NO WELL: Chapter-5 books and stories free download online pdf in Gujarati

NO WELL: Chapter-5

નો-વેલ

ધ સ્ટોરી ઓફ કન્ફ્યુઝ્ડ યુથ...

(પ્રકરણ- ૫ કોલેજમાં પ્રવેશ)

દર્શન નસીત

darshannasit@gmail.com


આભાર

આપ સૌ વાચકમિત્રોનો કે જેમણે મારા માટે સમય કાઢીને માતૃભારતી પર મારા લખાણને સારો એવો પ્રતિભાવ આપીને આવકાર્યું.

વીતેલી ક્ષણો

ગતાંકમા આપ સૌએ જોયું કે રાકેશ કાકાની સાથે રાજકારણ અંગે જાણકારી મેળવે છે. બીજા દિવસે બંને ભાઈઓને વિદ્યાનગર જવાનું હોઈ છે, અને હવે આગળ...

પ્રકરણ-૫ : કોલેજની શરૂઆત

‘રાકેશ, કાલથી કોલેજ શરુ એમ ને?’ બ્રશ કરીને બહાર આવતા આનંદે પૂછ્યું. વિવેક સુતો હતો અને ફૈઝલ રૂમમાં અસ્તવ્યસ્ત પડેલી વસ્તુઓને યોગ્ય જગ્યા પર ગોઠવતો હતો.

‘હમમ...’ સંજયના કોલેજના ત્રણ વર્ષ પુરા થઇ જતા રૂમ પરથી ગયા પછી તેના ખાલી કબાટમાં સામાન ગોઠવવા માટે બેગ ખોલતા સમયે રાકેશે જવાબ આપ્યો.

‘શ્યામ શુ કરે છે?’

‘એને તો હાઈસ્કૂલ ચાલુ થઈ ગઈ,’ જવાબ આપીને ફરી સામાન ગોઠવવા લાગ્યો. આનંદ વધારે પુછતાછ કર્યા વગર જ નહાવા માટે બાથરૂમ તરફ ચાલ્યો ગયો.

₪ ₪ ₪

વિધાનગર : વિદ્યાનું નગર કે જેના સ્વપનદ્રષ્ટાઓને લોકો આજે પણ પૂજે છે એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને ભાઈકાકાનું જીવતું જાગતું સ્વરૂપ...

આઝાદી સમયે બનેલા વિધાનગરનું બંધારણ વિદ્યાના હેતુથી જ થયેલું છે. શહેરના મુખ્ય હદય જેવું અંગ એટલે શાસ્ત્રીમેદાન કે જ્યાંથી રકતની નસોની માફક રસ્તાઓ યોગ્ય રીતે બનેલા હોય. સરદાર પટેલ યુનીવર્સીટી, ચરોતર વિદ્યામંડળ અને કેટલીક ઉચ્ચકક્ષાની આર્ટસ, કોમર્સ અને સાયન્સની કોલેજો હદયની તદન નજીકમાં સ્થાપીત થયેલી છે.

જે તરફ નજર નાખીએ, ડોકિયું કરીએ ત્યાં વિદ્યાર્થી જ વિદ્યાર્થી દેખાય એટલે જ તો વિદ્યાનગરમાં સંસ્કૃતિ કરતા વિદ્યાર્થી સંસ્કૃતિ આંખો આંજે છે. સંપૂર્ણ શહેરમાં ચાલતા દરેક વ્યવસાય વિદ્યાર્થી પર આધારીત છે, પછી ભલે તે મહારાજાની ચા હોય કે પછી મોટી હોટેલો હોય...

અઠવાડિયામાં વિદ્યાનગરની બધી પ્રખ્યાત જગ્યાઓની આછીપાતળી મુલાકાત લઇને રાકેશે જી.એસ. બનવાના ધ્યેય તરફ આગળ વધવા માટેની વિવિધ ચાવીઓ અપનાવવા લાગ્યો. જેના પરિણામે તેને વિદ્યાર્થીઓનો સારો એવો સપોર્ટ (ફૈઝલની માફક દિલથી નહિ પણ બનાવટી) મળવા લાગ્યો હતો ખાસ કરીને મદદની જરૂર પડ્યે આગળ આવીને આડા ઉભા રહેવાવાળાઓનો...

શહેરનો જુનો રીવાજ ગણીએ તેમાંનો એક કે કોઈની સાથે પણ ‘હાઈ, હેલો એન્ડ બાય’થી જો વધુ સંબંધ રાખવામાં આવે તો નવા ખેલ રચાય, પણ રાકેશને તો નવાનવા ખેલ રચાય તેવું કરવામાં જ તો વધુ મજા આવતી.

રાકેશના મનમાં કૈક એવી વાત ખટકતી હતી કે જેના કારણે ફૈઝલની સાથે રહેવામાં થોડા દિવસો સુધી અજુગતું લાગ્યું, પણ પછી થોડા જ દિવસોમાં બંનેના જી.એસ. બનીને કોલેજમાં બદલાવ લાવવાના વિચારોની એકમતતાએ બંનેને બાકી રૂમમેટની જેમ નજીક લાવી દીધા.

ફૈઝલ બધા કામમાં રાકેશને મિત્ર કરતા સગાભાઈની જેમ રાખતો પછી ભલેને તે લેકચર બંક કરીને વિદ્યાનગરની મુલાકાત લેવાની હોય પણ રાકેશ તો અંદરખાને પોતાનું સ્થાન ઉપર કઈ રીતે લાવવું એ જ વિચારતો હતો.

લોકોના મનમાં ફૈઝલ માટે તો એવી છાપ હતી કે ક્યારેય કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોઈ તો એને યાદ કરવો, હમેશ માટે તે મદદ કરવા હાજર જ રહેતો. અને રાકેશ તેને મહોરો બનાવીને પોતાનું ધ્યેય પાર પાડવામાં માનતો હતો.

₪ ₪ ₪

કોલેજમાં ફ્રી લેક્ચર હોવા છતાં ક્લાસમાં પુરેપુરી હાજરી હતી. સૌ વિદ્યાર્થીઓએ એકબીજાની સાથે ઓળખાણ બને એવા હેતુથી ટ્રુથ એન્ડ ડેર રમવાનું નક્કી કર્યું. ક્લાસની આગળની ખુલ્લી જગ્યામાં બધા વર્તુળાકારે બેસી ગયા. કોલેજ શરુ થયાના અઠવાડિયા પછી એડમિશન લેતી વખતે રાકેશની સામે હસતી છોકરી પહેલીવાર પાછળની બેંચ પર તેના ફ્રેન્ડ સર્કલ સાથે બેઠી હતી.

‘આનંદી, ચાલ હવે આવી જા.’ બાજુમાં બેઠેલા કિશને તેને બોલાવી.

રાકેશે તેના તરફ થોડીથોડી વારે જોવાનું શરૂ રાખ્યું.

આનંદી: નામ જેવા ગુણ, મંદમંદ હસતી હોય ત્યારે તે કોઈ હિરોઈનથી ઓછી તો નહોતી લાગતી !

‘તેની સામે આમ કેમ જુએ છે? તને ખબર છે એ કોણ છે?’ કીશને પૂછ્યું.

‘હમમ, પણ દેખાવમાં મસ્ત છે.’ રાકેશે માથું ધુણાવીને જવાબ આપ્યો.

‘હિંદુ યુવા સંગઠનના પ્રમુખ હિંમતલાલ પટેલની છોકરી.’

‘જે અત્યારે અહીના પ્રમુખ છે?’ રાકેશ બોલ્યો.

‘હા એ જ.’ કિશનના જવાબથી તેની ફરીવાર આંખોમાં ચમક આવી.

આનંદી આગળ આવી. એટલે બાકી કેટલાક ન રમવાની ઈચ્છા રાખનારા પણ રમવા માટે જોડાયા.

આનંદી અને રાકેશ બંને એકબીજાની બરોબર સામે બેઠા. ગેમની શરૂઆતની રાહ જોતા બેઠેલા દરેકે પોતાના નામ બોલવાનું શરુ કર્યું.

‘યશ’

‘મીરા’

‘વિશાલ’

‘રાકેશ,’ રાકેશ બોલ્યો. આનંદીએ તેની તરફ નજર અટકાવી, હળવું સ્મિત કર્યું. રાકેશે પણ સ્મિત સામું સ્મિત મિલાવ્યું. બંનેની આંખો વાત કરવા લાગી, પણ હવે શબ્દોથી વાત થાય એવું કૈક બહાનું તો જોઈએ ને!

અત્યાર સુધીમાં સાત વ્યક્તિઓએ ટ્રુથ પસંદ કર્યું, જયારે બેજ વ્યક્તિએ ડેર સ્વીકાર્યું. અને ટ્રુથમાં પણ સામાન્ય પ્રશ્નો પૂછાતા હતા. ગેમમાં મજા આવે એવી કઈ નવીન થતું નહોતું. બધા કૈક નવની રાહમાં બેઠા હતા.

નીલે બોટલ ફેરવી. બરાબર સૌની મધ્યમાં ફરતી બોટલની ગતિ ધીમી પડી. ઢાંકણું રાકેશ તરફ આવતા આનંદીએ રાકેશને પ્રશ્ન પૂછ્યો.

‘ટ્રુથ ઓર ડેર?’ આનંદીએ પ્રશ્ન કર્યો.

‘ડેર’ આજે તો ગમે તેમ કરીને તેને ઈમ્પ્રેસ કરવી હતી. આનંદીની બાજુમાં બેઠેલી તેની ફ્રેન્ડ તેના કાનમાં મચ્છરની માફક બણબણી.

‘પ્રપોઝ મી, ઇન ડીફરન્ટ વે.’ તેના ગુલાબી હોઠમાંથી શબ્દો બહાર આવ્યા.

‘ઓકે.’ આનંદીને ગેમમાં પ્રપોઝ કરવાનો સીધો મતલબ હતો કે હકીકતમાં રાકેશ બધાની વચ્ચે તેને પ્રપોઝ કરે અને તે તરત જવાબ આપે.

આનંદી બેન્ચની નજીક જઈને સ્થિર ઊભી રહી. ફોનમાં વેસ્ટર્ન મ્યુઝીકની સાથે તાલ મેળવવા રાકેશે હાથ અને પગને એકસાથે મુવમેન્ટ આપી.

બે મિનિટનો શોર્ટ ડાન્સ કરીને તેણે આનંદી સામે ગોઠણીયાભર બેસી હાથ પહોળા કરતા બોલ્યો. ‘કેન વી બીકમ વેરી ક્લોઝ ફ્રેન્ડસ?’

પેલીએ તેને પસંદ કર્યો કે તેના ડાન્સના લીધે તેને વધુ પસંદ કર્યો તે ખબર ના પડી. શરમાઈને ‘યસ’ બોલી હળવું હસવાં લાગી. તેણે રાકેશ તરફ હાથ લંબાવ્યો અને તેણે તેના કોમળ હાથને ટેકો આપ્યો. ‘રાકેશ’ ગેમનું ડેર પૂરૂ કરીને તેણે નામ બતાવ્યું.

બધાએ ડાન્સ અને પ્રપોઝને તાળીઓથી વધાવી લીધો. બંને સર્કલમાં જોડાઈ ગયા. હવે રાકેશને બોટલ ફેરવવાનો વારો હતો કારણ કે છેલ્લે તે તેના તરફ આવીને થોભી હતી.

ક્લાસની ગેમ બંનેને નજીક લાવવામાં મદદરૂપ નીવડી. બંને એકબીજા સાથે વાત કરવા માંગતા હતા, આનંદીને રાકેશમા દેખાવ અને વ્યક્તિત્વ ગમ્યું હશે પણ રાકેશને તો આનંદીમાં હિમતલાલ સુધી પહોચાવાનું રસ્તો જ દેખાતો હતો.

રીસેસમાં બંને કેન્ટીન પાર્લર પાસે પહોચ્યા. રાકેશની નજર આનંદી પરથી હટીને ડાબી તરફ રહેલા નોનવેજ કાઉન્ટર તરફ ગઈ. સંપૂર્ણ વેજીટેરિયન હોવાના લીધે રાકેશને ના ગમ્યું. રાકેશનો અલગ ભાવવાળો ચહેરો જોઇને આનંદી ફક્ત એટલું બોલી કે ‘હું સિસ્ટમમાં નથી. બાકી તો ઘણું બદલાવી નાખ્યું હોત.’

‘શું બદલાવ લાવવો છે તારે?’ રાકેશે પૂછ્યું.

તેણે નોન-વેજ કાઉન્ટર તરફ ઈશારો કરી જવાબ આપ્યો.

‘મને પણ આ બધાથી નફરત છે. જવાદે ને એ બધું,’ રાકેશ બોલ્યો.

થોડા દિવસોના ટુકા સમયમાં રાકેશ, રાકેશ મટીને આનંદીનો ‘રોકી’ બની ગયો. કોલેજમાં રાકેશને કઇક બદલાવ લાવવો હતો જે કરવા ફાઈનલ યરમાં જી.એસ. બનવું પડે. બે વર્ષ પછી જીતવા માટે પહેલેથી બધા વિદ્યાર્થીઓને પોતાના પક્ષે ખેચવાના હતા તેથી આનંદી અને ફૈઝલને સાથે રાખીને કોઈ પણ પ્રકારની મદદ માટે તે આગળ રહેવા લાગ્યો. ફૈઝલના વર્તમાન જી.એસ. સાથેના સારા સંબંધોએ તેને ઘણી મદદ કરી તેની સાથે રહીને પ્રખ્યાત થવામાં અને જી.એસ. બનવા માટે અને પછીની કાર્યવીધીઓની જાણકારી મેળવવામાં...

રાકેશના જી.એસ.બનવા માટે શું કરશે? પણ એ જાણતા પહેલા શ્યામની જીંદગીમાં શું બની રહ્યું છે એ જાણીશું આવતા અંકે...

દર્શન નસીત

darshannasit@gmail.com