Nishti-7 - Ha Pastavo books and stories free download online pdf in Gujarati

નિષ્ટિ - ૭ - હા પસ્તાવો

નિષ્ટિ

૭. હા પસ્તાવો..

ચિંધાયેલી આંગળીની દિશામાં નિશીથે નજર કરી તો એક ક્ષણ માટે એને એની ખુદની આંખો પર વિશ્વાસ જ ના બેઠો... તે એ જ વ્યક્તિ હતો જેણે થોડા દિવસ અગાઉ નિશીથના ચોર ખિસ્સામાંથી સાડા પાંચ હજાર રૂપિયા તફડાવ્યા હતા. નિશીથ એકદમ આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યો હતો... એ કાંઈ સમજે એ પહેલાં તો એ એની નજરથી ઓજલ થઇ ગયો.

નિશીથ હવે બેચેન બની ગયો હતો. એ માણસે શા માટે ચિઠ્ઠી લખી હશે એ જાણવા કાજે એ બેબાકળો બની રહ્યો હતો. એણે બાઈક ઉપાડી અને સીધી નજીકના ગાર્ડન પાસે જઈને ઉભી રાખી. એક ખાલી બાંકડો જોઇને ત્યાં બેસી ગયો અને ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢીને વાંચવાનું શરુ કર્યું. ચિઠ્ઠીમાનું લખાણ મરોડદાર અક્ષરોમાં અંકિત હતું એટલે નિશીથને લાગ્યું કે આ માણસ સાવ અભણ તો નથી જ.

‘ભાઇશ્રી,

સૌ પ્રથમ તો આપનો ક્ષમાપ્રાર્થી છું. હું ખુબ જ દિલગીર છું કે મેં થોડા દિવસો પહેલાં તમારા ખિસ્સામાંથી તમારા પરસેવાની કમાણીના રૂપિયા તફડાવેલા. મને ખબર છે કે મેં તમને શા માટે પત્ર લખ્યો એ જાણવાની તમને તાલાવેલી હશે પણ મારી વાત રજુ કરતાં પહેલાં હું મારો ટૂંકમાં પરિચય આપવાનું યોગ્ય સમજીશ.

મારું નામ સુભાષ છે. હું અને મારી મમ્મી અહીં નજીકમાં આવેલી એક ચાલીમાં રહીએ છીએ. મારી મમ્મી અહી નજીકની એક કંપનીની ઓફિસમાં પ્યુન તરીકે કામ કરે છે અને આમ અમારું ગુજરાન ચાલે છે. થોડા વર્ષો પહેલાં અમારી આવી સ્થિતિ નહોતી. મારા પપ્પા એક કારખાનામાં ઓફિસર હતા અને અમે પણ એક સુંદર મજાના નાનકડા ફ્લેટમાં રહેતા હતા. ઘરમાં હું, મમ્મી અને પપ્પા બસ ત્રણ જણ જ રહેતા હતા અને મારા માટે અમારું ઘર સ્વર્ગ કરતાં જરાય ઉતરતું નહોતું. અમે લોકો ખૂબ મોજથી રહેતા હતા. અમારા આડોશ પડોશ ના લોકો અને સગા વ્હાલા સૌને અમારી સદા ખુશ થઈને રહેવાની રીત માટે ઈર્ષ્યા આવતી હતી એટલી મજાની લાઈફ જીવતા હતા અમે લોકો.

હું જે શાળામાં ભણતો હતો ત્યાં મારો હંમેશાં પ્રથમ નંબર આવતો. શાળાના બધા શિક્ષકોનો હું અતિપ્રિય વિદ્યાર્થી હતો. ભણવા ઉપરાંત ડ્રોઈંગ, વકૃત્વ, રમતગમત વગેરે ઈત્તર પ્રવૃત્તિઓમાં પણ હું અવ્વલ રહેતો. સમજોને કે સમગ્ર શાળામાં મારો એક વટ હતો. વકૃત્વ સ્પર્ધામાં એક વખત હું સમગ્ર રાજ્યમાં પ્રથમ આવેલો. મને મુખ્યમંત્રીના હસ્તે પુરસ્કાર મળેલો જે મારા માટે આજ પર્યંતની અવિસ્મરણીય ક્ષણ છે.

ઉતરાયણ, નવરાત્રિ, દિવાળી બધા જ તહેવારો ઉજવવામાં અમારો પરિવાર નોખો તારી આવતો. દરેક તહેવાર એટલા ઉત્સાહ અને ઉન્માદથી ઉજવતા ત્યારે ક્યાં ખબર હતી કે આ બધા તહેવારોની ઉજવણી આગળના વર્ષોમાં અમારા માટે સાવ દોહ્યલી બની જવાની હતી.

એક દિવસ સમય અમારા સુખી અને ખુશખુશાલ કુટુંબ પર કાળ બનીને ત્રાટક્યો. મારા પપ્પા બિમાર હતા અને એમને મેડીકલ ચેકઅપમાં કેન્સરનું નિદાન થયું. અમારા પર તો જાણે આભ તૂટી પડ્યું હતું. હવે હમેશાં ખુશખુશાલ રહેતા અમારા ઘર પર ગમગીનીનો પડછાયો મંડાયેલો રહેવા લાગ્યો. નિદાન થયું ત્યારે પપ્પાને સેકન્ડ સ્ટેજનું કેન્સર હતું. પરિસ્થિતિ ધીમે ધીમે ગંભીર બનતી જતી હતી. કીમો થેરાપીના લીધે પપ્પાના વાળ ઓછા થતા જતા હતા અને પરિવારની બચત પણ. કીમો થેરાપી કંઈ ખાસ અસરકારક નીવડી નહિ. સારવારની પાછળ ખર્ચ દિવસે ને દિવસે વધતો જતો હતો. કેન્સર હવે લાસ્ટ સ્ટેજ પર હતું અને અમારો ફ્લેટ ત્યાં સુધીમાં ગીરવે મુકાઈ ગયો હતો. મારા પપ્પા તો શરૂઆતથી જ ખોટો ખર્ચો કરવાની ના પડતા હતા પણ મમ્મી એમ હાર માને તેમ નહોતી. પણ એક દિવસ.... આખરે મારા પપ્પાએ અંતિમ શ્વાસ લીધા અને હું અને મારી મમ્મી આ દુનિયામાં એકદમ નોધારા થઇ ગયા.

ભારે હૈયે મેં પપ્પાના પાર્થિવ શરીરને મુખાગ્નિ અર્પિત કર્યો. એમના દેહની સાથે જાણે મારા નાનપણમાં દીઠેલાં અને સાચું કહું તો મારા પપ્પાએ મારા મનમાં જેના બીજ રોપેલાં એવા મારા સોનેરી ભવિષ્યના સપનાં પણ જાણે ભસ્મીભૂત થઇ રહ્યાં હતાં. મરણોત્તર વિધિઓ ચાલી ત્યાં સુધી તો સગા સંબંધીઓની અવરજવર ચાલુ હોવાને લીધે સ્વજન ગુમાવ્યાના અકલ્પનીય શોકમાં ડૂબેલા હતા એટલું જ પણ એ પછીના દિવસોમાં ખ્યાલ આવ્યો કે પપ્પા ગુમાવ્યા પછીની અમારી જિંદગી બિલકુલ કલ્પ્નાતિત હતી. હવે આગળની જિંદગી કેવી રીતે ગુજારવી એ અમારા માટે યક્ષપ્રશ્ન હતો. અમે કોઈના અહેસાન તળે જીવવા નહોતા માંગતા એટલે ફ્લેટ વેચી દઈને બધું જ દેવું ચૂકવીને આ ચાલીમાં રહેવા માટે આવી ગયા.

જિંદગીની નવી સફર હવે શરુ થતી હતી. મારી મમ્મીને એક કંપનીમાં પ્યુન તરીકે નોકરી મળી ગઈ. પગાર ટૂંકો હતો અને દિવસો મુશ્કેલીમાં વિતતા હતા. મમ્મીએ મારો અભ્યાસ આગળ ચાલુ રહે એટલા માટે તનતોડ મહેનત કરવાની ચાલુ કરી દીધી હતી. નોકરી ઉપરાંત રાત્રીના સમયે આસપાસની સોસાયટીઓના ઘરોમાં વાસણ ઘસવાનુંનું કામ પણ શરુ કર્યું. મારો અભ્યાસ તો ચાલુ જ રહ્યો પણ ખરાબ સોબતના કારણે ખરાબ ટેવો પણ પડવા લાગી. એક માણસે મને ફટાફટ પૈસાદાર બનવાની લાલચમાં ફસાવી ખિસ્સા કાતરવાનો કસબ શીખવાડ્યો અને મને પણ ફાવટ આવતી ગઈ એમ મજા આવતી ગઈ. હું પ્રાથમિક શાળાના બાળકોને ટ્યુશન આપું છું એમ જણાવી મમ્મીને છેતરતો રહ્યો અને એને નાનકડી આર્થિક મદદ કરતો રહ્યો. નાનકડી મદદ એટલા માટે કેમકે હું જેટલા રૂપિયા ચોરી લાવતો એમાંથી મોટા ભાગના તો પેલો માણસ જ ખૂંચવી લેતો હતો. પણ એક દિવસ કેમ જાણે કેવી રીતે મારી મમ્મીને આ વાતની ખબર પડી ગઈ અને એણે મને ધીબી ધીબીને અધમુઓ કરી નાખ્યો. મેં મારી મમ્મીને વચન આપ્યું કે હવે ફરીથી એવું પાપ કદી નહિ કરું.

હવે હું કોલેજનો અભ્યાસ પણ પૂર્ણ કરી ચુક્યો હતો. મારે હવે નોકરી શોધવાની શરૂઆત કરવાની હતી, પણ ક્યાંય મેળ પડતો નહોતો. મારી મમ્મીની ઉંમર પણ વધતી જતી હતી અને અશક્તિ પણ વર્તાતી હતી. એક દિવસ કંપનીમાંથી પરત ફરતાં મારી મમ્મી ને ચક્કર આવ્યા અને રસ્તા પર જ ફસડાઈ પડી. મને ખબર મળતા હું દોડતો ઘટના સ્થળે પહોચ્યો અને મમ્મીને હોસ્પિટલ લઇ ગયો. ડોક્ટર સાહેબ અમારી હાલત જોઇને અમારી આર્થિક સ્થિતિનો અંદાજ પામી ગયા, એમણે મને કેબીનમાં બોલાવીને કહ્યું કે તારી મમ્મીને સારું તો થઇ જશે.. કઈ ખાસ તકલીફ નહિ પડે પણ આ માટે હોસ્પીટલમાં રહેવાનો અને દવાઓનો થઈને વીસેક હજાર જેવો ખર્ચ આવશે અને હું અંગત રસ લઈને શક્ય એટલુ ઓછું બિલ આવે એનો પ્રયત્ન કરીશ પણ છતાંય પાંચેક હજારનું બિલ ચુકવવાની તૈયારી તો રાખવી જ પડશે. પાંચ હજારની રકમની તાત્કાલિક વ્યવસ્થા કરવી મારા માટે લગભગ અશક્ય બાબત હતી.

બીજા દિવસે રવિવાર હતો એટલે મમ્મીની કંપનીમાંથી પૈસા મળવાનું શક્ય નહોતું. મને મારો ખિસ્સા કાતરવાનો જુનો કરતબ યાદ આવ્યો પણ એમ કરવા માટે મન માનતું નહોતું. પણ બીજા બધા પ્રયત્નો કરવા છતાં પૈસાનો મેળ પડ્યો નહિ. એટલે વિચાર્યું કોઈ એવા વ્યક્તિ ને નિશાન બનાવું જેને હું વખત મળ્યે પૈસા પરત પણ કરી શકું. એમ કરીને હું બસ સ્ટોપ પર આવ્યો ને ત્યાં તમને ઉભેલા જોયા. મને લાગ્યું કે કુદરત પણ મારી સાથે જ છે. હું તમને બાઈક પર આવતાં જતાં ઘણી વાર જોતો અને એક સાલસ વ્યક્તિ તરીકેની અમીટ છાપ હતી તમારી મારા માનસપટ પર. મને તમારા ચોર ખિસ્સામાં રૂપિયા મૂકેલા હોવાનો ખ્યાલ પણ આવી ગયો. બસ એક જ ક્ષણમાં વિચાર કર્યો કે તમે મારું કામ પૂરું પાડવા માટે એક સોફ્ટ ટાર્ગેટ છો. અને પછી જે મેં કર્યું એનાથી તો તમે વાકેફ છો જ. એ દિવસે મને પણ ખ્યાલ આવી ગયો હતો કે તમે જાણી જોઇને મને પૈસા ખેચવા દઈ રહ્યા હતા એટલે હું સાચી દિશામાં જઈ રહ્યો હતો એવો મારો વિશ્વાસ દ્રઢ બન્યો.

બની શકે તો મને માફ કરજો પણ મારા માટે જીંદગીમાં માથી વધીને બીજું કોઈ નહોતું અને મારી જિંદગીની એકમાત્ર મૂડીને હું કોઈ પણ ભોગે ગુમાવવા માંગતો નહોતો. તમારા જેવા સજ્જન વ્યક્તિના પૈસા થકી માની સારવાર પણ સફળતા પૂર્વક પાર પડી અને મને પણ બીજા જ દિવસે સરસ નોકરી મળી ગઈ. હું તમને ખાતરી આપું છું કે તમારા પૈસા હું જેમ બને તેમ જલ્દીથી પરત કરી દઈશ.

આપનો જિંદગીભરનો ઋણી....

એજ લિ... સુભાષ.... મોબીઈલ નં. xxxxxxxxxx

પત્ર વાંચીને નિશીથના આંખના ખૂણા ભીના થયા. થોડી વાર માટે એ ગમગીન થઇ ગયો. એણે આજુબાજુ નજર કરી તો બગીચામાં હવે ઘણા લોકો આવેલ જણાયા. વાતવરણ પણ ઠંડુ થતું જતું હતું .નિશીથને થયું કે દિવસભરની કાળઝાળ ગરમીથી કંટાળ્યા પછી અહીનું ઠંડકભર્યું આહલાદક વાતાવરણ ખરેખર આનંદિત કરી મૂકે એવું છે. બાળકો સૌથી વધુ આનંદ ઉઠાવી રહ્યા હતા કુદરતના સાનિધ્યનો. નિશીથ પલભર માટે વિચારી રહ્યો... આટલું સુંદર બાળપણ કેમ ઝડપથી પાછળ છૂટી જતું હશે? બાળપણની જિંદગી જ ખરી જિંદગી છે. ના કોઈ ગંદી રમત કે ના કોઈ કાવાદાવા.. બસ જેમ મન ફાવે એ પ્રમાણે વર્તવાનું... કોઈ જ બંધન નહિ... કોઈ પ્રોટોકોલ નહિ.. નિખાલસતા એ બાળપણની મૂડી રૂપે દરેક વ્યક્તિનો લઘુત્તમ સામાન્ય અવયવ [common factor] છે. પણ એ જ બાળપણ એક વખત પસાર થઇ ગયા પછી પાછળ વળીને જોતું પણ નથી... અથવા તો પછી આપણને પાછા વળીને બાળપણને વાગોળવાનો સમય નથી હોતો. બાકી જયારે પણ મોકો મળે અને બાળપણની યાદોને વાગોળવામાં આવે તો એ યાદો માત્ર પણ જે ખુશી આપે છે એ ખુશી લાખો કે કરોડો રૂપિયા ખર્ચવા છતાં દુનિયાની કોઈ વસ્તુ નથી આપી શકતી એ એક નિર્વિવાદ હકીકત છે.

આમ વિચારતો નિશીથ ઘેર જવા માટે થઈને જેવો ઊભો થવા ગયો અને એના મોબાઈલની રીંગ રણકી ઊઠી. સ્ક્રીન પર જોયું તો સોપાન એડ. ના એમ. ડી. સિન્હા સાહેબનો ફોન હતો. આ એ ફોન હતો જેનો નિશીથને ઘણા દિવસોથી ઇન્તજાર હતો. શી વાત હશે? મારું સિલેકશન થઇ ગયું હશે? કે પછી ઇન્ટરવ્યુના સેકંડ રાઉન્ડ માટે કોલ હશે? પણ એના માટે કોઈ કંપનીના માલિક જાતે થોડા ફોન કરે? પણ એમતો સિલેકશન થયું હોય તો પણ એપોઇન્ટમેન્ટ લેટર જ મોકલી દેને? તો પછી એવું તો શું હશે કે સિન્હાસાહેબે જાતે ફોન કર્યો હશે? આવા અનેક સવાલો મનમાં લઈને નિશીથે ફોન ઉપાડ્યો.

‘હેલ્લો.. મિ. નિશીથ...’

‘હેલ્લો સર... ગુડ ઇવનિંગ સર..’

‘વેરી ગૂડ ઇવનિંગ. હાઉ આર યું નિશીથ?’

‘એવરી થીંગ ઈઝ ફાઈન સર...’

‘હાઉ આર ધ ડેઝ એટ જોબ?’

‘એક્સેલંટ સર..’

‘ધેન ઇટ સીમ્સ યું આર ક્વાઈટ હેપ્પી વિથ યોર પ્રેઝંન્ટ જોબ. યુ શુડ નોટ થીંક ફોર ચેન્જ એટ ઓલ.’

‘હહાહાહાહા... સર.. તમને તો ખબર છે... મેં ઇન્ટરવ્યુમાં જણાવ્યું જ હતું.. હું મન દઈને કામ કરું છું એ મારું મારી જાત પ્રત્યેનું કમિટમેન્ટ છે અને તમારા ત્યાંની જે જોબ પ્રોફાઈલ હશે એ મારા દિલથી જોડાયેલું પેશન છે.’ નિશીથને ખ્યાલ તો આવી જ ગયો કે કૈક સકારાત્મક થઇ રહ્યું છે પણ એ સિન્હા સાહેબના મોંઢેથી સંભાળવા આતુર હતો અને સિન્હા સાહેબ વાત આડે પાટે ચઢાવતા જતા હતા.

‘ઓકે... ઇન ધેટ કેસ યુ આર એબ્સોલ્યુટલી કરેક્ટ. કોન્ગ્રેચ્યુલેશન્સ ડીયર બોય નિશીથ.’ નિશીથ એ જ સાંભળી રહ્યો હતો જે સંભાળવા માટે એના કાન થનગની રહ્યા હતા. જિંદગી હવે જાણે કોઈ નવા જ મોડ પર આવી ને ઊભી હતી. સિન્હા સાહેબ દ્વારા બોલાયેલા શબ્દો હવે તેને વ્યસ્ત બનાવી દેવાના હતા. ચાલુ નોકરીમાં રાજીનામું આપવું પડશે.. રાજીનામું આસાનીથી સ્વીકારી લેવાશે કે નહિ.. કદાચ રોકાઈ જવા માટે મોટા પગારવધારાની લાલચ આપવામાં આવે... એ બધી વિધિમાંથી પાર પડ્યા પછી ઘરનાં સભ્યોને સમજાવવાના... ખબર નહિ માનશે કે નહિ.... ના મને તો આગળ શું કરવું... આમ અનેક પ્રશ્નો નિશીથના મનમાં ઘૂમરાતા હતા ને એને યાદ આવ્યું કે એ સિન્હા સાહેબ સાથે ફોન પર વાત કરી રહ્યો છે.. વિચારરૂપી રથને ત્યાં જ અટકાવી એણે ફોન પર વાત આગળ ધપાવી.

‘ઓહ માય ગોડ.... ઓહ માય ગોડ.... થેન્ક્સ અ લોટ સર.’ રીતસર જુમી ઊઠ્યો નિશીથ. બગીચામાં આજુબાજુ ઉપસ્થિત લોકો પણ નિશીથને નવાઈથી જોઈ રહ્યા.

‘ભાઇ... ભાઇ.... ભાઇ...... થોડી શાંતિ રાખો... હજુ મારી વાત પૂરી નથી થઇ. તમે તો જબરા ઉત્સાહી છો. પ્રાથમિક રીતે તમને પસંદ તો કરવામાં આવે છે પણ એમ છતાંય એમાં કેટલીક અડચણો છે.’

વળી પાછો નિશીથના મનમાં ધ્રાસકો પડ્યો.. એ વિચારી રહ્યો કે એક તરફ સિન્હાસાહેબ અભિનંદન પણ આપે છે તો વળી પાછા અડચણોની વાત લઈને આવે છે. એ જે હશે તે.. હમણાં જ ખબર પડશે... એમ વિચારી નિશીથ વાત આગળ ધપાવે છે.

‘બોલોને... શું અડચણ છે સર?’

ક્રમશ:...