Sunda Mountains and Ramdevara in Gujarati Travel stories by वात्सल्य books and stories PDF | સુન્ધા પર્વત અને રામદેવરા

Featured Books
Categories
Share

સુન્ધા પર્વત અને રામદેવરા

ત્રિદિવસીય રણુંજા,સુન્ધા (ચામુંડા),જેસલમેર,થારનું રણ તીર્થ-પ્રવાસ
તારીખ ૧ સપ્ટેમ્બર ૨0૨૬ 
🌺🙏🏿🌺
મનનો દ્રુઢ સંકલ્પ માનવીને પ્રેરણા અને મનની મુરાદ પુરી કરવા ભગવાન પોતાના ભક્તો માટે પ્રેરણા અને પૂર્તિ શક્તિ પ્રદાન કરતા હોય છે.વાત જાણે એમ છે,કે અમારું ફેમિલી ઘણા વરસોથી આ યાત્રા માટે સંકલ્પબદ્ધ હતું,અને એ અમલનો અવસર સપ્ટેમ્બરના પ્રથમ દિવસે આવી ગયો.અમલ કરી દીધો.ત્રણ દિવસ પ્રકૃત્તિના ખોળે એટલે કે બાબારી રામદેવપીર રામદેવરા સમાધિ સ્થળના દર્શન કર્યાં.સર્વને યાદ હશે કે તત્કાલીન આ સ્થળે એ સમયમાં બાબા-રી એ જીવતાં સમાધિ લીધી હતી.બાદ બાજુમાં આવેલા એક ઐતિહાસિક વાવના દર્શન કર્યાં.આ વાવ લાખા વણઝારા વાવ તરીકે ખ્યાત છે.આ સાથે લાખા વણઝારાએ સમાધિ સ્થળની બાજુમાં તીર્થંયાત્રી માટે બાબારીના આદેશ મુજબ તત્કાલીન સમયમાં પીવાના પાણીની તીવ્ર તંગી નિવારવા લાખા વણઝારાએ આ વાવ બનાવડાવી હતી.તેમની યાદમાં લાખાના ચાહકોએ વાવની જમણી સાઇડમાં લાખા વણઝારાની સમાધિ બનાવી હતી.જે આજે પણ સમાધિ જોવાં મળે છે,જે અવાવરુ અવસ્થામાં પડી છે.લાખા વણઝારાની વાત આવે એટલે સુક્ષ્મ પરિચય એ કે એ મોટો મિસરી (ખાંડ) નો વેપારી હતો.તત્કલિન સમયે બાબા રામાપીરનાં દર્શન માટે લાખો આવતાં રામાપીરની એક સૂચનાથી લાખાએ વટે મારગુ કે પદયાત્રી માટે વાવ નિર્માણ કરાવી આપી હતી.જે આજે પણ રામાપીરની સમાધિથી ૧૦૦ ફૂટ અંતરે મોજુદ છે.બાબારીની સમાધી સ્થળે નિઃશુલ્ક ભોજન પ્રસાદ પણ થાય છે.પાછળના ભાગે એક નાનકડું સરોવર છે,જે અનિયમિત અનાવૃષ્ટિથી ક્યારેક ખાલી રહે છે.કેમકે આ વિસ્તારમાં વરસાદ ખૂબ ઓછો અને અનિયમિત થાય છે.
રામાપીરની રાજધાની એટલે પોકરણગઢ.જે સમાધિ સ્થળથી ૭ કિલોમીટર અંતરે છે.આ ગઢમાં રામદેવપીર તેમજ તેમના પિતાશ્રી અજમલજી રાજ કરતા હતા.માતા મીનલદેવી તેમની પત્ની નેતલદે શકતી સ્વરૂપ હતાં.પોકરણગઢમાં સચવાયેલી વિરાસત,ઘરેણાં,આયુધો,મહાલ્યો, મંદિર નીરખી દંગ થઇ જવાય.ગઢના કાંગરા અને કોતરણી તત્કાલીન કારીગરી વગર ઈલેકટ્રીક કે મશીનરી ન્હોતી તે છતાં વિસ્મય પમાંડે તેવા કિલ્લા,કોતરણી,વાસણો,આભૂષણો અને ઊંચા કિલ્લો જોઈ દિગમૂઢ થઇ જવાય છે.
બીજા દિવસની સવારે પોકરણગઢનો કિલ્લો જોઈ આથમણે જેસલમેર ૧૦૦ કિલોમીટર અંતરે રાજસ્થાનનું અતિ મહત્વનું શહેર જેસલમેર આવેલું છે.ફોર્ટ અને ત્યાંથી થારનું રણ જોવા જેવું છે.જેસલમેર એટલે રાજમહેલ અને ઝરૂખા,પથ્થરની છત્રીઓથી ખ્યાતનામ છે.અહીંનો લાલ પથ્થર ખાસ મંદિર બાંધકામ, મૂર્તિઓ બનાવવામાં વપરાય છે.રેલવે સ્ટેશન પાસે બધીજ પ્રકારની નાસ્તા જમવા માટે વાનગી મળી રહે છે.અને ત્યાંથી ભાડે પ્રાઇવેટ વ્હીકલ પણ મળી રહેશે.તેમજ જેસલમેર ફોર્ટની નજીક "ભગવદ ગીતા આશ્રમ" ખાતે નજીવા દરે રૂમ પણ રહેવા મળી જશે.અન્યત્ર હોટલ અને ધર્મશાળા છે,તે ખુબજ મોંઘા દરથી સેવા પુરી પાડે છે.જેસલમેરના તમામ મહેલ,રાજગઢી,મકાન,હોટલ બધાજ બાંધકામમાં ખાસ એકજ રજવાડી કલરના અને રજવાડી બાંધકામ જોવાં મળ્યા.જેમ જગન્નાથપુરીમાં ઘાટો ગેરું કલર હોય છે,તેમ.
અહીંથી નજીક "તનોટ માતા" તેમજ ઇન્ડો પાક બોર્ડર આર્મી ઓફિસરની અનુમતિ બાદ જોવા જવા દે છે.થારના રણમાં ઊંટ સવારી,જીપ ડાલા અને ફોર વહિકલ બાઇક રાઇડરનો રેતના ઢગલામાં આનંદ લેવા જેવો છે.હા,ત્યાં કોઈ નક્કી કરેલા ભાડા અંગે અનિયમિત્તા જોવા મળી.એટલે આ બધી સેવા પુરી પાડતા સ્થાનિકો પોતાની મરજી મુજબ યાત્રીઓ પાસેથી ભાડા વસુલી કરે છે.માટે ભાવ તાલ કરીનેજ વ્હીકલ કે યાતાયાત સાધનનો ઉપયોગ કરવો હિતાવહ છે.  
ત્યાં જમણ મોંઘુ છે,ગૂજરાતી બઉ ઓછા રેસ્ટોરન્ટ છે.માટે પોતાની રીતે ગ્રુપ ટૂર ગોઠવો તો રસોયો અને રસોઈ માટે કાચું સીધું સામગ્રી સાથે લઈ જવું જેથી ઘર જેવું સસ્તું અને ઘર જેવું જમણ મળી જાય માટે બીમાર ના પડાય.ભાવતું કે વાસી ખાઈ બીમાર પડવાનો વારો ના આવે તે માટે આ જરૂરી છે.આ બધું નીરખવા સમજવા પોતાની રીતે ગાઈડ કરી જેસલમેર કિલ્લો અને વિરાસત્તની જાણકારી સ્વૈચ્છાએ મેળવી લેવી અથવા ગુગલ પર નજર કરી લેવી જરૂરી છે.અમારી રાત્રી રોકાણ જેસલમેર શહેરમાં "ગીતાપ્રેસ" આશ્રમમાં હતી.આ જગ્યાએ સુંદર રાધા-કૃષ્ણનું મંદિર અને આશ્રમની સુવિધા સસ્તી અને સારી હતી.કોઈ ગરીબ યાત્રીને ત્યાં રોકાવું હોય તો નજીવા ચાર્જથી રૂમ મળી રહે છે.જમવાનું આજુબાજુ લોજ કે હોટલમાં વ્યવસ્થા સ્વખર્ચે કરવાની હોય છે.
જેસલમેરથી ત્રીજા દિવસે એટલે સુન્ધા પર્વત પર માતા ચામુંડાજીના દર્શનની ઝંખના હતી.સ્થાનિક હોટલમાં ભોજન લઈ બપોરે રોપ-વે દ્વારા માતાજીના દર્શન કર્યાં.અદ્ભૂત સૌંદર્ય,બે પહાડોની વચ્ચે આધ્યશક્તિ માં ચામુંડાજીનાં ખુબજ શાન્તિ પૂર્વક દર્શન કર્યા.આ પર્વત પર દેવી-દેવતાઓના અનેક મંદિર આવેલાં છે.મુખ્ય મંદિરમાં માતા 'સુન્ધા' જમણી દિશા તરફ ગોખમાં બિરાજમાન છે.એમની તેજોમય પ્રતિકૃતિ દર્શન કરી ધન્યતા અનુભવી.બાકી ભીડમાં દર્શન થતાં નથી,જે આજે નસીબે ભીડ વગર દર્શન થયાં.અહીં દરેક જ્ઞાતિની ધર્મશાળાઓ છે,જેમાં દરેક જ્ઞાતિનાં યાત્રીઓને રહેવા જમવાની નજીવા દરે સેવા પ્રદાન કરે છે.સંધ્યા આરતી કે મંગળા આરતી એટલે અહીંનો લ્હાવો છે.ડીસા શહેરથી સો સવાસો કિલોમીટર અંતરે આ તીર્થ ખરેખર આખો દિવસ કે રાત્રી રોકાણ કરવા જેવું ખરું.અહીં સિનિયર સીટીઝન (૬૦ વરસ ઉપરના) માટે રોપ-વે માં આવવા જવા ઓછા દર છે,જે સિનિયર સીટીઝને ટીકીટ લેતાં આધારકાર્ડ કે ઉમરનો કોઈપણ એક પુરાવો રજૂ કરી આ રાહતનો લાભ લઈ શકે છે.આ સ્થળે ખાસ બાળક કે યુવાનો માટે રેતીના ડુંગરમાં રેતી સાથે મસ્તી માણવાની મજા આવે તેવું મજાનું આ પર્યટન સ્થળ છે.રહેવા જમવા અને બાગ બગીચા,સાથે વિધ વિધ મંદિરની હરમાળામાં સમય અને ચિંતા ગાયબ થઇ જાય એ ખબરજ નહિ પડે.ચેતનાનો સંચાર થાય તેવું નજીકનું આ સ્થળ છે.જીવનમાં બઉ કંટાળ્યા હોવ તો એકાદ બે દિવસ અહીં જઈ આવજો,ખરેખર જીવન રિચાર્જ થઇ જશે.
એજ સાંજે અમેં અમારા ઘર તરફ એટલે કે પાટણ રાત્રીના ૧0 વાગે પહોંચ્યાં.ઘણા બધા સ્મરણ-અનુભવ લઈ પરત ઘર તરફ અમારી કાર સડસડાટ પાટણ તરફ રસ્તો કાપતી હતી.
(અહીં થોડા અને મહત્વની બાબતો ટાંકી છે.જરુર વાચન અને પ્રેરણા મળશે.આ સ્થળે જવા બસ અને ટ્રેનની સગવડ છે.એકલદોકલ જવા કરતા સમવયસ્ક ગ્રુપમાં જજો તો ખૂબ મજા આવશે.જરૂરી અને તમને ભાવતો નાસ્તો સાથે બે ત્રંણ જોડ કપડાં જરૂરી રોજિંદી આપણી અંગત સામગ્રી જેમકે સાબુ,હેરોઇલ, કાંસકો,દોરી,કોઈ દવા લેતા હો તો તે,બ્રશ-ટૂથપેસ્ટ,મોબાઈલ,ચાર્જર,જરૂરી રોકડ,વોટર બોટલ,નાસ્તો કે ફ્રૂટ,માથાની કૅપ,પોતાનું એક લોક, ઓઢવા ચાદર,વગેરે યાદ કરી સાથે લઈ જવા કેમકે રણમાં જાઓ ત્યાં કશુંય મળતું નથી.આ સિવાય તમને પ્રવાસમાં ગમતી અને સાથે લઈ જવા જેવી બેગ કે અન્ય વસ્તુઓની યાદી બનાવી બિનચૂક લઈ જવી.)
અસ્તુ.
આભાર... 
 - સવદાનજી નરસિંહજી મકવાણા ( વાત્સલ્ય ) 
પાટણ : ૫/૧૦/૨૦૨૬