Donor Kunbi in Gujarati Short Stories by Pawar Mahendra books and stories PDF | દાનવીર કુનબી

Featured Books
Categories
Share

દાનવીર કુનબી


 " એક ગામમાં દાનવિર કુનબી રહેતો હતો , તે એટલો બધો દાનવિર હતો કે આખું ધન દાનમાં આપી દીધું , સમય જતાં કુનબી ખૂબ ગરીબ થઇ ગયો. 
          દિવાળીનો સમય આવ્યો , કુનબીના આડોશ- પાડોશના લોકો તહેવારની તૈયારી કરવા લાગ્યા પણ કુનબીના ઘરે નિરાશા છવાઇ ગઇ કે , દિવાળીનો તહેવાર છે અને આપણે ત્યાં બિલકુલ પૈસા જ નથી. લોકો દિવાળીમાં ખરીદી કરશે મિઠાઇ બનાવશે અને આપણાં સંતાનો એમને એમ જ જોતા રહી જશે. આમ કુનબીની પત્ની વિચારી રહી હતી. કુનબીને કહેવા લાગી કે દિવાળીનો તહેવાર છે તો કોઇકના ત્યાંથી પૈસા માંગી લાવો જેથી આપણે દિવાળી ઉજવી શકીએ.
       કુનબી પૈસા માંગવાનો વિચાર કરવા લાગ્યો કે કોના પાસેથી ઉધારીના પૈસા માગુ.આખરે વિચાર કર્યો કે મને કોઇ પૈસા આપે તેમ લાગતું નથી પણ કદાચ બાજુના ગામનો શેઠ આપશે તે મને સારી રીતે ઓળખે છે. આ પ્રમાણેનો વિચારી કરી માગવા માટે નિકળ્યો. શેઠને ત્યાં પહોંચી શેઠને કહેવા લાગ્યો કે શેઠ દિવાળીનો તહેવાર છે મને ઉછીના થોડા પૈસા આપો જેથી હું અને મારો પરિવાર સારી રીતે તહેવાર ઉજવી શકીએ.
      શેઠ કહેવા લાગ્યો કે મને પૈસા આપવામાં કશો વાંધો નથી પણ બદલામાં કશું ક તો ગિરવે મુકવું પડશે અમારા ધંધાનો નિયમ છે. કુનબીએ કહ્યું હાલમાં તો મારા પાસે તમને આપવા જેવું કશું છે નહીં કે તમને આપી શકું. પણ ચોક્કસ તમને વચન આપી શકુ , અને તે વચનનું હું પાલન કરીશ. બાકી આપવા માટે કશું છે નહીં. શેઠને કુનબી ઉપર વિશ્વાસ હતો કારણ કે આ માણસ પહેલાં ખૂબ ધનવાન હતો હવે તે દાનવૃત્તિના કારણે ગરીબ થયો છે. આ બધું વિચારીને પૈસા આપવા તૈયાર થઇ ગયો ને પુછવા લાગ્યો કે , શું વચન છે ?
કુનબી : આવતી દિવાળીએ જો તમારા પૈસા વ્યાજસહિત પાછા ન આપું તો તમે મારા ગળાના ભાગેથી એક કિલો ચામડી કાઢી લેજો. આ મારું વચન છે.
  વચન સાંભળીને શેઠ પૈસા આપે છે. કુનબી પૈસા લઇ પોતાના ઘરે જઇ દિવાળીનો તહેવાર પરિવાર સાથે સારી રીતે ઉજવે છે.
     થોડા દિવસ પછી ઉધારીના પૈસાની ચુકવણી કરવા માટે પૈસા ભેગા કરવા પોતાના કામે લાગી ગયો.
      
       બીજી દિવાળી આવતાં પહેલાં કુનબી વ્યાજસહિત પૈસા કમાઇ લે છે. દિવાળીના દિવસે પૈસા પરત આપવાના હેતુથી નિકળે છે. જતાં જતાં રસ્તામાં કુનબીનો સાળો મળે છે. સાળાને મળીને ખૂબ આનંદિત થઇ ગયો. સાળો કહે કે બનેવી આપણે ઘણાં સમય પછી મળ્યા છે , ચાલો તહેવાર પણ છે તો આપણે એક એક પેક ( દારુ ) પીએ. કુનબી પણ તૈયાર થઇ ગયો. સાળો કહે પૈસા આપવાના જ તો વાંધો નહીં એક પેક( દારુ ) પી ને નિકળી જજો. કુનબી કહે કે હા, વાંધો નહીં ચાલશે. 
     એક પેક કરતાં કરતાં ઘણો દારુ પિવાય ગયો , જ્યારે બન્ને ભાનમાં આવ્યા ત્યારે સાંજ પડી ગઇ હતી. કુનબી કહે કે , જે ઉધારીના પૈસા આપવાના હતા તેમાંથી તો થોડા પૈસા પણ ખર્ચાય ગયા છે અને શેઠને ત્યાં જતાં જંગલ આવે છે. ચાલ ને કાલે જ આપવા જઇશ શેઠ આટલું તો ચલાવી લેશે.

    દિવાળાના બિજા દિવસે કુનબી ખૂટતા પૈસા ઉમેરી જવા તૈયાર થઇ ગયો. કુનબીની પત્નીને બપોરે જમવા માટે આંબા હળદર વાળી ચટણી , દૂધપાક વગેરે સરસ જમવાનું બનાવી આપ્યું. જમવાનું ભાથુ લઇને કુનબીએ શેઠને ત્યાં જવા ચાલતી પકડી.


     કુનબી , શેઠના ઘરે પહોંચી વ્યાજસહિત પૈસા આપે છે પણ શેઠ પૈસા લેતો નથી. નક્કી થયા મુજબ જો દિવાળીના દિવસે જો ઉધારીના પૈસા પરત ન કરે તો ગળાના ભાગેથી એક કિલ્લો ચામડી આપવાની. 
     શેઠ કહેવા લાગ્યો વચન પ્રમાણેનું પાલન તમે કરેલું નથી. તેથી મને પૈસા નથી જોઈતા મને ગળાના ભાગેથી એક કિલ્લો ચામડી જોઈએ છે. આમ કહી બન્ને લડાઇ પડ્યા. આખરે શેઠની પત્નીએ સલાહ આપી કે આ વાતનું નિરાકરણ લાવવા માટે તમે રાજા પાસે જાઓ. સાચું નિરાકરણ તેમના પાસે જ થસે. 
       પત્નીની વાત માનીને શેઠ અને કુનબી સમસ્યાના સમાધાન માટે રાજા પાસે નિકળ્યા. શેઠે તો એક કિલ્લો ચામડી લેવા છરો પણ સાથે લઇ લીધો. જતાં જતાં કુનબી વિચારવા લાગ્યો કે હવે બહું ખરાબ મોત આવવાનું છે. જો ચામડી કાઢી લેશે તો હું તડપી તડપીને મરીશ. આમ વિચારીને ગભરાઇ ગયો. તડપી તડપીને મરવા કરતાં એક ઝટકે મરવું સારું. આમ વિચારીને તે એક પહાડ પાસે ગયો અને એક ઝટકે મરવા માટે પહાડ પરથી કુદી પડ્યો. 
         કુનબી જેમ પહાડ પરથી કુદ્યો ત્યાં નીચે વૃદ્ધ પિતા અને દિકરો પથ્થર ઘડવાનું કામ કરતા હતા તે વૃદ્ધ ઉપર પડ્યો. વૃદ્ધ મરી ગયો અને એક ઝટકે મરવા નિકળેલો કુનબી બચી ગયો. ત્યાં વૃદ્ધનો દિકરો હથોડી લઇને કુનબીને મારવા દોડી આવ્યો. દિકરો કહેવા લાગ્યો કે તમે જાણી જોઇને મારા પિતા પર કુદી પડ્યા છો જેના કારણે મારા પિતાજીનું મૃત્યુ થયું. હવે હથોડી વડે તમારું માથું તોડી નાખું છું. જેમ હથોડી મારવાની તૈયારી હોય ત્યાં શેઠ બુમ મારે છે કે થોભો થોભો પહેલાં તો આ મારો ગુનેગાર છે. અમે સમાધાન કરવા રાજા પાસે જઇએ છીએ. રાજા પાસે તમે પણ સમાધાન ચાલો , આ બન્ને ગુનાહનું સમાધાન રાજા કરશે. આ વાત સાંભળી મરેલ વૃદ્ધનો દિકરો પણ રાજા પાસે આવવા તૈયાર થઇ ગયો. હવે એક ગુનાહ માંથી બે થઇ ગયા અને બે વ્યક્તિમાંથી રાજા પાસે જવા ત્રણ થઇ ગયા.
       ત્રણે જણાં જવા નિકળ્યા હવે રસ્તામાં કુનબી વિચાર કરવા લાગ્યો કે હવે મરવાનો વારો તો પાકો જ છે . જે થાય તે હવે જમવાનું છેલ્લું ભાથું ખાઇ લઉં. રસ્તામાં એક ગામ આવે છે તે ગામના છેડે રસ્તામાં કૂવો આવે છે. તે કુવા પાસે ઝાડના નીચે છાંયડે રુમાલ પાથરી જમવા બેસી ગયો. બે જણાં આમ તેમ આંટા ફેરા મારતાં હતા. જમવાનું ચાલુ કરે છે ત્યારે ગામમાંથી એક ગર્ભવતી મહિલા કૂવે પાણી ભરવા આવે છે. 
    કુનબી જમવા બેઠો હતો ત્યાંથી જ કૂવે જવાનો રસ્તો હતો. જમવાની વસ્તુઓ જોઇને ગર્ભવતી મહિલાને પણ ખાવાની ઇચ્છા થઇ. મસ્ત આંબા હળદરની ચટણીની ફોરમ, દૂધપાક વગેરેને જોઇને મોં મા પાણી આવી ગયું પણ પારકા પુરુષ પાસે માગે કઇ રીતે. કહેવાય છે કે ગર્ભવતી મહિલા પાસે કાંઇ પણ ખાતી વખતે થોડું ગર્ભવતી મહિલાને અવશ્ય આપવું જોઈએ જો ન આપવામાં આવે તો ગર્ભ પડી જવાની સંભાવના રહે છે. 
      ગર્ભવતી મહિલા કૂવામાં ડોલ વડે ખેંચી ખેંચી અને પાણી ભરે છે અને ફરી ફરીને જમવા બેસેલા કુનબીને જુએ છે. આવામાં ગર્ભવતીનું ગર્ભ પડી જાય છે. તે ઘડો નાખીને રડતી રડતી ઘરે પહોંચી અને વિગતવાર વાત કહી કે ત્યાં કોઇ પુરુષ જમવા બેઠો છે તે ખાવાની ઇચ્છા મને થઇ હતી તેના કારણે મારો ગર્ભ પડી ગયો. ગર્ભવતી મહિલાના પતિને ખૂબ ગુસ્સો આવ્યો તે લાકડી લઇને દોડતો દોડતો કુનબીને મારવા માટે કુવા પાસે આવી ગયો. તે કહેવા લાગ્યો કે તમે અહીં જમવા બેઠા છો તેના કારણે મારા પત્નીનું છ મહિનાનું ગર્ભ પડી ગયું છે. હવે તમને આ લાકડી વડે મારી નાખીશ. જેમ લાકડીથી મારવા નિકળે છે ત્યાં જ આમ તેમ ફરવા નિકળેલા શેઠ અને મરી ગયેલા વૃદ્ધનો દિકરો આવી ચઢે છે અને ગર્ભવતી મહિલાના પતિને રોકે છે.બન્ને કહેવા લાગ્યા કે પહેલાં તો આ અમારા બન્નેનો ગુનેગાર છે પછી તમારો વારો છે. અમે આ સમસ્યાના સમાધાન માટે રાજા પાસે જઇએ છે. તમે પણ ચાલો તો ત્યાં સમાધાન થઇ જશે. આમ ત્રણ ગુનાહ અને એક ગુનેગારને બધા રાજા પાસે ગયા.

     કુનબી તો રાજાને ત્યાં પહોંચી ખૂણામાં ચૂપચાપ બેસી ગયો. ત્રણે જણાએ પોત પોતાની વાત વિગતવાર રાજાને જણાવી. બધાની વાત સાંભળી રાજા પણ મૂંઝવણમાં મુકાઇ ગયા કે હવે સમાધાન કઇ રીતે કરવું ?
    ત્યાં રાજાના બાજુમાં પાંજરામાં રહેલા પોપટ બોલી પડ્યો છે , નમસ્તે રાજાજી આજે મને સમાધાન કરવાની તક આપો. તમે બાજુમાં બેસો સમાધાન હું કરું.
       પોપટની વાત રાજા માની ગયા કારણ કે રાજા પણ મૂંઝવણમાં હતા. પોપટે વારાફરતી ત્રણેની વાત સાંભળી અને પ્રથમ વાતને ઉકેલવા પ્રયત્ન કર્યો.
 પોપટે શેઠને પુછ્યું કે , નક્કી થયા મુજબ દિવાળીના દિવસે પૈસા પરત ન કર્યા ?
 હા , દિવાળીના દિવસે આપવાનું નક્કી થયું હતું . જો ન આપે તો ગળાના ભાગેથી એક કિલ્લો ચામડી આપી દઇશ એ પ્રમાણે વચન આપેલું. કુનબી દિવાળીના દિવસે ન આવ્યો પણ બીજા દિવસે આપતો હતો.
     એક દિવસ મોડું થયું છે વચન પ્રમાણે મારે એક કિલ્લો ગળાના ભાગેથી જોઈએ છે.
       પોપટે કહ્યું , હા વાંધો નહીં લઇ લો પણ એક જ દિવસ મોડું થયું છે. તો મારી આદેશ પૂર્વક શરત છે કે ગળાના ભાગેથી જ્યારે ચામડી લો તો એક જ ઘા કરવાનો , એક જ ઘા માં એક કિલ્લો ચામડી નિકળી જવી જોઈએ , એક કિલ્લોથી વધારે પણ નહીં અને ઓછી પણ નહીં જો આ પ્રમાણે ન થાય તો તમને દંડ થસે.
    આ વાત સાંભળી શેઠ ગભરાયો એક ઘા માં એક કિલ્લો ચામડી કઇ રીતે કાઢવી ? આ તો શક્ય નથી . જો આવું ન થાય તો દંડ થસે. પછી પોતાની ભૂલ સમજાય ગઈ કે , ભલે એક દિવસ મોડું થયું તો પણ મારે પૈસા લઇ લેવા હતા. આ ભૂલ સમજાતા શેઠ પોપટને કહેવા લાગ્યો કે મારી ભૂલ છે , મારે પૈસા લઇ લેવા હતા. 
      પોપટે કહ્યું કે તારી ભૂલ છે તો વ્યાજસહિત પૈસા લઇ લ્યો અને અમારો સમય બગાડ્યા નો દંડ ભરો.
       પોપટે પ્રથમ પ્રશ્નનું સમાધાન સરળતાથી ઉકેલી દીધો.
દ્વિતીય પ્રશ્નનું સમાધાન કરવા મરી ગયેલા વૃદ્ધ પિતાના દિકરાને પોપટે પુછ્યું કે , તમે જણાવો.
      દિકરો કહેવા લાગ્યો કે , અમે પિતાજી જોડે પહાડ નીચે પથ્થર ઘડવાનું કામ કરતા હતા તે સમયે આ કુનબી પહાડ પરથી કુદી પડીને મારા પિતાજીનું મોત નિપજાવ્યું છે. હવે મારે પિતાજીના મરણ નો બદલો લેવો છે.
    પોપટે કહ્યું કે , હા વાંધો નહીં બદલો જરુર લઇ લો .
ચાલો પહાડ પાસે , તમે પહાડ ઉપર રહેજો , આ ગુનેગાર કુનબી નીચે રહેશે. તમે પહાડથી કુદીને મારી નાખીને બદલો લઇ લ્યો.
       મરેલ વૃદ્ધનો દિકરો ગભરાયો , જો હું પહાડથી કુદવામાં જરા પણ ભૂલ કરું તો મારે મરવાનો વારો આવે. આ પ્રમાણે વિચાર કરીને ગભરાયો. કહેવા લાગ્યો કે , ખરેખર આ કુનબી એ જાણી જોઇને મારા પિતાજી પર કુદી પડીને મોત ને ઘાટ ઉતારેલ નથી અકસ્માતે થઇ ગયું છે. મારે હવે બદલો નથી લેવો. બદલો લેવાની વાતમાં મારી ભૂલ છે. 
     પોપટે કહ્યું , અમારો સમય બગાડ્યો છે તેનો દંડ ભરો.
આ પ્રમાણે બે પ્રશ્નોનું સમાધાન થયું. મૂંઝવણ વાળા પ્રશ્નોનું સમાધાન પોપટે સરળતાથી સમાધાન કરાવી દીધું હવે. રાજાને લાગ્યું કે ત્રીજો પ્રશ્ન ખૂબ જટિલ છે હવે પોપટ કઇ રીતે કરે છે તે મારે જોવું છે. હવે આ ત્રીજા પ્રશ્નના સમાધાનમાં પોપટની પણ પરીક્ષા છે.
     પોપટ આગળની કાર્યવાહી કરવા માટે ગર્ભવતી મહિલાના પતિને નજીક બોલાવીને કહે છે કે , તમારે શું છે બોલો.
     ગર્ભવતી મહિલાના પતિએ કહ્યું કે કૂવા નજીક આ જમતો હતો જેના કારણે મારી પત્નીનો ગર્ભ પડી ગયો છે. હવે આના લીધે આવું થયું છે. મારા પત્ની નો ગર્ભ છ મહિનાનો હતો. તો મને તો મારા પત્નીને છ મહિનાનો ગર્ભ જોઈએ છે.
      પોપટે કુનબીને પુછ્યું કે , તમે પહેલે જમતા હતા ?
કુનબીએ જવાબ આપતાં કહ્યું કે હું પહેલેથી જમતો હતો પછી એમની પત્ની આવી હતી. ભલે તેમને ખાવાની ઇચ્છા હતી તો મને એ કહેતે મારે પણ ખાવું છે તો મારું ક્યાં ના હતી.
      કુનબીની વાત સાંભળી પોપટે ગર્ભવતી મહિલાના પતિને પુછ્યું કે તારે શું કરવું છે ?
      પતિએ ગુસ્સામાં કહ્યું કે , જે હોય તે મારે તો છ મહિનાનો ગર્ભ મારી પત્નીના પેટમાં જોઈએ છે.
આ વાત સાંભળી પોપટે કહ્યું : હા વાંધો નહીં ગર્ભ છ મહિનાનો મળી જશે. તારે તારી પત્નીને કુનબીના ઘરે મોકલવાની રહેશે. એ ત્યાં રહેશે અને પછી ગર્ભ રહેશે પછીના છ મહિને આવી જશે.
      પોપટની વાત સાંભળી પતિ ગભરાયો અને કહેવા લાગ્યો આવું હોય તો મને છ મહિનાનો ગર્ભ નથી જોઈતો. ચાલશે વાંધો નહીં.
  પોપટે કહ્યું કે , આના સિવાય કોઇ ઉપાય નથી. આના સિવાય ઉપાય હોય તો જણાવો.
પતિએ કહ્યું : મારા જાણ મુજબ બીજો કોઇ ઉપાય નથી. આમાં ગર્ભના બદલવા વાળી વાતમાં મારી જ ભૂલ છે..
પોપટ: તો પછી અમારો સમય બગાડ્યો તેનો દંડ ભરો.
   ત્રણેય પ્રશ્નોનું પોપટે સરળતાથી સમાધાન કરાવ્યું તેથી રાજા ખુશ થઇ ગયા. રાજાએ પોપટનો આભાર માની પીંજરામાં જવા કહ્યું. રાજા પોતાની ગાદી પર બેસી ગયા. 
    કુનબી બેગુનાહ સાબિત થતાં ત્રણે જણા પાસેથી લીધેલ દંડ રાજાએ કુનબીને માન સન્માન સાથે સૈનિકોને જણાવ્યું કે ઘર સુધી છોડી આવે. અને ત્રણે જણાને પોત પોતાના ઘરે જવા કહ્યું. આ પ્રમાણે આ સુખદ રીતે વાર્તા પૂર્ણ થાય છે.
  બોધ: દરેક સમયે મુશ્કેલીઓના પહાડ દેખીતી રીતે બરફના હોય છે. નજીક જતાં મોટા ભાગના પીગળી ગયા હોય છે.

           ( પ્રેરક : ડાંગ એક સમ્યક દર્શન લેખકશ્રી : દતાત્રેય ચિત્તળેની ડાંગી વાર્તામાંથી )