કાંટો કાઢ્યો 3
નથૂની અધુરી વાતને જાણે પૂરી હમજી ગયા હોય એમ અરજણ સિંગ અધવચ્ચે જ ટહુકી ઉઠ્યા.
નથુના લોહી વાળા કપડા અને હાથમાની લોહી નીતરતી છરીનો તેમને નથુની જાત જાણીને ખુલાસો તો મળી ગયો.છતાં એમણે એક સવાલ તો પૂછ્યો જ.
"પણ આમ ધોડાધોડ ક્યાં જાતો તો."
હલકી વર્ણના નથુને ખોટું બોલતા ક્યા આવડતુ તુ.
"સાહેબ હાવ હાચુ કવ છુ.અમારા ગામના સુરસિંગે એની ગા મરી ગઈ તે એને ન્યા જંગલમાં લાવીને દાટી.અને મેં ગાના ચામડાની લાયમાં એ ગાને પાછી બાર કાઢી અને એનું ચામડું ઉતડતો તો ત્યા ગાનુ પેટ આપો આપ ફાટ્યું અને ગાના પેટમાંથી કોકની લાશ નીકળી સાબ."
આટલુ બોલતા બોલતા તો નથુ હાંફવા માંડ્યો તો.
પણ અરજણ સીંગના માનવામાં આવે એવી આ વાત ક્યાં હતી?
એક ધોલ નથુને મારતા જાડેજાએ પૂછ્યુ.
"અલ્યા હુ લવારા કરેસો.કે રાતની હજી ઉતરી નથી?"
નથુ હાથ જોડતા બોલ્યો.
"હાવ હાચુ કવ સુ સાહેબ.બાપના હમ ખાઈને કવ સુ.હાલો મારી હારે હામો હામ તમને દેખાડી દવ."
"હાલ્ય દેખાડ ત્યારે.મોર થા."
અરજણ સિંગે નથુને ડારો દેતા મોર કર્યો.
નથુ સાહેબને લઈને પાછો એ જ ખાડા પાહે આવ્યો જ્યાંથી એણે ગાને બાર કાઢી હતી.
સાબ પણ આ દ્રશ્ય જોઈને હેબતાઈ ગયા ગાના પેટ માંથી અડધું બાર લબડતુ માનવ શરીર.
અરજણ સિંગે પોતાની હારે આવેલા અબ્દુલ જમાદારને ગાના પેટમાંથી આખી લાશ બહાર કાઢવાનો હુકમ દીધો અને નથુને એને મદદ કરવાનું કીધુ.
નથૂ અને અબ્દુલે ભેળા થઈને એ લાશને બહાર કાઢી.
લાશના ચહેરા ઉપર લોહી જામી ગયુ હતુ એ નથુને સાફ કરવાનું કીધુ.ને પછી નથુને પૂછ્યું.
"એલ્યા તું આ માણસને ઓળખે સો?" "હા સાબ.આ તો મકનો સે."
"ક્યાં રહેશે આ?"
"સુરસિંગની લગોલગ રે સે સાહેબ."
"કોણ સે આ સુરસિંગ?"
"જેની આ ગા સે સાહેબ."
"હાલ મને આ બેવના ઘર દેખાડય."
નથુ અને જમાદાર અબ્દુલે ભેળા થઈ લાશને જીભની વાહલી સીટમાં સુવડાવી.
અને ગાને રહેવા દીધી જ્યાથી કાઢી હતી એ ખાડા પાહે.
અને એ ત્રણે જીપની આગલી સીટ ઉપર બેઠા.
પહેલા એ લોકો પોલીસ સ્ટેશને ગયા. લાશને ત્યાં ઉતારી.અને સાથે બીજા ચાર પોલીસોને લઈ સાહેબ નથુ હારે સુરસીંગના ઘરે ગયા.
ઘર અંદરથી બંધ હતુ એટલે એમ લાગ્યું કે સુરસિંગ અંદર જ હશે.
એટલે અરજણ સિંગે દરવાજો દંડુકાથી ઠોકતા સાદ કર્યો.
"સુરસિંગ એય સુરસિંગ."
પણ અંદરથી કોઈ જવાબ ન મળ્યો. એટલે અરજણ સિંગ હવે બાજુના મકાનના બારણે ગયા.એ બારણુ ય અંદરથી બંધ હતુ.
સાહેબને કાંઈક શંકા જતા ઈ બારણે કાન માંડ્યા.અંદરથી કોઈક વાતુ કરતુ હોય એવુ લાગ્યુ.પણ સ્પષ્ટ કાંઈ સંભળાયુ નહી.
એટલે અહીં પણ એમણે બારણુ ઠપકારતા સાદ કર્યો.
"મકના.એ મકના."
"કુ..કુ..કુણ સે?"
અંદરથી ગભરાયેલો સ્ત્રી સ્વર સંભળાયો.
"પોલીસ.બારણુ ઉઘાયડ ઝટ."
"એ..હા..હા..આ..આવુ સવ." ગભરાયેલો અવાજ આ વખતે વધુ ગભરાયેલો લાગ્યો.
સાહેબે બે પોલીસોને ઈશારો કર્યો તો એ લોકો ઘરની વાહે જઈને ઊભા રયા. સાબે ધાર્યું તું એમ જ થયુ.પેલા વાહલો દરવાજો જ ઉઘડ્યો અને અંદરથી સુરસિંગ ઝપાટાભેર બારો નીકળ્યો. પોતાના લુગડા ઠીક કરતા કરતા વંડી ઠેકીને એ પોતાના ઘરના વાડામાં પડ્યો. અરજણ સિંગે મકનાનુ બારણુ પાછુ આગળથી ઠપકાર્યુ.
અને મકનાની વોવ કાશીએ કમાડ ઉઘાડ્યુ.
"હુ..હુ..વાત છે સાહેબ?હુ કામ પડ્યુ?" "મકન કોણ સે?"
"મારો ધણી સે સાહેબ."
"બારો બોલાવ એને."
અરજણ સિંગે કરડાકીથી કહ્યુ.
"એ તો..એ તો.ઘરમા નથી સાહેબ."
"ઘરમા નથી તો ક્યા સે?"
"ઈ તો સવારના દાડીએ ગ્યા સે."
"દાડીયે ગ્યા સે એમ?તો હમણા તુ કોની હારે અંદર ઘુસપુસ કરતી તી હેં?"
સાહેબે ડોળા મોટા કરતા પૂછ્યુ.
"કોઈ..કોઈ નથી માલીપા.હું એકલી જ સુ.જોઈ જોવો અંદર આવીને."
કાશીએ ગરદન ઝુકાવેલી રાખીને બારણાથી આઘે ખસતા કહ્યુ.
"હુંમમ.એમ ત્યારે."
સાહેબે ગંભીર સ્વરે હુમકારો કર્યો.
ત્યાં વાહે ઉભેલા બે પોલીસ અરજણ સિંગ પાહે આવ્યા અને એમના કાનમા કંઈક ગુસપૂસ કરી.
(કોણે કરી હતી મકનાની હત્યા?સુરસિંગે કે કાશીએ કે બન્નેએ ભેગા મળીને? વાંચો છેલ્લા એપિસોડ મા)