવચ ઊભેલો આરવ... બિલકુલ શાંત હતો.

એની આંખોમાં ડરનું એક નાનકડું કિરણ પણ નહોતું. એ વિક્રમની આંખોમાં સીધું અને કોઈ પણ જાતના ભાવ વગર જોઈ રહ્યો હતો.

વિક્રમને આ વાત કઠતી હતી. ફ્રેશર કે ટ્રાન્સફર સ્ટુડન્ટ સિનિયરની આંખમાં આંખ મિલાવે એ એના અહંકાર પર સીધો ઘા હતો.

"ઓય હીરો..." વિક્રમ ધીમા, ચાવેલા અવાજે બોલ્યો અને આરવની બિલકુલ નજીક આવીને ઊભો રહ્યો. બંને વચ્ચે માંડ એક ફૂટનું અંતર હતું. "તને ખબર છે તું કોની સામે ઊભો છે? નજર નીચે કર... મેડિકલ કોલેજમાં નજર નીચે અને અવાજ બંધ રાખીને જ જીવી શકાય."

આરવની આંખોનો પલકારો પણ ના ફર્યો. એણે અત્યંત ઠંડા અને મક્કમ સ્વરે માત્ર એટલું જ કહ્યું, "મારું નામ આરવ શર્મા છે. હું ટ્રાન્સફર સ્ટુડન્ટ છું, આજે આવ્યો નવો છું એટલે મને કશી ખબર નથી.” આરવ ના સ્વર માં સહેજ પણ ડર નહોતો. 

પાછળ ઊભેલા બંને સિનિયર્સ હસી પડ્યા. "અરે વાહ વિક્રમભાઈ! આ પીસ તો બહુ ચરબીવાળો લાગે છે. આની ચરબી ઉતારવી પડશે."

વિક્રમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. એણે દાંત ભીંસીને કહ્યું, "બહુ ફિટનેસનો શોખ છે ને તને? તારું સ્વાગત સ્પોર્ટ્સ ક્વોટાથી કરીએ. શર્ટ અને પેન્ટ બંને ઉતાર અને અત્યારે જ, આ જ ફર્શ પર... 100 પુશ-અપ્સ (Push-ups) કર. એક પણ વાર રોકાયા વગર. જો વચ્ચે શ્વાસ લેવા ઊભો થયો... તો આખી રાત હોસ્ટેલની છત પર મરઘો બનીને ઊભો રાખીશ."

કેતન અને જિગ્નેશ બંને ધ્રૂજી ઉઠ્યા. 100 પુશ-અપ્સ? એક સામાન્ય મેડિકલ સ્ટુડન્ટ માટે સળંગ વીસ કરવા પણ લોઢાના ચણા ચાવવા સમાન હતા.

પણ આરવે કોઈ જ દલીલ ના કરી.

RAW ના એજન્ટ તરીકે અને આર્મીની અત્યંત કઠિન ટ્રેનિંગમાંથી પસાર થયેલા કેપ્ટન આરવ સિંહ માટે આ એક રમત હતી. પણ અહીં એણે પોતાનું 'આરવ શર્મા' નું મહોરું જાળવવાનું હતું. છતાં, એણે નક્કી કર્યું કે જો આ કેમ્પસમાં એણે પોતાની જાસૂસી પર ધ્યાન કેન્દ્રિત કરવું હશે, તો આ રોજ રોજના રેગિંગના ત્રાસને પહેલા જ દિવસે કાયમ માટે ખતમ કરવો પડશે. એક એવો ભય ઊભો કરવો પડશે કે કોઈ સિનિયર એના રૂમ તરફ જોવાની હિંમત ના કરે.

આરવે શાંતિથી પોતાના શર્ટના બટન ખોલ્યા અને શર્ટ કાઢીને ખુરશી પર મૂક્યો સાથે સાથે પેન્ટ પણ.

શર્ટ ઉતરતાની સાથે જ રૂમમાં એક સન્નાટો છવાઈ ગયો. આરવનું શરીર જીમમાં બનાવેલા કોઈ મોડલ જેવું નહોતું... એ એક કસાયેલા, લોખંડી યોદ્ધા જેવું હતું. એની છાતી અને ખભાના સ્નાયુઓ પથ્થર જેવા કઠોર હતા. અને સૌથી ભયાનક વાત... એના ડાબા ખભા અને પીઠ પર બે-ત્રણ જૂના, ઊંડા ઘાના નિશાન હતા. (જે હકીકતમાં આર્મીના મિશન દરમિયાન વાગેલી ગોળીઓ અને છરાના નિશાન હતા).

વિક્રમ અને એના સાગરીતોની આંખો પહોળી થઈ ગઈ. આ કોઈ સામાન્ય મેડિકલ સ્ટુડન્ટનું શરીર નહોતું.

આરવ જમીન પર પુશ-અપ્સની પોઝિશનમાં આવ્યો. એની પીઠ એકદમ સીધી હતી.

"વન..."

"ટુ..."

"થ્રી..."

આરવે શરૂઆત કરી. એની ગતિ એકદમ લયબદ્ધ અને શિસ્તબદ્ધ હતી. એક મશીનની જેમ.

વીસ... ત્રીસ... પચાસ...

રૂમમાં માત્ર આરવના ધીમા શ્વાસ અને જમીન પર હાથના દબાણનો અવાજ આવી રહ્યો હતો. પચાસ પુશ-અપ્સ પછી પણ એના શ્વાસની ગતિમાં કોઈ જ ફેરફાર નહોતો. એના ચહેરા પર થાકનું એક નાનકડું ટીપું પણ નહોતું.

કેતન અને જિગ્નેશ ફાટેલી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા હતા.

એંસી... નેવું... અને... એક સો.

100 પુશ-અપ્સ પૂરા થયા. સિનિયર્સના ચહેરા પર હવે ડર સ્પષ્ટ દેખાતો હતો. એમણે ધાર્યું હતું કે આ નવો છોકરો કરગરી પડશે, માફી માંગશે. પણ આ તો રાક્ષસ નીકળ્યો.

"બ... બસ. ઊભો થઈ જા." વિક્રમે થોડા ખચકાટ સાથે કહ્યું. એ સમજી ગયો હતો કે આ છોકરા સાથે શારીરિક બાથ ભીડી શકાય તેમાં નથી.

પણ... આરવ રોકાયો નહીં.

એક સો એક... એક સો બે...

"ઓય! મેં કહ્યું ઊભો થા!" વિક્રમે જરા મોટો અવાજ કર્યો, પણ એના અવાજમાં હવે ધ્રૂજારી હતી.

આરવની આંખો જમીન પર જ હતી અને એનું શરીર એક લયમાં ઉપર-નીચે થઈ રહ્યું હતું.

એક સો પચાસ... એક સો એંસી...

હવે રૂમનું વાતાવરણ અત્યંત ભયજનક બની ગયું હતું. વિક્રમના બંને સાથીઓ ધીમે ધીમે દરવાજા તરફ સરકી રહ્યા હતા. આ કોઈ સાયકો અથવા તો કોઈ ખતરનાક માણસ છે, એવો ભાસ એમને થઈ રહ્યો હતો. આરવના મસલ્સ હવે ખેંચાઈ રહ્યા હતા, એના શરીર પર પરસેવાનું આછું સ્તર ચમકી રહ્યું હતું. પણ એની આંખોમાં રહેલો પેલો શૂન્ય ભાવ... એ કોઈને પણ ડરાવવા માટે પૂરતો હતો.

એક સો નવ્વાણું...

અને... બસ્સો (200).

આરવ ધીમેથી ઊભો થયો. એણે ટેબલ પર પડેલો ટુવાલ લીધો અને પોતાનો ચહેરો લૂછ્યો. એના શ્વાસ હજુ પણ એકદમ નોર્મલ હતા. એણે ખુરશી પરથી પોતાના શર્ટ-પેન્ટ લીધાં અને પહેરતાં પહેરતાં વિક્રમની સાવ નજીક જઈને ઊભો રહ્યો.

આરવની ઊંચાઈ વિક્રમ કરતાં સહેજ વધારે હતી.

"પહેલા સો... તમારા હુકમ માટે હતા, સિનિયર." આરવે બિલકુલ ધીમા, બર્ફીલા અવાજમાં કહ્યું, જે માત્ર વિક્રમ જ સાંભળી શકે. "અને બાકીના સો... મારી પોતાની શાંતિ માટે. સિનિયર્સ, હું ઈચ્છું છું કે આપણે શાંતિ થી રહીએ, મને તમારો સહકાર મળે અને મારો તમને ! બોલો મળશે ને ?

વિક્રમના ગળામાં જાણે શબ્દો ફસાઈ ગયા. એના મોંમાંથી માત્ર એક નાનકડો અવાજ નીકળ્યો, "હં..."

"ગુડ નાઇટ, સિનિયર્સ." આરવે પ્રેમ થી સંવાદ સાધ્યો.

વિક્રમ અને એના બંને સાગરીતો કોઈ પણ શબ્દ બોલ્યા વગર ચુપચાપ રૂમની બહાર નીકળી ગયા. દરવાજો બંધ થતાં જ રૂમ 404 માં ફરીથી હવાનો પ્રવાહ ચાલુ થયો હોય એવું લાગ્યું.

કેતન દોડીને આરવ પાસે આવ્યો. "ભાઈ!!! તું માણસ છે કે ટર્મિનેટર? બસ્સો પુશ-અપ્સ? અને પેલા વિક્રમની તો તેં બોલતી જ બંધ કરી દીધી! આખી હોસ્ટેલ એનાથી થરથર કાંપે છે!"

જિગ્નેશે પણ પોતાના ચશ્માં સરખા કરતાં કહ્યું, "બોસ, માનવું પડે. તારું બોડી અને આ સ્ટેમિના... તું તો હોસ્ટેલનો નવો બાહુબલી બની ગયો!"

આરવે એક હળવું સ્મિત આપ્યું. "અરે કશું નથી યાર. હું પહેલાથી જ ફિટનેસનો થોડો ગાંડો છું. અને આ સિનિયર્સને જો ડરાવીએ નહીં, તો જીવવા ના દે."

કેતન ખુશીથી ઉછળી પડ્યો. "સાચી વાત ભાઈ! હવે આ રૂમ 404 બાજુ કોઈ સિનિયર જોવાની હિંમત નહીં કરે. ચાલ આ ખુશીમાં હું તને મારી સ્પેશિયલ મેગી બનાવીને ખવડાવું."

આરવ પથારીમાં બેઠો. રૂમમાં હવે એકદમ હળવું અને મૈત્રીપૂર્ણ વાતાવરણ હતું. કેતન અને જિગ્નેશના રૂપમાં એને બે સાચા અને નિર્દોષ મિત્રો મળી ગયા હતા, જે એના આ અન્ડરકવર મિશનમાં એનો અદ્રશ્ય સપોર્ટ બનવાના હતા.

પણ આરવનું મન હજુ હોસ્ટેલના રૂમમાં નહોતું. એની નજર બારીની બહાર, અંધકારમાં ડૂબેલા કોલેજના વિશાળ કેમ્પસ તરફ હતી. ફાર્માકોલોજી વિભાગની બિલ્ડીંગ તરફ, જ્યાં અંધારામાં કોઈ કાળો કારોબાર ધમધમી રહ્યો હતો.

આ તો માત્ર શરૂઆત હતી. સિનિયર્સનો ડર તો એણે ખતમ કરી નાખ્યો હતો, પણ અસલી રાક્ષસો તો હજુ આ કેમ્પસના અંધારામાં છુપાયેલા હતા. અને આરવ... એ અંધારાને ચીરવા માટે જ આવ્યો હતો.

(ક્રમશ:)

“નીલ”

ડૉ. નિલેષ ઠાકોર