Wrong Number books and stories free download online pdf in Gujarati

Wrong Number

રોંગ નંબર

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


રોંગ નંબર

ફોઈના પલંગ પાસેનો ફોન અચાનક રણક્યો અને તે ચમકી ગઈ, ‘કોણ વળી હશે આ ફોન પર ?’

ખરેખર તો એ ફોન શોભાનો હતો. દમલેલ વૃદ્ધ ફોઈના પલંગ પાસે પડ્યો રહેતો. તે બહાર ગઈ હોય ત્યારે ક્યારેક ફોઈને સૂચના આપવા એનો ઉપયોગ થતો.

અને સૂચના પણ લગભગ એક જ હોય, ફોઈને જણાવવાની. ‘ફોઈ... આજે મારે આવતાં મોડું થશે. તમે નિરાંતે જંપી જજો. મારી પાસે બીજી ચાવી છે. ચિંતા ન રાખશો. દવા લઈ લેજો...’ વગેરે વગેરે. અને ફોઈ પણ એ જ લહેકાથી તેને કહે : ‘તિલુ... આટલું બધું કામ કરશ તે માંદી પડીશ. મૂક તાંડી ઓવરટેમમાં...’

‘હા... ફોઈ... ચિંતા ન કરશો.’ તે ઉતાવળે વાત સમેટી લેતી.

તે ક્યારેક ગંભીર બની જતી. એ વિચારે કે વૃદ્ધ, અશક્ત, બીમાર ફોઈ તેની કેટલી ચિંતા કરતા હતા ? આખરે તેમના સિવાય તેની આવી ચિંતા કરવાવાળું કોણ હતું આ દુનિયામાં ?

તો ક્યારેક હસી પડતી. બિચારાં ફોઈ ! કેવું માની રહ્યાં હતાં તેના વિશે ? ઓવરટાઈમ... ! નોકરી !

તેને લાગતી આઘાતની લાગણીઓ બે પળમાં ખંખેરાઈ જતી અને તે પુનઃ તેના ચીલા પર ચાલવા લાગતી.

બસ, આટલો જ ઉપયોગ આ ફોનનો.

એક બીજું મૂલ્ય પણ હતું આ ફોનનું. તેના પિતાની અઢળક સંપત્તિમાંથી આ એક જ ચીજ બચી હતી તિલોત્તમા પાસે. એક રીતે એ તેના મૃત પિતાની યાદગીરી પમ હતી. તે એ ચીજ સાથે ભાવાત્મક રીતે જોડાયેલી હતી. બાકી તો શું ગુમાવ્યું, એની યાદી ખાસ્સી મોટી થતી હતી.

વિશાળ ફ્લૅટ, કારપેટ્‌સ, ફર્નિચર, ઝુમ્મરો, મોંઘી ક્રોકરી, વોલપીસ... એ બધું તિલોત્તમાની આંખ સામે જ વેચાઈ ગયું હતું. ફ્લૅટની બાલ્કની પણ કેવી મનોરમ્ય હતી ! સામે વિશાળ જળરાશિ ઘૂઘવે. સ્થિર આકાશ અને અસ્થિર દરિયો એકમેકમાં ઓગળી જાય.

કેવું સરસ દૃશ્ય ! સાંજે લગભગ એ બાલ્કનીમાં જ હોય. સમય હોય ત્યારે તેના વહાલા પપ્પા પણ સાથ આપે. મમ્મી તો તે દશ વર્ષની હતી ત્યારે જ...

તિલોત્તમાના કંઠમાં ડૂમો ભરાઈ જતો હતો.

મમ્મી બસ આમ જ ચાલી જાય ? અને એવી ચાલી જાય કે પછી પ્રતીક્ષા કરવા છાતં પણ પાછી ના આવે ? હવે શું તેના વિના જ....?

અધૂરું હતું તો તેની સખીએ તેને ચોંકાવી દીધી હતી.

‘જોજે, તિલુ... હવે તારા પપ્પા નવી મમ્મી લાવશે.’ તેણે વિશ્વાસપૂર્વક કહ્યું હતું.

‘નવી મમ્મી ? તો પછી મારી મમ્મીને પાછી કેમ ના લાવે ?’ તિલુએ પ્રતિભાવ આપ્યો હતો.

‘હવે તો એ ન આવે. નવી જ...’ પેલીએ ભારપૂર્વક કહ્યું હતું અને તે બેચેન બની ગઈ હતી. તેણે પંડિત સામે બેસીને ધાર્મિક વિધિઓ કરતા તેના પપ્પા સામે જોયું હતું.

એ ખ્યાલ ઘણા સમય સુધી મનમાં ઘર કરીને રહ્યો હતો પણ નવી મમ્મી તો આવી નહોતી. તેના પપ્પાએ તેને વહાલ કરીને કહ્યું હતું : ‘બેટા, મૂંઝાતી નહીં. હું જ તારી મમ્મી અને હું જ તારા પપ્પા.’

તેન ખૂબ સારું લાગ્યું હતું.

તિલોત્તમા પંદર વર્ષની થઈ ત્યારે તેને લાગ્યું હતું કે તેના પપ્પા નવી મમ્મી લાવ્યા હોત તો સારું હતું. તે કેટલી એકલવાયી બની ગઈ હતી ? પપ્પાને વળી કેટલી વાત કહેવાય ?

વીસ વર્ષની તિલોત્તમાને સમજ પડી હતી કે તે એકલી દુઃખી નહોતી, તેના પપ્પા પણ એટલા જ દુઃખી હતા. તેની સમજ વિકસી હતી. તેને વિચાર આવી ગયો હતો કે તેના ગયા પછી તો એ એકલા જને ! હા, તે પણ જવાની તો હતી જ ને ! તેણે લગ્ન તો કરવાનાં જ... !

તેને લગ્નના વિચાર આવ્યા હતા, પુરુષના વિચારો આવ્યા હતા અને થયું હતું કે જો તેના પપ્પા એ સમયે કોઈ સ્ત્રીને પરણ્યા હોત તો... આવી પીડા ના થાત ! તે સુખેથી... કોઈ વર સાથે પરણીને તેના ઘરે જાત. તેની એકબે સખીઓ તો પરણી ચૂકી હતી. અને તેમાંની એક તો... પ્રેગનન્ટ પણ હતી.

તે એકલી એકલી હસી પડી હતી.

તેના મિતભઆષી પિતા, તેની સાથે બાલ્કનીમાં બેસીને ઢગલોએક વાતો કરતા. ઘરમાં અઢળક સંપત્તિ હતી, પરંતુ આ વાતોનો આનંદ તો એથી પણ અધિક મૂલ્યવાન હતો - તિલુ માટે.

‘બેટા, કેમ ચાલે છે, તારી સ્ટડી ? એની પ્રૉબ્લેમ ? અને ડાન્સિંગ ?’ તે પ્રેમમાં લથપથ થઈ જતી.

ક્યારેક તે બન્નેય પોતપોતાની રીતે પેલી મૃત સ્ત્રીને યાદ કરી લેતાં હતાં, પણ પ્રગટપણે તો એકમેકને સુખી કરવા પ્રયત્ન કરતાં.

તિલોત્તમાને એ સમયે અશેષનો ભેટો થયો હતો. સાવ અકસ્માતની જેમ જ બન્ને મળી ગયાં હતાં. તિલોત્તમાની જેમ એ પણ અભાવો વચ્ચે જીવતો હતો. પ્રેમના અભાવે તે બન્નેને મેળવી દીધાં. જોકે આર્થિક ભેદનો ખ્યાલ તો પાછળથી આવ્યો હતો.

‘એમાં શું ?’ તિલોત્તમા વિચારતી હતી.

‘પપ્પા ધારે તો... અશેષને તેમના ધંધામાં ગોઠવી શકે. તે પણ ક્યાં ઓછો હોશિયાર છે ? પરણાય તો અશેષને... જ. કેવી સરસ વાતો કરે છે ! બસ, સાંભળ્યા જ કરું...’

‘પપ્પા માનશે ? કેમ ના માને ? મારી વાત ક્યારેય ટાળે છે ?’

તિલોત્તમા અશેષમય બની ગઈ હતી એ દિવસોમાં.

‘ના... એને ક્યાં કશી લાલચ છે. પપ્પાની સંપત્તિમાં ? કેવી પ્રેમાળ... વાતો ! મમ્મી હોત તો કેટલું સારું. તેને આ વાત તો કહી શકાત કે હું અશેષના...!’

છ માસ સુધી તેમના સંબંધો ચાલ્યા. એ દરમ્યાન તે અશેષના ચાલીના ઘરે પણ જઈ આવી. બે ખંડનું - અભાવોવાળું મકાન પણ તેને ગમ્યું હતું, કરાણ કે એમાં અશેષ રહેતો હતો. અશેષની ભાભી તો ભાવુક બની ગઈ હતી. તે જાણતી હતી કે અશેષને આ સ્ત્રી પસંદ કરતી હતી.

તેણે મનોમન કલ્પી પણ લીધું હતું : ‘એ લોકો અહીં થોડા રહેવાનાં હતાં ? મોટા માણસની પુત્રી આવી ચાલીમાં કેમ રહી શકે ?’

તેણે અશેષની કેટલીય વાતો કહી હતી - તિલોત્તમાને.

એક સાંજે તિલોત્તમા એ વાત તેના પપ્પા સાથે છેડવા ઇચ્છતી હતી. તેણે વિચારી રાખ્યું હતું કે તે કેવી રીતે રજૂઆત કરશે. એક પુત્રી આવી વાત તેના પિતાને કેવી રીતે કહે - એ વાતે તે થોડી અકળાતી પણ હતી.

પણ તે કહે એ પહેલાં, તેના પપ્પાએ જ તેને ટકોર કરી હતી, ‘તિલુ... તેં સારો મિત્ર શોધી કાઢ્યો છે. અશેષની મિત્રતા સારી પણ બીજું ન વિચારી શકાય. સંબંધો તો સરખા સ્તરના લોકો વચ્ચે જ હોય.’

‘પપ્પા... મારા વિચારો અલગ છે. મને અશેષ પસંદ છે.’ તિલોત્તમાએ તેની વાત મક્કમતાથી કહી હતી.

મનહરભાઈએ કશો પ્રત્યુત્તર નહોતો વાળ્યો. બસ, ઉદાસ થઈ ગયા હતા. એ ઉદાસી વિસ્તરી હતી.

બન્ને બાલ્કનીમાં બેસતાં ખરાં પણ ખાસ વાતચીતો થતી નહોતી. એમ લાગતું હતું કે તે ખૂબ જ પીડા અનુભવતા હતા, ભીતરમાં કશુંક ઘૂંટાતું હતું.

તિલોત્તમા અપરાધભાવ અનુભવવા લાગી. તેને કાયમ સુખી કરનાર પિતાને તેણે દુઃખી કર્યા. અરે ! કેટલું કર્યું પુત્રી માટે ? પરણી શકાય એ વયે ફરી પરણ્યા પણ નહીં. કદાચ પુત્રી આ વાત ન સ્વીકારી શકે એ ખ્યાલે જ તેમણે ભોગ આપ્યો હતો.

તેમને અશેષ માટે દુઃખી કરવા ? એ વાત તો સ્પષ્ટ હતી કે તેમને અશેષ પસંદ નહોતો જ. કેમ એમ હશે ?

તે વિચારતી જ રહી તેને પિતાને એમ કહેવું હતું કે તે એક વાર અશેષને મળી લે. તેને વિશ્વાસ હતો કે તેમનો પૂર્વગ્રહ ઓગળી જશે.

પણ તે કશું કહી ના શકી. બન્ને વચ્ચ મૌનની દીવાલ રચાઈ ગઈ. એક દિવસે અશેષની ભાભી તેને મળવા આવી હતી. તે એકલી જ હતી ફ્લૅટમાં.

‘બેન... તું માની જા. અશેષ પણ ક્યાં માને છે ? સંબંધ તો સરખેસરખા સાથે જ હોય. અમારી શી હેસિયત, તમારા પેંગડાામં પગ મૂકવાની ? તારા પપ્પા સાચું જ કહેતા હતા.’

તિલોત્તમા ભાંગી પડી. રોષ પણ જન્મ્યો. ઓહ ! પપ્પા ત્યાં પણ પહોંચી ગયા ? આવો અધમ રસ્તો અપનાવ્યો ?

મન નિયંત્રણમાં ના રહ્યું. ખૂબ ઝઘડી પપ્પા સાથે. ન જાણે, શું શું બોલી ગઈ.

મનહરભાઈએ તેને સાંભળી લીધી.

બસ... એ રાતે જ મનહરભાઈને હાર્ટઍટેક આવ્યો. તિલોત્તમા તો તેના ખંડમાં હતી, ધૂંધવાયેલી હતી. પપ્પાથી રિસાઈને બેઠી હતી.

સવારે પિતાના અચેતન દેહને જોઈ શકી.

રડી, કેટલું રડી, પણ હવે બધું જ અર્થહીન હતું. થોડા સમયનું મૌન આખા આયખાનું મૌન બની ગયું.

તિલોત્તમા સાવ એકલી થઈ ગઈ હતી. આઘાત પણ કેટલો લાગ્યો હતો ? તેણે જ... તેણે જ... પિતાને મારી નાખ્યા. પ્રબળ લાગણી જન્મી હતી પરિતાપની.

ચોથે દિવસે મનહરભાઈના પલંગના તકિયા નીચેથી એક ચિઠ્‌ટી મળી હતી. મનહરભાઈએ લખી હતી પુત્રી પર.

‘બેટા... મારે તને કોઈ પ્રતિષ્ઠિત પરિવારમાં પરણાવવી હતી. એક સ્વપ્ન લઈને જીવતો હતો. મને એ તારે લાયક લાગ્યો નહોતો. છતાં તારી ઇચ્છા હોય તો...’

વાક્ય અધૂરું હતું, કારણ કે મનહરભાઈ એ પછી લખી શક્યા નહોતા. તિલોત્તમા થીજી ગઈ હતી.

એ પછી તેને થીજી જવાના દિવસો આવ્યા હતા.

મનહરભાઈનો ધંધો તો ખોટમાં ચાલતો હતો, છેલ્લા કેટલાય સમયથી. તે મથી રહ્યા હતા - ટકી રહેવા માટે. ખોટનો આંકડો મોટો થતો જતો હતો. એ ઋણ પણ હવે તેણે ચૂકવવાનું હતું.

‘અશેષ તો માનતો નહોતો, પણ માંડ માંડ ચેન્નાઈની ટ્રેનમાં બેસાડ્યો. એ તો મામાજી સાથે હતા ને એટલે. તેમનો ધંધો સારો ચાલે છે. એ તો ગોઠવાઈ જશે. સાચું જ છે ને, એ તારે લાયક તો ના જ ગણાય ને ?’ તેણે અશેષની ભાભીની વાત સાંભળી લીધી.

પિતાની ધંધાની ખોટ ભરપાઈ કરવામાં ફ્લૅટ અને રાચરચીલું બધું જ વેચાઈ ગયું. એ તેને બરાબર યાદ આવ્યું હતું.

આ નાનકડો ફ્લૅટ તે માંડ માંડ ખરીદી શકી હતી. એ તો અતુલ હતો એટલે, બાકી આ કશું જ તે એકલી ના કરી શકત.

ઓળખીતાઓ અને સંબંધીઓ તો તરત જ ખસી ગયા હતા. બસ, એક અતુલ જ સાથે રહ્યો હતો.

દેવાનો ગંજ હતો જ્યારે મિલકતનો પનો ટૂંકો પડતો હતો. અતુલે જ સહુને સમજાવ્યા હતા, હપ્તે હપ્તે ચૂકવણી સ્વીકારવા માટે.

તિલોત્તમા શિખર પરથી ધરતી પર આવી ગઈ હતી. તેણે નાની વયમાં જ પૈસાનો એક ખેલ જોઈ લીધો હતો. પત્તાંના મહેલની માફક બધું જ જમીનદોસ્ત થઈ ગયું હતું.

એ દિવસો ખૂબ જ કપરા હતા.

તેની પાસે બચ્યો હતો - આ એક માત્ર ટેલિફોન.

એ પછી તેણ સર્વિસ માટે ફાંફાં મારવા શરૂ કર્યાં. જૂની ઓળખાણો તો અતંરાયરૂપ બનતી હતી.

‘અરે, બેટા તિલોત્તમા, તું સર્વિસ કરીશ ? એ કરતાં તો મનહરલાલનો બિઝનેસ જ ચાલુ રાખ્યો હોત તો ?’

‘તું મનહરલાલની ડોટર ? બહુ મજાનો માણસ. તારે સર્વિસ કરવી છે ? તારે લાયક તો કશું કામ નથી મારી પાસે.’

લેણદારો ઉતાવળા થતા હતા. એકની નજર તેના નાનકડા ફ્લૅટ પર હતી અને બીજાની ખુદ તિલોત્તમા પર. સાવ સમજાય એવી ભાષામાં વાતો થતી હતી.

અને છેવટે તેણે અતુલે વિચારેલો વિકલ્પ સ્વીકાર્યો હતો. થોડી ખચકાઈ હતી પણ અંતે તેણે મક્કમતાથી હા કરી હતી.

‘અતુલ... મને તારા પર વિશ્વાસ છે. બાકી તો સહુનો પરિચય થઈ ગયો.’

બસ, એ પછી તિલોત્તમા સમૂળગી બદલાઈ ગઈ। નવો અવતાર જ થયો જાણે કે ! ચાર વર્ષ થયા એ વાતને. શરૂઆતમાં ખૂબ જ તકલીફ પડી. તનને અને મનને. તેણે એ વિશે સાંભળ્યું જરૂર હતું પણ હવે તો તે ખુદ જ એક હતી. તે પોતે જ ધિક્કારતી હતી એવી સ્ત્રીને.

અતુલની આંગળી પકડીને... તે એક નવી દિશામાં ખાબકી. રાતે ઘરે આવીને રડી પડાયું. કેટલું વિચિત્ર હતું ? પાપ જ ગણાયને ! તેના પર્સમાં કેટલી નવી કડકડતી નોટો પડી હતી ?

પણ જોતજોતામાં તો પાવરધી થઈ ગઈ.

રોજ સવારે અતુલનો ફોન આવતો. તેના મોબાઈલ પર જરૂરી વાતો થઈ જતી. અતુલની સૂચના મુજબના નવા સરનામે. આ મહાનગરમાં જૂની તિલોત્તમાને કોણ ઓળખવાનું હતું. સહુને પોતાની જરૂરિયાતો હતી અને દરેક જરૂરિયાતોનુ મૂલ્ય હતું.

રાત પહેલાં તો ફ્લૅટ પર આવી જતી - દમલેલ ફોઈ પાસે.

‘નોકરી પતી ગઈ ?’ એ અહોભાવથી પૂછતાં.

‘હા... ફોઈ.’ તે યંત્રવત્‌ જવાબ આપીને સ્નાન કરવા બાથરૂમમાં પહોંચી જતી.

કાલે રાતે જ અતુલનો ફોન આવ્યો હતો, ત્યારે તાજી થઈને પથારીમાં આળોટતી હતી.

‘બેબી... એક ખુશખબર... અંકલની બધી જ લાયાબિલિટીઝ ભરપાઈ થઈ ગઈ છે - વ્યાજ સાથે. હવે તું મુક્ત છે. હવે બધું જ... પૂરેપૂરું તારું જ...’

તે ખરેખર ખુશખુશાલ થઈ ગઈ હતી. તેને તેની જાતનું ગૌરવ થતું. અત્યાર સુધી તો નૈતિકતા અંચળો ફગાવીને બેઠી હતી.

એ રાતે તેણે પોતાના વિશે વિચારો કર્યા.

તે ક્યાંથી ક્યાં પહોંચી ગઈ હતી ? દિશા જ બદલાઈ ગઈ હતી. તેણે પુરુષને ખૂબ જ નિકટતાથી ઓળખી લીધો હતો. તે એના દરેક હાવભાવો અને પેંતરાઓ જાણતી હતી. તે પુરુષને જોતી અને તરત જ એ મપાઈ જતો હતો. શબ્દોનું મૂલ્ય હતું, સમયનું મૂલ્ય હતું.

સમયે જ તેને ખૂબ શીખવ્યું હતું. અતીત વિશે વિચારવાનો અવકાશ જ ક્યાં મળતો હતો ? અને તેની ઇચ્છા પણ ક્યાં હતી ?

ફોઈ અને તે એકમેકના આધાર હતાં. અતુલ સારો પુરુષ હતો. બસ... એ તેની દુનિયા.

એ રાતે તેને મા યાદ આવી હતી. પપ્પા યાદ આવી ગયા હતા. જૂની બાલ્કની યાદ આવી હતી. સામેનો ઘૂઘવાટ કરતો દરિયો, નીલું આકાશ... અને... અશેષ પણ.

તરત જ વિચારોની દિશા બદલાઈ હતી. તે કેટલું કમાઈ હતી ? દેવાનો ગંજ ખડકાયો હતો એ આજે ચૂકવાઈ ગયો હતો. તે મુક્ત હતી. હવે પછી જે મળવાનું હતું એ પૂરેપૂરું તેનું જ રહેવાનું હતું.

અચાનક એક ચમકારો થયો તેના ચિત્તમાં.

શું તે આમ જ કર્યા કરશે ? ક્યાં સુધી ? શું આવી જ મુદા જેવી જિંદગી જીવ્યા કરશે ? ના, તેને કશો અણગમો કે છોછ રહ્યાં નહોતાં. તે પાવરધી બની ગઈ હતી, તેના કામમાં. ક્યારેક હસી પડતી હતી તો ક્યારેક અકારણ ઉદાસ બની જતી હતી. કોઈ મધરાતે તો એવી ઇચ્છા થતી કે - લાવને, ફોઈને વળગી સૂઈ જાઉં.

સવારે તે મોડી ઊઠી હતી. શરીરમાં આળસ હતી. થયા કરતું હતું કે અતુલનો ફોન આવવો જ જોઈએ. એની પ્રતીક્ષા કરતી ઝટપટ તૈયાર થતી હતી ત્યાં જ ફોઈ પાસેનો ફોન રણક્યો હતો.

કોણ લેણદાર તો બાકી રહી ગયો નહિ હોયને ? ગઈ કાલે જ હિસાબો ચૂકતે કર્યા હતા અને હળવાશ અનુભવતી હતી.

તેણે ત્વરાથી રિસીવર કાને માંડ્યું અને એક શ્વાસે બોલી ગઈ... ‘હુ ઈઝ...’ સામેથી એથી પણ વિશેષ ઉમળકા સાથે બોલાયું : ‘કોણ... તિલ્લી ?’

અરે, આ તો અશેષ...! તેને તિલ્લી કહીને બોલાવનારી વ્યક્તિ એક જ હતી. આટલા માત્ર એક સંબોધનથી તે લીલીછમ થઈ ગઈ. તેનું હૃદય ધડકવા લાગ્યું - એ અવાજ જેટલી જ ત્વરાથી.

અશેષ સાથેનો આખો અતીત તેને વીંટળાઈ વળ્યો.

‘બોલને, તિલ્લી. છેક ચેન્નઈથી તને મળવા આવ્યો છું. માત્ર મળવા જ નહીં, તું ઇચ્છે તો તારી સાથે જીવન જોડવા આવ્યો છું. મને ભાભીએ તારી કમનસીબી વિસે જણાવ્યું છે. તિલ્લી, મેં તને ક્યારેય મારાથી અલગ કરી નથી. અને હવે તિલ્લી, મેં તને મેળવવાની લાયકાત પણ મેળવી લીધી છે. મારો સ્વતંત્ર બિઝનેસ ઈશ્વરકૃપાથી સરસ ચાલે છે. સરસ ફ્લૅટ પણ ખરીદ્યો છે - હવે એની સાજસજાવટ તારે કરવાની છે. તિલ્લી, બોલને - હું અશેષ...!’

અશેષ શ્વાસ લેવા રોકાયો.

તિલોત્તમા પ્રથમ આનંદમાં સરી ગઈ અને પછી ક્ષોભ અનુભવવા લાગી. તે વિચારતી હતી - તે ક્યાં લાયક હતી અશેષ માટે ? તે લાયક હતો - તિલ્લી માટે પણ તેની તિલ્લી તો... તનથી અને મનથી...

તેના દેહસોંસરવું લખલખું ફરી વળ્યું. તેણે અવાજને ઘોઘરો કરીને કહી દીધું : રોંગ નંબર.

(નવનીત-સમર્પણ)