ગાદલું
કંજૂસ ભગતરામના ખિસ્સામાં ૩ રૂપિયાનો સિક્કો પડ્યો હતો. એને લાગી થોડીક ભૂખ, પણ ત્રણ રૂપિયામાં આવે એવી એક પણ વસ્તુ એ દુકાને ન હતી. એની નજર એક લોટરીની ટિકિટ પર પડી. ભગતરામે એ ટિકિટ માંગી, પણ ટિકિટ પણ પૂરા ૫ રૂપિયાની. ભગતરામે હાથમાં ત્રણ રૂપિયા આપતા એ ટિકિટ માંગી. દુકાનદારને ખબર હતી કે આ કંજૂસ વધારે રૂપિયા હશે તો પણ નહીં આપે. એ પેકેટમાં એ છેલ્લી ટિકિટ હતી એટલે અંતે કંટાળીને દુકાનદારે એ વિચારતા જ કે આ કંજૂસના નસીબમાં વળી હોઈ—હોઈ ને શું જ હશે લોટરીમાં, એટલે એમણે પાંચ રૂપિયાની ટિકિટ ત્રણ રૂપિયામાં જ આપી દીધી. ઉમેરતાં કહ્યું; "આમાં જે નંબર નીકળે એ આવતીકાલના પેપરમાં એ નંબર નીકળશે. જો બંને નંબર એક જ સમાન હોય તો લોટરી લાગી ગઈ એમ સમજી લેજે." ભગતરામે એ ટિકિટ લઈ અને ઉતાવળમાં કોતરીને એનો નંબર જોયો. એ ટિકિટ પર ૧૫૭૯૩૪૬૦ નંબર લખેલો હતો, અને એની બિલકુલ નીચે એક કિંમત લખેલી હતી. કંજૂસ ભગતરામે લખેલી એ કિંમત જોઈ એની આંખો ચમકી ઊઠી. એણે ધીમે ધીમે ઉત્સાહ સાથે એ કિંમત ગણી તો એને ૫૦,૦૦૦ રૂપિયાની લોટરી લાગી હતી. કંજૂસે એ જઈને જલ્દીથી પોતાના ઘરની રૂમનો દરવાજો બંધ કર્યો, અને ભાંગ પીધેલા પાગલ વાંદરાની જેમ કૂદકા મારવા લાગ્યો. એ ઉત્સાહમાં તે ટિકિટ કોઈ જોઈ ન લે એ માટે એ નંબરને એક કાગળમાં જેવા-તેવા અક્ષર સાથે લખીને એ ટિકિટને એમના કરિયાવરમાં આપેલા એક જૂના-પુરાણા એક જાડા સ્પ્રિંગ વાળા સફેદ ગાદલાની વચ્ચે સંતાડી દીધી, અને બીજા દિવસે સૂરજ ઊગવાની સાથે એના ઘરે છાપું પડે, બસ— એની રાહ જોવા લાગ્યો.
બીજો દિવસ ઊગ્યો, ભગતરામ જે ક્ષણની રાહ જોઈને બેઠો હતો એ ક્ષણ આવી ગઈ. ભગતરામ પોતાના રૂમમાં આમથી તેમ આંટા મારી રહ્યો હતો. એવામાં એક છાપાવાળો એના ઘરની બહાર આવીને ઊભો રહ્યો. ભગતરામ જલ્દીથી ઘરની બહાર ભાગ્યો, અને છાપાવાળા પાસે એક છાપું માંગવા લાગ્યો. છાપાવાળાએ ના પાડતા કહ્યું, "પહેલા બે રૂપિયા આપો, તો જ છાપું આપું." ભગતરામે ખિસ્સામાં હાથ નાખતા કહ્યું; "ભાઈ, ઉધારમાં લખી દે ને, આવતીકાલે આપી દઈશ." છાપાવાળા ભાઈએ ભગતરામ તરફ જોઈને કહ્યું, "કોના આપ્યા છે હજુ સુધી?" ભગતરામ ગુસ્સાથી ઘરની અંદર ચાલ્યો, અને પોતાની પત્ની પાસે બે રૂપિયાની માંગ કરવા લાગ્યો. પત્નીએ કહ્યું, "પૈસા તો મારી પાસે પણ નથી." ભગતરામે કહ્યું, "આપણને ૫૦,૦૦૦ રૂપિયાની લોટરીની ટિકિટ પડી છે. જો આજના છાપામાં એ નંબર હશે તો આપણને લોટરી લાગી જશે, બસ બે રૂપિયા મળી જાય. એમાં આ નંબર લાગી જાય તો ૫૦,૦૦૦ રૂપિયા આપણા." એની પત્ની ખુશીને મારે રાજી થઈ ગઈ અને કહ્યું, "તમે પાંચ મિનિટ રાહ જુઓ, હું હાલ જ બે રૂપિયા લઈને આવું છું." ભગતરામ ઘરમાં ચાલ્યો ગયો. પાંચેક મિનિટ પછી એની પત્ની બે રૂપિયાનો સિક્કો લઈ ભગતરામને આપતા બોલી, "લો; હવે બે રૂપિયાને ૫૦,૦૦૦ રૂપિયામાં ફેરવો!" ભગતરામે પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો. એ કાગળમાં જે લોટરી નંબર લખેલો હતો, એ લોટરી નંબરને છાપાના કોઈક ખૂણામાં શોધવા લાગ્યો. છાપાના ત્રીજા પાના ઉપર લોટરીનો નંબર આપેલો હતો. ભગતરામે ખિસ્સામાંથી કાઢેલી કાપલીના નંબરને છાપામાં આવેલા નંબર સાથે સરખાવવાનું શરૂ કર્યું. ભગતરામની આંખો ચમકી ઊઠી કેમ કે તેને પચાસ હજાર રૂપિયાની લોટરી લાગી હતી, છાપામાં એ જ નંબર હતો જે નંબર એને લોટરીમાં લાગ્યો હતો. ભગતરામ ખુશીને મારે પાગલ થઈ ગયો. તેની પત્નીના હાથ પકડી ગોળ ગોળ ગોળ ગોળ ફૂદડી ભમવા લાગ્યો. "૫૦,૦૦૦... ૫૦,૦૦૦... ૫૦,૦૦૦ ની લોટરી!" પછી અચાનક "શૂઉઉઉ..." પોતાના મોઢા પર આંગળી મૂકી પત્નીને ચૂપ કરાવતા બોલી ઊઠ્યો, "કોઈને ખબર ના પડવી જોઈએ હો!" પત્નીએ હા માં હંકારો ભર્યો, અને ચૂપ થઈ ગઈ. ભગતરામ ખુશીને મારે ઝડપથી દુકાન તરફ ભાગ્યો. દુકાનદારને એ છાપામાં આવેલો લોટરી નંબર અને એક કાગળમાં લખેલો લોટરી નંબર બતાવતા કહ્યું; "જો જો ભાઈ, મારે ૫૦,૦૦૦ ની લોટરી લાગી છે." દુકાનદાર પણ આશ્ચર્યમાં પડી ગયો, આ કંજૂસને ૫૦,૦૦૦ ની લોટરી? હશે! "ભાઈ નસીબદાર છે તું, આવ્યા છે ને, જેના ભાગ્યમાં હોય તેને એ મળીને જ રહે છે." પછી દુકાનદારે ભગતરામના હાથમાં રહેલી કાપલી (કાગળનો ટુકડો) હાથમાં લેતા પૂછ્યું; "પણ આ તો ખાલી લોટરીનો નંબર છે, લોટરીની ટિકિટ ક્યાં છે?" "ઘરે છે, ગાદલામાં એક જગ્યાએ સંતાડી છે. હું હમણાં લઈને આવું!" ભગતરામ જલ્દીથી પોતાના ઘર તરફ પાછો ભાગ્યો. તેણે જઈને સીધો રૂમમાં ઊભો રહ્યો અને ઘણાબધા પડેલાં ગોદડાં અને ગાદલાં વચ્ચે એ જૂનું-પુરાણું ગાદલું શોધવા લાગ્યો જેમાં એણે લોટરીની ટિકિટ સંતાડી હતી. ગાદલું ન દેખાતા એણે પોતાની પત્નીને સાદ કર્યો, "સાંભળ્યું?" તેની પત્ની આવી, "બોલો શું થયું?" "પેલું કરિયાવરમાં આપેલું ગાદલું ક્યાં છે?" પત્ની ખડખડાટ હસતા બોલી ઊઠી; "એ વેચીને તો બે રૂપિયાનો સિક્કો હું તમારા માટે લઈ આવેલી!" "શું?" ભગતરામને ધોળા દિવસે આકાશમાં તારા દેખાવા લાગ્યા! માથામાં તમ્મર ચડી ગયા, અને એનું માથું ગોળ ગોળ ગોળ ચકરાવા લાગ્યું. ભગતરામ "અરે રે...." એમ કહી માથા પર બંને હાથ મૂકી ત્યાં જ બેસી ગયો. એની પત્ની પણ એને બેસી ગયેલો જોઈને પૂછવા લાગી, "પણ થયું શું?" ભગતરામે નિખાલસ ગુસ્સા સાથે એની તરફ જોતા કહ્યું; "અરે પાગલ! એ જ ગાદલામાં તો મેં આપણી ૫૦,૦૦૦ રૂપિયા વાળી લોટરીની ટિકિટ સંતાડેલી, અને તે એ જ વેચી માર્યું. વેચવા માટે પણ તને એ જ ગાદલું મળ્યું? હે ભગવાન!" ભગતરામે ફરી પોતાની પત્નીને પૂછ્યું; "તે ગાદલું કોને વેચ્યું?" પત્નીએ જવાબ આપતા કહ્યું; "બહાર પેલો ભંગારવાળો આવેલો ને, એને!" ભગતરામ જેમતેમ પોતાની લૂંગી પકડતા ખૂબ જ ઉતાવળથી ભંગારવાળાની રિક્ષા તરફ ભાગવા લાગ્યો. શરીર પર બસ સફેદ બનિયાન પહેરેલું છે, ઘૂંટણ સુધી એક ચડ્ડો પહેરેલો છે, અને એના માથે બસ— એક લૂંગી વીંટેલી છે. એક હાથે લૂંગી પકડેલી છે, અને બીજા હાથે જેમતેમ ઉતાવળ કરી, ભગતરામ એ રિક્ષાની પાછળ "ઊભો રે— ઊભો રે, એ ભંગારવાળા ઊભો રે!" એમ બૂમો પાડતા દોડી રહ્યા છે. ચારેક કિલોમીટર દોડ્યા પછી, હાંફેલા-થાકેલા ભગતરામના હાથમાં એ ભંગાર લે-વેચ કરનારો રિક્ષાવાળો ઝડપાયો. હાંફેલા અવાજ સાથે "પેલું.... પેલું... ગાદ.... ગાદલું પાછું આપ!" ભંગારવાળાએ કહ્યું; "કયું ગાદલું?" "અરે એ ગાદલું જે ગાદલું હમણાં તે કોઈકની પાસેથી બે રૂપિયામાં ખરીદ્યું હતું એ!" "અરે હા યાદ આવ્યું... પણ એ ગાદલું તો મેં નીતાબેનને વેચી માર્યું!" ભગતરામ ફરી પાછા હાંફેલા-થાકેલા ત્યાં જમીન પર ઢળી પડ્યા. "કોણ નીતાબેન— કોણ નીતાબેન?" "અરે પેલા અનાથાશ્રમવાળા નીતાબેન! અહીંયા નજીક જ એમનો અનાથાશ્રમ છે ને? એમને કોઈક છોકરાઓ માટે આ ગાદલું ખૂબ ગમ્યું એટલે નીતાબેને દસ રૂપિયામાં ખરીદી લીધું! મને આઠ રૂપિયાનો ફાયદો થતો હતો એટલે મેં પણ આપી દીધું." એમ કહી ખી ખી ખી ખી દાંત કાઢવા લાગ્યો! એટલામાં ભગતરામની છોટા ભીમ જેવી પત્ની પણ હાંફેલી-થાકેલી દોડતી આવતી હતી, અને ભૂલથી એનો પગ રોડ પર પડેલી કેળાની છાલ પર આવી ગયો, અને થાકેલી-પાકેલી ઊભી થવા જતા એના પતિ ભગતરામ પર આવી પડી. "અરે... રે... મરી ગયો! મરી ગયો...!" ભગતરામે એની પત્નીને ધક્કો મારી ઊભા થવાનું કહીને એની તરફ જોઈ બોલ્યો; "ઉપરવાળો મારે એની પહેલાં તો તું મને ક્યાંક મારી નાખીશ." "હાય હાય આવું ના બોલો" એમ કહેવા જઈ ફરી, એના મોઢા પર હાથ મૂકવા એની પત્ની સીધી ભગતરામ પર પડી ગઈ અને એનો હાથ ભગતરામના મોઢા પર રાખતા બોલી; "આવું ના બોલો મારા નાથ! આવી અશુભ વાતો ન કરો." ભગતરામે જોરથી એની પત્નીને ધક્કો આપી પોતાનાથી અલગ કરતા બોલ્યો, "અલ્યા છેટી રહે ને પણ, મારી નાખીશ તું મને!" એમ કહી ઊંડા-ઊંડા શ્વાસ લેવા લાગ્યો. ભગતરામ જેમતેમ કરી ફરી ઊભો થયો, અને ફરી પાછો ત્રણ કિલોમીટર એ અનાથાશ્રમ બાજુ ભાગવા લાગ્યો! એની પત્નીએ પણ ભગતરામની પાછળ-પાછળ દોડવાનું શરૂ કરી દીધું. ભગતરામ આગળ-આગળ— અને છોટા ભીમ જેવી ઠીંગણી પત્ની ભગતરામની પાછળ-પાછળ! બે કિલોમીટર ભાગ્યા પછી, અચાનક ઢાળ આવ્યો. ભગતરામ જેમતેમ પોતાની લૂંગી સંભાળતા, ઉતરતા ઢાળ પરથી પોતાની જાતને સંભાળવા લાગ્યો. પોતાની જાતને સંભાળવામાં લૂંગી પરથી તેનો હાથ છૂટી ગયો. ભગતરામને હલવાઈની દુકાન દેખાઈ. જો ઉતરતા ઢાળ પરથી ભગતરામે પોતાની જાતને ન સંભાળી, તો ભગતરામ સીધો હલવાઈની દુકાનમાં જઈ પડશે. દોડતા ભગતરામે ધીમે-ધીમે પોતાની જાતને સંભાળી, અને થોડીક બાજુમાં ક્યાંક એને એ જૂનો અનાથાશ્રમ દેખાયો. ભગતરામે ફરી થોડી સ્પીડ ઓછી કરી અને બહુ મુશ્કેલીથી અચાનક, એ અનાથાશ્રમના ગેટની આગળ આવીને ઊભો રહ્યો. જેવો જ એ આવીને અંદરનો નજારો જોઈ રહ્યો હતો, ત્યાં જ પાછળથી દોડતી આવતી એની પત્ની એની સાથે ટકરાઈ ગઈ અને એ સીધો હલવાઈની દુકાનના ઠંડા પડેલા કાળા કોલસાના ચૂલામાં એનું માથું જતું રહ્યું. બે પળ પછી, ભગતરામે પોતાની આંખો ખોલી, આંખો સામે બધું કાળું-કાળું! કમરમાંથી વળેલા ભગતરામ ધીમેથી સીધો થયો, અને સૌ લોકો એને જોઈને હસવા લાગ્યા. એ જલ્દીથી હલવાઈની દુકાનની અંદર ભાગ્યો, એમાં જઈને કાચમાં મોઢું જોયું. કાળું મોઢું, અડધી ટાલ ઉપર વધેલા ઊભા થઈ ગયેલા વાળ, शरीर પર એક સફેદ બનિયાન, ને નીચે ઘૂંટણ સુધી પહેરેલો એક ચડ્ડો. ભગતરામે પોતાના ચહેરા પર હાથ ફેરવ્યો, પછી પોતાના હાથ જોયા તો પોતાના હાથ કાળા થઈ ગયેલા હતા. એને બસ એ લોટરીની ટિકિટ યાદ આવી, તે ફરીથી અનાથાશ્રમ બાજુ ભાગ્યો! અને ફરી ત્યાં ગેટ ઉપર જઈને ઊભો રહ્યો. બહારના મોટા ગેટ પરથી ભગતરામે અનાથાશ્રમની અંદરનો નજારો જોયો. એક મહિલા નીતાબેનના એક હાથમાં એ છાપું અને બીજા હાથમાં એ ૫૦,૦૦૦ રૂપિયાની લોટરીની ટિકિટ હતી. એમના મોઢા પર એક અદભુત રમણીય સ્માઈલ હતી. એમની આંખોમાં હરખના આંસુ હતા, તો બાળકો એમને ભેટીને ઊભા હતા. જૂના-પુરાણા રંગ વગરના અનાથાશ્રમની હાલત, અને એવી જગ્યા પર પણ નીતાબેન જેવી વિધવા અને એકદમ સરળ સ્ત્રી, બધું છોડી બસ ૫૦ જેટલા બાળકોને મફત આવડે એટલું ભણાવતી અને એમની દેખભાળ રાખતી એ મહિલાના ચહેરા પર એક અલગ જ હાસ્ય હતું. કદાચ એ પૈસાથી એમની બધી માંગો, સગવડો અને જરૂરિયાતો સંતોષાઈ જાય એવી હતી. અચાનક નીતાબેનની નજર ગેટની બહાર ઊભેલા ભગતરામ અને એની પત્ની પર પડી. નીતાબેન ભીની આંખો સાથે બહાર આવ્યા. ભગતરામને એમની ટિકિટ પાસે આપતા કહ્યું કે, "આ તમારી લોટરીની ટિકિટ. ગાદલા સાથે કદાચ, ભૂલથી અમારે ત્યાં આવી ગઈ." ભગતરામે એ ટિકિટ લેવા હાથ લંબાવ્યો જરૂર, પણ એનું મન— એનું એ હૃદય એને ટિકિટ લેવાની જાણે "ના" પાડી રહ્યું હોય. ભગતરામે એની પત્ની તરફ નજર કરી, એની પત્નીએ સ્માઇલ કરતા ભગતરામને ટિકિટ પાછી લેવાની ના પાડી. એની પત્નીએ ભગતરામના એ લંબાવેલા હાથ ઉપર પોતાનો હાથ મૂકી એમનો હાથ ખેંચતા કહ્યું કે; "આ કદાચ એમના નસીબમાં હતું. કદાચ વ્યક્તિ પાસેથી પડાવી લેવાય, પણ નસીબમાં હોય એનું શું?" ભગતરામે એ ટિકિટ લેવાની ના પાડી અને કહ્યું કે; "આને ઉપરવાળાની ભેટ સમજીને તમે રાખી લો." બસ આટલું કહી ભગતરામ અને એની પત્ની ફરી પોતાના ઘર તરફ પાછા ફર્યા. ઉતરતા એ ઢાળ ઉપર એ પતિ-પત્નીએ એકબીજાનો હાથ પકડ્યો હતો, બંનેનો ચહેરો એકબીજા તરફ હતો અને એ બંનેની વચ્ચે ઢળતા સૂરજની રોશની એ બંનેના ચહેરા ઉપરની સ્માઈલને એક રંગીન દ્રશ્ય બનાવી રહી હતી.
સમાપ્ત ...