mogra ni mhek in Gujarati Love Stories by Rupen Patel books and stories PDF | મોગરાની મહેક

Featured Books
Categories
Share

મોગરાની મહેક

સવારે છ વાગ્યાનો સમય હતો.
સવારના સોનેરી કિરણો જ્યારે સિનિયર સિટિઝન પાર્કના લીલાછમ ઘાસ પર પડતા હતાં. સિનિયર સિટિઝન પાર્કમાં મોગરાની સુગંધ હવામાં તરતી હતી. પક્ષીઓનો કલરવ અને વૃદ્ધોના હાસ્યથી આખું વાતાવરણ જીવંત લાગતું હતું.
રતિલાલ હંમેશની જેમ બેંચ પર બેઠા અખબાર વાંચી રહ્યા હતા.રતિલાલ એટલે સિનિયર સિટિઝન પાર્ક ના ‘લાઈવ વાયર’. સ્વભાવે મોજીલા, રમૂજી અને આખા પાર્કમાં બધાના વડીલ-મિત્ર.
અચાનક પાર્કના ગેટ પાસે હોબાળો થયો. સવારમાં પાર્કનું શાંત વાતાવરણ એકાએક ગરમાયું.
"મેં તો એક જ ફૂલ તોડ્યું છે! આટલું શું બોલો છો?" એક મહિલા ગુસ્સામાં બોલી.
"મેડમ, નિયમ એટલે નિયમ. ફૂલ તોડવાની મનાઈ છે." સિક્યુરિટી ગાર્ડે જવાબ આપ્યો.
આસપાસના સિનિયર સિટિઝનો ભેગા થઈ ગયા.
રતિલાલ પણ ઊભા થયા.તેમણે શાંતિથી કહ્યું,
"મેડમ, ગાર્ડ પોતાની ફરજ બજાવે છે. આ ફૂલો સૌના છે. હવે આમ ના કરતા. ચાલો, વાત અહીં જ પૂરી કરીએ."
મહિલાએ પહેલી વાર તેમની તરફ જોયું.
એ મહિલા એટલે મનોરમા. દેખાવે કડક, શિસ્તબદ્ધ પણ આંખોમાં એક ઊંડી એકલતા.
મનોરમા ચહેરા પર ગુસ્સા સાથે બોલ્યા "બરાબર... મારી ભૂલ હતી."
આ રીતે રતિલાલ અને મનોરમાની પ્રથમ મુલાકાત થઈ.
રતિલાલ અને મનોરમા એ ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યુ ને રતિલાલ બોલ્યા, "ગુડમોર્નિંગ મેડમ , આ ફૂલો ડાળી પર જ હસતા સારા લાગે. તેમને તોડીને આપણે તેમની જિંદગી ટૂંકી કરી નાખીએ છીએ. આ ગાર્ડન તમારા સ્વાગત માટે જ છે, બસ ફૂલોને શ્વાસ લેવા દો."
​મનોરમા કશું બોલ્યા વગર રતિલાલને જોઈ રહ્યા. તેમનો ગુસ્સો ઓગળી ગયો અને તેમણે ચાલવાનું શરૂ કર્યું. એ એક ફૂલ તૂટવાની ઘટનાએ બે જિંદગીઓને જોડવાનો પાયો નાખ્યો.
રતિલાલ હસતા હસતા બોલ્યા, " આપને અહીં પહેલી વાર જોયા.. આપ..."
"હા,હુ હમણાં જ આ બાજુની સોસાયટી માં નવી રહેવા આવી છું ને મને ગાર્ડન માં વોકિંગ કરવાનો શોખ છે એટલે.." મનોરમા ચાલતા ચાલતા ગાર્ડન માં ચારેય બાજુ નજર ફેરવતા બોલ્યા.
પછીના દિવસોમાં મનોરમા નિયમિત પાર્કમાં આવવા લાગ્યા .
રતિલાલની મિત્રમંડળીમાં ધીમે ધીમે તે ભળી ગઈ.
ધીમે-ધીમે મુલાકાતો વધી. સવારની વોકિંગ, બપોરની ચાની વાતો અને સાંજનો સથવારો. 
રતિલાલ અને મનોરમા ક્યારે ‘મનોરમ મિત્રો’ બની ગયા, તેની પાર્કના બીજા સભ્યોને પણ ખબર ન પડી.
​એક સાંજે બેન્ચ પર બેઠા બેઠા બંનેએ પોતાના ભૂતકાળના પાના ખોલ્યા.
એક દિવસ વોકિંગ દરમિયાન રતિલાલે પૂછ્યું,
"તમારા ઘરે કોણ કોણ છે?"
મનોરમા થોડું મલક્યાં."ઘરમાં? દીવાલો, પુસ્તકો અને ભગવાન."
રતિલાલ હસી પડ્યા."ઠીક!તો મારી જેમ જ છો."
"તમારી જેમ એટલે?"
"મારા ઘરે પણ હવે યાદો જ રહે છે."
થોડી ક્ષણ બંને મૌન રહ્યા.
મનોરમાએ પહેલી વાર પોતાના જીવનની વાત કોઈને કરી."મા-બાપ વહેલા ગુમાવ્યા.
નાનો ભાઈ અને નાની બહેનને ઉછેર્યા.તેમને વિદેશ મોકલ્યા.પોતાનું આખું યુવાન જીવન તેમના માટે સમર્પિત કરી દીધું.
લગ્ન વિશે વિચારવાનો સમય જ નહોતો મળ્યો."
રતિલાલે પણ પોતાની કહાની કહી.
"મારા માટે તો મા-બાપ જ દુનિયા હતા. તેમની સેવા કરતાં કરતાં ઉંમર નીકળી ગઈ.ભણવામાં ને સેટલ થવામાં બહુ મોડું થઈ ગયું."
"પસ્તાવો થાય છે?"
રતિલાલે આકાશ તરફ જોયું.
"ક્યારેક થાય છે... પણ પછી વિચારું છું કે કદાચ ભગવાને કંઈક બીજું લખ્યું હશે."
મનોરમાએ નજર ફેરવી લીધી.
મનોરમાના કડક સ્વભાવ અને જવાબદારીઓના બોજ નીચે લગ્ન પાછળ છૂટી ગયા. હવે ભાઈએ મોકલેલા પોશ એરિયાના ઘરમાં તેઓ એકલા રહેતા હતા.
રતિલાલે પણ સંજોગોવસાત સ્વેચ્છાએ આજીવન એકલા રહેવાનું સ્વીકારી લીધું હતું.
તેમને પહેલી વાર લાગ્યું કે કોઈ માણસ ખરેખર તેમને સમજી શકે છે.
રતિલાલને બાગબગીચાનો ખૂબ શોખ હતો.
એક દિવસ તેઓ પોતાના ઘરના મોગરાના ફૂલો લઈને આવ્યા.
"આ લો."
મનોરમા ચોંકી ગયા."મારા માટે?"
"હા. ભગવાનને ચડાવી દેજો."
"અને વધે તો?"
રતિલાલ હસ્યા."વેણી બનાવીને વાપરી લેજો."
મનોરમા વર્ષો પછી શરમાયા."આ ઉંમરે વેણી?"
"પ્રેમ અને ફૂલોની ઉંમર પૂછાતી નથી."રતિલાલ હસીને બોલ્યા 
તે દિવસે ઘરે જઈને તેમણે ખરેખર મોગરાની વેણી બનાવી.અરીસા સામે ઊભા રહી લાંબા સમય સુધી મનોરમા પોતાને જોતા રહ્યા.પોતે પોતાને ઓળખી ન શક્યા.વર્ષો પછી કોઈ સ્ત્રીએ ફરીથી પોતાને સ્ત્રી તરીકે અનુભવ્યું હતું.
મોબાઈલ થી સેલ્ફી લીધી, એ સેલ્ફી રતિલાલ ને મોકલી ને પોતાના વોટ્સઅપ સ્ટેટ્સ માં અપડેટ કરી.
મનોરમા એ રતિલાલ ના ગાર્ડનના શોખ ના લીધે તેમની બહેનને રતિલાલ નીગાર્ડનની સલાહ માટે નંબર આપ્યો રતિલાલે તેમની બહેન સાથે ગાર્ડન, મનોરમાં અને તેમના ભાઈ વિશે પણ વાત કરી, પોતાની પણ વાત કરી.
થોડા મહિનાઓમાં આખા પાર્કમાં ચર્ચા શરૂ થઈ ગઈ.
"આ બંને વચ્ચે કંઈક છે."
"લાગે છે પ્રેમ થઈ ગયો."
"આ ઉંમરે?"
પણ જે લોકો હસતા હતા તેઓ જાણતા નહોતા કે એકલતા કેટલી ક્રૂર હોય છે.
એક સાંજે મનોરમાએ કહ્યું,"લોકો આપણા વિશે વાતો કરે છે."
રતિલાલે જવાબ આપ્યો,
"લોકો તો સૂરજ વિશે પણ વાતો કરે છે."
"તમને ડર નથી લાગતો?"
"મને માત્ર એક વાતનો ડર લાગે છે."
"કયો?"
"કે એક દિવસ તમે પાર્કમાં આવવાનું બંધ કરી દો."
મનોરમાની આંખો ભીની થઈ ગઈ.
એક દિવસ રતિલાલે મનોરમાને કહ્યા વગર, તેમના ભાઈ મનન અને બહેન નિશા સાથે વોટ્સએપ વિડીયો કોલ પર વાત કરી. રતિલાલે ખૂબ જ ગંભીરતાથી પણ હિંમતપૂર્વક પોતાની દિલની વાત મૂકી:
​રતિલાલ: "મનનભાઈ, નિશાબહેન... તમારી મોટી બહેને આખી જિંદગી તમારા માટે એકલા વિતાવી છે. હવે જ્યારે તમે બધા સેટલ છો, ત્યારે તેમની એકલતા મને ખૂંચે છે. હું મારી બાકીની જિંદગી તેમની સેવા કરવામાં અને તેમને ખુશ રાખવામાં વિતાવવા માંગુ છું. શું તમે મને એ હક આપશો?"
​મનન અને નિશા પહેલા તો ચોંકી ગયા. તેઓ જાણતા હતા કે મનોરમા અંદરથી બહુ પ્રેમાળ છે પણ બહારથી નાળિયેર જેવી કડક છે, તેના જીવનમાં કોઈ પ્રેમ લાવી શકશે એવું તેમણે વિચાર્યું ન હતું. પણ રતિલાલની સાચી આંખો જોઈને બંનેની આંખો ભીની થઈ ગઈ.
​નિશા: "રતિલાલભાઈ, અમે તો વર્ષોથી ઈચ્છીએ છીએ કે દીદી એક ઘર વસાવે, પણ તેમના ગુસ્સાના લીધે અમે બોલી નહોતા શકતા. જો દીદી હા પાડે, તો અમારી સંમતિ તમારી સાથે જ છે."
એક દિવસ વરસાદ પડી રહ્યો હતો.પાર્ક લગભગ ખાલી હતો.બેંચ પર માત્ર રતિલાલ અને મનોરમા બેઠા હતા.
વરસાદના ટીપાં મોગરાના ફૂલો પર પડતા હતા.
રતિલાલે ધીમેથી કહ્યું,
"મનોરમા..."
"હું સાંભળું છું."
"અપણે બંનેએ આખી જિંદગી બીજાઓ માટે જીવી છે."
મનોરમા ચૂપ રહ્યા.
"બાકી રહેલી જિંદગી પોતાના માટે જીવીએ?"
મનોરમાના હૃદયની ધડકન વધી ગઈ.
"શું કહેવા માંગો છો?"
રતિલાલે કંપતા અવાજે કહ્યું,
"મારી સાથે રહેશો?"
મનોરમાની આંખોમાંથી આંસુ સરકી પડ્યા.
વર્ષો પછી કોઈએ તેમને પસંદ કર્યા હતા.કોઈએ તેમની જવાબદારીઓ નહીં, પણ તેમને પ્રેમ કર્યો હતો.
મનોરમા: "રતિલાલ, આ ઉંમરે? દુનિયા શું કહેશે? અને હું માનસિક રીતે તૈયાર નથી. આખી જિંદગી એકલા રહેવાની આદત પડી ગઈ છે..."
​રતિલાલ: "મેં મનન અને નિશા સાથે વાત કરી છે. તેઓ બહુ ખુશ છે. દુનિયા આપણી એકલતા વહેંચવા નથી આવવાની, મનોરમા. પ્રેમ કરવાની અને પ્રેમથી જીવવાની કોઈ ઉંમર નથી હોતી."
​મનોરમા સ્તબ્ધ થઈ ગયા. તેમણે થોડા દિવસોનો સમય લીધો. 
તે રાત્રે મનોરમાએ પ્રથમ વખત પોતાના ભાઈ મનન અને બહેન નિશાને ફોન કર્યો.
"મારે તમને એક વાત કહેવી છે."
બંને મનોમન સમજી ગયા વાત રતિલાલ ની જ હશે.
"શું થયું?"
થોડી ક્ષણ મૌન રહ્યું.
પછી મનોરમાએ ધીમેથી કહ્યું,"મને કોઈ ગમે છે."
સ્ક્રીનની સામે બંને ભાઈ-બહેન ખુશ થયા.
નિશા "દીદી... અમે આ દિવસની રાહ વર્ષોથી જોઈ રહ્યા હતા."
મનન બોલ્યો,
"તમે આખી જિંદગી અમારા માટે જીવ્યા. હવે તમારા માટે જીવો."
બંને બોલ્યા તમારી ખુશીમાં અમારી ખુશી છે. તમારા દરેક નિર્ણય માં અમે સાથે છીએ.
મનોરમા પણ રડી પડ્યા.કદાચ આંસુઓમાં વર્ષોનું એકલપણું વહેતું હતું.
થોડા સમય પછી બંનેએ સાથે જીવન જીવવાનો નિર્ણય કર્યો.

ગાર્ડનના એ જ મોગરાના છોડ પાસે, જ્યાં થોડા મહિનાઓ પહેલા એક ફૂલ તોડવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો, આજે ત્યાં એક નાનકડો મંડપ બંધાયો હતો. કોઈ ધામધૂમ નહીં, કોઈ દેખાડો નહીં; બસ, સિનિયર સિટિઝન પાર્કના એ જ મિત્રો, ગાર્ડનનો એ જ સિક્યુરિટી ગાર્ડ (જે આજે ખુશ થઈને મીઠાઈ વહેંચતો હતો) અને વિડીયો કોલ પર હરખના આંસુ સારતા મનન અને નિશા.
​રતિલાલે હળવા સ્મિત સાથે મનોરમાના હાથમાં મોગરાના ફૂલોનો એક સુંદર ગુચ્છો આપ્યો. આજે મનોરમાનો એ જૂનો કડક સ્વભાવ ક્યાંય ઓગળી ગયો હતો, તેમની આંખોમાં માત્ર અને માત્ર સ્નેહ હતો.
તે રાતે આકાશ માં ચાંદની છવાઈ હતી.
મનોરમાએ પૂછ્યું,
"રતિલાલ, તમને લાગે છે કે આપણે મોડા મળ્યા?"
રતિલાલે તેમનો હાથ પકડી લીધો.
"ના."
"કેમ?"
"કારણ કે સાચો પ્રેમ ક્યારેય મોડો આવતો નથી."
"તો?"
"એ ત્યારે જ આવે છે જ્યારે હૃદય તેને ઓળખવા તૈયાર હોય."
મનોરમા તેમના ખભા પર માથું ટેકવી દીધું. તેમણે રતિલાલનો હાથ વધુ મજબૂતીથી પકડી લીધો અને હસતાં-હસતાં તેમની આંખોમાંથી પ્રેમનું એક ટીપું ગાલ પર સરકી પડ્યું.
નીચે બગીચામાં મોગરો ખીલી રહ્યો હતો.
અને ઉપર બે વૃદ્ધ હૃદયો આખરે યુવાન બની ગયા હતા.
પ્રેમની કોઈ ઉંમર નથી હોતી.ઉંમર માત્ર શરીરની હોય છે, હૃદયની નહીં.
​તેમણે સાબિત કરી દીધું કે સફેદ વાળ અને ચહેરા પરની કરચલીઓ ક્યારેય હૃદયના પ્રેમને ઘરડો નથી કરી શકતી.