Survival - 17 in Gujarati Thriller by Falguni Dost books and stories PDF | અસ્તિત્વ - 17

Featured Books
Categories
Share

અસ્તિત્વ - 17

આસ્થાની આ સ્થિતિ ડૉ. સુમન જોઈ તુરંત બોલ્યા, "જરૂર એને પહેલાનું કંઈક સ્મરણ થયું! જે મર્સિડિઝ બહાર ઊભી હતી એ એને અકળાવી રહી હતી."

"હા, મને પણ એ જ લાગ્યું. પણ એ દિવસે તો એને કોઈ કાર માંથી નહી પણ વેન માંથી ધકેલવામાં આવી હતી. મને હજુ આટલા સમયે પણ એ બરાબર યાદ છે!" અનુરાધાએ ખુલાસો કરતા કહ્યું.

"અરે.. એવું જરૂરી થોડું છે કે એને વેન માંથી ફેકી તો વેન સિવાય કોઈ કારમાં એને ઉઠાવી ને લઈ ગયા ન હોય?? મર્સિડિઝ સાથે એના ભૂતકાળનું કંઈક રહસ્ય છે અને જરૂર એ પીડા દાયક જ બાબત છે." કલ્પ પોતાના મનના ભાવ રજૂ કરતા બોલ્યો.

યામિની અને શુભમે પણ ક્લ્પની વાત સાથે સહમતિ પૂરાવી.

ડૉ.સુમને સહેજ પાણી આસ્થાના ચેહરા પર છાંટ્યું. પાણીના શીતળ સ્પર્શથી આસ્થા સહેજ સળવળી. અનુરાધાએ એના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. આસ્થા ભાનમાં આવી. એના ધબકાર હજુ પણ તેજ હતા અને એ ખૂબ ડરી રહી હતી.

"બેટા! તું જરા પણ ડરીશ નહી અમે છીએ ને તારી સાથે, તને કઈ જ નહી થાય!! તું કેમ અચાનક ડરવા લાગી??" અનુરાધાએ ખૂબ શાંતિથી આસ્થાના મનને જાણવાનો પ્રયાસ કર્યો.

"મમ્મી મને એ કારને જોઈને એમ થયું આ લોકો મને લઈ જશે. બસ.. આ જ વિચારથી હું ખૂબ ડરવા લાગી." આસ્થાએ પોતાના મનના વિચાર રજૂ કરતા કહ્યું.

ડૉ. સુમને વાત ને બદલાવવાના ઉદેશ્યથી આસ્થાને કહ્યું, "બેટા આ બધું છોડ. તું અત્યારે અમારી સાથે એકદમ સુરક્ષિત છે. અને એ કહે તને નવરાત્રી ગમે કે નહી? શુભમ ખૂબ સરસ રમે છે તો તું એની પાસેથી અમુક સ્ટેપ શીખી લેજે. નવરાત્રિને હવે બહુ જાજો સમય નથી રહ્યો."

"હા હું શીખી લઈશ." ફ્કત ટૂંકમાં જ જવાબ આપી આસ્થા ચૂપ થઈ ગઈ.

બધા ફરી બીજી વાતે ચડી ગયા અને ફરી આખું વાતાવરણ નોર્મલ થઈ ગયું. આસ્થા પણ ધીરે ધીરે એમની વાતો સાથે સહમત થઈ રહી હતી. એક અજાણ્યો ડર હતો છતાં મમ્મી મને કંઇ જ નહી થવા દે એ વાત મક્કમ પણે સમજાય રહી હતી. એનું મન જે મમ્મી માટે શંકા ઉદ્દભવતું હતું હવે એ એટલું સ્વીકારવા લાગ્યું કે હું અહીં સલામત છું.

આજની સાંજ માણી બધા ઘર તરફ ફર્યા. ઘરે આવી ફ્રેશ થઈ કપડાં ચેન્જ કરી આસ્થા એના મમ્મી પાસે બેઠી. મમ્મીનાં ખોળામાં માથું ઢાળી એ ફ્કત એટલું જ બોલી, "મમ્મી એક વાત પૂછું??"

"હા, પૂછ ને બેટા!"

"મમ્મી મારે અંબામાઁના દર્શન કરવા જવું છે. આપણે ત્યાં જશું?"

"અરે બેટા! એમાં કઈ પૂછવાની જરૂર જ નથી તારે સીધું જ કહેવું જોઈએ કે માઁ ના દર્શેને જવું છે. આપણે અવશ્ય જશું. તું કહે તો કાલે જ આપણે જઈએ. ભાદરવી પૂનમ છે તો માઁના દર્શન કરી અને આપણે આ પવન અવસરનો લાભ લઈએ."

અનુરાધાએ હા તો પાડી પણ એના મનમાં એ પ્રશ્ન થયો કે આસ્થાએ અંબામાઁના દર્શનનું કેમ કહ્યું હશે? ક્યારેય અંબાજીનું નામ પણ અમારી ચર્ચામાં આવ્યું નથી. આસ્થાએ કેમ અચાનક ત્યાં જવાની વાત કરી.

આસ્થાએ જોયું કે મમ્મી કંઈક વિચારમાં પડી ગયા. એણે પૂછ્યું, "મમ્મી કેમ શું વિચારો છો?"

"ના ના બેટા એમ જ.. કઈ નહી. ચાલ હવે તું તારી બધી દવા પી લે અને બે દિવસના કપડાનું પેકિંગ પણ કરી લે, અંબાજી જઈએ છીએ તો આબુમાં આપણું ફાર્મહાઉસ છે ત્યાં પણ જતા આવશું."

"અરે વાહ! આપણું ફાર્મહાઉસ પણ છે! હા તો ત્યાં આપણે ચોક્કસ જશું."

આસ્થાના ચહેરા પર એક અનોખું તેજ આવી ગયું. એ ખૂબ ખુશ થઈ ગઈ. એની દવા પીવા અને પેકિંગ કરવા એ એના રૂમમાં ગઈ. અનુરાધાએ આ મોકાને ઝડપીને ડૉ. સુમનને ફોન લગાડ્યો, સામેથી ફોન રીસીવ થયો.

"હેલ્લો અનુરાધા!"

"હેલ્લો ડોક્ટર! મારે એક તમારી સલાહ જોઈતી હતી. આજે અચાનક આસ્થાએ મને અંબામાઁના દર્શન કરવાની ઇચ્છા જણાવી. હું કાલે ત્યાં જઈશ અને બે દિવસ આબુ અમારા ફાર્મહાઉસ પર જવાની છું. મેં આ નિર્ણય લીધો એ યોગ્ય જ છે ને!? બસ એ પૂછવા જ તમને ફોન કર્યો છે."

"હા, યોગ્ય છે. તમે જરા પણ ચિંતા કરશો નહી અને આરામથી આ ટ્રિપ એન્જોય કરજો. જે થશે એ માતાજીની કંઈક ઇચ્છા જ હશે. એમ સમજીને આસ્થાની ઈચ્છા પૂરી કરો. અને હા.. જો એ કઈ અજુગતું વર્તન કરે તો ગભરાશો નહી. પણ એને હિંમત આપજો અને સાથ આપજો."

"હા. અવશ્ય." ટૂંકમાં વાત કરી એમણે ફોન પૂર્ણ કર્યો.

નવા દિવસનો સૂર્યોદય આજે અનેક ખુશીઓ આસ્થાના ચહેરા પર લઈને આવ્યો હોય એમ આસ્થા આજ અત્યંત ખુશ હતી. એની ખુશીઓનું તેજ એના ચહેરે એટલું બધું ખીલ્યું હતું કે જે જોવે એ આસ્થાના રૂપમાં ઘડીભર મોહી જ જાય! અનુરાધાએ પોતાની આંજણનું કાળું ટપકું આસ્થાના કાન પાછળ કર્યું અને તેઓ બોલ્યા, મારી દીકરીને દુનિયાની બધી જ ખરાબ નજરથી બચાવજો.

માઁ અંબાને યાદ કરી એ લોકો નીકળ્યા અંબામાઁના દર્શન કરવા. આસ્થા આસપાસનો નજારો જોતી આ ક્ષણને ભરપૂર માણી રહી હતી. રોડની બંને તરફ રહેલ હરિયાળી એટલી સુંદર દેખાતી હતી જાણે ધરતીએ સુંદર લીલી ઓઢણી ઓઢી હોય! અનેક શ્રદ્ધાળુ દર્શન કરવાના હેતુથી જતા હોય રસ્તા પર ખૂબ જ ટ્રાફિક હતો. કેટલાક શ્રદ્ધાળુઓ પગપાળા પણ જઈ રહ્યા હતા. આસ્થાની આ પહેલી ટ્રિપ હોય એ ખૂબ જ ખુશ હતી. આખે રસ્તે એ જુદા જુદા ફોટા પાડવા અને ટેપ પર સોંગ વગાડવા અને અનેક અલકમલકની વાતો કરતી આ મુસાફરીની મજા માણી રહી હતી. વાતોમાં અને વાતોમાં એણે પપ્પાને યાદ કર્યા. એ બોલી, "કાશ!! પપ્પા આપણી સાથે હોત તો કેટલી મજા આવત!! મમ્મી પપ્પાને ઘરે લાવીએ પછી આપણે પહેલા એમને પણ અહીં જ લાવશું. હો ને મમ્મી!!"

"હા, બેટા! અવશ્ય.. તારા પપ્પાને અહીં આવવું ખૂબ ગમતું."

અંબાજીમાઁના પટાંગણમાં આ લોકો પહોંચી ગયા. અત્યંત ભીડ હતી. બધા વ્યવસ્થિત સ્થિતબંધ કતારમાં મંદિરની અંદર દર્શન કરવા જઈ રહ્યા હતા. જેમ જેમ આસ્થા મંદિરની અંદર પ્રવેશી રહી હતી એમ એમ એને કંઈક અલગ જ ઉર્જા મળી રહી હતી. એને કંઈક એવો અહેસાસ થતો હતો જાણે એ અહીં ઘણીવાર આવી છે. કઈ જ યાદ નહોતું આવતું પણ કંઈક તો હતું જ જે એના ભૂતકાળની સમીપ હતું. મનમાં અનેક પ્રશ્નો થતા હતા પણ જવાબ કોઈ જ નહોતા.

અનુરાધાની સ્થિતિ પણ કંઈક એવી જ હતી, એ આસ્થા માટે ચિંતિત હતી જ સાથોસાથ ગિરિધર માટે પણ ખૂબ વ્યાકૂળ હતી. એના મનમાં એક જ રટણ ચાલુ હતું, હે માતાજી! ફરી તારા દરબારમાં હું આવી છું. મારું જે સઘળું તમે છીનવ્યું એ ફરી પાછું મને આપજો. મારા ગિરિધરની આસ્થાને પરિપૂર્ણ કરજો. નિખાલસ પ્રેમની એણે ખૂબ સજા ભોગવી છે. એનું આયખું પ્રેમની તરસમાં જ વીત્યું, માઁ હવે મારા ગિરિધરને સામું જોજો. અમારા બન્નેના જીવનમાં જે આસ્થાને તમે મોકલી છે એની સમક્ષ હું દરેક હકીકત એને જણાવી શકું એટલી મને હિંમત આપો અને આસ્થા આ હકીકતને સ્વીકારી શકે એવું એનું કઠણ કલેજું કરજો. હે મા! હું આમ આસ્થાને જોઈ શકતી નથી. મા તમે જ કંઈક ચમત્કાર કરો કે આસ્થાને જે બધી વાતોથી દૂર રાખી છે એ સઘળી એને હું જણાવી શકું! માઁ આ બાળકી ક્યાં પરિવાર માંથી હશે એ પણ હું નથી જાણતી, કદાચ આસ્થાને બધી હકીકત જણાવવાથી એ એના ભૂતકાળને ઝડપથી યાદ કરી શકે!! મને આમાં કઈ યોગ્ય રસ્તો મળતો નથી!! માઁ તમે તો વધુ જ જાણો છો. હું સઘળું તમારે શરણે મૂકું છું. માઁ મારા અધુરા પરિવારને કેમ સમેટવો એ ફક્ત તમારા હાથમાં જ છે.

મારી ધારાવાહીક "અસ્તિત્વ" ની સફરમાં જોડાવા બદલ વાચક મિત્રોનો દિલથી આભાર. આપના પ્રતિભાવો મને લખવા માટે ખૂબ પ્રોત્સાહીત કરે છે, ધારાવાહિકને અનુરૂપ પ્રતિભાવ જણાવશો. ફરી મળીશું નવા પ્રકરણમાં. જય શ્રી રાધેકૃષ્ણ.🙏🏻