Fasayo books and stories free download online pdf in Gujarati

ફસાયો

નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :
શીર્ષક : ફસાયો

મોબાઈલ નંબર - 9898504843

શબ્દો : 1425
સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

ફસાયો

સ્ત્રી એટલે ? મેં પાસે ઉભેલા અજનબી ને પ્રશ્ન પૂછ્યો.
સ્ત્રી એટલે સ્ત્રી.
એમ નહીં .
તો ?
સ્ત્રી ની પરિભાષા ?
સ્ત્રી એટલે માતા , સ્ત્રી એટલે બહેન, સ્ત્રી એટલે ફોઇ , સ્ત્રી એટલે કાકી , મામી , માસી , પત્ની. ......
બસ...બસ.....બસ.
કેમ ધરાઈ ગયા ?
અરે ! સ્ત્રી થી તો ધરાવાતું હશે ?
તો પછી .....
તમે કહો છો એ રીતે સ્ત્રી ને કોણ ઓળખે ?
કેમ તમારે માતા ,બહેન , પત્ની વગેરે કોઈ જ નથી ?
માતા તો હોય જ ને? મારું અસ્તિત્વ તેની ચાડી નથી ખાતું ?
એમ નહી , કદાચ જોઇ પણ ન હોય એવુ બને ખરું.
હા...હવે કહ્યુ એ બરાબર, સમજણો થયો ત્યારથી એક જ વાત સાંભળતો આવ્યો છું -બિચારો અનાથ થઈ ગયો.
એટલે ...તમે પહેલેથી અનાથ નહોતા ?
લોકવાયકા મુજબ વિધવા માતા હતી - મને બે-એક વર્ષનો રઝળતો મુકી મરી પરવારી .
તો તો ભાઇ-બહેન પણ નહી હોય .
ક્યાંથી હોય ?
હોય એવુ બની શકે ખરું.
મારી મા ખરે જ ગંગા સ્વરૂપ હતી.
તો પછી સ્ત્રી વિશે મને શું કામ પૂછ્યું ?
ગંગાસ્વરુપ શું એ ખબર ખરી પણ આજકાલ ગંગા ડહોળાયેલી છે એટલે જ તમને પૂછ્યું. ....કદાચ તમે જાણતા હો.
તમે સ્ત્રી જોઇ છે ખરી ?
રસ્તે આવતાં -જતાં ઘણી સ્ત્રી આકૃતિઓ જોઉં છું ખરો.
તો પછી પૂછવાનું કારણ ?
એ તો હમણા વાવાઝોડુ ફૂંકાયેલું ને એટલે.
વાવાઝોડા ને અને સ્ત્રી ને શો સંબંધ ?
આમ જુઓ તો કંઇ નહી પણ આમ જુઓ તો ઘણોબધો. .
એટલે ?
તમે સમજ્યા નહીં ....થોડીવાર પહેલા મેં એક સ્ત્રી ને વાવાઝોડા માફક પસાર થતા જોઇ.
તમે ક્યારની વાત કરો છો ?
થોડીવાર પહેલાની.પણ તમે કેમ પૂછ્યું ?
મેં પણ એક એવી સ્ત્રી જોઇ છે . રોજ જોઉં છું પણ ખરો..
તમને કેવી લાગી ?
સુંદર, અનુપમ.
તમને ખાતરી છે કે એ સ્ત્રી જ છે ?
કેમ તમને શંકા છે ?
ના ના શંકા તો નહી પણ અવિશ્વાસ તો ખરો જ .
એમ શા માટે ?
સ્ત્રી તો ઠરેલ , ધીર-ગંભીર હોવી જોઈએ.
હોવી જોઈએ અને હોય એમા ઘણો ફેર. જમાનો બદલાયો છે ભાઇ !
તો શું થયું ?
પુરુષ બદલાય અને સ્ત્રી એ ન બદલાવું જોઇએ એવો કોઈ નિયમ ખરો ?
તમે વાતને ઊંધા પાટે લઇ જાઓ છો. .
ના તમે .
ના તમે .
ખેર ! જે હોય તે , તમારી વાત આગળ કહો .
થોડીવાર પહેલા મેં જે સ્ત્રી ને જોઈ તેને ગઇ કાલે આ જ બસસ્ટોપ પર જોયેલી.
નોકરી કરતી હશે ,કદાચ ભણતી હોય તો રોજ બસમાં અવરજવર કરવી પણ પડે .
એમ વાત નથી .હું પણ અહીં જ ઊભેલો.
પછી ?
અચાનક બસ આવી , તે દોડી ,બસ ઉપડી .
તો ?
તે દોડવા છતા બસ ન પકડી શકી , ચાલુ બસે ચડવા ગઇ પણ ન ફાવી .
ઘરે પહોચવાની ઉતાવળ હોય પછી શું કરે ?
તમે એની દયા કેમ ખાઓ છો ? તમે ઓળખો છો તેને ?
તમારી વાત આગળ કહોને.
તમને રસ પડ્યો લાગે છે.
રસ તો ગઇકાલે ય પડેલો .
એટલે ?
કંઈ નહી.....હવે આગળ શું થયું તે કહો .
પછી તો તે બબડતી બબડતી પાછી આવી અહીં ઊભી રહી ગઇ. વારંવાર ઘડિયાળ માં જોયા કરે ને રુમાલથી મોં પરનો પરસેવો લૂછ્યા કરે.
તમે તેનું બરાબર નિરિક્ષણ કર્યુ લાગે છે.
આંખો છે તો જોઇ લેવાય છે , શું કરું ?
પછી શું થયું એ કહોને.
તે થોડીવાર એમ ને એમ ઊભી રહી .હું તેની પાછળ જ ઊભો હતો , મને કહે -આ બસવાળા ય ખરા છે , ક્યારેય બસ સમયસર લાવે જ નહીં, પેલો ભૂરિયો છે તે પાન ન ખાય ત્યાં સુધી બસ ચાલુ જ ન કરે, પેલો જાડિયો હંમેશા પાંચ-સાત મિનિટ બસ વહેલી જ ઉપાડે અને પેલો કાળિયો કાયમ લેઇટ જ હોય.
તે કદાચ રોજ અવરજવર કરતી હોય એવું ન બને ?
તેની વાત પરથી તો એવું જ લાગ્યુ. પણ જો વચ્ચે ટાપશી પૂરું ને મને ક્યાંક વાવાઝોડુ ઘેરી લે તો હું તો રહ્યો મસ્તરામ , મને વળગણ પરવડે જ નહીં.
એ તમને વળગશે એવું તમને કેમ લાગ્યું ?
થોડીવાર પછી બસ આવી , તે બસમાં ચડી , હું પણ એ જ બસમાં ચડ્યો. મારી બાજુની સીટ ખાલી હતી, તે બેસી ગઇ મારી પાસે અને મારી કમનસીબી શરુ થઇ.
કેમ ?
તે મારી પાસે જ બેઠી હોવાથી મારાથી જોવાઇ જતું હતું. આમેય સ્ત્રી પાસે જ બેઠી હોય પછી જોયા વગર રહેવાય ખરું ?
પણ એમાં કઠણાઈ ક્યાં આવી ?
અરે યાર ! તેણે તો પુરુષજાત પર પી . એચ.ડી . કર્યુ હોય તેમ માંડી ભાષણ આપવા , મને કહે - આજનો પુરુષ વર્ગ સાવ નકામો છે, પહેલાં તો લોકો સ્ત્રી દાક્ષિણ્યમાં માનતા . મને તો કંઈ નું કંઈ થઈ ગયું એટલે મેં કહ્યુ -તમે બેઠાં છો પછી સ્ત્રી દાક્ષિણ્યની વાત ક્યાં આવી ? છતાં તમને એમ લાગતું હોય તો ઊભો થઇ જાઉં.
પછી ?
તે કહે ના...ના...એમ વાત નથી.
તો પછી પુરુષ વર્ગને દોષ કેમ આપો છો ?
સ્ત્રી ને માન આપતાં પુરુષ અચકાય છે .પુરુષ હવે સ્ત્રી ને જગ્યા કરી આપતો નથી.પુરુષજાત અવળચંડી થઈ ગઈ છે.
તમે ઘવાયેલા લાગો છો .
ઘવાયેલી અને હું ?
કેમ ન હોઇ શકે ?
હું ક્યાં ના પાડું છું પણ એટલું ખરું કે હું વાઘણ તો નથી જ .
વાઘણ પણ સ્ત્રી જાતિ તો ખરી જ ને ?
સ્ત્રી ને ઉશ્કેરવા માં મઝા નહીં હોં !
કેમ આવું બોલો છો ?
જુઓને સાલા પુરુષો.......
પુરુષના પડખામાં બેસીને જ પુરુષોનું. .....
સાલી પુરુષજાત જ એવી..
એવી એટલે કેવી ?
સ્ત્રી ને સ્ત્રી તરીકે જ જુએ એવી .
કેમ એમ કહો છો ?
હું સ્ત્રી ન હોત તો મને આ જગ્યા ન મળી હોત .
કારણ ?
સ્ત્રી ની પાસે બેસી તેને ટીકી-ટીકીને જોવી કોને ન ગમે ?
તો થઈ જાઉં ઊભો ?
ના રે તમે મને ક્યાં નડો છો ?
એ તો તમે જાણો .
હું તમારી વાત નથી કરતી .
પણ સમગ્ર પુરુષજાત માં હું આવી જાઉં ખરો.-અરે યાર ! શું કહું મને તો એ સ્ત્રી નહીં , એટમબૉમ્બ લાગી -એટમબૉમ્બ. એક તો મારી બાજુમાં બેઠી અને ઉપરથી મને જેમ ફાવે તેમ પુરૂષજાતના નામે કહેવા લાગી.
તમે એનું નામ પૂછેલું ?
હા....ભૂમિ.
ખરેખર તેનું નામ ભૂમિ હતું ?
હા કેમ ?
અરે યાર , મને એક સ્ત્રી કે જેનું નામ ભૂમિ છે તેણે ગઇકાલે રાત્રે જ કહ્યુ કે બસ સ્ટેન્ડ પરથી જ એક ભાઇ મારો પીછો કરતા હતા , તે બસમાં ય મારી પાસે જ બેઠા હતા અને મારી સામે ટીકી-ટીકીને જોતા હતા.
પછી ?
તે કહે કે તે ભાઇએ મારું નામ પણ પૂછેલું.
સાલી સ્ત્રીઓ સમજે છે શું પોતાની જાતને ?
શા માટે આમ બોલવું પડે છે ?
ત્યારે શું વળી ? એક તો મારી બાજુમાં બેઠી અને ઉપરથી મારા જ વિષે તમને આવું કહ્યુ ? શું ખરેખર તેણે જ તમને આ બધું કહેલું ?
હા.....એ જ વાવાઝોડા એ.
ગઇકાલની મારી બસવાળી એ જ ભૂમિએ ?
હા...હા....તેણે જ.....
પણ એક જ નામ ઘણી સ્ત્રીઓ ના હોઇ શકે .એણે કપડાં કેવા પહેરેલા એ કહો તો માનું કે મારું અને તમારું વાવાઝોડુ એક જ છે .
ગઇકાલે તેણે પિન્ક કલરની સાડી અવળી ઢબે પહેરી હતી.
તો તો આપણે જેની વાત કરીએ છીએ તે સ્ત્રી એક જ છે .
હા .એક જ વળી .
સાલી કેટલાને ફેરવતી ફરે છે !!!
કેમ તમે ફસાયા તો નથી ને ?
ના....તમે કહ્યુ એટલે હવે સો વાર વિચાર કરીશ .
એમ કેમ ?
બસમાં સાંજે મારી સાથે હતી, રાતે તમારી સાથે હતી એટલે પરિચય કેળવતાં પહેલા વિચાર કરવો પડે ખરો.
જો જો હોં વિચારજો પૂરેપૂરું.
કેમ તમે ફસાયા ?
ના ફસાયો તો નથી.....
તો પછી. .?
કંઇ નહીં જવા દો ને.
ના હવે તો કહો જ
જો હું કંઈ પણ કહીશ ને તો તમે અહીં એક મિનિટ પણ ઊભા નહીં રહો.
તો તો તમારે કહેવું જ પડશે.
તો સાંભળો. . એ ભૂમિ છે ને એ બહુ સંસ્કારી ઘરની અલ્લડ છોકરી છે.
પણ તમને ક્યાંથી ખબર ?
એ વાવાઝોડા ની સામે કોઇ ટીકી-ટીકીને જુએ તો એ છંછેડાયેલી નાગણ જેવી બની ઉઠે છે.
પણ તમે એને કેવી રીતે ઓળખો ?
એ ચારિત્ર્ય ની બહુ સારી છે.
અરે બસ કરો તેના વખાણ અને એ કહો કે તમારે ને તેને શો સંબંધ ?
જો જો હોં ભાગી ન જતા પાછા.
અરે ભાઈ નહીં ભાગું .હવે વાતમાં મોણ ઘાલ્યા વગર કહો ને કે એ છે કોણ ?
તમને તે સ્વીકારી માં રસ પડ્યો લાગે છે.
આવી મિજાજી સ્ત્રી કોને ન ગમે ? પાછી રુપાળી પણ ખરી.
તમને બહુ જ પસંદ પડી લાગે છે.
તમને સરનામુ ખબર હોય તો જરુર આપો , મારે તેને મળવું છે, એ ક્યારે અને ક્યાં મળશે ?
પછી તમે ઊભા તો રહેશો ને ?
તમે સરનામુ આપશો તો જરુર ઊભો રહીશ.
જો જો હોં છટકી ન જતા .
પણ એ તો કહો તમે તેને કેવી રીતે ઓળખો ? એ તમારી કોઈ સગી થાય ?
એ મારા પરમ પૂજ્ય સસરાની એકની એક દીકરી અ. સૌ .ભૂમિકા અડાલજા છે. મારા બાળકો ની મા.બોલો મળવું છે તમારે ?
હેં !!!!!
અરે,પણ ઊભા તો રહો.......
અને મને દૂમ દબાવીને ભાગતું કૂતરું યાદ આવી ગયું.

નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :
શીર્ષક : ફસાયો