3. Nishti Interview 2 books and stories free download online pdf in Gujarati

નિષ્ટિ - 3 - Nishti Interview 2

નિષ્ટિ

૩. ઇન્ટરવ્યુ – ૨

‘મે આઈ કમ ઇન સર?’

સિન્હા સાહેબની કેબીનમાં પ્રવેશતાં નિશીથે સૌહાર્દપૂર્ણ ઔપચારિકતા પૂર્ણ કરી.

‘આવો આવો નીશીથભાઈ.... બેસો’

નિશીથે સિન્હા સાહેબની સામેની ખુરશી પર સ્થાન ગ્રહણ કર્યું. બેક્પેકમાંથી ટેસ્ટીમોનીઅલ્સની ફાઈલ બહાર કાઢી. હવે નિશીથ વિચારી રહ્યો હતો કે ઇન્ટરવ્યુની શરૂઆત કેવી રીતે થશે.

‘થેન્ક્સ ફોર કમિંગ ડાઉન ટુ અવર ઓફીસ ફ્રોમ અમદાવાદ સ્પેશીઅલી ફોર ઇન્ટરવ્યુ’ સિન્હા સાહેબે શરૂઆત કરી. નિશીથે પ્રત્યુત્તરરૂપે સ્મિત ફરકાવ્યું.

“સો મિ. નિશીથ મેહતા.... તમારી મંજૂરી હોય તો હું ગુજરાતીમાં વાત કરી શકું?’

‘હં...’

‘તમને નવાઈ લાગશે પણ નાનપણથી જ મારા ઘણા ગુજરાતી મિત્રો રહ્યા છે એટલે યુ નો.. આઈ એમ ક્વાઈટ કમ્ફર્ટેબલ વિથ ગુજરાતી’

‘સરસ’

‘નીશીથભાઈ.. તમારી વાત પર આવું તો તમારી પાસે ખરેખર અમારી જરૂરિયાત મુજબનું ના તો ક્વોલિફિકેશન છે અને ના તો એક્સપીરીયન્સ છે... પણ મે તમારું નામ સૌથી પહેલાં શોર્ટ લિસ્ટ કર્યું અને સૌથી પહેલાં ઇન્ટરવ્યુ માટે તમને બોલાવ્યા.

‘થેંક યુ સર’

‘સૌ પ્રથમ તો હું અમારી કંપની વિષે તમને બ્રીફ કરીશ. આજથી લગભગ દશેક વર્ષ પહેલાં મે અને મારા ખાસ મિત્ર સુહાસ પટેલે આ કંપનીની શરૂઆત કરી હતી. ખૂબ નાનકડી શરૂઆત હતી. તમે નહિ માનો એક બનિયન બનાવતી કંપની ની એડ થી અમે શરૂઆત કરી હતી. ખુબ જ ધમાકેદાર શરૂઆત રહી હતી એ. દેશભરમાં અને એડ વર્લ્ડમાં સનસનાટી મચી ગઈ હતી. બનિયનની એ એડ થી આજે બનિયન ટૂી એટલે કે વિશાલ વટ વૃક્ષ સમાન બની ગઈ છે.

‘વાઉ….’

કંપનીની આટલી પ્રગતિમાં મારા ભાગીદાર સુહાસ પટેલનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. હું એડમિનીસ્ટ્રેશન અને ફાઇનાન્સ સંભાળતો હતો અને ક્રિએટીવ ડીપાર્ટમેન્ટ સુહાસભાઇ દેખતા હતા. પણ થોડા મહિના પહેલા એક ગંભીર અકસ્માતમાં એમનું દુખદ અવસાન થયું. તેઓ પૂરા પરિવાર સહીત લોનાવાલા ફરવા ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે એમની કારને અકસ્માત નડ્યો.’ સિન્હા સાહેબ વાત કરતાં કરતાં થોડા ગમગીન થઇ ગયા.

‘ધેટ્સ સો સેડ.. સો સોરી ટુ હિયર ધીસ.’

‘સોરી નિશીથ ફોર બીઈંગ સેન્ટીમેન્ટલ’

સિન્હા સાહેબ ટેબલ પર પડેલ ગ્લાસ ઉઠાવી પાણી પીએ છે.થોડીવાર પછી સ્વસ્થતા કેળવી ઇન્ટરવ્યુ આગળ ધપાવે છે.

‘તો મિ. નિશીથ, તમારું સી વી જોઈને હું ખુબ પ્રભાવિત થયો છું. બી. ઈ. મિકેનીકલ... દેશભરમાં જાણીતી અમદાવાદની પ્રતિષ્ઠિત એન્જિનીયરીંગ કંપનીમાં સારા પગાર સાથે મેન્ટેનન્સ મેનેજર તરીકેની જોબ... આટલી સારી પોઝીશન વાળો વ્યક્તિ જયારે સ્ક્રીપ્ટ રાઇટર તરીકેની જોબ માટે એપ્લાય કરે એટલે હું સમજી શકું છું કે તમને સર્જનાત્મક લખાણનો બેહદ શોખ હશે.. બસ આ જ કારણથી સૌ પહેલા તમને બોલાવવામાં આવ્યા”

‘થેન્ક્સ અગેઇન સર’

‘સૌ પહેલાં તમારા વિષે ટૂંકમાં સ્વપરિચય આપો. મને તમારા પોતાના વિષે તમારા વિચારો જાણવા ગમશે’

નિશીથ સેલ્ફ ઈન્ટ્રોડક્શન પતાવે છે અને ઇન્ટરવ્યુ આગળ ધપે છે.

“મિ. નિશીથ. ઇટ વોઝ નાઈસ ટુ હિઅર અબાઉટ યુ ફ્રોમ યોરસેલ્ફ... બાય ધ વે તમને સ્પોર્ટ્સમાં ઈન્ટરેસ્ટ ખરો કે?’

‘હા સર’

‘વ્હિચ સ્પોર્ટ્સ?’

‘બેડમિન્ટન સર’

‘ઇટ્સ બૅડમિન્ટન એન્ડ નોટ બેડમિન્ટન એઝ યુ યુઝ ટુ સે. તમે તમારા સી. વી.માં પણ badmintonની જગ્યાએ bedminton લખ્યું છે. મને તમારી જોડે આવી અપેક્ષા નહોતી. એક બાજુ તમે સ્ક્રીપ્ટ રાઈટર બનવા માગો છો અને આવડી મોટી ભૂલ? અનબિલીવેબલ.... ‘

‘થેન્ક્સ ફોર નોટિસિંગ સર. એ ભૂલ મે જાણી જોઇને જ કરી છે. સાચું કહું તો એ ભૂલ છે જ નહિ પણ હકીકત છે.’

‘હકીકત? કઈ રીતે?’

‘સર નાનપણથી જ જયારે હું બેડ પર સુતો હોઉં ત્યારે આ બાજુથી પેલી બાજુ આખી રાત પડખાં ફેરવ્યા કરતો એટલે સવારે મારા પપ્પા મને ઉઠાડતી વખતે બોલતા. “સવાર પડી ગઈ ઊઠ. અને આ શું પથારીમાં આ છેડેથી પેલા છેડે શટલ કોકની માફક ફર્યા કરે છે? ઊંઘે છે કે બેડમિન્ટન રમે છે?” અને એટલે જ મેં જાણી જોઇને આમ લખ્યું છે. અને ઓનેસ્ટલી સ્પીકિંગ સર.... યુ આર ધ ફર્સ્ટ વન ટુ ફાઈન્ડ ઈટ આઉટ કરેક્ટલી”

‘વાઉ... ધેટ્સ કવાઈટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ સો ફની ટ્યુ...... આઈ એમ કવાઈટ ઈમ્પ્રેસ્ડ’

‘થેન્ક્સ અ ટન સર’

‘તમે તમારી એક્સ્પેકક્ટેડ સેલરી વિષે કંઈ નથી મેન્શન કર્યું’

‘એ તો સર તમારી કંપનીમાં જે પ્રમાણે નિયમ હોય.... મને કોઈ વાંધો નથી’

‘એમ નહિ ચાલે... તમારે તમારું એક્સ્પેકક્ટેશન તો જણાવવું જ પડે. એ વિના અમે આગળ ના વધી શકીએ.’

‘ઓકે સર’ એમ કહી નિશીથે પોતાની હાલની સેલરી અને મુંબઈ અને અમદાવાદ વચ્ચેના જીવન ધોરણના તફાવત અનુસાર પોતાનો એક્સ્પેકટેડ સેલરી જણાવ્યો.

‘થેન્ક્સ મિ. મેહતા.... બાય ધ વે આ તમારો સ્ક્રિપ્ટ રાઇટર બનવાનો પહેલો પ્રયાસ છે કે અ પહેલાં પણ તમે ક્યાંય પ્રયત્ન કર્યો છે?. આઈ થીંક યુ આર બોર્ન ફોર સચ જોબ. અત્યાર સુધી તમે એ દિશામાં વિચાર્યું જ ના હોય એ બની જ ના શકે.’

‘યુ આર રાઈટ સર. વર્ષો પહેલાં જયારે હું કોલેજનાં અંતિમ વર્ષમાં હતો ત્યારે મે પ્રથમ વખત પ્રયત્ન કર્યો હતો. એમાં સફળતા પણ મળી પણ ઘરના બધાએ મને મારા એન્જિનીયરીંગમાં જ ધ્યાન આપવાનું દબાણ કર્યું અને ત્યાર પછી મેં પણ એડ લાઈનમાં કારકિર્દી બનાવવાનું માંડી વાળ્યું.’

‘મને એ વિષે વધુ જાણવામાં રસ છે જો તમને... વાંધો ના હોય તો.....’

‘શ્યોર સર.. પણ વાત થોડી લાંબી છે. આ ત્યારની વાત છે જયારે સન ૨૦૦૨માં અમદાવાદમાં કોમી રમખાણ ફાટી નિકળેલાં. એ વર્ષે ફૂટબોલ વર્લ્ડકપ ટુર્નામેન્ટ સાઉથ કોરિયા અને જાપાનમાં યોજાવાની હતી અને મારા દિમાગમાં એક જબરદસ્ત સ્લોગન રમી રહ્યું હતું જે એકદમ આગવું હોવાનો મને આત્મવિશ્વાસ હતો. મેં મનથી નક્કી કરીલીધું હતું કે આ સ્લોગન મારે કોઈપણ ભોગે ટીવી પર પ્રસારિત થતું જોવું છે. એક બાજુ શહેરનું વાતાવરણ એકદમ અશાંત હતું અને બીજી તરફ મારી જીદ. હવે જોવાનું હતું કે કોણ જીતે છે. વિચાર આવ્યો ત્યારે રાતના બાર વાગ્યા હતા. એ વખતે ઈન્ટરનેટ હાલ જેટલું હાથવગુ નહોતું ખાસ કરીને અમારા જેવા મધ્યમવર્ગના પરિવારો માટે. આખી રાત પડખાં ફેરવતાં વિચારતો રહ્યો કે કઈ કંપની મારા સ્લોગનને જાહેરાતમાં સમાવીને અસરકારક રીતે રજૂ કરી શકે અને મારે એ કંપની સુધી કઈ રીતે આ કામ થઇ શકે. પરોઢના સમયે એક મસ્ત આઈડિયા આવ્યો કે તે સમયની ટીવીની ખૂબ જાણીતી કંપનીની ઓફિસ એસ. જી. હાઈ વે પર આવેલી જે ટીવીસી આપવામાં પણ અગ્રેસર હતી. બસ હવે ત્યાં કઈ રીતે પહોચવું એ જ વિચારવાનું હતું. મને યાદ આવી ગઈ મારી સંકટ સમયની સાંકળ એટલે કે મારો સમવયસ્ક મારા કાકાનો છોકરો ભૂષણ. હું જેટલો ભણવામાં હોશિયાર હતો એટલો જ ઓછાબોલો અને શરમાળ... જયારે ભૂષણ ભણવામાં મધ્યમ હતો પણ ઈત્તર પ્રવૃત્તિઓમાં એકદમ કાર્યરત અને વળી સાહસિક પણ ખરો. હું કોઈ પણ કામમાં ફસાયો હોઉં તો એ મને ઉગારવા માટે હંમેશાં તત્પર હોય... જો એ ઉપલબ્ધ ના હોય તો આવા વાતાવરણમાં મારા માટે બહાર જવું શક્ય જ ના બને. સવારે વહેલો ઉઠીને ફટાફટ ન્હાઈ ધોઈ તૈયાર થઇ ભૂષણના ઘેર ભાગ્યો. ભૂષણ હજુ ઊંઘતો હતો. એને ઊંઘમાંથી રીતસર ઢંઢોળીને ઉઠાડયો.

“અરે શું છે નિશીથ? સવાર સવારની પહોરમાં? તને ખબર છે ને હું ઊંઘતો હોઉં ત્યારે કોઈ મને ડીસ્ટર્બ કરે એ મને પસંદ નથી. શું હતું ભસ હવે.....”

મે એને મારી મનોસ્થિતિ વિષે જણાવ્યું તો એ બોલ્યો.. “ભૂલી જા નિશીથ.. આટલા ભયાવહ વાતાવરણમાં અહી મણિનગરથી આખું શહેર ભેદીને એસજી હાઈવે પર જવું એટલે અભિમન્યુએ મહાભારતમાં સાત કોઠા ભેદયા હતા એના કરતાં પણ દુષ્કર કાર્ય. સોરી..ધીસ ટાઈમ..... કાન્ટ હેલ્પ યુ.’

“અરે ભૂષણ એક તું જ તો છે જે મારી મદદ કરી શકે. પ્લીઝ..... કોઈ તો રસ્તો હશે ને?”

ભૂષણ થોડી વાર વિચારતો રહ્યો અને પછી એકદમ છાપું હાથમાં લઈને ધ્યાનથી જોવા લાગ્યો. મેં પૂછ્યું..

“એય મિસ્ટર.... અહીં હું આખી રાત ઊંઘ્યો નથી અને સવારના પહોરમાં તારી પાસે દોડી આવ્યો છું અને તું છે કે મને આમ સાવ અવગણીને છાપું પકડીને બેસી ગયો?’

એણે છાપામાંથી ક્ષણેક માટે માથું ઊંચકીને મને થોડી વાર ચૂપ રહેવા ઈશારો કર્યો. થોડીવાર પછી એ એકદમ ઉત્સાહથી ઊછળી પડ્યો અને બોલ્યો.

“યસ્સ...નિશીથ, મળી ગયો રસ્તો... હું છાપામાં એ જ જોતો હતો કે આજે શહેરના કયા કયા વિસ્તારમાં કયા અને કેટલા સમય માટે કરફ્યુમાં છૂટ આપવામાં આવી છે. આપણા મણિનગરમાં તો પરમ શાંતિ જ છે એટલે કોઈ પ્રોબ્લેમ જ નથી અને એસજી હાઇવેનું પણ એવું જ છે. હવે જો આપણે બપોરે બાર વાગ્યાના સમયે આપણે ઘરેથી નીકળી જઈએ તો ત્રણ વાગ્યા સુધીમાં પાછા આરામથી આવી જઈશું. આમેય આવા સમયે ટ્રાફિક જામની સમસ્યા નડવાનો તો કોઈ ચાન્સ જ નથી.”

તો બપોરે બાર વાગ્યે મળવાનું નક્કી કરી અમે છૂટા પડ્યા. બપોરે જમ્યા પછી નજીકમાં જ રહેતા ભાઈબંધના ઘેર અભ્યાસને લગતા કામનું બહાનું કાઢીને હું ઘેરથી નિકળી પડ્યો. ભૂષણ પણ તૈયાર જ હતો. ભૂષણે નિર્ધારિત કરેલા રૂટ પર અમે નીકળી પડ્યા અને અમે ત્વરાથી એ મશહૂર ટીવી કંપનીની ઓફિસમાં પહોચી ગયા. ભૂષણે ફ્રન્ટ ઓફિસમાં બિરાજમાન રીસેપ્શનીસ્ટને અમારા ત્યાં જવાનું પ્રયોજન જણાવ્યું.. થોડી મથામણ પછી અમને કંપનીના રીજનલ હેડ સાથે મીટીંગ માટે મંજૂરી પણ મળી ગઈ. પણ મિટિંગનો સમય બપોરે અઢી વાગ્યાનો નક્કી થયો જે સમયની નજાકત જોઇને થોડો તણાવ ઉત્પન્ન કરનાર હતો.

બરાબર અઢી વાગ્યે રીજનલ હેડ મિ. વચ્છરાજાનીસાહેબે અમને એમની કેબીનમાં બોલાવ્યા. અને અમારી વચ્ચે ચર્ચાનો દોર શરુ થયો. મેં એમને મારા મનમાં ચાલી રહેલા એડ કન્સેપ્ટ વિષે માહિતગાર કર્યા.”

‘અરે શું કન્સેપ્ટ હતો એ? હું એ જ જાણવા માટે અધીરો છું.’ આટલી વાર દરમ્યાન પહેલીવાર સિન્હા સાહેબે નિશીથની વાકધારા અટકાવીને પૂછ્યું.

‘હા એ જ કહું છું સર.... ૨૦૦૨ના ફૂટબોલ વર્લ્ડકપમાં તમે આ સ્લોગન તો ટીવી પર માણ્યું જ હશે....’

‘કયું સ્લોગન?’

‘Enjoy the GOAL-DONE moments’

‘ઓહ માય ગોડ..... ઓહ માય ગોડ..... “

સિન્હા સહેબ ખુરશીમાંથી ઉભા થઇ ગયા અને નિશીથને અભિનંદન આપવા લાગ્યા.

‘થેંક યુ વેરી મચ સર’ નિશીથ પણ એક્સાઈટ થઇ ગયો.....

‘બસ વચ્છરાજાની સાહેબ પણ મારું સ્લોગન સાંભળીને આમ જ ઉભા થઇ ગયેલા અને મને ભેટી જ પડેલા. એમેણે મને વચન આપ્યું કે “હું હમણાં જ અમારી કંપનીની કોર્પોરેટ ઓફિસમાં કન્સર્ન્ડ ડીપાર્ટમેન્ટમાં જાણ કરી દઉં છું અને તમારા કન્સેપ્ટ પરથી બનેલી એડ આપણે થોડા જ સમયમાં ટીવી પર જોતા હોઈશું.” અને પછી જે થયું તે ઈતિહાસ છે.’

‘વાહ.... તો પછી તમે આગળ કેમ ના વધાર્યું તમારા આ મનગમતા કામને?’

‘સર, પછી તો હું મારા એન્જીનીયરીંગના અંતિમ સેમેસ્ટરની તૈયારીમાં લાગી ગયો અને ત્યાર પછી જયારે પણ કોઈ એડ એજન્સીનો કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કર્યો ત્યારે નિરાશા સાંપડી. પછી તો એન્જીનીયર તરીકે જે જોબ મળી તેમાં આજ સુધી જોડાયેલો છું પણ અંતરમનમાં હમેશાં મોટી એડ એજન્સી સાથે સંલગ્ન થઈને કામ કરવાનો વિચાર હમેશાં પ્રદિપ્ત હતો જે આજે મને અહી ખેચી લાવ્યો.’

‘બીજી એક વાત પૂછું? તમે એ દિવસે જોખમ ખેડીને મીટીંગ માટે ગયા તો રસ્તામાં કોઈ તકલીફ ના પડી?’

‘પડી’તી ને!!!! જતી વખતે તો બધું સમું સુતરું પાર પડી ગયું પણ મીટીંગમાં થોડો વધારે સમય પસાર થઇ ગયો હોવાથી પાછા વળતાં થોડી મુશ્કેલી પડી. મણિનગર આવવામાં માંડ પંદરેક મિનીટ બાકી હશે ને અમે જ્યાંથી પસાર થઇ રહ્યા હતા એ જ એરિયામાં બે ટોળાઓ વચ્ચે સામ સામે પત્થરબાજી ચાલુ થઇ ગઈ. લોકો હથિયારો લઈને સામસામે આવી ગયેલા. જીન્દગીમાં પહેલી વાર નજર સામે ખૂનામરકી જોઈ. અમને બંનેને લાગ્યું કે બસ હવે આવી બન્યું. પલભર પહેલાં જે ઉત્સાહ હતો એ ઓસરવા લાગ્યો. હું વિચારોના અરણ્યમાં મારી બનાવેલી સ્ક્રીપ્ટ પર થી બનેલ ટીવીસી જોઈ રહ્યો હતો ને હવે એવું લાગવા માંડ્યું કે એ દિવસ કદાચ જીન્દગીમાં ક્યારેય નહિ આવી શકે. ભૂષણે કહ્યું ગભરાવાની કોઈ જરૂર નથી. આપણા માટે જે થવાનું નક્કી હશે એ થઈને જ રહેશે. મને થયું કે ગજબનો માણસ છે આ તો. નજર સામે મોત તાંડવ ખેલી રહ્યું છે ને અમારો હીરો એકદમ બિન્દાસ છે. એટલામાં એક ટોળામાંથી કોઈની નજર અમારી ઉપર પડી અને એ લોકો મારો.... મારો...ની બુમો પડતા અમારી તરફ દોડવા લાગ્યા. હવે ભૂષણે બાઈકની સ્પીડ વધારી દીધી તો ટોળામાંથી કોઈએ ધારદાર હથિયાર અમારી તરફ ફેંક્યું જે મારાથી બે વેંત છેટે જઈને પડ્યું અને હું તો એકદમ આંખ મીંચી ગયો. મને ખબર નહોતી પડતી કે હવે શું થશે. થોડી વાર પછી બાઈક થંભી હોય એવું લાગતાં મેં આંખો ખોલી તો અમે સલામત જગ્યાએ પહોચી ગયાનો એહસાસ થયો. ભૂષણ એક દુકાનેથી મિનરલ વોટરની બોટલ લઇ આવ્યો જે અમે વારાફરતી એક શ્વાસે ખતમ કરી. બંનેના ચહેરા પર મોતને હાથતાળી આપ્યાનો એહસાસ હતો. પછી અમે ‘આમ થયું હોત તો શું થાત ને તેમ થયું હોત તો શું થાત’ એમ વાતો કરતા કરતા ઘર ભણી હંકારી ગયા.’

‘ઓહ... વ્હોટ અ હોરિબલ સ્ક્રીપ્ટ!!!’

‘સર.. આ સ્ક્રીપ્ટ નથી.. ખરેખર આમ જ બન્યું હતું’

‘હું તમારી નહિ... ઉપરવાળાની સ્ક્રિપ્ટની વાત કરું છું.’

‘ઓહ.. યસ. ઇટ વોઝ ઇનડીડ હોરિબલ.’

‘ઓકે.. મિ. મહેતા... ઈટ વોઝ કવાઈટ ઈન્ટરેસ્ટિંગ ટુ મીટ યુ એન્ડ આઈ રીયલી એન્જોય્ડ યોર ગોલ્ડન મોમેન્ટસ. હું અત્યારે તાત્કાલિક તો કંઇ જણાવી નાં શકું. બટ ફોર શ્યોર... વીલ ઇન્ફોર્મ યુ વેરી સૂન, ઓલ ધ બેસ્ટ.’

‘થેન્ક્સ અ લોટ સર.... વીલ બી માય ગ્રેટ પ્લેઝર.....’

હવે બાકીનું સમય પર છોડીને નિશીથ સિન્હાસાહેબની કેબિનમાંથી બહાર નીકળે છે... એ છતાંય કેબીનની બહાર નિકળતાં અનેક વિચારો એના મનને ઘેરી વળે છે. શું હવે ફરીથી આ સ્થળે આવવાનું બનશે? આજે જે ચહેરાઓ જોયા એ બધા મારા માટે રોજબરોજના સાથી બનશે કે પછી અહીંથી બહાર પગ મુક્યા પછી આ બધા હમેશાં મારા માટે ભૂતકાળ બની જશે? બસ,... એક વાત નક્કી છે. આજનો દિવસ મારા ભવિષ્યની દિશા બદલવાની ભરપૂર સંભાવનાઓ લઈને બેઠેલો છે... નિશીથના મનમાં આમ વિચારો ચાલી રહ્યા હતા ત્યાંતો ત્યાં તો એ...એ.....એ.....એ.....એ.... મિસ્ટર?..... જરા સંભલ કે........ નિશીથે વિચારો પર બ્રેક મારી...

ક્રમશ:......