Bhool chhe ke Nahi ? - 111 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 111

The Author
Featured Books
Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 111

હું ઘરે તો આવી ગઈ. પણ મારા મગજમાં કંઈ કેટલાયે વિચારો ચાલતા હતા. એમ ને એમ જ મેં ઘરે ટયુશન વાળા છોકરાઓને ભણાવ્યા. રોજિંદા કામ કર્યા પણ રાતે સૂવા ના સમયે પણ મારા મગજમાંથી ભાઈના બોલાયેલા શબ્દો નીકળતા જ ન હતા. મને થયું હું જેને મારું સુખી પિયર સમજતી હતી ત્યાં તો અમારા માટે કંઈક જુદું જ વિચારાતું હતું. હું જ્યારે પણ રહેવા જતી કોઈ દિવસ કંઈ પણ કહેતી નહીં. જે બનાવ્યું હોય એ જ ખાઈ લેતી. મારા સંતાનો પણ કોઈ દિવસ ત્યાં કોઈ માગણી કરતા ન હતા. હા, મારી બહેન પહેલાં એમના ઘરની નજીક રહેતી એટલે એના સંતાનો એ નોકરી પર જાય ત્યારે ઘરે આવતા હતા અને મમ્મીએ જે બનાવ્યું હોય એ જ ખાતા હતા. એમણે પણ કોઈ દિવસ કોઈ માગણી કરી ન હતી. અને એ પણ ભાઈના લગ્ન પહેલા. એના લગ્ન પછી તો એમનું પણ ત્યાં જવાનું બંધ થઈ ગયું હતું. અને છતાં આજે મેં જે મારા ભાઈના મોઢે સાંભળ્યું તે આધાતજનક હતું. મને રાતે ઊંઘ ન આવી. બીજા દિવસે હું ફરી હોસ્પિટલ ગઈ. લગભગ બપોરે બાર વાગ્યા આજુબાજુ ભાભીનું મૃત્યુ પામેલું બાળક કુદરતી રીતે દુનિયામાં આવ્યું અને એને જોઈને અમારા બધાની આંખો વરસવા માંડી. પણ ભગવાનની મરજી આગળ કોઈનું કશું ચાલતું નથી એમ મનને મનાવી બધાને હિંમત આપી અને બાળકની અંતિમ ક્રિયા માટે કહ્યું. એ સમયે ભાઈ અને પપ્પાએ કાકાને ત્યાં ન જણાવ્યું. મને નવાઈ લાગી. મેં મમ્મીને પૂછયું તો કહે એ લોકો જે કરે તે. મારાથી એમને કંઈ ન કહેવાય. અને એમના વગર જ બાળકની અંતિમ ક્રિયા કરી દીધી. ત્યાર પછી હું તો ઘરે આવી ગઈ. મને કેમેય કરીને ચેન પડતું ન હતું. મારે શું કરવું કોને કહું એમ થતું હતું. તમને તો જાણે કંઈ પડેલી જ ન હતી. એકવાર પણ તમે મને પૂછ્યું ન હતું કે બધું પતી ગયું ? ભાઈ જે બોલ્યો હતો એ મમ્મીની સામે બોલ્યો હતો. એટલે મારા ને મમ્મી સિવાય કોઈને ખબર ન હતી કે ભાઈના મગજમાં શું ચાલે છે ? આમ ને આમ થોડા દિવસ પછી હું એક વાર ઘરે ગઈ. તો ખબર પડી કે પપ્પાએ જમીન વેચી દીધી છે અને કાકા એમાંથી અડધા ઉપર પૈસા લઈ ગયા. જેમને વેચી હતી એમની પાસેથી પપ્પાને કહ્યા વગર લઈ ગયા. પપ્પાએ એમને કહ્યું હતું કે બા અમારી સાથે રહે છે એમનો ભાગ કાઢવો પડે એ મરી જાય પછી તને એમાંથી અડધો ભાગ આપી દઈશું. પણ કાકા ન માન્યા. બા નો ભાગ ન કાઢયો. એમણે એમ કહ્યું કે હું બા ને રાખી લેવા મારા ઘરે મોકલી આપજો. પણ બા તો પહેલે થી જ મમ્મી પપ્પા સાથે રહેતા હતા. એ તો કોઈ દિવસ કાકીના હાથે બનાવેલી ચા પણ પીતા ન હતા. એટલે એમને ત્યાં રહેવા જવાનો કોઈ પ્રશ્ન જ આવતો ન હતો. અને આ વાત થી એમની વચ્ચે તિરાડ પડી ગઈ. મને ત્યારે ખબર પડી કે બાળકના મૃત્યુ વખતે કેમ એ લોકોને પપ્પાએ કે ભાઈએ જાણ ન કરી. પપ્પાએ એ પૈસામાંથી એક દુકાન ખરીદી અને બીજી જગ્યાએ થોડી જમીન ખરીદી. મેં પૂછ્યું દુકાન કોણ ચલાવશે ? તો પપ્પાએ કહ્યું દુકાન તો હું જ ચલાવીશ. ભાઈ ની તો નોકરી ચાલુ છે તે ચાલુ જ રાખવાની. મેં પણ કહ્યું કે સાચી વાત છે એકવાર દુકાન બરાબર ચાલવા લાગે ત્યારે વિચારવાનું કે આગળ શું કરવું છે ? અને એ દુકાનનું ઉદ્ધાટન રાખ્યું. પપ્પાએ કહ્યું બંને ભાણેજો (એટલે કે મારી બેનનો દિકરો અને મારો દિકરો ) ના હાથે ઉદ્ધાટન કરાવીશું. મેં ના પાડી. કે ના ભાઈના હાથે કરાવો. તો પપ્પા કહે ભાઈના નામ પર તો દુકાન લીધી છે એટલે ઉદ્ધાટન આ લોકોના હાથે જ કરાવીશું. અને એમ જ કર્યું. બધું પતતાં સાંજ પડી ગઈ. ત્યાંથી નીકળતી વખતે બેને એની ગાડીની ડિકી ખોલી તો ડિકી ખાલી હતી.