મોહન અને મીરાં ઓચિંતી મુલાકાતે એકમેકની સામે આવી જાય છે અને મિલન ન થવાથી વ્યાકૂળ અવસ્થા નો અણધાર્યો સુખદ અંત પામી બોલી.."મને એમ કે આજે આપણે નહીં મળી શકીએ.." મીરાં આટલું માંડ બોલી શકી. સાવ કરમાયેલો ચહેરો રાતના ઉજાગરાની ચાડી ખાતો હતો. વાળની લટો આમતેમ વિખરાયેલી હતી. શરીર જાણે માંડ માંડ ઊભા રહેવાની શક્તિ બચી હોય તેવું હતું. અતિશય થાક અને ચિંતાથી બેશુદ્ધ હાલત હોય એવી લાગતી હતી. મોહને આજે પહેલી વાર મીરાંની આ દશા જોઈ .મીરાંની હાલતથી વધુ તેની દયામણી આંખો તેને વિચલિત કરતી હતી. તેણે વિના ખચકાયે મીરાંનો હાથ પકડી સામે ખાલી પડેલા બાંકડા પર બેસાડી. બેગમાંથી પાણીની બોટલ કાઢીને આપી. "લે... પાણી પી લે પહેલા.... અને શાંત થા.( મીરાં નકારમાં માથું ધુંણાવ્યુ પણ તેની આંખો હજી મોહન તરફ પ્રશ્નાર્થ દ્રષ્ટિએ મંડાયેલી હતી.) મોહનને તેની ચુપકીદી અસહ્ય થતાં મોહને થોડા ઉંચા અવાજે જેમ નાના બાળકને ખીજાય એમ પ્રેમથી ખીજાઈને તેને શાંત કરી. થોડું પાણી પાયું. આંખના આંસુ તેને પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢી લૂંછી દીધા. અસ્ત વ્યસ્ત વાળની લટોને પણ કાન પાછળ સરખી કરી દીધી. ગીતાની હાજરીને લીધે મોહન થોડો અસ્વસ્થ લાગતો હતો એટલે મીરાંની વધુ નિકટતા ના રાખતા તે દૂર રહ્યો. નહીં તો આજે તેના ભીતરનો પ્રણય સાગર મીરાંને ઘણા હેતથી મનાવવા મથત. છતાં મોહને આજુબાજુનાં લોકોની પરવા કર્યા વિના મીરાંની નજીક જઈ તેનાં પગ પાસે બેસી. તેનો હાથ હાથમાં લઈ તેને શાંત કરી પૂછવા લાગ્યો.." બોલ શું વાત છે..? એમ રડવાથી થોડું કંઈ સમજાશે..? તારા મનમાં જે કંઈ પ્રશ્ન હોય તે કહે, તને શું તકલીફ છે...? ઘરેથી કોઈએ કાંઈ કીધું છે (મીરાંએ નકારમાં માથું ધુંણાવ્યુ.) મોહન કહે : "તો કંઈ થયું છે...?( ફરી નકારમાં માથું ધુંણાવ્યુ.) મોહન : "તો કંઈક તો બોલ...! તારું મૌન મારાથી નથી સેહેવાતું... (થોડુંક વિચારીને) તો તને મારાથી કંઈ તકલીફ પહોંચી છે..? મારાથી કંઈ દુઃખ લાગ્યું છે..?" (મીરાંના રોકાયેલા આંસુ ફરી વહેવા લાગ્યા.) મોહન મૂંઝવણમાં પ્રશ્ન ઉપર પ્રશ્ન કર્યે જાય છે. પણ, ગીતાની હાજરીને લીધે મીરાં કંઈ બોલતી નથી. પછી તે ગીતાની સામે એવી દ્રષ્ટિથી જોવે છે કે ગીતા એ વાતનો અણસાર પામી જાય છે. એમને એકાંત આપવા એ બસની પૂછપરછનું અને પાણી ભરવાનું બહાનું કાઢી ત્યાંથી ચાલી જાય છે. હવે આ એકલતા જોઈ મોહને મીરાને કહ્યું "હવે તો બોલ શું થયું છે..? શું હાલત કરી છે તારી તે...મારાથી તારી આ હાલત જોવાતી નથી..હવે કંઈક બોલીશ." મીરાંએ ચુપકીદી તોડી.. "મારા પ્રશ્નો તમને દુઃખ તો નહીં પહોંચાડે ને...?મોહન :" પણ કંઈક બોલ તો ખરા તો ખબર પડે ને..!મીરા : "સાચું કહેજો. શું તમે આપણા સગપણ સંબંધથી ખુશ છો?"મોહન મીરાંની સામે સ્નેહાભરી દ્રષ્ટિથી જોઈને કહે છે ." અરે આ તો શું પ્રશ્ન છે...? તને એવું કેમ લાગ્યું કે એમાં મારી નાખુશી છે. મારું કોઈ વર્તન તને ખુચ્યું..? તને કોઈ દુઃખ થયું..?"મીરાં : "ના.. ના.. એવું તો કંઈ નથી. પણ.." મોહન : "તો પછી આવો પ્રશ્ન કેમ..?"મીરાં : " બાળપણથી અત્યાર સુધીની ઓળખાણ અને પછી એક દિવસ આમ ઓચિંતાના સગપણની શરૂઆત કરી... અને હવે આ સંબંધને ઝડપથી પરિપૂર્ણ કરવાની આટલી ઉતાવળ કેમ...?(મોહન વાતને વ્યવસ્થિત સમજતો નથી)" એટલે તુ શું કહેવા માગે છે..?"મીરાં : "એ જ કે લગ્નની આટલી ઉતાવળ કેમ..?મોહન : "અરે બસ આટલી વાત માટે તે તારી આ દશા બનાવી લીધી છે.... જો કે આ બાબતથી તો હું પણ અજાણ છું...મને પણ એની ઓચિંતી જ જાણ થઈ એટલે મને પણ આશ્ચર્ય થયું.... ને એટલે જ તને મળવા તારા ગામ ગયો હતો."(મીરાં પ્રશ્નાર્થ દ્રષ્ટિથી)"મારા ગામ કેમ...?"મોહન : "સંબંધની આટલી ઉતાવળ માટેની તારી પૂર્ણ સંમતિ છે કે કેમ..? તારા તરફથી કોઈ મનદુઃખ ન રહેવું જોઈએ ...આ સંબંધની ઉતાવળ મને પણ ન સમજાય... વળી કોના તરફથી થઈ એ પણ ન સમજાયું... એટલે એ જાણવા ગયેલો ...મંદિરના ઓટલે તારી પાણી ભરવા આવવાની ઘણી રાહ જોઈ પણ,તુ ન આવી એટલે કમને નિરાશ થઈ બસમાં અહીં આવી ગયો.મીરાં : "મારે પણ તમને એજ પ્રશ્ન પૂછવો હતો એટલે તમારી સંમતિ જાણવા હું સવારથી અહીં તમારી રાહ જોતી હતી.(મોહનનો ચહેરો પણ હવે એકમેકને મળવા આતુર હૈયાની વાતે વધુ વિચલિત થયો.) મીરાં: " શું ખરેખર તમને આ સંબંધમાં સંમતિ છે..? (મોહન ચહેરા પર આચાર્યજનક ભાવ સાથે) " આજે તને થયું છે શું..? આવા પ્રશ્ન વારંવાર કર્યા કરે છે. હું તને ફરી કહું છું કે મારી કોઈ ભૂલ થઈ હોય તો મને કહે..? હું તને માફી માગું છું. પણ, આવું શું બોલ્યા કરે છે...? (મોહન બેબાકળો થઈને હાથ જોડે છે.)(મીરાં હાથ પકડીને):" ના..ના.. ભૂલતો નથી થઈ. પણ,"મોહન : " ફરી પાછું તારું પણ.. હવે તો જે વાત હોય એ સ્પષ્ટ કહે. કહેવાથી જ તેનો ઉકેલ આવશે અને જો કોઈ ગેરસમજ હશે તો દૂર થશે. બાકી તો તું દુઃખી થયા કરીશ ને હું તારી મૂંઝવણને પામી શકીશ નહીં.મીરાં : " આપણે નાનપણથી સાથે રમીને મોટા થયા એ દરમિયાન કે પછી થોડાક વર્ષો શિક્ષણ માટે ગયા એ સમય દરમિયાન ન મળી શક્યા ત્યારે... તમને આ સગપણની જાણ ન હતી એ પહેલા તમને મારા પ્રત્યે કોઈ અણગમો હતો ખરો..?મોહન : "ના...ના... પણ આવું કેમ કહે છે?મીરાં : " તમને ખબર છે આપણા સગપણ માટેની વાત આપણે જ્યારે નાના હતા ત્યારે જ થઈ ગઈ હતી.મોહન : " ના.. રે , ને આવી ખબર હોય તોય શું ...?અત્યારે પણ એ જ થયું જે મનગમતું થયું ને વળી,જો એ સમયે ખબર હોત તોય એવી ક્યાં કંઈ સગપણની સમજ હતી કે સગપણ શું છે..? ને આપણે તો બાળપણ જ એકબીજા સાથે નિર્દોષ તોફાન અને નિખાલસ વર્તનમાં વિતાવેલું.... એટલે એકમેકની નિખાલસતાથી ક્યાં અજાણ હતા...! (કંઈક યાદ કરી મંદ હાસ્ય સાથે) "વળી, તને મારું એ ચીડવવું આજે યાદ કરું ને...તારી એ ગુસ્સે થઈ મારી સાથે અબોલા કરવા અને મારી આપેલી તારી પ્રિય એ ખાટી-મીઠી આમલીથી તરત માની જવું તને ખબર છે ને...!"મોહન બાળપણની યાદો યાદ કરીને ફરી મીરાંની મશ્કરી કરવા જાય છે.... પણ, મીરાં અત્યારે એવા કોઈ મજાકના મૂડમાં નથી. એ થોડી ચિડાઈને કહે છે કે..."હું કાંઈ અત્યારે મજાક નથી કરતી... હું તમને...."મોહન મીરાંની મનોદશા પામી ગયો એટલે એને અટકાવી.. મોહન સ્વસ્થ થઈને કહે..."બોલ...શું કહેતી હતી...? હા, થઈ હશે સગપણ સંબંધની કોઈ વાત. પણ, એની મને તો જાણ નથી અને તેનું અત્યારે શું છે?"મીરાં : " ખરેખર તમને કાંઈ ખબર નથી?"મોહન: "ના હવે... કહેવું હોય તો કહે."મીરાં હતી એટલી હિંમત ભેગી કરીને કોઈ રેડિયામાં વાગતા સમાચારની જેમ હાથના ઈશારા કરતી જાય છે અને મોહનને બાળપણમાં સગપણ માટે બનેલી દરેક ઘટના જણાવતી જાય છે. બીજી તરફ મોહનના ચહેરા પરના ભાવો પણ બદલતા જાય છે. પણ મીરાંય બધું જ કહી દે છે .આખી વાત રજૂ કર્યા પછી તે હવે શાંત થઈ, મોહનની સામે જોવા લાગી. શું છે એ બાળપણ ની વાત ...? મોહન હવે શું કરશે..? એ જાણવા વાંચો આગળનો ભાગ...