Serious - 2 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ધીરગંભીર - ૨

Featured Books
Categories
Share

ધીરગંભીર - ૨

મોહિતને કોઈ કુદરતી સંકેત મળ્યો હોય એમ અચાનક એનું મન શાંત થયું પણ વિચારો હજુ એના મનમાં એક પછી એક આવ્યા કરતા હતા. મમ્મીથી દૂર ન્હોતું થવું અને પપ્પા વગર કઈ જ ગમતું નહોતું. મનોમન એક નિર્ણય એણે નક્કી કર્યો અને બારીને એક ઝાટકે બંધ કરી એની મમ્મી પાસે બેસી ગયો.

મોહિતના બાળપણનો આજકાલ કરતાં ત્રણ વર્ષ જેટલો સમય તળાવની પાળ પર ફક્ત બે જોડી કપડાં સાથે વીતી ગયો! સામાન્ય જીવનમાંથી એક ભિખારીનું જીવન કુદરતે મોહિતને બહુ જ નાની ઉંમરમાં દેખાડી દીધું . મમ્મીની આ પરિસ્થિતિ, પપ્પાનો વિરહ એ બંનેમાં કુમળું બાળક રીતસર છાસ માંથી માખણ છૂટું પાડીએ એમ વલોવાઈ રહ્યું હતું. ખરેખર આને જ ભાગ્યની વિવશતા કહેવાતી હશે ને!!!! મોસાળ પણ સુખી પરિવાર અને કુટુંબ પણ તેમ છતાં એકનું એક સંતાન કુટુંબનો એકનોએક વારસદાર મોહિત ચાર રૂમ વાળા ઘરથી દૂર તળાવની પાળે... આકાશ એની છત અને માનો ખોળો એનું ઘર!!! 

"લે બેટા તારા માટે જમવાનું લાવ્યો, તું થોડું ખાઈ લે!" મામાએ પ્રેમથી કહ્યું

"ના મામા .. હું મમ્મી સાથે ખાઈશ! એ જાગે એટલે અમે ખાશું. મમ્મી એ પણ બે દિવસથી ખાધું નથી "

"અરે બેટા! તારા મમ્મીની પ્રાથમિક સારવાર તો શરૂ થઈ ગઈ છે. તું એની ચિંતા ન કર. ચાલ બેટા! હું મારા હાથે તને જમાડું!" મામી એમની પાસે આવ્યા અને ટિફિન ખોલતા બોલ્યા.

મામીના હાથે પહેલો કોળીયો એણે ખાધો અને સ્મરણો એને ભૂતકાળ માં ધરારથી ખેંચી ગયા.


******************************


"મારા દીકરા તને શિરો બહુ ભાવે છે ને.. ચાલ ગરમ ગરમ શિરો હું મારા હાથેથી તને જમાડું." મામીએ પોતાના ખોળામાં મોહિતને બેસાડી પ્રેમથી જમાડવા એક કોળિયો એના મોંમાં મૂકતા કહ્યું.  મોહિતને એ કોળિયો હજુ ગળે પણ ઊતર્યો નહોતો ત્યાં જ સેટી પર ઊંઘતી ચેતના સફાળી જાગી અને પોતાના પુત્રને ભાભીના ખોળામાં જોઈ ભડકી! 

"મારા દીકરાને તમે મારાથી દૂર કરવાના પ્રયત્ન ન કરો! એ મારો એકનો જ દીકરો છે. મારા એકના એક દીકરા પર દોરા નાખો છો??? ભગવાને તમને દીકરાનું સુખ આપ્યું નથી એટલે મારા દીકરા પર નજર નાખો છો. ચેતી જજો હો ભાભી!! નહીતો મારાથી ભૂંડું કોઈ નહી હોય!!" મનમાં આવે એમ અપમાન જનક શબ્દો ઉચ્ચારતા મનમાં રહેલ ઝેર ઓકતા ચેતના બોલી.

હંમેશા પરિસ્થિતિને સમજી નાની ચુપ રહેતા પરંતુ આજ એમનાથી પણ આમ આવા શબ્દો સાંભળી ચુપ ન રહેવાયું! કદાચ નિયતિ જ કંઈક ભાગ ભજવી રહી હોય એમ નાની બહાર આવ્યા, ચેતનાને સમજવાના સૂરમાં બોલ્યા, "કેમ આવું બોલે છે ચેતના?? તારા ભાભી તું વિચારે છે એવા નથી. એ બિચારી..."

"તમે રેવા જ દ્યો મમ્મી! તમે જ ભાભીને માથે ચડાવ્યા છે, એમાં જ મારી આવી હાલત છે ન હું સાસરાની છું ન પિયરની!" અધૂરી વાતે જ તાબડતોડ જવાબ આપતા ચેતના બોલી.

"તારી આ હાલત એના કારણે થઈ છે એવું તું બોલે છે? તું ભાનમાં તો છે ને?  તને હંમેશા સાથ આપનાર પર આવો આક્ષેપ નાખતા તને શર્મ નથી આવતી??"

"મને શેની શર્મ આવે?"

ચેતના હજુ કઈ બોલે એ પહેલા જ નાનાનો એક જોરદાર તમાચો ચેતનાના ગાલે પડ્યો! 

એકદમ સન્નાટો સહેજ વાર માટે છવાઈ ગયો.

મોહિતના ગળે અટકેલ શિરાનો કોળિયો એની ગભરાટના લીધે ગળે ઉતરવાના બદલે બહાર આવ્યો, પોતાના હાથમાં એણે લઈ લીધો.  આંસુઓ રૂંધાવા લાગ્યા!!

બસ, આજ દિવસ જોવાનો બાકી હતો મારા જીવનમાં!! મારો.. મારો.. બધા મારો મને એમ કહી ચેતના પોતાના હાથે જ પોતાની છાતી પર અને માથા પર હાથ મારવા લાગી. એ એના અંકુશમાં જ ન્હોતી! જોરજોરથી રડતા રડતા અપશબ્દો બોલી રહી હતી. દર્દ એનું જોઈ મોહિત પણ હીબકે ચડી ગયો હતો. એજ ક્ષણે મામા બપોરે જમવા માટે ઘરે આવ્યા અને આ દૃશ્ય જોઈ ખૂબ ગુસ્સે થયા. આજ મામાનો હાથ પણ ચેતના પર ઊપડી જ ગયો. મનફાવે એમ ઝાપટ એમણે ચેતના ના ચહેરા પર મારતા કહ્યું, "હજી ચડાવો દીકરીને છાપરે આ સખે રહેતી નથી અને રહેવા પણ દેતી નથી."

ચેતના! હા ચેતના... એ ક્યાં એના અંકુશમાં જ હતી, વિફરેલી વાઘણ જેમ તાડુકી ભાઈ પર..અને ભાઈને સામે હાથ ઉપાડવા લાગી! હાથપાઈ મોટા પાયે થઈ ગઈ.. કઈ જ કારણ વગર ઘર આખું તાંડવ કરી રહ્યું!!!! 

મોહિત આ દૃશ્ય જોતો એટલો ડઘાઈ ગયો કે, એના હાથમાં રહેલ શિરાનો કોળિયો ક્યારે નીચે પડી એના પગ નીચે કચડાઈ ગયો એની પણ એને ભાન ન્હોતી!! એની નજર મા ના વિખેરાયેલ વાળ, મામાના ફાટી ગયેલ શર્ટ અને નાના, નાની તેમજ મામી આ લોકોને ઝઘડતા રોકી રહ્યા હતા એમાં જ સ્થિર હતી. 

થોડીવારમાં આડોશી પાડોશી પણ એમને શાંત કરવા આવી ગયા! કોઈ શું કહે છે એ ક્યાં કોઈને સાંભળવું જ હતું બસ, બંન્ને મનની ભડાસ કાઢી  રહ્યા હતા. ચેતનાનો ગુસ્સો સાતમા આસમાને હતો એ ગુસ્સામાં બોલી, "હવે હું રોડ પર રહીશ પણ આ ઘરમાં ક્યારેય પાછી નહી આવું!"

ગરમ માહોલ અને ગુસ્સામાં ભાઈએ પણ વળતો જવાબ આપી જ દીધો, "રેવું હોય તો પ્રેમથી રે નહીતો નીકળ અત્યારે જ!!"

એજ ક્ષણે ચેતના મોહિતનો હાથ ખેંચી રીતસર ફિગોળતા, ઢસડાતા એને ઘરની બહાર ધસી ગઈ. નાની અને મામી એક હાથથી મોહિતને રોકી રહ્યા હતા પણ આજ વિફરેલ વાઘણ કોઈના રોકતા રોકાઈ એવી ક્યાં શક્યતા જ હતી!! શેરી સુધી નાના, નાની અને મામી ઓ ચેતના.. ઊભી રે!! ની બૂમો પાડતા દોડી રહ્યા હતા અને ચેતનાએ મોહિતનો એકદમ ટાઇટ હાથ પકડીને દોટ જ મૂકી હતી. મોહિતના હાથ પર મમ્મીની પકડ એટલી ટાઇટ હતી કે મોહિતને હાથ દુખવા લાગ્યો, એ માંડ માંડ એના મમ્મીના ડગલા સાથે તાલ મેળવી શકતો હતો. અને ગરમીના લીધે ધગધગતો રસ્તો મોહિતના કોમળ પગને દઝાડી રહ્યો હતો એ સામાન્ય સમજ ચેતનાને ક્યાં હતી!! મોહિતના આંખમાંથી ટપા ટપ સરતા આંસુ સાથે એના મનના ખૂણે રહેલું પપ્પાનું સ્મરણ પણ સરી રહ્યું હતું.


******************************


"શું થયું મોહિત કેમ જમતો જમતો અટકી ગયો???" મામીના પ્રશ્નથી એ ફરી વાસ્તવિકતામાં આવ્યો.

મોહિત મામીને આજે વળગી જ ગયો! છાતી સરસો ચાપી મામીએ પણ એને પોતાના વહાલના આગોશમાં લઈ લીધો. મોહિત કેટલાય સમય બાદ પ્રેમના વાત્સલ્યમાં ભીંજાય રહ્યો હોય એ અહેસાસ મામીને થઈ રહ્યો હતો, એમણે એનું મન હળવું થવા દીધું!!  થોડીવાર એમ જ મામીને ભેટીને રડ્યા બાદ એ બોલ્યો, મામી મારે ફરી ભીખનું મળેલ ખાવાનું નહી ખાવું પડે ને!! મમ્મી ફરી..."

"બસ.. બસ.. તું હવે કઈ ન બોલ દીકરા!!!" એના હોઠ પર હાથ મૂકી મામીએ એટલેથી જ અટકાવ્યો. મામી પણ એના શબ્દો સાંભળી રડવા લાગ્યા..

મામાનું કલેજું પણ આ શબ્દો સાંભળીને કંપી ગયું!  એક નિઃસાસો એમનાથી છૂટી ગયો. 


******************************


"થર્ડ ફ્લોર.. પ્લીઝ ઓપન ધ ડોર!"  લિફ્ટની કેસેટે મોહિતની તંદ્રા તોડી અને એણે અરીસામાં રહેલ પોતાના ચહેરા સામે સહસ્મિત જોયું અને એક અલગ જ ઉત્સાહ અને મક્કમતાથી લિફ્ટનો દરવાજો એમ ખોલ્યો જાણે એ તકદીરનો દરવાજો ન ઉઘાડતો હોય! મક્કમ ડગલે એ લિફ્ટની બહાર નીકળ્યો અને પોતાની ઓફિસ તરફ આગળ વધ્યો. આસપાસ રહેલ અન્ય ઓફિસ સ્ટાફ નવા આવનાર એમ્પ્લોયને મોર્નિંગ વીશ અને કોંગ્રેચ્યુલેશન કહી આવકારી રહ્યા હતા.


નમસ્તે વાચકમિત્રો. મારી ધારાવાહિક "ધીરગંભીર" ને વાંચી આપના અમૂલ્ય પ્રતિભાવ અવશ્ય આપજો. મોહિતના સફરમાં જોડાવવા માટે હું આપ સર્વનો દિલથી આભાર માનું છું. ફરી મળશું નવા પ્રકરણ સાથે. જય શ્રી રાધે કૃષ્ણ 🙏🏻