Our Missing Innocent Laughter in Gujarati Philosophy by Jankruti Prajapati books and stories PDF | આપણું ખોવાઈ ગયેલું ‘નિખાલસ હાસ્ય'

Featured Books
Categories
Share

આપણું ખોવાઈ ગયેલું ‘નિખાલસ હાસ્ય'

एक સંશોધન મુજબ, એક નાનું બાળક દિવસમાં આશરે ૩૦૦ થી ૪૦૦ વાર ખિલખિલાટ હસે છે. જ્યારે આપણે મોટા થઈએ છીએ, ત્યારે એ હાસ્ય ઘટીને દિવસમાં માંડ ૧૫ થી ૨૦ વાર રહી જાય છે! અને વડીલોની વાત કરીએ તો, આજે સવારે ગાર્ડનમાં જઈને કૃત્રિમ રીતે ‘હા... હા... હા...’ કરીને ‘લાફ્ટર ક્લબ’માં હસવું પડે છે. ક્યારેય શાંતિથી બેસીને વિચાર્યું છે ખરું કે, ઉંમર વધવાની સાથે આપણું એ બાળપણનું નિખાલસ અને મન મૂકીને હસવાનું હાસ્ય ક્યાં ખોવાઈ ગયું? શું સમજદારી એટલી મોંઘી છે કે તેની કિંમત આપણે આપણા હાસ્યથી ચૂકવવી પડે?

નાનપણના એ દિવસો યાદ કરો, જ્યારે હસવા માટે કોઈ ખાસ કારણની કે જોકની જરૂર નહોતી. મિત્રની સાઇકલની ચેઈન ઉતરી જાય, ચાલુ વરસાદમાં ધૂળના ખાબોચિયામાં એકબીજા પર પાણી ઉડાડીને છબછબિયાં કરવા મળે, કે ક્લાસમાં શિક્ષક ચોક ફેંકે અને એ નિશાન ચૂકી જાય... બસ, હસવા માટે આટલું જ પૂરતું હતું. એ હાસ્ય પેટ પકડીને આવતું, આંખોમાંથી ખુશીના આંસુ લાવી દેતું અને આખા હૃદયને હળવુંફૂલ કરી દેતું. એમાં કોઈ દેખાડો નહોતો, કોઈ સોશિયલ મીડિયાનું ફિલ્ટર નહોતો અને કોઈ સ્વાર્થ નહોતો.

આજે આપણે મોટા થઈ ગયા છીએ, ‘સ્માર્ટ’ અને ‘સમજદાર’ થઈ ગયા છીએ. આપણી પાસે મોટી ગાડીઓ છે, મોંઘા બ્રાન્ડેડ ફોન છે અને સોશિયલ મીડિયા પર હજારો જોક્સ અને મીમ્સ (Memes) છે. પણ આશ્ચર્યની વાત એ છે કે આપણું હાસ્ય હવે માત્ર હોઠની આસપાસ જ સમેટાઈ ગયું છે, તે હૃદય સુધી પહોંચતું જ નથી.

આજની આખી પેઢી ડિજિટલ હસે છે. ફોનની સ્ક્રીન પર કોઈ સરસ જોક આવે એટલે આપણે મોઢા પર સહેજ પણ સ્મિત લાવ્યા વગર, સાવ કોરા ચહેરે સામેવાળી વ્યક્તિને 'LOL' (Laugh Out Loud) કે પાંચ-છ હસતા ઈમોજી (😂) મોકલી દઈએ છીએ. મેસેજમાં હાસ્યનો પૂર પૂરું વહે છે, પણ વાસ્તવિક જીવનમાં ચહેરા પર એક ગંભીર ઉદાસી કે તણાવ છવાયેલો હોય છે. આ તે કેવું હાસ્ય જે કી-બોર્ડ પરથી શરૂ થાય અને સ્ક્રીન પર જ પૂરું થઈ જાય?

મોટા થવાની સાથે આપણી ચિંતાઓ, કરિયરની દોડધામ, ઓફિસનું પ્રેશર, ઈએમઆઈ (EMI) ના ટેન્શન અને 'લોકો શું કહેશે' એ ડરે આપણી પાસેથી આપણી સહજતા છીનવી લીધી છે. આપણે આપણી આસપાસ એટલી ગંભીરતાનો આંચળો ઓઢી લીધો છે કે નાની-નાની વાતોમાં મુક્તપણે હસવું આપણને અપરિપક્વ (Immature) લાગે છે. આપણે ભૂલી ગયા છીએ કે હસવું એ નબળાઈ નથી, પણ જિંદગીની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાની સૌથી મોટી તાકાત છે. જે ચહેરા પર હાસ્ય નથી, તે ગમે તેટલો સુંદર હોય તો પણ અધૂરો લાગે છે.

ઘરના વડીલો પણ ક્યારેક જૂની યાદો વાગોળતા કહે છે કે, પહેલાંના જમાનામાં જ્યારે લાઈટો જતી રહેતી ત્યારે અગાસી પર કે શેરીના નાકે ચાર પાડોશીઓ અને મિત્રો ભેગા થતા તો આખું ફળિયું એમના નિખાલસ હાસ્યથી અને ગપ્પાઓથી ગુંજી ઉઠતું. આજે હાસ્ય બહુ મોંઘું થઈ ગયું છે. માનસિક તણાવ મુક્ત થવા માટે લોકોએ મોંઘા મેડિટેશન ક્લાસ અને લાફ્ટર થેરાપીનો સહારો લેવો પડે છે. જે હાસ્ય આપણો કુદરતી સ્વભાવ હતો, તેને આજે આપણે પૈસા આપીને શીખવી પડતી એક ‘કસરત’ બનાવી દીધી છે, એ જ આ જમાનાની સૌથી મોટી વિડંબના છે.

હજુ પણ સમય છે, આ પરિસ્થિતિને બદલી શકાય છે. ચાલો, આપણા ઘરમાં જ બેઠેલા નાના બાળકો પાસેથી ફરીથી કોઈ પણ શરત વગર હસવાની કળા શીખીએ. બાળક કોઈ ભૂલ કરે ત્યારે તેના પર તરત જ ગુસ્સે થઈ જવાને બદલે તેની માસૂમિયત પર થોડું હસી લઈએ. અઠવાડિયામાં એકવાર સોશિયલ મીડિયા અને ફોન બંધ કરીને પરિવાર સાથે બેસો, જૂના આલ્બમ કે બાળપણના કિસ્સાઓ વાગોળો અને એ તોફાનોને યાદ કરીને ફરી એકવાર બાળકની જેમ ખડખડાટ હસી લો.
જિંદગી ગમે તેટલી વ્યસ્ત કે મુશ્કેલ હોય, પણ ચહેરા પરનું સ્મિત ક્યારેય ઓછું ન થવા દો. સ્ક્રીન પર નકલી ઈમોજી મોકલવાનું છોડીને, કોઈને રૂબરૂ મળીને હૃદયથી હસો. કારણ કે, ઈશ્વરે માણસને આપેલું દુનિયાનું સૌથી સુંદર ઘરેણું તેનું ‘નિખાલસ હાસ્ય’ છે. તો પછી મોડું શેનું? આ લેખ વાંચીને જ તમારા ચહેરા પર એક સરસ અને સાચું સ્મિત લાવી દો!