આગડ આપણે જોઈ ગયા કે...
ડાયરીમાં આખો પ્લાન લખ્યા પછી જાનવીના મનને એક વિચિત્ર શાંતિ અને ખુશીનો અનુભવ થયો. તેણે નક્કી કરી લીધું કે કાલે તો ગમે તેમ કરીને કોલેજે જવું જ છે. વર્ષો પહેલાં જે દોસ્તો પાછળ છૂટી ગયા હતા, જે ચહેરા સમય સાથે અસ્પષ્ટ થઈ ગયા હતા, તે બધાને ફરીથી જોવા મળશે એ વિચારે જ તેના ચહેરા પર મીઠું હાસ્ય આવી ગયું.
તેણે રાત્રે જ પોતાના બધાં પુસ્તકો અને ચોપડાઓ વ્યવસ્થિત બેગમાં ગોઠવી દીધા. પલંગમાં સૂતાં સૂતાં તે વિચારવા લાગી, 'કાલે હું રિયાને મળીશ... પૂજાને મળીશ... બધા અત્યારે કેટલાં સુંદર અને જુવાન લાગતાં હશે!' એ બધી જૂની મીઠી યાદો વાગોળતાં વાગોળતાં ક્યારે તેને ઊંઘ આવી ગઈ એ ખબર જ ન પડી.
બીજે દિવસે સવારે જાનવી ઉત્સાહથી વહેલી ઊઠી ગઈ. મમ્મીને કામમાં થોડી મદદ કરાવી, સરસ તૈયાર થઈને તે કોલેજ જવા નીકળી. કોલેજના ગેટમાં પગ મૂકતાં જ જાનવીને બધું તદ્દન નવું અને અદ્ભુત લાગવા માંડ્યું! રસ્તામાં તેને જૂના મિત્રો સામા મળ્યા. બધા તેની સાથે રોજની જેમ સાહજિકતાથી વાતો કરતા હતા, પણ જાનવી માટે તો આ ચમત્કારથી કમ નહોતું.
જાનવીને પહેલેથી જ રમતગમતનો ખૂબ શોખ હતો, એટલે પોતાના પગ તેને આપોઆપ કોલેજના પાછલા મોટા મેદાન તરફ ખેંચી ગયા. ત્યાં જ તેની બહેનપણી દોડતી આવી અને બોલી, "એય જાનવી! ચાલ ઝડપથી! પેલી બાજુ ફાઇનલ મેચ ચાલી રહ્યો છે! ચાલ આપણે સાથે જઈને જોઈએ!"
બંને જણી દોડતી દોડતી મેદાનની એ બાજુ પહોંચી જ્યાં દર્શકોની ભારે ભીડ જામી હતી. જાનવી પણ બધાની સાથે ઊભી રહીને ખૂબ જ રસપૂર્વક મેચ જોવા લાગી. મેદાનની વચ્ચે બે છોકરાઓ ખૂબ જ અદ્ભુત રમત રમી રહ્યા હતા. તેમની રમત જોઈને જાનવીથી રહેવાયું નહીં, તે બોલી, "અરે વાહ! આ બંને તો કેવું સરસ રમે છે!"
તેની બહેનપણી તેને કોણી મારીને ટીસ કરતાં બોલી, "લે! તને નથી ખબર કે એ કોણ રમે છે? એમાંથી એક તો તારો ક્રશ છે! રોજ જેની વાતો કરે છે, આજે એને ઓળખવામાં નાટક કરે છે?"
બહેનપણીના આ શબ્દો સાંભળતાં જ જાનવીને અચાનક બધું યાદ આવવા લાગ્યું! 'હું આ કેવી રીતે ભૂલી શકું?' તે મેદાનમાં રમતા એ ચહેરા સામે એકીટશે જોવા લાગી. ધીરે ધીરે તેના મગજમાં ભૂતકાળની એ કડવી યાદો તાજી થઈ ગઈ. આ એ જ મોટી ભૂલ હતી જે તેણે ભૂતકાળમાં કરી હતી અને જેના લીધે આગળ જતાં તે જિંદગીમાં બહુ હેરાન થઈ હતી!
'હવે મને ફરી મોકો મળ્યો છે, તો હું એ ભૂલ પાછી ક્યારેય નહીં દોહરાવું!'
એ ચહેરાને જોઈને ખુશ થવાને બદલે જાનવીના મનમાં એકદમ દુઃખ અને ખીજ ભરાઈ આવ્યા. તે અચાનક ઊભી થઈ અને ત્યાંથી ચાલવા લાગી.
તેની બહેનપણી પાછળથી સાદ પાડતી રહી, "એય જાનવી! તું ક્યાં જાય છે? મેચ નથી જોવો?"
જાનવીએ પાછળ જોયા વગર જ કહ્યું, "ના, મારે બીજું કામ છે."
એમ કહીને તે ઝડપથી કોલેજની બિલ્ડિંગ અંદર જતી રહી. તે સીધી કોલેજના ટેરેસ (અગાશી) પર ચડી ગઈ. ટેરેસની છત પરથી નીચે મેદાન તરફ જોતાં જતીન અને મનોજ બંને જોરદાર મેચ રમી રહ્યા હતા.
અગાશીની પાળી પર હાથ ટેકવીને જાનવી નીચે જોતી જોતી મનોમન વિચારવા લાગી, 'પહેલાં મને જતીન કેટલો ગમતો હતો...
મેદાનમાં રમત એકદમ ગરમાગરમ મોડ પર હતી.
જતીન રમતમાં સાવ લીન હતો. સૂરજના તાપમાં રમતાં રમતાં તેના કપાળ, ગરદન અને ચહેરા પર પસીનાના મોતી જેવાં ટીપાં ચમકી રહ્યા હતા. રમતાં રમતાં અચાનક જતીને ઊભા રહીને પોતાના બંને હાથ વડે ટી-શર્ટનો નીચેનો ભાગ ઊંચો કર્યો અને તેનાથી પોતાના ચહેરાનો પસીનો લૂછ્યો. એ જ ક્ષણે તેના પેટના કસાયેલા છએ છ એબ્સ (Six-pack abs) તડકામાં સ્પષ્ટ ઊભરી આવ્યા. જાનવી ઘડીભર માટે તો એ કસરતી, છટાદાર અને અત્યંત આકર્ષક શરીરને જોતી જ રહી ગઈ! તેના મગજમાં ધીરે ધીરે ભૂતકાળની એકેએક વાતો અને પોતાની જૂની ભૂલોનું ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું.
પછી તેની નજર જતીનની બાજુમાં જ રમી રહેલા તેના ખાસ ફ્રેન્ડ મનોજ પર ગઈ.
મનોજનું વ્યક્તિત્વ તદ્દન અલગ હતું. તે લાંબો, મજબૂત બાંધાનો, સુંદર અને એકદમ રોફદાર લાગતો હતો. મનોજ ભણવામાં ખૂબ જ હોશિયાર અને મગજનો શાંત હતો. તેની સૌથી મોટી અને માન આપવા જેવી વાત એ હતી કે તે ખૂબ જ સ્વાભિમાની હતો. પોતાના કોલેજનો ભણતરનો ખર્ચ, ફી અને ઘરની જવાબદારી ઉપાડવા માટે તે રાત્રે મહેનત કરીને ટેક્સી ચલાવવાનું કામ પણ કરતો હતો. આટ-આટલી સખત મહેનત અને સંઘર્ષ કરવા છતાં મનોજના ચહેરા પર ક્યારેય થાક કે તેજહીનતા દેખાતી નહોતી, તે સદા હસમુખો અને ગંભીર રહેતો.
અને બીજી તરફ જતીન હતો... જતીન દેખાવમાં જેટલો ક્યુટ અને આકર્ષક હતો, એટલો જ સ્વભાવે ભોળો, સાવ નાદાન અને હોઠી (હઠીલો) હતો. પિતા ગવર્મેન્ટ જોબમાં હોવાથી અને પોતે મા-બાપનો એકનો એક લાડકો દીકરો હોવાના કારણે તેની દરેક જીદ અને ઈચ્છાઓ ઘરમાં તરત પૂરી થઈ જતી. એ લાડ-કોડના લીધે તેનામાં થોડી જીદ્દ અને અણસમજ આવી ગઈ હતી. તે ભણવામાં ભલે સાધારણ કે મધ્યમ હોય, પણ સ્પોર્ટ્સના મેદાનમાં તેનો કોઈ હાથ ઝાલી શકે તેમ નહોતું.
જોતજોતામાં જતીનની ઝડપ અને મનોજની સજાગ રમતની મદદથી તેમને આ ફાઇનલ મેચ જીતી લીધો! મેદાનમાં ચારેય બાજુ તાળીઓ, બુમરાણ અને વિજયનો શોર ગુંજી ઊઠ્યો.
આવડો મોટો ફાઇનલ મેચ જીત્યાની ખુશીમાં કોલેજ કેમ્પસના પાછલા ગ્રાઉન્ડમાં જ બધા છોકરા-છોકરીઓએ ભેગા થઈને એક ભવ્ય વિજય પાર્ટી ગોઠવી. આ પાર્ટીમાં કોલેજના તમામ ગ્રુપ સાથે જાનવી અને તેની બહેનપણીઓને પણ ખાસ બોલાવવામાં આવી.
આ ધમાલ વચ્ચે જાનવી એક બાજુ શાંતિથી ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. અચાનક જ તેના મગજમાં ભૂતકાળનો એ ખાસ પ્રસંગ ચમક્યો—તેને યાદ આવ્યું કે આ જ પાર્ટીમાં જતીને આટલા બધા દોસ્તો વચ્ચે તેને પહેલીવાર પ્રપોઝ કર્યું હતું!
જાનવીએ મનોમન નક્કી કરી લીધું, 'જો હું આ પાર્ટીમાં જઈશ, તો જતીન મને પ્રપોઝ કરશે. પણ જો હું પાર્ટીમાં જઈશ જ નહીં, તો વાત આગળ વધશે જ નહીં!'
જ્યારે કોલેજ છૂટી ત્યારે તેની બહેનપણીઓએ પાર્ટીમાં આવવા માટે ખૂબ દબાણ કર્યું. પણ જાનવીએ બહાનુ બતાવ્યું, "ના યાર, આજે મને સવારથી પેટમાં બહુ દુખાવો થાય છે, એટલે હું આજે ક્યાંય નહીં આવી શકું."
બહેનપણીઓએ તેને મનાવવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ જાનવી ન માની. જતાં જતાં તેની બહેનપણીઓ બોલી, "સારું, અમે સાંજે તારા ઘરે જ તને લેવા આવવાના છીએ! તું તૈયાર રહેજે."
જાનવી બહેનપણીઓની આ જીદ અને વિચારોના મનોમંથનમાં ગરકાવ થઈને એકલી એકલી ઘરે તરફ ચાલી જઈ રહી હતી. રસ્તામાં ફ્રૂટની લારી પર તેની નજર ઘેરા કાળા રંગની મસ્ત દ્રાક્ષ પર પડી. દ્રાક્ષ જોતાં જ તેને યાદ આવ્યું કે આ તો મમ્મીની ફેવરિટ છે! પણ દ્રાક્ષ મોંઘી હોવાથી મમ્મી ક્યારેય પોતાના માટે ખર્ચ ન કરતી અને હંમેશા બીજાનો જ વિચાર કરતી. વળી તેને મમ્મીની બિમાર તબિયતનો પણ ખ્યાલ હતો, એટલે મમ્મીને ફ્રૂટ આપવું ખૂબ જરૂરી હતું.
જાનવીએ તરત જ પોતાના પાકીટમાંથી જેટલા પૈસા હતા તે બધા આપીને મમ્મી માટે કાળી દ્રાક્ષ લઈ લીધી અને ખુશ થતી ઘરે તરફ આગળ વધી.
To be continue....