આનંદ યાદવ મરાઠી સાહિત્યક્ષેત્રે ખૂબ જ નોંધપાત્ર છે, તેમની ‘ઝોંબી’ નવલકથાને સાહિત્ય અકાદમીનો (૧૯૯૦)નો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. તેમની સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર કૃતિઓમાં ‘ભૂમિકન્યા’, ‘પાણ ભવરે’, ‘ખલીલ’, ‘ઘરજમાઈ’, ‘સંત સૂર્ય તુકારામ’, ‘લોક સખા જ્ઞાનેશ્વર’ છે. આનંદ યાદવનું પણ દલિતસાહિત્યધારા કે દલિતચેતના નિરૂપણમાં નોંધપાત્ર પ્રદાન રહેલું છે. અહીં તેમની ‘અંતિમ જોડી ચંપલ’ વાર્તા જેનો ગુજરાતી ભાષામાં અનુવાદ ‘બિપિન આશરે’ કરેલો છે તેને આસ્વાદવાનો ઉપક્રમ છે.
વાર્તાની કથાવસ્તુ જોઈએ તો, વાર્તાના આરંભે પૂણેના લક્ષ્મીરોડ પર વાર્તાનાયક ચંપલ ખરીદવા માટે જુદી-જુદી દુકાને ફરતો હોય છે. પરતું ઊંચા ભાવને કારણ વાર્તાનાયક ચંપલ ખરીદતો નથી, તેં ઘરની આર્થિક પરિસ્થિતિથી વાકેફ હોય છે, આઠ ભાઈ બહેન અને મા-બાપ સાથે ઘરમાં દસનો પરિવાર. ચંપલ ખરીદ્યા વગર જ વાર્તાનાયક ઘેર આવતો હોય છે ત્યાં મનોમન પોતાના વતનમાં ચમારપાડામાં સીવાતાં ચામડાનાં ચંપલ યાદ કરે છે, ગામડામાં એની કશી કિંમત નહિ અને અહિયાં તો જાણે કે સોનાનાં આભૂષણ. વાર્તાનાયક પાસે પડેલાં છેલ્લા બે-અઢી વર્ષના બૂટ અને ચંપલ જે ક્યાંક ક્યાંકથી તૂટેલાં હતાં, તે વિચારે છે કે ગામડે જાઉં એટલે સાથે લઈ જઈ ગામના ચમાર પાસે રીપેર કરાવી દઈશ, થોડા દિવસ પછી નાયક પોતાના વતન જાય છે. ત્યાં માને આ ચંપલનો ઢગલો બતાવે છે, મા આ ચંપલને ગામના મોચી ‘તુકા ચમાર’ પાસે જઈને રીપેર કરાવવાની સલાહ આપે છે, નાયક એક જોડી ચંપલ સીલાવાની વાત કરે છે. નાયક અને તેની મા સાથે તુકા ચમારના ઘેર જાય છે. પચીસ વર્ષ પછી નાયક આ ચમારવાડામાં જાય છે, ને પોતે ભૂતકાળમાં ચાલ્યો જાય છે ‘તુકા ચમાર’ને યાદ કરે છે, ‘ક્યારેક તુકો સ્નાન કરી દુકાનમાં લગાડેલ બધાં દેવી દેવતાના ફોટાને ઘંટડી વગાડીને અગરબત્તી કરતો. ગોરું શરીર અને કસાયેલો દેહ. દાઢી રોજ કરતો. ધોતિયું ધોયેલું. જનોઈ પહેરે તો બ્રાહ્મણ જ લાગે, એટલો સાફસુથરો રહેતો. વાતચીતમાં ચતુર હતો. ક્યારેક ચમારકામમાં વ્યસ્ત રહેતો.’(પૃ. ૧૮૫) તો તુકા ચમારના પત્નીનું પણ સ્મરણ વાર્તાનાયકને થાય છે, ‘પારુમાસી ક્યારેક દુકાન સાથે જોડાયેલી દીવાલને ટેકે બેસતાં. ઘઉં વર્ણો દેહ, સીધું નાક, પંચકોણી ચહેરો હતો એમનો. પાન ખાતાં. મોં હંમેશાં રંગાયેલું રહેતું. હસતાં હસતાં બોલવાની એમની ટેવ હતી. ક્યારેક બગીચા તરફ કંઇક માગવા નિકળી પડતાં, ત્યારે લાગતું કે બગીચાની સુકોમળ માલિકણ જ આવી ગઈ છે’(પૃ. ૧૮૬) છેવટે વાર્તાનાયક અને તેની મા તુકામાના ઘેર પહોંચી જાય છે, જાણ થાય છે કે તુકામા તો બસસ્ટેન્ડવાળી દુકાને છે, બૂટ-ચંપલનો ઢગલો કરી રીપેર કરવાનું કહી વાર્તાનાયક બસસ્ટેન્ડે જાય છે અને મા ઘેર જાય છે. નાયક તુકામા ને મળે છે, ભૂતકાળમાં જોયેલા તુકામા હવે એવા રહ્યા નથી, વાર્તાનાયક ઓળખાણ પાડે છે, વાતચીત થાય છે. આ આધુનિક જમાનામાં રબરના બૂટ-ચંપલની વધતી જતી માંગ અને ફેશનને લીધે તુકામાના ચામડાના ચંપલનો ધંધો હવે ચાલતો નથી, વાર્તાનાયક પણ એક જોડ ચામડાના ચંપલ સીલાવા માટે આપે છે, ચામડાના ચંપલ ત્રણ વર્ષ જેટલાં ચાલતા હોય છે અને એ તૂટશે એટલે ફરીથી અહિયાં સીલાવવા માટે આવશે પણ તુકામા ની તો હવે ઉંમર થઈ ગઈ છે ત્યાં થી પાછા જતાં નાયકને એવું લાગે છે કે આ મારી અંતિમ જોડી ચંપલ છે. અને વાર્તાનો કરુણાંત આવે છે.
વાર્તાની પાત્રસૃષ્ટિ જોઈએ તો, વાર્તાનો સંવેદનશીલ વાર્તાનાયક કે જેના મુખે આ પ્રથમ પુરુષ એક વચનમાં વાર્તા કહેવાઈ છે. ગામડેથી શહેરમાં ગયેલો આ વાર્તાનાયક, પોતે આઠ ભાઈ બહેન અને મા-બાપ સાથે દસ. ‘ધીરે ધીરે હું જૂનું બધું ભૂલીને શહેરીજીવનનો શિકાર બનતો જતો હતો’ વાર્તાનાયક પોતે જ આવું સ્વીકારે છે, તેં વર્ષો પછી પોતાના વતન જાય છે ને ચમારને ત્યાં ચંપલ બનાવવા માટે આપે છે. બીજું એક પાત્ર એટલે ‘તુકામા ચમાર.’ તુકા ચમારની ચામડાના બૂટ ચંપલની ગામના બસસ્ટેન્ડ પર દુકાન છે, આધુનિક જમાનાની તેમના ધંધા પર અત્યંત માઠી અસર પડી છે. જેના લીધે જીવનનો છેલ્લો પડાવ પસાર કરવો હવે એમના માટે ખૂબ જ મુશ્કેલ બન્યું છે. વાર્તાનું બીજું એક પાત્ર એટલે ‘પારુમા.’ તુકામાના પત્ની પારુંમાનું પાત્ર અને વાર્તાનાયકની માનું પાત્ર પણ આ વાર્તાને આગળ ધપાવવામાં મદદ રૂપ બન્યું છે.
ભાવક કલાકૃતિ પાસે રસપ્રાપ્તિ અર્થે જતો હોય છે. સર્જકે આ વાર્તાનું વિષયવસ્તુ પસંદ કર્યું છે, તેના આધારે જોતાં અહીં સતત ઘેરા કરુણરસનો અનુભવ થયા કરે છે, કેટલાંક ઉદાહરણ જોઈએ:
‘મહેનતથી દીકરાને ભણાવ્યો હતો. હાઈસ્કુલનો અભ્યાસ પૂરો થયો હતો.પરીક્ષા પછી ગરમીની રજા હતી. ઘરે બેસીને શું કરે, એવી વિચારી નવા ખૂલેલા પેટ્રોલ પંપ પર કામે જવા લાગ્યો. રાતે તે પંપ પર કોઈ ટ્રકવાળા એ જ રકમ લૂંટવાનો પ્રયત્ન કર્યો. તે ઝૂંટાઝૂંટમાં તેના મસ્તક પર લોખંડનો સળિયો માર્યો અને તેની ખોપડી ફાટી ગઈ, બીજે દિવસે હોસ્પિટલમાં તે મરી ગયો.’(પૃ. ૧૮૯)
વાર્તાનાયક અને તેની મા વચ્ચેનો આ કરુણરસ ભરેલો સંવાદ જોઈએ:
‘તે કયા કારણે આટલી વૃદ્ધ થઈ ગઈ?’
‘પહેલાથી જ તેને અસ્થમા હતો. ઉંમર વધતાં તે વધતો ગયો.’
‘દવાદારૂ શું થતાં જ નથી?’
‘યુવાનીમા જોયા હશે ભરપૂર. દમની શું કોઈ દવા છે? જન્મભર પાન જ ખાતી રહી’
‘સારું, પાન એટલા માટે ખાય છે?’
‘બીજું તો શું? એમાંય એકનો એક પુત્ર પણ ગયો. બધી દીકરીઓનાં લગ્ન કર્યાં. પહેલાનું બધું હચમચી ગયું. કેવી રીતે ટકી શકશે આ લોકો?’ આ સિવાય, પારુમા અને વાર્તાનાયકની મા વચ્ચેનો સંવાદ, કે વાર્તાના અંતમાં થતો વાર્તાનાયક અને તુકામા વચ્ચેનો સંવાદ પણ કરુણરસથી ભરેલો જોવા મળે છે.
વાર્તામાં સંઘર્ષતત્વ જોઈએ તો ચમાર વૃદ્ધ દંપતિનો બાહ્ય તેમજ આંતરિક સંઘર્ષ જોવા મળે છે, જીવનના અંતિમ પડાવ પાર કરવા માટે સતત આ વૃદ્ધ દંપતી માનસિક તેમજ શારીરિક સંઘર્ષ અનુભવ્યા કરે છે, વાર્તાનાયક અને તુકામા વચ્ચેનો આ સંવાદ જુઓ:
‘તુકામા, પહેલા તો તમારું બહુ સરસ ચાલતું હતું . એકાએક આટલી ખરાબ હાલત કેવી રીતે થઈ ગઈ?’
‘હું મારા એકલાની વાત ક્યાં લઈને બેસી ગયો. આખો ચમારપાડા જ જમીનથી ઉખડી ગયો છે.’
‘શા માટે?’
‘રબરની ચંપલ આવી. હવે ચમારનો માલ કોઈ શા માટે લે’
‘મારો અનુભવ તો એ જ છે કે આપનો માલ ટકાઉ છે’
‘ટકાઉ ચીજ કોણ જુએ છે? હવે તો બસ ફેશન જોઈએ ને! આપના પૂના-મુંબઈમાં ફેશનનાં બૂટ-ચંપલનાં કારખાનાં ખૂલ્યાં અને અમારા ચમારપાડા ઉજ્જડ થઈ ગયા.’ આ સિવાય તુકામાનો એક નો એક ઘણી માનતાઓથી મળેલા પુત્રનું અકસ્માતથી મૃત્યુ થઈ જવું, આ ઘટના પણ વૃદ્ધ દંપતી માટે અત્યંત સંઘર્ષમય હતી. આ વૃદ્ધદંપતી આર્થિક સંઘર્ષમાંથી પણ પસાર થઈ રહ્યા છે, ‘હવે માત્ર દિવસો જ ગણવાના છે. આપની માએ જેવા તૂટેલાં જોડાં લાવી આપ્યાં તેવા સાથ-આઠ રોજ આવતાં રહે તો બસ.... દુનિયાનો મોટો ઉપકાર થશે અમારા પર’(પૃ.૧૯૪) મિલ-કારખાનાં આવવાથી આ વૃદ્ધદંપતિના જીવન પર અત્યંત માઠી અસર પડેલી અહીં જોઈ શકાય છે.
સર્જક સર્જક ત્યારે જ બંને જયારે સામગ્રીનું કળામાં રૂપાંતર કરે. સર્જકે આવા વિષયવસ્તુને લઈને વાત કરી છે તો સર્જકે ભાષાકર્મ સાથે પણ સારો એવો પનારો પાડ્યો છે. ભાષાકર્મના ભાગરૂપે કેટલાંક અસરકારક વર્ણનો જોઈએ તો-
‘ચમકતાં સોના-ચાંદીનાં ઘરેણાંઓની દુકાનોની પાસે બૂટ-ચંપલોની દુકાન હતી. જોડાંને આભૂષણોની જેમ સજાવ્યાં હતાં. કોઈ કિંમતી વસ્તુની જેમ સુંદર સુંદર ચંપલોની કાઢીને નોકર ખુરશીઓપર આરામથી બેસી ગ્રાહકોના પગમાં પહેરાવ્યા કરતો હતો, જે રીતે મા બાળકને ધીમેથી કપડાં પહેરાવતી હોય, તે જ રીતે પગમાં નોકર ચંપલો પહેરાવતો હતો માલિક પણ ગ્રાહકોના પગને મૂલ્યવાન સમજતો હતું’ (પૃ. ૧૮૨)
‘દુકાનમાં ખીંટીઓ પર રંગીન ફોટાઓની લાઈન હતી. બધાં દેવી દેવતાઓના ફોટા ત્રણ દીવાલો પર લગાડેલા. ફોટા નીચે આ મજૂર ચમાર નીચું માથું રાખી ચામડા કાપતો, રોંપી તેજ કરતો, સિલવટ બરાબર કરતો, ચામડાના ટુકડાની વેણી બનાવતો, દુકાન ઘરમાં જ હતી. પથ્થરોના મોટા બે ઓરડા હતા. સડક લગોલગ જ દુકાન હતી. સવારે ખુલેલી દુકાન રાતે તકતીઓ લગાવીને બંધ થતી. દીવાલો પર સફેદી હતી. દુકાન પર ચામડું સુકાતું હતું અને નીચે કામની વ્યસ્તતા..કામ બસ કામ જ...’ (પૃ. ૧૮૪)
કેટલાંક અલંકારો પણ સર્જકે નિરૂપ્યા છે, જેવા કે-
‘ધીમે ધીમે અંદરનું અંધારું આકાર લેવા માંડ્યું અને તે એક લાકડીના ટેકે આવતાં વૃદ્ધા બની ગયા’
‘તડકામાં ઘાયલ પક્ષીની જેમ તેને આંખો મીંચી દીધી.’
‘પાવર નાખીને તે ટ્રાન્જિસ્ટરને હમેશાં ગાતો અને જીવિત રાખતા હતા’
‘તેનો ચહેરો પાકેલી કેરી જેવો આનંદિત થઈ ગયો હતો’
આમ, સમગ્રરીતે જોતાં આ ટૂંકીવાર્તાનું વિષયવસ્તુ, ઉજ્જવળ ચરિત્રચિત્રણ, રસનિરૂપણ, સંવાદ, સંઘર્ષ તથા ભાષાકર્મની દૃષ્ટિએ વાર્તા આસ્વાદ્યક્ષમ બની છે. ભારતના તળપ્રદેશમાં વારસાગત વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની વર્તમાન સમયમાં યંત્રો, કંપની ને ફેક્ટરી-કારખાનાઓએ સ્થાન લઈ જે દયનીય સ્થિતિ ઊભી થઈ છે તેનો વરવો ચિતાર અહીં રજૂ થયો છે. તુકામા ચમાર જેવા અનેક નાના વ્યવસાયકારો આ જ સંઘર્ષનો સામનો આજે કરી રહ્યા ચી, એ અર્થમાં તુકામા ચમાર સમગ્ર વ્યવસાયિક ને દારૂણ જીવન જીવનારો જાણે કે પ્રતિનિધિ છે અને તેનો મોચી કામનો વ્યવસાય તમામ નાના વ્યવસાય કરનારનું પ્રતીક છે. આ રીતે આ વાર્તા મરાઠીભાષાની સબળ વાર્તા બની છે. ગુજરાતીમાં ભગીરથ બ્રહ્મભટ્ટની ‘ચાકડો’ વાર્તાનું આ સંદર્ભે ચોક્કસ સ્મરણ થાય, જેમાં માટીકામ કરતો મોહન કુંભાર અને તેના વ્યવસાયનું આધુનિકતાને લીધે ઊભું થતું વરવું ચિત્રણ જોવા મળે છે. ગુજરાતીમાં પણ અનેક નોંધપાત્ર વાર્તાકારોએ આ રીતે વ્યવસાયિક ચરિત્રોને નિરૂપ્યા છે. તે પણ એટલું જ નોંધપાત્ર છે.
[અહો! વાર્તા(ભારતીય અનૂદિત ટૂંકીવાર્તાઓ), અનુ: બિપિન આશર, પ્ર.આ: ૨૦૧૪, પ્રકાશક: ફ્લેમિંગો પ્રકાશન, અમદાવાદ, મૂલ્ય: ૨૨૫ રૂ.]
SORATH: E-Journal ISSN 2457-0109
A National Peer Reviewed Referred E-Journal ISSUE-27 (Dec-2020)માં પ્રકાશિત.