Pidani Pan Aap-Le in Gujarati Poems by VIPUL G. MANGROLIYA books and stories PDF | પીડાની પણ આપ લે

Featured Books
Categories
Share

પીડાની પણ આપ લે

થૈ શકે તો જ પીડા ની પણ આપલે,
હું અને તું મટી, બનશું જો આપણે.

ખોટ મારામાં તું પણ ન કાઢી શકે,
તું જ ઘડતો રહ્યો છે મને ટાંકણે.

જ્યાં હું મારાપણું સાથમાં લઈ ગયો,
ના મળ્યો હું જ સામો મને આયને.

ફૂલ ચુંટાયુ એની હતી વેદના,
લાગ્યું અમને કે ઝાકળ હતી પાંદડે.

પાનખર ની હશે થોડી મીઠી નજર,
તો જ મ્હોરી શકે કેસુડો ફાગણે.

હસ્તરેખા ની જીવી લીધી જીંદગી,
આજ ગઝલો થકી જીવું છું કાગળે

વિપુલ માંગરોલીયા(વેદાંત)

આપણા થી ઉંચા કોઈ ના ભાળીએ,
એટલો ના અહમ્ નેય પંપાળીએ.

માણસાઈ નું પ્હેરી પહેરણ હવે,
આપણે આપણો ધર્મ સંભાળીએ,*

સાવ નિસ્તેજ લાગે છે એ પણ હવે,
ચાંદનીમાં સ્મરણ ચાલ ઓગાળીએ.

એકસરખા નથી ક્યાય આકાશમાં,
ચારણી લઈ સિતારા બધા ચાળીએ.

રાતને પણ કદી ઊંઘ તો આવશે,
ચાલ એનોય એક ઢોલિયો ઢાળીએ.

પોતિકા ભાવની છાંટ પણ જોઈએ,
પારકા શબ્દે ગઝલો ના પંપાળીએ.

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 14/07/14

*રમેશ પારેખની પંક્તિ

હવે એ વાત પર તારી, બધો આધાર રાખે છે,
સજાવે વાંસળી હોઠે કે તું હથિયાર રાખે છે.

જુઓ હરખાય છે ઘડપણ ધરીને બાળપણ ખોળે,
કે સુક્કી ડાળ પણ જાણે લીલો શણગાર રાખે છે.

હજી પણ પાતળા કપડાં થી સૂરજ ને એ હંફાવે,
હજી મારી મા,પાલવ એટલો દમદાર રાખે છે.

ઉપર બેસીને કાયમ પારખાં તારે જ કરવાનાં?,
તને પડકારવાનો કવિઓ પણ અધિકાર રાખે છે.

નહીતર સાવ અમથું પારણે મલકે નહીં બાળક?,
કુણી પાંપણ ની અંદર એ અલગ સંસાર રાખે છે.

કરી જો દિલનાં ઉંડાણેથી તારી વાત ઈશ્વર ને,
એ ક્યાં લોબાન કે શ્રીફળ ની યે દરકાર રાખે છે.

ચમનમાં ફૂલ ખીલ્યાની ખબર થી આવ્યા ભમરાઓ,
મને લાગે છે ઉપવન પણ હવે અખબાર રાખે છે.

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 10/06/2014

આ ભીડમાં એકાંત વળગી જાય તો હું શું કરું?
શ્વાસો થી દિલની આગ ભડકી જાય તો હું શું કરું?

હું ચાલવા તૈયાર છું, પણ સાથ જો તારો મળે,
રસ્તો પછી અડધેથી અટકી જાય તો હું શું કરું?

હું માંડ મારી લાગણી દાબી ને બેઠો છું હજી,
પાલવ તમારો સ્હેજ અડકી જાય તો હું શું કરું?

કાજળ ભરેલી આંખ તારી સ્હેજ અમથી જો નમે,
ધોળા દિવસમાં રાત ઢળતી જાય તો હું શું કરું?

ફૂલોને મેં ચોધાર આંસુ સારતા જોયા હતા,
દુનિયા હવે ઝાકળ સમજતી જાય તો હું શું કરું?

લખવીજ નોતી આમતો વેદાંત ગઝલો પ્રેમની,
પણ કોઈ શ્યાહીમાંજ સરકી જાય તો હું શું કરું?

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 23/04/14

રોજ મારો જન્મ એની આંખમાં ઉજવાય છે,
માને માટે દીકરો મોટો કદી ક્યાં થાય છે.

કોણ જાણે કેવી માટીનો બનેલો દેહ છે,
દર્દ આપ્યા કેટલાયે તોય, મા હરખાય છે.

એક અક્ષર પણ ન જાણે, ક્યાં ભણી છે સ્કૂલમાં,
તોય મારા મુખ ઉપરનાં શબ્દ વાંચી જાય છે.

એક મારી ઊંઘ ખાતર રાત ને ગણતી દિવસ,
કોણ જાણે તોય એનો થાક ક્યાં ઠલવાય છે.

વાત વાતે હું કસમ ખાતો રહ્યો મા ની બધે,
ક્યાય સાંભળ્યું, કસમ, મા દીકરા ની ખાય છે?

આજ મા ની છે હયાતી ઈશ તારા ધામમાં,
ત્યાં તને ઝળહળ થશે, તુલસી અહીં સૂકાય છે.

આજ પણ જો કોઈ ઠોકર વાગશે નાની મને,
કાનમાં ખમ્મા ઘણી નો શબ્દ પણ અફળાય છે.

સૂર્ય ને પાલવથી ઢાંકી ચાંદ સમ શીતળ કરે,
તું કહી દે આ જગતમાં મા નો કયો પર્યાય છે?

વિપુલ માંગરોળીયા ( વેદાંત )

સાથે છે પણ અળગા લાગે,
માણસ વચ્ચે પડદા લાગે.

દર્પણ ની આદત છે ભૂંડી,
અવળા છે તે સવળા લાગે.

સ્વિચોમાં મોસમ અટવાણી,
તડકા ને શીતળતા લાગે.

થોડો અમથો ગોળ કરી દે,
પથ્થરને ઈશ્વરતા લાગે..

હાથ જ ક્યાં છે આ ખુરશીને,
તો પણ એના ભરડા લાગે.

કિસ્મત જો સાથે ના હો તો,
પાણીથી પગ બળતા લાગે.

બાળકના પ્રશ્નોની સામે ,
જીભે લોચા વળતાં લાગે.

મંદિર માં માથું અથડાયું ,
લોકોને શ્રીફળતા લાગે.

પીનારા તો એમજ કહેશે,
પીવાથી શંકરતા લાગે.

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 25/04/2014

મોજા વિશે કહો, ન સમંદર વિશે કહો,*
અંદર ઉઠી રહેલા બવંડર વિશે કહો.

આ ચક્રવ્યૂહ જાતનુ ભેદી શકાય,જો,
આવી શકે જે કામ એ મંતર વિશે કહો.

વ્રૂક્ષોથી મોટા કોણ છે સંતો ની જાતમાં,
થોડુઘણુ એ મસ્ત કલંદર વિષે કહો.

ચોર્યાસી લાખ ફેરા પતી જાય તે પછી,
થાશે શરૂ નવીન, એ ચક્કર વિશે કહો.

તડકામાં સાથ આપતો,છાંયો થતાં ગયો,
જીવનને મિત્રતાનાં એ સરવર વિશે કહો.

વધતો રહે જો ફાંસલો તો વ્હેણ ના રહે,
કાંઠાને આ નદીના, સમાંતર વિશે કહો.

બાળકનાં મ્હો ઉપર નથી કોઈ લખાણ પણ,
અક્ષર ઉકેલતી મા નાં ભણતર વિશે કહો.

આદિલ, મરીઝ, શૂન્ય, ને બેફામ છે અમર,
વેદાંત ને ગઝલ ની ધરોહર વિશે કહો.

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 15/05/2014

*નયન દેસાઈ

પ્રણયની અલગ એક ભાષા રહી છે,
અહીં મૌન પણ એક બારાક્ષરી છે.

વસંતે કહ્યું કાનમાં પાનખર ને,
હવે તો તું પણ કવિની આંખે ચડી છે.

અરીસાની નિષ્ઠા છે એવી ને એવી,
બધાની છબીને અલગ સાચવી છે.

હરણ, ચાંદ, સાકી, સુરા, લાવ પાછા,
ગઝલમાં હજી એની દીવાનગી છે.

મને સ્હેજ અમથો ઈશારો કરી દે,
મેં તો શ્વાસ ને ક્યારની ના કહી છે.

હતો શૂન્ય , ચડતા જ શાયરની નજરે,
આ ખાલીપાને પણ પ્રસિદ્ધિ મળી છે,

હતી વૃક્ષ બનવાની ઈચ્છા ઘણી પણ,
અહીં ડાળ માટે જગા સાંકડી છે.

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 04/05/14

દોસ્તી ને મારી, આજ એવી રીતે આભારી કરી,
ઝાલીને મારો હાથ, ફરિયાદો મને મારી કરી.

સમજી નથી શકતો હજીતો ખુદ મને પણ તે છતાં,
લો આ અરીસાએ પરખવાની મગજમારી કરી..

ઈશ્વર ને પણ ઉર્મીઓ ઠાલવવા બહાનું જોઈએ,
વાદળ બની એથી વરસવાની અદાકારી કરી.

બસ એક સારું કામ કરવાની હતી ઈચ્છા પછી,
મંદિર ને મસ્જિદ ની વચાળે એક મેં બારી કરી.

તું સાવ થઈ ને બેકદર કાયમ રડાવી જાય છે.,
કરવા કદર એ અશ્રુ ની પાંપણ ની મે ક્યારી કરી.

આ રંગ તારી બંદગી નો આજ લાગ્યો છે મને,
કષ્ટો ઉમેરી તેં પછી એમાંય બલિહારી કરી.

મેં મંદિરે દર્શન કરાવું એમ માને કીધું ત્યાં,
ઈશ્વર ને એણે રૂબરૂ મળવાની તૈયારી કરી.

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 27/04/2014

બસ એક તારા આગમનની આશમાં ને આશમાં,
સપનુંય અટવાયું હવેતો આંખમાં ને આંખમાં.

પાસો નજરનો ફેંકી, મારું દિલ ભલે જીતી ગયા,
પણ જીત નો આનંદ છે, આ હારમાં ને હારમાં.

તાકાત છે આ પ્રેમની, માગ્યા વગર સઘળું મળે,
તું રાખજે તલવાર તારી, મ્યાનમાં ને મ્યાનમાં.

આંખોમાં એની, પછીતો મૌન પણ ટહુકી ઉઠ્યું ,
ઉલ્લેખ બસ મારો થયો જ્યાં વાતમાં ને વાતમાં.

સપનામાં આવી બસ તમે, એકાદ પળ ઊભા રહ્યા,
મેં જીંદગી જીવી લીધી, એ રાતમાં ને રાતમાં.

કાં સાવ ખોલી નાખ મુઠ્ઠી કાં કરી દે બંધ તું,
રેખાઓતો ,તો પણ રહેશે, હાથમાં ને હાથમાં.

કારણ હતું બસ એટલું મેં શ્વાસ પણ છોડ્યા નહીં,
તારી જ અટવાણી સુગંધો, શ્વાસમાં ને શ્વાસમાં.

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 21/05/2014

એકજ જગાએ કોઈ દી સ્થાવર થવું નથી,
નાની નદી ભલે બનું, સાગર થવું નથી.

મારાપણાં નાં બોજથી સમજી જવાયું બસ ,
માણસ થવાય દોસ્ત તો, ઈશ્વર થવું નથી. *

જીવન મરણ તો ખેલ છે મારાજ ભાગ્ય નો,
માતમ થવુ નથી કદી અવસર થવુ નથી.

જીવન બને ગઝલ તો બધી લાગણી ભરું,
છંદો નાં ચોકઠાં ભરી, શાયર થવું નથી.

અસ્તિત્વ નો સવાલ છે મીઠાશ છો મળે,
પણ દૂધમાં ભળે છે એ સાકર થવું નથી.

વધઘટ કબૂલ છે મને ચાંદાની જેમ પણ,
આ તારલા ની જેમ નિરંતર થવું નથી.

પરવાનગી નડે જો મુલાકાત માં તને,
તો મિત્ર મારે એટલું સધ્ધર થવું નથી.

લખવું શું નામ , રામ લખું કે રહિમ લખું?
શ્રધ્ધા બનું જો દિલની તો અક્ષર થવું નથી.

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 05/04/14

*ગૌરાંગ ઠાકરની પંક્તિ

સ્હેજ કરુણાવશ બની આંસુ વહાવી જોઈએ,
બસ હયાતી આપણી એમજ બતાવી જોઈએ.

જૂના આ સામાનને થોડોક ખંખેરી હવે,
રજ કણો સંવેદનાઓની ઉડાવી જોઈએ.

ખૂબ મેલા થૈ ગયાં છે વૃક્ષ નાં કપડાં હવે,
પાનખર ને કહેણ વ્હેલું મોકલાવી જોઈએ.

કોઈ પથ્થર મંદિરે વાવો તો પણ ઈશ્વર ઉગે,
ચાલને માણસમાં થોડું વહાલ વાવી જોઈએ*.

સાવ કંટાળી ગયા એ પણ ઉભી ને વરસોથી,
ચાલ રસ્તાઓ ને પણ થોડા ચલાવી જોઈએ.

રૂપ જોઈ ચાંદનું સંધ્યામાં સૂરજને થયું,
ચાંદની દિવસે જો આવે તો મનાવી જોઈએ.

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 11/04/14

*ગૌરાંગ ઠાકરની પંક્તિ

એના વગરની કલ્પના કાયમ નકામી હોય છે,
હર એક નારી રૂપની જૂદી કહાની હોય છે.

કરશે સહન અબળા બની દુનિયાના અત્યાચારને,
તો કોઈ એવી પણ હશે જે ખુદ ભવાની હોય છે.

મનમાં કરી નિશ્ચય ને કોઈ ચાંદ પર ડગલાં ભરે,
કોયલ સરીખા કંઠથી દુનિયા ગજાવી હોય છે.

ક્યાં ખેવના છે નામની સંતાનના પણ જન્મ પર,
જ્યાં હો શિવાજી નામ, ત્યા માઁ ની ખુમારી હોય છે.

બાળક ની હો સંભાળ ચાહે ઘરની હો કે દેશની,
દેખાય ક્યાં? પડદાની પાછળ એ છુપાણી હોય છે.

બે ત્રાજવે પગ રાખશે એ દિલ બધાના જીતવા,
અર્જુન બની પણ તીરથી કાયમ ઘવાણી હોય છે.

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 20/03/14

લાગણીના એક બે અવશેષ છે,
આધુનિકતાની મળેલી ભેટ છે.

આંસુને પણ બીક લાગે છે હવે,
પાંપણે એ પણ હવે અટકેલ છે.

તારથી જોડ્યુ ભલે આખું જગત,
દિલની કેડીઓ હજી નિસ્તેજ છે.

ચાલશે કાયમ બે પગ સાથે છતાં,
છાપ પગલાં ની , અલગ બે વેંત છે.

દે નાં અંગૂઠો હવે એકલવ્ય પણ,
દક્ષિણાં માં રૂપિયા નો ખેલ છે.

શું બિમારી છે મને એ તો કહો,
જે મળે એ પૂછે, તમને કેમ છે?

પાનખર ને જોઈને લાગ્યું મને,
વૃક્ષની શાળામાં પણ ગણવેશ છે.

કોઇદી સાંકળ તો ખખડાવી ને જો,
દિલનાં દરવાજા છે, એ ક્યાં જેલ છે!

વિપુલ ( વેદાંત ) 13 / 03 / 14

ખૂલી કરૂં જો આંખ, તું સપને થી સરકી જાય છે,
ડર એટલો છે મોતનો, કે આંખ ક્યાં મીંચાય છે.

હમણાં થી તો આ દિલનાં પણ નખરા વધેલા લાગે છે,
નાની અમસ્તી વાત કરવા કેટલું શરમાય છે.

આ કંટકોને ફૂલ સાથે કૈક તો છે અણગમો,
છે હાજરી એની છતાયે ખુશ્બુઓ ચોરાય છે.

ચાલ્યો મુક્દમો રાતભર આજે આ કાળી રાત પર,
આરોપ છે સંગીન, પડછાયા બધાના ખાય છે.

લોહી નિતરતા ઘાવ પર દિલની દુઆ બનશે મલમ,
દિલમાં ઉઝરડા થાયતો પાટોય ક્યાં બંધાય છે.

છે કાફિયાનો સાથ ને છંદો બધા તૈયાર છે,
કાયમ ખરા ટાણે ગઝલની શેરિયત ખોવાય છે.

વિપુલ ( વેદાંત ) 20/03/14

તું બદલ કાં તો તારા વલણને બદલ,
જીવ પ્રત્યે ની તારી નજરને બદલ.

રોજની આ રમત માં જરા કર ફરક,
શ્વાસ ને રોકવાની રમતને બદલ.

ચાંદ ની પણ નિયત સાવ હલકી થઈ,
હોય હિંમત હવે જો, તમસને બદલ.

આધુનિકતા વસી છે ઘડીયાળ માં,
પંખીને બોલવા નાં પ્રહરને બદલ.

કોલ આપ્યા હતા ,સાખ છે વાંસળી,
તું ન પાળી શકે તો વચનને બદલ.

રોજ લખતો વિધાનો તું વેદાંત માં,
લય નથી સાવ સારો, બહરને બદલ.

વેદાંત (૩૦-૧૧-૧૩)

મશીનોએ કેવી કરામત કરી છે,
દિલોનીય વચ્ચે દિવાલો ચણી છે.

નહાતી હતી રોજ ખાબોચિયે જે,
હવે એજ ચકલી ફુલેકે ચડી છે.

ન મળશે હવે બાગમાં કોઈ ફોરમ,
ધુમાડા ની ગંધો હવામાં ભળી છે,

કર્યુ આચમન જાણી જમના નું પાણી,
ખબર કયાં નદીને ગટર પણ મળી છે.

હવે યમ ને ખાવા પડે રોજ ધક્કા,
આ ધડકન દવાએ શતાયુ કરી છે.

વિપુલ-વેદાંત(૩૦-૧૦-૧૩)

જાત માણસની પહોંચી છે જુઓને ક્યાં સુધી!,
બાજરી વાવી છે ખેતરમાં, ને ઈમારત ઉગી.

લે હવે તું ખેર તારી પણ મનાવી લે રવિ,
આદમીએ ચાંદ પાસે પણ હવે સીડી મુકી.

કેવું જબ્બર તીર માનવ હાથથી છુટ્યું હશે,
પહાડની છાતીને ચીરી રેલગાડી પણ ઘુસી.

માની મમતા નાં હવેતો મૂલ પણ કેવા થયા,
જાત દિકરીની હવે તો કોખમાં પણ છે દુખી.

વાત જે સંસ્કારની કાયમ કરે ત્યાં જોયું મેં,
એજ ઘરનાં ધર્મગ્રંથોમાંથી ખૂબજ રજ ઉડી.

છે હજી તો બસ નમૂના માનવીની રીત નાં,
કોઇદી મળશે ખબર કે માછલી જળમાં ડુબી.

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 28/03/14

કારણ વગર ની વાતનું એકાદ કારણ પણ હશે,
માનવ બન્યો છે,તો કરજમાં માનું ધાવણ પણ હશે.

કેવાં હશે એ યુધ્ધ જેની વાત આજે થાય છે,
માથા વગરના ધડ લડે ત્યાં કોઈ ચારણ પણ હશે.

ભગવાન સાથે શત્રુતા, સોદો નથી કંઈ ખોટનો,
તો મોક્ષની યાદીમાં પ્હેલું નામ રાવણ પણ હશે.

પર્વત ની ટોચે, કોખમાં સાગર ની, ફૂલોનું નગર,
અમથું વસે? અદ્રશ્ય એવી કોઈ માલણ પણ હશે.

એક શ્વાસ માટે કેટલા ત્રાગા કરે છે માનવી,
ખાલી હવા છે તોય એનું થોડું ભારણ પણ હશે.

કોશિશ કરી મેં પણ ઘણી દિલથી નીકળવા આપના,
શાયદ તમારા દિલને છૂપૂ કોઇ ઢાંકણ પણ હશે.

અઘરા જ શબ્દો થી ગઝલ બનતી નથી "વેદાત" બસ,
શબ્દોમાં થોડાતો પરંતુ, કિન્તુ ને પણ, પણ હશે.

વિપુલ ( વેદાંત ) 06 / 03 / 14

ભક્તિ નામે એજ મંજર થાય છે,
ગોળ કંકર રોજ શંકર થાય છે.

ઝુંટવીને રંક મોઢે કોળિયો,
પાપ ધોવા આજ લંગર થાય છે.

જોઈ સ્થિર પાણી, રખેને લાંધતો,
શાંત નીરે તો ભવંડર થાય છે.

જૂઠની છે બોલબાલા કાયમી,
સત્યની હાલત ભયંકર થાય છે.

નામ તારું વાપરે વેપારમાં ,
જોઇ આંખોમાં સમંદર થાય છે.

વિપુલ ( વેદાંત ) 18 /07/13

ગમે તેમ વરતીને નડશે એ માણસ,
પછી ભીંસ પડતાં જ નમશે એ માણસ.

કરી કેદ સૂરજ હવે થાંભલા પર,
પછી ચાંદને પણ ના ગણશે એ માણસ.

સમય ક્યાં મળે છે હવે શ્વાસ લેવા,
નળીથી પછી શ્વાસ ભરશે એ માણસ.

નિચોવીને દરરોજ ફૂલોની કાયા,
સુગંધો પહેરીને ફરશે એ માણસ.

વગર કારણે જીંદગી રાખી બળતી,
ને સમશાનમાં જૈ ને ઠરશે એ માણસ.

પરીક્ષાની પાટી બનાવી ધરાને,
લિસોટા કરીને જ ભણશે એ માણસ.

કરે નિત્ય શ્રવણ એ ગીતા છતાંયે,
કરી ધાર્યું ખુદનુંજ , જપશે એ માણસ.

વિપુલ ( વેદાંત ) 30/01/14

ચાલ પાછા અતીતે મળીએ,
એક વખત પ્રેમ પાછો કરીએ.

થોડું શરમાઈયે થૈ અજાણ્યા,
ને પછી થોડું પાસે સરીએ.

યાદ દિવસની દિલમાં ભરીને,
રાતમાં રોજ સપને ગણીએ.

ગુમ થયેલી સુગંધો પરખવા,
એકબીજામાં શ્વાસો ભરીએ.

સાવ ખૂલ્લી બજારે મળીને,
લોક ચર્ચામાં કાયમ રહીએ.

એક બે દિવસ અલગ પણ રહીને,
વેદનામાં વિરહની બળીએ.

દિલ ભરાઈ ગયું છે હવે બસ,
આજમાં ચાલ પાછા ફરીએ.

વિપુલ ( વેદાંત )27/01/14

પ્રેમ પૂર્વક લખું છું બે અક્ષર,
આપની લાગણી નું છે વળતર,

સાર સંપૂર્ણ પ્રેમ નો મારો,
એ નથી સાવ ખાલી હસ્તાક્ષર .

વિપુલ માંગરોલીયા(વેદાંત)

થોડામાં ઝાઝું માનશે દિકરી
કૂળ બબ્બેના તારશે દિકરી

એક વખત બાપ તો બનીજો પ્રભુ,
સ્વર્ગ તારૂ ભુલાવશે દિકરી.

વિપુલ ( વેદાંત ) 25/02/14

જગતનો તું ઈશ્વર બનીને ફરે છે,
તને આજગત આખું વંદન કરે છે.

મળે માની મમતા તને, એટલે તો,
તું માનવ બની પૃથ્વી પર અવતરે છે.

વિપુલ માંગરોલીયા(વેદાંત)

હથિયારનો ફાળો થયો,
નક્કી કશે ચાળો થયો.

બે ઘરની એકજ ભીંતમાં,
પાછો જરા ગાળો થયો.

આ લાશ બોલી ના શકી,
નાં ધર્મનો તાળો થયો.

દરિયાના જોયાં રંગ બે,
પાણીમાં પણ પાળો થયો!

ભગવા કે લીલા રંગનો,
છાંયો બધે કાળો થયો.

ફોટો, ટિકિટમાં બાપુ નો,
દરરોજ થુકવાળો થયો.

સંસ્કારના આ દેશમાં,
બાવોય નખરાળો થયો.

વિપુલ ( વેદાંત )03/02/14

શબ્દ ની એજતો ખાનદાની હતી,
અર્થ કંઈ પણ કરો, ક્યાં ના પાડી હતી.

શબ્દ પરપોટા ફૂલ્યા ગઝલમા ઘણા,
પણ સમજની હવાને ગુલામી હતી.

એકની એક વાત સૌએ વગાડી બધે,
ચોતરફ થી ગઝલ પણ ઘવાણી હતી.

ઝાડનો પ્રેમ આવો હશે ક્યાં ખબર?
એની પણ મારી સાથે નનામી હતી.

આજ સંધ્યા મળી લાગે છે રાતને,
એટલે ચંદ્રની ફરતી લાલી હતી.

વાસ્તવિકતા ને આજે કલમમાં ભરી,
મેં ગઝલને ગઝલથી રડાવી હતી.

આમતો ક્યાં ગઝલ હું લખી પણ શકું,
લાગણી, આ બહાને ઉતારી હતી.


વિપુલ ( વેદાંત ) 22/02/14

હ્રદયનાજ સ્પંદનથી કેવો તમે પણ ઈશારો કર્યો છે,
પડી ગઇ ખબર કે અમે ત્યાં અમારો ઉતારો કર્યો છે.

હું બાજી કદી બંધ રાખી રમી ક્યાં શકું છું હજી પણ,
જરા અમથું મલકી તમે પણ અનોખોજ ધારો કર્યો છે.

નથી પાનખર પાસમાં, તોય ફૂલો ખર્યા છે વસંતે,
તમારી જ આહટ મળી એટલેતો ઈરાદો કર્યો છે.

મને શોધવાની તમે કોઈ નાકામ કોશિશ ન કરશો,
તમારા જ રમણીય સપનામાં મેં રાતવાસો કર્યો છે.

હવા પણ વહે છે હવે તો વધારે સુગંધિત થઈને,
જરા અમથું પાલવ ને અડકી સુગંધે વધારો કર્યો છે.

તમારૂં પલળવું હવેતો પલાળે છે વરસાદને પણ,
તમે છત્રી ખોલીને થોડો એ ઝાંખો નજારો કર્યો છે.

વિપુલ માંગરોલીયા(વેદાંત)

સંઘી કરવા કેવી કેવી શરતો એણે રાખી છે,
પારેવા ની પાંખે જાણે બંદૂકો ને બાંધી છે.

વૃક્ષો ને ના કાપો એવી ચળવળ ચાલી છે ઘરઘર,
પણ જાહેરાતો એની કાગળના પાને છાપી છે.

ના પૂછો ગાંધીને ભારતની આઝાદીનો મતલબ,
એણે તો ક્યાં થોડીકે સ્વતંત્રતા ને ચાખી છે.

આજે પુસ્તકમાં સૂકાયેલા આ ફૂલોએ પૂછ્‌યું,
બે પાનાની વચ્ચે તેં કોની યાદોને દાબી છે?

કાયમ હસતી હસતી મા પૂછે છે "દિકરા તું જમ્યો"?
તે પૂછ્યું કોઈ'દી એ માને જે અડધી માંદી છે?

તું ફોગટ આપે તો શું મારે પણ લીધા કરવાનું!
થોડી અમથી ખુદ્દારી તો મારાં માં પણ બાકી છે.

નક્કી ઈશ્વર તું ખોટા કામોમાં સંડોવાયો છે,
એથી તો તારી સૂરત તેં મારાથી છૂપાવી છે.

વિપુલ ( વેદાંત )13/01/14

ખાસ માં પણ જરા ખાસ જેવું હતું,
પ્રેમના એક અહેસાસ જેવું હતું.

આંખ ઝૂકી શરમથી જે સ્વિકારમાં,
કોઈ વાર્તા ના સારાંશ જેવું હતું,

રાતમાં શું તે બારી ઉઘાડી હતી?
એ અમાસેય અજવાસ જેવું હતું!

બાગમાં આવીને આજ તેં શું કર્યું?
ફૂલ વચ્ચેય કંકાસ જેવું હતું.

એક નિશાની મિલનની રહી એટલી,
દિલની જગ્યાએ અવકાશ જેવું હતું.

જ્યારે જ્યારે ગઝલમા તને સાંકળી
શબ્દમાં સ્હેજ ભીનાશ જેવુ હતુ.

વિપુલ ( વેદાંત ) 08/02/14

વિતેલી ક્ષણ ભરેલી એ સાંજ રાખી છે,
હ્રદયમાં બંધ, જુની એક વાત રાખી છે.

નજર તમારી મને શોધતી હતી કાલે,
ભરીને ગજવે, તમારી એ કાલ રાખી છે.

નજીકમાં છો છતાં ક્યાં મળો છો કોઈ'દી,
તિરાડ ભીંતમાં એથી જરાક રાખી છે.

મનેય આમ નશો કેમ થાય છે આજે?
તમે જરૂર નયનમાં શરાબ રાખી છે.

એ પાનખરના જખમ યાદ રાખવા કાજે,
તરૂએ સાવ સુકી એક ડાળ રાખી છે.

ને બીક કેમ બતાવ્યા કરો છો મરવાની,
ખભા ઉપર મેં જુઓ, ખુદની લાશ રાખી છે.

વિપુલ (વેદાંત) 03~01~14

જરાક ખુલ્લું તમે બારણું કરી બેઠા,
અમાસ માંય બધે ચાંદની ભરી બેઠા.

હતી જુદાઈ તમારીય એટલી વસમી,
અમે વસંત માં પણ ડાળથી ખરી બેઠા.

નયનમાં અશ્રુ બનાવી તમોને રાખ્યા'તા,
ખરા સમયમાં તમે આંખથી સરી બેઠા.

વસી ગયા છો નજરમાં તમે, ખબર નોતી,
તલાશમાં જ તમારી, જગત ફરી બેઠા.

હતી કબર માં તમારા જ આંસુની ભીનાશ,
પછી થયુ તુ કે નાહક અમે મરી બેઠા.

વિપુલ ( વેદાંત ) 06/01/14

જીવન આખું કક્કો લાગે,
ધારે ઉભો સિક્કો લાગે.

પૂરા અક્ષરો વચ્ચે વચ્ચે,
ખોડાનો પણ ધક્કો લાગે.

સુંદરતા ને બેઠી કરવા,
માત્રાનો એક લટકો લાગે.

વાર્તામાં જ્યાં રંગત જામે,
પ્રશ્નનાર્થોનો તડકો લાગે.

છેલ્લુ ટાણું આવે તે'દી,
કાનો માતર ફિક્કો લાગે.

ગઝલો ની છે રંગત એવી,
કોઈને પણ ચટકો લાગે.

વિપુલ ( વેદાંત ) 10/01/14

જો આપો તો મને સહકાર આપો,
નહીતર સારો એક વિચાર આપો.

નથી જોઈતું આખું દિલ તમારૂં ,
ફ-કત નાનો અમસ્તો વિસ્તાર આપો.

હજી પગલા ભરું છું હું ગઝલ માં,
બનેતો જ્ઞાન નો આધાર આપો.

મળે જો કોઈ સારો રાહબર તો,
પછી રસ્તો ભલે ભેંકાર આપો.

નિહાળી પાનખર મેં આજ હસતી,
બગીચા નો હવે ચિતાર આપો.

વિપુલ ( વેદાંત ) 28/12/13

આ તારા દિલને શેનું ખોટું લાગ્યું છે,
સપનું પણ તારું આજે રડતું આવ્યું છે.

જોયો આજે પરસેવો ફૂલોના તન પર,
લાગે છે ભમરાએ દિલ એનું માંગ્યું છે.

આંસુ પણ આજે કાળા રંગે રંગાયું,
નક્કી એણે કાજળ સાથે ઘર માંડ્યું છે.

વરસી જાને તું મન મૂકીને આજેતો,
વરસો થી દિલ ને મેં પણ બળતું રાખ્યું છે.

છંદોની સમજણ ના આવી એથી વેદાંત,
રચનામાં ટીપું શેરીયતનું નાખ્યું છે.

વિપુલ ( વેદાંત ) 18/01/14

સાવ ખાલી ખિસ્સે પણ ભૂરાને દાતારી ચડે,
હાંડલા કુસ્તી કરે ઘરમાં, એ અત્તર ચોપડે.

છાપ ટીલાંની થઈ ગઈ કાયમી આ ભાલ પર,
આવડે ના આવડે પણ શ્લોક પાછો બડબડે.

ગોતવો મુશ્કેલ એને ગામ નાનું છે છતાં,
ઝાડ પર બેસે છે જાણે માંકડું હો લાકડે.

છોકરીને જોઈને એ સ્ટંટ પણ એવાં કરે,
ચાલુ ગાડી માં ચડે ને ઊંધા માથે એ પડે,

થાય છે સુમસામ, ભૂરો જે ગલીથી નીકળે,
માણસો તો ઠીક પણ એ જાનવરને પણ નડે.

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 26/05/14

જ્ઞાન કે વિજ્ઞાન થી પણ એ ઘણું પર જોઈએ.
ફૂલને સમજાવવા ભમરાનું ભણતર જોઈએ.

આવશે નજદીક તો નખશિખ નિહાળી ના શકો,
આ નિકટતામાં જરા અમથું તો અંતર જોઈએ.

સભ્યતા પ્રાચીન આજે પણ મળે છે દેશમાં,
આગને ભડકાવવા આજેય પથ્થર જોઈએ.

દાઝ ને ઈર્ષ્યા છે મનમાં આંખમાં ખુન્નસ ભર્યું,
ઝેર આ દુનિયાના પીવા, લાખ શંકર જોઈએ.

દર્દ ખાલી શબ્દ થી પણ ઓછું થૈ શકશે ઘણું,
શબ્દ ને બસ લાગણીનું એક અસ્તર જોઈએ.

વેદના સાચી વિરહની એમ ક્યાં સમજાય છે,
એનાં માટે પાર કરવા સાત સાગર જોઈએ.

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

સ્વયં સાથે જેદી મુલાકાત થાશે,

પછી હુંપણાનો વજન પણ જણાશે .

ધરી હાથ પર હાથ બેઠા રહો તો ,
હથેળીની રેખા શું દોષિત ગણાશે?

કિનારે ઉભા રૈ, ન આંસું વહાવો
આ સાગરમાં પણ કેટલું જળ સમાશે?

તું મન મૂકી વરસે છે ત્યારે વિચાર્યું?
શું પંખીથી ભીના ગગન માં ઉડાશે?

મળી છોને ઉંચાઈ એકાદ ક્ષણની,
છે પરપોટો, ફૂટીને પાણી જ થાશે.

ભલે સાવ સામે જ દેખાય મંઝિલ
વળાંકો છે રસ્તામાં ,મોડું તો થાશે.

હતા આજ વેદાંતની પીઠ પર ઘા ,

એ પીડા સજાવી ,ગઝલમાં લખાશે .

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

જ્યારે હવાનું થોડું સમર્પણ થયું હશે
પરપોટા તારી હસ્તિ નું સર્જન થયું હશે.

આંસું બની વહી ગયું, પાણી નથી ફ-ક્ત,
કોઈ ની લાગણીનું વિસર્જન થયું હશે.

વરસી રહી છે વાદળી ચોધાર આંસુએ
કોના વિરહની વાત નું વર્ણન થયું હશે?

સામે જુએ છે મા અને મલકાય જાય છે
બાળક નું મુખડું જાણે કે દર્પણ થયું હશે.

ઘેઘૂર લીલું વૃક્ષ અચાનક ઢળી પડ્યું
મજબૂત થડનું મૂળ એ જર્જર થયું હશે.

આજે ઘણી જ શાંતિ હતી એનાં મુખ ઉપર
લાગે છે ઈચ્છા નું હવે તર્પણ થયું હશે.

કારણ હતું શું શ્વાસ આ મારા શમી ગયા!
મારામાં એનું ચાલવું દુર્ગમ થયું હશે.

મધ જંગલે દિવાસળી ચાંપી ના કોઈએ,
બે ઝાડના ગુમાન નું ઘર્ષણ થયું હશે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 01/10/14

એમ તો ક્યાં કંઈ થવાનું છે?
થાય એ કોણ રોકવાનુ છે?

એમ લઈ જાય નાં કશે રસ્તો
તારે પણ થોડું ચાલવાનું છે.

ના મળે ભેખ ભગવા કપડાં થી
સૌ પ્રથમ ખિસ્સું કાપવાનું છે.

મન ભરી એમાં તો તું નાચી લે,
કોણ સપનામાં ટોકવાનું છે?

આપવો કેમ દોષ સૂરજ ને
એને પણ રોજ દાઝવાનું છે.

કર મદદ થોડી તું ય વરસીને
અશ્રુને મારે ઢાંકવાનું છે.

હોય મંદિર માં ચાહે મસ્જિદ માં
ફૂલ તો તોય ફોરવાનુ છે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 01/08/14

ફરી નવીન ચેતનાઓ આવી આસપાસમાં,
ભલું થયું તમે મને મળી ગયા પ્રવાસમાં**

એ ચાંદ તું ના કર ગુમાન ચાંદની નું એટલું,
મજા મળી છે એનાં સાથની મને અમાસ માં

નમી છે ફૂલથી ભરેલ ડાળ એજ કારણે,
ભરી શકે સુગંધ ખુદ ની એ તમારા શ્વાસ માં

આ લાગણીઓ પણ અમારી છે પતંગિયા સમી,
ભર્યા છે અવનવા ઘણાંય રંગને લિબાસ માં

કદી ન રાખવી એ ઝાંઝવાની આશ પણ જરા,
તરસ છિપાવી ના શકે જે હોય જળનાં ભાસ માં

કબર ઉપર જો આવો તો નકાબ પ્હેરી આવજો
બને કે બંધ ધડકનો ફરી થી આવે પ્રાસ માં

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 31/07/2014

** ગની દહીંવાલા

એકાંત એનું પણ હવે થોડું મિટાવીએ,
આકાશ ભાત ભાતના રંગે સજાવીએ.

પંખી બની ભલે ને ઉડી ના શકાયું પણ,
ઈચ્છાઓ ને પતંગ બનાવી ઉડાવીએ.

વાદળ ઘણા સમયથી ભલે બોલતાં નથી,
વાતો પતંગમાં ભરી બે મોકલાવીએ,

સુંદર બની જશે તો નજર લાગશે તને,
ચાલો પતંગ એક તો કાળો ચડાવીએ.

રાતે કદાચ માર્ગ ના મળશે પતંગ ને,
રસ્તા બતાવવા હવે ફાનસ લગાવીએ.

દે ઢીલ એટલી કે હવાને ખબર પડે,
ઉંચે ચડીને સ્થિર થવાનું શિખાવીએ.

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

ગામ જોને કેવું હિલોળે ચઢ્યું છે
આભ આખેઆખું પતંગે રંગ્યુ છે.

ઢગલો થયો છે આજ પગલાં નો ધાબા પર,
આંખે છે ચશ્માં ને ટોપી છે માથા પર
ધાબું પણ આજ જાણે ચોપાટી બન્યું છે.
ગામ જોને કેવું હિલોળે ચઢ્યું છે
વાદળ ને કૈ દો આજ આડા ન આવે,
પુછવી છે વાત આજ સૂરજને મારે,
ચાંદા ની હારે તને વાંકુ પડ્યું છે? .
ગામ જોને કેવું હિલોળે ચઢ્યું છે
ઘેલા થયા છે આજ ઝાડી ને ઝાંખરા
કેફ માં ઝૂમે છે ઓલ્યા દોરડા ને થાંભલા
ફાટલી પતંગે એણે ઘરને મઢ્યુ છે.
ગામ જોને કેવું હિલોળે ચઢ્યું છે
પંખી ને કેજો આજ નોકરીએ જાય નૈ
દાણા ની લાલચમાં પાંખ્યુ કપાય નૈ,
દોરીને આજે તો ખુન્નસ ચઢ્યું છે .
ગામ જોને કેવું હિલોળે ચઢ્યું છે
અણીયાળી નજરુંથી છોકરીયું વાર કરે,
આખું આકાશ છોડી ધાબા પર પેચ લડે,
છોકરાનું મન હવેતો ચકડોળે ચડયું છે.
ગામ જોને કેવું હિલોળે ચઢ્યું છે
આભ આખેઆખું પતંગે રંગ્યુ છે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત) 16-12-2014

ધાર્યા કરતાં એ ગજાનો નિકળ્યો
રાખ નીચેથી તિખારો નિકળ્યો.

જોમથી જ્યાં ઝંપલાવ્યું સાગરે,
મધ્ય ભાગે પણ કિનારો નિકળ્યો.

રોજ મારાથી જે ઉલટો ચાલતો,
આયનામા અક્ષ મારો નિકળ્યો.

જીવને મેં જીવ માફક સાચવ્યો,
નિકળ્યો તો એકધારો નિકળ્યો.

એટલે આવ્યો એ પણ ધરતી ઉપર,
રાગ નરશી નો મજાનો નિકળ્યો.

સાવ ઠંડી જ્યારે થૈ મારી ચિતા,
માંડ ભીતરથી હું બારો નિકળ્યો.

વિપુલ માંગરોલીયા(વેદાંત) ૨૮-૧૦-૨૦૧૪

નવાં અધ્યાયની સાથે નવી પ્રસ્તાવના કરશું
તમે શુભ કામ આરંભો, અમે આરાધના કરશું

કરી બે હાથને પહોળા સમાવી ના શકો વૈભવ,
નવા આ વર્ષમાં એવી અમે શુભકામના કરશું.

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) ૧૦-૧૦-૨૦૧૪

ભેગા થયા છે હાથ ઝાઝા, વૃક્ષ નો આકાર છે,
આફત ટળી જાશે અમારી, એકતા હથિયાર છે.

ટોળું નથી આ માણસોનું , દિલ મળ્યા છે પ્રેમથી,
પંખી અમે એક ડાળનાં ને, સ્નેહ નો પરિવાર છે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત )૧૦-૦૨-૨૦૧૫

રાત-દિવસ ને એક કરી,છો પૈસા રળવા કામ કરીલે,
મનના નિરણ પાણી માટે ગામ ભણી પણ ધ્યાન કરીલે.
માનવતા છે મોંઘી શહેરે માણસ સાવ જ સસ્તા.
ગામ મુકીને ચાલ્યો ત્યાં તો ડામરીયા છે રસ્તા
પથ્થરની બિલ્ડીંગોનાં છે ચોતરફ ગુલદસ્તા
મળશે ના માટીની સોડમ, ખેતરને પરણામ કરીલે.
મનના નિરણ પાણી માટે ગામ ભણી પણ ધ્યાન કરીલે.
કિંમત છે પૈસાની આજે ,તુયે જાણે ,હુયે જાણું,
માનભેર બોલાવે સૌ જો ખિસ્સે ના હોય કોઈ કાણું ,
ખુમારીથી જીવવાનું એ જીવનનું છે સાચું નાણું ,
પૈસા સાથે એનું પણ તું થોડું તો સન્માન કરી લે
મનના નિરણ પાણી માટે ગામ ભણી પણ ધ્યાન ધરી લે
બે પૈસા ની આશામાં તું, પોતાની ઓળખ પણ ભૂલ્યો.
દિવાળી ધુમાડે ઉજવી, કેસુડો સપનામાં ખીલ્યો,
સપનાઓની પ્રીન્ટ કઢાવી, પરસેવાથી કાગળ રંગ્યો.
લાગણીયુંની પીંછી ગામે, રંગોથી તું સ્નાન કરીલે.
મનના નિરણ પાણી માટે ગામ ભણી પણ ધ્યાન કરીલે.
વાછરડાં પડખે ના ભાળી, ગાયું પણ ભાંભરડા નાખે
સાંજ પડ્યે વડલા ની ડાળે પંખીડાની રંગત જામે
ઓછા બોલી માની આંખ્યું ડેલીમાંથી ડોકા કાઢે.
હોંકારો આજે પણ મળશે , સાચે ખોટે સાદ કરીલે
મનના નિરણ પાણી માટે ગામ ભણી પણ ધ્યાન કરીલે.
આખો દિવસ રમતો રે'તો સંતાકૂકડી સૂરજ સાથે,
ચાંદા હારે રમવું છે પણ ધૂળ ની ડમરી આડે આવે.
પોચી પોચી ગાદી છે પણ નીંદરડી તોયે લલચાવે.
એક વિઘાના ફળિયે પોઢી તારા સાથે વાત કરીલે.
રાત-દિવસ ને એક કરી છો,પૈસા રળવા કામ કરીલે,
મનના નિરણ પાણી માટે ગામ ભણી પણ ધ્યાન કરીલે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

અર્જુનની આજીજી માનો, ચાલો કેશવ પાછા ચાલો,
અશ્વોને થોડા સમજાવો, ચાલો કેશવ પાછા ચાલો.

શ્વાન ફરે છે વાહનમાં, ને સ્થાન નથી ઘરડાને ઘરમાં,
લાગે છે કે કળિયુગ આવ્યો, ચાલો કેશવ પાછા ચાલો

કૌરવનાં કુળને લાગીતી એકજ અંધાપાની કાળપ,
ચારેકોર અહીં અંધાપો, ચાલો કેશવ પાછા ચાલો.

ત્યારે એકજ મામાથી ભરમાયા સો ભાણા, ને આજે ,
એક દુર્યોધન સો ગાંધારો, ચાલો કેશવ પાછા ચાલો.

ગીતાનાં ઉપદેશો આજે બે પાનાંની વચ્ચે દાબી,
ખોટાંને પણ કરશે સાચો, ચાલો કેશવ પાછા ચાલો.

તારા નામે યુદ્ધો લડશે, મૂરત તારી ઢાલ બનાવી ,
કેમ પછી હથિયાર ઉપાડો, ચાલો કેશવ પાછા ચાલો.

બે પાસાનાં સંગ્રામે આ ધરતી લાલ કરી'તી તો પણ,
ઘર ઘર માંડી છે ચોપાટો, ચાલો કેશવ પાછા ચાલો.


વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 01-01-2015

વણમાંગ્યા પડકાર મળે છે.
જીવન જ્યાં શરૂઆત કરે છે

આંખો થોડી ઉઘડે ત્યાં તો,
ઈચ્છાઓ અવતાર ધરે છે .

બાળકના દફતરની અંદર,
અધકચરા અરમાન જડે છે.

માણસ નામે વેપારી છે,
મ્હોરાનો વેપાર કરે છે.

કેવી રીતે તમને મળવું ?
તમને ક્યાં વ્હેવાર ગમે છે!

કાંતો ફેંકો કાં બેસાડો,
પથ્થર થી ઈન્સાન નમે છે.

આંબા નૈ તો બાવળ વાવો,
પંખીની ત્યાં સાંજ ઢળે છે.

પુષ્પો ત્યારે સુંદર લાગે,
ઝાકળ જ્યારે નામ લખે છે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 25/12/2014

રૂપાળી કન્યા ને જોઈ ઘાંઘો વાંઘો થૈ ગ્યો
બે પગની આંટી મારીને જાણે કાનો થૈ ગ્યો

ઉપરા ઉપરી જોઈ નાખી બે ડઝન છોકરીયું,
પણ આજે એતો એનાં દિકરાનો મામો થૈ ગ્યો

એવા તો કંટાળ્યા છે સૌ ગામના લોકો આજે
મોકલવા પરદેશ હવે તો ગામમાં ફાળો થૈ ગ્યો.

બેતાલીસ વરસ નો થ્યો ને પાછું માંગું આવ્યું
અડધો પડધો કેતા'તા ઈ આખો ગાંડો થૈ ગ્યો.

પેટ અને કમ્મર જે કરતા પડખે બેસી વાતો,
પરણી ને બે મહિનામાં એ મોટો ફાંદો થૈ ગ્યો.

ચાર વરસમાં ખડકી એણે નાની અમથી પલટન,
એટીકેટી ની જગ્યાએ ઝભ્ભો લેંઘો થૈ ગ્યો.

કહેવી છે પણ કોને કહેવી મન મુંઝવતી વાતું,
બૈરી થી કંટાળી છેલ્લે એ પણ બાવો થૈ ગ્યો.

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

કર્યો મિત્રએ વાર જ્યાં,પીઠ ત્યાં ધરતા ક્યાં આવડે છે,
ખબર તો પડી, એને માણસને ઓળખતા ક્યાં આવડે છે.

સમયસર પ્રસવ થાય તો પણ અકાળે જ અવસાન પામે,
આ અધખુલ્લી આંખો ને સપનાંય સાચવતાં ક્યાં આવડે છે.

નયનરમ્ય દ્રશ્યો ને ખળખળ થકી ભીંજવે આ નદીઓ,
ઘસાતા આ પથ્થરની પીડાને સાંભળતાં ક્યાં આવડે છે.

બનાવીને પાંપણને ક્યારી, મેં આંસું નું સિંચન કર્યું છે,
તને પ્રેમ ની વેલ થૈ ને ય વિસ્તરતાં ક્યાં આવડે છે.

એ હસતો રહ્યો કાળજું એનું કુણું કપાયું તે છતાં,
હતો બાપ દિકરીનો , દિલ ખોલીને રડતાં ક્યાં આવડે છે.

સબંધોની સમજણ અને લાગણીઓની કિંમત ભરીને,
ઉતારે છે કાગળમાં "વેદાંત", આચરતા ક્યાં આવડે છે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

ભાગ્યનાં થોડાં જો સથવારા મળે,
બુંદ એક માંગો અને ધારા મળે

જેટલા આપે, ગણીને આપશે,
એમ ધન ખર્ચે નાં ધબકારા મળે.

દોસ્ત, ઘસવી પણ પડે આ જાતને,
એમ કૈં ભગવાન પરબારા મળે?

ચમકે છે વિજળી હજી એક આશમાં
ક્યાંક ગંગાસતિના વરતારા મળે.

માણસાઈ જ્યાં જરા અમથી હશે,
એ જ ઘરમાં તુલસીનાં ક્યારા મળે,

સાદ ન આપો દોસ્ત, કબ્રસ્તાન છે ,
ક્યાં થી આ જગ્યા એ હોંકારા મળે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 23-1-2015

ઈલેક્શન જ્યાં માથે આવે,
તરતજ ધોળા ઝભ્ભાં લાવે.

કાગ હતાં જે કાલે કાળા,
જનતા એને હંસ બનાવે.

ભાષણ ની તો એવી ફાવટ,
કાગળ નો પણ વાઘ બનાવે.

રસ્તા કાગળ માં જ બનાવે,
ને એમાં રીપેર કરાવે.

ધરતી ધ્રુજે, વાદળ ફાટે,
પરદેશી કૌભાંડ ગણાવે.

ચારા નાં પ્રશ્નો આવે તો,
લીલાં ચશ્માં પણ પ્હેરાવે.

મત માટે પગપાળા ભટકે,
જીતે ત્યારે બહુ દોડાવે.

અઠ્ઠે ગઠ્ઠે ચુંટાયા છે,
અઠ્ઠે ગઠ્ઠે દેશ ચલાવે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 25-01-2015

તમારી યાદથી પાંપણને ભારણ જેવું લાગે છે.
હવેતો આંખનાં રણમાંય શ્રાવણ જેવું લાગે છે.

હવેતો દિલ નથી મારું ય મારા પણ કહેવામાં
મને તો એ તમારી એક થાપણ જેવું લાગે છે.

હતું બસ એક ખાલીપો ભરેલું ચોકઠું આતો,
તમે આવ્યા હવે ફળિયા ને આંગણ જેવું લાગે છે.

અચાનક હાથ આપ્યો હાથમાં ઢાળી નજર નીચે,
હકીકત છે કે સપનું એ વિમાસણ જેવું લાગે છે.

ગઝલ રૂપે લખાઈ જાય છે વેદાંત ની વાતો,
તમારો સાથ છે બસ એજ કારણ જેવું લાગે છે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 24.02.2015

ઘણી સવલતો છે છતાંયે ખફા છે,
ઘણાંને તો આ જીંદગી પણ સજા છે.

બની નાગ બેઠાં ઘણાં ધનનાં ઢગલે,
નથી કાંઈ પાસે તો અમને મજા છે.

ઉદાસી ને કૈ'દો કે પાછી વળી જા,
હજીતો ઉમંગો કતારે ઉભા છે.

આ વાદળ વરસતા નથી સાવ અમથા,
નદી સાથે મળવાની નોખી કળા છે.

વહે છે સતત કોઈ ઈચ્છા ની ધારા,
આ માણસનું મન છે કે શિવની જટા છે?

થશે પથ્થરો લાલ બંને તરફના
અલગ રંગની બેઉ પાસે ધજા છે.

રમે લાગણી છંદ ના ચોકઠાં માં,
ગઝલમાં આ વેદાંત કેવી પ્રથા છે?

વિપુલ માંગરોળીયા ( વેદાંત )

જ્યાં શબ્દ પણ લાચાર છે,
ત્યાં મૌન એક સંવાદ છે.

કોઈને પણ આવી શકે,
સપનાઓ તો આઝાદ છે.

બે આંસું તારા ગાલ પર
ઝાકળ સમો અણસાર છે.

તારા વગર નાં ગામમાં,
એકાંત નું તોફાન છે.

બસ માણતાં જો આવડે,
તો મોત પણ ત્હેવાર છે.

અભિમાન એ કાયાનું શું?
જે રાખનો સામાન છે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 14/03/2015

આંખોમાં સ્હેજ નૂર લગાવી ગયું મને,
એક સપનું ઉંઘમાંથી જગાવી ગયું મને.

થોડો વખત રહ્યું હતું એક દર્દ યાદ નું
એ દર્દ સાથે પણ હવે ફાવી ગયું મને.

તોફાન કોઈ રેતના, ફાવી શક્યા નહીં.
એક ઝાંઝવું આ રણનું હરાવી ગયું મને.

આરંભ થાય એનો કદી અંત પણ થશે,
એક પાંદડું ખરી ને બતાવી ગયું મને.

પચરંગી જીંદગીમાં સદા રાચતો રહ્યો,
અંતે સફેદ કપડું સજાવી ગયું મને.

મજબૂત ડાળખી હતો હું વ્રુક્ષની છતાં,
એક ફૂલડાં નું હેત નમાવી ગયું મને.

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

અક્ષરને વળગે આંખનું કાજળ તો સર્જાશે ગઝલ,
કાતિલ નજર બનશે જરા ચંચળ તો સર્જાશે ગઝલ.

સૌંદર્ય ફૂલોનું હમેશા એ નિખારી જાય છે,
ભીનો કરે જો સુર્યને ઝાકળ તો સર્જાશે ગઝલ.

રણમાં પ્રણયની આમતો દે છે ગવાહી ઝાંઝવા,
મળશે જો મધદરિયે કદી મૃગજળ તો સર્જાશે ગઝલ.

મળતા રહે છે માણસો જ્યાં કોઈ સંવેદન વગર,
ભીંજાય કોઈ શબ્દ થી કાગળ તો સર્જાશે ગઝલ.

આધાર યાદોનો હશે તો જીંદગી વીતી જશે,
સન્મુખ થતાં ભારે થશે પળ પળ તો સર્જાશે ગઝલ.

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 17-3-2015

આંખ બોલે હૈયુ સમજે, કાન નું શુ કામ છે?
આપણી તો વાત નોખી, જ્ઞાન નું શું કામ છે?

યાચવા તરસી રહ્યો છું,દ્વાર તારે ક્યારનો,
જોઇતો છે પ્રેમ તારો, દાન નું શું કામ છે?

જોઇ શંકર આંગણે,બોલ્યા હતા એ દક્ષજી,
સાથમાં છે ભૂતટોળી, જાન નું શું કામ છે?

બાઈ મીરા એ પચાવ્યું, ઝેર તારા નામ પર,
પ્રીત માટે કાન તારી, ભાન નું શું કામ છે?

સાચવે છે બાળ તારા, ને વળી ભય જગ તણો,
આમ તો આ પાનખર ના પાન નું શું કામ છે?

સરહદો ની બીક ક્યા છે, ભીતરે જો આગ હોય
રાખજે તલવાર ખૂલ્લી, મ્યાન નું શું કામ છે?

સાંભળી મારી ગઝલ, થોડા નયન ભીંજાય જો,
આપણે "વેદાંત "બીજા, માન નું શું કામ છે?

વિપુલ-વેદાંત(૦૪-૦૯-૧૩)

કલરવ સાંજે પાછાં મળશે
વડલાં ડાળે વાચા મળશે.

બાળકની આંખો વાંચી જો,
ઈશ્વર નાં સરનામા મળશે.

સંભાળી ને શબ્દો વાપર
એનાં પણ પડછાયા મળશે.

મઝધારે થી ઉગરી જાશો,
તો કાંઠા ગોઝારા મળશે.

સારો માણસ શોધી આપો,
દુર્જનનાં તો ધાડા મળશે.

ભીંતે ટાંગો મા નો ફોટો,
આજે પણ હોંકારા મળશે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 30/10/14)

આ જમાઈ એટલે સાસુને વ્હાલો લાગે છે.
એનું વાવાઝોડું આ જણ એની પાસે રાખે છે.

અવનવી આઈટમો ની પત્ની રાખે ચોપડી
ને અખતરાથીજ ખતરામાં પતિને નાખે છે

એજ દિવસે આ બિચારા ને કંઈ સારું મળે,
જ્યારે કેલેન્ડર માં પત્ની એક તારીખ ભાળે છે.

ભૂલ માં યે જો પિયરથી રિંગણા આવે કદી,
એકઘારા દશ દિવસ થાળીમાં રોજે આવે છે.

વ્હાલ ઉભરાઈ જશે ત્યારે આ પત્નીઓનું પણ,
સેલની છાપામાં જાહેરાત જ્યારે વાંચે છે.

ચાકુ, સાવરણી ને વેલણ કાયમી હથિયાર છે,
ભીંસ ટાણે આંસુંડાનો એ સહારો રાખે છે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

ધાર્યા મુજબ હંમેશ ક્યાં આ જીંદગી જીવાય છે,
પાંખો મળે છે તે પછી આકાશ નાના થાય છે.

તારાં જ છે તો રાખજે એને તું સંભાળી હવે,
પાંપણ વચાળે થી હવે સપનાઓ પણ ચોરાય છે.

આ વાંસળી માં સાત સૂરો કેદ કરવા હું મથું,
પણ ટેરવાંને ભોળવીને તોય એ રેલાય છે.

ગંગા વહે છે દૂધ ની, ચોગમ ખુશી છલકાય છે,
મધ્યાહને સૂરજ છે ને સપના તને દેખાય છે?

ઉપવન હતાં જ્યાં ધૂળનાં, પથ્થર ને ગણતાં ફૂલડાં,
પણ અટપટાં અક્ષર માં આજે બાળપણ રૂંધાય છે.

વિપુલ માંગરોલીયા(વેદાંત) ૦૧-૦૨-૨૦૧૫

શ્હેરમાં પણ સુખથી ક્યાંજીવાય છે
એક સાંધો , તેર તુટતાં જાય છે.

ગામડે દેખાય તારા રાતમાં ,
ધોળે દિવસે શહેરમાં દેખાય છે.

વ્હેલું જાગી શ્વાસ લઈ લેવો પડે,
પ્રાણવાયુ યોગવાળા ખાય છે.

થોડા પૈસા માંડ આવે હાથમાં,
લોનના હપ્તા માં તો વપરાય છે.

રોજ પૂછે કોઈ તમને કેમ છો?
તો પરાણે સારુંછે કહેવાય છે.

ફોન જ્યારે મા નો આવે ત્યારે બસ,
રાતમાં ઓશીકું ભીનું થાય છે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

માંડ હજી તો આંખ મીચાણી,
સપનામાં આવ્યા ગિરધારી.

હાથે ક્યાંય ન ભાળી વાંસળી,
ચક્ર વગરની હતી આંગળી,
મારી પણ આંખો મુંઝાણી,
સપનામાં આવ્યા ગિરધારી.
એપલનું લઈને કોમ્પ્યુટર,
ઈન્ટરનેટ નો માંગ્યો પાસવર્ડ,
માઉસની હાથે કરી સવારી,
સપનામાં આવ્યા ગિરધારી.
ચૌદ લોકનો નાથ મુંઝાયો,
પર્સનલ ડીટેલ માં અટવાયો,
આપત્તિ દિલની વરણાવી,
સપનામાં આવ્યા ગિરધારી.
ભક્ત તમે મારો ને માથું,
ફેસબુક નું ખોલી દો ખાતું,
પ્રક્રિયા છે સાવ અજાણી,
સપનામાં આવ્યા ગિરધારી.
ખાતું ખોલીને મેં આપ્યું,
વૃંદાવન નું આઈડી રાખ્યું,
કાનાને કૈંક લાગી ખામી,
સપનામાં આવ્યા ગિરધારી.
મિત્રો માં આવું ના ચાલે
પાંચ હજારે બંધન આવે,
સોળ હજાર છે મારે રાણી,
માંડ હજી તો આંખ મીચાણી,
સપનામાં આવ્યા ગિરધારી.

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 25-01-2015

સાચું મનમાં સંઘરી શક્તો નથી
એટલે તમને ગમી શક્તો નથી.

વાટકી વ્હેવાર આવડતો નથી,
એટલે આગળ વધી શક્તો નથી.

બીક એ માણસથી લાગે છે વધું,
દિલ ને ખોલી, જે રડી શક્તો નથી.

હોય છે ચહેરા ઘણા સુંદર છતાં,
આયનો એ સાચવી શક્તો નથી.

વાત સૌનાં હીતની છે એટલે,
ક્યાય અમથો હું નમી શક્તો નથી.

સુર્ય તો કાયમ થી કમભાગી રહ્યો,
રાતને કો'દી મળી શકતો નથી.

વિપુલ માંગરોલીયા(વેદાંત) ૧૦-૦૨-૨૦૧૫

અડોઅડ ઉભા છે,
હવે ક્યાં જગા છે. *

ઉતાવળ કરો મા,
હજી તો ઘણાં છે.

ન સમજો સુતેલા ,
બધાં સાબદા છે.

નજરની રમતમાં
હ્રદયને સજા છે.

નથી બીક એને,
એ માણસ જુદા છે.

સરળતા નાં નિયમો
ઘણાં આકરાં છે.

સ્વયં ને તો મળજો,
અનોખી મજા છે.

* અમર પાલનપુરી

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

"દીકરી"

પાનખર માં છે કુંપળ ના ફૂટ્યા તણી વાતડી દીકરી,
તોય જીવન તણી ફૂલવાડી માં અળખામણી દીકરી.

પારકા કરતી પોતીકા, ને સાંભળે વેણ કડવા છતા,
લાજ કાઢી ને પણ લાજ એ બાપની રાખતી દીકરી.

આમ અંકાય ક્યાં કોઇદી મૂલ્ય તૃષા વગર જળ તણું,
એક 'દી થા તું ચાતક તને લાગશે વાદળી દીકરી.

માણવી હોયજો પ્રીત તારે પ્રભુ બાપ થૈ આવજે,
સ્મિત દઈ ને તને સ્વર્ગ ની રાહ ભૂલાવતી દીકરી.

ચીર હરવા ઉભા છે ગલીએ ગલીએ દુશાશન અહી,
બસ જશોદા કને એક માધવ હવે માંગતી દીકરી.

વિપુલ -વેદાંત (૧૧-૧૦-૧૩)

નજરની જ એણે સુરાહી બનાવી,
ડુબાડી ગયા એ શરાબી બનાવી.

ગઝલ જે બનાવી મેં એની અદા પર,
છપાવી મેં પુસ્તક નકામી બનાવી.

મળી જે તમારા તરફથી સજાઓ,
કસમથી પ્રણય ની નિશાની બનાવી.

બધા દર્દ નું એક કારણ પ્રણય છે,
ખબર છે છતા પણ બિમારી બનાવી.

મુરત આપની સાચવી રાખવાં મે,
આ પાંપણ ની વચ્ચે અટારી બનાવી.

વિપુલ -વેદાંત (૦૧-૧૦-૧૩)

હોઠમાં મલકાટ છે , એવું આ ગુજરાત છે,
રાહમાં અજવાસ છે , એવું આ ગુજરાત છે.

છે ભજન નરશી તણા,ને દ્વારકા ધામ છે,
દિલમહીં સરદારછે , એવું આ ગુજરાત છે.

કામ નફરત નું નથી, તું આવ નિર્ભય બની,
પ્રેમની ભરમાર છે , એવું આ ગુજરાત છે.

ક્યાં જરૂરત છે અહીં, બંદૂક ને બોંબની,
સ્નેહ નો વ્હેવાર છે , એવું આ ગુજરાત છે.

દીકરો ખાંડી ધરે, જેસલ ને ભગવો ચડે,
સંતની ભરમાર છે , એવું આ ગુજરાત છે.

પ્રાર્થના માં છે ખુદા, મસ્જીદે ભગવાન છે,
ચર્ચમાં રણકાર છે , એવું આ ગુજરાત છે.

સ્વર્ગ જેવી છે ધરા, છોડી ગગન ને પ્રભુ,
આવવા તૈયાર છે, એવું આ ગુજરાત છે.

વિપુલ માંગરોળીયા (વેદાંત) ૧૦-૧૨-૧૩

વાયદા ધૂળ થયા,
વેર ભરપૂર થયા.

વેણ નારી ના સુણી,
બે અલગ કૂળ થયા.

સોગઠાં ની એ રમત,
યુદ્ધ ના મૂળ થયા.

પ્રીત ભૂલી ને હવે,
કૌરવો ક્રુર થયા.

હાથ ગાંડીવ ધરી,
પાર્થ મજબૂર થયા.

બંધ આંખેય હવે,
આંસુના પૂર થયા.

ભાઈઓ નાં તે પછી,
ક્યાં કદી મૂલ થયા!

વિપુલ માંગરોળીયા (વેદાંત) ૫-૧૨-૧૩

એક અનોખી કિતાબ રાખું છું,
સૂર્ય સામે પ્રકાશ રાખું છું.

પ્રેમમાં તું રુઆબ જો મારો,
આંગણે *આફતાબ રાખું છું.

થાય તે પ્રશ્ન તું કરી લેજે,
હું બધાયે જવાબ રાખું છું.

કડવું પણ સાચું બોલવાની હું
એક જ આદત ખરાબ રાખું છું.

પાપ ને પૂણ્ય ધ્યાનથી જોજે,
હુંય પાસે હિસાબ રાખું છું

ના બતાવીશ ડર તું મૃત્યુનો,
ખુદનો અંગત *કસાબ રાખું છું.

વિપુલ ( વેદાંત ) 22/01/14

ખૂલી કરૂં જો આંખ, તું સપને થી સરકી જાય છે.
ડર એટલો છે મોતનો, કે આંખ ક્યાં મીંચાય છે.

હમણાં થી તો આ દિલનાં પણ નખરા વધેલા લાગે છે
નાની અમસ્તી વાત કરવા કેટલું શરમાય છે.

આ કંટકોને ફૂલ સાથે કૈક તો છે અણગમો,
છે હાજરી એની છતાયે ખુશ્બુઓ ચોરાય છે.

ચાલ્યો મુક્દમો રાતભર આજે આ કાળી રાત પર,
આરોપ છે સંગીન, પડછાયા બધાના ખાય છે.

લોહી નિતરતા ઘાવ પર દિલની દુઆ બનશે મલમ,
દિલમાં ઉઝરડા થાયતો પાટોય ક્યાં બંધાય છે

છે કાફિયાનો સાથ ને છંદો બધા તૈયાર છે
કાયમ ખરા ટાણે ગઝલની શેરિયત ખોવાય છે.

વિપુલ ( વેદાંત ) 20/03/14

એ મન મુકી રડતી નથી ને મન ભરી હસતી નથી,
જે સ્કૂલનાં દફતરથી નિકળી જીંદગી, જડતી નથી.

સૂરજમુખી સમ આંખને લાગી નજર કોની ભલા,
અડધી વિતી ગઈ રાત તો પણ કેમ એ ઢળતી નથી.

ખોબો ભરીને સ્કુલની માટી મેં કુંડામાં ભરી,
બચપણની એમાંથી છતાં સોડમ હવે ઉગતી નથી.

બાળકની માફક હું રડી શક્તો નથી બસ એટલે,
દિકરીને ભીની આંખ મારી સ્હેજ પણ ગમતી નથી.

કાદવ ભરેલા પગ લઈ ઘર જાવ જાણીજોઈને
પણ લાકડાંની ફ્રેમમાંથી બા હવે વઢતી નથી.

ઈચ્છાઓનાં દરીયામાં આશાની ઉતારી નાવ , પણ
આગળ નથી વધતી અને પાછી હવે ફરતી નથી.

સીધી સરળ રાજા ને રાણીની કહી દે વારતા
આ વેદ કે વેદાંત ની વાતો સમજ પડતી નથી.

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

ઘર છે તો મતભેદ થોડા થાય એમાં ખોટું શું છે?
આપણાં છે એજ તો ખિજવાય એમાં ખોટું શું છે?

ઈશ્વરે આપ્યો છે ઈશ્વરનો દરજ્જો એને એથી,
મા ને પણ તું કારે બોલાવાય એમાં ખોટું શું છે?

પુત્રનાં સંસ્કાર બાબત છોડ રડવાનું હવે તો,
તે જ આપેલા તને દેખાય એમાં ખોટું શું છે? .

હોય મસ્તક એનું ઉન્નત જે ખુમારીથી જીવે છે
ચાલવાં માટે નીચું જોવાય એમાં ખોટું શું છે? .

માવતર ઘડપણમાં બાળક જેમ બનતાં જાય ત્યારે,
વાત તારી એને ના સમજાય એમાં ખોટું શું છે?

શૂન્ય માંથી તે અહમ્ ને એવડો મોટો કર્યો છે
એ તને આખો ડુબાડી જાય એમાં ખોટું શું છે? .

રોજ ખામી વેદ ને વેદાંતની કાઢ્યા કરે પણ,
ખુદની અંદર કોઈ જો ડોકાય એમાં ખોટું શું છે? .

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

બધાય અક્ષરો ની વચમાં કૈંક ગણગણાટ છે,
અનોખા ભાવની ગઝલ પ્રસવની એને વાટ છે.

ને જ્યારથી આ ઝાંઝવું કલમ થકી ઉતાર્યું છે
આ ચેતના વિહોણા કાગળે ય સળવળાટ છે.

શું કામ વ્યર્થ આંસું સારો છો તમેય ક્યારનાં,
રુમાલ એમની કને ઘણોજ મોંઘો દાટ છે.

હજી અડગ ઉભું છે કૈંક તારલા ખર્યાં પછી,
આ આભ પાસે કેટલાં સિતારાનાં કબાટ છે?

એ ભૂખથી જ તરફડી મરી ગયો પછીય પણ
હજી અમીરીની એ હસ્ત રેખા ઝળહળાટ છે.

ને અંતમાં હું એટલે માનાં પગે પડી ગયો
નજર પડે છે ત્યાં બધેજ ઈશ્વરોની હાટ છે.


વિપુલ માંગરોલીયા ( વેદાંત )

પગની રેખામાં એવી અલગ ભાત છે?
આ બધી એટલે તો રઝળપાટ છે

સાવ ખુલ્લા પગે દોડતી જાય છે,
તોય સંવેદનાઓને ક્યાં થાક છે !

જંગલો કેમ વેરાન બનતાં ગયાં?
શું આ વૃક્ષોની વચ્ચેય વિખવાદ છે?

રાહ ભટકે નહીં એકલું એટલે,
પીંછું પણ તીરનો એક આધાર છે.

રોજ રાત્રે મરી પાછું જીવતું થવું,
એજ ભગવાન હોવાનો અણસાર છે.

સ્વર્ગ કે નર્ક બાબત નું તો એવું છે ,
સાવ પાક્કુ નથી, એક અંદાજ છે.

હાથ જોડો કે ખોલો ફરક શું પડે?
પ્રાર્થના માં નમે માથું તો સાર છે.

વિપુલ માંગરોળીયા ( વેદાંત )

કોઈને ક્યાં હવે સાચું કહેવાય છે! ,?
વાત સાદી છે પણ મોડી સમજાય છે.

મોતનું માન એ રીતે જળવાય છે,
શ્વાસ પણ બહારનો બ્હાર રૈ જાય છે.

એક પથ્થરને જ્યાં માર્યું એક ટાંકણું,
ત્યાં હવે રોજ આશાઓ ઠલવાય છે.

લાગે છે જે ફક્ત બાગનો બાંકડો,
ત્યાંજ વૃદ્ધોનાં નિસાસાઓ સચવાય છે

એવું માણસ શું સાથે લઈ જાય છે?
કે વજન લાશનું પણ વધી જાય છે,

દુર્દશા નો થયો ફાયદો એટલો,
જ્યાં જુઓ ત્યાં હવે નામ ચર્ચાય છે.

મૌન છલકાય વેદાંત કાગળથી જો,
એક સાચી ગઝલ તો જ સર્જાય છે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

ધસમસતી
જીંદગી માં જીવન
તણાઈ ગયું

આંખોમાં સ્હેજ નૂર લગાવી ગયું મને,
એક સપનું ઉંઘમાંથી જગાવી ગયું મને.

તોફાન કોઈ રેતના, ફાવી શક્યા નહીં.
એક ઝાંઝવું આ રણનું હરાવી ગયું મને.

આરંભ થાય એનો કદી અંત પણ થશે,
એક પાંદડું ખરી ને બતાવી ગયું મને.

પચરંગી જીંદગીમાં સદા રાચતો રહ્યો,
અંતે સફેદ કપડું સજાવી ગયું મને.

મજબૂત ડાળખી હતો હું વૃક્ષની છતાં,
એક ફૂલડાં નું હેત નમાવી ગયું મને.

વિપુલ માંગરોલીયા ( વેદાંત )