Pehli Najarano Prem in Gujarati Love Stories by Vipul Rathod books and stories PDF | પહેલી નજરનો પ્રેમ

Featured Books
Categories
Share

પહેલી નજરનો પ્રેમ

પહેલી નજરનો પ્રેમ

-વિપુલ રાઠોડ

લીસોટો પાડી દેતી કચકચાવીને મારેલી બ્રેક સાથે અનુરાગે પોતાનું બાઈક ધમધમતા ચોકનાં એક ખુણા ઉપર ઉંભું રાખ્યું. છાકો પડી જાય એવી અદામાં તેણે પોતાના વાહનનું સ્ટેન્ડ લગાવ્યું અને ઉન્મતતામાં તેના ઉપર બેસી પગ માથે પગ ચડાવી કોઈની રાહ જોવા લાગ્યો. થોડીવાર સુધી તેના ચહેરા ઉપર કોઈ જ ઉતાવળનાં ભાવ જોવા ન મળ્યા પણ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેની અધીરાઈ ચહેરા અને બોડી લેંગ્વેજમાં બહાર આવવા લાગી. થોડીથોડી વારે પોતાના સેલફોનમાં સમય જોઈ લેવો, વારેવારે એક જ દિશામાં જોઈને જેની તેને વાટ હતી તે આવ્યું કે નહીં તેવો સવાલ પોતાની જાતને પુછતા રહેવામાં સારો એવો સમય નીકળી ગયો.

અનાયાસે તેની નજર થોડે દૂરથી આવી રહેલી એક રીક્ષા ઉપર ચીપકી ગઈ. સાઈડમાંથી દેખાતો પાછળ બેઠેલી વ્યક્તિનો આછા વાદળી રંગનાં દુપટ્ટો તેની નજરની આગને વધુ ભડકાવી ગયો. તે રીક્ષામાં પાછળ બેઠેલી છોકરીનો ચહેરો જોવા માટે એકીટશે જોતો રહ્યો. નજીક આવી રહેલી રીક્ષા અને પોતાના વચ્ચેથી પસાર થઈ રહેલા વાહનોમાં ક્યાંક તે ચહેરો જોવાનું ચુકાઈ ન જાય તેના માટે તેની નજરને વધુ ચાંપતી રાખવા લાગ્યો. રીક્ષા વધુ નજીક આવી અને તેમાં બેઠેલી સોહામણી યુવતીનો ચહેરો સામે આવતાં જ જાણે તેના દિમાગ અને આંખનો કેમેરા ફટાફટ ક્લીક કરવાં લાગ્યો અને એ યુવતીની ઝલક માનસ પટલ ઉપર કેદ કરવાં લાગ્યો. આ સુંદરતાનો કેફ વધુ ભાન ભુલાવે તે પહેલા જ અનુરાગનાં ધબકારા વધી જાય તેવી રીતે તે છોકરીએ પણ સામી નજર માંડી. ઘડિકમાં જ આખી દુનિયા જાણે ફિલ્મોમાં બતાવે એવી સ્લોમોશનમાં આવી ગઈ. એ યુવતીએ થોડી જ ક્ષણોમાં અનુરાગને આપેલી એક મંદ મુસ્કાન અનુરાગને જાણે કોઈ સપનું જીવાઈ ગયું હોય તેવી અલૌકિક અનુભૂતિ કરાવી ગઈ. વાસ્તવિક જીવનમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક નથી વાગતાં પણ અનુરાગનાં કાનમાં અત્યારે કેટલાંય મધુર સૂરો સંભળાવા લાગ્યા.

એ અજાણી યુવતીનો ચહેરો દેખાતો બંધ થયો ત્યાં જ ઓચિંત દુનિયાને સ્લોમોશનમાંથી સામાન્ય ગતિમાં લાદી દેતો ધબ્બો તેની પીઠ ઉપર આવ્યો અને તેનાં કાનમાં સંભળાતાના સંગીત બંધ થયા. ફટાફટ પાછું વળીને જોયું અને તે જેની વાટ જોતો હતો એ ચૈતન્ય બોલ્યો, 'સોરી બકા, મારે થોડું લેઈટ થઈ ગયું. ચાલ જલ્દી ભગાવ અધરવાઈઝ ફિલ્મની ટીકીટ નહીં મળે.' ફિલ્મની ઉતાવળમાં એક સમય સુધી અકળાયેલો અને ચૈતન્યને ગાળો કાઢવા માટે નક્કી કરી ચુકેલા અનુરાગને કદાચ અત્યારે તો પોતાના ભાઈબંધનું આગમન નાપસંદ આવ્યું. તેણે બાઈક ઉપર સરખાં બેસતા રઘવાટમાં કીક મારી અને ચેતન્યને જલ્દી સ્વાર થવા કહ્યું. ચૈતન્ય સરખો બેઠો ન બેઠો ત્યાં જ અનુરાગે બાઈક મારી મુકી. સિનેમાથી વિરુદ્ધ દિશામાં બંબાટ દોડી જતી બાઈક ઉપર ચૈતન્યએ કહ્યું, 'એલા, ભાનમાં છો ને? આપણે માયાનગરીમાં ફિલ્મ જોવા જવાનું છે.' અનુરાગે હવે પોતાનો અણગમો ઠાલવતાં કહ્યું' સાલા કોઈ દિવસ સમયે આવ્યો? અને જ્યારે આવ ત્યારે કટાણું જ હોય. હમણાં જ એક રીક્ષામાં મસ્ત છોકરીએ સ્માઈલ આપી. યાર... મારા દિલની ઘંટડી વાગી ગઈ. તું આવ્યો એમાં એ રીક્ષા આગળ ક્યા જતી રહી એ ધ્યાન ન રહ્યું. હવે ક્યાં શોધું એને? બોલ ! ' ચૈતન્યે વળતી નારાજગી દેખાડતાં પુછ્યું, ' હવે આપણે ફિલ્મમાં જવાનું છે કે કેન્સલ?' અનુરાગે કોઈ જ જવાબ આપ્યા વિના રીક્ષા ગઈ તે દિશામાં બાઈક હંકારવાનું ચાલું રાખ્યું. આમ-તેમ કેટલાય આડા ઉભા રસ્તાઓ અને શેરીઓ ફેંદી મારી પણ ક્યાય એ રીક્ષાનો પત્તો ન લાગ્યો.

આ ઘટનાને થોડા દિવસો વિતી જવા છતાં પણ હજી ય અનુરાગનાં દિલદિમાગમાં એ સ્મૃતિ એટલી જ તરોતાજા હતી. તેને કોઈક ખુણામાં એવું લાગવા માંડ્યું કે પહેલી નજરનો પ્રેમ કદાચ વાસ્તવમાં હોતો હશે. આ દિવસો દરમિયાન તે અનેકવાર ચૈતન્યને કે અન્ય કોઈ મિત્રને સાથે લઈને કે પછી એકલા રીક્ષા જોવા મળી હતી એ ચોકથી લઈને રીક્ષા ગઈ તે દિશા ભણી ચક્કરો લગાવી ચુક્યો હતો. પણ હજી સુધી તેને એ છોકરીની કોઈ ભાળ મળી ન હતી. હા, આ શોધમાં તેને કોઈ પરાલૌકિક આનંદનો અહેસાસ જરૂર થતો અને દર વખતે એ છોકરી ફરી ક્યારેક તો મળશે જ તેવી આશાનો મિનારો નવી ઉંચાઈ આંબતો.

ચૈતન્ય અને અનુરાગ એ રસ્તા ઉપર જ બનાવેલી નવી બેઠક સમાન ચાની લારીએ ઉભા હતાં. અત્યાર સુધી બન્ને વચ્ચે ખુબ જ ઓછા શબ્દોની આપ-લે થઈ હતી. અનુરાગ આમતેમ નજર કરીને જાણે એ છોકરીને જ શોધતો હતો અને ચૈતન્ય જાણે એકલપણું અનુભવતો હતો. એટલ તે બોલ્યો ' અની... આ તો ગાંડપણ કહેવાય. છોડને યાર હવે...' પણ હવે પોતે પ્રેમમાં જ હોવાનું દ્રઢ માની ચુકેલો અનુરાગ કહે છે, ' ચીંટુડા...તારા હિસાબે મારી લવસ્ટોરી દુનિયા કી સબ સે છોટી લવસ્ટોરી બની રહી ગઈ. શુરૂ હોને સે પહેલે હી ખતમ હો ગઈ! ' ચૈતન્યનાં ચહેરા ઉપર હાસ્ય આવી જાય છે અને જવાબ આપતા બોલ્યો,' તું નહીં સુધરેગા અની... જહાં લડકી દેખી લાઈન લગાના શરૂ! '

વધુ થોડા દિવસનો પસાર થઈ ગયા પણ જેમ જેમ દિવસો પસાર થતાં તેમતેમ અનુરાગનું શોધ અભિયાન વધુને વધુ જનૂની બનતું જતું હતું. ફિલ્મોમાં અજાણી છોકરીને શોધવા માટે હીરો કીમિયા કરે તેવા અનેક આઈડિયા તેણે વિચારી લીધા. કેટલાંક અમલમાં મુક્યા અને કેટલાંક પડતા મુકતો જતો હતો. પરંતુ હજી સુધી તેને એ અજાણી યુવતીનાં કોઈ એંધાણ મળ્યા ન હતાં. મનોમન તેને પોતાની પ્રેમિકા માની ચુકેલો અનુરાગ ફરીથી તેની એક ઝલક પામવા માટે હવે રીતસર તલપાપડ બન્યો હતો. તેનાં અભ્યાસથી માંડીને ઘરમાં ચિંધવામાં આવતાં કામ સુધી ક્યાંય તેનું ધ્યાન નહોતું. તેની દિનચર્યા પણ હવે એકવખત પ્રેમના માર્ગ ઉપર શોધખોળની લટાર વગર પુરી થતી ન હતી.

એક વહેલી સવારે અશાંત ચિત્ત સાથે તેના પગ અનુરાગને પોતાના બાઈક સુધી અને બાઈક એ છોકરી જોવા મળી હતી તે માર્ગ સુધી લઈ ગયું. તે નિયમિત જે લારીએ ચા પીતો હતો ત્યાં આવીને ઉભો રહ્યો. આજે કદાચ એક યુગ સમાન વાટનો અંત આણતો સુરજ ઉગ્યો હોવાની આશાનાં કિરણો વચ્ચે અનુરાગની નજર તેને જ શોધતી હતી. અને...

તેની છઠ્ઠી ઈન્દ્રીયે અનુરાગને પાછળ નજર કરવાનો આદેશ આપ્યો. અનુરાગ પાછું ફરીને જુએ છે ત્યાં જ તેનું હૃદય એકાદો ધબકારો ચુકી ગયું. વહેલી સવારનાં આહલાદક વાતાવરણમાં ફરી મધુર સંગીતો રેલાવા લાગ્યા. દુનિયા ફરીથી સ્લોમોશનમાં આવી ગઈ. એ જ આછા વાદળી દુપટ્ટા અને સફેદ સલવાર કુર્તીમાં ખુલ્લા ભીના વાળ સાથે તેની માનેલી પિ્રયતમા સાવ નજીક જ ઉભી હતી. આજે બીજી કોઈ ભૂલ કરીને ફરી તેને ચુકી જવાની તક તે કુદરતને આપવા માગતો ન હતો. તેણે પહેલો અને છેલ્લો મોકો સમજીને તુરત જ તે યુવતીને પોતાની લાગણી વ્યક્ત કરી દેવા નક્કી કરી લીધું અને તેની નજીક પહોંચી ગયો. અનુરાગ નજીક પહોંચ્યો હોવા છતાં એ યુવતીએ કોઈનાં આગમનની નોંધ ન લીધી હોય તેમ ઉભો રહ્યો. અનુરાગ કોઈપણ ક્ષણ વેડફ્યા વગર બોલવાની શરૂઆત કરે છે.

' થોડા મહિના પહેલા મેં તમને જોયા હતાં. આપની એ નજર અને સ્મિત હજીય ભુલાયા નથી. કદાચ મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે. પહેલી નજરનો પ્રેમ તમને કદાચ હાસ્યાસ્પદ લાગશે પણ મને થયો છે. મને અનુભવાયું છે કે આવું પણ થઈ શકે.' અનુરાગનાં આ શબ્દો પોતાને કહેવાયા હોવાનું જાણવા છતાં ભાવહીન ચહેરે ઉભેલી એ યુવતી કશું જ બોલી નહી પણ અનુરાગે પોતાની વાત આગળ વધારી. ' આટલાં દિવસોથી હું તમને રોજેરોજ અહીં જ શોધતો. એવી આશાએ કે કયારેક તો તમે મળશો. તમારી એ પહેલી નજરે મને તમારો બનાવી લીધો હતો. હવે હું તમારા પાસેથી શું જવાબની આશા રાખું?'

એ યુવતી હવે પોતાનું માર્મિક હાસ્ય ખાળી શકી નહીં અને બોલી, 'પહેલી નજરનો પ્રેમ? માન્યું કે પ્રેમ આંધળો હોય છે પણ હું તમને જણાવું કે હું જન્મજાત દ્રષ્ટિહીન છું, અંધ છું. મારી કઈ નજરથી તમે પ્રેમાંધ બન્યા?' બન્નેને મૌન ઘેરી વળ્યું. વાતાવરણમાં સન્નાટો પ્રસરી ગયો...