Incomplete Breath in Gujarati Drama by Ashish Dalal books and stories PDF | અધૂરા શ્વાસ - ભાગ 3

Featured Books
Categories
Share

અધૂરા શ્વાસ - ભાગ 3

અધૂરા શ્વાસ - ભાગ 3

ઘરની દીવાલો વચ્ચે એક અદ્રશ્ય તણાવ ખેંચાઈ ચૂક્યો હતો. આજે અભય વહેલો ઊઠ્યો અને રસોડામાં જઈ બા માટે ચા બનાવી રૂમમાં આપી આવ્યો. બા પલંગ પર ગુમસુમ બેઠાં હતાં. સિયા બહાર આવી ત્યારે અભય વાસણ ધોઈ રહ્યો હતો. 

સિયાએ કટાક્ષ કર્યો, “વાહ! બહુ જલ્દી આદર્શ પતિ બની ગયો... મને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ છે?” 

અભયે કહ્યું, “ઘર છે, કામ કરવું પડે. તને એવું લાગતું હોય તો ભલે.”

સિયાએ પૂછ્યું, “તને ક્યારેય ગુસ્સો નથી આવતો?” 

અભયે કહ્યું, “આવે છે, પણ દરેક ગુસ્સાનો ઉત્તર ક્રોધથી આપવો જરૂરી નથી.” 

નાસ્તામાં ઉપમા જોઈ સિયાએ કહ્યું કે મીઠું ઓછું છે. અભયે મીઠાની ડબ્બી આગળ ધરી દીધી. સિયાએ કહ્યું, “દર વખતે આમ ચૂપ જ રહીશ?” 

અભયે કહ્યું, “જો એનાથી વાત બગડતી અટકતી હોય તો હા.” બાએ કહ્યું કે બેટા, હંમેશાં ચૂપ રહેવું ઠીક નથી. 

અભયે કહ્યું, “બા, ક્યારેક મૌન જ સૌથી મોટો જવાબ હોય છે.”

બપોરે સિયા રૂમમાં અભયના શબ્દો વાગોળતી રહી. એ વિચારી રહી હતી કે આ માણસ લડતો કેમ નથી? જેટલો એ એને ઉશ્કેરતી હતી, તેટલી તે પોતે જ ગૂંચવાતી જતી હતી. સાંજે અભય ઓફિસથી ફળો અને દવાઓ લઈને આવ્યો. સિયાએ ફરી ટોણો માર્યો, “બતાવવું છે કે કેટલો જવાબદાર છે?” અભયે એની આંખોમાં જોયું જેમાં થાક હતો, ક્રોધ નહીં. “તને એવું લાગતું હોય તો એ પણ સાચું.” સિયા અવાક થઈ ગઈ.

રાત્રે સિયાએ પૂછ્યું, “તને મારા આ વ્યવહારથી કોઈ ફર્ક નથી પડતો?” 

અભયે કહ્યું, “બહુ ફર્ક પડે છે, સિયા. પણ હું એ વિચારીને સહન કરી લઉં છું કે કદાચ સમય જતાં બધું સારું થઈ જશે.” 

સિયાએ પૂછ્યું, “અને જો સારું ન થયું તો?” અભયે દર્દભર્યું સ્મિત કર્યું, “તો પણ... મેં સંબંધ બચાવવાનો પ્રયાસ તો કર્યો હશે ને!” આ સાંભળી સિયા અંદરથી હલી ગઈ. તે રાત્રે તે વિચારતી રહી કે જે માણસ બધાં મેણાં ચૂપચાપ સહે છે, તે કમજોર છે કે અતિશય મજબૂત?

xxxxx

સંબંધો પોતાની જગ્યા પરથી સરકી ચૂક્યા હતા. અભય સવારે ઊઠીને ચા બનાવતો હતો. સિયા નીચે આવી, ચાનો ઘૂંટડો ભરી બોલી, “ઠંડી છે.” 

અભયે બીજી બનાવવા કહ્યું તો સિયાએ કહ્યું, “રહેવા દો, દરેક વસ્તુ બીજીવાર કરવાથી સુધરી નથી જતી.” અભય મૌન થઈ ગયો.

બપોરે ઘરમાં કોઈ નહોતું ત્યારે સિયાએ મોબાઈલમાં એક જૂનો ફોટો ખોલ્યો. એક હસતો ચહેરો અને એની સાથે ખુશખુશાલ સિયા. એ દિવસો જ્યારે એ સાવ જુદી છોકરી હતી. એની આંખો સામે કેફેની મુલાકાતો, ખોટા વાયદાઓ અને પછી એ જ છોકરાના ઠંડા શબ્દો ગૂંજી ઊઠ્યા – “આ બધું તો માત્ર ટાઈમપાસ હતું!” સિયાએ આંચકા સાથે ફોન બંધ કરી દીધો. એનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. એ ભૂતકાળને ભૂલવા માંગતી હતી પણ ભૂતકાળ એનો પીછો છોડતો નહોતો.

સાંજે અભયે બાલ્કનીમાં ઊભેલી સિયા પાસે જઈ કહ્યું, “જો ક્યારેય દિલ હળવું કરવું હોય તો હું હાજર છું.” સિયાએ નજર ફેરવી કહ્યું, “મને કોઈની સાથે વાત કરવાની આદત નથી.” 

અભયે કહ્યું, “આદત પાડી શકાય છે.” સિયાએ કહ્યું, “નથી પાડવી.”

રાત્રે સિયા બારી પાસે બેસી ફોટો ડિલીટ કરવા ગઈ પણ આંગળી અટકી ગઈ. એની આંખમાંથી આંસુ સરી પડ્યા, “તેં મને કેમ છોડી દીધી...” 

અભયે સહેજ જાગીને પૂછ્યું, “સિયા, કંઈ થયું?” સિયાએ તરત સંભાળી લીધું, “કંઈ નહીં.” અભય અર્ધજાગ્રત અવસ્થામાં સમજી રહ્યો હતો કે આ છોકરી માત્ર એનાથી દૂર નથી, પણ કોઈ એવા અતીતમાં કેદ છે જેની એને ખબર નથી. અને આ અજાણ્યો ભૂતકાળ બંને વચ્ચે એક ઊંચી દીવાલ બની રહ્યો હતો.