NO WELL: Chapter-6 books and stories free download online pdf in Gujarati

NO WELL: Chapter-6

નો-વેલ

ધ સ્ટોરી ઓફ કન્ફ્યુઝ્ડ યુથ...

(પ્રકરણ-૬)

દર્શન નસીત

darshannasit@gmail.com

વીતેલી ક્ષણો

ગતાંકમા આપ સૌએ જોયું કે રાકેશની આનંદી સાથે મુલાકાત થાય છે. આનંદી અને ફૈઝલની સાથે રહેવાના કારણે કોલેજમાં પ્રખ્યાત થાય છે, અને હવે આગળ...

પ્રકરણ-૬

શ્યામને બાળપણના મુખ્ય આનંદના દિવસો અઠવાડિયામાં આવતા શનીવાર અને રવિવાર હજુ પળેપળ યાદ આવ્યા કરતા હતા.

દર શનિવારે થતી દસમાં ધોરણ સુધીની બાલસભા હવે ધીરેધીરે વિસરાતી જતી હતી. આંખોને પરાણે બંધ રાખીને ભગવાન પાસે પ્રાર્થના કરવાની ચાલી આવતી પધ્ધતિ, અડધી પ્રાર્થનાએ એક આંખ ખોલીને આજુબાજુનું વાતાવરણ નીહાળવાની, બાજુમાં પડેલા નાના મોટા કાકરાઓને મંદિરમાં દેખાવ માટે જોડેલા હાથની જેમ જોડેલા હાથ છોડીને કોઈના પર ફેકવાની, સુવીચારો, નાટકો કે પછી “જાણવા જેવું” સ્ટેજ પર જઈને બોલવાનું કે નાટક ભજવવાનો કોઈના જન્મદિવસે તેને સ્ટેજ પર બોલાવીને અભિનંદન પાઠવવાની અને વધારે પડતા ખોટા બુમબરાડા પાડીને ગવાતી,

‘મંદિર તારું વિશ્વ રૂપાળું

સુંદર સર્જન હારા રે,

પળ પળ તારા દર્શન થાએ

દેખે દેખન હારા રે...’

જેવી પ્રાર્થનાઓ હજુ પણ યાદ આવી જાય છે.

પ્રાર્થના પછીના યોગ અને કસરતો માટે સમયમાં કરવામાં આવતી સ્વઅપનાવિત નવી હરકતો, તો કેટલીક પરંપરાગત ચાલી આવતી રીતોમાંની બેઠકના દાવ વખતે એક-દો... બોલીને જયારે હાથને માથા પર રાખીને બેસતા હોઈ અને તીન બોલવાની રાહ જોતા, બધા વિદ્યાર્થીઓ સર તીન બોલે કે માથું નીચું નમાવીને હમમ....હીહીહી.....હુહુહુ..... જેવા અવાજો સંભળાવીને મનોરંજન કરતા અને કરાવતા. જો ક્યારેય કોઈ પકડાય જાય તો બધાની વચ્ચે માર ખાવાનો કે બધા વિદ્યાર્થીઓ પાછળ હાથ રાખીને હારબદ્ધ ક્લાસમાં ના જાય ત્યાં સુધી રાહ જોતા બિચારા તોફાની ટાબરિયાઓ અંગુઠા પકડીને ઉભા રહેવાનું... યાદ આવી જતા એકાંતમાં પણ હસવું આવી જતું.

કોમર્સ હાઇસ્કુલના શરૂઆતના દિવસોમાં ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, નામાના મુળતત્વો જેવા કે ભાષાકીય કે ગણિતીય વિષયોમાં મેઘધનુષ્યના બેસેલા રંગો સમય પસાર થતા તે રંગો ધીરે ધીરે ઉડવા લાગ્યા. સમયની સાથે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓમાં આકર્ષણના ચુંબકીય ધ્રુવો વિરુદ્ધ દિશાઓથી નજીક આવતા જતા હતા. તરુણાવસ્થામાં પહોચવાના કારણે સૌ કોઈને હવે ભણવાના બદલે વિરુદ્ધ વ્યક્તિથી આકર્ષણ થવું એ સ્વાભાવિક હતું.

સંજના અરવિંદભાઈ ગજેરા, જયારે સંજનાનો જન્મ થયો ત્યારે અરવિંદભાઈની બદલી કુમારશાળામાં થતા ચોરાવાળી શેરીમાં રહેવા આવ્યા હતા. સંજનાના મમ્મી ઘરકામ કરતા અને તેણે ત્યાં કઈ નવી વસ્તુ આવે તો તરત શ્યામના ઘરે બતાવવા માટે આવી જતા.

પ્રિયંક સાથે ક્રિકેટ રમતી વખતે થતા ઝઘડા અને ઘણીવાર શ્યામ-પ્રિયંકની પાર્ટનરશીપના રેકોર્ડ યાદગાર બની જતા. સંજનાની બાળપણથી લઈને આજદિન સુધીની નાદાનીઓ શ્યામને વધુને વધુ તોફાન કરવા માટે સાથ આપતી.

શ્યામને દસમાં સુધી સંજના-પ્રિયંકની (ભાઈબહેન) સાથે પાછળની બેંચ પર બેસીને તોફાની હોવાની સાથોસાથ હોશિયાર સાબિત થવાની આદત પડી ગઈ હતી. પ્રિયંક મૂવી ડીરેક્શનના કોર્સ કરવા મુંબઈ ચાલ્યો જતા પાછળની બેંચનો સાથીદાર ઓછો થઇ ગયો હતો અને સંજનાનો સાથ આપવાની જવાબદારી પણ શ્યામ પર આવી હતી.

‘પાછળ કેમ જોવે છે? બોર્ડ તો આગળ છે,’ બાજુમાં બેઠેલી સંજનાનો તોફાની ભારે અવાજ સાંભળતાં શ્યામનું ધ્યાન તેના તરફ ગયું.

‘પણ, તું તો પાછળ છે ને,’ ચોથી બેંચના ખૂણામાંથી કિશને રીપ્લાય આપ્યો.

‘લાફો ખાવાનો થયો લાગે છે,’ સંજનાએ કહ્યું.

‘જરૂર. હમણાં ઘણા સમયથી કોઈ છોકરીના હાથનો સ્પર્શ નથી થયો,’ કિશને મજાકમાં વળતો જવાબ આપ્યો.

કિશનના રમુજી સ્વભાવના કારણે કોઈ તેની વાતનું ખોટું ના લગાડતા પણ સંજનાને આ વાતની થોડી ખટકી ગઈ. પાછળથી ક્લાસના પરીક્ષણથી કિશનની સાથે થયેલી આ વાતની સચ્ચાઈ સામે આવી કે કેટલાય દિવસોથી તે સંજના તરફ એવી રીતે જોતો હતો જાણે કઈક કહેવા માંગતો હોય. ક્લાસમાં છોકરા-છોકરીઓને બોલવાની છૂટ હોવા છતાય કશું બોલી નહોતો શકતો. ઘણીવાર કેટલાક લોકોની સામે કેટલીક વાત કરવા માટે જીભ ઉપાડવી મુશ્કેલ બની જતું હોઈ છે.

₪ ₪ ₪

ગોહેલસરનો બોરિંગ લેકચરમાં શ્યામની આંખો પરાણે ખુલ્લી રહેતી હતી. બધી તરફથી ઊંઘના આમંત્રણવાળા વિવિધ પ્રકારના બગાસાઓનું પ્રસારણ પ્રસારિત થયું. લેકચર માટે એક વાકય વાપરી શકાય કે ફક્ત સરને ખબર પડતી હોય કે તે શું ભણાવે છે.

સંજના તો સરને વિનંતી કરવા લાગી કે, ‘સર, તમે રહેવા દો. અમે અમારી રીતે વાંચી લઈશું. તમે વાંચો કે અમે વાંચીએ બંને સરખું છે.’ પણ તેના સુચન તરફ સરે કઈ ધ્યાન ન આપ્યું.

સંજનાને પેનનું ઢાંકણું મોઢામાં નાખેલું જોઈ શ્યામને દસમાંના વિજ્ઞાન ટીચરનો ડાયલોગ યાદ આવતો કે ‘જો સ્ટુડંટ પેન ચાવવાનું બંધ કરી દે તો દેશનું ઘણું પ્લાસ્ટિક બચી જાય.’

દરવાજા તરફથી બે વ્યક્તિઓ પ્રવેશ્યા. એકના હાથમાં થોડો વજનમાં ભારે વિમલ ગુટખાઓનો થેલો અને તેના બીજા હાથમાં બીજા વ્યક્તિનો હાથ જેની આંખ પર બધા રંગો શોષી લેતા કાળા રંગના ચશ્માં કે જે તે વ્યક્તિની દ્રષ્ટિહીનતા સૂચવતી હતી.

‘ગૂડ મોર્નિંગ,’ બધાએ તેમની સમક્ષ સવારને વધુ સુવાસિત બનાવવા આવકાર આપ્યો.

ગોહેલસર આવી બાબતોથી દૂર રહેતા તેથી તેઓ બોર્ડથી દૂર ચાલ્યા ગયા.

‘અમે અંધજન કલ્યાણ મંડળમાંથી આવીએ છીએ. તમારી પાસેથી અમે મંડળ માટે મદદ લેવા આવ્યા છીએ. જો આપની ઈચ્છા હોય તો તે અમારે એમ જ નથી લેવા પણ સામે ગર્લ્સ અને બોય્ઝને હાથરૂમાલ આપી મદદ સ્વીકારીશું,’ અંધ વ્યક્તિની સાથે આવેલા ભાઈએ તેની વાત રજૂ કરી.

વિદ્યાર્થીઓએ વોલેટને ખિસ્સામાંથી બહાર કાઢી યથાશક્તિ મુજબ મદદ માટે રૂપિયા કાઢ્યા. એક પછી એક વિદ્યાર્થી મદદ આપીને તેમની પાસેથી હાથ રૂમાલ મેળવતા હતા. ગર્લ્સને પણ તેમના માટે રૂમાલ આપીને ખુશ કરવામાં આવતી હતી.

ક્લાસમાંના મોટા ભાગના આમ કહીએ તો ત્યાં બેઠેલા બધા વિદ્યાર્થીઓ (કિશન સિવાય) મદદ કરી ચૂક્યા હતા. સહકારની અપેક્ષા રાખીને આવેલા મહેમાનો પાસે જેન્ટસના રૂમાલની સંખ્યા ઓછી હોવાના કારણે તે પુરા થઈ ગયા.

ગર્લ્સને રૂમાલ આપી રૂપિયા લેવાનું કામ હજુ પૂરું નહોતું થયું કે કિશને પચાસ રૂપિયા સહાય માટે આવેલી વ્યક્તિને આપ્યા.

‘સોરી, હવે અમારી પાસે તમને આપવા માટે એક પણ રૂમાલ નથી,’ સાથે આવેલા ભાઈએ જણાવ્યું.

‘કઇ વાંધો નહી એમ જ રાખો,’ કિશને કહ્યું.

‘ના, અમે આ રીતે કોઈ પાસેથી મદદ લેતા નથી.’

‘ના, કઈ વાંધો નઈ.’

‘હા, ગર્લ્સ માટેના રૂમાલ છે એ રાખો.’

‘નહિ, મારે નથી જોઈતા.’ કિશન ગર્લ્સના રૂમાલ માટે આનાકાની કરતો હતો.

‘ઘરે મા-બેન નથી?’ સંજના ફક્ત એટલું બોલી અને અગાઉ કિશન સાથે થયેલી ઠંડીલડાઈનો બદલો લીધો. કિશનનું મો પડીને લાલચટાક ટમેટી જેવડું બની ગયું.

ફરી સંજનાએ તેના દ્વારા બોલાયેલા વાક્યનું વિસ્તરણ એક વધુ વાકય ઉમેરીને કર્યું કે તેનો કહેવાનો મતલબ એમ હતો કે જેન્ટ્સના રૂમાલ પુરા થઈ ગયા તો કઇ નહિ, ઘરે મમ્મી કે બહેન માટે રૂમાલ લઈ જા.

કિશન શાંતિથી બેસીને બધું સાંભળતો રહ્યો. તેની પાસે બીજો કોઈ જવાબ પણ ન હતો કે તે સામે કઇ બોલી શકે.

કિશન અને સંજના વચ્ચેના દરરોજના નાની વાત પરના ઝઘડાનો અંત જીનલના આવ્યા બાદ આવી ગયો કારણ કે જીનલે કિશનને તેની સંભાળ લેવામાં વ્યસ્ત કરી દીધો હતો. શ્યામની દરેક વાતનું ધ્યાન રાખવા માટે સંજના તો હમેશ માટે હાજર હતી.

₪ ₪ ₪

શ્યામ થોડા દીવસ પહેલા બાબાપુરમાં થયેલી વકતૃત્વ સ્પર્ધામાં જોવા મળેલી છોકરી વિષે વિચારતો વિચારતો એ સમયમાં પહોચી ગયો હોય તેવું અનુભવ્યું.

‘દેશ હજુ પણ આઝાદ નથી થયો કારણ કે તે જુદાજુદા બંધનોથી બંધાયેલો છે જેવા કે ધર્મના નામે થતા વિવિધ ધતીંગો, રાજકારણીઓના અનિચ્છનીય કામ અને સ્ત્રીઓને ન મળતી સલામતી સાથેની મુક્તિ. જ્યાં સુધી આ ત્રણ વસ્તુઓ બંધ નહી થાય ત્યાં સુધી આપણે આપણા દેશને ગુલામ જ કહી શકાય. ધર્મ અંગે બસ એટલું જ કહેવું છે કે કેટલાક લોકો ધર્મને ખરેખર મને છે તો કેટલાક માત્ર સહન જ કરે છે. ધર્મના નામે જે લોકો ઝઘડા કરવામાં માને છે તેઓ જો ધર્માનુસાર જીવી બતાડે તો દુનિયા સ્વર્ગ સમાન બની જાય.’ શ્યામને આટલું સંભળાયું કારણ કે તેનું ધ્યાન આજુબાજુની હરિયાળી પર દ્રષ્ટિદાન કરવામાં વધારે હતું.

‘શ્યામ, પેલી છોકરી તો જો. કેવો જોરદાર...’

‘ક્યાં?’ પ્રિયકે તેનું અધૂરું વાક્ય પૂરું કરે તે પહેલા શ્યામ બોલી ઉઠ્યો.

‘જો સ્ટેજ પર અત્યાર સુધી જે બોલતી હતી.’ પ્રિયંકે શ્યામને સ્ટેજ પરથી વકતૃત્વ સ્પર્ધાની સ્પીચ પૂરી કરી પગથીયા ઉતરતી છોકરી બતાવતા કહ્યું. બધી તરફથી તાલીઓના ગડગડાટ સાથે તેની અલગ વિચારસરણીવળી સ્પીચને તાલીઓના ગડગડાટ સાથે વધાવી લેવામાં આવી. શ્યામની નજર તેના પર અટકી, અંદરથી ક્યારેય ન અનુભવાયેલી લાગણી અનુભવી.

‘ચાલ તેની પાસે..’ શ્યામના દિલમાં ગુંજતા શબ્દ મોમાંથી સરી ગયા.

‘આટલા બધા લોકો વચ્ચે ક્યાં ગોતવા જઈશું?’ તેણે શ્યામને ખોટી રીતે ભટકવાના બદલે સ્થિર થવા કહ્યું.

‘આઈ ફિલ ડિફરન્ટ, યાર...’

‘આવા ડાયલોગ ફક્ત ફિલ્મોમાં જ સારા લાગે,હકીકત હમેશા અલગ હોઈ છે,’ પ્રિયંક બોલ્યો.

‘ના યાર, સાચું કહું છુ. જીંદગીમાં પહેલીવાર કોઈ છોકરીને જોઇને લાગણી અનુભવી છે. તને તો દોસ્તોની વાતોમાં પણ ફિલ્મી દુનિયા જ દેખાય છે.’

‘જો તું સાચુંકલા અનુભવતો હોઈશને તો એ તને મળવી જોઈએ અને એને મળવા માટે એને શોધવી પડે. અહી ઉભા રહેવાથી એ સામે નહી આવે.’

વક્રતૃત્વસ્પર્ધામાં પ્રથમ નંબરનું ઇનામ લઈને પેલી બેસ્ટ સ્પીકર થોડીવારમાં ક્યાં ચાલી ગઈ તે ખબર ના પડી. બંનેએ તેને ગોતવા માટે સાડા ત્રણ કલાક મહેનત કરી પણ અંતે તો તેઓને નિષ્ફળતા મળી ત્યારે પ્રિયંકે શ્યામને પૂછ્યું, ‘શું થયું તારી ફીલિંગ્સનું?’

‘એ જરૂર મળશે. આજે નહી તો કાલે, બાકી મળશે એ વાત નક્કી છે,’ શ્યામના શબ્દોમાં પેલીને જોઇને થયેલો એકતરફી પ્રેમ છલકાતો હતો.

શ્યામનું મન બાબાપુરથી આવ્યા પછી પેલી સ્પીકર પ્રત્યે બંધાયેલું હતું પણ ફરી તે ક્યારે મળશે તેનો તેણે ક્યારેય વિચાર નહોતો કર્યો. શ્યામ સામે એક પ્રશ્ન ઉભો હતો કે ક્યું આકર્ષણ સાચું બે-પાંચ સેકન્ડના પલકારાનું કે દસ વર્ષના સંજનાના સથવારાનું???

શું પ્રેમની લાગણીઓ બાબતે કન્ફ્યુઝ્ડ શ્યામ સાચો પ્રેમ ગોતી શકશે?

વધુ આવતા અંકે...

દર્શન નસીત

darshannasit@gmail.com