Ek Mahoru, Name Manas in Gujarati Short Stories by Saket Dave books and stories PDF | એક મહોરું, નામે માણસ

Featured Books
Categories
Share

એક મહોરું, નામે માણસ

કોલમનું નામ : મંથન

લઘુકથાનું નામ : એક મહોરું, નામે માણસ...

“ભૈયા... વો આગે સ્વિફ્ટ કાર જા રહી હૈ ન... જલ્દી સે ઉસકા પીછા કરો...”

લગ્નના માત્ર ત્રણ મહિના પછી પોતાના જ પતિ ઉપર શંકા કરી આ રીતે છુપાઈને તેની પાછળ પાછળ જવું રઝિયાને ખૂબ અજુગતું લાગતું હતું, પણ તેણે વિચાર્યું કે હવે અન્ય કોઈ વિકલ્પ ન હતો. પાણી હવે માથાંથી ઉપર વહી ગયું હતું.

વડીલોની મંજુરીથી થયેલા (એરેન્જડ) લગ્ન પહેલા ફિરોઝ સાથે ખાસ વધુ મુલાકાતોનો યોગ થઇ શકેલો નહિ. ને તે દરમ્યાન રઝિયાએ ફિરોઝને અને તેના જીવનને સમજવાનો થોડો પ્રયાસ કરેલો, પણ મુગ્ધતાના એ દિવસોમાં વાગ્દત્તા રઝિયાને ફિરોઝ અને તેની તમામ વાતો પ્રિયકર જ લાગી હતી. પણ અત્યારે રઝિયાને એ સઘળું યાદ આવી રહ્યું હતું અને તેની શંકા વધુ દ્રઢ બને એવા પ્રસંગો પણ બનેલા જ ને! લગ્ન પહેલાંની થોડીક મુલાકાતો દરમ્યાન જ્યારે ફિરોઝે રઝિયાને કહેલું કે, “જો રઝિયા, મારે પાપા તો ઘણા સમયથી નથી, ને અમ્મીજાન પણ ઘરડાં... તો હું કોઈ વન્ય-પંખીની માફક બહુ સ્વતંત્ર રીતે જીવવા ટેવાયેલો છું. હું અનેક વ્યવસાયો સાથે જોડાયેલો છું. મારી નાની એવી આ જિંદગીમાં કોઈપણ અન્ય વ્યક્તિ ચંચુપાત કરે તે મને પસંદ નથી; મારી પત્ની પણ નહિ... પ્લીઝ ડોન્ટ ટેઈક ધીસ નેગેટીવ ડીયર...”

એ સમય જ એવો હતો કે ફિરોઝ જાણે કોઈ કવિતા બોલતો હોય એમ મુગ્ધ રઝિયા આ બધું સાંભળી લેતી ને મીઠું મીઠું મુસ્કુરાતી. આજે ફિરોઝનું એ સ્મિત રઝિયાને મૂર્ખ બન્યાનો એહસાસ કરાવી ખૂંચી રહ્યું હતું. લગ્ન પહેલાંની એ મુલાકાતો દરમ્યાન અચાનક આવેલા કોઈપણ ફોન-કોલને પતાવી ઘણીવાર ફિરોઝ તાત્કાલિક ત્યાંથી નીકળી જતો, ત્યારે રઝિયા તેને એક મીઠો ઝગડો કરવાનો અવસર માત્ર માનતી. આજે યાદ આવેલા આવા પ્રસંગો રઝિયાને વધુ ને વધુ શંકાશીલ બનાવી રહ્યા હતા.

ફિરોઝની ગાડી અમદાવાદની બહાર નીકળી ગાંધીનગર તરફ વળી ત્યારે રીક્ષાવાળાએ પાછળ વળી રઝિયા સામે જોયું ને રઝિયાએ આંખો વડે જ સંમતિ દર્શાવી. કોઈ અઘરી પઝલ-રમતના અંકોડા મળતા હોય એમ ત્રણ મહિનાના લગ્નજીવન દરમ્યાન બનેલા કેટલાક પ્રસંગો રઝિયાના મનમાં ફરી તાદૃશ થઈ ઉઠ્યા. એક્સપોર્ટ-ઈમ્પોર્ટનો ધંધો તો ફિરોઝને નામનો જ હતો તેવી ખબર ઘણી વહેલી પડી ચૂકી હતી, કારણ તે મોટાભાગે મિટિંગના બહાને ઓફિસની બહાર કોઈ અજ્ઞાત સ્થળે રહેતો અને વીક-એન્ડમાં પણ ઘરેથી કલાકો સુધી ગાયબ થઈ જતો. મોડી રાત સુધી એ ઘરમાં બીજે માળે આવેલા અલગ ઓરડામાં લેપટોપ પર બેસી રહેતો ને રઝિયા આવતાં જ લેપટોપ બંધ કરી દેતો.

થોડાં જ દિવસો પહેલાં ડાબા બાવડાં પર પડેલ ઊંડા ઘાને ફિરોઝે અકસ્માતમાં થયેલ ઈજા દ્વારા ઢાંકી દેવાની કોશિશ કરેલી; એકવાર જ્યારે તેની બેગમાંથી પડી ગયેલા કેટલાક નકશાઓ વિષે રઝિયાએ તેનું ધ્યાન દોરેલું, ત્યારે પણ એ અજબ રીતે અસ્વસ્થ બની ગયેલો. નકશા શેના છે તેના વિષે રઝિયાને આપવા માટે ફિરોઝ પાસે ઉત્તર નહોતો, આવા તો અનેક પ્રસંગો રીક્ષામાં ઊભડક બેઠેલી રઝિયાને યાદ આવી ગયા. અને આજે સવારે રઝિયાએ જે જોયું તેને શંકાનું નામ આપી શકવાની તેને જરાય જરૂર ન લાગી. થોડાં દિવસોથી શંકાથી ઘેરાયેલી રઝિયાએ જ્યારે જોયું કે, સવારનો નાસ્તો કરતી વખતે આવેલા ફોન-કોલે ફિરોઝની ગતિવિધિ અચાનક વધારી દીધેલી અને ફિરોઝ કપડાં બદલવા રૂમમાં ગયો ત્યારે ઉતાવળમાં અધખુલા રહી ગયેલા બારણામાંથી ઝાંખીને જોવાનું રઝિયા ટાળી શકી નહોતી. અને જ્યારે ફિરોઝે તેના ટેબલના અંદરના ખાનામાંથી ૨૪ બેરેટની ઓટોમેટિક પિસ્તોલ કાઢીને બેગમાં મૂકી ત્યારે રઝિયા અવાચક બની તેને જોઈ રહી હતી.

રઝિયાએ વિચાર્યું કે, નક્કી ફિરોઝ કોઈ અમાનવીય પ્રવૃત્તિમાં જોડાયેલો હોવો જોઈએ, અન્યથા પોતાની પત્નીથી છુપાઈ, પિસ્તોલ લઈ કોઈ જગ્યાએ દોડી જવાનું પ્રયોજન શું હોઈ શકે? ફિરોઝની ગાડી ગાંધીનગર આવતાં પહેલાં કોઈ ગામડાં તરફ જતી કેડી ઉપર વળી અને દોઢેક કિલોમીટર આગળ જતા એક ખંડેર જેવા મકાનની બહાર ઊભી રહી. સલામત અંતર રાખી રઝિયાએ રીક્ષા છોડી દીધી અને તે પગપાળા આગળ વધી. તેણે જોયું કે ફિરોઝ ખૂબ ત્વરિતપણે ગાડીમાંથી ઉતરી મકાનમાં પ્રવેશ્યો. મકાનના દરવાજે ઊભેલા કરડા ચહેરાવાળા એક હટ્ટાકટ્ટા વ્યક્તિએ એને સલામ ભરી તે પણ દૂરથી રઝિયાએ જોઈ લીધું.

લપાતી છુપાતી રઝિયા મકાનની પાછળના ભાગે આવેલી તૂટેલી વાડમાંથી મકાનમાં પ્રવેશી અને ખૂબ સાવધાનીથી મકાનના મુખ્ય ઓરડાની બારી પાસે પહોંચી. અધખુલી બારીમાંથી તેણે જોયું તો લશ્કરી ગણવેશ જેવા કપડામાં સજ્જ અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે ફિરોઝ કોઈ ચર્ચામાં મગ્ન હતો અને ઘરેથી લાવેલા નકશા ટેબલ પર પથરાયેલા હતા. રઝિયાને ત્રુટક વાતચીત પરથી લાગ્યું કે ક્યાંક હુમલો કરવાની સાજીશ રચાઈ રહી હતી. રઝિયા વધુ સાંભળે કે સમજે એ પહેલાં અચાનક કોઈકે પાછળથી આવી રઝિયાને બાવડાથી પકડી તેના લમણાં પર પિસ્તોલ ધરી દીધી. રઝિયા પાસે તે વ્યક્તિને શરણે થવા સિવાય અન્ય વિકલ્પ રહ્યો નહિ. ત્રસ્ત બનેલી રઝિયાને મોંઢે ડૂચો મારી પેલો માણસ તેને લગભગ ઘસડીને મકાનમાં લઈ ગયો તે સમયે તેમના પ્રવેશદ્વાર તરફ પીઠ રાખી ઊભેલી વ્યક્તિઓ યોજનાને અંતિમ સ્વરૂપ આપી રહેલી લાગી. ઓરડામાં રહેલા એક વ્યક્તિ દ્વારા ફિરોઝને સંબોધીને કહેવાઈ રહેલા તેમની ચર્ચાના અંતિમ શબ્દો, થાકીને લથડી ચૂકેલી રઝિયાના કાને પડ્યા,

“......તો કેપ્ટન ફિરોઝ, ભારત સરકાર અને સમગ્ર ભારતીય સેનાને આપના જેવા અન્ડરકવર લશ્કરી એજન્ટ અને કમાન્ડો ઉપર નાઝ છે, જેમણે દેશ માટે પોતાનું જીવન અર્પણ કર્યું છે. મને ખાતરી છે કે અન્ય ઓપરેશન્સની જેમ ભારતના અનેક નાગરિકોની સુરક્ષા જેની સાથે સંકળાયેલી છે તેવા આ ઓપરેશનને પણ આપ ખૂબ ખાનગીપણે સફળતાપૂર્વક પાર પાડશો. જય હિન્દ સર....! ”

ફાટેલી આંખે પોતાના પતિના આ નવા સ્વરૂપને જોઈ રહેલી રઝિયા એ સમયે અવાચક બની એક આછા સંતોષકારક સ્મિતને હોઠ પર સમાવી બેહોશ થઈ ઢળી રહી હતી...

-સાકેત દવે...