આરોહી અને અંકિતના લગ્નને હજુ માંડ એક વર્ષ થયું હતું. તેમનું નાનું સંસાર-ઉપવન જાણે કોઈ સુંદર સ્વપ્ન જેવું મધુર હતું. ડ્રોઈંગ રૂમના નવા ઇન્ટિરિયરની પસંદગી, વીકએન્ડના પ્લાન્સ અને ભવિષ્યમાં આવનારા બાળકોના નામ સુધીની વાતો તેમના બેડરૂમની દિવાલોમાં ગુંજતી રહેતી. જીવન તેની સંપૂર્ણ ગતિ અને સુંદરતા સાથે વહી રહ્યું હતું. પણ, નિયતિ પાછળ ઊભી રહીને કંઈક અલગ જ પટકથા લખી રહી હતી.
એક દિવસ અચાનક આરોહીના શરીરે સાથ આપવાનું બંધ કર્યું. શરૂઆતમાં જે સામાન્ય થાક લાગતો હતો, તે ધીમે-ધીમે અસહ્ય આળસમાં બદલાવા લાગ્યો. ઉબકા આવવા, ભૂખ બિલકુલ મરી જવી, સવારે અરીસામાં જોતાં ચહેરા પર દેખાતો સોજો અને લોહીના દબાણનો સતત ઊંચો રહેતો પારો—આ બધું કોઈ મોટી આફતના સંકેત હતા.
"આરોહી, આપણે કાલે જ નેફ્રોલોજિસ્ટને બતાવી આવીએ. આ સામાન્ય અશક્તિ નથી," અંકિતે ચિંતાતુર અવાજે કહ્યું.
રિપોર્ટ્સ આવ્યા એ દિવસે ડૉક્ટરની કેબિનમાં સ્મશાન જેવો સન્નાટો હતો. ડૉક્ટરે ચશ્મા ઉતાર્યા, રિપોર્ટ ટેબલ પર મૂક્યો અને ગંભીર અવાજે કહ્યું, "અંકિતભાઈ, આરોહી... રિપોર્ટ્સ સારા નથી. આરોહીને ક્રોનિક કિડની ડિસીઝ એટલે કે CKD સ્ટેજ-૫ છે."
"સ્ટેજ-૫? એટલે શું ડૉક્ટર?" આરોહીનો અવાજ ધ્રૂજી ગયો.
"એનો અર્થ એ કે બંને કિડનીઓ લગભગ નિષ્ફળ થઈ ગઈ છે," ડૉક્ટરે નરમ પણ સરળ શબ્દોમાં સમજાવ્યું, "કિડની શરીરમાંથી ઝેરી તત્વો, વધારાનું પાણી અને કચરો બહાર કાઢે છે. જ્યારે તે માત્ર દસથી પંદર ટકા જ કામ કરતી રહે, ત્યારે શરીરમાં ઝેર ફેલાવા લાગે. હવે આપણી પાસે ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ વિકલ્પ નથી."
ડૉક્ટરના એ શબ્દોએ જાણે આરોહીના ભવિષ્ય પર કાળી શાહી ઢોળી દીધી. અંકિતના પગ નીચેથી જમીન સરકી ગઈ, પણ તેણે આરોહીનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો. આરોહીને લાગ્યું કે તેના જીવન પર કોઈએ પૂર્ણવિરામ મૂકી દીધું છે. શરૂઆતમાં તેને ખૂબ ગુસ્સો આવતો. મનોમન સતત એક જ પ્રશ્ન થતો: "શા માટે હું?"
પણ ધીમે-ધીમે તેને સમજાયું કે આ સવાલનો દુનિયામાં કોઈ જવાબ નથી.
હવે આરોહીની જિંદગી હોસ્પિટલના એ રૂમ અને ડાયાલિસિસ મશીનની આસપાસ સમેટાઈ ગઈ હતી. અઠવાડિયામાં ત્રણ વખત, ચાર-ચાર કલાક સુધી મશીન સાથે બંધાયેલા રહેવું તે તેની નિયતિ બની ગઈ. સેન્ટરમાં સંભળાતો મશીનોનો સતત 'બીપ... બીપ...' અવાજ તેના કાનમાં હથોડાની જેમ વાગતો. લોહી શુદ્ધ કરવા માટે હાથમાં બનાવેલી AV ફિસ્ટુલામાં જ્યારે જાડી સોયો ઘૂસાડવામાં આવતી, ત્યારે પીડાથી તેની આંખો મીંચાઈ જતી. દર પંદર દિવસે બ્લડ ટેસ્ટ, દર મહિને સ્કેન... ક્યારેક CT Scan, તો ક્યારેક Echo, Crossmatch, HLA Typing અને Antibody Screening. ડૉક્ટરી પરિભાષાના આ અટપટા શબ્દો હવે તેના રોજિંદા જીવનના હિસ્સા બની ગયા હતા. વારંવાર સોયો ભોંકાવાને કારણે તેના ગોરા હાથ પર કાળા-વાદળી નિશાન પડી ગયા હતા. આ પીડાદાયક કલાકો દરમિયાન મનને ફંટાવવા માટે તેણે એક નવો સહારો શોધ્યો—તે ડાયાલિસિસ દરમિયાન સકારાત્મક અને પ્રેરણાદાયી પુસ્તકો વાંચવા લાગી, જે તેના મનને મજબૂત રાખતા.
એક દિવસ ડાયાલિસિસ સેન્ટરમાં તેણે બાજુના બેડ પર એક નાનકડા છોકરાને જોયો. તે માત્ર દસ વર્ષનો હતો. હાથમાં મોટી સોયો લાગી હતી છતાં તેના ચહેરા પર ગજબનું સ્મિત હતું. આરોહીએ તેની નજીક જઈને પૂછ્યું, "બેટા, તને આ બધી સોયોથી ડર નથી લાગતો?"
તે છોકરો નિર્દોષતાથી હસ્યો, "ડર તો લાગે છે દીદી! પણ હું મોટો થઈને ક્રિકેટર બનવાનો છું. એટલે હું આ બીમારી સામે હારવાનો નથી."
એ બાળકના આ શબ્દોએ આરોહીની અંદર જાણે એક નવો આત્મવિશ્વાસ જગાડી દીધો. તેણે નક્કી કર્યું કે બીમારી ક્યારેય તેની આખરી ઓળખ નહીં બને.
એક સાંજે હોસ્પિટલથી આવ્યા પછી, અરીસા સામે ઊભા રહીને તેણે પોતાના હાથ જોયા. તેની આંખો ભરાઈ આવી. તેણે ધીમેથી દુખી અવાજે કહ્યું, "અંકિત... મારું શરીર તો જુઓ, જાણે પંચર થયેલા નકશા જેવું થઈ ગયું છે."
અંકિત પાછળથી આવ્યો, તેના ખભા પર હાથ મૂક્યો અને અરીસામાં તેની આંખોમાં આંખો પરોવીને બોલ્યો, "નિશાન શરીર પર છે આરોહી... નિશાન હજુ સુધી તારા મન પર નથી પડ્યા. અને જ્યાં સુધી તારું મન મજબૂત છે, ત્યાં સુધી આ નકશામાં જીતનો રસ્તો ચોક્કસ મળશે." આરોહી કંઈ બોલી શકી નહીં, બસ અંકિતની છાતીમાં માથું છુપાવીને રડી પડી.
પરંતુ રાત્રે, જ્યારે બહાર મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો અને હોસ્પિટલના રૂમની બારી પર ટીપાં અથડાઈ રહ્યાં હતાં, ત્યારે આરોહીની અંદરનો ડર ફરી જાગ્યો. તેણે છત તરફ શૂન્યમનસ્ક નજરે જોતાં પૂછ્યું, "અંકિત... એક વાત પૂછું? જો હું ક્યારેય સાજી ન થાઉં તો...?"
અંકિતે તરત જ તેનો હાથ પકડી લીધો, "આવો પ્રશ્ન ફરી ક્યારેય પૂછતી નહીં."
"પણ જો ખરેખર હું..."
"આરોહી!" અંકિતે તેની વાત અધવચ્ચે જ કાપી નાખી. તેના અવાજમાં અડગતા હતી, "મેં લગ્ન મંડપમાં તારી સાથે સાત ફેરા લીધા હતા, સાત શરતો નહીં. તું જેવી સ્થિતિમાં હશે, હું ત્યાં હોઈશ. તારી સાથે અને તારી પડખે." પછી માહોલ હળવો કરવા તે થોડું હસ્યો, "અને હા... મેં ભગવાનને પણ કહી દીધું છે કે મારી પત્નીને વધારે પરેશાન ન કરે, નહિતર મારી જેવો કોઈ ખરાબ નથી!" આરોહીના આંસુઓ વચ્ચે પણ તેના હોઠ પર એક આછું સ્મિત આવી ગયું. એ હાસ્યમાં પીડા તો હતી, પણ સાથે જીવવાની એક અનોખી આશા પણ જન્મી રહી હતી.
લડાઈ માત્ર આરોહી કે અંકિતની નહોતી, આખો પરિવાર આ મહાયજ્ઞમાં આહુતિ આપી રહ્યો હતો. એક રાત્રે હોસ્પિટલના ડિમ લાઈટવાળા રૂમમાં આરોહીની આંખ ખુલી. તેણે જોયું કે તેની સાસુ ખૂણામાં બેસીને હાથમાં માળા ફેરવી રહી હતી. તેમની આંખો થાકથી ઘેરાયેલી હતી છતાં ભક્તિ ચાલુ હતી.
"મમ્મી, રાતના બે વાગ્યા છે... તમે હજુ સૂતા કેમ નથી?" આરોહીએ નબળા અવાજે પૂછ્યું.
સાસુએ માળા બાજુ પર મૂકી, આરોહીના માથે હાથ ફેરવતા કહ્યું, "દીકરા, તું ચેનથી ઊંઘી જાય ને, પછી જ મને ઊંઘ આવે. તારી પીડા ઓછી થાય એ જ મારી ભક્તિ."
બીજી તરફ, સસરા ક્યારેય ડૉક્ટરની કોઈ મુલાકાત ચૂકતા નહીં. પોતાની નાની ડાયરીમાં તેઓ દરેક ડૉક્ટરની સલાહ, દવાનું નામ અને સમય ચીવટપૂર્વક લખતા. અંકિત તો ઓફિસથી સીધો દોડીને હોસ્પિટલ જ આવતો, ઘણીવાર પોતાનું ટિફિન ખોલવાનું પણ ભૂલી જતો અને ડાયાલિસિસ પૂરું ન થાય ત્યાં સુધી તેની બાજુની ખુરશી પર પથ્થરની જેમ બેસી રહેતો.
એક દિવસ જ્યારે આરોહીની મમ્મી તેને મળવા આવી, ત્યારે આરોહીએ મન હળવું કરતાં કહ્યું, "મમ્મી, જ્યારે મને આ બીમારીની ખબર પડી ત્યારે મને બહુ ડર હતો કે આ હોસ્પિટલના ચક્કરો અને ખર્ચા મારા સંબંધો તોડી નાખશે. લોકો કંટાળી જાય છે આવી લાંબી બીમારીથી..."
મમ્મીએ તેની આંખો લૂછતાં કહ્યું, "બેટા, સાચા સંબંધો ખુશીના દિવસોમાં મહેલ બનાવવા નથી આવતા, એ તો મુશ્કેલીના દિવસોમાં પહાડ બનીને રક્ષણ કરવા ઊભા રહે છે. તારો પરિવાર એ પહાડ છે."
પરંતુ કસોટી હજુ બાકી હતી. એક રાત્રે અચાનક ગંભીર ઈન્ફેક્શનના કારણે આરોહીની તબિયત લથડી અને તેને તાત્કાલિક ICUમાં શિફ્ટ કરવી પડી. ઓક્સિજન માસ્ક પાછળથી તેનો ભારે શ્વાસ આખા રૂમમાં ગુંજતો હતો. મોનિટર પર ધબકારા અનિયમિત થઈ રહ્યા હતા. ડૉક્ટરે બહાર આવીને અંકિત અને પરિવારને કહ્યું, "સ્થિતિ ખૂબ જ નાજુક છે. ઈન્ફેક્શન લોહીમાં ફેલાઈ રહ્યું છે. તમે લોકો મન મજબૂત રાખજો અને... તૈયારી રાખજો."
પરિવાર બહાર પ્રાર્થનામાં ડૂબી ગયો. પણ પેલી બાજુ, ICUના એ ઠંડા બેડ પર, અર્ધજાગૃત અવસ્થામાં પડેલી આરોહીના મનની અંદર એક પ્રચંડ તોફાન ઉઠ્યું. તેની નજર સામે અંકિતનો ચહેરો, સાસુની માળા, સસરાની ડાયરી અને પેલા માસૂમ બાળકના શબ્દો આવી ગયા. તેના આત્માએ અંદરથી એક જોરદાર કિકિયારી પાડી: "ના... હું મારા પરિવારને આ રીતે હારીને એકલા મૂકી શકું નહીં. હું હજુ મરવાની નથી!" એ હોસ્પિટલના બેડ પર એક અદ્રશ્ય સંકલ્પનો જન્મ થયો. એ સંકલ્પ, એ અદમ્ય ઈચ્છાશક્તિનું નામ જ હતું—
જિજીવિષા.
એ ચમત્કાર જ હતો કે આરોહી ICUમાંથી હેમખેમ બહાર આવી. ત્યારપછી શરૂ થઈ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેની લાંબી અને આકરી પ્રતીક્ષા. મહિનાઓ વર્ષમાં બદલાતા ગયા, પણ આશા અમર હતી.
અને આખરે, એક મધરાતે અંકિતના ફોનની રિંગ વાગી. હોસ્પિટલમાંથી ફોન હતો: "અંકિતભાઈ, એક બ્રેઈન-ડેડ ડોનર તરફથી કિડની ઉપલબ્ધ થઈ છે. તાત્કાલિક આરોહીને લઈને હોસ્પિટલ પહોંચો."
તે રાત્રે ઘરમાં કોઈ ઊંઘ્યું નહીં. આંખોમાં ખુશીના આંસુ હતા અને મનમાં એક અજાણ્યો ડર. હોસ્પિટલ પહોંચતા જ અંતિમ ટેસ્ટનો દોર શરૂ થયો—ABO Compatibility, Tissue Matching, Crossmatch Testing અને Donor Kidney Function Analysis. દરેક રિપોર્ટ જાણે જીવન અને મૃત્યુ વચ્ચેનો આખરી ચુકાદો હતો. થોડા કલાકો પછી ઓપરેશન થિયેટરમાંથી સર્જન બહાર આવ્યા, તેમના ચહેરા પર એક સંતોષભર્યું સ્મિત હતું. તેમણે કહ્યું, "બધા રિપોર્ટ પરફેક્ટ છે. બધું મેચ થાય છે. આપણે ઓપરેશન શરૂ કરીએ છીએ." અંકિતની આંખોમાંથી વર્ષોનો બંધાયેલો આશાનો બંધ તૂટી ગયો અને તે રડી પડ્યો.
આઠ કલાક લાંબુ ઓપરેશન ચાલ્યું. બહાર બેઠેલા પરિવારે સમયની એક-એક સેકન્ડ ગણી. આખરે ઓપરેશન થિયેટરનો લાલ લાઈટ બંધ થયો. ડૉક્ટર બહાર આવ્યા, માસ્ક હટાવ્યો અને માત્ર એટલું જ બોલ્યા, "કોન્ગ્રેચ્યુલેશન્સ... નવી કિડનીએ બોડીમાં કામ શરૂ કરી દીધું છે!" આખો પરિવાર એકબીજાને ભેટીને રડી પડ્યો. એ આંસુ ગમ કે ખુશીના નહોતા, એ જીતના હતા.
પણ ટ્રાન્સપ્લાન્ટ એ અંત નહોતો, એ તો એક નવી શિસ્તબદ્ધ શરૂઆત હતી. હવે જીવનભર Immunosuppressant દવાઓ જેમ કે Tacrolimus, Mycophenolate, Prednisolone લેવાની હતી. સમયસર Creatinine Monitoring, Kidney Function Tests અને Infection Surveillance કરાવવાના હતા. ખાવા-પીવામાં Low Salt Diet અને Controlled Protein Intake ની સખત પરેજી રાખવાની હતી. પણ આરોહી માટે આ બધું હવે રમત માત્ર હતું, કારણ કે તેને નવું જીવન મળ્યું હતું.
સંપૂર્ણ સ્વસ્થ થયા પછી એક બપોરે, અંકિતે જોયું કે આરોહી સોફા પર બેસીને સતત મોબાઇલમાં કંઈક ટાઈપ કરી રહી હતી. તેના ચહેરા પર એક અલગ જ તેજ હતું.
"શું લખી રહી છે આટલા ધ્યાનથી?" અંકિતે પૂછ્યું.
આરોહીએ સ્મિત સાથે લૅપટૉપ તેની તરફ ફેરવ્યું, "અંકિત, હું મારી આ આખી સફર, આપણી આ લડાઈ શબ્દોમાં ઉતારી રહી છું. હું એક બ્લોગ અને સોશિયલ મીડિયા પેજ બનાવીને કિડનીના દર્દીઓમાં અવેરનેસ ફેલાવવા માંગું છું."
અંકિતે સહેજ હસીને પૂછ્યું, "પણ આ હોસ્પિટલની વાતો કોણ વાંચશે?"
"કદાચ કોઈ એવો માણસ વાંચશે અંકિત... જે અત્યારે હોસ્પિટલના કોઈ અંધારા ખૂણામાં બેડ પર પડ્યો હશે અને જિંદગીથી હારી જવાની છેલ્લી તૈયારી કરી રહ્યો હશે. મારી વાર્તા તેને કદાચ પાછો વાળી લે."
તેણે સોશિયલ મીડિયા પર પેજ શરૂ કર્યું અને તેનું નામ રાખ્યું: 'જિજીવિષા'. પ્રોફાઈલ પિક્ચરની બરાબર નીચે એક ટેગલાઈન ચમકતી હતી: "જ્યારે શરીર હારી જાય, ત્યારે જીવવાની ઇચ્છા લડે છે."
જોતજોતામાં તેનું પેજ વાયરલ થવા લાગ્યું. તે CKD, ડાયાલિસિસની પીડા, ટ્રાન્સપ્લાન્ટના નિયમો અને ઓર્ગન ડોનેશન (અંગદાન) વિશે વૈજ્ઞાનિક અને ભાવનાત્મક માહિતી શેર કરતી. એક દિવસ તેના ઇનબોક્સમાં એક મેસેજ આવ્યો: "દીદી, તમારી પોસ્ટ વાંચીને મેં આજે આત્મહત્યાનો વિચાર છોડી દીધો. હું પણ CKD પેશન્ટ છું, હવે હું લડીશ."
બીજાએ લખ્યું: "મારી આવતીકાલે પહેલી વાર ડાયાલિસિસ છે. હું ખૂબ ડરતો હતો, પણ તમારી સફર વાંચીને હવે મારો ડર ગાયબ થઈ ગયો છે."
ત્રીજાનો મેસેજ હતો: "તમારી વાર્તાએ મને અને મારા પરિવારને અંગદાન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાની પ્રેરણા આપી."
આરોહી આ મેસેજ વાંચતી અને દર વખતે તેની આંખોમાંથી કૃતજ્ઞતાના આંસુ સરી પડતાં. થોડા જ વર્ષોમાં 'જિજીવિષા' એક આંદોલન બની ગયું અને લાખો લોકો તેનાથી પ્રભાવિત થયા.
તેના આ અસાધારણ કાર્ય બદલ આરોહીને 'રાષ્ટ્રીય આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ'માં મુખ્ય વક્તા (ચીફ સ્પીકર) તરીકે આમંત્રિત કરવામાં આવી. હજારોની મેદનીથી ભરેલા વિશાળ ઓડિટોરિયમમાં સ્ટેજ પર તે આત્મવિશ્વાસથી ઊભી હતી. તેનું પ્રેરણાદાયી વક્તવ્ય પૂરું થતાં જ આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો.
ત્યારે જ પ્રશ્નોત્તરી દરમિયાન છેલ્લી હરોળમાંથી એક યુવાન ઊભો થયો. તેના કાંડા પર હજુ પણ ડાયાલિસિસ બેન્ડ બાંધેલું દેખાતું હતું. તેણે ધ્રૂજતા અવાજે પૂછ્યું, "મેડમ, આટલી અસહ્ય પીડા અને લાંબી લડાઈમાં... તમારી સૌથી મોટી તાકાત કોણ હતી? કોણે તમને મરવા ન દીધા?"
આરોહીએ સ્ટેજ પરથી થોડી ક્ષણો માટે મૌન પાળ્યું. પછી તેણે પહેલી હરોળમાં બેઠેલા અંકિત, પોતાની વ્હાલસોયી સાસુ, ડાયરી પકડીને બેઠેલા સસરા અને તેની માતા તરફ જોયું. તેની આંખો ખુશીથી છલકાઈ ગઈ. માઇક હાથમાં લઈને તેણે ધીમેથી પણ મક્કમ અવાજે કહ્યું, "ડૉક્ટરો અને વિજ્ઞાને તો માત્ર મારી કિડની બચાવી હતી..." આખો હોલ શ્વાસ રોકીને સાંભળી રહ્યો હતો. "...પણ સામે બેઠેલા મારા પરિવારે મારી જીવવાની ઇચ્છા—મારી જિજીવિષા બચાવી હતી."
એક ક્ષણ માટે આખા ઓડિટોરિયમમાં પિન-ડ્રોપ સાયલન્સ છવાઈ ગયું અને પછી... આખું ઓડિટોરિયમ ઊભું થઈ ગયું. સ્ટેન્ડિંગ ઓવેશન અને તાળીઓનો ગડગડાટ એટલો પ્રચંડ હતો કે હોસ્પિટલના એ જુના 'બીપ બીપ' અવાજો હંમેશા માટે એ ગુંજમાં દબાઈ ગયા. અંકિતની આંખોમાં ગર્વના આંસુ હતાં અને સાસુ હાથ જોડીને ઈશ્વરનો આભાર માનતી હતી.
આરોહીને એ ક્ષણે સમજાયું કે ચમત્કાર કોઈ લેબોરેટરી કે હોસ્પિટલની ઓપરેશન ચેમ્બરમાં નથી થતા; સાચો ચમત્કાર તો એ માણસો છે, જે તમારી જિંદગીના સૌથી અંધારિયા સમયમાં પણ તમારો હાથ ક્યારેય છોડતા નથી.
"જ્યારે શરીર હારી જાય, ત્યારે જીવવાની ઇચ્છા લડે છે... અને જ્યારે પરિવાર સાથે ઊભો હોય, ત્યારે એ ઇચ્છા જીતી જાય છે!"
— જિજીવિષા