Parnya ke kuwara books and stories free download online pdf in Gujarati

Parnya ke kuwara

પરણ્યા કે કુંવારા ?

સર્વત્ર આનંદ અને ઉલ્લાસનો માહોલ હતો. તરુણભાઈને પીઠી લગાવવાની રસમ ચાલી રહી હતી, ભાભીઓ, આંટીઓ, માં, બહેન, પિતરાઈ બહેનો વગેરેની મજાક અને હાસ્યની છોળોથી રૂમમાં જાણે નવું ચેતન આવ્યું હતું. હવે ભાભી - નણંદ, દેરાણી- જેઠાણી, સાસુ- વહુ એક બીજાને પીઠી લગાવવા લાગ્યા , ધમા ચકડી, અને હસા હસ અને કિલ્લોલથી બધા પ્રસંગને માણી રહ્યા હતા .લગભગ ૮ વર્ષ બાદ કુટુંબમાં કોઈના લગ્નનો પ્રસંગ હતો, તેથી કોઈના મનમાં આનંદ સમાતો ન હતો.

આખરે આપણા તરુણભાઈએ રાજકુંવરી શોધી ખરી, હેતલભાભીએ મજાકિયા સુરમાં કહ્યું. મને તો એમ હતું કે કન્યાની શોધ માં ને શોધમાં તરુણભાઈની જુવાની આથમી ન જાય..આ સાંભળી બધાજ ખડખડાટ હસી પડ્યા.

વાત જાણે આમ હતી, તરુણ માંડ બી. એ. પાસ થયેલ, અને માંડ તેની નોકરી લાગેલી. અને ઉંચાઈ સાડા ચાર ફૂટ હતી, દેખાવ પણ સામાન્ય હતો. પણ બહુ મિજાજી અને દરેકની પાસે વધુ પડતી અપેક્ષા રાખતો. નાનો હતો ત્યારે ક્રિકેટ મેચ જોતા સચિનનું ઘેલું લાગ્યું. રાત દિવસ સોસાયટીના નાના મોટા છોકરાને ભેગા કરી ક્રિકેટ રમ્યા કરે, કોઈની બારીના કાચ તોડે, કે રમનાર કોઈ છોકરાને ઈજા પહોંચે. પણ તરુણભાઈ એમ હિમંત ન હારે. સોસાયટીના બધા તેનાથી તોબા પોકારે. વળી તેના પપ્પા વિદેશ નોકરી કરે એટલે તેનું પણ ગુમાન.

માંડ ક્રિકેટની લત છૂટી. એવામાં સોસાયટીમાં એક વિદ્યાર્થી ખુબ મહેનત કરી, ખંતથી ભણી આઈ. પી. એસ. થયો. અને તેથી લોકલ ટીવી ચેનલવાળાએ તેનો ઈન્ટરવ્યું લીધો. બસ તરુણભાઈને બહુ લાગી આવ્યું. હવે થવું તો આઈ. પી. એસ. બાકી બીજું નહિ, તે બી. એસ. સી. ભણતા હતા તેમાંથી બી. એ. માં ગયા. અને માંડ માંડ બી. એ. પાસ કર્યું. અને ભાઈ લાગી પડ્યા આઈ. પી. એસ. બનવા માટે પોતાના તન, મન અને બાપાના ધનથી.

યુ. પી. એસ. સી. ની પરિક્ષા તો ઘણી અઘરી હોય અને તરુણભાઈ તો બી. એ. પણ માંડ પાસ થયેલ. એટલે જેટલા જોશથી મહેનત કરે, એટલાજ જોશથી નિષ્ફળ થાય. આવું લગભગ ત્રણેક વરસ ચાલ્યું. તેવામાં તેના એક કાકા ઊંચા હોદ્દા પર સરકારી નોકરી કરે, તેમણે તરુણને બરાબરનો ખખડાવ્યો. કહે પહેલા કલાર્કની તો પરિક્ષા પાસ કર. પછી બીજા ધમ પછાડા કર. વળી પાછું તરુણભાઈને લાગી આવ્યું. અને બીજા ત્રણ ચાર વરસ બાપાના પૈસા બગાડી ક્લાર્ક બની ગયા.

એટલે આમ ને આમ તરુણની ઉમર વધતી ચાલી, અને હવે નોકરી પણ મળી ગઈ એટલે બધા છોકરીનું વિચારવા લાગ્યા. તરુણભાઈના માગા આવવા લાગ્યા, પણ તરુણભાઈને તો ઉંચી, દેખાવડી, ગોરી, અને સરકારી નોકરી કરતી હોય તેવી જ છોકરી જોઈએ. એટલે ભાઈને ગમે તો બાઈને ન ગમે. અને બાઈને ગમે તો ભાઈને ન ગમે. આમ ને આમ તરુણભાઈ તો લટકી પડ્યા. હવે તો દોસ્તો, ભાભીઓ, સૌ ઓળખીતા પણ મજાક કરવા લાગ્યા. તરુણભાઈ સમસમી રહે પણ બોલે શું?

પણ સહુનો ભગવાન છે. એ આધાર પર તરુણભાઈનું પણ કિસ્મત ચમક્યું. દુર નાના શહેરમાંથી ફરી એકવાર તરુણનું માગું આવ્યું. અને આ વખતે નસીબ કહો તો નસીબ, અથવા ધીરજના ફળ મીઠા હોય. તેમ ગણો તો તેમ પણ છોકરી દેખાવડી, ઉંચી, સરકારી નોકરી કરતી, ટૂંકમાં તરુણભાઈની દરેક કસોટીએ પાર ઉતરતી હતી. લોકોને લાગ્યું કે છોકરી ના પાડશે. પણ તેવું પણ ન બન્યું. જાણે કાગડો દહીંથરું લઇ ગયો તે કહેવત આ જોડી માટેજ બનાવી હોય. અને તરુણભાઈ અસલી મિજાજમાં આવી ગયા.

તરુણના પપ્પા ઘણા સમયથી વિદેશમાં હતા. એટલે કરકસર કરવાનો કોઈ સવાલ નહોતો. સામેવાળી પાર્ટીએ ઘડિયા લગ્નનું ઠેરવ્યું એટલે જોર જોરથી તૈયારી ચાલુ થઇ ગઈ. અને તરુણના કુટુંબમાં ઘણા વરસથી લગ્ન નહોતા થયેલ તેના કારણે પણ સૌના મનમાં ઉમંગ અને અનેરો ઉત્સાહ હતો. તરુણભાઈના પગ હવે જમીન પર નહોતા પડતા. જ્યારથી ભાવી પત્નીને જોઈ ત્યારથી પોતાને પણ શાહરૂખ ખાન કે સલમાન ખાનથી પોતે કમ હોય તેવું તેમણે નહોતું લાગતું. તરુણ મોંઘા દાટ કપડા, બ્રાન્ડેડ જૂતા, પરફ્યુમ, વગેરેની મન ફાવે તેમ ખરીદી કરવા લાગ્યો. લગ્નની વિધિ, રીસેપ્શન વગેરે માટે શહેરનો સૌથી મોંઘો પાર્ટી પ્લોટ બૂક કરવામાં આવ્યો. અને લગ્ન માટે ચાર BMW કાર ભાડે રાખવામાં આવી. લગ્નની આગલી રાતે શહેરનું મશહુર મ્યુઝીક બેન્ડ બોલાવ્યું. અને લગભગ આખી રાત તરુણભાઈ સંગીતના સૂરોમાં ડોલ્યા

જાન લઈને જવાનું હતું તે સ્થળ તરુણના શહેરથી લગભગ ૩૫૦ કિમી દુર હતું. ત્રણ બસ અને ૧૦ કાર સાથે વહેલી સવારે જાન લઈને તરુણભાઈએ પ્રયાણ કર્યું ત્યારે મંગલમય લગ્ન ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.અને લગભગ સવારે ૧૦ વાગ્યે કન્યાના માંડવે પહોંચી. ત્યાં તેનું ભાવભીનું અને ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું.બેન્ડની સુરાવલીમાં જાનૈયાઓ અને માંડવીઆઓ નાચવા લાગ્યા.દારૂખાનાની તડાફડી બોલી, વચ્ચે વચ્ચે રાસ રમાયા. કન્યા પક્ષવાળા વરને જોઈ અચરજ

પામ્યા હોય તેમ અંદરો અંદર ગુપસુપ કરવા લાગ્યા. પણ તરુણભાઈ તો ઈડરિયો ગઢ જીત્યા વાળું લગ્ન ગીત ચાલતું હોઈ, કોઈ ગઢ જીતી લીધો હોય તેવા કેફમાં હતા.

"કન્યા પધરાવો સાવધાન " ગોર મારાજ ના ઉચ્ચારણથી કન્યા પક્ષ વાળા હરકતમાં આવ્યા. કન્યાને મંડપમાં લાવવામાં આવી. લગ્ન ગીતો સાથે લગ્ન વિધિ શરુ થઇ. હસ્ત મેળાપ વખતે ક્યાંય સુધી તરુણભાઈએ કન્યાનો કોમળ હાથ પોતાના ખરબચડા હાથોથી દબાવી રાખ્યો. કન્યા શરમાઈ ગઈ. અને તરુણે હાથ છોડી દીધો. ધીરે ધીરે વિધિઓ ચાલતી રહી, મંગલ ફેરા લેવાયા. અને વિધિ પૂર્ણ થયે કન્યાને પોતાને ઓરડે મોકલાવી. તરુણભાઈએ પોતાના કિંમતી જોડા બેફિકરાઈથી દુર મુક્યા. અને રૂપિયા ૧૦૦૦ની એવી પાચ નોટ તૈયાર રાખેલ, જે પોતાની બટકબોલી સાળીને આપી શકાય . પણ તેવું કશું બન્યું નહિ એટલે તરુણભાઈ ખાસ્સા નારાજ થયા. પણ કહે તો કોને કહે?

કન્યા અને વરને સાથે જમાડવામાં આવ્યા. કન્યાની સહેલીઓ, તરુણની બહેન, ભાભીઓ, પિતરાઈ બહેનો, મજાક -મસ્તીથી પ્રસંગને રોમાંચક બનાવતી હતી. ફોટો ગ્રાફર, વિડીઓ શુટિંગવાળા તેમાં અનેરા રંગ ભરતા હતા. આ જીવનભરનું સંભારણું બની રહેવાનું હતું. તરુણભાઈને કન્યાના હાથથી અપાયેલ કોળિયામાં જે મીઠાશ લાગી તે તેની જીંદગીમાં ક્યારેય નહોતી લાગી. જો તેમનું ચાલે તેમ હોય તો તે કન્યા સિવાયના કોઈને પણ હાજર રાખવાના મતના નહોતા, પણ હજુ તેમનું રાજ ચાલુ થયું નહોતું, તેમનું રાજ ઘેર પહોંચ્યા પછી ચાલુ થવાનું હતું.

તરુણભાઈ હવે થાક્યા હતા. બપોર ક્યારનોય પૂરો થઇ ગયો હતો. તેમણે વિચારેલ કે જો જાનને વહેલી વળાવવામાં આવે તો તેઓ વહેલા ઘેર પહોંચે. અને ઘેર બધો વિધિ પતાવી, રીસેપ્શન પણ જલ્દી પતિ જાય તો તેણે શહેરની સૌથી મોંઘી હોટેલમાં " Honey Moon Suite " બુક કરાવ્યો છે તેનું વળતર મેળવી શકાય. અને હનીમુન માટે તેઓ સ્વીઝરલેન્ડ જવાના હતા, તે વિચાર આવતા પાછા તે મનમાં મલકી ગયા. હવે સાંજ પાડવા આવી હતી. પણ જાન વળાવવાનું જાણે વિસરાય ગયું હોય તેવું લાગતું હતું. લોકો ગુપસુપ કરતા હતા. પપ્પા બરાડા પાડીને પોતાના સસરા ઉપર ખીજાતા હતા. પણ તેમને સ્પષ્ટ સાંભળી શકાતા નહોતા. સંગીત વાગતું બંધ થઇ ગયું હતું. કન્યા પક્ષ તરફના દરેકના મોઢા પડી ગયેલ હતા. લોકો આપસમાં ગપસપ કરતા હતા. અને તેની તરફ મર્મભરી દ્રષ્ટિ નાખતા હતા. સસરા તેની સાસુ ઉપર ગુસ્સો ઠાલવતા હતા. મમ્મી- પપ્પા, બહેનના ચહેરા પર વિષાદની રેખા ઉપસી આવી હતી.

થોડી વાર થઇ તેની સાળી કોઈ જુવે નહિ તેમ પોતાની પાસે આવી, અને ફટાફટ ચાલી ગઈ. તરુણને કશું સમજાયું નહિ. પણ હાથ પાસે એક ચીઠી જોઈ. તરુણે ચિઠ્ઠી ઉપાડી વાંચવા લાગી.

...........

શું સંબોધન કરું તે નક્કી કરી શકતી નથી. પણ મને માફ કરશો. હું. અમારા ગામના તારક સાથે પ્રેમમાં હતી. અને અમે સિવિલ મેરેજ પણ કરી લીધેલ. પણ મારા કાકા માથાભારે અને રાજકારણીઓ જોડે ઓળખાણ હોઈ મને તારક પાસેથી પાછી લઇ આવ્યા. અને તારકને એટલો ઢોરમાર માર્યો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. તારકના માતા- પિતા પોલીસ પાસે ફરિયાદ કરવા ગયા તો તેમને તગેડી મુક્યા. અને ચેતવણી આપી કે આગળ ફરિયાદ કરશો તો તારકને જાનથી મારી નાખશે. અને મને તો નજર કેદ જ રાખેલ. તમે મને જોવા આવ્યા ત્યારે પણ મારી સાથે મારા કાકી હતા. એટલે તમને કશું કહી શકી નહિ. અને લગ્ન પણ તરત જ ગોઠવી કાઢ્યા. મારા ઉપર સતત ચોકી પહેરો રાખવામાં આવતો. પણ મારા ફેરા પુરા થઇ ગયા.એટલે ચોકી પહેરો ઓછો થયો હોય તેનો લાભ ઉઠાવી હું ફોટો પડાવવામાં બહાને ભાગી છૂટી. અને ફોન કરીને તારકને વાત કરી. તારક પણ તરત જ આવી પહોંચ્યો. અને અમે મેઘાલયમાં તેના એક મિત્રના ઘેર જઈ રહ્યા છીએ. મારા લીધે આપને જે તકલીફ પડી તે માટે માફી ચાહું છું.

....................

તરુણનું માથું ફાટફાટ થવા લાગ્યું. તેને દુનિયા ગોળ ગોળ ઘુમતી હોય તેવો ભાસ થયો. તેના બધાજ સપના એક સાથે તૂટી પડ્યા. તેને સમગ્ર સ્ત્રી જાત ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. અને હવે એક નવો જ સવાલ તેના મનમાં ઉદભવ્યો, તેના તો ફેરા પણ થઇ ગયા. તો તે હવે પરણેલો ગણાય કે કુંવારો?

અને જાણે દુનિયાના તમામ લોકો તેને પૂછતા હોય તેવું લાગ્યું. ભાઈ તમે પરણેલા કે કુંવારા?

અને તરુણ બેહોશ થઇ ગયો.