Aapnu Ekant books and stories free download online pdf in Gujarati

આપણું એકાંત

“હું ગુજરાતી”

કોલમનું નામ : મંથન

આર્ટીકલનું નામ : આપણું એકાંત...

સમરસ બની ગઈ છે, એકલતા મુજમાં,

જુઓને આ જગત, એમાં ખલેલ પહોંચાડે...

સામાજિક પ્રાણી હોવાને નાતે વ્યક્તિને જીવવા માટે કાયમ અન્ય વ્યક્તિની જરૂર રહે છે. ક્યારેક એવું મન પણ થાય કે મારે માત્ર મારી સાથે રહેવું છે, ખુદને એક સાદ કરવો છે, જાત સાથે સંવાદ કરવો છે. જિંદગીમાં ઘણીવાર એવી ક્ષણો મળી જાય જ્યારે એકાંત સાથે મધુરું મિલન થઈ જાય.

“આ ભીડ મહીં

એકાદ ઘડી

મારાથી મુજને મળી શકાયું હોત !”

સામાન્ય રીતે આપણે સતત એકબીજાને મળતાં રહીએ છીએ, પાસ્પર ખબરઅંતર પૂછતા રહીએ છીએ પણ ક્યારેય આપણે ખુદને મળીને ખબરઅંતર પૂછ્યા? એ માટે એકાંત જોઈએ. એકાંત એવું વિશિષ્ટ આવરણ છે જેમાં આપણને આપણી જાતને મૂલવવાની તક સાંપડે છે. રવીન્દ્રનાથ ટાગોરનું એક પ્રસિદ્ધ ચિત્ર છે જેમાં કોઈક જળચર પક્ષી પોતાની લાંબી ચાંચ પોતાની જ ડોકમાં ખોસી રહ્યું છે. બસ એ જ છે આત્મનિમજ્જન. એટલે કે આત્મામાં ડોકિયું. એકાંતથી આપણને આત્મામાં ડોકિયું કરવાનો અવસર સાંપડે છે.

એકાંત અને એકલતા વચ્ચે તફાવત એ છે કે, એકાંત વ્યક્તિએ જાતે પસંદ કર્યું હોય છે જ્યારે એકલતા તેને દુનિયાએ આપેલી હોય છે. એકાંત એવી હકારાત્મક ઘટના છે જેમાં સર્જનાત્મક આનંદની પ્રાપ્તિ ઘણી સરળ અને સહજ બની જાય છે. બીજી તરફ એકલતા વ્યક્તિને ઘણીવાર તોડી નાખે છે, દયનીય સ્થિતિમાં મૂકી દે છે. અઢીસો ચોરસ ફૂટના ઓરડાને એકલતા ફૂટબોલના મેદાન જેટલો બનાવી દે છે. એકાંતમાં વ્યક્તિ સમયની સરહદમાં રાજા બને છે અને એકલતામાં સમયનો ગુલામ.

ચારેબાજુથી સંપૂર્ણ બંધ ઓરડાની બરાબર મધ્યમાં પેટાવેલા કોઈ દીવડાની સ્થિર જ્યોત થઈ ઝળહળવું હોય તો એકાંત જરૂરી છે. અને તે સમયે અંતરેથી પ્રસરેલો પ્રકાશ બેશકિંમતી હોય છે. કવિઓ અને લેખકોની સર્જનાત્મકતા આ સમયે ખીલી શકે છે, સંતો આધ્યાત્મિકતાની ચરમસીમાએ પહોંચી શકે છે, વ્યાપારી આવનાર સમયના વ્યવસાયના શ્રેષ્ઠ નિર્ણયો લઈ શકે છે. અને એટલે જ કદાચ ધ્યાન/મેડિટેશન એ એકાંતાવસ્થાની સંપૂર્ણ અવસ્થા છે. એકાંત વ્યક્તિને પોતાના મનના ઊંડાણે લઈ જઈ શકે છે જ્યાં ઈશ્વર બિરાજમાન છે. જીવનમાં ઉદભવતી વેદના, મુશ્કેલીઓ, નકારાત્મકતા, ઈર્ષ્યા, ચીડ, અણગમા- એ તમામને શ્રેષ્ઠ માર્ગે વાળવાનો એક ઉપાય એકાંત-સાધના છે.

એકાંત-અવસ્થા માટે કોઈની ગેરહાજરી જરૂરી નથી હોતી. વ્યક્તિ ટોળાં વચ્ચે પણ એકાંત અનુભવી શકે છે તો વળી ક્યારેક સાવ એકલો હોય ત્યારે પણ ભારોભાર રહી શકે છે. પુરુષ અને સ્ત્રી માટે એકાંત અને એકલતા ઘણીવાર ભિન્ન બની રહે છે. એકલતાને સહન કરવાની શક્તિ સ્ત્રી જેટલી કદાચ પુરુષમાં હોતી નથી. કહેવાય છે કે વિધુરો કરતા વિધવાઓ વધુ સારી રીતે શેષ જિંદગીનો સમય પસાર કરી જાણે છે. કારણ એ હોઈ શકે કે વિધવા વધુ અસરકારક રીતે પરિવારમાં ભળી પોતાની જિંદગીમાં આવેલ એકલતાનું સમતોલન કરી જાણે છે. અહીં અપવાદને સંપૂર્ણ સ્થાન છે પણ જીવનસંધ્યાએ એકલતા ખમવી જરા કઠિન રહેતી હશે.

ઘણીવાર માણસને મનથી તોડી નાખવા માટે એકાંતનો ઉપયોગ કરવામાં આવે છે. કેદીઓ પર આ પ્રયોગ ઘણો અસરકારક સાબિત થયો છે. તો સામે પક્ષે નેલ્સન મંડેલા જેવા વિરલ વ્યક્તિત્વો આવા ભયાનક એકાંતને પણ ખૂબ સારી રીતે પચાવી ગયાના દાખલા પણ છે જ. મંડેલાએ પોતાના સાડા સત્યાવીસ વર્ષના કુલ જેલવાસમાં અઢાર વર્ષ રોબેન-દ્વીપ પર નાની એવી કોટડીમાં ફરજિયાત એકાંતવાસમાં ગુજાર્યાં. આ સ્થિતિમાં વ્યક્તિ પાગલ ન થઈ જાય તો મહાત્મા બની શકે છે. સ્વરાજની ભૂખ સાથે મંડેલાએ એકાંતને પરાસ્ત કર્યું તે દરમ્યાન વર્ષો સુધી પોતાની દીકરીને નહિ જોઈ શકવાની વેદના કે વ્યથા કેટલી અસહ્ય હશે ? મહાત્મા સિવાય એ કોણ કરી શકે...

કેટલીકવાર એકાંત અસહ્ય હોય છે, ખાસ કરી બાળકોઓ માટે. શિશુ માટે પરિવારજનની તમામ ગેરહાજરીઓ એકાંત બની રહે છે. બાલમંદિરથી છૂટેલું બાળક જો સમયસર આવી નહિ શકેલી મમ્માને ન જૂએ તો વ્યથિત બની જાય છે. તમામ સહાધ્યાયીઓ વચ્ચે પણ તેની એકલતા અકળાવનારી બની રહે છે અને દોડતી આવેલી હાંફતી મમ્મી મળી જતાં મળતું ‘બેકાંત’ અત્યંત હાંશકારી નીવડે છે. જુઓ એક શબ્દચિત્ર...

ધીરે-ધીરે શરૂ થયેલું આછું રુદન,

વહેતી અશ્રુધાર અને ભારે ડૂસકાં...

મમ્મીનું દોડતાં-દોડતાં આવવું,

શિશુ ઉચકી છાતી સરસું ચાંપવું...

બાળકના કુમળા હાથોનું મમ્મીની ડોક ફરતે કસોકસ વીંટળાવું,

હીબકાં ભરતાં-ભરતાં મમ્મીની છાતી પર મીઠી નીંદરનું આવવું...

જ્યારે-જ્યારે આ પ્રસંગ નજરે ચડ્યો છે ત્યારે એક સહૃદય તરીકે મને માતા અને શિશુએ પોતપોતાના બે એકાંત ભેગાં કરી ઉજવેલા ઉત્સવ જેવો લાગ્યો છે.

પ્રેમીહૃદયો માટે એકાંત મીઠા વિરહની વીરડી છે. દૂર રહેલા બે તન પણ પાસપાસે વસેલાં મન ઉભયપક્ષે વ્યક્તિને એકલો પડવા દેતાં નથી. આવા સમયે સાંજ જરા વધુ ક્રૂર લાગે છે. ઘડિયાળના કાંટા આળસુ બની જતા લાગે છે. બારીમાંથી કાળું આકાશ જોતાં જરા વધુ પાસે આવી ગયેલું અનુભવાય છે અને ખરતા સિતારાની પ્રતીક્ષામાં રાત ઓગળતી રહે છે. આવા સમયે સૂકા પર્ણો વચ્ચે પવન અથડાતા થતો ખખડાટ પણ સૂરબદ્ધ લાગે છે. આ વિકસિત એકાંતની નિશાની છે. આ સમયે પ્રેમી એકાંત સાથે વાત કરે છે, એકાંતને અપનાવે છે, એકાંતને પચાવે છે.

ટોળા વચ્ચે ફરતી વખતે એકલતા ઘણી ગમે મને,
તારો વિચાર આવે તો, હુંનું બહુવચન હોય છે...

મુખવાસ :

એકલા હોઈએ ત્યારે ઘરમાં ટેલિફોનની ઘંટડી વધુ જોરથી રણકતી લાગી છે ?

-સાકેત દવે.