૫૨ વર્ષના રાઘવભાઈ સરકારી વિભાગમાં એક ટોચના ક્લાસ-વન ઓફિસર હતા. તેમની એક સહીથી કરોડોના ટેન્ડર પાસ થતા, પણ છેલ્લા બે મહિનાથી તેમનું શરીર અંદરથી ખોખલું થઈ રહ્યું હતું. શરૂઆતમાં સામાન્ય તાવ અને પેટનો દુખાવો લાગતો હતો, પણ જ્યારે અમદાવાદની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે મેડિકલ રિપોર્ટ્સે હોશ ઉડાવી દીધા.
સીટી સ્કેન (CT Scan) અને એન્ડોસ્કોપીના પ્રાથમિક અહેવાલો ભયાનક હતા. ઓન્કોલોજિસ્ટે ફાઇનલ કન્ફર્મેશન માટે બાયોપ્સી (Biopsy) કરાવી, જેમાં "ગૅસ્ટ્રિક એડેનોકાર્સિનોમા" (Gastric Adenocarcinoma) એટલે કે પેટના કેન્સરના થર્ડ સ્ટેજ નું નિદાન થયું. કેન્સરના સેલ્સ લિમ્ફ નોડ્સ સુધી પહોંચી ચૂક્યા હતા. હજી ગઈકાલે જ કીમોથેરાપીનો પહેલો હેવી ડોઝ (Cisplatin અને 5-FU નું કોમ્બિનેશન) આપવામાં આવ્યો હતો, જેના કારણે રાઘવભાઈને અસહ્ય ઉબકા, મોંમાં ચાંદા અને આખા શરીરમાં કંપન ઉપડ્યું હતું. તેમનું તેજસ્વી શરીર સાવ ફિક્કું પડી ગયું હતું.
આજે સૌથી મોટો અને નિર્ણાયક ટેસ્ટ હતો—પેટ સ્કેન (PET-CT Scan), જે એ જોવાનો હતો કે કેન્સર લીવર કે ફેફસાં સુધી મેટાસ્ટેસાઈઝ (ફેલાયું) થયું છે કે નહીં. હોસ્પિટલના અંડરગ્રાઉન્ડ બેઝમેન્ટમાં આવેલા ન્યુક્લિયર મેડિસિન વિભાગના એ ઠંડા, સફેદ રૂમમાં રાઘવભાઈને વ્હીલચેર પર લાવવામાં આવ્યા. હવામાં સેનિટાઈઝર અને કેમિકલ્સની એક અજીબ ગંધ હતી. મશીનનો મોટો ગોળ આકાર કોઈ કાળચક્ર જેવો લાગતો હતો.
રેડિયોલોજીસ્ટે ફ્લુડોરોડિઓક્સિગ્લુકોઝ નામનું રેડિયોએક્ટિવ ઇન્જેક્શન આપ્યું અને ત્યારબાદ તેમને શાંત કરવા માટે એનેસ્થેસિયા (Anesthesia) નો ડોઝ આપ્યો. જેમ-જેમ એનેસ્થેસિયા લોહીમાં ભળતું ગયું, તેમ-જેમ રાઘવભાઈની આંખો સામે અંધકાર છવાતો ગયો, પણ મનની અંદર એક ગાઢ, કાળો ભય જાગી ગયો.
શરીર ભલે બેભાન હતું, પણ આત્મા આખી જિંદગીનો હિસાબ કરવા જાગતો હતો. એક અંધકારમય શૂન્યાવકાશમાં રાઘવભાઈની નજર સામે પાપના એક પછી એક દ્રશ્યો જીવંત થવા લાગ્યા:
એક દ્રશ્ય દેખાયું: સસ્તા અનાજની સરકારી યોજનાના ગોડાઉનમાંથી હજારો કિલો ઘઉં અને ચોખા બારોબાર વેચી દેવાની ફાઈલ પર તેમણે હસતા હસતા સહી કરી હતી. એ સહીના કારણે અનાજના અભાવે કેટલાય ગરીબ આદિવાસી બાળકો કુપોષણથી મરી ગયા હતા, જેમના આત્મા આજે રાઘવભાઈને ઘેરી વળ્યા હતા.
બીજું દ્રશ્ય દેખાયું: હોસ્પિટલોમાં નકલી અને સબ-સ્ટાન્ડર્ડ દવાઓ સપ્લાય કરતા એક મોટા માફિયા પાસેથી તેમણે ૫૦ લાખની લાંચ લીધી હતી. એ નકલી દવાઓ ઈન્જેક્ટ થવાથી કેટલાય દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. આજે એ દર્દીઓની ચીસો રાઘવભાઈના કાન ફાડી રહી હતી.
ત્રીજું દ્રશ્ય દેખાયું: ગામડાની કેટલીય ગરીબ વિધવા બહેનો સહાયના ફોર્મ પર સહી કરાવવા ત્રણ મહિના સુધી સચિવાલય બહાર ધક્કા ખાતી રહી. રાઘવભાઈએ લાંચ ન મળવાને કારણે એ ફાઈલો પાસ થઈ નહીં ને સરકારી યોજનાઓ નો લાભ ગરીબ વિધવા બહેનો ને નાં મળ્યો તે બહેનોની રડતી આંખો તેઓ જોઈને ડરી ગયા.
ચોથું દ્રશ્ય દેખાયું: એક ઈમાનદાર કર્મચારી જે તેમની આ કાળી કમાણી આડે આવી રહ્યો હતો, તેને બદનામ કરી, ખોટા કેસમાં ફસાવી તેની નોકરી છોડાવી દીધી હતી. એ ઓફિસરનો પરિવાર રસ્તા પર આવી ગયો હતો.
સરકારી યોજનાઓનો લાભ લાભાર્થી ઓ સુધી નાં પહોંચે અને પોતાના તથા લાંચિયા રાજકારણીઓ સુધી પહોંચાડી તે ભુલો યાદ આવતા મનોમન ડર લાગતો હતો.
"ના... ના... મને છોડી દો! મને માફ કરી દો!" રાઘવભાઈ એ અંધકારમાં ચીસો પાડી રહ્યા હતા. વૈભવી બંગલા, લક્ઝરી ગાડીઓ, સ્વિસ બેંકના એકાઉન્ટ્સ—આજે આમાંથી એક પણ વસ્તુ કેન્સરના સેલ્સને રોકવા સક્ષમ નહોતી. મોતના આ ઓછાયા સામે તેમની બધી જ સત્તા રાખ થઈ ગઈ હતી.
અચાનક એ ભયાનક અંધકારની વચ્ચે એક અદ્ભુત, મોરપિચ્છ જેવા ઘેરા વાદળી રંગનો પ્રકાશ પુંજ રેલાયો. વાંસળીના હૃદયને ચીરી નાખે તેવા કરુણ અને મધુર સૂર હવામાં ગુંજવા લાગ્યા. રાઘવભાઈએ જોયું તો પીતાંબર ધારી, આંખોમાં અનંત કરુણા લઈને ભગવાન શ્રીકૃષ્ણ વિરાટ સ્વરૂપે તેમની સામે ઉભા હતા.
તેમના દર્શન થતાં જ રાઘવભાઈ હાથ જોડી નમન કર્યા. તેઓ કૃષ્ણના ચરણોને સ્પર્શ કરી જોરજોરથી રડવા લાગ્યા.
"પ્રભુ! પ્રભુ... ઓ મારા લાલા... ઓ વ્હાલા...મને બચાવી લો! હું મરવા નથી માંગતો! મારી ભૂલ થઈ ગઈ, હું અહંકારમાં આંધળો થઈ ગયો હતો!" રાઘવભાઈના અવાજમાં ધ્રુજારી હતી.
શ્રીકૃષ્ણએ મંદ હાસ્ય કર્યું, પણ તેમની આંખો ગંભીર હતી ને મોહક સ્વરે કહ્યું : "રાઘવ, જે સંપત્તિ અને સત્તા માટે તેં હજારો ગરીબોના પેટ પર લાત મારી, આજે એ સંપત્તિને કહે કે તારા પેટનું કેન્સર મટાડી આપે! માણસ આખી જિંદગી પાપ કરે ત્યારે મને ભૂલી જાય છે, અને જ્યારે કાળ સામે આવીને ઉભો રહે ત્યારે જ કેમ હું યાદ આવું છું?"
"પ્રભુ, હું પાપી છું, હું નરાધમ છું!" રાઘવભાઈએ કૃષ્ણના ચરણો આંસુઓથી ધોઈ નાખ્યા, "પણ તમે તો કરુણાસાગર છો ને? તમારી ગીતામાં તમે ક્ષમાનો સંદેશ આપ્યો છે. મને બસ એક જ તક આપો. હું મારી જિંદગી બદલવા માંગુ છું. જે હાથોથી પાપ કર્યા છે, એ જ હાથોથી પુણ્ય કરવું છે.સદ કાર્યો કરવા છે."
કૃષ્ણએ રાઘવના મસ્તક પર હાથ મૂકતા ગંભીર અને દિવ્ય અવાજમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એક પરમ કલ્યાણકારી શ્લોક કહ્યો:
અપિ ચેત્સુદુરાચારો ભજતે મામનન્યભાક્ |
સાધુરિવ સ મન્તવ્યઃ સમ્યગ્વ્યવસિતો હિ સઃ || (ગીતા - ૯.૩૦)
"હે રાઘવ! જો કોઈ અતિશય દુરાચારી કે પાપી માણસ પણ બધું જ છોડીને અનન્ય ભાવથી, સાચા હૃદયથી મારો આશરો લે છે અને મને ભજે છે, તો તેને સાધુ (શ્રેષ્ઠ માણસ) જ માનવો જોઈએ, કારણ કે તેણે જીવનના સાચા માર્ગ પર ચાલવાનો દ્રઢ નિશ્ચય કરી લીધો છે."
ભગવાનના મુખે આ શ્લોક અને તેનો ભાવાર્થ સાંભળી રાઘવભાઈ ગદગદ થઈ ગયા. કૃષ્ણએ આગળ પૂછ્યું: "જો તને નવું આયુષ્ય મળે, તો તું શું કરીશ રાઘવ?"
રાઘવભાઈએ હાથ જોડી, ધ્રૂજતા અવાજે સંકલ્પ લીધો: "પ્રભુ, જો મને તક મળે તો હું મારા દરેક પાપનું પ્રાયશ્ચિત કરીશ:
હું જે ગરીબોનું અનાજ ખાાઈ ગયો છું, તેમના માટે ૨૪ કલાક ચાલતા 'શ્રીકૃષ્ણ અન્નક્ષેત્ર' શરૂ કરાવીશ, જ્યાં કોઈ ભૂખ્યું નહીં સૂવે.
નકલી દવાઓના પાપના પ્રાયશ્ચિત રૂપે, હું મારી અડધી સંપત્તિ વેચીને કેન્સરના ગરીબ દર્દીઓ માટે એક આધુનિક 'ફ્રી મેડિકલ સેન્ટર' અને ટેસ્ટિંગ લેબોરેટરી બનાવીશ.
જે વિધવા બહેનોની ફાઈલ મેં અટકાવી હતી, તેમને શોધીને મદદ કરીશ, સરકારી સહાય અપાવીશ.*
હું પ્રતિજ્ઞા લઉં છું કે હવે પછી મારી ઓફિસમાં કોઈ ગરીબ માણસને ધક્કો નહીં ખાવો પડે, લાંચ લીધા વિના સન્માનપૂર્વક તેમના કામ કરીશ. ખોટા કામો કરતાં દસ ગણા વધારે સારા કામો કરીશ, પ્રભુ!"
રાઘવભાઈની આ ભારોભાર આર્તતા અને સાચો પસ્તાવો જોઈ શ્રીકૃષ્ણની આંખોમાં પણ કરુણા છલકાઈ આવી. તેમણે પોતાનો દિવ્ય હાથ રાઘવભાઈના મસ્તક પર મૂક્યો:
"તથાસ્તુ, રાઘવ! તારો આજનો પેટ સ્કેનનો રિપોર્ટ બિલકુલ નોર્મલ આવશે. તારા શરીરમાંથી હું વ્યાધિ હરી લઉં છું અને તને નવું, લાંબુ આયુષ્ય આપું છું... પણ યાદ રાખજે, આ આયુષ્ય 'શરતોને આધીન' છે. જે ક્ષણે તું તારું વચન ભૂલ્યો અને ફરી લાલચના માર્ગે વળ્યો, એ જ ક્ષણે કાળ તારી સામે આવીને ઉભો રહેશે. આ તારી છેલ્લી તક છે."
"રાઘવ... રાઘવ... આંખો ખોલો... પ્લીઝ ઈશ્વર, મારા કંકુના પગલાં ભૂંસતા નહીં..."
રાઘવભાઈના કાનમાં તેમની પત્ની સુમનનો રડવાનો અવાજ સંભળાયો. તેમણે ધીમેથી આંખો ખોલી. તેઓ આઈ.સી.યુ. (ICU) ના બેડ પર હતા. આજુબાજુ મોનિટરનો ટિપ-ટિપ અવાજ આવી રહ્યો હતો. સામે પત્ની સુમન, યુવાન દીકરો આકાશ અને દીકરી રીદ્ધિ હાથ જોડીને ઉભા હતા. સુમનની આંખો રડી-રડીને લાલ થઈ ગઈ હતી, દીકરો ડોક્ટરોના પગ પકડી રહ્યો હતો કે ગમે તેમ કરીને તેના પિતાને બચાવી લો. પરિવારની આ લાચારી અને પ્રેમ જોઈને રાઘવભાઈની આંખો ભરાઈ આવી. તેમને સમજાયું કે જે કાળી કમાણી પાછળ તેઓ દોડતા હતા, તે પરિવારને માત્ર માનસિક તણાવ અને રોગ સિવાય કંઈ આપી શકી નહોતી.
અચાનક, ચીફ ઓન્કોલોજિસ્ટ ડૉ. મહેતા રિપોર્ટની ફાઈલ લઈને દોડતા રૂમમાં આવ્યા. તેમના ચહેરા પર અકલ્પનીય આશ્ચર્ય અને ઉત્તેજના હતી.
"મેડિકલ સાયન્સના ઇતિહાસમાં આવું ક્યારેય નથી જોયું! સુમનબેન, આકાશ... આ એક પરમ ચમત્કાર છે!" ડૉ. મહેતાએ ફાઈલ બતાવતા કહ્યું, "ગઈકાલની બાયોપ્સીમાં કેન્સરના ગ્રેડ-૩ સેલ્સ સાફ દેખાતા હતા, પણ આજના પેટ સ્કેન (PET Scan) ના ગ્રાફ અને ઈમેજીસ બિલકુલ ક્લીન છે! આખા શરીરમાં ન્યુક્લિયર અપટેક શૂન્ય છે. ધેર ઈઝ નો કેન્સર! રાઘવભાઈ સેન્ટ પર્સન્ટ નોર્મલ છે!"
આ સાંભળતા જ સુમન બેડ પર ઢળી પડી અને રડવા લાગી, દીકરાએ ડૉક્ટરને ગળે લગાવી લીધા. આખો રૂમ ખુશીના આંસુઓથી ભરાઈ ગયો. પણ રાઘવભાઈ શાંત હતા. તેમનું શરીર જે થોડા કલાકો પહેલા પીડાથી તૂટતું હતું, તે અત્યારે ગંગા કિનારે બેઠા હોય એટલું પવિત્ર અને હળવું ફૂલ લાગતું હતું. તેમના કાનમાં કૃષ્ણના શબ્દો ગુંજ્યા: "શરતોને આધીન..."
રાઘવભાઈને જિંદગી ફરી મળી, પણ માલિકી તેની નહોતી... હવે દરેક શ્વાસ કૃષ્ણની "શરતોને આધીન " હતો.કૃષ્ણે તેને ચમત્કાર નહીં, જવાબદારી આપી હતી.જીવનનું એક્સ્ટેન્શન મળ્યું હતું... પણ માત્ર સારા કર્મોની શરતે.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને રાઘવભાઈ જ્યારે ઘરે પહોંચ્યા, ત્યારે તેમનો અંદાજ અને જીવન પ્રત્યેનો અભિગમ આખો બદલાઈ ચૂક્યો હતો. જે ક્યારેય કોઈની સામે નમતા નહોતો, તે આજે ઘરના મંદિરમાં કૃષ્ણની મૂર્તિ સામે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી રહ્યા હતા.
બીજી જ સવારે, રાઘવભાઈએ પોતાની ઓફિસની બહાર મોટું બોર્ડ મારી દીધું: "અહીંયા લાંચ લેવી અને આપવી બંને પાપ છે, કારણ કે ઉપરવાળો સીસીટીવી વગર પણ બધું જુએ છે!"
જે એજન્ટો કરોડોની ડીલ લઈને આવતા, તેમને રાઘવભાઈ ધમકાવીને બહાર કાઢી મૂકતા.
રાઘવભાઈના જીવનમાં આવેલા આ અચાનક અને અભૂતપૂર્વ પરિવર્તનથી ઓફિસના સાથી કર્મચારીઓ, આજુબાજુના અધિકારીઓ અને તેમના જૂના મિત્રો સાવ ચોંકી ગયા. જે માણસ એક સહી માટે અઠવાડિયા સુધી ફાઈલ દબાવી રાખતો, તે હવે સામેથી કામ પતાવવા દોડતો હતો! મિત્રો પીઠ પાછળ વાતો કરવા લાગ્યા, "રાઘવને કેન્સરની દવાની કોઈ આડઅસર થઈ ગઈ છે કે શું? આખો માણસ બદલાઈ ગયો છે!"
પણ રાઘવભાઈને કોઈની પરવા નહોતી. તેમણે જોયું કે સરકારની અસંખ્ય કલ્યાણકારી યોજનાઓ ફાઈલોમાં જ દબાયેલી રહે છે અને સામાન્ય લોકો સુધી પહોંચતી જ નથી. આથી તેમણે પોતાના હોદ્દાનો ઉપયોગ કરીને એક બહુ મોટું "જન જાગૃતિ અભિયાન"શરૂ કર્યું. તેમણે સરકારી બાબુઓને એસી કેબિનમાંથી બહાર કાઢીને ગામડાંઓ અને ગરીબ વસ્તીઓ સુધી મોકલ્યા. વિધવા સહાય, આયુષ્માન કાર્ડ, અને શ્રમિક કલ્યાણ જેવી યોજનાઓ સીધી ગરીબોના ઘર સુધી પહોંચવા લાગી. લોકોમાં તેમના કામથી આલીશાન આનંદ અને સંતોષ વ્યાપી ગયો. જે કચેરીઓમાં લોકો રડતા રડતા આવતા, ત્યાં હવે રાઘવભાઈના કારણે લોકોના ચહેરા પર સ્મિત હતું.
રાઘવભાઈના આ નિઃસ્વાર્થ અને ક્રાંતિકારી કામની નોંધ આખા સમાજે લીધી. ટૂંક જ સમયમાં દેશભરમાં તેમની પ્રામાણિકતાની ચર્ચા થવા લાગી. એક પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા રાઘવભાઈના સન્માન માટે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
રાઘવભાઈના આ નિઃસ્વાર્થ અને ક્રાંતિકારી કામની નોંધ આખા સમાજે લીધી. ટૂંક જ સમયમાં દેશભરમાં તેમની પ્રામાણિકતાની ચર્ચા થવા લાગી. એક પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા રાઘવભાઈના સન્માન માટે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
હોલ માણસોથી ખિચોખિચ ભરેલો હતો. જ્યારે રાઘવભાઈનું નામ સ્ટેજ પર બોલાવવામાં આવ્યું, ત્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. ગુજરાતના મુખ્યમંત્રી અને મહાનુભાવોના હસ્તે તેમને 'ગૌરવ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો. પત્ની સુમન અને બાળકોની આંખો આજે ગર્વથી ભરાઈ આવી હતી.
એવોર્ડ લીધા પછી રાઘવભાઈ માઇક સામે આવ્યા. આખો હોલ એકદમ શાંત થઈ ગયો. રાઘવભાઈએ એવોર્ડ ટેબલ પર મૂક્યો, શ્રોતાઓ સામે હાથ જોડ્યા. તેમની આંખોમાં આજે અહંકાર નહીં, પણ પરમ ભક્તિ અને કૃતજ્ઞતાની ભીનાશ હતી. તેમણે ઘેરા અને આત્મવિશ્વાસથી ભરેલા અવાજમાં સ્ટેજ પરથી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એક દિવ્ય શ્લોક લલકાર્યો:
યત્કરોષિ યદશ્નાસિ યજ્જુહોષિ દદાસિ યત્ |
યત્તપસ્યસિ કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ્ || (ગીતા - ૯.૨૭)
શ્લોક પૂરો થતાં જ રાઘવભાઈએ માઈક હાથમાં લીધું અને તેનો અર્થ સમજાવતા ભાવુક થઈને કહ્યું:
"મારા વહાલા ભાઈઓ અને બહેનો, આ શ્લોક દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, તું જે કંઈ કર્મ કરે છે, જે કંઈ ખાય છે, જે કંઈ હવન કે પૂજા કરે છે, જે કંઈ દાન આપે છે અને જે કંઈ તપસ્યા કરે છે... એ બધું જ મને અર્પણ કરી દે.
મેં મારી જિંદગીના ઘણા વર્ષ અહંકાર અને સ્વાર્થમાં વિતાવ્યા. પણ આજે જ્યારે મને નવજીવન મળ્યું છે, ત્યારે મેં મારું આખું જીવન એ શ્યામ સુંદરણના ચરણોમાં ધરી દીધું છે. મને આ એવોર્ડ, સન્માન કે વાહ-વાહીમાં કોઈ રસ નથી..."
રાઘવભાઈએ સહેજ અટકીને ઉપર આકાશ તરફ જોયું અને તેમનું છેલ્લું વાક્ય બોલ્યા:
"હું તો બસ હવે એટલા માટે દોડી રહ્યો છું કે જ્યારે હું અહીંથી જાઉં ત્યારે 'ઉપરવાળો' મારી નોંધ લે! મારી પાસે જેટલો પણ શ્વાસ અને આયુષ્ય બાકી છે, ત્યાં સુધી મારે બસ બંને તેટલા વધુમાં વધુ સારા કામો કરવા છે, બસ!"
આખું ઓડિટોરિયમ ઊભું થઈ ગયું (Standing Ovation). મિનિટો સુધી તાળીઓનો ગડગડાટ ચાલુ રહ્યો. લોકોની આંખો ભીની હતી. સ્ટેજની પાછળ રહેલા પ્રકાશમાં રાઘવભાઈને જાણે મોરપિચ્છ ધારી કનૈયો મંદ-મંદ હસતો અને આશીર્વાદ આપતો દેખાયો. તેમની 'શરતોને આધીન' મળેલી જિંદગી આજે સાચા અર્થમાં સાર્થક થઈ ચૂકી હતી.