Government treatment in Gujarati Comedy stories by Rupen Patel books and stories PDF | સરકારી સારવાર

Featured Books
  • Dream House

    रीतिका आज बहुत खुश है क्योंकि उसका सपना जो पूरा हो गया। उसने...

  • इश्क या जुनून - 9

                        ,,,स्कूल एडमिशन,,,                      ...

  • प्यार की एक नई शुरुआत - 2

    लडकी बेड पर बैठी हुई उस लडके को ऊपर से नीचे तक गौर से देखती...

  • Mafia King - 10

    हॉल का नज़ारा एकदम अलग था। धूप खिड़की से छनकर आ रही थी और फर्श...

  • परलोक

    ऋगुवेद सूक्ति--(35) की व्याख्या "स न: पर्षदति द्विष:"।ऋगुवेद...

Categories
Share

સરકારી સારવાર

રસિકલાલ એટલે 'સરકારી આત્મા'. ૩૫ વર્ષ સરકારી નોકરી કરીને રીટાયર્ડ થયા પછી પણ એમની નસોમાં લોહી નહીં, પણ સરકારી નિયમો અને કલમો દોડતી હતી. ગામમાં કોઈ બીમાર પડે, કોઈના ઘરે પ્રસંગ હોય કે કોઈને લોન લેવી હોય, રસિકલાલ ધોતિયું સરખું કરતા પહોંચી જ જાય, "અલ્યા ભાઈ, પ્રાઇવેટવાળા તો ખિસ્સા કાતરી નાખશે! આપણી માયાળુ સરકાર પર ભરોસો રાખો. સરકારી યોજનાઓ, સરકારી બેંકો અને સરકારી દવાખાના... બસ, આ જ જીવનનો સાચો મોક્ષ છે!" લોકો એમને પ્રેમથી 'સરકારી માણસ' કહેતા.
પણ વિધાતાએ રસિકલાલની આ અડગ સરકારી ભક્તિની આકરી પરીક્ષા કરવાનું નક્કી કર્યું.
એક રાત્રે રસિકલાલના પેટમાં પથરી એવી વકરી કે રસિકલાલ પથારીમાં ઊંધા-ચત્તા થવા લાગ્યા. મોઢામાંથી લાળ પડી ગઈ પણ સરકારી વટ ન ગયો. છોકરાઓએ ગભરાઈને કહ્યું, "બાપુજી, ગાડી કાઢું? પેલી મલ્ટીસ્પેશલ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈએ? ત્યાં પાંચ મિનિટમાં ઈલાજ થઈ જશે."
રસિકલાલ દુખાવામાં પણ સિંહની જેમ ત્રાડૂક્યા, "નાલાયકો! જીવીશ તો સરકારના ભરોસે ને મરીશ તોય સરકારના સિક્કા સાથે! જે દેશના વડાપ્રધાન રાત-દિવસ આપણા માટે જાગે છે, તેની સેવાઓ પર તમને અવિશ્વાસ છે? પ્રાઇવેટવાળા તો લૂંટારા છે, લૂંટારા!
તાત્કાલિક તેમના લંગોટિયા મિત્ર બચુ ને બોલાયો અને કહ્યું,"બચુડા... પકડ મારું પ્રધાન મન્ત્રી કાર્ડ, આધાર કાર્ડ ને , હેંડો સિવિલ હોસ્પિટલ. આપણે સરકારીમાં જ જઈશું. સરકારનું અન્ન ખાધું છે, તો ઈલાજ પણ સરકારનો જ જોઈશે!"
ખાસ મિત્ર બચુ અને રસિકલાલ ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઉપડ્યા સિવિલ હોસ્પિટલ. હોસ્પિટલમાં તો મેળો જામ્યો હતો. લાઈનો એટલી લાંબી કે જાણે મફત અનાજ વહેંચાતું હોય! બે દિવસ તો ડોક્ટરોએ ગ્લુકોઝના બાટલા અને પેનકિલર આપીને રસિકલાલને 'સરકારી ધીરજ અને પ્રતીક્ષા'ના પાઠ ભણાવ્યા.
રસિકલાલ બચુડાને કહેતા, "જોયું બચુડા, આ લાઈન એ દેશની પ્રગતિની નિશાની છે. સરકાર બધાને સમાન તક આપે છે!લોકોને હજુ સરકારી હોસ્પિટલ પર વિશ્વાસ છે એ લાઈનો પરથી સાબિત થાય છે."
બચુ વગર સમજે દરેક વાતોમાં માથું ધુણાવતો ને રસિકલાલ બોલે રાખતા.
ત્રીજી રાત્રે પથરીએ કટોકટી જાહેર કરી દીધી. દુખાવો અસહ્ય થયો. ડોક્ટરો દોડ્યા, "ઇમરજન્સી છે, તાત્કાલિક ઓપરેશન કરવું પડશે!"
હવે સરકારી હોસ્પિટલ એટલે ફાઈલોનું સામ્રાજ્ય. અડધી રાત્રે ઉંઘમાં અડધી પડતી ખુલ્લી આંખે નર્સે ફાઈલોની અદલાબદલી કરી નાખી. રસિકલાલને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને એનિમિયા (બેભાન કરવાનું ઇન્જેક્શન) આપી દીધું. બહાર બચુ પાસે ઉતાવળમાં દસ કાગળિયા પર સહીઓ કરાવી લીધી. 
બચુએ પૂછ્યું, "સાહેબ, આ શેની સહીઓ છે?" વોર્ડબોય કહે, "અરે ભાઈ, સરકારી નિયમ છે, સહી કરો નહિતર કેસ પેન્ડિંગ રહી જશે!"
ત્યાં ઓપરેશન ટેબલ પર પથરીના રસિકલાલની ફાઈલ બદલાઈને ઘૂંટણના ઘેંસાભાઈની થઈ ગઈ હતી! 
ડૉક્ટરે ચશ્મા સરખા કરીને ફાઈલ વાંચી – "અચ્છા, ડાબો ઘૂંટણ બદલવાનો છે! લાવો હથોડી ને પાના-પક્કડ!" ખટાખટ... ખટાખટ... ઓપરેશન પૂરું! પથરીને તો અડક્યા જ નહીં, પણ ડાબા પગનો આખો ઘૂંટણ નવો ફિટ કરી દીધો!
સવારે રસિકલાલને ભાન આવ્યું. પેટનો દુખાવો તો ગાયબ હતો (કદાચ ગભરાઈને પથરી અંદર સંતાઈ ગઈ હતી), પણ ડાબો પગ પથ્થર જેવો થઈ ગયો હતો. ત્યાં બચુ દોડતો આવ્યો, "અલ્યા રસિકા! આ ડોક્ટરોએ તો સરકારી અંધેર નગરી જેવું કર્યું છે. તારી પથરી કાઢવાને બદલે ડાબા પગનો આખો ઘૂંટણ જ નવો ફિટિંગ કરી દીધો!"
રસિકલાલની તો આંખો ફાટી ગઈ, "હેં?! મારી પથરી ક્યાં ગઈ? અને આ પગમાં કેમ સ્પ્રિંગો ફિટ કરી દીધી?"
બચુ એ બુમાબુમ કરી ને ડોક્ટર દોડી આવ્યા ને ખબર પડી, ફરીવાર સરકારી કાંડ થઈ ગયો.પણ આવું અહીં પહેલી વાર નહીં પણ અવારનવાર થનારી દુર્ઘટના હતી.
ત્યાં જ સિવિલના ચીફ ડોક્ટર હાથ જોડીને કેબિનમાં આવ્યા, "રસિકલાલભાઈ, ડિનર બ્રેક અને શિફ્ટ ચેન્જના ચક્કરમાં ફાઈલોનો સરકારી ગોટાળો થઈ ગયો. પ્લીઝ, બહાર કોઈને કહેતા નહીં, આરટીઆઈ (RTI) ન કરતા, નહિતર અમારી સરકારી હોસ્પિટલની બદનામી થશે અને ડિપાર્ટમેન્ટલ ઈન્ક્વાયરી બેસશે! સરકારી હોસ્પિટલ બન્ધ થઈ જશે."
હવે રસિકલાલ ખરા ધર્મસંકટમાં પડ્યા. એક તરફ નવો ઘૂંટણ અને બીજી તરફ પોતાની વહાલી સરકારની અને સરકારી વ્યવસ્થા ની બદનામી? 
ના, એમનાથી સરકારનું અપમાન સહન ન થાય! રસિકલાલ સરકારી વફાદારી બતાવતા છાતી ઠોકીને બોલ્યા, "સાહેબ, ચિંતા ન કરો. હું પોતે સરકારી કર્મચારી રહ્યો છું. ફાઈલોની આવી નાની-મોટી ભૂલો તો વહીવટી પ્રક્રિયાનો એક ભાગ છે! સરકાર માટે મારો એક ઘૂંટણ કુરબાન!"
રસિકલાલ પથરી ઓપરેશન ની 'નેક્સ્ટ ડેટ' લઈને, ઘૂંટણે મોટો પાટો બાંધીને સરકારી એમ્બ્યુલન્સમાં વટથી ઘરે આવ્યા.
ઘરે આવીને જ્યારે છોકરાઓ અને પત્નીને ખબર પડી કે બાપુજી પથરી કઢાવવા ગયા હતા ને ઘૂંટણ નવો નંખાઈને આવ્યા છે, ત્યારે બધા રોવાને બદલે મોઢા પર ડૂચો દઈને મનોમન હસવા લાગ્યા. છોકરો બોલ્યો, "બાપુજી, અમે તો કહેતા જ હતા ને કે સરકારીમાં ન જવાય!"
રસિકલાલ ખીજાયા, "છાના રહો અક્કલ વગરનાઓ! પ્રાઇવેટમાં આ ઘૂંટણ બદલાવવાનો ખર્ચ લાખોમાં થાય, સરકારે મને મફતમાં નવો ઘૂંટણ ફિટ કરી આપ્યો. આને કહેવાય કલ્યાણકારી રાજ્ય!"
ગામવાળા સાંજે ખબર અંતર પૂછવા આવ્યા, "કેમ રસિકભાઈ, ગયા હતા પથરી કઢાવવા ને આ ઘૂંટણમાં પાટો કેવો?"
ત્યારે રસિકલાલ ગોળ-ગોળ વાતો કરતા, "એ તો ભાઈ, આપણી સરકારી ટેકનોલોજી ડિજિટલ થઈ ગઈ છે. ડોક્ટરોએ જોયું કે પથરીનો વાયરસ સીધો નીચે ઉતરીને ઘૂંટણમાં ભરાયો હતો, એટલે સરકારે ઓન-ધ-સ્પોટ નિર્ણય લઈને ઘૂંટણ જ બદલી નાખ્યો. માસ્ટરસ્ટ્રોક કહેવાય આને!"
પણ અંદરખાને રસિકલાલનો સરકારી હોસ્પિટલની સિસ્ટમ પરથી વિશ્વાસ થોડો ડગી ગયો હતો. ફરી ઓપરેશન કરાવવાની એમની હિંમત નહોતી. મિત્રોએ સાંજે આવીને ગુપ્ત સલાહ આપી, "રસિકલાલ, હવે હોસ્પિટલના ચક્કર મૂકો. રોજ રાત્રે ઠંડી-ઠંડી બિયર ફટકાવવાનું ચાલુ કરો. બિયરના સરકારી પ્રેશરથી પથરી આપોઆપ ટપકી જશે."
આખી જિંદગી 'ડ્રાય સ્ટેટ'ના નિયમો પાળનારા રસિકલાલ છેવટે પથરીના ત્રાસથી 'બિયર થેરાપી'ના રવાડે ચડ્યા. રોજ રાત્રે બારી-બારણાં બંધ કરીને, દેશી દવાની જેમ બે-બે ઘૂંટ મારતા અને મનમાં બોલતા, "હે પ્રભુ, આ પણ હું સ્વાસ્થ્ય સુધારણાના સરકારી લક્ષ્યાંકો પૂરા કરવા જ કરું છું!"
અને એક સવારે ચમત્કાર થયો! રસિકલાલ બાથરૂમમાં ગયા ને અચાનક અવાજ આવ્યો... ટપ!
રસિકલાલે ચશ્મા ચડાવીને નીચે જોયું. એક મોટી પથરી ચમકતી હતી! રસિકલાલની આંખો ખુશીથી મોટી થઈ ગઈ. એમણે હાશકારો લીધો અને વિજયી સ્મિત સાથે બાથરૂમની બહાર આવ્યા.
બચુડાને ફોન કરીને રસિકલાલ હસતા હસતા બોલ્યા, "બચુડા, પથરી પણ બહાર આવી ગઈ અને પગમાં નવો ઘૂંટણ પણ આવી ગયો! સરકારી હોસ્પિટલની ફાઈલો ભલે આડીઅવળી થઈ, પણ ડિજિટલ ઇન્ડિયાની કૃપાથી મને 'એક ટિકિટમાં બે ખેલ' જેવો ફાયદો થઈ ગયો. જે થાય તે સારા માટે થાય છે... સરકારે મને પથરીના બહાને આખો ઘૂંટણ તો નવો ફ્રીમાં આપ્યો!"