ભાગ ૧૦: કોલેજ કેન્ટીનની મસ્તી અને આધ્યા
રાતના ત્રણ વાગ્યા હતા. ફ્રેશર્સ પાર્ટી ક્યારની પૂરી થઈ ચૂકી હતી, પણ આરવના દિમાગમાં વિચારોનું ભયાનક યુદ્ધ ચાલી રહ્યું હતું.
વેઈટરના શબ્દો—“રૂમ નંબર 404 ની ચાવીવાળો સ્ટુડન્ટ”—એના કાનમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા. આરવે અત્યંત ધીમા પગલે પોતાના રૂમનો દરવાજો ખોલ્યો.
રૂમમાં ઘોર અંધકાર હતો. જિગ્નેશના ધીમા નસકોરાંનો અવાજ આવી રહ્યો હતો, જ્યારે કેતન પોતાના પલંગ પર આડો-તેડો થઈને ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. આરવ અંધારામાં બંનેના ચહેરા તરફ તાકી રહ્યો. શું આ બેમાંથી કોઈ એક ડૉ. વ્યાસનો ખતરનાક જાસૂસ 'શેડો' હોઈ શકે? શું આ નિર્દોષતા માત્ર એક મહોરું હતું? આરવની આર્મી ટ્રેનિંગ કહેતી હતી કે કોઈ પર પણ વિશ્વાસ ના કરવો, પણ એનું મન આ વાત સ્વીકારવા તૈયાર નહોતું. એણે ધીમેથી બંનેના ટેબલ પર પડેલા ચાવીના ગુચ્છા ચેક કર્યા. બંને ચાવીઓ ત્યાં જ હતી.
આરવે ઊંડો શ્વાસ લીધો અને પોતાના પલંગ પર ઢળી પડ્યો. ખેલ ધાર્યા કરતા વધુ ગૂંચવાઈ રહ્યો હતો.
બીજા દિવસની સવાર.
સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજની કેન્ટીનમાં રોજની જેમ ભારે ભીડ અને ઘોંઘાટ હતો. ચાની ચૂસકીઓ, સમોસાની સુગંધ અને જુવાન હૈયાઓનો કલરવ.
"અલા ભાઈ, કાલે તો મેં ડાન્સ ફ્લોર પર આગ લગાવી દીધી આગ!" કેતન પોતાના મોંમાં એકસાથે બે ફાફડા ઘુસાડતા બડાશ મારી રહ્યો હતો. "ફર્સ્ટ યરની પેલી નવી છોકરી છે ને, રાધિકા... એ તો મારી સામે જ જોતી હતી આખી પાર્ટીમાં!"
જિગ્નેશે પોતાની દૂધની બોટલમાંથી ઘૂંટડો ભરતા કંટાળાથી કહ્યું, "તારી સામે એટલે જોતી હતી કારણ કે તું ડાન્સ કરતી વખતે કોઈ મરઘીને ખેંચ આવી હોય એવા ઝટકા મારતો હતો! આખા કેમ્પસમાં તારી આબરૂનો ફાલુદો થઈ ગયો છે, કેતિયા."
આરવ આ બંનેની વાત સાંભળીને હળવું સ્મિત કરી રહ્યો હતો. એણે પોતાની નજર એકદમ નોર્મલ રાખી હતી. અચાનક, કેન્ટીનના દરવાજેથી આધ્યા દાખલ થઈ. એણે સાદા સફેદ કુર્તા પર વાદળી દુપટ્ટો નાખ્યો હતો. એની સાદગીમાં પણ એક અદભુત આકર્ષણ હતું. કેન્ટીનના અડધા છોકરાઓની નજર એની તરફ જ હતી, પણ આધ્યાની નજર માત્ર એક જ ચહેરાને શોધી રહી હતી—આરવને.
આધ્યા સીધી એમના ટેબલ પાસે આવી અને આરવની બિલકુલ બાજુમાં પડેલી ખાલી ખુરશી ખેંચીને બેસી ગઈ. એના હાથમાં બે કપ ચા હતી.
"તારા માટે... આદુવાળી કડક ચા. મને ખબર છે તને કોફી કરતા ચા વધારે પસંદ છે." આધ્યાએ એક કપ આરવની સામે મૂકતા, અત્યંત સ્નેહભર્યા અવાજે કહ્યું.
આરવે ચાનો કપ હાથમાં લીધો. આધ્યાની આ નાનકડી કાળજી એના થીજી ગયેલા હ્રદયમાં હૂંફ પ્રસરાવી રહી હતી. "થેન્ક્સ આધ્યા. પણ કાલે રાત્રે..."
"કાલે રાત્રે શર્ટ પર ડાઘ પડ્યા પછી તું પાર્ટીમાં પાછો દેખાયો જ નહિ." આધ્યાની આંખોમાં એક મીઠી ફરિયાદ હતી. "બધું બરાબર તો હતું ને? મને તારી ચિંતા થવા લાગી હતી."
આરવે ચાનો એક ઘૂંટડો ભર્યો. "હા, ડાઘ બહુ જિદ્દી હતો. આસાનીથી જાય એવો નહોતો." (આરવનો ઈશારો પેલા વેઈટર અને ડ્રગ્સ તરફ હતો, જે આધ્યા સમજી શકી નહિ.)
બંનેની આંખો મળી. એક પળ માટે આસપાસનો બધો ઘોંઘાટ જાણે ગાયબ થઈ ગયો. આધ્યાની નજરમાં એક એવો પ્રેમ હતો જે આરવની અદ્રશ્ય દીવાલોને ઓગાળી રહ્યો હતો. જિગ્નેશ અને કેતન પણ બંને વચ્ચેના આ સાયલન્ટ રોમાન્સને જોઈને એકબીજા સામે મરક મરક હસી રહ્યા હતા.
આરવે અચાનક વાતાવરણ હળવું કરવા અને પોતાની તપાસ આગળ વધારવા માટે વાત બદલી.
"અચ્છા કેતન, તારી પાસે રૂમની પેલી એક્સ્ટ્રા ચાવી છે? મારે કદાચ આજે લેબમાંથી આવતા મોડું થાય, તો હું તારી ચાવી રાખી લઉં." આરવે બિલકુલ સહજતાથી પૂછ્યું.
કેતને સમોસું ખાતા ખાતા સાવ કેઝ્યુઅલ અવાજે જવાબ આપ્યો, "અરે ભાઈ, મારી ચાવી તો ત્રણ દિવસથી ખોવાઈ ગઈ છે! હું તો જીગાની ચાવીથી કામ ચલાવું છું."
આરવના કાન ચમક્યા. "ખોવાઈ ગઈ? ક્યાં?"
"ખબર નહિ યાર. ફાર્માકોલોજીની લેબની બહાર મેં મારું એપ્રન લટકાવ્યું હતું. પાછો આવ્યો ત્યારે ખિસ્સામાંથી ચાવી ગાયબ હતી. મેં વિચાર્યું કે નવી બનાવી લઈશ." કેતને ખભા ઉલાળ્યા.
આરવના મગજમાં સેકન્ડના હજારમા ભાગમાં બધી કડીઓ જોડાઈ ગઈ.
ફાર્માકોલોજી લેબ! ડૉ. વ્યાસનો ગઢ!
મતલબ... કેતન કે જિગ્નેશ 'શેડો' નહોતા. ડૉ. વ્યાસના જાસૂસે જાણીજોઈને કેતનની ચાવી ચોરી હતી જેથી તે રૂમ 404 ના નામનો ઉપયોગ કરીને, આરવને ફસાવી શકે! આરવના ચહેરા પર કોઈ ભાવ નહોતો, પણ અંદરથી એનો શિકારી દિમાગ હાઈ એલર્ટ પર આવી ગયો હતો.
ત્યાં જ, આધ્યાએ પોતાની બેગમાંથી નોટબુક કાઢવા માટે ચેઈન ખોલી.
ઝઝ્ઝ... ઝઝ્ઝ...
આરવના કાંડા પર બંધાયેલી સ્માર્ટવોચમાં અત્યંત ધીમું પણ સ્પષ્ટ વાઇબ્રેશન થયું. આ સામાન્ય મેસેજનું એલાર્મ નહોતું. આ 'ફ્રીક્વન્સી ડિટેક્ટર' નું એલાર્મ હતું.
આરવની નજર તરત જ આધ્યાની ખુલ્લી બેગની અંદર ગઈ. એની ટ્રેઇન્ડ આંખોએ બેગના એકદમ અંદરના ખાનામાં, ચેઈનની સિલાઈ પાસે ચોંટાડેલી એક નાનકડી, કાળા રંગની માઈક્રો-ચિપ જોઈ લીધી.
એ એક અત્યંત એડવાન્સ્ડ ઓડિયો લિસનિંગ બગ (Microphone Bug) હતું!
કોઈ માત્ર આધ્યાનો પીછો નહોતું કરી રહ્યું, કોઈ એની અને આરવ વચ્ચે થતી દરેક વાતચીત... એકેએક શબ્દ લાઈવ સાંભળી રહ્યું હતું!
આધ્યા હજુ કંઈ બોલવા જતી હતી...
ત્યાં જ આરવે અચાનક પોતાનો હાથ લંબાવ્યો અને આધ્યાના હોઠ પર પોતાની આંગળી મૂકી દીધી.
આધ્યા આ અચાનક થયેલા સ્પર્શથી ચોંકી ગઈ. એની આંખો પહોળી થઈ ગઈ અને હ્રદયના ધબકારા વધી ગયા.
આરવે બિલકુલ શાંત, પણ ગંભીર નજરે આધ્યાની આંખોમાં જોયું. એણે પોતાની આંગળી આધ્યાના હોઠ પર જ રાખીને, પોતાના બીજા હાથથી ટેબલ પર પડેલા એક ટિશ્યુ પેપર પર પેનથી ઝડપથી કંઈક લખ્યું અને આધ્યાની સામે સરકાવ્યું.
ટિશ્યુ પેપર પર લખ્યું હતું:
"આપણી વાત કોઈ સાંભળી રહ્યું છે. તારી બેગમાં માઈક્રોફોન છે. નોર્મલ રહેવાનો ડોળ કર. ડરતી નહીં, હું અહીં જ છું."
આધ્યાએ એ શબ્દો વાંચ્યા અને એના ચહેરાનો રંગ ઉડી ગયો. એના હાથ ધ્રૂજવા લાગ્યા. આરવે તરત જ પોતાનો હાથ લંબાવીને આધ્યાનો ધ્રૂજતો હાથ પકડી લીધો, જાણે એને અદ્રશ્ય સુરક્ષા કવચ પહેરાવી રહ્યો હોય.
આરવે ધીમેથી નજર ઊંચી કરી. કેન્ટીનના કાચના દરવાજાની બહાર... ફાર્માકોલોજી ડિપાર્ટમેન્ટની બાલ્કનીમાં ડૉ. શશાંક વ્યાસ ઊભા હતા. એમના હાથમાં એક નાનકડું બ્લુટૂથ ડિવાઇસ હતું અને એમના ચહેરા પર એક ક્રૂર, શૈતાની હાસ્ય હતું. ડૉ. વ્યાસની નજર સીધી આરવ પર જ હતી.
ડૉ. વ્યાસે આરવને પડકાર ફેંક્યો હતો. હવે આ માત્ર જાસૂસીનો ખેલ નહોતો રહ્યો, આ આરવના પ્રેમ અને એની ફરજ માટેની સીધી આર-પારની લડાઈ બની ચૂકી હતી.
(ક્રમશ:)
“નીલ”
ડૉ. નિલેષ ઠાકોર