Bhool chhe ke Nahi ? - 110 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 110

The Author
Featured Books
Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 110

મમ્મીની વાત મને થોડી વિચિત્ર લાગી. પણ હું કંઈ બોલી નહીં. અને બીજા દિવસે સવારે હું તો નીકળી ગઈ મારા સમય પ્રમાણે. અને હું હજી મારી શાળાએ જ હતી અને મારા ભાઈનો મારી શાળાના ફોન પર ફોન આવ્યો. એણે કહ્યું કે અમે ડોકટરને ત્યાં આવ્યા છીએ અને ડોક્ટરનું કહેવું છે કે બાળકના ધબકારા બંધ થઈ ગયા છે. બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું છે. એની વાત સાંભળીને મારે શું કરવું મને સમજ જ ન પડતી હતી. મેં ભાઈને કહ્યું તું શાંતિ રાખ હું આવું છું. પણ એ સમયે મારા મનમાં મમ્મીના શબ્દો ગુંજી રહ્યા હતા કે વધારે ખુશ નહીં થવાનું કાલે સવારે શું થવાનું છે કોઈ જાણતું નથી. મમ્મીના આ શબ્દો બોલાયાને બીજા જ દિવસે સવારે આ થયું. હું જેમ તેમ શાળાએથી નીકળી, ટયુશન પતાવ્યું અને કોલેજ પર ગઈ. ત્યારે મારી પાસે મોબાઈલ ફોન ન હતો. મેં કોલેજ પર જઈને જ મેડમને કહ્યું કે હું આજે રજા લઉં છું, રિપોર્ટ ભરીને એમને આપ્યો અને ત્યાંથી હોસ્પિટલ જવા નીકળી ગઈ. હું હોસ્પિટલ પહોંચું એટલી વારમાં ત્યાં મમ્મી, પપ્પા, બેન  બધા આવી ગયા હતા. બધાના ચહેરા પર દુઃખ હતું. કોણ કોને સાંત્વના આપે એ ખબર જ પડતી ન હતી. ડોકટરે કહ્યું બાળક તો ગર્ભમાં જ મૃત્યુ પામ્યું છે પણ આપણે ઓપરેશન નથી કરવું. કુદરતી રીતે જ એની પ્રસુતિ કરાવીએ. અને એ માટે એમણે તૈયારી શરૂ કરી દીધી અને કહ્યું કે આ કરવામાં કાલે સવાર પણ પડી જાય એટલે બધાએ અહીં રોકવાની જરૂર નથી. કોઈ પણ બે જણ રોકાવ બાકીના બધા ઘરે જાવ. મેં ભાઈના મોબાઈલ ફોન પરથી મમ્મીને ઘરે ફોન કરીને જાણ કરી દીધી હતી કે આવું થયું છે એટલે હું કોલેજ નથી ગઈ અને હોસ્પિટલ છું. મમ્મીએ કહ્યું કંઈ વાંધો નહીં. હોસ્પિટલ પર ડોક્ટરે બધાને રોકવાની ના પાડી એટલે પપ્પાએ મને કહ્યું કે તું મમ્મીને ઘરે મૂકીને પછી તારા ઘરે નીકળી જજે હું અહીં જ રોકાય જાઉં છું. બેન પણ ત્યાંથી એના ઘરે નીકળી ગઈ અને કહ્યું કે સાંજે ખાવાનું લઈને એ આવશે. મમ્મીએ ભાઈને કહ્યું કે તું પણ ઘરે આવીને કપડાં ને બીજું જે કંઈ જોઈતું હોય તે લઈ જા. ત્યાં સુધી ભાભીના મમ્મીને કહ્યું કે તમે રોકાય જાવ. હું મમ્મીને લઈ ઘરે ગઈ. હજી ત્યાંથી નીકળવાની જ હતી એટલી વારમાં ભાઈ ઘરે આવી ગયો. ઘરે આવીને એ મમ્મી સાથે ઝઘડો કરવા લાગ્યો. એણે મમ્મીને કહ્યું કે બેન ના સારા દિવસો જતા હતા ત્યારે તમે એમને જે ખાવું હોય તે ખવડાવતા હતા અને મારી પત્ની જ્યારે કહેતી ત્યારે તમે એને ના પાડતા હતા. તમારે બધું તમારી દિકરીઓ માટે જ કરવું છે મારા માટે નહીં. મને ભાઈની વાત બિલકુલ ન ગમી. મમ્મીએ કહ્યું કે બેન તો કોઈક વાર ઘરે રહેવા આવતી એટલે ત્યારે એને જે ખાવું હોય તે ખવડાવતા અને વળી, એ બહારનું ખાવાનું કોઈ દિવસ ખાતા જ ન હતા. તારી પત્ની તો રોજ બહારનું ખાવાનું કહે તો ક્યાંથી ખવડાવાય ? એ નુકશાન કરે. પણ ભાઈ એ દિવસે ખૂબ ઝઘડ્યો. મને લાગ્યું કે બાળક મરી ગયાનું દુઃખ છે એટલે બધું બોલી ગયો હશે અને મેં કંઈ ગણકાર્યું નહીં અને ઘરે આવી ગઈ. પણ ઘરે આવતા રસ્તામાં આગલા દિવસે મમ્મી જે બોલ્યા હતા એ અને આજે ભાઈ જે બોલ્યો એ બધું જ મારા મગજમાં વારાફરતી ચાલ્યા કરતું હતું. મને થયું કે મમ્મી એવા તે કયા ચોઘડિયામાં બોલ્યા કે એ જે બોલ્યા તે સાચું થઈ ગયું. અને ભાઈ, એ બધી ગણતરી રાખે છે કે મમ્મી પપ્પા અમને શું ખવડાવે છે ત્યાં રહેવા જઈએ ત્યારે. હું એ દિવસે ખૂબ જ દુઃખી થઈ ગઈ. ઘરે આવી. મમ્મીએ પૂછયું કે કેવું છે તારી ભાભીને ? મેં કહ્યું કે કાલે સવાર થશે. પણ તમે મને કંઈ પણ પૂછયું ન હતું જાણે તમને આ સાથે કોઈ લેવાદેવા જ ન હોય.